વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es21 પાન ૧૪૮-૧૬૦
  • ડિસેમ્બર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૧
  • મથાળાં
  • બુધવાર, ડિસેમ્બર ૧
  • ગુરુવાર, ડિસેમ્બર ૨
  • શુક્રવાર, ડિસેમ્બર ૩
  • શનિવાર, ડિસેમ્બર ૪
  • રવિવાર, ડિસેમ્બર ૫
  • સોમવાર, ડિસેમ્બર ૬
  • મંગળવાર, ડિસેમ્બર ૭
  • બુધવાર, ડિસેમ્બર ૮
  • ગુરુવાર, ડિસેમ્બર ૯
  • શુક્રવાર, ડિસેમ્બર ૧૦
  • શનિવાર, ડિસેમ્બર ૧૧
  • રવિવાર, ડિસેમ્બર ૧૨
  • સોમવાર, ડિસેમ્બર ૧૩
  • મંગળવાર, ડિસેમ્બર ૧૪
  • બુધવાર, ડિસેમ્બર ૧૫
  • ગુરુવાર, ડિસેમ્બર ૧૬
  • શુક્રવાર, ડિસેમ્બર ૧૭
  • શનિવાર, ડિસેમ્બર ૧૮
  • રવિવાર, ડિસેમ્બર ૧૯
  • સોમવાર, ડિસેમ્બર ૨૦
  • મંગળવાર, ડિસેમ્બર ૨૧
  • બુધવાર, ડિસેમ્બર ૨૨
  • ગુરુવાર, ડિસેમ્બર ૨૩
  • શુક્રવાર, ડિસેમ્બર ૨૪
  • શનિવાર, ડિસેમ્બર ૨૫
  • રવિવાર, ડિસેમ્બર ૨૬
  • સોમવાર, ડિસેમ્બર ૨૭
  • મંગળવાર, ડિસેમ્બર ૨૮
  • બુધવાર, ડિસેમ્બર ૨૯
  • ગુરુવાર, ડિસેમ્બર ૩૦
  • શુક્રવાર, ડિસેમ્બર ૩૧
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૧
es21 પાન ૧૪૮-૧૬૦

ડિસેમ્બર

બુધવાર, ડિસેમ્બર ૧

‘ચૂપ રહેવાનો સમય હોય છે.’— સભા. ૩:૧, ૭.

જો આપણે બોલવા પર લગામ નહિ રાખીએ તો મોટી મુશ્કેલી આવી શકે છે. દાખલા તરીકે, આપણે એવી વ્યક્તિને મળીએ છીએ, જેના દેશમાં આપણા કામ પર પ્રતિબંધ છે. તેના દેશમાં કઈ રીતે કામ થાય છે એની પૂરેપૂરી માહિતી જણાવવાનું તેને દબાણ નહિ કરીએ. કદાચ એ જાણવા પાછળનો આપણો ઇરાદો સારો હોય, કારણ કે આપણે બધા એકબીજાને પ્રેમ કરીએ છીએ. આપણે ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવા માંગીએ છીએ, એટલે તેઓ કઈ રીતે કામ કરે છે અને કઈ મુશ્કેલીઓનો સામનો કરે છે એ જાણવાની આપણને ઇચ્છા થાય. પણ એવા સમયે આપણે ખાનગી માહિતી જણાવવા કોઈને દબાણ કરીશું તો શું થશે? એનાથી દેખાય આવશે કે આપણને એ વ્યક્તિ માટે અને જે ભાઈ-બહેનો તેના પર આધાર રાખે છે, તેઓ માટે પ્રેમ નથી. પ્રતિબંધ છે એવા દેશોમાં રહેતાં ભાઈ-બહેનોની મુશ્કેલીઓમાં વધારો કરવાનું આપણે ક્યારેય નહિ ચાહીએ. એવી જ રીતે, પ્રતિબંધ છે એવા દેશોમાં રહેતાં ભાઈ-બહેનો પોતાના દેશમાં કઈ રીતે સેવાકાર્ય થાય છે, એ વિશે બીજાઓને જણાવતા નથી. w૨૦.૦૩ ૨૧-૨૨ ¶૧૧-૧૨

ગુરુવાર, ડિસેમ્બર ૨

“અને સર્પે સ્ત્રીને કહ્યું, કે તમે નહિ જ મરશો.”—ઉત. ૩:૪.

ઈશ્વરે આદમ-હવાને બનાવ્યા ત્યારે તે ચાહતા ન હતા કે તેઓ મરણ પામે. કાયમ માટે જીવવા તેઓએ યહોવાની આજ્ઞા પાળવાની હતી. તેમણે આજ્ઞા આપી હતી, “ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.” (ઉત. ૨:૧૬, ૧૭) એ આજ્ઞા કેટલી સહેલી હતી! પણ શેતાને આદમ-હવાને ભમાવ્યા. સાપ દ્વારા તેણે હવાને જે કહ્યું એ આજની કલમમાં જોવા મળે છે. હવાએ શેતાનની વાત સાચી માની લીધી. તેણે ફળ ખાધું અને તેના પતિને પણ આપ્યું. (ઉત. ૩:૬) આમ, માણસજાતમાં પણ પાપ અને મરણ ઊતરી આવ્યું. (રોમ. ૫:૧૨) ઈશ્વરે કહ્યું હતું એ સાચું પડ્યું. આદમ અને હવા મરણ પામ્યા. પણ શેતાને મરણ વિશે જૂઠાણું ફેલાવવાનું ચાલુ જ રાખ્યું. સમય જતાં, તેણે બીજાં જૂઠાણાં પણ ફેલાવ્યાં. એમાંનું એક જૂઠાણું છે કે શરીર મરે છે પણ આત્મા અમર છે, એ તો બીજી કોઈ જગ્યાએ જાય છે. એ જૂઠાણાંમાં બીજી વાતો પણ ઉમેરાઈ છે, જેમાં આજ સુધી કેટલાય લોકો ફસાયા છે.—૧ તિમો. ૪:૧. w૧૯.૦૪ ૧૪-૧૫ ¶૩-૪

શુક્રવાર, ડિસેમ્બર ૩

“જ્યારે હું બાળક હતો, ત્યારે બાળકની પેઠે બોલતો હતો, બાળકની પેઠે વિચારતો હતો, બાળકની પેઠે સમજતો હતો.”—૧ કોરીં. ૧૩:૧૧.

બાળકોમાં એવી ક્ષમતા હોતી નથી કે તેઓ ખતરાને પૂરેપૂરો પારખી શકે અને એનાથી બચી શકે. એટલે ખરાબ વ્યક્તિ સહેલાઈથી બાળકોને ભોળવીને પોતાનો શિકાર બનાવે છે. તેઓ બાળકોને છેતરવા આવાં જૂઠાણાં વાપરે છે: એમાં બાળકનો જ વાંક છે; એ વિશે કોઈને જણાવવું નહિ; જો બાળક કોઈને જણાવશે તો તે માનશે નહિ કે મદદ કરશે નહિ; એ તો મોટાઓ અને બાળકો વચ્ચેના પ્રેમની સાબિતી છે. એવાં જૂઠાણાં બાળકોના વિચારો પર ઊંડી છાપ છોડે છે. તેઓને સમજતા વર્ષો લાગી જાય છે કે, એ બધું જૂઠું હતું. બીજાઓ સાથેના સંબંધ પર એની ખરાબ અસર પડે છે. તેઓ સહેલાઈથી મિત્રો બનાવી શકતા નથી. અરે, ઈશ્વર સાથેનો સંબંધ પણ કેળવી શકતા નથી. ભલે તેઓનો વાંક ન હોય, તોપણ તેઓ પોતાને દોષી ગણે છે. તેઓને લાગે છે કે પ્રેમ અને આશ્વાસન મેળવવા તેઓ લાયક નથી. શોષણનો ભોગ બનનારાં બાળકો વર્ષો સુધી એ વેદના સહન કરે છે. આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છે. શાસ્ત્ર જણાવે છે કે, છેલ્લા દિવસોમાં લોકો “પ્રેમભાવ વગરના” હશે તથા ‘દુષ્ટ માણસો અને ધુતારાઓ વધારે ને વધારે ખરાબ થતા જશે.’—૨ તિમો. ૩:૧-૫, ૧૩. w૧૯.૦૫ ૧૫ ¶૭-૮

શનિવાર, ડિસેમ્બર ૪

“આ રીતે તમે ખ્રિસ્તના નિયમને પૂરી રીતે પાળો છો.”—ગલા. ૬:૨.

ઈસુએ કઈ રીતે શીખવ્યું? તેમણે લોકોને પોતાની વાતોથી શીખવ્યું. તેમણે ઈશ્વર વિશેનું સત્ય શીખવ્યું અને જીવનનો સાચો હેતુ જણાવ્યો. એટલે તેમના શબ્દો શક્તિશાળી હતા. તેમણે એ પણ શીખવ્યું કે મનુષ્યોની બધી મુશ્કેલીઓનો ઉકેલ ઈશ્વરનું રાજ્ય છે. (લુક ૨૪:૧૯) ઈસુએ લોકો માટે એક સારો દાખલો બેસાડ્યો હતો. પોતાના જીવનથી તેમણે બતાવી આપ્યું કે, શિષ્યોએ કઈ રીતે જીવવું જોઈએ. (યોહા. ૧૩:૧૫) ઈસુએ ક્યારે શીખવ્યું? પૃથ્વી પરના પોતાના સેવાકાર્ય દરમિયાન. (માથ. ૪:૨૩) સજીવન થયા પછી પણ તેમણે શિષ્યોને શીખવ્યું હતું. દાખલા તરીકે, આશરે ૫૦૦થી વધારે લોકોને તે દેખાયા હતા. એ વખતે ઈસુએ તેઓને આજ્ઞા આપી: “શિષ્યો બનાવો.” (માથ. ૨૮:૧૯, ૨૦; ૧ કોરીં. ૧૫:૬) સ્વર્ગમાં ગયા પછી પણ ઈસુ મંડળના શિર તરીકે શિષ્યોને માર્ગદર્શન આપતા રહ્યા. જેમ કે, ખ્રિસ્તે આશરે ઈ.સ. ૯૬માં પ્રેરિત યોહાનને સૂચના આપી કે, તે અભિષિક્ત ખ્રિસ્તીઓને ઉત્તેજન અને સલાહ આપે.—કોલો. ૧:૧૮; પ્રકટી. ૧:૧. w૧૯.૦૫ ૩ ¶૪-૫

રવિવાર, ડિસેમ્બર ૫

‘જે વધારે મહત્ત્વનું છે એ પારખી લો.’—ફિલિ. ૧:૧૦.

આજની દુનિયામાં રોજી-રોટી મેળવવા ખૂબ મહેનત કરવી પડે છે. મોટા ભાગનાં ભાઈ-બહેનો કુટુંબનું ભરણપોષણ કરવા ઘણા કલાકો કામ કરે છે. બીજા કેટલાંક ભાઈ-બહેનો નોકરીએ આવવા-જવા કલાકો મુસાફરી કરે છે. ઘણા લોકોએ ગુજરાન ચલાવવા તનતોડ મહેનત કરવી પડે છે. દિવસના અંતે તેઓ થાકીને લોથપોથ થઈ જાય છે! એટલે અમુક ભાઈ-બહેનોને અભ્યાસ કરવાનું મન થતું નથી. બાઇબલ અને સાહિત્યનો અભ્યાસ કરવા સમય કાઢવો ખૂબ જરૂરી છે. યહોવા સાથે સારો સંબંધ કેળવવા અને હંમેશ માટેનું જીવન મેળવવા અભ્યાસ કરવો ખૂબ મહત્ત્વનું છે. (૧ તિમો. ૪:૧૫) અમુક લોકો વહેલા ઊઠીને અભ્યાસ કરે છે. કારણ કે એ સમયે ઘરમાં શાંત વાતાવરણ હોય છે. પૂરતો આરામ મળ્યો હોવાથી સવારે મન તાજગી અનુભવતું હોય છે. કેટલાક લોકો બાઇબલ તથા સાહિત્યનો અભ્યાસ અને મનન કરવા દિવસના અંતે થોડો સમય કાઢે છે. w૧૯.૦૫ ૨૬ ¶૧-૨

સોમવાર, ડિસેમ્બર ૬

“આ દુનિયાની અસર પોતાના પર થવા દેશો નહિ, પણ પોતાના વિચારોમાં ફેરફાર કરો.”—રોમ. ૧૨:૨.

એવા ફેરફારો કંઈ રાતોરાત થઈ જતા નથી. પોતાની જાતે પણ થઈ જતા નથી. બની શકે કે આપણે વર્ષો સુધી ‘ઘણા પ્રયત્નો’ કરવા પડે. (૨ પીત. ૧:૫) આપણે પોતાને બદલવા જોઈએ, વિચારો બદલવા બનતું બધું કરવું જોઈએ. પહેલું પગલું છે, પ્રાર્થના. આપણે એક ગીતના લેખકની જેમ પ્રાર્થના કરવી જોઈએ. તેમણે કહ્યું: ‘હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્‍ન કરો; અને મારા મનને નવું અને દૃઢ કરો.’ (ગીત. ૫૧:૧૦) પહેલા તો આપણે સમજવું જોઈએ કે, આપણે મનના વિચારો બદલવાની જરૂર છે. પછી એમ કરવા યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગવી જોઈએ. બીજું પગલું છે, મનન. આપણે દરરોજ ધ્યાનથી બાઇબલ વાંચીએ. મનન કરવા સમય કાઢવો જોઈએ અને જે વાંચીએ એના પર ઊંડો વિચાર કરવો જોઈએ. આપણાં વિચારો અને લાગણીઓમાં કઈ રીતે ફેરફાર કરી શકીએ, એના પર ધ્યાન આપીએ. (ગીત. ૧૧૯:૫૯; હિબ્રૂ. ૪:૧૨; યાકૂ. ૧:૨૫) આપણે પોતાના દિલમાં તપાસ કરીએ કે દુનિયાના વિચારો તો નથી આવી ગયાને! આપણે સંકોચ રાખ્યા વગર સ્વીકારવું જોઈએ કે આપણામાં કેવી નબળાઈઓ છે. એને દૂર કરવા આપણે સખત મહેનત કરવી જોઈએ. w૧૯.૦૬ ૮ ¶૧; ૧૦ ¶૧૦; ૧૨ ¶૧૧-૧૨

મંગળવાર, ડિસેમ્બર ૭

“તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો.”—એફે. ૫:૧૬.

નિર્ણય લો ત્યારે, કામ પૂરું કરવા એક સમય નક્કી કરો અને એને વળગી રહો. કામ કરવા માટે સૌથી સારો સમય આવે, એવી રાહ ન જુઓ. કારણ કે આ દુનિયામાં સૌથી સારો સમય કદી આવશે નહિ. (સભા. ૧૧:૪) ઓછાં મહત્ત્વનાં કામ પાછળ વધારે સમય-શક્તિ બગાડશો નહિ. નહિતર વધારે મહત્ત્વનાં કામો માટે તમારી પાસે સમય-શક્તિ બચશે નહિ. (ફિલિ. ૧:૧૦) કામ કરવા એવો સમય પસંદ કરો, જ્યારે બીજાઓ તમને ખલેલ ન પહોંચાડે. બીજાઓને જણાવો કે પૂરા મનથી કામ કરવા તમને સમય જોઈએ છે. કદાચ તમારો ફોન બંધ રાખી શકો અને ઇ-મેઇલ કે સોશિયલ મીડિયા ચેક કરવાનું ટાળી શકો. સારાં પરિણામો વિશે વિચારીએ. તમારા નિર્ણયનું પરિણામ તો જાણે મુસાફરીની મંજિલ જેવું છે. જો તમારા દિલમાં મંજિલે પહોંચવાની ઇચ્છા હશે, તો તમે એ માટે કંઈ પણ કરશો. જો એક રસ્તો બંધ હોય તો કદાચ બીજા રસ્તેથી જશો. એવી જ રીતે, જે નિર્ણયો લીધા છે એનાં પરિણામો વિશે વિચારીશું, તો આપણે હિંમત હારીશું નહિ. પછી ભલેને આપણા રસ્તામાં ગમે એટલા ખાડા-ટેકરા આવે.—ગલા. ૬:૯. w૧૯.૧૧ ૩૦ ¶૧૭-૧૮

બુધવાર, ડિસેમ્બર ૮

“ઈશ્વરની વાણી . . . દિલના વિચારો તથા ઇરાદાઓને પારખી શકે છે.”—હિબ્રૂ. ૪:૧૨.

શેના આધારે બાપ્તિસ્માનો નિર્ણય લેવો જોઈએ? બાઇબલનો ધ્યાનથી અભ્યાસ કરવાથી તમને યહોવા વિશે ઘણું શીખવા મળ્યું છે, જેમ કે તેમનો સ્વભાવ અને તેમની કામ કરવાની રીત. યહોવા વિશે જે શીખ્યા એ તમારા દિલને સ્પર્શી ગયું, એટલે તેમના માટે પ્રેમ વધતો ગયો. યહોવા માટેનો પ્રેમ તમને બાપ્તિસ્માનો નિર્ણય લેવા મદદ કરશે. બાઇબલમાંથી જે સત્ય શીખ્યા એને તમે સ્વીકાર કર્યો છે. એના આધારે પણ તમે બાપ્તિસ્માનો નિર્ણય લો છો. યાદ કરો, ઈસુએ શિષ્યો બનાવવાની આજ્ઞા આપી ત્યારે શું કહ્યું હતું? (માથ. ૨૮:૧૯, ૨૦) ઈસુએ જણાવ્યું કે “પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે” બાપ્તિસ્મા લેવું જોઈએ. એનો શું અર્થ થાય? એ જ કે યહોવા, તેમના દીકરા ઈસુ અને પવિત્ર શક્તિ વિશે બાઇબલમાંથી તમે જે શીખ્યા એના પર ભરોસો કરવો જોઈએ. બાઇબલમાં આપેલાં સત્ય એટલાં શક્તિશાળી છે કે એ તમારા દિલને સ્પર્શી શકે છે. w૨૦.૦૩ ૯ ¶૮-૯

ગુરુવાર, ડિસેમ્બર ૯

“મનમાની કરનારાઓને ચેતવણી આપો, . . . નબળા લોકોને સાથ આપો, બધા સાથે ધીરજથી વર્તો.”—૧ થેસ્સા. ૫:૧૪.

યહોવાએ ફક્ત દૂતો મોકલીને લોતને ચેતવણી જ ન આપી. પરંતુ, સદોમથી ભાગવા મદદ પણ કરી. (ઉત. ૧૯:૧૨-૧૪, ૧૭) એવી જ રીતે, આપણા ભાઈ કે બહેન મુશ્કેલીમાં પડવાના હોય, તો તેમને ચેતવણી આપીશું. બાઇબલની સલાહ લાગુ પાડવામાં તે મોડું કરતા હોય, તો આપણે ધીરજ રાખીશું. પેલા બે દૂતોની જેમ આપણે વર્તીશું. ભાઈને છોડી ન દઈએ, પણ મદદ કરતા રહીએ. ફક્ત શબ્દોથી નહિ, કાર્યોથી પણ મદદ કરીએ. (૧ યોહા. ૩:૧૮) કદાચ આપણે તેમનો હાથ પકડવો પડે, એટલે કે તેમને મળેલી સલાહ લાગુ પાડવા મદદ કરવી પડે. યહોવાએ ચાહ્યું હોત તો, લોતની ભૂલો પર ધ્યાન આપી શક્યા હોત. પણ યહોવાએ એવું કર્યું નહિ. તેમણે તો પીતર પાસે એવું લખાવ્યું કે લોત નેક માણસ હતા. કેટલી ખુશીની વાત કહેવાય કે યહોવા આપણી ભૂલોને માફ કરે છે! (ગીત. ૧૩૦:૩) યહોવા લોત સાથે જે રીતે વર્ત્યા, શું આપણે એવું કરી શકીએ? હા, જો આપણે ભાઈ-બહેનોના સારા ગુણો પર ધ્યાન આપીશું, તો તેઓ સાથે ધીરજથી વર્તી શકીશું. પછી, તેઓને સલાહ આપીશું તો, તેઓ પણ ખુશીથી એ સ્વીકારશે. w૧૯.૦૬ ૨૧ ¶૬-૭

શુક્રવાર, ડિસેમ્બર ૧૦

“દરેકે પોતાની જવાબદારીનો બોજો જાતે ઊંચકવો પડશે.”—ગલા. ૬:૫.

તમારા દેશમાં સરકાર પ્રતિબંધ મૂકે તો તમારા મનમાં અમુક વિચારો આવી શકે. તમને લાગે કે, કોઈ રોકટોક વગર યહોવાની ભક્તિ કરી શકું એવા દેશમાં મારે જતા રહેવું જોઈએ. એ વિશે તમારે નિર્ણય લેવાનો છે, બીજું કોઈ તમારા માટે નિર્ણય ન લઈ શકે. તમને નિર્ણય લેવા ક્યાંથી મદદ મળી શકે? પહેલી સદીના ખ્રિસ્તીઓના દાખલા પરથી. તેઓની પણ સતાવણી થઈ હતી. યરૂશાલેમમાં રહેતા શિષ્યો બીજી જગ્યાઓએ જતા રહ્યા. તેઓ યહુદિયા અને સમરૂનમાં વિખેરાઈ ગયા. અમુક તો છેક ફિનીકિયા, સાયપ્રસ અને અંત્યોખ જતા રહ્યા. (માથ. ૧૦:૨૩; પ્રે.કા. ૮:૧; ૧૧:૧૯) તેઓની બીજી વાર પણ સતાવણી કરવામાં આવી. પાઊલે નિર્ણય લીધો હતો કે, વિરોધ થઈ રહ્યો છે એ વિસ્તાર છોડીને તે બીજે જશે નહિ. (પ્રે.કા. ૧૪:૧૯-૨૩) એ અહેવાલોમાંથી આપણે શું શીખી શકીએ? બીજા દેશમાં જવું કે નહિ, એ નિર્ણય કુટુંબના શિરે લેવાનો છે. નિર્ણય લેતા પહેલાં, તેમણે પ્રાર્થના કરવી જોઈએ. કુટુંબના સંજોગો પર ધ્યાન આપવું જોઈએ. બીજે રહેવા જવાથી કુટુંબના સભ્યો પર પડનારી સારી અને ખરાબ અસરો વિશે વિચાર કરવો જોઈએ. બીજાઓ જે નિર્ણય લે એની આપણે ટીકા ન કરવી જોઈએ. w૧૯.૦૭ ૧૦ ¶૮-૯

શનિવાર, ડિસેમ્બર ૧૧

“હંમેશ માટેનું જીવન એ છે કે તેઓ તમને, એકલા ખરા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.”—યોહા. ૧૭:૩.

ઈસુએ આપણને આજ્ઞા આપી હતી, “જાઓ, સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો.” (માથ. ૨૮:૧૯) ઈસુએ શિષ્યોને કઈ આજ્ઞાઓ આપી હતી, એ આપણે તેને શીખવીએ. એ આજ્ઞા પ્રમાણે કઈ રીતે ચાલી શકીએ એ પણ શીખવીએ. બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે ચાલવા તેને મદદ કરીએ. અમુકને પોતાનાં વિચારો અને આદતો બદલવાં થોડા જ મહિના લાગે છે. જ્યારે કે, બીજાઓને એનાથી વધારે સમય લાગે છે. પેરુમાં રહેતા એક મિશનરીને ધીરજ રાખવા વિશે એક અનુભવ થયો હતો. તેમણે જણાવ્યું, ‘હું રાઉલનો બાઇબલ અભ્યાસ લેતો હતો. તેણે બે પુસ્તકનો અભ્યાસ પૂરો કર્યો હતો. પણ તેના જીવનમાં હજુ પણ ઘણા પડકારો હતા. તેનું લગ્‍નજીવન ડામાડોળ થતું હતું, તે ગાળો બોલતો હતો. તેના ખરાબ વલણને લીધે બાળકો પણ તેને માન આપતાં ન હતાં. તે નિયમિત સભામાં આવવા લાગ્યો, એટલે હું તેને અને તેના કુટુંબને મળવા જતો હતો. હું તેને પહેલી વાર મળ્યો એનાં ત્રણેક વર્ષ પછી તેણે બાપ્તિસ્મા લીધું.’ w૧૯.૦૭ ૧૫ ¶૩; ૧૯ ¶૧૫-૧૭

રવિવાર, ડિસેમ્બર ૧૨

“તમે સખત મહેનત કરો.”—લુક ૧૩:૨૪.

વિચારો કે ફિલિપીઓને પત્ર લખ્યો ત્યારે પ્રેરિત પાઊલના સંજોગો કેવા હતા? પાઊલ રોમમાં નજરકેદ હતા. તે છૂટથી ખુશખબર ફેલાવી શકતા ન હતા. છતાં તે મળવા આવનારાઓને સાક્ષી આપતા અને દૂરનાં મંડળોને પત્ર લખતા. આમ, તે યહોવાની ભક્તિમાં મંડ્યા રહ્યા. પાઊલ જાણતા હતા કે તેમણે પણ ઈસુની જેમ જીવનભર ઘણી મહેનત કરવાની છે. એટલે જ પાઊલે કહ્યું કે ઈશ્વરભક્તોનું જીવન તો દોડની હરીફાઈ જેવું છે. (૧ કોરીં. ૯:૨૪-૨૭) એક દોડવીરનું પૂરેપૂરું ધ્યાન અંતિમ રેખા પર હોય છે. એટલે તે પોતાનું ધ્યાન ફંટાવા દેતો નથી. દાખલા તરીકે, એક દોડ ચાલી રહી છે. દોડવીરો શહેરના રસ્તા પર દોડી રહ્યા છે. ત્યાં ઘણી દુકાનો છે અને ધ્યાન ફંટાય એવી બીજી બાબતો પણ છે. શું તમને લાગે છે કે દોડવીર ઊભો રહીને જોશે કે દુકાનમાં શું છે? ના, તે પોતાનું ધ્યાન ફંટાવા નહિ દે, ખરું ને! જીવનની દોડમાં આપણે પણ ધ્યાન ફંટાવા દેવું ન જોઈએ. આપણું બધું ધ્યાન દોડ પૂરી કરવા પર હોવું જોઈએ. પાઊલની જેમ આપણે સખત મહેનત કરવી જોઈએ. જો એમ કરીશું તો આપણે ઇનામ મેળવીશું! w૧૯.૦૮ ૩ ¶૪; ૪ ¶૭

સોમવાર, ડિસેમ્બર ૧૩

“તારા પોતાના પર અને તારા શિક્ષણ પર સતત ધ્યાન રાખજે. . . . કેમ કે એમ કરવાથી તું પોતાને અને તારા સાંભળનારાને બચાવી લઈશ.”—૧ તિમો. ૪:૧૬.

ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવવાનો નિર્ણય લીધા પછી, આપણે જીવનમાં ફેરફારો કર્યા અને નવી માન્યતાઓ અપનાવી. આપણાં સગાઓ માટે એ ફેરફારો સ્વીકારવા સહેલું હોતું નથી. મોટા ભાગે તેઓના ધ્યાનમાં પહેલી વાત એ આવે છે કે, આપણે તેઓ સાથે ધાર્મિક તહેવાર ઊજવતા નથી અને રાજકીય બાબતોમાં ભાગ લેતા નથી. શરૂઆતમાં અમુક સગાં કદાચ આપણા પર ગુસ્સે ભરાય. (માથ. ૧૦:૩૫, ૩૬) પણ આપણે હાર ન માનીએ. જો આપણી માન્યતાઓ વિશે તેમને સમજાવવાનું બંધ કરી દઈશું, તો એ જાણે એવું ગણાશે કે હંમેશ માટેના જીવન માટે આપણે તેમને લાયક ગણતા નથી. એ નક્કી કરવાનો હક યહોવાએ આપણને નહિ, પણ ઈસુને આપ્યો છે. (યોહા. ૫:૨૨) જો ધીરજ રાખીશું, તો સમય જતાં ખુશખબર સાંભળવાં સગાઓ તૈયાર થશે. આપણે પણ પ્રેમથી વર્તવું જોઈએ. કોઈ પણ જાતની બાંધછોડ કરવી ન જોઈએ, પછી ભલેને એના લીધે આપણે સહેવું પડે. (૧ કોરીં. ૪:૧૨ખ) યહોવાની ભક્તિ કરવાનો તમારો નિર્ણય એકદમ પાકો છે, એ વાત સમજતા સગાઓને સમય લાગી શકે. w૧૯.૦૮ ૧૭ ¶૧૦, ૧૩; ૧૮ ¶૧૪

મંગળવાર, ડિસેમ્બર ૧૪

“કેમ કે જે મને બળ આપે છે, તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.”—ફિલિ. ૪:૧૩.

આપણાં ઘણાં ભાઈ-બહેનો આજે અનેક કસોટીઓનો સામનો કરે છે. શું તમે પણ એવી કોઈ કસોટીમાંથી પસાર થયા છો? શું તમને કદી એવું થયું છે કે, “હું એકલા હાથે એ કસોટીનો સામનો કરી શક્યો ન હોત?” બની શકે કે, તમે ગંભીર બીમારીનો સામનો કર્યો હોય કે સગાં-વહાલાંના મરણનો કારમો ઘા સહ્યો હોય. એ કસોટી વિશે વિચારતા હશો ત્યારે, તમને લાગતું હશે કે યહોવાની મદદથી જ તમે એ દિવસો કાઢી શક્યા. યહોવાએ આપણને એવી પવિત્ર શક્તિ આપી છે, જે “માણસની શક્તિ કરતાં ઘણી ચઢિયાતી” છે. (૨ કોરીં. ૪:૭-૯) આ દુષ્ટ દુનિયાની અસરથી બચવા માટે પણ આપણને પવિત્ર શક્તિની જરૂર છે. (૧ યોહા. ૫:૧૯) વધુમાં, ‘દુષ્ટ દૂતોનાં લશ્કરોનો’ સામનો કરવા આપણને બળની જરૂર છે. (એફે. ૬:૧૨) યહોવાની પવિત્ર શક્તિ આપણને બળ પૂરું પાડે છે. એનાથી કસોટીઓમાં પણ જવાબદારીઓ પૂરી કરી શકીએ છીએ. કસોટીઓમાં પણ પ્રેરિત પાઊલ યહોવાની સેવામાં લાગુ રહી શક્યા. કારણ કે તે “ખ્રિસ્તની શક્તિ” પર આધાર રાખતા હતા.—૨ કોરીં. ૧૨:૯. w૧૯.૧૧ ૮ ¶૧-૩

બુધવાર, ડિસેમ્બર ૧૫

“જેણે મને જોયો છે, તેણે પિતાને પણ જોયા છે.”—યોહા. ૧૪:૯.

બાઇબલ એક રીતે અજોડ છે. એમાં ઈસુ વિશે અહેવાલો આપ્યા છે. ઈસુએ માણસજાત માટે જે કર્યું એની સાચી માહિતી બાઇબલમાં લખવામાં આવી છે. ઈસુ માટે પ્રેમ બતાવવાનું શીખશો તેમ યહોવા માટે તમારો પ્રેમ વધતો જશે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે પિતા યહોવા જેવા જ ગુણો બતાવ્યા હતા. તમે જેટલું વધારે ઈસુ વિશે શીખશો, એટલું વધારે યહોવાને ઓળખી શકશો. તેમના માટે તમારી કદર પણ વધશે. ઈસુનો વિચાર કરો. ગરીબ, બીમાર અને લાચાર લોકોની સમાજમાં કોઈ કિંમત ન હતી. પણ ઈસુએ એવા લોકો પર દયા બતાવી. ઈસુએ આપેલી સલાહનો પણ વિચાર કરો. એ સલાહ પાળવાથી તમે જીવનમાં સુધારો કરી શકો છો. (માથ. ૫:૧-૧૧; ૭:૨૪-૨૭) ઈસુએ માણસજાત માટે પોતાનું બલિદાન આપ્યું, જેથી પાપોની માફી મળે. એ વાત પર મનન કરવાથી ઈસુ માટે તમારો પ્રેમ વધતો જશે. (માથ. ૨૦:૨૮) ઈસુએ ખુશીથી તમારા માટે પોતાનો જીવ આપી દીધો. એ વિશે શીખ્યા પછી તમે પસ્તાવો કરવા અને યહોવા પાસે માફી માંગવા પ્રેરાશો. (પ્રે.કા. ૩:૧૯, ૨૦; ૧ યોહા. ૧:૯) ઈસુ અને યહોવા માટેનો પ્રેમ વધતો જશે તેમ, તમને એવા લોકોને મિત્રો બનાવવાનું ગમશે જેઓ ઈસુ અને યહોવાને પ્રેમ કરે છે. w૨૦.૦૩ ૫-૬ ¶૧૦-૧૨

ગુરુવાર, ડિસેમ્બર ૧૬

“જોકે યહોવા મહાન છે, તોપણ તે દીન જનો પર લક્ષ રાખે છે.”—ગીત. ૧૩૮:૬.

એક ભાઈને લાગે કે કોઈ સોંપણી માટે તો પોતે જ યોગ્ય છે. એક પત્ની કદાચ વિચારે કે, ‘ફલાણાં ફલાણાં કરતાં તો મારા પતિ એ સોંપણી માટે વધારે લાયક છે.’ જો આપણે નમ્ર હોઈશું, તો એવા ઘમંડી વિચારોથી દૂર રહીશું. બીજાઓને સોંપણી મળે ત્યારે કઈ રીતે વર્તવું જોઈએ, એ વિશે ચાલો મુસા પાસેથી શીખીએ. મુસાને ઇઝરાયેલી પ્રજાની આગેવાની લેવાની સોંપણી મળી હતી, જેની તે ખૂબ કદર કરતા હતા. યહોવાએ અમુક લોકોને મુસા સાથે કામ કરવાની સોંપણી આપી ત્યારે, મુસાને કેવું લાગ્યું? તેમણે ઈર્ષા કરી નહિ. (ગણ. ૧૧:૨૪-૨૯) તેમણે નમ્રતા બતાવી અને લોકોનો ન્યાય કરવાના કામમાં બીજાઓની મદદ લીધી. (નિર્ગ. ૧૮:૧૩-૨૪) આમ, મુશ્કેલીઓનો હલ લાવવા ઇઝરાયેલીઓને વધારે ન્યાયાધીશો મળ્યા. એટલે તેઓએ ન્યાય મેળવવા માટે વધુ રાહ જોવી પડતી નહિ. એ બતાવે છે કે મુસાને મન લોકો મહત્ત્વના હતા, પોતાનો લહાવો નહિ! આપણા માટે કેવો સુંદર દાખલો! યાદ રાખીએ કે, યહોવાની સેવામાં આપણા માટે આવડત કરતાં નમ્રતા વધારે મહત્ત્વની હોવી જોઈએ. w૧૯.૦૯ ૫-૬ ¶૧૩-૧૪

શુક્રવાર, ડિસેમ્બર ૧૭

“યહોવા વિશ્વાસુઓનું રક્ષણ કરે છે.”—ગીત. ૩૧:૨૩.

દુનિયાના દેશો કયા કારણોને લીધે મહાન બાબેલોન પર હુમલો કરશે, એ આપણે જાણતા નથી. તેઓ કદાચ કહે કે દુનિયાના ધર્મો શાંતિ લાવવામાં અડચણ ઊભી કરે છે. કે પછી તેઓ કહે કે દુનિયાના ધર્મો રાજકારણમાં માથું મારે છે. અથવા તેઓ કદાચ કહે કે એ ધાર્મિક સંગઠનોએ પુષ્કળ માલમિલકત ભેગી કરી છે. (પ્રકટી. ૧૮:૩, ૭) બધા દેશો જૂઠા ધર્મોનો નાશ કરશે ત્યારે, એના બધા સભ્યોનો કદાચ નાશ નહિ કરે. એવું લાગે છે કે દેશો દરેક ધાર્મિક સંગઠનનો નાશ કરશે. એ બધા સંગઠનનો નાશ થયા પછી એના સભ્યોને સમજાશે કે ‘અમારા જ ગુરુઓએ અમને દગો દીધો છે. તેઓ જે કહેતા હતા એવું તો કંઈ થયું નથી.’ એટલે કદાચ ધાર્મિક સંગઠનના એ સભ્યો એવું બતાવે કે ધર્મો સાથે તેઓને કોઈ લેવાદેવા નથી. મહાન બાબેલોનના નાશમાં બહુ વાર નહિ લાગે. (પ્રકટી. ૧૮:૧૦, ૨૧) ‘જેઓને યહોવાએ પસંદ કર્યા છે’ તેઓ માટે અને સાચા ધર્મને ટકાવી રાખવા માટે યહોવાએ વિપત્તિના ‘દિવસો ઓછા કરવાનું’ વચન આપ્યું છે.—માર્ક ૧૩:૧૯, ૨૦. w૧૯.૧૦ ૧૫ ¶૪-૫

શનિવાર, ડિસેમ્બર ૧૮

‘યુવાન સ્ત્રીઓને સલાહ આપ કે તેઓ બાળકોને ચાહે.’—તિત. ૨:૪.

માતાઓ, તમે નાના હશો ત્યારે તમારાં માબાપ કદાચ તમારા પર ગુસ્સે થયાં હશે અને કઠોર રીતે બોલ્યાં હશે. એટલે તમને પણ કદાચ એમ થાય કે બાળકો સાથે એવી જ રીતે વર્તવું જોઈએ. યહોવાનાં ધોરણો વિશે શીખ્યા પછી પણ કદાચ ધીરજ રાખવી અને શાંત રહેવું તમને અઘરું લાગતું હશે. ખાસ તો જ્યારે તમે થાકેલા હો અને બાળકો ધમાલ કરતા હોય ત્યારે. (એફે. ૪:૩૧) એવા સમયે યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગવી જોઈએ. (ગીત. ૩૭:૫) અમુક માતાઓ બાળકોને પ્રેમ કરે છે. પણ તેઓને શબ્દોમાં અને વર્તનમાં એ બતાવવું અઘરું લાગે છે. અમુક માતાઓનો ઉછેર એવા ઘરમાં થયો હોય, જ્યાં માબાપ અને બાળકો વચ્ચે ગાઢ સંબંધ હોતો નથી. જો તમારો ઉછેર એવા કુટુંબમાં થયો હોય, તો તમે તમારાં માબાપ જેવી ભૂલ કરતા નહિ. જે માતા યહોવાનું કહેવું માને છે, તેણે બાળકો માટેનો પ્રેમ શબ્દો અને વર્તનમાં બતાવવો જોઈએ. એમ કરવું તેના માટે શક્ય છે. તે એમ કરશે તો તેનું કુટુંબ વધારે સુખી થશે. w૧૯.૦૯ ૧૮-૧૯ ¶૧૯-૨૦

રવિવાર, ડિસેમ્બર ૧૯

“બે માલિકની ચાકરી કોઈ કરી શકતું નથી.”—માથ. ૬:૨૪.

એક વ્યક્તિ યહોવાની ભક્તિ કરવાની સાથે સાથે ધનદોલત મેળવવા પોતાનાં મોટાં ભાગનાં સમય-શક્તિ ખર્ચે તો શું થશે? એ તો જાણે બે માલિકની ચાકરી કરવા બરાબર છે. તે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી રહી નથી. લાવદિકિયા મંડળના અમુક લોકો બડાઈ હાંકતા કે, “હું ધનવાન છું અને મેં સંપત્તિ ભેગી કરી છે અને મને કશાની જરૂર નથી.” પણ યહોવા અને ઈસુની નજરે તેઓ ‘દુઃખી, લાચાર, ગરીબ, આંધળા અને નગ્‍ન’ હતા. શું તેઓ ધનવાન હતા એટલે ઈસુએ તેઓને ઠપકો આપ્યો હતો? ના, એટલે નહિ. તેઓ તો પૈસા પાછળ એટલા પાગલ થઈ ગયા હતા કે યહોવા સાથેનો તેઓનો સંબંધ ખતરામાં આવી ગયો હતો. (પ્રકટી. ૩:૧૪-૧૭) જો આપણને ખબર પડે કે આપણા દિલમાં પૈસા માટેનો મોહ જાગી રહ્યો છે, તો આપણા વિચારો સુધારવા તરત પગલાં ભરવાં જોઈએ. (૧ તિમો. ૬:૭, ૮) જો એમ નહિ કરીએ, તો આપણે બીજી વસ્તુઓને પ્રેમ કરવા લાગીશું અને યહોવા આપણી ભક્તિ નહિ સ્વીકારે. તેમની ઇચ્છા છે કે આપણે ફક્ત તેમની જ ભક્તિ કરીએ.—પુન. ૪:૨૪ w૧૯.૧૦ ૨૭-૨૮ ¶૫-૬

સોમવાર, ડિસેમ્બર ૨૦

“માણસો પવિત્ર શક્તિથી પ્રેરાઈને ઈશ્વર તરફથી બોલ્યા હતા.”—૨ પીત. ૧:૨૧.

“પ્રેરાઈને” માટેના ગ્રીક શબ્દનો આવો અર્થ થાય છે, “માર્ગદર્શન પામીને.” “માર્ગદર્શન પામીને” શબ્દો માટે જે ગ્રીક શબ્દો પાઊલે વાપર્યા હતા, એના જેવા જ શબ્દો લુકે પણ વાપર્યા હતા. (પ્રે.કા. ૨૭:૧૫) બાઇબલના એક નિષ્ણાત જણાવે છે: બાઇબલના લેખકો પવિત્ર શક્તિથી ‘પ્રેરાયા’ હતા એવું પીતરે લખ્યું ત્યારે, ‘તેમણે એવા શબ્દો વાપર્યા હતા, જેનાથી લોકોના મનમાં વહાણ હંકારવાનું શબ્દચિત્ર ઊભું થાય.’ પીતરે કહ્યું કે જેમ પવનથી ખેંચાઈને વહાણ પોતાની મંજિલે પહોંચે છે, તેમ પવિત્ર શક્તિથી પ્રેરાઈને બાઇબલના લેખકોએ પોતાનું કામ પૂરું કર્યું હતું. એ નિષ્ણાતે એમ પણ જણાવ્યું કે, બાઇબલના લેખકો એવા વહાણ જેવા છે, જેઓએ પોતાના ‘બધા સઢ ખોલીને તૈયાર રાખ્યા હતા.’ એટલે કે, પવિત્ર શક્તિ જે કામ કરવાની પ્રેરણા આપે એ કરવા તેઓ તૈયાર હતા. યહોવાએ જે જરૂરી હતું એ કર્યું. તેમણે “પવન” એટલે કે પવિત્ર શક્તિ પૂરી પાડી. બાઇબલના લેખકોએ પણ તેઓને સોંપવામાં આવેલું કામ પૂરું કર્યું. તેઓએ પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે એ કામ કર્યું. એવી જ રીતે, પવિત્ર શક્તિ આપણને કઈ રીતે મદદ કરે છે? નવી દુનિયામાં પહોંચીએ ત્યાં સુધી યહોવાની સેવામાં લાગુ રહેવા પવિત્ર શક્તિ મદદ કરે છે, પછી ભલે જીવનમાં ગમે એવી કસોટીઓ આવે. w૧૯.૧૧ ૯-૧૦ ¶૭-૯

મંગળવાર, ડિસેમ્બર ૨૧

“જો તું સંકટને દિવસે નાહિમ્મત થઈ જાય, તો તારું બળ થોડું જ છે.”—નીતિ. ૨૪:૧૦.

અમુક વાર તકલીફોને લીધે આપણે નિરાશ થઈ જઈએ. પણ આપણે ચોવીસે કલાક તકલીફો વિશે જ વિચાર્યા ન કરવું જોઈએ. જો એના વિશે વિચાર્યા કરીશું તો યહોવાએ આપેલી સુંદર ભાવિની આશા પરથી આપણી નજર હટી જશે. (પ્રકટી. ૨૧:૩, ૪) આપણે કદાચ એટલા નિરાશ થઈ જઈએ કે, નબળા પડી જઈએ અને યહોવાની ભક્તિ કરવાનું છોડી દઈએ. ચાલો અમેરિકામાં રહેતાં એક બહેનનો દાખલો જોઈએ. તેમના પતિ ઘણા બીમાર છે. આપણે જોઈશું કે અઘરા સંજોગોમાં પણ બહેન કઈ રીતે અડગ શ્રદ્ધા બતાવી રહ્યાં છે. તેમણે લખ્યું: ‘અઘરા સંજોગોને લીધે અમુક વાર અમે ચિંતા અને નિરાશાના વાદળોમાં ઘેરાય જઈએ છીએ પણ અમારી આશા મજબૂત છે. આપણી શ્રદ્ધા મજબૂત કરવા અને આપણને ઉત્તેજન આપવા યહોવા જે બધું પૂરું પાડે છે, એ માટે હું ખૂબ આભારી છું. એ સલાહ અને ઉત્તેજનની અમને બહુ જરૂર હોય છે. એનાથી અમને યહોવાની સેવામાં લાગુ રહેવા મદદ મળે છે.’ બહેનના અનુભવથી શીખવા મળે છે કે, આપણે નિરાશાનો સામનો કરી શકીએ છીએ. કઈ રીતે? યાદ રાખીએ, આપણી મુશ્કેલીઓ તો શેતાન તરફથી એક કસોટી છે. યહોવા આપણને દિલાસો આપશે, એવો ભરોસો રાખીએ. યહોવા ભક્તિને લગતો જે ખોરાક પૂરો પાડે છે, એની કદર કરીએ. w૧૯.૧૧ ૧૬ ¶૯-૧૦

બુધવાર, ડિસેમ્બર ૨૨

‘વિશ્વાસુ મનનો માણસ વાત છાની રાખે છે.’—નીતિ. ૧૧:૧૩.

બાઇબલમાં આપેલો આ સિદ્ધાંત વડીલોએ ચોક્કસ લાગુ પાડવો જોઈએ. વડીલ જાણે છે કે મંડળનાં ભાઈ-બહેનોની ખાનગી વાત પોતાની પત્નીને ન જણાવવી જોઈએ. જો તે એ વાત પત્નીને જણાવી દેશે, તો તેમના પરથી ભાઈ-બહેનોનો ભરોસો ઊઠી જશે. એટલું જ નહિ, મંડળમાં એ વડીલની ખોટી છાપ પડશે. મંડળના જવાબદાર ભાઈઓ “બે બાજુ બોલનારા” કે કપટથી વાત કરનારા ન હોવા જોઈએ. (૧ તિમો. ૩:૮, ફૂટનોટ) એટલે કે, તેઓ બીજાઓને છેતરશે નહિ કે તેઓ વિશે ચાડી-ચુગલી કરશે નહિ. જો વડીલ પોતાની પત્નીને પ્રેમ કરતા હશે તો ખાનગી માહિતી તેને જણાવશે નહિ. મંડળમાં વડીલની સારી છાપ રહે માટે પત્ની મદદ કરી શકે છે. તે પોતાના પતિને ખાનગી વાત જણાવવા દબાણ કરશે નહિ. એમ કરીને તે પોતાના પતિને ટેકો આપે છે. એટલું જ નહિ, તેના પતિને ખાનગી વાત જણાવનાર ભાઈ કે બહેન માટે પણ આદર બતાવે છે. સૌથી મહત્ત્વનું તો, મંડળમાં સંપ અને શાંતિનો માહોલ જાળવવા તે મહેનત કરે છે. એ જોઈને યહોવાને ખુશી થાય છે.—રોમ. ૧૪:૧૯. w૨૦.૦૩ ૨૨ ¶૧૩-૧૪

ગુરુવાર, ડિસેમ્બર ૨૩

‘યહોવા આજે તમને દર્શન દેવાના છે.’—લેવી. ૯:૪.

ઈ.સ. પૂર્વે ૧૫૧૨માં સિનાઈ પહાડ પાસે મંડપ ઊભો કરવામાં આવ્યો હતો. હારુન અને તેમના દીકરાઓને યાજક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એ માટે મુસાએ અમુક વિધિ કરાવી હતી. (નિર્ગ. ૪૦:૧૭; લેવી. ૯:૧-૫) પસંદ થયેલા યાજકો પર યહોવાએ કઈ રીતે પોતાની કૃપા બતાવી? હારુન અને મુસા લોકોને આશીર્વાદ આપતા હતા ત્યારે, યહોવાએ અગ્‍નિ મોકલીને વેદી પરનાં અર્પણો પૂરેપૂરાં બાળી નાખ્યાં. (લેવી. ૯:૨૩, ૨૪) આકાશમાંથી અગ્‍નિ ઊતર્યો એ શું બતાવતું હતું? એ બતાવતું કે હારુન અને તેમના દીકરાઓને યહોવાએ યાજકો તરીકે પસંદ કર્યા છે. યહોવાની કૃપા અને તેમનો હાથ તેઓ પર છે. એ ઇઝરાયેલીઓએ જોયું હતું. એનાથી તેઓને શીખવા મળ્યું કે તેઓએ પણ એ યાજકોને પૂરો ટેકો આપવાનો હતો. યાજકોની ગોઠવણ પર યહોવાએ બતાવેલી કૃપા વિશે આપણે જાણવું જોઈએ. કારણ કે યાજકોની એ ગોઠવણ આપણા સમયમાં એક ખાસ ગોઠવણને રજૂ કરે છે. એ કઈ છે? એ ગોઠવણમાં મહાન પ્રમુખ યાજક ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ યાજકો છે. તેઓ રાજાઓ તરીકે સ્વર્ગમાં સેવા આપશે. (હિબ્રૂ. ૪:૧૪; ૮:૩-૫; ૧૦:૧) સાફ જોવા મળે છે કે આજે યહોવા પોતાના સંગઠનને માર્ગદર્શન અને આશીર્વાદ આપી રહ્યા છે. w૧૯.૧૧ ૨૩ ¶૧૩; ૨૪ ¶૧૪, ૧૬

શુક્રવાર, ડિસેમ્બર ૨૪

“રાત-દિવસ સખત મહેનત અને મજૂરી કરી, જેથી તમારામાંથી કોઈના પર ભારે બોજરૂપ ન થઈએ.”—૨ થેસ્સા. ૩:૮.

પ્રેરિત પાઊલ કોરીંથમાં આકુલા અને પ્રિસ્કિલા સાથે રહેતા હતા. તેઓ ‘તંબુ બનાવવાનો વ્યવસાય કરતા હતા એટલે તે તેઓ સાથે કામ કરવા લાગ્યા.’ એનો અર્થ એવો ન હતો કે પાઊલ “રાત-દિવસ” સતત કામ જ કરતા હતા. તે અમુક દિવસે તંબુ બનાવવાનું કામ બંધ રાખતા, જેમ કે સાબ્બાથના દિવસે. એ દિવસે યહુદીઓને સાક્ષી આપવાની પાઊલને તક મળતી, કારણ કે તેઓ પણ સાબ્બાથના દિવસે કામ કરતા ન હતા. (પ્રે.કા. ૧૩:૧૪-૧૬, ૪૨-૪૪; ૧૬:૧૩; ૧૮:૧-૪) પ્રેરિત પાઊલને ગુજરાન ચલાવવા કામ કરવું પડતું, તોપણ “ઈશ્વરની ખુશખબર જાહેર કરવાના પવિત્ર કામમાં” તે નિયમિત ભાગ લેતા. (રોમ. ૧૫:૧૬; ૨ કોરીં. ૧૧:૨૩) તેમણે બીજાઓને પણ નિયમિત ખુશખબર જાહેર કરવાનું ઉત્તેજન આપ્યું હતું. આકુલા અને પ્રિસ્કિલા ‘ખ્રિસ્ત ઈસુની સેવામાં પાઊલ સાથે કામ કરનારા’ હતા. (રોમ. ૧૨:૧૧; ૧૬:૩) પાઊલે કોરીંથીઓને વિનંતી કરી કે ‘પ્રભુની સેવામાં પુષ્કળ કામ કરે.’ (૧ કોરીં. ૧૫:૫૮; ૨ કોરીં. ૯:૮) યહોવાએ પ્રેરિત પાઊલ દ્વારા એક મહત્ત્વનો સિદ્ધાંત જણાવ્યો: “જો કોઈ માણસ કામ કરવા માંગતો ન હોય, તો તેને ખાવાનું આપવું નહિ.”—૨ થેસ્સા. ૩:૧૦. w૧૯.૧૨ ૫ ¶૧૨-૧૩

શનિવાર, ડિસેમ્બર ૨૫

“છોકરાં તો યહોવાનું આપેલું ધન છે.”—ગીત. ૧૨૭:૩.

યહોવાએ આદમ-હવાને બનાવ્યા ત્યારે, તેઓના મનમાં એવી ઇચ્છા મૂકી કે તેઓ બાળકો પેદા કરે. યુગલને બાળકો હોવાં જોઈએ કે નહિ, એ કોણ નક્કી કરશે? યુગલને ક્યારે બાળકો થવાં જોઈએ, એ કોણ નક્કી કરશે? અમુક સમાજમાં એવી આશા રાખવામાં આવે છે કે લગ્‍ન પછી યુગલને તરત બાળકો થવાં જોઈએ. ઘર અને સમાજના લોકો એ વિશે તેઓને દબાણ કરે છે. એશિયામાં રહેતા જેથ્રોભાઈ જણાવે છે, ‘મંડળનાં અમુક માતાપિતા એવાં યુગલોને બાળકો માટે દબાણ કરે છે જેઓને બાળકો નથી.’ એશિયામાં રહેતા જેફરીભાઈ જણાવે છે, ‘જેઓને બાળકો ન હોય, તેઓને અમુક લોકો કહે છે કે ઘડપણમાં તમારો સહારો કોણ બનશે.’ લોકો ભલે ગમે એ કહે, બાળકો વિશે દરેક યુગલે જાતે નક્કી કરવું જોઈએ. એ તેઓની જવાબદારી છે. (ગલા. ૬:૫) મિત્રો અને સગાઓ ચાહે છે કે નવું પરણેલું યુગલ ખુશ રહે. પણ તેઓએ યાદ રાખવાની જરૂર છે કે, બાળકો હોવાં જોઈએ કે નહિ એ યુગલ પોતે નક્કી કરશે.—૧ થેસ્સા. ૪:૧૧. w૧૯.૧૨ ૨૨ ¶૧-૩

રવિવાર, ડિસેમ્બર ૨૬

“તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ‘હે અમારા પિતા.’”—માથ. ૬:૯.

શું ઈશ્વરને પિતા માનવા તમને અઘરું લાગે છે? અમુકને એવું લાગે કે યહોવા આગળ આપણી શું વિસાત? તેઓ માને છે કે ઈશ્વરને તો આપણી કંઈ પડી નથી. પણ આપણા પ્રેમાળ પિતા નથી ચાહતા કે આપણે એવું માનીએ. પ્રેરિત પાઊલે જણાવ્યું હતું કે યહોવાએ આપણને જીવન આપ્યું છે અને તે ચાહે છે કે આપણે તેમની નજીક રહીએ. એ જણાવ્યા પછી પ્રેરિત પાઊલે એથેન્સના લોકોને કહ્યું કે યહોવા “આપણામાંના કોઈથી દૂર નથી.” (પ્રે.કા. ૧૭:૨૪-૨૯) એક બાળક પોતાના પ્રેમાળ અને કાળજી રાખનાર પિતા સાથે વાત કરે છે. એવી જ રીતે, યહોવા ઇચ્છે છે કે આપણે દરેક તેમની સાથે વાત કરીએ. ઈશ્વરને પોતાના પિતા માનવા અમુક લોકોને ઘણું અઘરું લાગે છે. કારણ કે તેઓના પિતાએ તેઓને પ્રેમ અને દયા બતાવ્યાં હોતાં નથી. એક બહેન જણાવે છે, “મારા પપ્પા મને ન બોલવાનું બોલી જતા. એટલે જ્યારે મેં બાઇબલ અભ્યાસ શરૂ કર્યો ત્યારે સ્વર્ગમાંના પિતાની નજીક જવું મારા માટે અઘરું હતું.” જો તમને પણ એ બહેન જેવું લાગતું હોય તો નિરાશ ન થશો. સમય જતાં, તમને પણ ખાતરી થશે કે યહોવા સૌથી પ્રેમાળ પિતા છે. w૨૦.૦૨ ૩ ¶૪-૫

સોમવાર, ડિસેમ્બર ૨૭

“મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કર.”—ગીત. ૭૧:૯.

ઈસુએ શીખવ્યું હતું, ભલે આપણને લાગે કે યહોવાની સેવામાં જે કરીએ છીએ એ મહત્ત્વનું નથી, પણ યહોવા એને કીમતી ગણે છે. (ગીત. ૯૨:૧૨-૧૫; લુક ૨૧:૨-૪) એટલે આપણે જે કરી શકીએ છીએ એના પર ધ્યાન આપીએ. જેમ કે, યહોવા વિશે બીજાઓને જણાવીએ, ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરીએ અને યહોવાને વફાદાર રહેવા બીજાઓને ઉત્તેજન આપીએ. યહોવા આપણને તેમના સાથી કામદારો ગણે છે. આપણી આવડતને લીધે નહિ, પણ આપણે તેમની આજ્ઞા માનવા તૈયાર છીએ એટલે તે એમ કરે છે. (૧ કોરીં. ૩:૫-૯) કેટલી ખુશીની વાત કહેવાય કે, આપણે એવા ઈશ્વરની ભક્તિ કરીએ છીએ, જે પોતાના લોકોને કીમતી ગણે છે. યહોવાએ આપણને તેમની ઇચ્છા પૂરી કરવા બનાવ્યા છે. તેમની સેવા કરવાથી આપણને જીવનમાં સાચી ખુશી મળે છે. (પ્રકટી. ૪:૧૧) ભલે આ દુનિયા આપણને નકામા ગણે, પણ યહોવા ક્યારેય એવું વિચારતા નથી. (હિબ્રૂ. ૧૧:૧૬, ૩૮) બીમારી, પૈસાની તંગી કે વૃદ્ધ હોવાને લીધે નિરાશ થઈ જઈએ ત્યારે યાદ રાખીએ કે, કોઈ પણ બાબત આપણને યહોવાના પ્રેમથી અલગ કરી શકશે નહિ.—રોમ. ૮:૩૮, ૩૯. w૨૦.૦૧ ૧૮ ¶૧૬; ૧૯ ¶૧૮-૧૯

મંગળવાર, ડિસેમ્બર ૨૮

“હે ઈશ્વર, મારામાં નવું અને શુદ્ધ હૃદય ઉત્પન્‍ન કરો. વળી મારામાં નિર્મળ વિચારો અને પવિત્ર ઇચ્છાઓ આપો.”—ગીત. ૫૧:૧૦, IBSI.

નમ્ર હોઈશું અને સંતોષ રાખીશું તો ઈર્ષા સામે લડી શકીશું. આપણામાં સારા ગુણો હશે તો એ ઈર્ષાને દિલમાં ઘર કરવા નહિ દે. વ્યક્તિમાં નમ્રતાનો ગુણ હશે, તો પોતે કંઈક છે એમ નહિ વિચારે. એવું પણ નહિ વિચારે કે બીજાઓ કરતાં તેને વધારે મળવું જોઈએ. (ગલા. ૬:૩, ૪) સંતોષી નર સદા સુખી. કેમ કે એવી વ્યક્તિ પોતાની પાસે જે કંઈ છે એનાથી ખુશ રહેશે. બીજાઓ સાથે એની સરખામણી કરશે નહિ. (૧ તિમો. ૬:૭, ૮) વ્યક્તિમાં નમ્રતા અને સંતોષ હશે તો, બીજાઓને સારી વસ્તુ મળે ત્યારે તે ખુશ થશે. ઈર્ષા પાપી શરીરનો એક ખરાબ ગુણ છે. એને ટાળવા નમ્રતા કેળવવી જોઈએ અને જીવનમાં સંતોષ રાખવો જોઈએ. એ માટે ઈશ્વરની પવિત્ર શક્તિની જરૂર પડશે. (ગલા. ૫:૧૬; ફિલિ. ૨:૩, ૪) યહોવાની પવિત્ર શક્તિની મદદથી આપણા દિલના વિચારો અને ઇરાદાઓ પારખી શકીશું. ઈશ્વરની મદદથી આપણે એવાં ખરાબ વિચારો અને લાગણીઓને દૂર કરી શકીશું. એટલું જ નહિ, તેમની મદદથી આપણા દિલમાં સારાં વિચારો અને લાગણીઓને ખીલવા દઈશું.—ગીત. ૨૬:૨. w૨૦.૦૨ ૧૫-૧૭ ¶૮-૯

બુધવાર, ડિસેમ્બર ૨૯

“તારા પોતાના પર અને તારા શિક્ષણ પર સતત ધ્યાન રાખજે.”—૧ તિમો. ૪:૧૬.

સમર્પણ એક વચન છે અને યહોવા ચાહે છે કે તમે એ વચન પાળો. એટલે મંડળની નજીક રહો. મંડળનાં ભાઈ-બહેનો તમારા માટે કુટુંબ જેવાં છે. નિયમિત સભાઓમાં જવાથી ભાઈ-બહેનો સાથેની તમારી મિત્રતા વધશે. દરરોજ બાઇબલ વાંચો અને એના પર મનન કરો. (ગીત. ૧:૧, ૨) પછી થોડો સમય એના પર વિચાર કરો. પછી એની તમારા દિલ પર ઊંડી અસર પડશે. “પ્રાર્થના કરતા રહો.” (માથ. ૨૬:૪૧) દિલથી કરેલી પ્રાર્થના તમને યહોવાની વધુ નજીક લાવશે. ‘પહેલા ઈશ્વરના રાજ્યને શોધતા રહો.’ (માથ. ૬:૩૩) એ માટે ખુશખબર ફેલાવવાના કામને જીવનમાં પ્રથમ રાખો. નિયમિત ખુશખબર ફેલાવવાથી તમારી શ્રદ્ધા મજબૂત થશે. આ દુનિયામાં તમારે જે સહેવું પડે છે, એ અમુક સમય માટે અને થોડું જ હશે. (૨ કોરીં. ૪:૧૭) સમર્પણ અને બાપ્તિસ્મા લીધા પછી તમે હમણાં પણ સુખી થશો અને ભાવિમાં “ખરેખરું જીવન” મળશે. પણ શું એ મહેનત રંગ લાવશે? હા જરૂર!—૧ તિમો. ૬:૧૯. w૨૦.૦૩ ૧૩ ¶૧૯-૨૧

ગુરુવાર, ડિસેમ્બર ૩૦

“થોડો જ સમય બાકી છે.”—૧ કોરીં. ૭:૨૯.

બાઇબલ વિદ્યાર્થી શીખેલી વાતો પ્રમાણે જીવનમાં ફેરફાર ન કરે તો આ સવાલનો વિચાર કરો, “શું મારે એ વિદ્યાર્થીનો અભ્યાસ બંધ કરી દેવો જોઈએ?” કોઈ પણ નિર્ણય લેતાં આ સવાલોનો વિચાર કરો: “શું મારો વિદ્યાર્થી તેના સંજોગો પ્રમાણે ભક્તિમાં આગળ વધે છે? શું તે શીખેલી વાતોને લાગુ ‘પાળે’ છે?” (માથ. ૨૮:૨૦) દુઃખની વાત છે કે ઘણા વિદ્યાર્થીઓ હઝકીએલના સમયના ઇઝરાયેલીઓ જેવા હોય છે. તેઓ વિશે યહોવાએ હઝકીએલને કહ્યું હતું: ‘તું તેઓ માટે મનોહર ગીત જેવો છે, જે મધુર અવાજે ગાવામાં આવ્યું છે અને જેમાં સારી રીતે વાજિંત્ર વગાડવામાં આવ્યું છે. કેમ કે તેઓ તારાં વચનો સાંભળે છે, પણ એનો અમલ તેઓ કરતા નથી.’ (હઝકી. ૩૩:૩૨) વિદ્યાર્થીને એ કહેવું આપણને કદાચ અઘરું લાગે કે હવેથી અભ્યાસ બંધ કરવામાં આવશે. છતાં ભૂલીએ નહિ, “થોડો જ સમય બાકી છે.” પ્રગતિ ન કરતા હોય તેઓ પાછળ સમય વેડફવાની જરૂર નથી. એને બદલે એવા લોકોને શોધીએ ‘જેઓનું હૃદય હંમેશ માટેનું જીવન આપતું સત્ય સ્વીકારવા તરફ ઢળેલું છે.’—પ્રે.કા. ૧૩:૪૮. w૨૦.૦૧ ૬ ¶૧૭; ૭ ¶૨૦

શુક્રવાર, ડિસેમ્બર ૩૧

“તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.”—માથ. ૬:૧૦.

બાઇબલ જણાવે છે કે ઈશ્વરને વફાદાર લોકો પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મેળવશે. મોટા ભાગે ખ્રિસ્તી ધર્મગુરુઓ એ સત્ય શીખવતા નથી. (૨ કોરીં. ૪:૩, ૪) તેઓ શીખવે છે કે મરણ પછી સારા લોકો સ્વર્ગમાં જાય છે. પણ, બાઇબલ વિદ્યાર્થીઓનો એક નાનો સમૂહ એમ માનતો ન હતો. તેઓએ ૧૮૭૯થી વૉચ ટાવર મૅગેઝિન બહાર પાડવાનું શરૂ કર્યું હતું. તેઓને ખ્યાલ આવ્યો કે, ઈશ્વર પૃથ્વી પર જ નવી દુનિયા લાવશે. લાખો કરોડો વફાદાર લોકોને સ્વર્ગમાં નહિ, પણ અહીં પૃથ્વી પર રહેવા મળશે. સમય જતાં તેઓને એ વફાદાર લોકો વિશે વધારે માહિતી મળી. બાઇબલ વિદ્યાર્થીઓને શાસ્ત્રમાંથી ખબર પડી કે, અમુકને ઈસુ સાથે સ્વર્ગમાં રાજા તરીકે રાજ કરવા “પૃથ્વી પરથી ખરીદવામાં” આવશે. (પ્રકટી. ૧૪:૩) તેઓની સંખ્યા ૧,૪૪,૦૦૦ છે. તેઓ ઉત્સાહી છે અને તેઓએ પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું છે. તેઓ પૃથ્વી પરના જીવન દરમિયાન યહોવાને વફાદાર રહે છે. w૧૯.૦૯ ૨૭ ¶૪-૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો