વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es21 પાન ૧૧૦-૧૨૨
  • સપ્ટેમ્બર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૧
  • મથાળાં
  • બુધવાર, સપ્ટેમ્બર ૧
  • ગુરુવાર, સપ્ટેમ્બર ૨
  • શુક્રવાર, સપ્ટેમ્બર ૩
  • શનિવાર, સપ્ટેમ્બર ૪
  • રવિવાર, સપ્ટેમ્બર ૫
  • સોમવાર, સપ્ટેમ્બર ૬
  • મંગળવાર, સપ્ટેમ્બર ૭
  • બુધવાર, સપ્ટેમ્બર ૮
  • ગુરુવાર, સપ્ટેમ્બર ૯
  • શુક્રવાર, સપ્ટેમ્બર ૧૦
  • શનિવાર, સપ્ટેમ્બર ૧૧
  • રવિવાર, સપ્ટેમ્બર ૧૨
  • સોમવાર, સપ્ટેમ્બર ૧૩
  • મંગળવાર, સપ્ટેમ્બર ૧૪
  • બુધવાર, સપ્ટેમ્બર ૧૫
  • ગુરુવાર, સપ્ટેમ્બર ૧૬
  • શુક્રવાર, સપ્ટેમ્બર ૧૭
  • શનિવાર, સપ્ટેમ્બર ૧૮
  • રવિવાર, સપ્ટેમ્બર ૧૯
  • સોમવાર, સપ્ટેમ્બર ૨૦
  • મંગળવાર, સપ્ટેમ્બર ૨૧
  • બુધવાર, સપ્ટેમ્બર ૨૨
  • ગુરુવાર, સપ્ટેમ્બર ૨૩
  • શુક્રવાર, સપ્ટેમ્બર ૨૪
  • શનિવાર, સપ્ટેમ્બર ૨૫
  • રવિવાર, સપ્ટેમ્બર ૨૬
  • સોમવાર, સપ્ટેમ્બર ૨૭
  • મંગળવાર, સપ્ટેમ્બર ૨૮
  • બુધવાર, સપ્ટેમ્બર ૨૯
  • ગુરુવાર, સપ્ટેમ્બર ૩૦
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૧
es21 પાન ૧૧૦-૧૨૨

સપ્ટેમ્બર

બુધવાર, સપ્ટેમ્બર ૧

“મારા પિતા હમણાં સુધી કામ કરે છે અને હું પણ કામ કરતો રહું છું.”—યોહા. ૫:૧૭.

યહોવા અને ઈસુ સખત મહેનત કરે છે. શું એનો અર્થ એવો થાય કે આપણે બસ કામ જ કર્યાં કરવાનું? ના, એવું નથી. યહોવાને કદી થાક લાગતો નથી, એટલે તેમને આરામની જરૂર નથી. બાઇબલમાં જણાવ્યું છે કે, યહોવાએ આકાશ અને પૃથ્વી બનાવ્યાં પછી “વિસામો લીધો.” (નિર્ગ. ૩૧:૧૭) એટલે કે, યહોવાએ બધું બનાવ્યા પછી એ જોવા સમય કાઢ્યો અને એ જોઈને તેમને ખુશી થઈ. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે સખત મહેનત કરતા હતા. તોપણ, તેમણે આરામ કરવા અને મિત્રો સાથે જમવા સમય કાઢ્યો હતો. (માથ. ૧૪:૧૩; લુક ૭:૩૪) બાઇબલમાંથી ઈશ્વરભક્તોને કામ કરવાનું ઉત્તેજન મળે છે. તેઓ આળસુ નહિ પણ મહેનતુ હોવા જોઈએ. (નીતિ. ૧૫:૧૯) કદાચ કુટુંબનું ભરણપોષણ કરવા આપણે નોકરી-ધંધો કરતા હોઈએ. સાથે સાથે ખ્રિસ્તના શિષ્યો હોવાથી આપણી જવાબદારી છે કે ખુશખબર ફેલાવીએ. એટલું જ નહિ, આપણે પૂરતો આરામ પણ લેવો જોઈએ. w૧૯.૧૨ ૨-૩ ¶૨, ૪-૫

ગુરુવાર, સપ્ટેમ્બર ૨

“ખ્રિસ્તે પણ તમારા માટે સહન કર્યું અને નમૂનો પૂરો પાડ્યો, જેથી તમે તેમના પગલે ચાલો.”—૧ પીત. ૨:૨૧.

ભૂતપ્રેતની વાર્તાઓ કહેવી ન જોઈએ. આપણે ઈસુના દાખલાને અનુસરવું જોઈએ. પૃથ્વી પર આવ્યા પહેલાં ઈસુ સ્વર્ગમાં હતા. શેતાન અને તેના દુષ્ટ દૂતો વિશે તે ઘણું જાણતા હતા. પણ તે લોકોને દુષ્ટ દૂતોની વાતો કહ્યા કરતા ન હતા. ઈસુ તો લોકોનું ધ્યાન યહોવા તરફ દોરવા ચાહતા હતા, શેતાન તરફ નહિ. આપણે પણ ઈસુની જેમ વર્તવું જોઈએ. આપણે લોકો આગળ ભૂતપ્રેતની વાર્તાઓ કહેવા બેસી ન જવું જોઈએ. એના બદલે આપણે ‘ઉત્તમ વિષય,’ એટલે કે સત્ય વિશે લોકોને જણાવવા આતુર રહેવું જોઈએ. (ગીત. ૪૫:૧) ભૂતોથી ડરવું ન જોઈએ. આજની દુષ્ટ દુનિયામાં આપણી સાથે ખરાબ ઘટના બની શકે છે. મરણ, અકસ્માત અને બીમારી કીધા વગર આવી શકે છે. એ બધા પાછળ દુષ્ટ દૂતોનો હાથ છે, એવું આપણે ન માનવું જોઈએ. બાઇબલ જણાવે છે કે ‘સમય અને સંજોગોની’ અસર બધાને થાય છે. (સભા. ૯:૧૧, કોમન લેંગ્વેજ) યહોવાએ સાબિત કરી આપ્યું છે કે તેમની પાસે એ દુષ્ટ દૂતો કરતાં અનેક ગણી વધારે શક્તિ છે. w૧૯.૦૪ ૨૩-૨૪ ¶૧૩-૧૪

શુક્રવાર, સપ્ટેમ્બર ૩

“હમણાંના અધિકારીઓને ઈશ્વરે તેઓના સ્થાને રહેવા દીધા છે.”—રોમ. ૧૩:૧.

બાળકના જાતીય શોષણ વિશે ખબર પડે તો, શું વડીલોએ કાયદા પ્રમાણે અધિકારીઓને જાણ કરવી જોઈએ? હા. જે જગ્યાએ એવા કાયદા હોય ત્યાં વડીલોએ એમ કરવું જોઈએ. એવા કાયદા પાળવાથી ઈશ્વરનો નિયમ તૂટતો નથી. (પ્રે.કા. ૫:૨૮, ૨૯) એટલે એવા આરોપ વિશે ખબર પડે કે તરત વડીલો માર્ગદર્શન માટે શાખા કચેરીનો સંપર્ક કરે છે. ભોગ બનેલી વ્યક્તિને, માબાપને અને એ વિશે જાણતા બીજા લોકોને વડીલો સમજાવે છે કે જો તેઓ ચાહે તો એ વિશે ફરિયાદ નોંધાવી શકે છે. પણ આરોપી મંડળમાંથી હોય ત્યારે શું? સમાજમાં એ વિશે ખબર પડશે એવા ડરથી શું ફરિયાદ નોંધાવવી ન જોઈએ? શું વ્યક્તિએ એમ વિચારવું જોઈએ કે જો તે ફરિયાદ નોંધાવશે તો ઈશ્વરનું નામ બદનામ થશે? ના. ઈશ્વરનું નામ બદનામ કરનાર વ્યક્તિ તો શોષણ કરનાર છે. w૧૯.૦૫ ૧૦ ¶૧૩-૧૪

શનિવાર, સપ્ટેમ્બર ૪

“આ દુનિયાનું ડહાપણ ઈશ્વરની નજરે મૂર્ખતા છે.”—૧ કોરીં. ૩:૧૯.

બાઇબલ પતિ-પત્નીને સલાહ આપે છે કે તેઓ એકબીજાને માન આપે અને લગ્‍નનું વચન પાળે. બાઇબલ ઉત્તેજન આપે છે કે તેઓ એકબીજાનો સાથ નિભાવે. બાઇબલમાં જણાવ્યું છે: ‘માણસ પોતાનાં માબાપને છોડીને પોતાની પત્ની સાથે રહેશે; અને તેઓ બંને એક શરીર થશે.’ (ઉત. ૨:૨૪) એ વિશે દુનિયાના વિચારો તો સાવ અલગ છે. તેઓ માને છે કે વ્યક્તિએ ફક્ત પોતાનો જ વિચાર કરવો જોઈએ, પોતાના જીવનસાથીનો નહિ. છૂટાછેડા વિશે એક પુસ્તક જણાવે છે: ‘લગ્‍નની અમુક વિધિમાં પતિ-પત્ની એકબીજાને વચન આપે છે, “જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી એકબીજાને સાથ આપીશું.” પણ હવે એ વચન જરાક બદલાઈ ગયું છે. આજનાં પતિ-પત્ની વચન આપે છે, “જ્યાં સુધી આપણે એકબીજાને પ્રેમ કરીએ ત્યાં સુધી એકબીજાને સાથ આપીશું.”’ એવા વિચારોને લીધે કુટુંબો તૂટી રહ્યા છે અને લોકો હતાશ થઈ જાય છે. સાચે જ, લગ્‍ન વિશે દુનિયાના વિચારો તો સાવ મૂર્ખતા કહેવાય. w૧૯.૦૫ ૨૩-૨૪ ¶૧૨

રવિવાર, સપ્ટેમ્બર ૫

“આ દુનિયાની અસર પોતાના પર થવા દેશો નહિ.”—રોમ. ૧૨:૨.

અમુક ઈશ્વરભક્તોને શેતાનની દુનિયાના ખરાબ વિચારોની અસર થઈ હતી. એટલે પાઊલને તેઓની ચિંતા હતી. (એફે. ૪:૧૭-૧૯) આપણને પણ શેતાનની દુનિયાનો રંગ લાગી શકે છે. શેતાન ચાહે છે કે આપણે યહોવાથી દૂર જતા રહીએ. શેતાન આ દુનિયાનો શાસક છે, એટલે તે આપણને ફસાવવા જાતજાતના પેંતરા અજમાવે છે. એમાંનો એક પેંતરો છે કે આપણી સ્વાર્થી ઇચ્છાઓ ભડકાવવી. એટલે કે, પોતાને મહત્ત્વના ગણવાનું કે પછી પ્રખ્યાત થવાનું આપણને ગમતું હોય તો, શેતાન એનો ફાયદો ઉઠાવે છે. એટલું જ નહિ, આપણા અનુભવ, સમાજ અને શિક્ષણ જેવી બાબતોનો ઉપયોગ કરીને શેતાન આપણા વિચારો બગાડે છે. શું આપણા મનમાં રહેલા “કિલ્લાઓ જેવા મજબૂત” વિચારો તોડવા શક્ય છે? (૨ કોરીં. ૧૦:૪) પાઊલે એ વિશે કહ્યું હતું: “ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ ઊભી થનારી દલીલોને અને દરેક ઘમંડી વાતોને અમે તોડી પાડીએ છીએ અને અમે દરેક વિચારને કેદ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.” (૨ કોરીં. ૧૦:૫) યહોવાની મદદથી આપણે ખોટા વલણ પર કાબૂ રાખી શકીએ. w૧૯.૦૬ ૮ ¶૧-૩

સોમવાર, સપ્ટેમ્બર ૬

“ઈશ્વર પાસે આવવું, તેમાં મારું કલ્યાણ છે; મેં પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે.”—ગીત. ૭૩:૨૮.

હાન્‍ના, દાઉદ અને ગીતશાસ્ત્રના એક લેખકે મદદ માટે યહોવાને અરજ કરી હતી. તેઓએ પોતાની લાગણીઓ યહોવાને પ્રાર્થનામાં જણાવી હતી. પોતાની ચિંતાનું કારણ તેઓએ કોઈ પણ જાતના સંકોચ વગર યહોવાને જણાવ્યું હતું. તેઓ યહોવાની ભક્તિ કરતા રહ્યા. (૧ શમૂ. ૧:૯, ૧૦; ગીત. ૫૫:૨૨; ૭૩:૧૭; ૧૨૨:૧) યહોવાએ તેઓની પ્રાર્થના સાંભળી. તે કરુણા અને દયાથી વર્ત્યા. હાન્‍નાને મનની શાંતિ મળી. (૧ શમૂ. ૧:૧૮) દાઊદે લખ્યું, ‘ન્યાયી માણસને માથે ઘણાં દુઃખ આવે છે. પણ યહોવા એ બધામાંથી તેને છોડાવે છે.’ (ગીત. ૩૪:૧૯) ગીતના લેખકને લાગ્યું કે જાણે યહોવાએ ‘તેમનો જમણો હાથ ઝાલ્યો છે.’ (ગીત. ૭૩:૨૩, ૨૪) આ દાખલાઓમાંથી આપણને શું શીખવા મળે છે? કેટલીક વાર મુશ્કેલીઓનો બોજો આપણને કચડી નાખે. ચિંતાઓના કાળા વાદળમાં કંઈ સૂઝતું જ ન હોય. પણ, આપણે એનો સામનો કરી શકીએ છીએ. યહોવાએ પોતાના ભક્તોને જે રીતે મદદ કરી હતી, એના પર મનન કરવું જોઈએ. પ્રાર્થનામાં યહોવા આગળ દિલ ઠાલવવું જોઈએ અને તેમની આજ્ઞાઓ પાળવી જોઈએ.—ગીત. ૧૪૩:૧, ૪-૮. w૧૯.૦૬ ૧૭-૧૮ ¶૧૪-૧૫

મંગળવાર, સપ્ટેમ્બર ૭

“જો તમારે ખરા માર્ગે ચાલવાને લીધે સહેવું પડે, તો તમને ધન્ય છે.”—૧ પીત. ૩:૧૪.

લોકો વાતો કે કામોથી આપણને શરમાવવાનો પ્રયત્ન કરે છે. પણ યહોવાના સાક્ષી તરીકે પોતાને ઓળખાવતા કદી શરમાવું ન જોઈએ. (મીખા. ૪:૫) માણસોનો ડર ન રાખવા આપણને પ્રેરિતો પાસેથી શીખવા મળે છે. ઈસુના મરણ પછીનો એ સમય હતો. પ્રેરિતો જાણતા હતા કે યહુદી ધર્મગુરુઓ તેઓને ખૂબ ધિક્કારે છે. (પ્રે.કા. ૫:૧૭, ૧૮, ૨૭, ૨૮) છતાં તેઓ રોજ મંદિરે જતા અને જાહેરમાં પોતાને ઈસુના શિષ્યો તરીકે ઓળખાવતા. (પ્રે.કા. ૫:૪૨) તેઓએ ડરને આડે ન આવવા દીધો. આપણે સ્કૂલે, કામે કે અડોશ-પડોશમાં પોતાને યહોવાના સાક્ષી તરીકે ઓળખાવવું જોઈએ. એવું નિયમિત રીતે અને જાહેરમાં કરવાથી આપણે પણ મનમાંથી માણસોનો ડર કાઢી શકીએ છીએ. (પ્રે.કા. ૪:૨૯; રોમ. ૧:૧૬) પ્રેરિતો શા માટે ખુશ હતા? તેઓને ધિક્કારવામાં આવે છે એનું કારણ તેઓ જાણતા હતા. તેઓ યહોવાની ઇચ્છા પૂરી કરતા હતા, એટલે તેઓ સાથે ખરાબ વર્તન થતું હતું. એને તેઓ માન ગણતા હતા. (લુક ૬:૨૩; પ્રે.કા. ૫:૪૧; ૧ પીત. ૨:૧૯-૨૧) ઈશ્વરના માર્ગે ચાલવાને લીધે આપણને ધિક્કારવામાં આવે છે. એ વાત સમજી જઈશું તો, માણસોનો ડર આપણને ઈશ્વરની ભક્તિ કરતા રોકી નહિ શકે. w૧૯.૦૭ ૬-૭ ¶૧૯-૨૦

બુધવાર, સપ્ટેમ્બર ૮

“સાબ્બાથના દિવસે કંઈક સારું કરવું નિયમ પ્રમાણે બરાબર છે.”—માથ. ૧૨:૧૨.

ઈસુ અને તેમના યહુદી શિષ્યો સાબ્બાથનો નિયમ પાળતા હતા, કારણ કે તેઓ મુસાના નિયમ હેઠળ હતા. પણ ઈસુએ શબ્દો અને કાર્યોથી બતાવ્યું કે સાબ્બાથના દિવસે કોઈને મદદ કરવામાં અને દયા બતાવવામાં કંઈ ખોટું નથી. (માથ. ૧૨:૯-૧૧) ઈસુને લાગતું કે એ દિવસે સારાં કામ કરવાથી સાબ્બાથનો નિયમ તૂટતો નથી. એ તેમનાં કાર્યોમાં સાફ દેખાઈ આવ્યું. તે સારી રીતે જાણતા હતા કે શા માટે ઈશ્વરે લોકોને સાબ્બાથના દિવસે આરામ કરવાનું કહ્યું હતું. એ દિવસે ઈશ્વરના લોકોએ રોજબરોજનાં કામ કરવાનાં ન હતાં. એમ કરવાથી તેઓ યહોવાની ભક્તિ પર ધ્યાન આપી શકતા હતા. ઈસુનો ઉછેર પણ એવા જ કુટુંબમાં થયો હતો. તેમના કુટુંબના સભ્યો સાબ્બાથ પાળતા અને એ સમય તેઓ ઈશ્વરની ભક્તિમાં વિતાવતા. એ વાત આપણને ઈસુ વિશેના આ અહેવાલથી જાણવા મળે છે: “તે [ઈસુ] નાઝરેથ ગયા, જ્યાં તેમનો ઉછેર થયો હતો અને તેમની રીત પ્રમાણે સાબ્બાથના દિવસે સભાસ્થાનમાં આવ્યા અને તે વાંચવા ઊભા થયા.” (લુક ૪:૧૫-૧૯) શિષ્યોને સાબ્બાથના નિયમ માટે ઘણો આદર હતો. એટલે સાબ્બાથનો દિવસ પૂરો ન થયો ત્યાં સુધી તેઓએ ઈસુના દફન માટે સુગંધી દ્રવ્યો તૈયાર કરવાની રાહ જોઈ.—લુક ૨૩:૫૫, ૫૬. w૧૯.૧૨ ૪ ¶૧૦

ગુરુવાર, સપ્ટેમ્બર ૯

“તમને કોઈ આશા ન હતી.”—એફે. ૨:૧૨.

જ્યારે કોઈ બાળક ખોવાય જાય, ત્યારે બધા તેને શોધવા લાગે છે. એવી જ રીતે, નમ્ર દિલની વ્યક્તિને શોધવા બધા ઈશ્વરભક્તો મહેનત કરે છે. કઈ રીતે? એ સમજવા ચાલો એક કિસ્સો જોઈએ. એક ત્રણ વર્ષનું બાળક ખોવાઈ ગયું. તેને શોધવામાં ૫૦૦ જેટલા લોકો લાગેલા હતા. આખરે, વીસ કલાક પછી એક વ્યક્તિને મકાઈના ખેતરમાંથી બાળક મળી આવ્યું. એ વ્યક્તિ ચાહતો ન હતો કે લોકો તેની પ્રશંસા કરે. કારણ કે તેણે કહ્યું: ‘બાળકને શોધવામાં તો બધાએ સાથે મળીને મહેનત કરી છે.’ ઘણા લોકો એ ખોવાયેલા બાળક જેવા છે. તેઓ પાસે કોઈ આશાનું કિરણ નથી. તેઓને મદદની જરૂર છે. આપણાં જેવાં ૮૦ લાખથી વધુ ભાઈ-બહેનો એવા લોકોને શોધે છે. તમે જે વિસ્તારમાં પ્રચાર કરો છો કદાચ તમને ત્યાં બાઇબલ અભ્યાસ મળ્યો ન હોય. પણ બીજા પ્રકાશકને એ વિસ્તારમાંથી અભ્યાસ મળ્યો હોય. સમય જતાં, એ વ્યક્તિ ખ્રિસ્તનો શિષ્ય બને છે. એનો અભ્યાસ લેનાર ભાઈ કે બહેનને ખુશી થાય છે. નમ્ર વ્યક્તિને શોધવાના કામમાં બધાએ મહેનત કરી હોવાથી બધાને ખુશી થાય છે. w૧૯.૦૭ ૧૬-૧૭ ¶૯-૧૦

શુક્રવાર, સપ્ટેમ્બર ૧૦

“હું ઇનામનો ધ્યેય પૂરો કરવા મંડ્યો રહું છું.”—ફિલિ. ૩:૧૪.

પ્રેરિત પાઊલે ફિલિપીનાં ભાઈ-બહેનોને યાદ દેવડાવ્યું કે ધીરજથી દોડતા રહે. ફિલિપીનાં ભાઈ-બહેનોને પાઊલની સલાહ ખરા સમયે મળી હતી. એ મંડળ શરૂ થયું ત્યારથી ભાઈ-બહેનોએ સતાવણીનો સામનો કર્યો હતો. પાઊલ અને સિલાસને ઈશ્વરે આમંત્રણ આપ્યું, “આ પાર મકદોનિયા આવ.” સાલ ૫૦માં એ આમંત્રણ સ્વીકારીને તેઓ ફિલિપી શહેરમાં ખુશખબર ફેલાવવા ગયા. (પ્રે.કા. ૧૬:૯) ત્યાં તેઓને લૂદિયા નામની એક સ્ત્રી મળી. તે ખુશખબર ‘સાંભળી રહી હતી. યહોવાએ તેનું દિલ પૂરેપૂરું ખોલ્યું હતું.’ (પ્રે.કા. ૧૬:૧૪) થોડા જ સમયમાં તેણે અને તેના ઘરના લોકોએ બાપ્તિસ્મા લીધું. પણ શેતાન હાથ પર હાથ રાખીને બેસી રહ્યો નહિ. શહેરના લોકો પાઊલ અને સિલાસને અધિકારીઓ પાસે ઘસડી ગયા. તેઓએ ખોટો આરોપ મૂક્યો કે, પાઊલ અને સિલાસ શહેરમાં ઘણી ધાંધલ મચાવે છે. એટલે તેઓને મારવામાં આવ્યા, કેદ કરવામાં આવ્યા. તેઓને કહેવામાં આવ્યું કે શહેર છોડીને જતા રહે. (પ્રે.કા. ૧૬:૧૬-૪૦) શું તેઓ હિંમત હારી ગયા? જરાય નહિ! એ સમયે નવા મંડળનાં ભાઈ-બહેનોએ શું કર્યું? ખુશીની વાત કહેવાય કે, તેઓએ પણ ધીરજથી સહન કર્યું. પાઊલ અને સિલાસના દાખલાથી તેઓને ચોક્કસ ઉત્તેજન મળ્યું હશે. w૧૯.૦૮ ૨ ¶૧-૨

શનિવાર, સપ્ટેમ્બર ૧૧

“વધારે ને વધારે નેક કામો કરો.”—ફિલિ. ૧:૧૧.

‘નેક કામોમાં’ યહોવા માટેનો પ્રેમ અને તેમના લોકો માટેનો પ્રેમ આવી જાય છે. એમાં બીજાઓને ઈસુ વિશે અને પોતાની આશા વિશે જણાવવાનો પણ સમાવેશ થાય છે. શિષ્ય બનાવવા માટેનું મહત્ત્વનું કામ કરવા તનતોડ મહેનત કરીએ છીએ ત્યારે, આપણે “નેક કામો” કરીએ છીએ. (માથ. ૨૮:૧૮-૨૦) ભલે સંજોગો ગમે એ હોય, આપણે જ્યોતિઓની જેમ પ્રકાશ ફેલાવી શકીએ છીએ. ખુશખબર ફેલાવતી વખતે અમુક વાર આપણને લાગે કે, આ તો એક પડકાર છે. પણ એ પડકાર ખુશખબર ફેલાવવાની તક બની શકે છે. પાઊલનો વિચાર કરીએ. તેમણે ફિલિપીઓને પત્ર લખ્યો ત્યારે તે રોમમાં નજરકેદ હતા. તોપણ તેમણે ખુશખબર ફેલાવવાનું છોડ્યું નહિ. તેમણે સૈનિકોને અને મળવા આવનાર લોકોને સંદેશો જણાવ્યો. એવા સંજોગોમાં પાઊલ પૂરા ઉત્સાહથી ખુશખબર ફેલાવતા રહ્યા. એનાથી ભાઈ-બહેનોને ઉત્તેજન અને હિંમત મળ્યાં. તેઓ ‘ઈશ્વરનો સંદેશો ગભરાયા વગર જણાવી’ શક્યાં.—ફિલિ. ૧:૧૨-૧૪; ૪:૨૨. w૧૯.૦૮ ૧૨ ¶૧૫-૧૬

રવિવાર, સપ્ટેમ્બર ૧૨

“એટલે, ઈશ્વરના બળવાન હાથ નીચે પોતાને નમ્ર કરો, જેથી યોગ્ય સમયે તે તમને ઊંચા કરે.”—૧ પીત. ૫:૬.

આપણે નમ્રતા કેળવીએ છીએ, એનું સૌથી મોટું કારણ છે કે યહોવા એનાથી ખુશ થાય છે. એ વાત પ્રેરિત પીતરના શબ્દોમાં સાફ જોવા મળે છે, જે આજની કલમના શબ્દો છે. “કમ બી માય ફોલોઅર” પુસ્તક પીતરના શબ્દો વિશે પ્રકરણ ૩, ફકરો ૨૩ જણાવે છે: ‘ઘમંડ તો ઝેર જેવું છે. એનાથી ખરાબ પરિણામ આવે છે. ઘમંડી વ્યક્તિ પાસે ભલે ગમે તેટલી આવડત હોય, ઈશ્વરની નજરે એ નકામી છે. ભલે નમ્ર વ્યક્તિ પાસે ઓછી આવડત હોય, પણ યહોવાની નજરે એ કીમતી છે. નમ્રતા બતાવીશું તો યહોવા આપણને ખુશીથી આશીર્વાદ આપશે.’ યહોવાના દિલને ખુશ કરવું, એ જ આપણા માટે સૌથી મહત્ત્વનું છે. (નીતિ. ૨૩:૧૫) નમ્રતા બતાવવાથી યહોવા ખુશ થાય છે, આપણને પણ ઘણા ફાયદા થાય છે. જો આપણે નમ્ર હોઈશું તો લોકો આપણી નજીક આવશે. એ માટે પોતાને તેઓની જગ્યાએ મૂકીને જોઈએ, તેઓના સંજોગો સમજીએ.—માથ. ૭:૧૨. w૧૯.૦૯ ૪ ¶૮-૯

સોમવાર, સપ્ટેમ્બર ૧૩

“દરેક અભિમાની અંતઃકરણવાળાથી યહોવા કંટાળે છે.”—નીતિ. ૧૬:૫.

વડીલો ભાઈ-બહેનોને મદદ કરવા ઘણી મહેનત કરે છે. પોતાના અધિકારને લીધે તેઓ પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણતા નથી. તેઓ તો મંડળનાં ભાઈ-બહેનો સાથે પ્રેમથી વર્તે છે. (૧ થેસ્સા. ૨:૭, ૮) પ્રેમ અને નમ્રતા તેઓની વાતચીતમાં પણ ઝળકે છે. એન્ડ્રયૂભાઈ ઘણાં વર્ષોથી વડીલ છે. તે જણાવે છે: ‘મેં અનુભવ્યું કે જ્યારે વડીલો દયા અને પ્રેમ બતાવે છે, ત્યારે ભાઈ-બહેનોના ચહેરા ખીલી ઊઠે છે. વડીલોના એ સુંદર ગુણોને લીધે ભાઈ-બહેનો તેઓને સાથ-સહકાર આપવા પ્રેરાય છે.’ ટોનીભાઈ ઘણાં વર્ષોથી વડીલ તરીકે સેવા આપે છે. તે કહે છે: ‘ફિલિપીઓ ૨:૩ની સલાહ લાગુ પાડવાનો હું પ્રયત્ન કરું છું. હંમેશાં બીજાઓને મારા કરતાં ચઢિયાતા ગણું છું. મારી વાત મનાવવા હું બીજાઓને બળજબરી કરતો નથી.’ વડીલોએ યહોવાની જેમ નમ્ર બનવું જોઈએ. યહોવા આખા વિશ્વના માલિક છે. તેમ છતાં ‘તે ધૂળમાંથી ગરીબને ઉઠાવવા’ “પોતાને દીન કરે છે.” (ગીત. ૧૮:૩૫; ૧૧૩:૬, ૭) ઘમંડી અને અભિમાની લોકોને યહોવા ધિક્કારે છે. w૧૯.૦૯ ૧૬-૧૭ ¶૧૧-૧૨

મંગળવાર, સપ્ટેમ્બર ૧૪

“મારી ઝૂંસરી તમારા પર લો.”—માથ. ૧૧:૨૯.

ઈસુની ઝૂંસરી નીચે તાજગી મેળવતા રહી શકીશું. યોગ્ય વિચારો કેળવીએ. આપણે યહોવાનું કામ કરીએ છીએ, એટલે યહોવાની રીતે કરવું જોઈએ. યહોવા માલિક છે અને આપણે તેમના ચાકરો છીએ. (લુક ૧૭:૧૦) એક બળદ પર માલિકે ઝૂંસરી મૂકી હોય છે અને તેના હાથમાં એની લગામ હોય છે. જો યહોવાનું કામ આપણી રીતે કરવા જઈશું, તો આપણે જાણે એ ઝૂંસરી વિરુદ્ધ જઈએ છીએ. પણ યહોવાના માર્ગદર્શન પ્રમાણે કરીશું તો આપણે ધાર્યા કરતાં વધુ કરી શકીશું. તેમની મદદથી કોઈ પણ નડતર પાર કરી શકીશું. યાદ રાખીએ કે, યહોવાને પોતાની ઇચ્છા પૂરી કરતા કોઈ પણ રોકી શકે એમ નથી! (રોમ. ૮:૩૧; ૧ યોહા. ૪:૪) આપણે પ્રેમાળ પિતા યહોવાને મહિમા આપવા માંગીએ છીએ. પહેલી સદીમાં જેઓ સ્વાર્થી અને લોભી હતા, તેઓ જલદી નિરાશ થઈ ગયા. તેઓએ ઈસુની ઝૂંસરી છોડી દીધી. (યોહા. ૬:૨૫-૨૭, ૫૧, ૬૦, ૬૬; ફિલિ. ૩:૧૮, ૧૯) જેઓને ઈશ્વર અને પડોશી માટે પ્રેમ હતો, તેઓ પૃથ્વી પર જીવ્યા ત્યાં સુધી એ ઝૂંસરી ઉપાડતા રહ્યા. તેઓ પાસે ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રહેવાની આશા હતી. તેઓની જેમ, આપણે પણ સારા ઇરાદા સાથે ઈસુની ઝૂંસરી ઉપાડીશું તો ખુશ રહીશું. w૧૯.૦૯ ૨૦ ¶૧; ૨૪-૨૫ ¶૧૯-૨૦

બુધવાર, સપ્ટેમ્બર ૧૫

“તમે સત્ય જાણશો અને સત્ય તમને આઝાદ કરશે.”—યોહા. ૮:૩૨.

ખોટા શિક્ષણમાંથી આઝાદ થયા પછી તમને જે આશીર્વાદો મળ્યા છે, એનો વિચાર કરો. એવી આઝાદી મળી હોવાથી આપણે કેટલા ખુશ છીએ! આપણે આશા રાખીએ છીએ કે ભાવિમાં આપણને વધારે સારી આઝાદી મળશે. ઈસુ બહુ જલદી જૂઠા ધર્મો અને ભ્રષ્ટ સરકારોનો નાશ કરશે. ઈશ્વર તેમની ભક્તિ કરનાર ‘મોટા ટોળાને’ બચાવશે. પછી આપણને બાગ જેવી પૃથ્વી પર રહેવા મળશે, જેમાં આપણે જીવનની મજા લઈશું. (પ્રકટી. ૭:૯, ૧૪) કરોડો લોકોને સજીવન કરવામાં આવશે. આદમે કરેલા પાપની અસરમાંથી આઝાદ થવાની તેઓને તક મળશે. (પ્રે.કા. ૨૪:૧૫) હજાર વર્ષના રાજ દરમિયાન, ઈસુ અને તેમની સાથે રાજ કરનારા લોકો માણસજાતને મદદ કરશે. તેઓની મદદથી માણસોને એવી તંદુરસ્તી મળશે જે કાયમ ટકશે. ઈશ્વર સાથેનો સંબંધ હંમેશાં મજબૂત રહે, એ માટે પણ તેઓ મદદ કરશે. એ આઝાદીનો સમય ઇઝરાયેલના જુબિલી વર્ષ જેવો હશે. એટલે યહોવાની વફાદારીથી સેવા કરતા લોકોને એવું જીવન મળશે, જેમાં કોઈ ખામી નહિ હોય. w૧૯.૧૨ ૧૧-૧૨ ¶૧૪-૧૬

ગુરુવાર, સપ્ટેમ્બર ૧૬

“બાર્નાબાસ તેની મદદે આવ્યો.”—પ્રે.કા. ૯:૨૭.

પહેલી સદીમાં યુસફ નામના ઈશ્વરભક્ત હતા, જેમની અટક બાર્નાબાસ હતી. તે ઘણા ઉદાર હતા. યહોવા તેમનો ઉપયોગ કરે એ માટે તે દિલથી તૈયાર હતા. (પ્રે.કા. ૪:૩૬, ૩૭) શાઊલ ખ્રિસ્તી બન્યા એ પછી પણ ઘણાં ભાઈ-બહેનો તેમનાથી ડરતાં હતાં. કારણ કે અગાઉ તેમણે ઈસુને પગલે ચાલનારા લોકોની સતાવણી કરી હતી. પણ બાર્નાબાસે તેમને દિલાસો આપ્યો અને મદદ કરી. (પ્રે.કા. ૯:૨૧, ૨૬-૨૮) યરૂશાલેમના વડીલોએ જોયું કે દૂર સિરિયાના અંત્યોખમાં રહેતાં ભાઈ-બહેનોને ઉત્તેજનની જરૂર છે. તેઓએ કોને મોકલ્યા? બાર્નાબાસને! તેઓએ યોગ્ય વ્યક્તિને પસંદ કર્યા હતા. બાઇબલમાં લખ્યું છે કે બાર્નાબાસે ‘બધાને દૃઢ હૃદયથી પ્રભુમાં ચાલતા રહેવા ઉત્તેજન આપ્યું.’ (પ્રે.કા. ૧૧:૨૨-૨૪) આજે પણ ભાઈ-બહેનોને મદદ કરવા યહોવા આપણને “દિલાસાનો દીકરો” બનાવી શકે છે. દાખલા તરીકે, જેઓના સ્નેહીજનો ગુજરી ગયા છે, તેઓને દિલાસો આપવા યહોવા આપણો ઉપયોગ કરી શકે છે. બીમાર કે નિરાશ વ્યક્તિને મળીને કે ફોન કરીને દિલાસાના બે બોલ કહેવા તે આપણને પ્રેરણા આપી શકે છે. યહોવાએ બાર્નાબાસનો ઉપયોગ કર્યો હતો. યહોવા આપણો પણ ઉપયોગ કરે એ માટે શું આપણે તૈયાર છીએ?—૧ થેસ્સા. ૫:૧૪. w૧૯.૧૦ ૨૨ ¶૮

શુક્રવાર, સપ્ટેમ્બર ૧૭

“દોષને ઢાંકનાર પ્રીતિ શોધે છે; પણ અમુક બાબત વિશે બોલ્યા કરનાર ઈષ્ટ મિત્રોમાં અંતર પાડે છે.”—નીતિ. ૧૭:૯.

મિત્રો સાથે મળીને કામ કરવાથી અમુક વાર કયો પડકાર આવી શકે? તેઓના સારા ગુણોની સાથે સાથે આપણે તેઓની ભૂલો પણ જોઈ શકીએ છીએ. એ પડકારનો સામનો કરવા ક્યાંથી મદદ મળે? આપણે એવી અપેક્ષા ન રાખીએ કે ભાઈ-બહેનો કદીયે ભૂલ નહિ કરે. એટલે એક વાર કોઈને મિત્ર બનાવ્યા પછી મિત્રતાનું બંધન નિભાવવા આપણે મહેનત કરીએ. જો મિત્રો ભૂલ કરે, તો તેઓને પ્રેમથી પણ સાફ શબ્દોમાં બાઇબલમાંથી સલાહ આપવી પડે. (ગીત. ૧૪૧:૫) જો તેઓ આપણા દિલને ઠેસ પહોંચાડે, તો તેઓને માફ કરીએ. એક વાર માફ કરી દીધા પછી એ વાત ક્યારેય યાદ ન કરીએ. તેઓની સામે પણ નહિ અને બીજાઓની સામે પણ નહિ. આ છેલ્લા દિવસોમાં ભાઈ-બહેનોની ભૂલો શોધવાને બદલે તેઓના સારા ગુણો પર ધ્યાન આપવું ખૂબ મહત્ત્વનું છે! એમ કરવાથી તેઓ સાથેની મિત્રતા મજબૂત થશે. મહાન વિપત્તિ વખતે આપણને એવા પાકા મિત્રોની ખૂબ જરૂર પડશે. w૧૯.૧૧ ૬ ¶૧૩, ૧૬

શનિવાર, સપ્ટેમ્બર ૧૮

“સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો; . . . મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ પાળવાનું તેઓને શીખવો.”—માથ. ૨૮:૧૯, ૨૦.

બાઇબલ અભ્યાસ ચલાવીએ ત્યારે, ‘શિષ્યો બનાવવા અને ઈસુએ જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ પાળવાનું તેઓને શીખવવા’ બનતું બધું કરવું જોઈએ. યહોવાની ભક્તિ કરવી અને તેમના રાજ્યને ટેકો આપવો ઘણું મહત્ત્વનું છે, એ સમજવા આપણે લોકોને મદદ કરવી જોઈએ. એનો અર્થ થાય, આપણે લોકોને ઉત્તેજન આપવું જોઈએ કે શીખેલી વાતો લાગુ પાડે, યહોવાને પોતાનું જીવન સમર્પણ કરીને બાપ્તિસ્મા લે. જો એમ કરશે તો જ તેઓ યહોવાના દિવસે બચી જશે. (૧ પીત. ૩:૨૧) આજથી લઈને દુનિયાના અંત સુધી એકદમ થોડો સમય બાકી છે. એટલે જેઓ યહોવાના ભક્ત બનવા જીવનમાં ફેરફારો કરતા નથી, એવા લોકો સાથે બાઇબલ અભ્યાસ કરવા આપણી પાસે સમય નથી. (૧ કોરીં. ૯:૨૬) આપણને મળેલું કામ હમણાં કરવું ખૂબ જરૂરી છે! એમાં જરાય ઢીલા ન પડીએ. હજીયે એવા ઘણા લોકો છે, જેઓને ખુશખબર મળી નથી. સમય પૂરો થાય એ પહેલાં આપણે તેઓને ખુશખબર જણાવવાની છે. w૧૯.૧૦ ૧૧-૧૨ ¶૧૪-૧૫

રવિવાર, સપ્ટેમ્બર ૧૯

“તે યહોવા આગળ સળગતા અંગારા પર ધૂપ નાખે.”—લેવી. ૧૬:૧૩.

દર વર્ષે પ્રાયશ્ચિતના દિવસે આખી ઇઝરાયેલી પ્રજા ભેગી મળતી. પછી પ્રમુખ યાજક પ્રાણીનું બલિદાન ચઢાવતા. એ બલિદાનોથી ઇઝરાયેલીઓને યાદ રહેતું કે, તેઓએ પોતાનાં પાપોની માફી મેળવીને શુદ્ધ થવાનું છે. પહેલાં પ્રમુખ યાજકે એક કામ કરવાનું હતું. તેમણે ધૂપ અંગારા પર નાખવાનો હતો જેથી આખો ઓરડો મહેકી ઊઠે. એમાંથી આપણે શું શીખી શકીએ? યહોવા વફાદાર ભક્તોની પ્રાર્થના સાંભળે છે. એ પ્રાર્થનાને બાઇબલમાં ધૂપ સાથે સરખાવવામાં આવી છે. (ગીત. ૧૪૧:૨; પ્રકટી. ૫:૮) પ્રમુખ યાજક પૂરા આદરથી યહોવાની હાજરીમાં ધૂપ લાવતા. એવી જ રીતે, આપણે પણ પૂરા આદરથી યહોવાને પ્રાર્થના કરીએ છીએ. આપણા સર્જનહાર આપણને તેમની પાસે આવવા દે છે. જેમ એક બાળકનો પિતા સાથે નજીકનો સંબંધ હોય છે, તેમ આપણે પણ યહોવા સાથે નજીકનો સંબંધ રાખી શકીએ છીએ. એ માટે આપણે કેટલા આભારી છીએ! (યાકૂ. ૪:૮) આપણને તેમના મિત્ર બનવાનો લહાવો મળ્યો છે. (ગીત. ૨૫:૧૪) એ લહાવાની આપણે એટલી કદર કરીએ છીએ કે, યહોવાને ક્યારેય નારાજ કરવા માંગતા નથી. w૧૯.૧૧ ૨૦-૨૧ ¶૩-૫

સોમવાર, સપ્ટેમ્બર ૨૦

“હે યહોવા, તારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તેં તે સઘળાંને ડહાપણથી પેદા કર્યાં છે; પૃથ્વી તારી સંપત્તિથી ભરપૂર છે.”—ગીત. ૧૦૪:૨૪.

તમારી આસપાસ રહેતા મોટા ભાગના લોકો કામને કેવું ગણે છે? ઘણા દેશોમાં લોકો પહેલાં કરતાં વધારે કામ કરે છે. એમાં તેઓના કલાકોના કલાકો જતા રહે છે. એવા લોકો પાસે આરામ, કુટુંબ અને ભક્તિ માટે સમય રહેતો નથી. (સભા. ૨:૨૩) બીજા અમુક લોકોને કામ કરવાનું ગમતું નથી અને કામ ન કરવાનાં બહાનાં શોધે છે. (નીતિ. ૨૬:૧૩, ૧૪) દુનિયામાં અમુક લોકો બહુ કામ કરે છે, જ્યારે કે બીજા અમુક લોકો કામ કરતા જ નથી. ચાલો જોઈએ કે યહોવા અને ઈસુ કામને કેવું ગણે છે. આપણે જાણીએ છીએ કે યહોવાને કામ કરવું ગમે છે. એ વિશે ઈસુએ કહ્યું હતું: “મારા પિતા હમણાં સુધી કામ કરે છે અને હું પણ કામ કરતો રહું છું.” (યોહા. ૫:૧૭) જરા વિચારો, ઈશ્વરે લાખો-કરોડો સ્વર્ગદૂતો અને વિશાળ બ્રહ્માંડ બનાવ્યાં છે. આ પૃથ્વી પર કેટકેટલી સુંદર વસ્તુઓ બનાવી છે. w૧૯.૧૨ ૨ ¶૧-૨

મંગળવાર, સપ્ટેમ્બર ૨૧

“યિશાઈનો દીકરો દાઊદ મને મળ્યો છે, જે મારા દિલને ખુશ કરે છે.”—પ્રે.કા. ૧૩:૨૨.

દાઊદ કઈ રીતે યહોવાની નજીક જઈ શક્યા? સૃષ્ટિ પરથી દાઊદને યહોવા વિશે ઘણું શીખવા મળ્યું હતું. દાઊદ યુવાન હતા ત્યારે પિતાનાં ઘેટાં સાચવવા ઘણો સમય તેમણે ઘરની બહાર રહેવું પડતું. એ સમયે તેમને યહોવાની સૃષ્ટિ પર મનન કરવાની તક મળી હશે. દાખલા તરીકે, દાઊદે રાતે આકાશમાં લાખો કરોડો તારા જોયા હશે. એનાથી પણ મહત્ત્વનું, તે સૃષ્ટિમાંથી સર્જનહારના ગુણો જોઈ શક્યા હશે. (ગીત. ૧૯:૧, ૨) માણસને અદ્‍ભુત રીતે રચવામાં આવ્યો એ વિશે દાઊદે વિચાર કર્યો હશે. યહોવાની બુદ્ધિનો વિચાર કરીને દાઊદ નવાઈ પામ્યા હશે. (ગીત. ૧૩૯:૧૪) યહોવાનાં કામો પર મનન કરીને દાઊદને લાગ્યું હશે કે પોતે યહોવાની સામે કંઈ જ નથી. (ગીત. ૧૩૯:૬) એમાંથી આપણને શું શીખવા મળે છે? આસપાસની સૃષ્ટિ જોવા દરરોજ સમય કાઢીએ. ઝાડપાન, પ્રાણીઓ અને મનુષ્યોને જે રીતે રચવામાં આવ્યા, એ જોઈને આપણને યહોવા વિશે ઘણું શીખવા મળશે. દરેક નવો દિવસ પ્રેમાળ ઈશ્વર વિશે આપણને નવું નવું શીખવશે. (રોમ. ૧:૨૦) એ જોઈને ઈશ્વર માટે તમારો પ્રેમ વધતો જશે. w૧૯.૧૨ ૧૯-૨૦ ¶૧૫-૧૭

બુધવાર, સપ્ટેમ્બર ૨૨

“શ્રદ્ધાથી મુસાએ મોટા થયા પછી ફારૂનની દીકરીના પુત્ર ગણાવાની ના પાડી.”—હિબ્રૂ. ૧૧:૨૪.

મુસાએ ઈશ્વરની ભક્તિ કરવાનું નક્કી કર્યું. મુસા આશરે ૪૦ વર્ષના હતા ત્યારે, તેમણે “ફારૂનની દીકરીનો પુત્ર” ગણાવાની ના પાડી. તેમણે એવા ઇઝરાયેલીઓ સાથે મિત્રતા રાખી, જેઓ ઈશ્વરની ભક્તિ કરતા હતા. મુસાએ મહત્ત્વનું સ્થાન છોડી દીધું. ફારૂન શક્તિશાળી રાજા હતો, જેને ઇજિપ્તના લોકો દેવ માનતા હતા. મુસા જાણતા હતા કે ઇઝરાયેલીઓનો પક્ષ લેવાથી ફારૂનને ગુસ્સો આવશે. તોપણ તેમણે એ ઇઝરાયેલીઓનો પક્ષ લીધો, જેઓ ઇજિપ્તની ગુલામીમાં હતા. એનાથી જોવા મળ્યું કે મુસાને યહોવામાં કેટલી શ્રદ્ધા હતી! મુસા પૂરા દિલથી તેમના પર ભરોસો રાખતા હતા. એવો ભરોસો તો યહોવા સાથે કાયમનો સંબંધ કેળવવાનું પહેલું પગથિયું હતું. (નીતિ. ૩:૫) એમાંથી આપણને શું શીખવા મળે છે? મુસાની જેમ આપણે બધાએ એક નિર્ણય લેવાનો છે. એ છે ફક્ત ઈશ્વરની ભક્તિ કરવી અને તેમના લોકો સાથે જ મિત્રતા કરવી. ઈશ્વરની ભક્તિ કરવા આપણે અમુક બાબતો કદાચ જતી કરવી પડે. જેઓ ઈશ્વરને ઓળખતા નથી, તેઓના વિરોધનો કદાચ સામનો કરવો પડે. પણ સ્વર્ગના પિતા પર ભરોસો રાખીશું તો, આપણો સાથ તે ક્યારેય છોડશે નહિ. w૧૯.૧૨ ૧૭ ¶૫-૬

ગુરુવાર, સપ્ટેમ્બર ૨૩

“અને યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો.”—ઉત. ૨:૭.

આપણે ધૂળના બનેલા છીએ તોપણ યહોવાની નજરે કીમતી છીએ. શા માટે? ચાલો એનાં અમુક કારણો જોઈએ. યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છે કે તેમના જેવા ગુણો બતાવી શકીએ. (ઉત. ૧:૨૭) એટલે પૃથ્વીની બીજી બધી વસ્તુઓ કરતાં આપણે ઉત્તમ છીએ. યહોવાએ આપણને પૃથ્વી અને પ્રાણીઓની સંભાળ રાખવાનો અધિકાર પણ આપ્યો છે. (ગીત. ૮:૪-૮) આદમે પાપ કર્યું હોવા છતાં યહોવા આપણને કીમતી ગણે છે. એટલા કીમતી કે આપણને પાપમાંથી આઝાદ કરવા તેમણે પોતાના દીકરા ઈસુનું બલિદાન આપી દીધું. (૧ યોહા. ૪:૯, ૧૦) આદમના પાપને લીધે ગુજરી ગયેલા ‘સારા અને ખરાબ’ લોકોને યહોવા સજીવન કરશે. (પ્રે.કા. ૨૪:૧૫) બાઇબલમાં જણાવ્યું છે કે આપણે યહોવા માટે કીમતી છીએ, પછી ભલે આપણે બીમાર, ગરીબ કે વૃદ્ધ હોઈએ.—પ્રે.કા. ૧૦:૩૪, ૩૫. w૨૦.૦૧ ૧૫ ¶૫-૬

શુક્રવાર, સપ્ટેમ્બર ૨૪

‘બીજાઓના કામમાં માથું ન મારો.’—૧ થેસ્સા. ૪:૧૧.

સ્વર્ગની આશા કોઈને વારસામાં મળતી નથી. એ તો ઈશ્વર તરફથી મળે છે. (૧ થેસ્સા. ૨:૧૨) એટલે બીજાઓને માઠું લાગે એવા સવાલો પૂછવાનું આપણે ટાળવું જોઈએ. દાખલા તરીકે, અભિષિક્ત ભાઈના પત્નીને આપણે એવું નહિ પૂછીએ કે પતિ વગર પૃથ્વી પર હંમેશ માટે જીવવાનું તેમને કેવું લાગશે. કારણ કે આપણને બધાને ખાતરી છે કે યહોવા બધાની ‘ઇચ્છા પૂરી કરશે.’ (ગીત. ૧૪૫:૧૬) અભિષિક્તોને વધુ પડતું મહત્ત્વ ન આપીને આપણે પોતાનું પણ રક્ષણ કરીએ છીએ. કઈ રીતે? બાઇબલ કહે છે કે અમુક અભિષિક્તો કદાચ અંત સુધી વફાદાર ન રહે. (માથ. ૨૫:૧૦-૧૨; ૨ પીત. ૨:૨૦, ૨૧) જો આપણે “બીજાઓની વાહ વાહ” કરવાનું ટાળીશું તો માણસોના પગલે ચાલીશું નહિ. પછી ભલેને એ માણસો અભિષિક્તો કે જાણીતાં ભાઈ-બહેનો કે પછી વર્ષો જૂના ઈશ્વરભક્તો કેમ ન હોય. (યહુ. ૧૬, ફૂટનોટ) એટલે જો તેઓ બેવફા બને કે મંડળ છોડીને જતા રહે, તો યહોવા પરની આપણી શ્રદ્ધા ઓછી થવા દઈશું નહિ કે આપણે યહોવાને ભજવાનું છોડી દઈશું નહિ. w૨૦.૦૧ ૨૯ ¶૯-૧૦

શનિવાર, સપ્ટેમ્બર ૨૫

“વહાલાં બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરો.”—એફે. ૫:૧.

આપણે યહોવાનાં “વહાલાં બાળકો” છીએ અને તેમને અનુસરવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ. આપણે બીજાઓને પ્રેમ અને દયા બતાવીએ છીએ અને તેઓની ભૂલો માફ કરીએ છીએ. એમ કરીને આપણે યહોવાના જેવા ગુણો બતાવીએ છીએ. જેઓ યહોવાને ઓળખતા નથી, તેઓ પર આપણા સારા વલણની અસર થઈ શકે છે. તેઓ કદાચ યહોવા વિશે શીખવા તૈયાર થાય. (૧ પીત. ૨:૧૨) યહોવા જે રીતે આપણી સાથે વર્તે છે, એવી જ રીતે માબાપે બાળકો સાથે વર્તવું જોઈએ. માબાપને એમ કરતા જોઈને બાળકો પણ યહોવાની નજીક જવાનો પ્રયત્ન કરશે. આપણને પિતા યહોવા માટે ગર્વ છે. આપણે ચાહીએ છીએ કે બીજાઓ પણ તેમના વિશે જાણે. આપણે પણ દાઊદ રાજાની જેમ કહીશું, ‘યહોવાને લીધે હું ગર્વ કરીશ.’ (ગીત. ૩૪:૨) પણ જો આપણો સ્વભાવ શરમાળ હોય, તો ક્યાંથી હિંમત મળી શકે? આપણે આનો વિચાર કરીશું તો હિંમત મળશે: બીજાઓને યહોવા વિશે જણાવીએ ત્યારે તે કેટલા ખુશ થાય છે; બીજાઓ પણ યહોવા વિશે શીખે ત્યારે તેઓને ફાયદો થાય છે. યહોવા આપણને જરૂરી હિંમત આપશે. યહોવાએ પહેલી સદીનાં ભાઈ-બહેનોને હિંમત આપી હતી, તે આપણને પણ હિંમત આપશે.—૧ થેસ્સા. ૨:૨. w૨૦.૦૨ ૧૧ ¶૧૨-૧૩

રવિવાર, સપ્ટેમ્બર ૨૬

“એ માટે જાઓ, સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો . . . , બાપ્તિસ્મા આપો.”—માથ. ૨૮:૧૯.

બાઇબલ અભ્યાસ કરનાર ઘણા લોકો ભક્તિમાં આગળ વધે છે અને બાપ્તિસ્મા લે છે. પણ જોવા મળ્યું છે કે અમુક બાઇબલ વિદ્યાર્થીઓ બાપ્તિસ્મા લેતા અચકાય છે. તેઓને અભ્યાસ કરવો ગમે છે પણ બાપ્તિસ્મા લેતા નથી. જો તમે બાઇબલ અભ્યાસ ચલાવતા હો, તો તમે પણ ચાહતા હશો કે તમારો વિદ્યાર્થી જે શીખે એને લાગુ પાડે અને ખ્રિસ્તનો શિષ્ય બને. યહોવા ચાહે છે કે લોકો પ્રેમથી પ્રેરાઈને તેમની ભક્તિ કરે. બાઇબલ વિદ્યાર્થીને એ સમજવા મદદ કરીએ કે યહોવા તેને ખૂબ પ્રેમ કરે છે અને તેની કાળજી રાખે છે. તેને જણાવીએ કે યહોવા ‘અનાથના પિતા અને વિધવાઓના ન્યાયાધીશ’ છે. (ગીત. ૬૮:૫) જો તેને અહેસાસ થશે કે યહોવા તેને ખૂબ પ્રેમ કરે છે, તો યહોવા માટેનો તેનો પ્રેમ વધતો જશે. તેઓને એ સમજવા મદદ કરીએ કે પ્રેમાળ ઈશ્વર ચાહે છે કે તેઓ હંમેશાંનું જીવન મેળવે. એ માટે મદદ કરવા તે કાયમ તૈયાર હોય છે. w૨૦.૦૧ ૩ ¶૭-૮

સોમવાર, સપ્ટેમ્બર ૨૭

“તારા પ્રેમ વિશે સાંભળીને મને ખૂબ જ ખુશી અને દિલાસો મળ્યા છે.”—ફિલે. ૭.

બીજાઓ પાસેથી દિલાસો મેળવો. પ્રેરિત પાઊલ નમ્ર હતા, એટલે તેમને ખબર હતી કે મિત્રો પાસેથી ઉત્તેજન લેવાની જરૂર પડશે. પાઊલને એવી ચિંતા ન હતી કે મિત્રો તેમને ઉત્તેજન આપશે તો બીજાઓ શું વિચારશે. મુશ્કેલ સમયમાં પાઊલને ઉત્તેજન આપનાર ઘણાં ભાઈ-બહેનો વિશે તેમણે જણાવ્યું હતું. (કોલો. ૪:૭-૧૧) જો ભાઈ-બહેનોને જણાવીશું કે આપણને ઉત્તેજનની જરૂર છે, તો તેઓ ખુશીથી મદદ કરશે. પાઊલ જાણતા હતા કે તેમને બાઇબલમાંથી દિલાસો મળશે. (રોમ. ૧૫:૪) બાઇબલમાંથી તેમને સમજણ મળી એટલે તે કસોટીનો સામનો કરી શક્યા. (૨ તિમો. ૩:૧૫, ૧૬) રોમમાં બીજી વાર કેદ હતા ત્યારે પાઊલને લાગ્યું કે તે મરવાની અણી પર છે. તેમણે તરત જ તિમોથીને બોલાવ્યા અને સાથે “વીંટાઓ” લાવવાનું કહ્યું. (૨ તિમો. ૪:૬, ૭, ૯, ૧૩) શા માટે? લાગે છે કે એ વીંટાઓમાં હિબ્રૂ શાસ્ત્રવચનોનો અમુક ભાગ હતો, જેનો પાઊલ પોતે અભ્યાસ કરવાના હતા. આપણે પણ પાઊલની જેમ નિયમિત બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ. એમ કરીશું તો ભલે ગમે તેવી કસોટી આવે, યહોવા બાઇબલનો ઉપયોગ કરીને આપણને મન શાંત રાખવા મદદ કરશે. w૨૦.૦૨ ૨૩-૨૪ ¶૧૪-૧૫

મંગળવાર, સપ્ટેમ્બર ૨૮

“બીજાઓનો ન્યાય કરવાનું બંધ કરો, જેથી તમારો ન્યાય કરવામાં ન આવે.”—માથ. ૭:૧.

અલીફાઝ, બિલ્દાદ અને સોફારે એવો વિચાર ન કર્યો કે અયૂબને કઈ રીતે મદદ કરી શકાય. એને બદલે, અયૂબે શું ખોટું કર્યું છે એ વિચારવા તેઓએ સમય કાઢ્યો. તેઓએ અમુક વાતો સાચી કહી. પણ અયૂબ અને યહોવા વિશે તેઓએ જે કહ્યું એ ખોટું હતું. તેઓએ કઠોર બનીને આરોપ લગાવ્યો કે અયૂબ ખરાબ વ્યક્તિ છે. (અયૂ. ૩૨:૧-૩) યહોવાને કેવું લાગ્યું? તેમને એ ત્રણ માણસો પર બહુ ગુસ્સો આવ્યો. તેમની નજરે તેઓ મૂર્ખ હતા. યહોવાએ તેઓને જણાવ્યું, ‘અયૂબને કહો કે તમારા માટે પ્રાર્થનામાં માફી માંગે.’ (અયૂ. ૪૨:૭-૯) અલીફાઝ, બિલ્દાદ અને સોફારના ખરાબ દાખલા પરથી ઘણી બાબતો શીખવા મળે છે. પહેલી બાબત, આપણે ભાઈ-બહેનો વિશે ખોટું ન વિચારવું જોઈએ. (માથ. ૭:૨-૫) આપણે બોલતા પહેલાં તેઓનું ધ્યાનથી સાંભળવું જોઈએ, તો જ તેઓના સંજોગો સમજી શકીશું. (૧ પીત. ૩:૮) બીજી બાબત, બીજાઓ સાથે વાત કરતી વખતે આપણે પ્રેમથી અને સાચું બોલવું જોઈએ. (એફે. ૪:૨૫) ત્રીજી બાબત, આપણે એકબીજાને જે કહીએ છીએ એ યહોવા ધ્યાનથી સાંભળે છે. w૨૦.૦૩ ૨૨-૨૩ ¶૧૫-૧૬

બુધવાર, સપ્ટેમ્બર ૨૯

“બધા સંજોગોમાં પ્રાર્થના કરતા રહો.”—એફે. ૬:૧૮.

બીજાઓને યહોવા વિશે શીખવીએ ત્યારે, આપણે યહોવાને વધુ સારી રીતે ઓળખવા લાગીએ છીએ. દાખલા તરીકે, નમ્ર દિલના લોકો સુધી પહોંચવા યહોવા આપણને માર્ગદર્શન આપે ત્યારે એમાં તેમની કરુણા દેખાય આવે છે. (યોહા. ૬:૪૪; પ્રે.કા. ૧૩:૪૮) જેઓ સાથે અભ્યાસ કરીએ તેઓ ખોટી લત છોડીને નવો સ્વભાવ કેળવે ત્યારે જોવા મળે છે કે બાઇબલમાં કેટલી તાકાત છે. (કોલો. ૩:૯, ૧૦) યહોવા લોકોને ઘણી તક આપે છે કે તેઓ તેમના વિશે શીખે અને પોતાનું જીવન બચાવે. એ તેમની ધીરજનો પુરાવો છે (રોમ. ૧૦:૧૩-૧૫) ભલે ગમે એટલાં વર્ષોથી યહોવાને ભજતા હોઈએ, આપણે યહોવા સાથેનો સંબંધ કીમતી ગણવો જોઈએ. એ સાબિત કરવાની એક રીત છે, તેમની સાથે પ્રાર્થનામાં વાત કરીએ. વાતચીતના પાણીથી મિત્રતાનો બગીચો લીલોછમ રહે છે. એટલે યહોવાને હંમેશાં પ્રાર્થના કરતા રહીએ. તેમની સામે પોતાના દિલની લાગણી ઠાલવતા કદી અચકાઈએ નહિ. w૧૯.૧૨ ૧૯ ¶૧૧, ૧૩-૧૪

ગુરુવાર, સપ્ટેમ્બર ૩૦

“તમારાં પાપ માફ થયાં છે.”—૧ યોહા. ૨:૧૨.

એ જાણીને દિલને કેટલી રાહત મળે છે! શેતાન અને તેની દુનિયા આપણા પર ઘણી તકલીફો લાવે છે. ઈશ્વરના રાજ્યના રાજા તરીકે ઈસુ, એ બધી તકલીફોનું નામનિશાન મિટાવી દેશે. (યશા. ૬૫:૧૭; ૧ યોહા. ૩:૮; પ્રકટી. ૨૧:૩, ૪) એ સોનેરી આશાની આપણે કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ! ઈસુએ સોંપેલું કામ ભલે અઘરું છે, પણ તે આપણી સાથે છે. આ છેલ્લા દિવસોમાં તે આપણો સાથ ક્યારેય નહિ છોડે. (માથ. ૨૮:૧૯, ૨૦) એનાથી આપણને કેટલી હિંમત મળે છે! આપણા મનની શાંતિ આ ત્રણ મહત્ત્વની બાબતો પર ટકેલી છે: રાહત, આશા અને હિંમત. મુશ્કેલીનો પહાડ તૂટી પડે અને નિરાશામાં ઘેરાઈ જઈએ ત્યારે આપણે કઈ રીતે મનની શાંતિ જાળવી શકીએ? એ માટે ઈસુના દાખલાને અનુસરીએ. પહેલું, પ્રાર્થના કરતા રહીએ. બીજું, અઘરા સંજોગોમાં પણ યહોવાની આજ્ઞા પાળીએ અને ઉત્સાહથી પ્રચારકામ કરીએ. ત્રીજું, મુશ્કેલીઓમાં મિત્રોની મદદ સ્વીકારીએ. પછી ઈશ્વરની શાંતિ આપણાં હૃદયો અને મનોનું રક્ષણ કરશે. (ફિલિ. ૪:૬, ૭) કોઈ પણ કસોટી આવે આપણે ઈસુની જેમ એના પર જીત મેળવીશું.—યોહા. ૧૬:૩૩. w૧૯.૦૪ ૧૩ ¶૧૬-૧૭

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો