ઑગસ્ટ
રવિવાર, ઑગસ્ટ ૧
“મને મોકલનાર મારી સાથે છે; તેમણે મને એકલો મૂકી દીધો નથી.”—યોહા. ૮:૨૯.
ઈસુ સતાવણીમાં પણ મન શાંત રાખી શક્યા. એનું એક કારણ હતું, તે જાણતા હતા કે સતાવણી સહીને તે પોતાના પિતાને ખુશ કરી રહ્યા છે. અઘરા સંજોગોમાં પણ તે વફાદાર રહ્યા. ઈસુ પોતાના પિતાને પ્રેમ કરતા હતા. યહોવાની સેવા કરવી એ જ તેમના જીવનમાં સૌથી મહત્ત્વનું હતું. પૃથ્વી પર આવતા પહેલાં તે ઈશ્વર સાથે કામ કરતા હતા, તે “કુશળ કારીગર” હતા. (નીતિ. ૮:૩૦) પૃથ્વી પર હતા ત્યારે તેમણે પૂરા ઉત્સાહથી લોકોને પોતાના પિતા વિશે શીખવ્યું. (માથ. ૬:૯; યોહા. ૫:૧૭) એ કામથી ઈસુને ખુશી મળતી હતી. (યોહા. ૪:૩૪-૩૬) ઈસુની જેમ, આપણે યહોવાની આજ્ઞા પાળવી જોઈએ. ‘પ્રભુની સેવામાં પુષ્કળ કામ હોવાથી, એમાં હંમેશાં લાગુ રહેવું જોઈએ.’ (૧ કોરીં. ૧૫:૫૮) “પૂરા ઉત્સાહથી” ખુશખબર ફેલાવવી જોઈએ અને એમાં વધારે સમય આપવો જોઈએ. એમ કરીશું તો, તકલીફોમાં પણ યોગ્ય વલણ રાખી શકીશું. (પ્રે.કા. ૧૮:૫) દાખલા તરીકે, પ્રચારમાં આપણને એવા લોકો મળે છે, જેઓને આપણા કરતાં પણ મોટી મુશ્કેલી હોય છે. સમય જતાં, તેઓ યહોવા વિશે શીખે છે અને તેમની આજ્ઞા પાળે છે. એમ કરવાથી તેઓનું જીવન સુધરે છે અને તેઓના જીવનમાં ખુશીઓ આવે છે. એવા લોકોને જોઈને આપણો ભરોસો મજબૂત થાય છે કે યહોવા જરૂર આપણી કાળજી રાખશે. w૧૯.૦૪ ૧૦-૧૧ ¶૮-૯
સોમવાર, ઑગસ્ટ ૨
“જાદુવિદ્યા કરનારા ઘણા લોકોએ પોતાનાં પુસ્તકો લાવીને ભેગાં કર્યાં અને બધાની સામે બાળી નાખ્યાં.”—પ્રે.કા. ૧૯:૧૯.
તેઓએ દુષ્ટ દૂતોથી દૂર રહેવા બનતું બધું કર્યું. તેઓ પાસે જાદુવિદ્યાનાં મોંઘાં મોંઘાં પુસ્તકો હતાં. તેઓએ એ પુસ્તકો બીજા કોઈને આપ્યાં કે વેચ્યાં નહિ, પણ એને બાળી નાખ્યાં. હવે તેઓ માટે એ પુસ્તકોની કોઈ કિંમત ન હતી. તેઓ તો યહોવાને ખુશ કરવા માંગતા હતા. પહેલી સદીના ઈશ્વરભક્તોને આપણે કઈ રીતે અનુસરી શકીએ? અલૌકિક કે ખરાબ શક્તિઓ સાથે જોડાયેલી દરેક વસ્તુથી દૂર રહીએ. આપણે આવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ: માદળિયું, તાવીજ, મંત્રેલી વસ્તુઓ, શુકન માટેની વસ્તુઓ કે એના જેવી બીજી ચીજવસ્તુઓ. (૧ કોરીં. ૧૦:૨૧) મનોરંજન વિશે ધ્યાન રાખીએ. આપણે આ સવાલ પર વિચાર કરવો જોઈએ કે હું જે મનોરંજન પસંદ કરું છું, શું એમાં મેલીવિદ્યા જેવું કંઈ છે? આપણે સમજી-વિચારીને મનોરંજનની પસંદગી કરીએ. એમ કરીશું તો યહોવા ધિક્કારે છે એવી બાબતોથી દૂર રહી શકીશું. ‘શુદ્ધ મનથી’ ઈશ્વરની ભક્તિ કરવા આપણે બનતું બધું કરીશું.—પ્રે.કા. ૨૪:૧૬. w૧૯.૦૪ ૨૨-૨૩ ¶૧૦-૧૨
મંગળવાર, ઑગસ્ટ ૩
“વડીલોને બોલાવવા.”—યાકૂ. ૫:૧૪.
ગંભીર પાપ વિશે જાણવા મળે ત્યારે વડીલો ઘણી બાબતો ધ્યાનમાં રાખે છે. ઈશ્વરના નામની નિંદા ન થાય એનું પણ તેઓ ધ્યાન રાખે છે. (લેવી. ૨૨:૩૧, ૩૨; માથ. ૬:૯) વડીલો આ વાતની કાળજી રાખે છે: ભાઈ-બહેનોનો યહોવા સાથેનો સંબંધ મજબૂત રહે; જેઓ ભોગ બન્યા છે, તેઓને મદદ કરવા વડીલો તરત આગળ આવે છે. શોષણ કરનાર વ્યક્તિ મંડળમાંથી હોય તો વડીલો જોશે કે તે પસ્તાવો કરે છે કે નહિ. જો તે પસ્તાવો કરે, તો વડીલો તેને યહોવા સાથે સંબંધ પાછો મજબૂત કરવા મદદ આપશે. (યાકૂ. ૫:૧૪, ૧૫) ખોટી ઇચ્છા સંતોષવા વ્યક્તિ ગંભીર પાપ કરે છે. તે બીમાર વ્યક્તિ જેવી છે. યહોવા સાથેનો તેનો સંબંધ કમજોર થઈ ગયો છે. એ સમયે વડીલો ડોક્ટર જેવું કામ કરે છે. તેઓ ‘બીમારને સાજો કરવાનો’ પ્રયત્ન કરે છે. તેનો ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરવા તેઓ બાઇબલમાંથી સલાહ આપે છે. જો વ્યક્તિ દિલથી પસ્તાવો કરશે તો જ સાજી થશે.—પ્રે.કા. ૩:૧૯; ૨ કોરીં. ૨:૫-૧૦. w૧૯.૦૫ ૧૦ ¶૧૦-૧૧
બુધવાર, ઑગસ્ટ ૪
‘ઈશ્વર તમને શક્તિ આપે છે, જેનાથી તમને તેમનું કામ કરવાની ઇચ્છા જ નહિ, એ પૂરું કરવાનું બળ પણ મળે છે.’—ફિલિ. ૨:૧૩.
યહોવા આપણા મનમાં કામ કરવાની ઇચ્છા મૂકી શકે છે. કદાચ આપણને ખબર પડે કે મંડળમાં કે બીજી કોઈ જગ્યાએ મદદની જરૂર છે. એ જાણીને આપણને કદાચ થાય, “હું કઈ રીતે મદદ કરી શકું?” આપણને કોઈ અઘરું કામ સોંપવામાં આવે ત્યારે કદાચ સવાલ થાય, “શું મારાથી એ કામ થશે?” બાઇબલ વાંચતાં વાંચતાં આપણને કદાચ વિચાર આવે, “આ કલમથી હું બીજાઓને કઈ રીતે મદદ કરી શકું?” જ્યારે યહોવા જુએ છે કે આપણે કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છીએ, ત્યારે તે આપણને એ કામ કરવા જરૂરી મદદ આપે છે. યહોવા આપણને કામ કરવા બળ પૂરું પાડી શકે છે. (યશા. ૪૦:૨૯) આપણી આવડતો નિખારવા તે પવિત્ર શક્તિ આપે છે. (નિર્ગ. ૩૫:૩૦-૩૫) યહોવા પોતાના સંગઠન દ્વારા આપણને અમુક કામ શીખવે છે. કોઈ સોંપણી કઈ રીતે પૂરી કરવી એ ન સમજાય તો બીજાઓ પાસે મદદ માંગવી જોઈએ. ઉદાર પિતા યહોવાની મદદ માંગતા ક્યારેય અચકાઈએ નહિ. તે આપણને “માણસની શક્તિ કરતાં ઘણી ચઢિયાતી” શક્તિ આપશે.—૨ કોરીં. ૪:૭; લુક ૧૧:૧૩. w૧૯.૧૦ ૨૧ ¶૩-૪
ગુરુવાર, ઑગસ્ટ ૫
‘માણસો સ્વાર્થી હશે.’—૨ તિમો. ૩:૨.
આજે દુનિયાના લોકો ફક્ત પોતાનો જ વિચાર કરે છે. એક જ્ઞાનકોશ જણાવે છે: ‘વ્યક્તિને મદદ કરે એવાં પુસ્તકો ૧૯૭૦ના દાયકામાં બહાર પાડવામાં આવ્યાં હતાં. અમુક પુસ્તકોમાં લખ્યું હતું કે “માણસે એમ ન વિચારવું જોઈએ કે પોતે કંઈક ખોટું કરે છે. તે જેવો હોય તેવો જ રહે.”’ બીજા એક પુસ્તકમાં લખ્યું હતું કે, ‘આખી દુનિયામાં સૌથી સુંદર અને મહત્ત્વની વ્યક્તિ એક જ છે, એ છો તમે. એટલે પોતાને પ્રેમ કરો. વ્યક્તિએ પોતાના દિલની વાત સાંભળવી જોઈએ. કઈ રીતે વર્તવું, એ વ્યક્તિએ પોતે નક્કી કરવું જોઈએ.’ શું તમે પહેલાં એવું કંઈક સાંભળ્યું છે? શેતાને પણ હવાને એવું જ કરવા લલચાવી હતી. તેણે કહ્યું હતું કે હવા પણ ‘ઈશ્વરની જેમ ખરું-ખોટું પારખી શકશે.’ (ઉત. ૩:૫) આજે લોકો પોતાને એટલા બધા ચઢિયાતા ગણે છે કે તેઓ કોઈની સલાહ લેવા માંગતા નથી, ઈશ્વરની પણ નહિ. તેઓ જાતે ખરું-ખોટું નક્કી કરવા માંગે છે. જેમ કે, લગ્ન વિશે લોકો મનફાવે એમ કરે છે. w૧૯.૦૫ ૨૩ ¶૧૦-૧૧
શુક્રવાર, ઑગસ્ટ ૬
“હું લથડી ગયો છું, હું ઘણો વાંકો વળી ગયો છું; હું આખો દિવસ શોક કર્યા કરું છું.”—ગીત. ૩૮:૬.
કેટલીક વાર દાઊદ રાજા ચિંતામાં ગરક થઈ જતા. તેમના જીવનમાંથી મુશ્કેલીઓ જવાનું નામ જ નહોતી લેતી. તેમણે કરેલી ભૂલોને લીધે તેમને ખૂબ પસ્તાવો થતો હતો. (ગીત. ૪૦:૧૨) તેમના વહાલા દીકરા આબ્શાલોમે તેમની સામે બળવો કર્યો, એટલે તે માર્યો ગયો. (૨ શમૂ. ૧૫:૧૩, ૧૪; ૧૮:૩૩) દાઊદના ખાસ મિત્રએ તેમને દગો દીધો. (૨ શમૂ. ૧૬:૨૩–૧૭:૨; ગીત. ૫૫:૧૨-૧૪) દાઊદે ઘણાં ગીતો લખ્યાં. નિરાશાની લાગણી વિશે અને યહોવામાં મૂકેલા પાકા ભરોસા વિશે તેમણે એ ગીતોમાં લખ્યું છે. (ગીત. ૩૮:૫-૧૦; ૯૪:૧૭-૧૯) આસાફ લેવી હતા. કદાચ તેમના વંશજમાંથી એક વ્યક્તિએ ગીત લખ્યું હતું, જે “ઈશ્વરના પવિત્રસ્થાનમાં” સેવા કરતા હતા. સમય જતાં, તે દુષ્ટ લોકોની ઈર્ષા કરવા લાગ્યા. ચિંતાને લીધે તેમના જીવનમાંથી ખુશી અને સંતોષ જતાં રહ્યાં. ઈશ્વરની ભક્તિ કરવાથી મળતા આશીર્વાદો વિશે પણ તે શંકા કરવા લાગ્યા હતા.—ગીત. ૭૩:૨-૫, ૭, ૧૨-૧૪, ૧૬, ૧૭, ૨૧. w૧૯.૦૬ ૧૭ ¶૧૨-૧૩
શનિવાર, ઑગસ્ટ ૭
‘આપણે શેતાનની ચાલાકીઓથી અજાણ નથી.’—૨ કોરીં. ૨:૧૧.
શેતાન લોકોના મનમાં સામાન્ય ઇચ્છાઓ ભડકાવે છે. આપણે પોતાની અને કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા માંગીએ છીએ. એટલે નવી આવડતો શીખવા ચાહીએ છીએ. (૧ તિમો. ૫:૮) એ માટે સ્કૂલનું શિક્ષણ લઈએ છીએ અને ધ્યાનથી ભણીએ છીએ. પણ આપણે સાવચેત રહેવું જોઈએ. આજે વિદ્યાર્થીઓને ઘણી બાબતો શીખવવામાં આવે છે. ઘણા દેશોમાં જીવન-જરૂરી આવડતોની સાથે સાથે દુનિયાના વિચારો પણ શીખવવામાં આવે છે. દાખલા તરીકે, બાળકોના મનમાં આવી બાબતો ઠસાવવામાં આવે છે: ઈશ્વર છે કે નહિ; બાઇબલનું શિક્ષણ મહત્ત્વનું નથી; બધા બુદ્ધિશાળી લોકોનું માનવું છે કે માણસ વાંદરામાંથી આવ્યો છે. (રોમ. ૧:૨૧-૨૩) એવું શિક્ષણ તો ‘ઈશ્વરના ડહાપણ’ વિરુદ્ધ છે. (૧ કોરીં. ૧:૧૯-૨૧; ૩:૧૮-૨૦) ચાલો પાકો નિર્ણય કરીએ કે શેતાનની દુનિયાની “ફિલસૂફી અને છેતરામણી વાતોથી” આપણે કદી ફસાઈશું નહિ. (કોલો. ૨:૮) શેતાનના ફાંદાથી સાવધ રહીશું. (૧ કોરીં. ૩:૧૮) શેતાન આપણને યહોવાથી દૂર ન લઈ જાય એનું ધ્યાન રાખીએ. હંમેશાં યહોવાનાં ખરાં ધોરણો પ્રમાણે જીવીએ. શેતાન એવા ફાંદા ગોઠવે છે કે આપણે યહોવાના વિચારો પર ધ્યાન ન આપીએ. w૧૯.૦૬ ૫ ¶૧૩; ૭ ¶૧૭
રવિવાર, ઑગસ્ટ ૮
“મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ પાળવાનું તેઓને શીખવો.”—માથ. ૨૮:૨૦.
વિષય પસંદ કરતી વખતે તમારા વિસ્તારના લોકોનો વિચાર કરો. બાઇબલની સારી સલાહ શીખવાથી તેઓને કેવો ફાયદો થશે એ વિચારો. લોકો સાથે વાત કરો ત્યારે તેઓનું ધ્યાનથી સાંભળો અને તેઓની વાતનો આદર કરો. એમ કરવાથી તમે લોકોને સારી રીતે સમજી શકશો. લોકો પણ તમારી વાત ધ્યાનથી સાંભળશે. વ્યક્તિ બાઇબલમાંથી શીખવા તૈયાર થાય, એ પહેલાં કદાચ તમારે ફરી મુલાકાતો કરવી પડે. એ માટે તમારે ઘણાં સમય-શક્તિ આપવાં પડે. શા માટે? વ્યક્તિને મળવા જઈએ ત્યારે, કદાચ તે ઘરે ન મળે કે પછી વાત કરવા તેની પાસે સમય ન હોય. વ્યક્તિ બાઇબલ અભ્યાસ કરવા તૈયાર થાય, એ માટે કદાચ તમારે કેટલીય વાર તેને મળવા જવું પડે. ભૂલીએ નહિ, એક છોડને નિયમિત પાણી પાઈશું તો જ એ વધશે. એવી જ રીતે, વ્યક્તિના દિલમાં યહોવા અને ખ્રિસ્ત માટે પ્રેમ જગાડવા નિયમિત રીતે બાઇબલમાંથી ચર્ચા કરવી જોઈએ. w૧૯.૦૭ ૧૪ ¶૧; ૧૫-૧૬ ¶૭-૮
સોમવાર, ઑગસ્ટ ૯
“જ્યારે માણસના દીકરાને લીધે લોકો તમારો ધિક્કાર કરે, તમને તેઓ વચ્ચેથી કાઢી મૂકે, નિંદા કરે અને દુષ્ટ ગણીને તમારું નામ બદનામ કરે, ત્યારે તમે સુખી છો.”—લુક ૬:૨૨.
ઈસુના શબ્દોનો શો અર્થ થાય? ઈસુ એમ કહેવા માંગતા ન હતા કે લોકો આપણને ધિક્કારે તો એનાથી આપણે ખુશ થઈશું. પણ તે તો આપણને ચેતવણી આપી રહ્યા હતા. ઈસુએ જાહેર કરેલી ખુશખબર આપણે લોકોને જણાવીએ છીએ. આપણે ઈસુના શિક્ષણ પ્રમાણે જીવીએ છીએ. આપણે આ દુનિયાનો ભાગ નથી. એ બધાને લીધે દુનિયા આપણને ધિક્કારે છે. (યોહા. ૧૫:૧૮-૨૧) આપણે યહોવાને ખુશ કરવા માંગીએ છીએ. યહોવા માટેના પ્રેમને લીધે લોકો આપણને ધિક્કારે ત્યારે, આપણને કોઈ ફરક પડતો નથી. પણ કોઈ આપણને માન ન આપે તો એવું ન વિચારીએ કે, આપણે નકામા છીએ. તકલીફોનું મોજું ક્યારે ફરી વળે, એ આપણે જાણતા નથી! એ લોકો તરફથી સતાવણી હોય શકે કે પછી સરકાર તરફથી પ્રતિબંધ હોય શકે. પણ આપણે સારી રીતે જાણીએ છીએ કે, આપણે સતાવણી માટે તૈયાર રહેવાનું છે. યહોવા સાથેનો સંબંધ મજબૂત કરીને, હિંમત વધારીને અને લોકો તરફથી મળતો ધિક્કાર સહન કરીને આપણે તૈયાર થઈ શકીએ છીએ. યાદ રાખીએ, આજે કરેલી તૈયારી આવતીકાલે કામ આવશે! w૧૯.૦૭ ૬ ¶૧૭-૧૮; ૭ ¶૨૧
મંગળવાર, ઑગસ્ટ ૧૦
“જે કોઈ ઈશ્વરને ભજવા તેમની આગળ જાય છે, તેને ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર સાચે જ છે.”—હિબ્રૂ. ૧૧:૬.
ધર્મમાં માનતા ન હોય એવા લોકો સાથે બાઇબલનો અભ્યાસ કરીએ ત્યારે શું કરવું જોઈએ? ઈશ્વરમાં શ્રદ્ધા મજબૂત કરવા તેઓને સતત મદદ કરવી જોઈએ. બાઇબલમાં ભરોસો રાખવા પણ મદદ કરવી જોઈએ. એ માટે કદાચ અમુક મુદ્દાઓ વારંવાર સમજાવવા પડે. દર વખતે અભ્યાસ દરમિયાન બાઇબલ ઈશ્વરનો શબ્દ છે, એવી સાબિતી આપતા રહેવું જોઈએ. એ માટે ચર્ચા કરી શકાય કે, બાઇબલની ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થઈ છે. બાઇબલમાં આપેલી વિજ્ઞાન અને ઇતિહાસને લગતી માહિતી સાચી છે, એ બતાવી શકાય. રોજબરોજના જીવનમાં બાઇબલ કઈ રીતે મદદ કરે છે, એ જણાવી શકાય. લોકો ધર્મમાં માનતા હોય કે ન માનતા હોય, તેઓ માટે પ્રેમ બતાવીને તેઓને ખ્રિસ્તના શિષ્યો બનવા મદદ કરીએ. (૧ કોરીં. ૧૩:૧) તેઓને શીખવવા પાછળ આપણો એક હેતુ છે. એ છે, તેઓ જાણે કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને તે ચાહે છે કે આપણે પણ તેમને પ્રેમ કરીએ. દર વર્ષે એવા હજારો લોકો બાપ્તિસ્મા લે છે, જેઓને અગાઉ ધર્મમાં જરાય રસ ન હતો કે સાવ ઓછો રસ હતો. તેઓ ઈશ્વરને પ્રેમ કરવાનું શીખે છે એટલે બાપ્તિસ્મા લે છે. યોગ્ય વલણ રાખીએ અને દરેક પ્રકારના લોકોમાં પ્રેમથી રસ લઈએ. તેઓનું ધ્યાનથી સાંભળીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. એવો દાખલો બેસાડીએ, જેથી તેઓ ખ્રિસ્તના શિષ્ય બનવા પ્રેરાય. w૧૯.૦૭ ૨૪ ¶૧૬-૧૭
બુધવાર, ઑગસ્ટ ૧૧
“ભલું કરવાનું અને તમારી પાસે જે છે, એનાથી બીજાઓને મદદ કરવાનું ભૂલશો નહિ, કેમ કે ઈશ્વર એવાં બલિદાનોથી ઘણા ખુશ થાય છે.”—હિબ્રૂ. ૧૩:૧૬.
યરૂશાલેમના કોટનું સમારકામ કરવા યહોવાએ અમુક લોકોનો ઉપયોગ કર્યો. એમાં શાલ્લુમની દીકરીઓ પણ હતી. (નહે. ૨:૨૦; ૩:૧૨) શાલ્લુમ રાજવંશના હતા તોપણ તેમની દીકરીઓ ખુશીથી એ અઘરું અને ખતરનાક કામ કરવા તૈયાર હતી. (નહે. ૪:૧૫-૧૮) આજે પણ અમુક બહેનો રાજીખુશીથી યહોવાની ખાસ સેવા કરી રહી છે. યહોવાની સેવામાં વપરાતી જગ્યાના બાંધકામ અને સમારકામમાં તેઓ ભાગ લે છે. એ વફાદાર બહેનોની આવડત અને જોશને લીધે એ કામ સફળતાથી પાર પડી રહ્યું છે! યહોવાએ ટબીથાને પ્રેરણા આપી એટલે તે “સારાં કામ કરવામાં અને દાન આપવામાં ઘણી ઉદાર” બની શકી. ખાસ કરીને તેમણે વિધવાઓ માટે એમ કર્યું. (પ્રે.કા. ૯:૩૬) તે ઘણી ઉદાર અને પ્રેમાળ હતી. તેનું મરણ થયું ત્યારે લોકો દુઃખી થઈ ગયા. પ્રેરિત પીતરે તેને સજીવન કરી ત્યારે તેઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. (પ્રે.કા. ૯:૩૯-૪૧) ટબીથાના દાખલા પરથી આપણે શું શીખી શકીએ? ભલે આપણે યુવાન હોઈએ કે વૃદ્ધ, સ્ત્રી હોઈએ કે પુરુષ, આપણે ઘણી રીતોએ ભાઈ-બહેનોને મદદ કરી શકીએ છીએ. w૧૯.૧૦ ૨૩ ¶૧૧-૧૨
ગુરુવાર, ઑગસ્ટ ૧૨
“જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી શકો, જેથી તમે નિર્દોષ થાઓ અને બીજાઓને ઠોકર ન ખવડાવો.”—ફિલિ. ૧:૧૦.
આપણે કઈ રીતે બીજાઓને ઠોકર લગાડી શકીએ? આ સંજોગનો વિચાર કરો. એક બાઇબલ વિદ્યાર્થીએ ઘણા પ્રયત્નો કરીને દારૂની લત છોડી. તેણે દારૂ ન પીવાનો નિર્ણય લીધો. તેણે જીવનમાં ઘણા ફેરફારો કર્યા અને બાપ્તિસ્મા લીધું. થોડા સમય પછી એક ભાઈ તેને પોતાના ઘરે પાર્ટીમાં બોલાવે છે. દારૂ કાઢીને તેમને કહે છે: ‘જો તમે સંયમ રાખી શકતા હો, તો લો, થોડો દારૂ પીઓ.’ જરા વિચારો કે, જો નવા ભાઈ એ વાત માની લે, તો કેવું પરિણામ આવી શકે. તે કદાચ પાછા દારૂની લતે ચઢી જઈ શકે. સલાહને લાગુ પાડવા સભામાંથી આપણને શીખવા મળે છે. આજની કલમ આપણને યાદ અપાવે છે કે યહોવાના વિચારો સૌથી મહત્ત્વના છે અને શીખેલી વાતો લાગુ પાડીને આપણે નિર્દોષ રહી શકીએ છીએ. ઈશ્વરને અને ભાઈ-બહેનોને પ્રેમ કરવાનું આપણને ઉત્તેજન પણ મળે છે. ભાઈ-બહેનોથી ઉત્તેજન મળે ત્યારે યહોવા અને ભાઈ-બહેનો માટે આપણા દિલમાં પ્રેમ વધતો જાય છે. એ પ્રેમને લીધે આપણે બીજાઓને ઠોકર ન લાગે માટે બનતું બધું કરવા પ્રેરાઈએ છીએ. w૧૯.૦૮ ૧૦ ¶૯; ૧૧ ¶૧૩-૧૪
શુક્રવાર, ઑગસ્ટ ૧૩
“હું તો પ્રેરિતોમાં સાવ મામૂલી છું અને પ્રેરિત ગણાવાને પણ લાયક નથી, કારણ કે મેં ઈશ્વરના મંડળની સતાવણી કરી હતી.”—૧ કોરીં. ૧૫:૯.
અમુક લોકોમાં ઘણો આત્મવિશ્વાસ હોય છે અને પોતાના વિચારો સીધેસીધા જણાવતા હોય છે. પણ એનો અર્થ એમ નથી કે તેઓ ઘમંડી હોય. (યોહા. ૧:૪૬, ૪૭) ભલે આપણે શરમાળ હોઈએ કે ન હોઈએ, આપણે બધાએ નમ્ર બનવા મહેનત કરવી જોઈએ. ચાલો પ્રેરિત પાઊલ વિશે જોઈએ. એક પછી એક શહેરોમાં નવાં મંડળો બનાવવા યહોવાએ પાઊલનો ઘણો ઉપયોગ કર્યો હતો. ઈસુ ખ્રિસ્તના બીજા કોઈ શિષ્યએ સેવાકાર્યમાં તેમના જેટલું કર્યું નહિ હોય. તેમ છતાં પાઊલ પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણતા ન હતા. તેમણે યહોવા સાથેના સારા સંબંધનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે પોતાનાં કામો કે ગુણોને લીધે નહિ, પણ ઈશ્વરની અપાર કૃપાને લીધે એ શક્ય બન્યું છે. (૧ કોરીં. ૧૫:૧૦) કોરીંથીઓને લખેલા પત્રમાં પાઊલે પોતાના વિશે બડાઈ હાંકી નહિ. એ મંડળના અમુક લોકો પોતાને પાઊલ કરતાં ચઢિયાતા ગણતા હતા, તોપણ તેમણે નમ્રતા બતાવી. નમ્રતાનો કેટલો સુંદર દાખલો!—૨ કોરીં. ૧૦:૧૦. w૧૯.૦૯ ૩ ¶૫-૬
શનિવાર, ઑગસ્ટ ૧૪
‘શું આપણે પિતાને વધારે ખુશીથી આધીન રહેવું ન જોઈએ?’—હિબ્રૂ. ૧૨:૯.
યહોવાનું કહ્યું માનવું અમુક વાર આપણને અઘરું લાગે છે. એનું એક કારણ છે કે, આપણે માટીના માણસો છીએ અને આપણને વારસામાં પાપ મળ્યું છે. એટલે યહોવાની આજ્ઞા પાળવી દર વખતે આપણને ગમતું નથી. આદમ અને હવાએ યહોવાની આજ્ઞા તોડી અને ફળ ખાધું. આમ, તેઓએ પોતાના માટે ખરું-ખોટું જાતે નક્કી કર્યું. (ઉત. ૩:૨૨) તેઓની જેમ આજે ઘણા લોકોને ઈશ્વરનાં ધોરણોની કંઈ પડી નથી. તેઓ ખરું-ખોટું જાતે જ નક્કી કરવા માંગે છે. યહોવા વિશે જાણનાર અને તેમને પ્રેમ કરનાર લોકોને પણ અમુક વાર તેમનું કહ્યું માનવું અઘરું લાગે છે. પ્રેરિત પાઊલ સાથે પણ એવું થયું હતું. (રોમ. ૭:૨૧-૨૩) પાઊલની જેમ, આપણે પણ યહોવાની નજરે જે ખરું છે એ કરવા માંગીએ છીએ. પણ ખોટું કરવાની ઇચ્છા સામે આપણે સતત લડવું પડે છે. યહોવાના કહ્યા પ્રમાણે કરવું અઘરું લાગે છે, એનું બીજું પણ એક કારણ છે. જે સમાજમાંથી આવ્યા છીએ, એની અસર આપણને થાય છે. ઘણા લોકોના વિચારો યહોવાની ઇચ્છા કરતાં સાવ અલગ હોય છે. એટલે એ લોકોનો રંગ આપણને ન લાગે, એ માટે સતત પ્રયત્નો કરવા પડે છે. w૧૯.૦૯ ૧૫ ¶૪-૬
રવિવાર, ઑગસ્ટ ૧૫
“જા, તારી પાસે જે કંઈ છે એ વેચી દે અને ગરીબોને આપી દે, . . . આવ, મારો શિષ્ય બન.”—માર્ક ૧૦:૨૧.
આપણી પાસે પુષ્કળ તાકાત નથી, એ હકીકત સ્વીકારવી જોઈએ. એટલે આપણે જે કંઈ કરીએ એ સમજી-વિચારીને કરીએ. જેમ કે, ધનદોલત ભેગી કરવા કદાચ આપણે બધી તાકાત લગાવી દઈએ. એક ધનવાન યુવાને ઈસુને પૂછ્યું હતું, “હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?” તે સારો માણસ હશે. કારણ કે માર્કે લખેલી ખુશખબરમાં ખાસ જણાવ્યું છે કે, ઈસુએ તેને ‘પ્રેમભરી નજરે’ જોયું. ઈસુએ એ યુવાનને આમંત્રણ આપ્યું. તે ઈસુની પાછળ જવા તો માંગતો હતો, પણ ‘માલમિલકતનો’ મોહ છોડી શક્યો નહિ. (માર્ક ૧૦:૧૭-૨૨) આમ તેણે ઈસુની ઝૂંસરીનો નકાર કર્યો અને “ધનદોલતની” ચાકરી કરવાનું છોડ્યું નહિ. (માથ. ૬:૨૪) તમે એની જગ્યાએ હોત તો શું કર્યું હોત? થોડા થોડા સમયે તપાસ કરતા રહેવું જોઈએ કે, આપણા જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે. શા માટે? એમ કરીશું તો સમજી-વિચારીને આપણી તાકાતનો ઉપયોગ કરીશું. w૧૯.૦૯ ૨૪ ¶૧૭-૧૮
સોમવાર, ઑગસ્ટ ૧૬
“બધા દેશોમાં પહેલા ખુશખબરનો પ્રચાર થાય એ જરૂરી છે.”—માર્ક ૧૩:૧૦.
જ્યાં સુધી યહોવા ન કહે, ત્યાં સુધી આપણે ખુશખબર ફેલાવતા રહીએ. આપણે જાણતા નથી કે યહોવા અને ઈસુ વિશે શીખવા લોકો પાસે કેટલો સમય બાકી છે. (યોહા. ૧૭:૩) પણ આપણે જાણીએ છીએ કે મહાન વિપત્તિ શરૂ થાય એ પહેલાં ‘જેઓનું હૃદય હંમેશ માટેનું જીવન આપતા સત્ય તરફ ઢળેલું હશે,’ તેઓ પાસે ખુશખબર સ્વીકારવાની તક હશે. (પ્રે.કા. ૧૩:૪૮) સમય પૂરો થઈ જાય એ પહેલાં, આપણે કઈ રીતે તેઓને મદદ કરી શકીએ? લોકોને સત્ય શીખવી શકીએ માટે યહોવા પોતાના સંગઠન દ્વારા આપણને જરૂરી બધી મદદ પૂરી પાડે છે. દાખલા તરીકે, અઠવાડિયા દરમિયાન થતી સભામાં ઘણું શીખવા મળે છે. એમાં શીખીએ છીએ કે પહેલી મુલાકાત અને ફરી મુલાકાતમાં શું બોલવું જોઈએ. એક વ્યક્તિએ તમારી વાત સાંભળીને રસ બતાવ્યો છે. એટલે તમે તેને પત્રિકા કે મૅગેઝિન આપો છો. તમે તેને પાછા મળો ત્યાં સુધી તે જાતે વાંચી શકે છે. આપણી જવાબદારી છે કે દર મહિને ખુશખબર ફેલાવવા બનતું બધું કરતા રહીએ. w૧૯.૧૦ ૧૦ ¶૭, ૯-૧૦
મંગળવાર, ઑગસ્ટ ૧૭
“ભલું કરવાનું અને તમારી પાસે જે છે, એનાથી બીજાઓને મદદ કરવાનું ભૂલશો નહિ, કેમ કે ઈશ્વર એવાં બલિદાનોથી ઘણા ખુશ થાય છે.”—હિબ્રૂ. ૧૩:૧૬.
શિમયોન એક વફાદાર ભક્ત હતા. તે યરૂશાલેમમાં રહેતા હતા અને ઘણા વૃદ્ધ હતા. યહોવાએ તેમને વચન આપ્યું હતું કે, જ્યાં સુધી શિમયોન મસીહને જોશે નહિ, ત્યાં સુધી તેમનું મરણ થશે નહિ. એ વચનથી શિમયોનને ઘણું ઉત્તેજન મળ્યું હશે. કારણ કે તે ઘણાં વર્ષોથી મસીહના આવવાની રાહ જોતા હતા. તેમની શ્રદ્ધા અને ધીરજ ફળી, યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો. એક દિવસ “પવિત્ર શક્તિથી દોરવાઈને” તે મંદિરમાં આવ્યા. ત્યાં તેમણે નાનકડા ઈસુને જોયા. યહોવાએ શિમયોન દ્વારા ભવિષ્યવાણી કરાવી કે, એ બાળક મોટું થઈને ખ્રિસ્ત બનશે. (લુક ૨:૨૫-૩૫) ઈસુએ પૃથ્વી પર સેવાકાર્ય શરૂ કર્યું એ પહેલાં કદાચ શિમયોન મરણ પામ્યા. પણ તેમને જે લહાવો મળ્યો અને ભાવિમાં જે મળવાનો છે, એ માટે તે ઘણા આભારી હતા! નવી દુનિયામાં એ વફાદાર ભક્તને જોવા મળશે કે ઈસુના રાજમાં ધરતી પર બધાં કુટુંબો સુખી છે. (ઉત. ૨૨:૧૮) યહોવા તેમની સેવામાં જે રીતે આપણો ઉપયોગ કરે છે, એ માટે આપણે પણ કેટલા આભારી છીએ! w૧૯.૧૦ ૨૨ ¶૭; ૨૩ ¶૧૨
બુધવાર, ઑગસ્ટ ૧૮
“પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ.”—નીતિ. ૪:૨૩.
આપણી પાસે ઓછા પૈસા હોય કે વધારે, આપણે દિલની સંભાળ રાખવી જોઈએ. કઈ રીતે? આપણા દિલમાં પૈસા માટે પ્રેમ ન જાગવા દઈને. નોકરી તમારા માટે યહોવાની ભક્તિ કરતાં વધારે મહત્ત્વની ન હોવી જોઈએ. તમારા દિલમાં પૈસા માટે પ્રેમ જાગી રહ્યો છે કે કેમ, એ જાણવા શું કરવું જોઈએ? આ સવાલોનો વિચાર કરો: “સભા કે પ્રચારમાં હોઉં ત્યારે શું હું કામધંધા વિશે જ વિચાર્યા કરું છું? ભાવિમાં પૂરતા પૈસા હશે કે નહિ, શું એ વિશે જ ચિંતા કર્યા કરું છું? માલમિલકતને લીધે શું મારા લગ્નજીવનમાં તકલીફો આવી રહી છે? યહોવાની સેવામાં વધારે કરવા શું હું કોઈ સામાન્ય કામ કરી શકું?” (૧ તિમો. ૬:૯-૧૨) એ સવાલોનો વિચાર કરીએ ત્યારે યાદ રાખીએ કે, યહોવા આપણને પ્રેમ કરે છે. પોતાના ભક્તોને તેમણે વચન આપ્યું છે: “હું તને કદી છોડીશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.” એટલે જ પ્રેરિત પાઊલે લખ્યું હતું: “જીવનમાં પૈસાનો મોહ ન રાખો.”—હિબ્રૂ. ૧૩:૫, ૬. w૧૯.૧૦ ૨૯ ¶૧૦
ગુરુવાર, ઑગસ્ટ ૧૯
“લોઢું લોઢાને તેજદાર બનાવે છે; તેમ જ માણસ પોતાના મિત્રના મોંને તેજદાર બનાવે છે.”—નીતિ. ૨૭:૧૭.
આપણે ભાઈ-બહેનો સાથે ખભેખભા મિલાવીને કામ કરવું જોઈએ. તેમ જ, તેઓના સારા ગુણો પર ધ્યાન આપવું જોઈએ. જો એમ કરીશું, તો આપણે તેઓ પાસેથી ઘણું શીખી શકીશું અને તેઓની નજીક જઈ શકીશું. આનો વિચાર કરો: તમે પ્રચારમાં ગયા છો. તમારો મિત્ર હિંમતથી સાક્ષી આપી રહ્યો છે કે પછી પૂરા દિલથી યહોવા અને તેમના હેતુઓ વિશે વાત કરી રહ્યો છે. એ જોઈને તમને કેવું લાગશે? તમારા દિલમાં મિત્ર માટેનો પ્રેમ વધશે, ખરું ને! એડલાઇન ૨૩ વર્ષની છે. કેન્ડીસ તેની બહેનપણી છે. જે વિસ્તારમાં ઓછો પ્રચાર થયો છે, ત્યાં જઈને સેવા આપવા વિશે તેઓએ ચર્ચા કરી. એડલાઇન જણાવે છે: ‘અમે પૂરા ઉત્સાહથી ખુશખબર ફેલાવવા માંગતા હતા. એ કામમાં અમે વધારે ખુશી મેળવવા માંગતા હતા. યહોવાની સેવામાં અમે બનતું બધું કરી શકીએ માટે અમને ઉત્તેજનની જરૂર હતી.’ એકબીજા સાથે કામ કરવાથી તેઓને કેવો ફાયદો થયો? એડલાઇન કહે છે: ‘દિવસ કેવો રહ્યો એ વિશે અમે રાતે બેસીને વાતો કરતા. લોકો સાથે થયેલી વાતચીતમાં કઈ બાબત અમારા દિલને સ્પર્શી ગઈ એની ચર્ચા કરતા. એ પણ વાત કરતા કે ખુશખબર ફેલાવવાના કામમાં યહોવાએ કઈ રીતે માર્ગદર્શન આપ્યું. એવી વાતચીત અમને ખૂબ ગમતી. એનાથી અમે એકબીજાને વધારે સારી રીતે ઓળખી શક્યા.’ w૧૯.૧૧ ૫ ¶૧૦-૧૧
શુક્રવાર, ઑગસ્ટ ૨૦
“શ્રદ્ધાની મોટી ઢાલ સાથે રાખો.”—એફે. ૬:૧૬.
પ્રાચીન સમયમાં સૈનિક પોતાની ઢાલ વગર ઘરે પાછો ફરે, તો શરમના લીધે તેણે નીચું જોવું પડતું. રોમન ઇતિહાસકાર ટેસીટસે લખ્યું હતું: ‘જો સૈનિક પોતાની ઢાલ વગર પાછો આવે, તો તેનું નાક કપાઈ જતું.’ એટલે સૈનિકો હંમેશાં પોતાની ઢાલ પર મજબૂત પકડ રાખતા. આપણે કઈ રીતે શ્રદ્ધાની ઢાલ પર મજબૂત પકડ રાખીએ છીએ? આપણે સભાઓમાં નિયમિત જઈએ છીએ. બીજાઓને યહોવાના નામ વિશે અને તેમના રાજ્ય વિશે જણાવીએ છીએ. (હિબ્રૂ. ૧૦:૨૩-૨૫) આપણે દરરોજ બાઇબલ વાંચીએ છીએ. એમાં આપેલું માર્ગદર્શન જીવનમાં લાગુ પાડવા યહોવા પાસે મદદ માંગીએ છીએ. (૨ તિમો. ૩:૧૬, ૧૭) એમ કરવાથી શું થશે? શેતાને આપણી વિરુદ્ધ વાપરેલું કોઈ પણ હથિયાર આપણને હંમેશ માટે નુકસાન પહોંચાડી શકશે નહિ. (યશા. ૫૪:૧૭) “શ્રદ્ધાની મોટી ઢાલ” આપણું રક્ષણ કરશે. ભાઈ-બહેનો સાથે ખભેખભા મિલાવીને આપણે હિંમતથી કામ કરીશું. શ્રદ્ધા મજબૂત રાખવા આપણે દરરોજ જે લડાઈ લડીએ છીએ, એમાં જીતી જઈશું. સૌથી મહત્ત્વનું તો, શેતાન અને તેના સાથીઓ સામેની લડાઈ ઈસુ જીતશે ત્યારે, આપણે તેમના પક્ષે ઊભા હોઈશું. કેટલો જોરદાર લહાવો! —પ્રકટી. ૧૭:૧૪; ૨૦:૧૦. w૧૯.૧૧ ૧૯ ¶૧૮-૧૯
શનિવાર, ઑગસ્ટ ૨૧
“હું એ રીતે મુક્કા મારતો નથી કે જાણે હવામાં મારતો હોઉં.”—૧ કોરીં. ૯:૨૬.
તમે બનાવેલી યોજના લખી લેશો તો એ પ્રમાણે કરવું સહેલું થઈ જશે. (૧ કોરીં. ૧૪:૪૦) દાખલા તરીકે, વડીલોના જૂથને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે, જે પણ નિર્ણય લે એની નોંધ રાખે. એ કામ એક વડીલને સોંપવામાં આવે છે. એ વડીલ આવી બાબતોની નોંધ રાખે છે: કોણ એ કામ કરશે અને ક્યાં સુધી એ કામ પૂરું થવું જોઈએ. વડીલો આવું લિસ્ટ બનાવશે તો નક્કી કરેલાં કામ સહેલાઈથી પૂરા થશે. રોજબરોજના જીવનમાં પણ એવું જ કરો. દાખલા તરીકે, રોજના કામોનું લિસ્ટ બનાવી શકો. જે કામ સૌથી મહત્ત્વનાં છે, એને પહેલા લખો. એમ કરશો તો તમે જે કામ શરૂ કર્યું હતું એ પૂરું કરવું સહેલું થઈ જશે. એટલું જ નહિ, તમે થોડા સમયમાં ઘણું કરી શકશો. સખત મહેનત કરીએ. યોજના પ્રમાણે કરવા અને જે શરૂ કર્યું એને પૂરું કરવા મહેનતની જરૂર છે. (રોમ. ૧૨:૧૧) પ્રેરિત પાઊલે તિમોથીને કહ્યું હતું કે સારા શિક્ષક બનવા માટે શિક્ષણ પર “ધ્યાન આપતો રહેજે” અને એને ‘વળગી રહેજે.’ ભક્તિને લગતા બીજા ધ્યેયોમાં પણ પાઊલની એ સલાહ લાગુ પડે છે.—૧ તિમો. ૪:૧૩, ૧૬. w૧૯.૧૧ ૨૯-૩૦ ¶૧૫-૧૬
રવિવાર, ઑગસ્ટ ૨૨
‘જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે, તેમ યહોવા મુસાની સાથે મોઢામોઢ વાત કરતા.’—નિર્ગ. ૩૩:૧૧.
મુસાને કહેવામાં આવ્યું કે ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવવામાં આગેવાની લે. એ સાંભળીને તે ડરી ગયા. તેમણે વારંવાર યહોવાને કહ્યું કે પોતે એ કામ નહિ કરી શકે. યહોવાના જવાબ પરથી જોવા મળે છે કે તેમને મુસા પર કરુણા આવી, એટલે કે તે મુસાની લાગણીઓ સમજ્યા. પછી, તેમણે પ્રેમથી મુસાને મદદ કરી. (નિર્ગ. ૪:૧૦-૧૬) એ મદદને લીધે, મુસા ફારૂનની સામે કડક ચુકાદો આપી શક્યા. પછીથી મુસાએ જોયું કે યહોવાએ પોતાની શક્તિથી ઇઝરાયેલીઓને બચાવ્યા. પણ ફારૂન અને તેના સૈન્યનો લાલ સમુદ્રમાં નાશ કર્યો. (નિર્ગ. ૧૪:૨૬-૩૧; ગીત. ૧૩૬:૧૫) મુસાની આગેવાનીમાં ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાંથી બહાર આવ્યા. પછી તેઓને વાતે વાતે વાંકું પડવા લાગ્યું. મુસાએ જોયું હતું કે યહોવાએ પોતાના લોકોને છોડાવ્યા પછી ઘણી ધીરજ ધરી હતી. (ગીત. ૭૮:૪૦-૪૩) ઇઝરાયેલીઓનો નાશ ન કરવા મુસાએ અરજ કરી ત્યારે, યહોવાએ પોતાનો વિચાર બદલ્યો અને નમ્રતા બતાવી. એ પણ મુસાએ જોયું હતું. (નિર્ગ. ૩૨:૯-૧૪) ઇજિપ્તમાંથી નીકળ્યા પછી મુસાનો યહોવા સાથેનો સંબંધ એટલો મજબૂત થઈ ગયો કે જાણે તે સ્વર્ગના પિતાને જોઈ શકતા હતા.—હિબ્રૂ. ૧૧:૨૭. w૧૯.૧૨ ૧૭ ¶૭-૯
સોમવાર, ઑગસ્ટ ૨૩
“તે તમારી આગળ ગાલીલમાં જાય છે. ત્યાં તમે તેમને જોશો.”—માથ. ૨૮:૭.
ઈસુના મોટા ભાગના શિષ્યો ગાલીલના રહેવાસી હતા. તેથી યરૂશાલેમનાં કોઈ એક ઘરમાં ભેગા થવા કરતાં ગાલીલ પર્વત પર ભેગા થવું વધારે સારું હતું. સજીવન થયા પછી ઈસુ યરૂશાલેમના એક ઘરમાં પોતાના ૧૧ શિષ્યોને મળી ચૂક્યા હતા. જો ફક્ત તેઓને જ ખુશખબર ફેલાવવાનું અને શિષ્યો બનાવવાનું કામ સોંપવાનું હોત, તો ઈસુએ ત્યાં જ સોંપી દીધું હોત. પણ ઈસુએ તો શિષ્યોને, વફાદાર સ્ત્રીઓને અને બીજાઓને કહ્યું કે તે તેઓને ગાલીલમાં મળશે. (લુક ૨૪:૩૩, ૩૬) ઈસુએ શિષ્યો બનાવવાની આજ્ઞા પહેલી સદીના ખ્રિસ્તીઓને જ આપી ન હતી. કારણ કે આજ્ઞા આપ્યા પછી ઈસુએ છેલ્લે આ શબ્દો કહ્યા હતા: “આ દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.” (માથ. ૨૮:૧૯, ૨૦) ઈસુના શબ્દો હમણાં સાચા પડી રહ્યા છે! આજે ઈશ્વરભક્તો પૂરા જોશથી શિષ્યો બનાવવાનું કામ કરી રહ્યા છે. દર વર્ષે આશરે ૩ લાખ લોકો યહોવાના સાક્ષી તરીકે બાપ્તિસ્મા લે છે અને ઈસુના શિષ્યો બને છે. એ કેટલી ખુશીની વાત કહેવાય! w૨૦.૦૧ ૨ ¶૧; ૩ ¶૫-૬
મંગળવાર, ઑગસ્ટ ૨૪
‘આપણે દુઃખી હતા ત્યારે તેમણે આપણું ધ્યાન રાખ્યું.’—ગીત. ૧૩૬:૨૩.
એક યુવાન ભાઈને એવી બીમારી થઈ છે, જેના લીધે તેમનું શરીર દિવસે ને દિવસે નબળું પડતું જાય છે. તેમને નોકરી મળતી નથી. તે યહોવાની સેવામાં હવે પહેલાં જેટલું કરી શકતા નથી. જો તમે પણ એવા સંજોગોનો સામનો કરતા હો, તો તમને કદાચ લાગે કે તમે હવે કોઈ કામના નથી. એવા સંજોગોના લીધે કદાચ તમારી ખુશી છીનવાઈ જાય, પોતાના વિશે યોગ્ય વલણ રાખવું અઘરું થઈ જાય અને બીજાઓ સાથે તમારો સંબંધ બગડી જાય. શેતાનના રંગે રંગાઈને દુનિયાના લોકો જીવનને કીમતી ગણતા નથી. શેતાનની નજરે માણસો સાવ નકામા છે. તેણે હવાને કહ્યું હતું કે ઈશ્વરની આજ્ઞા નહિ માને તો તે આઝાદ થઈ જશે. પણ શેતાન સારી રીતે જાણતો હતો કે એનું પરિણામ મરણ આવશે. શેતાને પહેલેથી જ જગતને, પોતાની મુઠ્ઠીમાં રાખ્યું છે. એટલે ઘણા લોકો પણ શેતાન જેવું વલણ રાખે, એમાં કોઈ નવાઈ નથી. તેઓને માણસોનાં જીવનની અને લાગણીઓની કંઈ જ પડી નથી. યહોવાના વિચારો અને શેતાનના વિચારો વચ્ચે તો આભ-જમીનનો ફરક છે. યહોવા ચાહે છે, આપણે એ વાત યાદ રાખીએ કે તે આપણને કીમતી ગણે છે. અઘરા સંજોગોમાં પોતાને નકામા ગણવા લાગીએ ત્યારે, યહોવા આપણને યોગ્ય દૃષ્ટિ રાખવા મદદ કરે છે.—રોમ. ૧૨:૩. w૨૦.૦૧ ૧૪ ¶૧-૪
બુધવાર, ઑગસ્ટ ૨૫
“જો તું યહોવાને નામે પ્રબોધ ન કરે તો તું અમારે હાથે માર્યો નહિ જાય.”—યિર્મે. ૧૧:૨૧.
યિર્મેયા ચાલીસેક વર્ષ એવા લોકો વચ્ચે રહ્યા, જેઓ યહોવાને વફાદાર ન હતા. એ લોકોમાં તેમના પડોશીઓ અને કદાચ તેમના વતન અનાથોથનાં અમુક સગાં-વહાલાં હતાં. (યિર્મે. ૧૨:૬) તેમ છતાં, તે એકલા એકલા રહ્યા નહિ. તેમણે પોતાની લાગણીઓ બારૂખને જણાવી, જે તેમના મદદનીશ હતા. આપણે પણ તેમની લાગણીઓ વિશે જાણીએ છીએ, કારણ કે બાઇબલમાં એ વિશે લખવામાં આવ્યું છે. (યિર્મે. ૮:૨૧; ૯:૧; ૨૦:૧૪-૧૮; ૪૫:૧) યિર્મેયાના જીવનની એકેએક ઘટનાઓ વિશે બારૂખે લખ્યું. એ દરમિયાન તેઓનાં દિલમાં એકબીજા માટે પ્રેમ અને માન વધ્યાં હશે. વિચારો કે, બારૂખ અને યિર્મેયા વચ્ચેનો સંબંધ કેટલો મજબૂત થયો હશે! (યિર્મે. ૨૦:૧, ૨; ૨૬:૭-૧૧) વર્ષો સુધી યિર્મેયાએ હિંમતથી ઇઝરાયેલીઓને જણાવ્યું કે યરૂશાલેમની કેવી હાલત થશે. (યિર્મે. ૨૫:૩) લોકો પસ્તાવો કરે માટે યહોવા તેઓને ચેતવણી આપવા માંગતા હતા. એ માટે યહોવાએ યિર્મેયાને એ ચેતવણીઓ વીંટા પર લખી લેવાનું કહ્યું. (યિર્મે. ૩૬:૧-૪) ઈશ્વરે સોંપેલું કામ યિર્મેયા અને બારૂખે ખભેખભા મિલાવીને કર્યું હતું. એ કામ ઘણા મહિનાઓ સુધી ચાલ્યું હશે. એ વખતે તેઓ વચ્ચે એવી ઘણી વાતચીત થઈ હશે, જેનાથી તેઓની શ્રદ્ધા મજબૂત થઈ. w૧૯.૧૧ ૨-૩ ¶૩-૪
ગુરુવાર, ઑગસ્ટ ૨૬
“જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.”—માથ. ૨૩:૧૨.
આપણે અભિષિક્ત ભાઈ-બહેનો સાથે કઈ રીતે વર્તવું જોઈએ? કોઈ વ્યક્તિની વધારે પડતી વાહ-વાહ કરવી ખોટું કહેવાય પછી ભલેને એ અભિષિક્ત કેમ ન હોય! (માથ. ૨૩:૮-૧૧) બાઇબલમાં જણાવ્યું છે કે વડીલોની “શ્રદ્ધાને પગલે ચાલો.” પણ બાઇબલમાં ક્યાંય એવું લખ્યું નથી કે આપણો આગેવાન કોઈ માણસ હોવો જોઈએ. (હિબ્રૂ. ૧૩:૭) ખરું કે બાઇબલમાં કહ્યું છે કે અમુકને “બમણા માનને યોગ્ય” ગણવા જોઈએ. તેઓ અભિષિક્ત છે એટલે નહિ, પણ તેઓ “સારી રીતે આગેવાની લે છે” અને “બોલવામાં અને શીખવવામાં સખત મહેનત કરે છે” એટલે તેઓને માન આપવું જોઈએ. (૧ તિમો. ૫:૧૭) જો આપણે અભિષિક્તોના વધુ પડતા વખાણ કરીશું કે તેઓને જ મહત્ત્વ આપીશું, તો કદાચ તેઓ શરમમાં મૂકાઈ જશે અથવા તેઓમાં ઘમંડ આવી જશે. (રોમ. ૧૨:૩) આપણે એવું કંઈ પણ નહિ કરીએ, જેનાથી ખ્રિસ્તનાં અભિષિક્ત ભાઈ-બહેનોમાંથી કોઈ એવી ગંભીર ભૂલ કરી બેસે.—લુક ૧૭:૨. w૨૦.૦૧ ૨૮-૨૯ ¶૮
શુક્રવાર, ઑગસ્ટ ૨૭
“એ વાતો સિવાય બધાં મંડળોની ચિંતા મને . . . કોરી ખાય છે.”—૨ કોરીં. ૧૧:૨૮.
પ્રેરિત પાઊલ પણ અનેક કારણોને લીધે ચિંતામાં હતા. ભાઈ-બહેનો મુશ્કેલીઓમાં હોય ત્યારે તેમને ઘણી ચિંતા થતી. (૨ કોરીં. ૨:૪) વિરોધીઓ ઘણી વાર તેમને મારતા અને કેદમાં નાખી દેતા. તેમના પર અનેક મુશ્કેલીઓ આવી હતી. જેમ કે તેમને ઘણી વસ્તુઓની “અછત” પડી, જેના લીધે તેમને ચિંતા થતી હતી. (ફિલિ. ૪:૧૨) અરે, ત્રણ વખત તો તેમનું વહાણ ભાંગી ગયું. એટલે તેમને ઘણી ચિંતા થઈ હશે. (૨ કોરીં. ૧૧:૨૩-૨૭) પાઊલે કઈ રીતે એ સંજોગોનો સામનો કર્યો? ભાઈ-બહેનો મુશ્કેલીમાં હતા એટલે પાઊલને તેઓની ચિંતા થતી હતી. પણ તે જાતે તેઓની મુશ્કેલીનો હલ શોધવા બેસી ગયા ન હતા. કારણ કે પાઊલ જાણતા હતા કે એ તેમના હાથ બહારની વાત છે. તેઓને મદદ કરવા પાઊલે મંડળનાં બીજાં ભાઈ-બહેનોની ગોઠવણ કરી. તેમણે તિમોથી અને તિતસ જેવા વફાદાર ભાઈઓને એ જવાબદારી સોંપી. એ ભાઈઓએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી એટલે પાઊલની ચિંતા ઓછી થઈ.—ફિલિ. ૨:૧૯, ૨૦; તિત. ૧:૧, ૪, ૫. w૨૦.૦૨ ૨૨-૨૩ ¶૧૧-૧૨
શનિવાર, ઑગસ્ટ ૨૮
“બાળકો, તમારાં માતાપિતાને આધીન રહો.”—એફે. ૬:૧.
યહોવા એ પણ ઇચ્છે છે કે આપણે તેમની આજ્ઞા પાળીએ. યહોવા આપણા સર્જનહાર છે. જીવન જીવવા તે આપણને બધું પૂરું પાડે છે. તે સૌથી બુદ્ધિશાળી પિતા છે, તેમના જેવું બીજું કોઈ નથી. એટલે આપણે તેમની આજ્ઞાઓ પાળવી જોઈએ. પણ યહોવાની આજ્ઞા પાળવાનું મુખ્ય કારણ છે કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ. (૧ યોહા. ૫:૩) યહોવાને પ્રેમ કરવાનાં ઘણાં કારણો છે, પણ તે આપણને તેમની આજ્ઞા પાળવા ક્યારેય દબાણ કરતા નથી. તેમણે આપણને પસંદગી કરવાની છૂટ આપી છે. એટલે પ્રેમથી પ્રેરાઈને તેમની આજ્ઞા પાળીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે. માતાપિતા ઇચ્છે છે કે તેઓનાં બાળકો પર કોઈ મુશ્કેલી ન આવે. એટલે તેઓ બાળકોના રક્ષણ માટે કેટલાક નિયમો બનાવે છે. બાળકો એ નિયમો પાળીને બતાવે છે કે તેઓને માતાપિતા પર ભરોસો છે અને તેઓ માટે માન છે. યહોવાનાં પણ કેટલાંક ધોરણો છે, જે આપણે જાણવાં જોઈએ. એ ધોરણો પ્રમાણે ચાલવું ખૂબ જરૂરી છે. એમ કરીને બતાવીએ છીએ કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને માન આપીએ છીએ. એનાથી આપણને પણ ફાયદો થાય છે. (યશા. ૪૮:૧૭, ૧૮) પણ જેઓ યહોવાને અને તેમનાં ધોરણોને ગણકારતા નથી તેઓને નુકસાન થાય છે.—ગલા. ૬:૭, ૮. w૨૦.૦૨ ૯-૧૦ ¶૮-૯
રવિવાર, ઑગસ્ટ ૨૯
“કૃપા કરીને તારી દાસીને તારા કાનમાં કહેવા દે, ને તારી દાસીનું કહેવું સાંભળ.”—૧ શમૂ. ૨૫:૨૪.
જો આપણને જોવા મળે કે કોઈ ગંભીર ભૂલ કરવા જઈ રહ્યું છે, તો અબીગાઈલની જેમ હિંમતથી તેને જણાવવું જોઈએ. (ગીત. ૧૪૧:૫) આપણે માનથી વાત કરીશું પણ એની સાથે હિંમત બતાવીશું. વ્યક્તિને પ્રેમથી જરૂરી સલાહ આપીશું તો જ આપણે સાચા મિત્ર સાબિત થઈશું. (નીતિ. ૨૭:૧૭) મંડળમાં કોઈ ખોટું કામ કરે તો વડીલોએ હિંમતથી તેને જણાવવું જોઈએ. (ગલા. ૬:૧) વડીલો જાણે છે કે તેઓથી પણ ભૂલો થાય છે એટલે કોઈ વાર તેઓને પણ સલાહ મળી શકે. પણ એવું વિચારીને વડીલો બીજાઓને શિસ્ત આપતા અચકાશે નહિ. (૨ તિમો. ૪:૨; તિત. ૧:૯) વ્યક્તિને સલાહ આપતી વખતે તેઓ ધીરજથી અને સમજી-વિચારીને વાત કરશે. તેઓ એ વ્યક્તિને પ્રેમ કરે છે એટલે તેને મદદ કરે છે. (નીતિ. ૧૩:૨૪) તેઓ પહેલા એ વાતનું ધ્યાન રાખશે કે બધી બાબતોમાં યહોવાને મહિમા મળે. એટલે તેઓ જોશે કે મંડળનાં ભાઈ-બહેનો યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલે અને મંડળનું રક્ષણ થાય.—પ્રે.કા. ૨૦:૨૮. w૨૦.૦૩ ૨૦-૨૧ ¶૮-૯
સોમવાર, ઑગસ્ટ ૩૦
“કેમ કે જે મને બળ આપે છે, તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.”—ફિલિ. ૪:૧૩.
ઇઝરાયેલીઓને છોડાવવા યહોવાએ મુસાનો ઉપયોગ કર્યો હતો. મુસાને “ઇજિપ્તનું સર્વ શિક્ષણ આપવામાં આવ્યું” હતું. મુસાને લાગ્યું કે ઇઝરાયેલીઓને છોડાવવા માટે તે તૈયાર છે. (પ્રે.કા. ૭:૨૨-૨૫) પરંતુ યહોવાએ એ સમયે તેમનો ઉપયોગ કર્યો નહિ. મુસાને નમ્ર અને શાંત વ્યક્તિ બનવા યહોવાએ મદદ કરી. એ પછી યહોવાએ તેમનો ઉપયોગ કર્યો. (પ્રે.કા. ૭:૩૦, ૩૪-૩૬) યહોવાએ મુસાને ઇજિપ્તના સૌથી શક્તિશાળી રાજા સામે બોલવા હિંમત આપી. (નિર્ગ. ૯:૧૩-૧૯) એમાંથી આપણને જોવા મળે છે કે જેઓ યહોવા જેવા ગુણો બતાવે છે અને શક્તિ માટે તેમના પર આધાર રાખે છે, તેઓનો તે ઉપયોગ કરે છે. ઇતિહાસમાં ડોકિયું કરીએ તો જોવા મળે છે કે, યહોવાએ પોતાના ભક્તોનો ઘણી રીતોએ ઉપયોગ કર્યો છે. તે તમારો કઈ રીતે ઉપયોગ કરશે? તમે કેટલી મહેનત કરવા તૈયાર છો, એનાથી એ નક્કી થશે. (કોલો. ૧:૨૯) યહોવા તમારો ઉપયોગ કરે એ માટે તૈયાર રહો. જો એમ કરશો તો તે તમને ઉત્સાહી પ્રચારક, સારા શિક્ષક, ખાસ મિત્ર, દિલાસો આપનાર કે સારી રીતે કામ કરનાર બનાવશે. તેમની ઇચ્છા પૂરી કરવા તે કોઈ પણ રીતે તમારો ઉપયોગ કરશે. w૧૯.૧૦ ૨૧ ¶૫; ૨૫ ¶૧૪
મંગળવાર, ઑગસ્ટ ૩૧
“હું તમને મારા મિત્રો કહું છું.”—યોહા. ૧૫:૧૫.
યહોવાને વફાદાર રહેવા સારા મિત્રો આપણને મદદ કરશે. સારા મિત્રો બનાવવા આપણે પોતે સારા મિત્ર બનવું જોઈએ. (માથ. ૭:૧૨) દાખલા તરીકે, બાઇબલ શીખવે છે કે બીજાઓને મદદ કરવા આપણાં સમય-શક્તિ વાપરીએ. ખાસ તો એવા લોકોને મદદ કરીએ, જેઓને “જરૂર હોય.” (એફે. ૪:૨૮) બીજાઓને મદદ કરવા આપણાં સમય-શક્તિ વાપરીએ છીએ ત્યારે, આપણને ઘણી ખુશી મળે છે. (પ્રે.કા. ૨૦:૩૫) મિત્રો આપણને કસોટીમાં સાથ આપશે અને મન શાંત રાખવા મદદ કરશે. અયૂબે પોતાની તકલીફો વિશે જણાવ્યું ત્યારે અલીહૂએ ધ્યાનથી સાંભળ્યું. એવી જ રીતે, આપણે પણ દિલ ઠાલવીએ છીએ ત્યારે, મિત્રો ધીરજથી સાંભળે છે. (અયૂ. ૩૨:૪) મિત્રો આપણા વતી નિર્ણયો લે એવી અપેક્ષા રાખીશું નહિ. પણ તેઓ બાઇબલમાંથી સલાહ આપે ત્યારે એ સાંભળીશું તો આપણે સમજુ ગણાઈશું. (નીતિ. ૧૫:૨૨) રાજા દાઊદે નમ્રતાથી મિત્રોની મદદ સ્વીકારી હતી. આપણે ઘમંડી ન બનીએ પણ જરૂર હોય ત્યારે દાઊદની જેમ મિત્રોની મદદ સ્વીકારીએ. (૨ શમૂ. ૧૭:૨૭-૨૯) સાચે જ, સારા મિત્રો તો યહોવાએ આપેલી ભેટ છે.—યાકૂ. ૧:૧૭. w૧૯.૦૪ ૧૧ ¶૧૨; ૧૨ ¶૧૪-૧૫