જુલાઈ
ગુરુવાર, જુલાઈ ૧
“તમારી અરજો ઈશ્વરને જણાવો.”—ફિલિ. ૪:૬.
બીજાઓના કડવા વેણ કે કઠોર વર્તનને લીધે આપણે કદાચ નિરાશ થઈ જઈએ. ખાસ તો આપણા પાકા મિત્ર કે નજીકના સગા એવું કરે ત્યારે વધારે દુઃખ થાય. ચિંતાનો સામનો કરતા હોઈએ ત્યારે, બાઇબલમાં જણાવેલ હાન્નાના ઉદાહરણથી ઘણું શીખી શકીએ. તેને તેના પતિની બીજી પત્ની ઘણા મહેણાં મારતી હતી. (૧ શમૂ. ૧:૧૨) હાન્નાની જેમ આપણે પણ યહોવા સાથે પ્રાર્થનામાં ચાહીએ એટલો સમય વાત કરી શકીએ. આપણી ચિંતાઓ, કે ડર વિશે તેમને જણાવી શકીએ. જરૂરી નથી કે આપણી પ્રાર્થના સરસ કવિતા જેવી હોય કે એમાં ભારે ભારે શબ્દો હોય. અમુક વાર યહોવાને પ્રાર્થનામાં તકલીફો વિશે જણાવતી વખતે આપણે રડી પડીએ, તોપણ તે કંટાળતા નથી. આપણી મુશ્કેલીઓ ઉપરાંત બીજા શાના વિશે પ્રાર્થના કરી શકીએ? એ વિશે જાણવા ચાલો ફિલિપીઓ ૪:૬, ૭માં પ્રેરિત પાઊલે આપેલી સલાહ જોઈએ. તેમણે કહ્યું કે પ્રાર્થનામાં યહોવાનો આભાર પણ માનવો જોઈએ. આપણે ઘણી બાબતો માટે યહોવાનો આભાર માની શકીએ છીએ. તેમણે આપણને જીવનની ભેટ આપી છે, સુંદર વસ્તુઓ બનાવી છે, આપણા માટે અપાર પ્રેમ બતાવ્યો છે અને ભાવિની સુંદર આશા આપી છે. w૨૦.૦૨ ૨૧ ¶૩; ૨૨ ¶૬
શુક્રવાર, જુલાઈ ૨
‘બોલવાનો વખત હોય છે.’—સભા. ૩:૧, ૭.
બોલવાની ભેટ તો યહોવાએ આપી છે. (નિર્ગ. ૪:૧૦, ૧૧; પ્રકટી. ૪:૧૧) એ ભેટનો સારો ઉપયોગ કઈ રીતે કરી શકીએ એ વિશે તેમણે બાઇબલમાં માર્ગદર્શન આપ્યું છે. યહોવા અને તેમના રાજ્ય વિશે વાત કરવા આપણે હંમેશાં તૈયાર રહેવું જોઈએ. (માથ. ૨૪:૧૪; રોમ. ૧૦:૧૪) એમ કરીને આપણે ઈસુને પગલે ચાલીએ છીએ. ઈસુનો પૃથ્વી પર આવવાનો એક હેતુ હતો કે પિતા વિશેનું સત્ય તે બીજાઓને જણાવે. (યોહા. ૧૮:૩૭) યાદ રાખીએ કે આપણે બીજાઓ સાથે કઈ રીતે બોલીએ છીએ, એ પણ મહત્ત્વનું છે. બીજાઓને યહોવા વિશે જણાવીએ ત્યારે “નમ્રતાથી અને પૂરા આદર સાથે” વાત કરવી જોઈએ. (૧ પીત. ૩:૧૫) એટલું જ નહિ, તેઓની લાગણીઓ અને માન્યતાઓને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એમ કરીને આપણે ફક્ત વાતો જ કરતા નથી. પણ આપણે વ્યક્તિને શીખવીએ છીએ, જે તેના દિલને અસર કરે છે. કોઈ ભાઈ કે બહેનને સલાહ આપવાની જરૂર પડે તો વડીલોએ ક્યારેય અચકાવું ન જોઈએ. જોકે, તેઓ ધ્યાન રાખશે કે યોગ્ય સમયે એના વિશે વાત કરે. બીજાઓની સામે તેને સલાહ આપવામાં આવે તો કદાચ તેને શરમ લાગશે. w૨૦.૦૩ ૧૮-૧૯ ¶૨-૪
શનિવાર, જુલાઈ ૩
“પ્રાર્થના કરતા રહો.”—માથ. ૨૬:૪૧.
આપણે પ્રાર્થનામાં શું માંગી શકીએ? આપણે ‘શ્રદ્ધા વધારવા’ યહોવાને પ્રાર્થના કરવી જોઈએ. (લુક ૧૭:૫; યોહા. ૧૪:૧) ઈસુને પગલે ચાલનારા બધા લોકોની શેતાન કસોટી કરશે. એટલે આપણને શ્રદ્ધાની ખાસ જરૂર છે. (લુક ૨૨:૩૧) શ્રદ્ધા આપણને કઈ રીતે મદદ કરે છે? કસોટીઓનો સામનો કરવા આપણે બનતું બધું કરવું જોઈએ. બધી બાબતો યહોવાના હાથમાં છોડી દેવા શ્રદ્ધા આપણને મદદ કરશે. યહોવા આપણા કરતાં વધારે સારી રીતે બાબતોને હાથ ધરે છે. એવો ભરોસો રાખવાથી આપણે મન શાંત રાખી શકીએ છીએ. (૧ પીત. ૫:૬, ૭) ભલે આપણે ગમે એવી કસોટીમાં હોઈએ, પ્રાર્થના કરવાથી મનની શાંતિ મળે છે. ચાલો રોબર્ટભાઈ વિશે જોઈએ. તે વડીલ છે અને આશરે ૮૦ વર્ષના છે. તે કહે છે: ‘જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા ફિલિપીઓ ૪:૬, ૭થી મને મદદ મળી છે. મને પૈસાને લગતી અમુક તકલીફો હતી. મેં થોડા સમય માટે વડીલ તરીકેની જવાબદારી ગુમાવી દીધી.’ મન શાંત રાખવા રોબર્ટભાઈને ક્યાંથી મદદ મળી? તે જણાવે છે: ‘મનમાં ચિંતા થવા લાગે કે તરત હું પ્રાર્થના કરવા લાગું છું. હું દિલથી પ્રાર્થના કરું છું અને વારંવાર પ્રાર્થના કરું છું. એનાથી મારું દિલ હળવું થાય છે, શાંતિ મળે છે.’ w૧૯.૦૪ ૯-૧૦ ¶૫-૭
રવિવાર, જુલાઈ ૪
“તારી, હા, તારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે.”—ગીત. ૫૧:૪.
બાળકનું જાતીય શોષણ એ ઈશ્વર વિરુદ્ધ પાપ છે. માણસ બીજા માણસ વિરુદ્ધ પાપ કરે તો, તે યહોવા વિરુદ્ધ પણ પાપ કરે છે. ચાલો એક દાખલો તપાસીએ. ઈશ્વરે ઇઝરાયેલીઓને નિયમશાસ્ત્ર આપ્યું હતું. એમાં એક નિયમ હતો કે, વ્યક્તિ પોતાના પડોશીને છેતરે તો તે ‘યહોવાની આજ્ઞા તોડે છે.’ (લેવી. ૬:૨-૪) એવી જ રીતે, મંડળની કોઈ વ્યક્તિ બાળકનું શોષણ કરે તો તે યહોવા વિરુદ્ધ પાપ કરે છે, બેવફા બને છે. એ ગુનેગારને લીધે યહોવાના નામ પર બટ્ટો લાગે છે. એટલે, ઈશ્વર વિરુદ્ધ ગંભીર પાપ કરવા બદલ એ ગુનેગારને સજા થવી જ જોઈએ. ચોકીબુરજ અને સજાગ બનો! ના ઘણા લેખોમાં એની ચર્ચા થઈ છે. એમાં એ પણ જણાવ્યું છે કે ભોગ બનેલાઓનાં દિલ પર લાગેલા ઘા રૂઝાવવા બીજાઓ કઈ રીતે મદદ અને આશ્વાસન આપી શકે. માબાપ પોતાનાં બાળકોનું રક્ષણ કરવા શું કરી શકે એની પણ ચર્ચા કરવામાં આવી છે. વડીલોને બાઇબલના આધારે તાલીમ આપવામાં આવી છે કે એવા કિસ્સાને કઈ રીતે હાથ ધરવા જોઈએ. સંગઠન એના પર દેખરેખ રાખે છે. w૧૯.૦૫ ૯ ¶૮-૯
સોમવાર, જુલાઈ ૫
‘જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું જોઈએ?’—યશા. ૮:૧૯.
ઈશ્વરનો શબ્દ એક ધારદાર તલવાર જેવો છે. એ શેતાનનાં જૂઠાણાંને ખુલ્લાં પાડે છે. (એફે. ૬:૧૭) દાખલા તરીકે, લોકો માને છે કે મરણ પામેલી વ્યક્તિ જીવતાઓ સાથે વાત કરી શકે છે. પણ, બાઇબલ જણાવે છે કે ગુજરી ગયેલાઓ કંઈ કરી શકતા નથી. આમ, બાઇબલ એ જૂઠાણાંને ખુલ્લું પાડે છે. (ગીત. ૧૪૬:૪) બાઇબલ આપણને એ પણ જણાવે છે કે ફક્ત યહોવા જ ભાવિ વિશે સાચી ભવિષ્યવાણી કરી શકે છે. (યશા. ૪૫:૨૧; ૪૬:૧૦) દુષ્ટ દૂતો ચાહે છે કે આપણે તેઓનાં જૂઠાણાંને સાચાં માની બેસીએ. પણ જો આપણે નિયમિત બાઇબલ વાંચીશું અને મનન કરીશું, તો દુષ્ટ દૂતોના જૂઠાણાં માનીશું નહિ અને એનાથી દૂર રહીશું. એટલે મેલીવિદ્યા સાથે જોડાયેલી વસ્તુઓથી દૂર રહીએ. સાચા ઈશ્વરભક્તો કોઈ પણ જાતની મેલીવિદ્યામાં ભાગ લેતા નથી. દાખલા તરીકે, આપણે એવા માણસ પાસે જતા નથી, જે મરણ પામેલી વ્યક્તિ સાથે વાત કરવાનો દાવો કરતો હોય. ગુજરી ગયેલાઓ સાથે વાત કરવાની રીતો આપણે શોધતા નથી. વ્યક્તિના મરણ વખતે અમુક વિધિઓ કરવામાં આવે છે. એ વિધિઓ એવી માન્યતાઓ સાથે જોડાયેલી છે કે, ગુજરી ગયેલાઓ બીજી કોઈ જગ્યાએ જીવે છે. આપણે એવી કોઈ પણ વિધિમાં ભાગ લેતા નથી. ભવિષ્ય વિશે જાણવા આપણે જ્યોતિષી કે ભવિષ્ય ભાખનાર પાસે જતા નથી. આપણે જાણીએ છીએ કે એ બધાં કામો બહુ ખતરનાક છે. એ કામોથી આપણે સામે ચાલીને શેતાન અને દુષ્ટ દૂતોના પંજામાં ફસાઈ શકીએ છીએ. w૧૯.૦૪ ૨૧-૨૨ ¶૮-૯
મંગળવાર, જુલાઈ ૬
“ઈશ્વરે તેઓના હૃદયની લાલસા પ્રમાણે તેઓને અશુદ્ધ કામો કરવા છોડી દીધા.”—રોમ. ૧:૨૪.
દુનિયાના વિચારો પ્રમાણે ચાલતા લોકો માને છે કે આજના જમાનામાં બાઇબલનાં ધોરણો પ્રમાણે ન જીવાય. તેઓ કદાચ કહે, ‘ઈશ્વરે જ માણસોમાં જાતીય ઇચ્છાઓ મૂકી છે. તો પછી શા માટે ઈશ્વર એ વિશે ના પાડે છે?’ લોકો માને છે કે તેઓ પોતાની મરજીના માલિક છે. પણ બાઇબલના વિચારો એનાથી સાવ અલગ છે. એ જણાવે છે કે આપણે ઇચ્છાઓના ગુલામ ન બનવું જોઈએ. એમ પણ જણાવે છે કે, આપણને એ રીતે બનાવવામાં આવ્યા છે જેથી ખોટી ઇચ્છાઓ ટાળી શકીએ. (કોલો. ૩:૫) લગ્નની ગોઠવણ તો યહોવાએ કરી છે. લગ્ન પછી વ્યક્તિ જાતીય ઇચ્છાઓનો આનંદ માણી શકે છે. (૧ કોરીં. ૭:૮, ૯) બાઇબલ શીખવે છે કે સેક્સ વિશે યોગ્ય વિચારો રાખવા જોઈએ. બાઇબલ જણાવે છે કે જાતીય ઇચ્છાઓનો આનંદ માણવો ખોટું નથી. (નીતિ. ૫:૧૮, ૧૯) પણ એમાં જણાવવામાં આવ્યું છે: “તમારામાંથી દરેક જણ પવિત્રતા અને આદરથી પોતાના શરીરને કાબૂમાં રાખવાનું શીખે. તમારે કામવાસનાની લાલસા રાખવી નહિ.”—૧ થેસ્સા. ૪:૪, ૫. w૧૯.૦૫ ૨૨-૨૩ ¶૭-૯
બુધવાર, જુલાઈ ૭
“તું તારાં સર્વ સૈન્ય તથા ઘણી પ્રજાઓ પોતાની સાથે લઈને ચઢશે, તું તોફાનની પેઠે આવશે.”—હઝકી. ૩૮:૯.
દુનિયાની સરકારોને ઈશ્વર પોતાના લોકોનો નાશ કરવા દેશે નહિ. તેઓ ઈશ્વરના નામથી ઓળખાય છે. મહાન બાબેલોનમાંથી નીકળી આવવાની ઈશ્વરે તેઓને આજ્ઞા આપી હતી. એ આજ્ઞા તેઓએ પાળી છે. (પ્રે.કા. ૧૫:૧૬, ૧૭; પ્રકટી. ૧૮:૪) તેઓએ બીજાઓને પણ એમાંથી બહાર નીકળી આવવા મદદ કરી છે. આમ, મહાન બાબેલોનની “આફતોમાંની કોઈ” યહોવાના લોકો પર આવી નહિ પડે. પણ, એ પછી આવનાર કસોટીમાં તેઓએ પાકી શ્રદ્ધા બતાવવાની જરૂર પડશે. (હઝકી. ૩૮:૨, ૮) યહોવા બધા જૂઠા ધર્મોનો નાશ કરશે, પછી પૃથ્વી પર ફક્ત એક ધર્મ હશે. ફક્ત યહોવાના ભક્તો હશે. એ વાત શેતાનને આંખમાં કણાની જેમ ખૂંચશે, તે ગુસ્સાથી લાલપીળો થશે. તેથી તે “અશુદ્ધ વચનો” ફેલાવશે, એટલે કે દુષ્ટ દૂતોની મદદથી ખોટી માહિતી ફેલાવશે. એના લીધે દેશોનો સમૂહ યહોવાના ભક્તો પર હુમલો કરવા દોરાશે. (પ્રકટી. ૧૬:૧૩, ૧૪) દેશોના સમૂહને “માગોગ દેશનો ગોગ” કહેવામાં આવે છે. જ્યારે તેઓ યહોવાના ભક્તો પર હુમલો કરશે, ત્યારે આર્માગેદનનું યુદ્ધ શરૂ થશે.—પ્રકટી. ૧૬:૧૬. w૧૯.૦૯ ૧૧ ¶૧૨-૧૩
ગુરુવાર, જુલાઈ ૮
“બુદ્ધિશાળી માણસોની દલીલો વ્યર્થ છે.”—૧ કોરીં. ૩:૨૦.
પ્રાચીન ઇઝરાયેલમાં લોકો વ્યભિચાર જેવાં ખરાબ કામ કરવા લલચાય માટે શેતાને જૂઠા ધર્મનો સહારો લીધો હતો. આજે પણ તે એવું જ કરે છે. જૂઠા ધર્મો ખરાબ કામોને ચલાવી લે છે અને એને ખોટાં ગણતા નથી. તેથી, ઈશ્વરને ભજવાનો ઢોંગ કરનારાઓએ તેમનાં ખરાં ધોરણોને છોડી દીધાં છે. જૂઠા ધર્મો પાળનાર લોકોનાં કામો વિશે પ્રેરિત પાઊલે રોમનોને પત્રમાં જણાવ્યું હતું. (રોમ. ૧:૨૮-૩૧) એમાં જણાવેલાં “અયોગ્ય કામો” એટલે દરેક પ્રકારનાં જાતીય કામો, જેમાં સજાતીય સંબંધોનો પણ સમાવેશ થાય છે. (રોમ. ૧:૨૪-૨૭, ૩૨; પ્રકટી. ૨:૨૦) એટલે બાઇબલના સાચા શિક્ષણને પાળવું ખૂબ જ મહત્ત્વનું છે. દુનિયાના વિચારો એટલે માણસોના વિચારો. એ વિચારો તો યહોવાનાં ખરાં ધોરણોની વિરુદ્ધ છે. એનાથી પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણો કેળવી શકાતા નથી. પણ એ તો “શરીરનાં કામો” કરવા દોરી જાય છે. (ગલા. ૫:૧૯-૨૩) દુનિયાના વિચારોથી લોકોમાં ઘમંડ આવે છે અને તેઓ “સ્વાર્થી” બની જાય છે. (૨ તિમો. ૩:૨-૪) એ ખરાબ ગુણો ઈશ્વર પોતાના લોકોમાં જોવા ચાહતા નથી. ઈશ્વર તો ચાહે છે કે તેમના ભક્તો નમ્ર હોય.—૨ શમૂ. ૨૨:૨૮. w૧૯.૦૬ ૫-૬ ¶૧૨-૧૪
શુક્રવાર, જુલાઈ ૯
“મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.”—નીતિ. ૧૭:૧૭.
અઘરા સંજોગોમાં પણ એલિયા યહોવાની ભક્તિ કરતા રહ્યા. તેમના પર ઘણી તકલીફો આવી. યહોવાએ એલિયાને જણાવ્યું કે, પોતાનું કેટલુંક કામ એલિશાને સોંપી દે. આમ, યહોવાએ એલિયાને એક સારો મિત્ર આપ્યો. નિરાશ થઈ ગયેલા એલિયાને એનાથી ઘણી મદદ મળી. આપણા કિસ્સામાં પણ એવું જ છે. પાકા મિત્ર પર ભરોસો મૂકીને તેને ચિંતાઓ જણાવીએ છીએ ત્યારે, આપણો બોજો હળવો થાય છે. (૨ રાજા. ૨:૨) કદાચ તમને લાગે કે એવું કોઈ નથી, જેને તમે તમારા મનની વાત કહી શકો. એવા સમયે શું? યહોવાને પ્રાર્થનામાં વિનંતી કરો કે, એવી વ્યક્તિને શોધવા તે તમારી મદદ કરે. યહોવાએ એલિયાને ચિંતાનો સામનો કરવા મદદ કરી. વર્ષો સુધી ભક્તિમાં ટકી રહેવા પણ મદદ કરી. એલિયાના અનુભવથી આપણા દિલમાં હોંશ જાગે છે. ઘણી વાર આપણે ચિંતાને લીધે સાવ થાકી જઈએ કે એકદમ નિરાશ થઈ જઈએ. એવા સમયે યહોવા પર ભરોસો રાખવો જોઈએ. યહોવા આપણને તાકાત આપશે, જેની મદદથી આપણે ભક્તિમાં મંડ્યા રહી શકીશું.—યશા. ૪૦:૨૮, ૨૯. w૧૯.૦૬ ૧૫ ¶૪; ૧૬ ¶૯-૧૦
શનિવાર, જુલાઈ ૧૦
“માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવા પર ભરોસો રાખે છે તે સહીસલામત રહેશે.”—નીતિ. ૨૯:૨૫.
ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાથી આપણી હિંમત વધે છે. આપણે યહોવા પર ભરોસો રાખી શકીએ છીએ અને માણસોનો ડર લાગતો નથી. કસરત કરવાથી આપણા સ્નાયુઓ મજબૂત થાય છે. એવી જ રીતે, ખુશખબર ફેલાવવાથી આપણી હિંમત વધે છે. આપણે ઘરે-ઘરે, જાહેરમાં, બજારમાં અને જ્યાં લોકો મળે ત્યાં સંદેશો જણાવીએ છીએ. જો હમણાં હિંમતથી સંદેશો ફેલાવીશું, તો આપણા કામ પર પ્રતિબંધ હશે ત્યારે પણ એમ કરતા ડરીશું નહિ. (૧ થેસ્સા. ૨:૧, ૨) એક વફાદાર બહેને બતાવેલી હિંમત પરથી આપણે ઘણું શીખી શકીએ છીએ. નેન્સી યુએન આશરે પાંચ ફૂટનાં હતાં, છતાં તેમનામાં ખૂબ હિંમત હતી. ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાનું તેમણે બંધ કર્યું નહિ. એટલે સામ્યવાદી ચીનમાં તેમને વીસેક વર્ષની સજા થઈ. તેમની પૂછપરછ કરનારા અધિકારીઓએ જણાવ્યું કે તે તો દેશની “સૌથી જિદ્દી વ્યક્તિ છે.” w૧૯.૦૭ ૫ ¶૧૩-૧૪
રવિવાર, જુલાઈ ૧૧
“એ માટે જાઓ, સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો.”—માથ. ૨૮:૧૯.
અમુક લોકોને પહેલેથી જ બાઇબલનું સત્ય જાણવામાં રસ હોય છે. પરંતુ, બધા લોકો એવા હોતા નથી. ઘણા લોકોને શરૂઆતમાં બાઇબલનું સત્ય જાણવામાં રસ હોતો નથી. તેઓ સત્ય જાણવા પ્રેરાય એ માટે કદાચ આપણે મહેનત કરવી પડે. ખુશખબર સારી રીતે ફેલાવી શકીએ માટે આપણે સારી તૈયારી કરવી જોઈએ. એવા વિષયો પસંદ કરીએ, જેના વિશે આપણા વિસ્તારના લોકોને જાણવાનું ગમે છે. એ વિષય પર તેઓ સાથે કઈ રીતે વાત કરીશું એની તૈયારી કરીએ. દાખલા તરીકે, તમે ઘરમાલિકને પૂછી શકો: ‘શું હું તમને એક સવાલ પૂછું? દુનિયા ફરતે લોકો પર ઘણી મુશ્કેલીઓ આવે છે. શું તમને લાગે છે કે એ મુશ્કેલીઓ દુનિયાની સરકારો દૂર કરશે?’ પછી તમે દાનીયેલ ૨:૪૪ બતાવીને ચર્ચા કરી શકો. બીજી રીત છે, તમે કદાચ ઘરમાલિકને પૂછી શકો: ‘બાળકોને સારા સંસ્કાર કઈ રીતે આપી શકાય? તમને શું લાગે છે?’ પછી પુનર્નિયમ ૬:૬, ૭ની ચર્ચા કરી શકો. લોકોને ખ્રિસ્તના શિષ્યો બનવા મદદ કરીએ છીએ ત્યારે, આપણી ખુશીનો પાર રહેતો નથી. w૧૯.૦૭ ૧૫ ¶૪, ૬-૭
સોમવાર, જુલાઈ ૧૨
“મનુષ્ય જે દેવો નથી એવા દેવો પોતાને માટે બનાવશે શું?”—યિર્મે. ૧૬:૨૦.
દક્ષિણ પૂર્વ એશિયાના એક ભાઈ વર્ષોથી એવા લોકોને ખુશખબર જણાવે છે, જેઓ ધર્મમાં માનતા નથી. ભાઈ જણાવે છે: “કોઈ જ્યારે કહે કે ‘હું ઈશ્વરમાં માનતો નથી.’ એનો અર્થ થાય કે ત્યાંના લોકો જે દેવોમાં માને છે એમાં તે માનતો નથી. એટલે હું તેને જણાવું છું કે મોટા ભાગના દેવો તો માણસોએ બનાવ્યા છે. પછી ઘણી વાર હું યિર્મેયા ૧૬:૨૦ બતાવું છું અને પૂછું છું: ‘જે હકીકતમાં દેવો નથી એવા દેવો, મનુષ્ય પોતાને માટે કઈ રીતે બનાવી શકે?’ પછી તેમની વાત ધ્યાનથી સાંભળું છું. હું તેઓને યશાયા ૪૧:૨૩ બતાવું છું: ‘હવે પછી જે જે ઘટનાઓ બનવાની છે એ અમને કહો, જેથી તમે દેવો છો એ અમે જાણીએ.’ છેલ્લે, યહોવાએ ભાવિ વિશે અગાઉથી જણાવ્યું હોય, એવો એક દાખલો આપું છું.” બીજા એક ભાઈ જણાવે છે: “બાઇબલમાં આપેલા જ્ઞાન અને સમજણના દાખલા, પૂરી થયેલી ભવિષ્યવાણીઓ અને કુદરતી નિયમો વિશે હું તેઓને વાત કરું છું. પછી તેઓને કહું છું કે એ બધું બતાવે છે કે સૃષ્ટિના કોઈ સર્જનહાર છે અને તે ઘણા બુદ્ધિશાળી છે. વ્યક્તિ જ્યારે સ્વીકારે કે ઈશ્વર જેવું કોઈક છે, ત્યારે હું તેઓને બાઇબલમાંથી યહોવા વિશે બતાવું છું.” w૧૯.૦૭ ૨૩-૨૪ ¶૧૪-૧૫
મંગળવાર, જુલાઈ ૧૩
“જે વધારે મહત્ત્વનું છે એ પારખી લો.”—ફિલિ. ૧:૧૦.
મહત્ત્વની બાબતોમાં આનો સમાવેશ થાય છે: યહોવાના નામને મહિમા આપવો, તેમણે આપેલાં વચનો પર ભરોસો રાખવો અને આપણા મંડળમાં એકતા અને શાંતિ જાળવવી. (માથ. ૬:૯, ૧૦; યોહા. ૧૩:૩૫) એ બાબતો જીવનમાં પ્રથમ રાખીશું તો, દેખાઈ આવશે કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ. પાઊલે એમ પણ કહ્યું હતું કે આપણે “નિર્દોષ” રહેવું જોઈએ. એનો અર્થ એમ નથી કે આપણે ક્યારેય ભૂલો કરીશું નહિ. જો પ્રેમ વધારવા બનતું બધું કરીશું અને મહત્ત્વની બાબતો પારખી લઈશું, તો યહોવા આપણને નિર્દોષ ગણશે. પ્રેમ બતાવવાની એક રીત છે: બીજાઓને ઠોકર ન લાગે એ માટે આપણાથી બનતું બધું કરીએ. બીજાઓને ઠોકર ન ખવડાવો, એ સલાહ એક ચેતવણી છે. કઈ રીતે આપણાથી બીજાઓને ઠોકર લાગી શકે? મનોરંજન, કપડાં અને નોકરી વિશે આપણે જે પસંદગી કરીએ, એનાથી બીજાઓને ઠોકર લાગી શકે છે. આપણી પસંદગી કદાચ ખોટી ન હોય, પણ બની શકે કે બીજાઓને એનાથી ઠોકર લાગે. એ તો એક ગંભીર બાબત કહેવાય!—માથ. ૧૮:૬. w૧૯.૦૮ ૧૦ ¶૯-૧૧
બુધવાર, જુલાઈ ૧૪
“તેઓ મહાન વિપત્તિમાંથી નીકળી આવેલા લોકો છે અને તેઓએ પોતાના ઝભ્ભા ઘેટાના લોહીમાં ધોઈને સફેદ કર્યા છે.”—પ્રકટી. ૭:૧૪.
યોહાનના દર્શન વિશે ૧૯૩૫થી યહોવાના સાક્ષીઓ શું માને છે? મોટા ટોળાના ઈશ્વરભક્તોને પૃથ્વી પર હંમેશાં જીવવાની આશા છે. (પ્રકટી. ૭:૯, ૧૦) મોટા ટોળાના લોકોએ ખ્રિસ્તના રાજ પહેલાં યહોવાનાં ધોરણો શીખવાના છે, જેથી તેઓ મોટી વિપત્તિમાંથી બચી જાય. તેઓએ પાકી શ્રદ્ધા બતાવવાની છે, જેથી તેઓ ખ્રિસ્તનું રાજ આવતા પહેલાં “જે ચોક્કસ થવાનું છે એ બધામાંથી” બચી શકે. (લુક ૨૧:૩૪-૩૬) મોટું ટોળું પોતાને મળેલી આશા વિશે ખુશ છે. તેઓ સારી રીતે જાણે છે કે, વફાદાર ભક્તો સ્વર્ગમાં જશે કે પૃથ્વી પર રહેશે, એ યહોવા નક્કી કરશે. યહોવાએ ઈસુનું બલિદાન આપીને અપાર કૃપા બતાવી છે. અભિષિક્તો અને મોટા ટોળાના લોકો જાણે છે કે તેઓને મળનાર ઇનામ ઈસુના બલિદાનને લીધે શક્ય બન્યું છે.—રોમ. ૩:૨૪. w૧૯.૦૯ ૨૮ ¶૧૦, ૧૨; ૨૯ ¶૧૩
ગુરુવાર, જુલાઈ ૧૫
“યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે.”—નહે. ૮:૧૦.
શું તમને નવી સોંપણી મળી છે? તમે એમાં સફળ થઈ શકો છો. એવું વિચારશો નહિ કે જૂની સોંપણીમાં તમે બરાબર કર્યું ન હતું અથવા હવે તમે મહત્ત્વના નથી. યહોવા તમને જે રીતે મદદ કરી રહ્યા છે, એનો વિચાર કરો અને ખુશખબર ફેલાવતા રહો. પહેલી સદીના વફાદાર ખ્રિસ્તીઓના પગલે ચાલો. તેઓ જ્યાં ગયા ત્યાં “ઈશ્વરના સંદેશાની ખુશખબર જાહેર કરતા ગયા.” (પ્રે.કા. ૮:૧, ૪) ખુશખબર ફેલાવવા તમે જે મહેનત કરો છો એનાં સારાં પરિણામો આવી શકે છે. અમુક પાયોનિયરો સાથે એવું જ થયું. તેઓને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે, તેઓ બાજુના દેશમાં જતા રહ્યા. એ દેશમાં પણ તેઓની ભાષા બોલતાં ભાઈ-બહેનોની ઘણી જરૂર હતી. થોડા જ મહિનામાં એ ભાષાનાં ઘણાં નવાં ગ્રૂપ શરૂ થયાં. સૌથી વધારે ખુશી તો યહોવા સાથેના ગાઢ સંબંધથી મળે છે. એટલે હંમેશાં યહોવાની આજ્ઞા પાળીએ. સમજણ, માર્ગદર્શન અને મદદ માટે યહોવા પર આધાર રાખીએ. યાદ રાખો કે લોકોને મદદ કરવા તમે બનતું બધું કરતા હતા, એટલે તમને તમારી જૂની સોંપણી ગમતી હતી. હમણાંની સોંપણીમાં તમારું દિલ રેડી દો. યહોવાની મદદથી તમને એ સોંપણી ગમવા લાગશે.—સભા. ૭:૧૦. w૧૯.૦૮ ૨૪-૨૫ ¶૧૫-૧૬
શુક્રવાર, જુલાઈ ૧૬
‘શું આપણે પિતાને વધારે ખુશીથી આધીન રહેવું ન જોઈએ?’—હિબ્રૂ. ૧૨:૯.
આપણે યહોવાનું કહ્યું માનવું જોઈએ, કેમ કે તેમણે આપણને બનાવ્યા છે. એટલે આપણા માટે ધોરણો નક્કી કરવાનો તેમને હક છે. (પ્રકટી. ૪:૧૧) યહોવાનું કહ્યું માનવાનું બીજું એક મહત્ત્વનું કારણ છે: તેમનું રાજ સૌથી સારું છે. ઇતિહાસનાં પાના ફેરવીએ તો જોવા મળે છે કે ઘણા શાસકોએ લોકો પર રાજ કર્યું છે. એ બધા કરતાં યહોવા સૌથી મહાન છે. તે બુદ્ધિશાળી, પ્રેમાળ, દયાળુ અને બીજાઓનો વિચાર કરનાર રાજા છે. (નિર્ગ. ૩૪:૬; રોમ. ૧૬:૨૭; ૧ યોહા. ૪:૮) દરેક સંજોગોમાં યહોવાની આજ્ઞા પાળવા આપણે બનતું બધું કરીએ છીએ. પોતાની બુદ્ધિ પર આધાર રાખવાનું ટાળીએ છીએ. આમ, આપણે યહોવાનું કહ્યું માનીએ છીએ. (નીતિ. ૩:૫) યહોવાના સુંદર ગુણો વિશે શીખતા જઈએ તેમ, સહેલાઈથી તેમનું કહેવું માની શકીએ છીએ. તે જે કામો કરે છે, એમાં તેમના ગુણો દેખાય આવે છે. (ગીત. ૧૪૫:૯) યહોવા વિશે શીખતા જઈશું તેમ, તેમના માટેનો આપણો પ્રેમ વધતો જશે. જો તેમને પ્રેમ કરતા હોઈશું, તો શું કરવું, શું ન કરવું એવા નિયમોની લાંબી યાદીની જરૂર નહિ પડે. w૧૯.૦૯ ૧૪ ¶૧, ૩
શનિવાર, જુલાઈ ૧૭
“મારી ઝૂંસરી ઉપાડવામાં સહેલી અને મારો બોજો હલકો છે.”—માથ. ૧૧:૩૦.
શેતાને લોકોને જૂઠાણાંના બોજ નીચે દબાવી દીધા છે. દાખલા તરીકે, તે આપણા મનમાં ઠસાવવા ચાહે છે કે, યહોવા આપણને પ્રેમ કરતા નથી અને તે આપણાં પાપોને માફ કરશે નહિ. કેવું હળહળતું જૂઠાણું! એનાથી તો લોકો સાવ નિરાશ થઈ જાય છે. (યોહા. ૮:૪૪) ખ્રિસ્ત ‘પાસે આવીએ’ છીએ ત્યારે, આપણાં પાપોની માફી મળે છે. (માથ. ૧૧:૨૮) યહોવા આપણને બધાને બહુ પ્રેમ કરે છે. (રોમ. ૮:૩૨, ૩૮, ૩૯) ઈસુ આપણને જે બોજો ઊંચકવાનો કહે છે, એ બીજા બોજા જેવો નથી. દાખલા તરીકે, આખો દિવસ નોકરી-ધંધો કર્યા પછી દિવસના અંતે આપણે થાકીને લોથપોથ થઈ જઈએ છીએ. પણ એ કામથી આપણને ખુશી મળતી નથી. યહોવા અને ખ્રિસ્તની સેવામાં સમય વિતાવવાથી આપણને મનની શાંતિ મળે છે. આપણે થાકી જઈએ છીએ એટલે, સાંજે મંડળની સભામાં જવા આપણે વધારે પ્રયત્નો કરવા પડે છે. પણ સભામાંથી ઘરે પાછા આવીએ ત્યારે, મોટા ભાગે આપણા મનમાં ખુશી અને તાજગી હોય છે. ખુશખબર ફેલાવવા અને બાઇબલનો જાતે અભ્યાસ કરવા તનતોડ મહેનત કરીએ છીએ ત્યારે પણ, એવું જ અનુભવીએ છીએ. એનાથી જે ફાયદો થાય છે, એની સામે તો આપણે કરેલી મહેનત કંઈ જ નથી! w૧૯.૦૯ ૨૦ ¶૧; ૨૩-૨૪ ¶૧૫-૧૬
રવિવાર, જુલાઈ ૧૮
“રાત્રે ચોર આવે છે એવી જ રીતે યહોવાનો દિવસ આવી રહ્યો છે.”—૧ થેસ્સા. ૫:૨.
“યહોવાનો દિવસ” શરૂ થવાને હવે થોડો જ સમય બાકી છે. એટલે તે ચાહે છે કે આપણે ખુશખબર ફેલાવવાના કામમાં મંડ્યા રહીએ. આપણી પાસે ‘પ્રભુની સેવામાં પુષ્કળ કામ હોય,’ એનું ધ્યાન રાખીએ. (૧ કોરીં. ૧૫:૫૮) એ કામ વિશે ઈસુએ પહેલેથી જણાવ્યું હતું. છેલ્લા દિવસોમાં થનારી મહત્ત્વની બાબતો વિશે જણાવતી વખતે તેમણે કહ્યું હતું: “બધા દેશોમાં પહેલા ખુશખબરનો પ્રચાર થાય એ જરૂરી છે.” (માર્ક ૧૩:૪, ૮, ૧૦; માથ. ૨૪:૧૪) જરા વિચારો, ખુશખબર ફેલાવવાનું કામ કરીને તમે એ ભવિષ્યવાણી પૂરી કરવામાં ભાગ ભજવી રહ્યા છો! દર વર્ષે વધારે ને વધારે લોકો ખુશખબર સાંભળે છે. આ છેલ્લા દિવસોમાં દુનિયા ફરતે પ્રકાશકોની સંખ્યા વધી રહી છે. ૧૯૧૪માં ૪૩ દેશોમાં ૫,૧૫૫ પ્રકાશકો હતા. આજે ૨૪૦ દેશોમાં આશરે ૮૫ લાખ પ્રકાશકો છે! એટલેથી આપણું કામ પૂરું થતું નથી. આપણે લોકોને જણાવતા રહેવું જોઈએ કે ફક્ત ઈશ્વરનું રાજ્ય જ મનુષ્યોની તકલીફો દૂર કરી શકે છે.—ગીત. ૧૪૫:૧૧-૧૩. w૧૯.૧૦ ૯ ¶૩; ૧૦ ¶૭-૮
સોમવાર, જુલાઈ ૧૯
“ઈશ્વર તમને દરેક રીતે આશીર્વાદ આપે છે, જેથી તમે દરેક રીતે ઉદારતાથી આપી શકો અને અમારા કાર્ય દ્વારા ઈશ્વરનો આભાર માનવામાં આવે.”—૨ કોરીં. ૯:૧૧.
યહોવાએ રાજા દાઊદને મદદ કરવા બાર્ઝિલ્લાયનો ઉપયોગ કર્યો હતો. આબ્શાલોમથી બચવા દાઊદ અને તેમના લોકો નાસી રહ્યા હતા. તેઓ “ભૂખ્યા, થાકેલા તથા તરસ્યા” હતા. એ સમયે બાર્ઝિલ્લાય ઘણા વૃદ્ધ હતા. બાર્ઝિલ્લાય અને બીજા લોકોએ જીવના જોખમે દાઊદ અને તેમના લોકોને જરૂરી મદદ પૂરી પાડી. બાર્ઝિલ્લાયે એવું વિચાર્યું નહિ કે પોતે ઘરડા થઈ ગયા હોવાથી યહોવા તેમનો ઉપયોગ નહિ કરે. એને બદલે, તેમણે ઉદારતાથી પોતાની પાસે જે કંઈ હતું એમાંથી ઈશ્વરભક્તોની મદદ કરી. (૨ શમૂ. ૧૭:૨૭-૨૯) એમાંથી આપણે શું શીખી શકીએ? ભલે આપણે ગમે એ ઉંમરના હોઈએ, યહોવા આપણો ઉપયોગ કરી શકે છે. નજીકમાં રહેતાં કે પછી બીજા દેશમાં રહેતાં ભાઈ-બહેનોની જરૂરિયાતો પૂરી પાડવા યહોવા આપણો ઉપયોગ કરી શકે છે. (નીતિ. ૩:૨૭, ૨૮; ૧૯:૧૭) આપણે કદાચ જાતે જઈને તેઓને મદદ કરી શકતા નથી. પણ જગતવ્યાપી કાર્ય માટે આપણે દાન આપી શકીએ છીએ. એનાથી ભાઈ-બહેનોને જરૂરી મદદ મળે છે.—૨ કોરીં. ૮:૧૪, ૧૫. w૧૯.૧૦ ૨૧ ¶૬
મંગળવાર, જુલાઈ ૨૦
“જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકશાન વહોરે છે; પરંતુ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે.”—નીતિ. ૧૮:૨૪.
બની શકે કે, કોઈએ અગાઉ દુઃખ પહોંચાડ્યું હોવાથી આપણને માઠું લાગ્યું છે. હવે આપણને બીજાઓ સાથે દિલ ખોલીને વાત કરવી અઘરું લાગે છે. (નીતિ. ૧૮:૧૯) કે પછી આપણને લાગે કે આપણી પાસે એટલાં સમય-શક્તિ નથી કે પાકી મિત્રતા કેળવી શકીએ. પણ એવું નથી. આપણે પાકા મિત્રો બનાવી શકીએ છીએ. જો આપણે ચાહતા હોઈએ કે અઘરા સંજોગોમાં ભાઈ-બહેનોનો સાથ મળે તો શું કરવું જોઈએ? આપણે હમણાં તેઓની સાથે પાકી મિત્રતા કેળવવી જોઈએ. એની એક મહત્ત્વની રીત છે, તેઓને આપણા વિચારો જણાવીએ, આપણું દિલ ઠાલવીએ. (૧ પીત. ૧:૨૨) ઈસુએ કંઈ પણ છુપાવ્યા વગર દિલ ખોલીને મિત્રો સાથે વાત કરી હતી. આમ તેમણે બતાવ્યું કે પોતાના મિત્રો પર તેમને ભરોસો છે. (યોહા. ૧૫:૧૫) ઈસુની જેમ આપણે પણ મિત્રોને આપણાં સુખ-દુઃખ અને ચિંતાઓ વિશે જણાવી શકીએ. બીજાઓ પોતાની લાગણીઓ જણાવે ત્યારે ધ્યાનથી સાંભળીએ. આપણને જાણવા મળશે કે મિત્રનાં કેટલાંક વિચારો, લાગણીઓ અને ધ્યેયો આપણા જેવાં જ છે. જો તમે ખુલ્લા દિલથી બીજાઓ સાથે વાતચીત કરવા પહેલ કરશો તો, તમારી મિત્રતા પાકી થશે.—નીતિ. ૨૭:૯. w૧૯.૧૧ ૪ ¶૮-૯
બુધવાર, જુલાઈ ૨૧
“પ્રભુ યહોવા આમ કહે છે.”—હઝકી. ૨:૪.
મહાન વિપત્તિના સમયે આપણો સંદેશો કદાચ બદલાઈ જશે. અત્યારે આપણે રાજ્યની ખુશખબર ફેલાવીએ છીએ અને શિષ્યો બનાવવાનું કામ કરીએ છીએ. પણ એ સમયે કદાચ આપણે કડક ચેતવણી આપવી પડે. બાઇબલ એ ચેતવણીને મોટા કરા સાથે સરખાવે છે. (પ્રકટી. ૧૬:૨૧) જલદી જ શેતાનની દુનિયાનું નામનિશાન કાઢી નાખવામાં આવશે, એ વિશે આપણે લોકોને જણાવવું પડે. થોડા જ સમયમાં ખબર પડશે કે આપણે કયો સંદેશો આપીશું અને એ કઈ રીતે લોકોને જણાવીશું. શું એ જ રીતોનો ત્યારે ઉપયોગ કરીશું? કે પછી બીજી રીતોનો ઉપયોગ કરીશું? એ જાણવા આપણે રાહ જોવી પડશે. ભલે ગમે એ રીત હોય, પણ એવું લાગે છે કે યહોવાનો ન્યાયચુકાદો હિંમતથી જણાવવાનો આપણને લહાવો મળશે! (હઝકી. ૨:૩-૫) આપણા સંદેશાથી દુનિયાના લોકો એટલા ગુસ્સે ભરાશે કે, તેઓ એ કામ હંમેશ માટે બંધ કરાવવાનો પ્રયત્ન કરશે. જેમ આજે ખુશખબર ફેલાવવા યહોવા પર આધાર રાખીએ છીએ, તેમ ભાવિમાં પણ તેમના પર આધાર રાખવાની જરૂર પડશે. આપણને ખાતરી છે કે ઈશ્વર તેમની ઇચ્છા પૂરી કરવા આપણને ઘણી તાકાત આપશે.—મીખા. ૩:૮. w૧૯.૧૦ ૧૬ ¶૮-૯
ગુરુવાર, જુલાઈ ૨૨
“અમુક લોકો શ્રદ્ધામાંથી ભટકી ગયા છે.”—૧ તિમો. ૬:૧૦.
“શ્રદ્ધામાંથી ભટકી” જવાનો અર્થ થાય, જે વસ્તુઓની આપણને જરૂર નથી એ મેળવવામાં જ આપણું ધ્યાન લાગેલું હોય. એ પછી આપણા મનમાં “મૂર્ખ અને નુકસાન કરતી ઘણી લાલસાઓ” પેદા થઈ શકે. (૧ તિમો. ૬:૯) યાદ રાખીએ કે, એ લાલસાઓનો શેતાન આપણી સામે હથિયાર તરીકે ઉપયોગ કરે છે. એમ કરીને તે આપણી શ્રદ્ધા નબળી પાડવા માંગે છે. ધારો કે, આપણી પાસે એટલા પૈસા હોય, જેનાથી ઘણી ચીજવસ્તુઓ ખરીદી શકાય છે. આપણને કોઈ વસ્તુ ખરીદવાની ઇચ્છા છે પણ ખરેખર એની જરૂર નથી. શું એ ખરીદવું ખોટું કહેવાય? કદાચ દર વખતે એ ખોટું ન પણ હોય. પણ આ સવાલોનો વિચાર કરો: કોઈ વસ્તુ ખરીદવું આપણા હાથમાં હોય તોપણ શું આપણી પાસે એટલાં સમય-શક્તિ છે, કે એને વાપરી શકીએ અને સાચવી શકીએ? શું એવું બની શકે કે આપણી ચીજવસ્તુઓની આપણને વધુ પડતી માયા લાગી જાય? જો એવું થશે તો આપણે કોના જેવા બની જઈશું? ઈસુના સમયના એક માણસ જેવા. તેણે તો ઈશ્વરની સેવામાં વધારે કરવાના ઈસુના આમંત્રણનો નકાર કર્યો હતો. (માર્ક ૧૦:૧૭-૨૨) આપણા માટે સૌથી સારું તો એ છે કે, આપણે જીવન સાદું રાખીએ. તેમ જ, ઈશ્વરની ઇચ્છા પૂરી કરવામાં આપણાં કીમતી સમય-શક્તિ વાપરીએ. w૧૯.૧૧ ૧૭-૧૮ ¶૧૫-૧૬
શુક્રવાર, જુલાઈ ૨૩
“ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે.”—નીતિ. ૨૧:૫.
કામ કરવા શક્તિ મળે માટે પ્રાર્થના કરીએ. ઈશ્વર તમને “કામ પૂરું કરવાનું બળ” આપી શકે છે, જેનાથી તમે તમારા નિર્ણય પ્રમાણે કરી શકશો. (ફિલિ. ૨:૧૩) યહોવા પાસે પવિત્ર શક્તિ માંગો, જેથી તમને જરૂરી બળ પૂરું પાડે. તમને લાગે કે હજુ તમારી પ્રાર્થનાઓનો જવાબ મળ્યો નથી, તોપણ પ્રાર્થના કરતા રહો. ઈસુએ કહ્યું હતું: “માંગતા રહો અને તમને એ [પવિત્ર શક્તિ] આપવામાં આવશે.” (લુક ૧૧:૯, ૧૩) યોજના પણ બનાવીએ. જે કામ ઉપાડ્યું હોય એને પાર પાડવા યોજના બનાવવી જોઈએ. પછી એ પ્રમાણે કરવું જોઈએ. તમે નિર્ણય લો ત્યારે એ પૂરો કરવા જે જરૂરી પગલાં ભરવાં પડે, એનું લિસ્ટ બનાવો. જ્યારે કોઈ મોટું કામ કરવાનું હોય, તો એને નાના નાના ભાગમાં વહેંચી દો. એ નાના કામ કરતા જશો તેમ તમને ખબર પડશે કે કેટલું કામ પૂરું થયું છે. પ્રેરિત પાઊલે કોરીંથીઓને કહ્યું હતું કે દાન માટે પૈસા ભેગા કરવા તેમની રાહ ન જુએ. એના બદલે, “અઠવાડિયાના પહેલા દિવસે” દાન માટે પૈસા બાજુ પર મૂકી રાખે. (૧ કોરીં. ૧૬:૨) મોટા કામને નાના નાના કામમાં વહેંચી દેવાથી બીજો પણ એક ફાયદો થાય છે. તમને એવો વિચાર નહિ આવે કે તમે એ પૂરું નહિ કરી શકો. w૧૯.૧૧ ૨૯ ¶૧૩-૧૪
શનિવાર, જુલાઈ ૨૪
“તારું નામ જાણનારા તારા પર ભરોસો રાખશે; કેમ કે, હે યહોવા, તેં તારા શોધનારને તજ્યા નથી.”—ગીત. ૯:૧૦.
ધારો કે, એક વ્યક્તિ જાણતી હોય કે ઈશ્વરનું નામ યહોવા છે. તેમનાં કાર્યો કે વાતો વિશે પણ તે થોડું ઘણું જાણતી હોય. તો શું એનો અર્થ એવો થાય કે એ વ્યક્તિ યહોવાને ઓળખે છે? ના, એવું નથી. યહોવાને ઓળખવા માટે બીજી ઘણી બાબતોની જરૂર છે. આપણે યહોવા અને તેમના સુંદર ગુણો વિશે શીખવા સમય કાઢવો જોઈએ. એમ કરીશું તો જ તેમનાં કાર્યો અને વાતો વિશે સમજી શકીશું. એટલું જ નહિ, આપણે પારખી શકીશું કે યહોવાને આપણાં વિચારો અને કાર્યો ગમશે કે નહિ. યહોવા આપણી પાસેથી શું ચાહે છે, એ જાણ્યા પછી આપણે એ પ્રમાણે કરવું જોઈએ. આપણે યહોવાની ભક્તિ કરવા માંગીએ છીએ, એટલે અમુક લોકો કદાચ આપણી મજાક ઉડાવે. આપણે સભાઓમાં જવાનું શરૂ કરીએ તો, તેઓ કદાચ આપણો વધારે વિરોધ કરે. જો યહોવામાં ભરોસો રાખીશું, તો તે ક્યારેય આપણને છોડશે નહિ. એવો ભરોસો તો ઈશ્વર સાથે કાયમ માટેનો સંબંધ કેળવવાનું પહેલું પગથિયું છે. શું આપણે યહોવાને સારી રીતે ઓળખી શકીશું? હા, ચોક્કસ. w૧૯.૧૨ ૧૬-૧૭ ¶૩-૪
રવિવાર, જુલાઈ ૨૫
“છોકરાં તો યહોવાનું આપેલું ધન છે.”—ગીત. ૧૨૭:૩.
બાળકોને શીખવવું અમુક વાર માબાપને ઘણું અઘરું લાગે છે. પણ બાળકો તો યહોવાએ આપેલી ભેટ છે. યહોવા હંમેશાં મદદ કરવા તૈયાર છે. માબાપની પ્રાર્થના સાંભળવા તે આતુર છે. તે કઈ રીતે પ્રાર્થનાઓનો જવાબ આપે છે? બાઇબલ, સાહિત્ય અને અનુભવી ભાઈ-બહેનોનાં દાખલા અને સલાહથી તે જવાબ આપે છે. એવું કહેવાય છે કે, બાળકોનો ઉછેર કરવો એ તો ૨૦ વર્ષની યોજના છે. પરંતુ, માબાપ તો હંમેશાં માબાપ જ રહેવાનાં. તેઓ બાળકોને સૌથી સારી બાબતો પૂરી પાડે છે. એમાં પ્રેમ, સમય અને બાઇબલ આધારિત તાલીમ આવી જાય છે. તાલીમની દરેક બાળક પર અલગ અલગ અસર થાય છે. ઘણાં ભાઈ-બહેનોનો ઉછેર યહોવાના સાક્ષીઓના ઘરમાં થયો છે. તેઓને પણ એશિયામાં રહેતી જોયેના-મે જેવું લાગે છે. તે કહે છે: ‘હું મારા માબાપનો આભાર માનું છું. તેઓએ મને શિસ્ત આપી અને યહોવાને પ્રેમ કરવાનું શીખવ્યું એની હું કદર કરું છું. તેઓએ મને જીવન જ નહિ, જીવન જીવવાનો હેતુ પણ આપ્યો છે.’ (નીતિ. ૨૩:૨૪, ૨૫) લાખો ભાઈ-બહેનોને એવું જ લાગે છે. w૧૯.૧૨ ૨૭ ¶૨૧-૨૨
સોમવાર, જુલાઈ ૨૬
“ઈશ્વર પાસેથી મળેલા દિલાસા દ્વારા બીજાઓને દિલાસો આપી શકીએ, પછી ભલે તેઓ કોઈ પણ પ્રકારની કસોટીમાં હોય.”—૨ કોરીં. ૧:૪.
એવાં ઘણાં ભાઈ-બહેનો હશે, જેઓને દિલાસાની જરૂર છે. અમુક વાર આપણે બીજાઓને દિલાસો આપતા અચકાઈએ છીએ. બની શકે કે કોઈ બહુ દુઃખી હોય અને તેઓને શું કહેવું કે કરવું એ આપણને ન સૂઝે. જ્યારે બીજાઓને અહેસાસ થશે કે આપણને તેઓની ચિંતા છે ત્યારે તેઓને દિલાસો મળશે. શેતાનની દુનિયાનો અંત નજીક આવતો જાય તેમ સંજોગો વધારે ને વધારે ખરાબ થતા જશે. જીવન ઘણું અઘરું થઈ જશે. (૨ તિમો. ૩:૧૩) આપણે પાપી છીએ એટલે આપણાથી ભૂલો થશે અને તકલીફો પણ આવશે. એટલે આપણને દિલાસાની જરૂર પડતી રહેશે. પ્રેરિત પાઊલને તેમના સાથી ભાઈઓએ દિલાસો આપ્યો હતો. એના લીધે પાઊલ જીવનની છેલ્લી ઘડી સુધી યહોવાને વફાદાર રહી શક્યા. તો પછી ચાલો આપણે અરિસ્તાર્ખસની જેમ વફાદાર મિત્ર બનીએ, તુખિકસ જેવા ભરોસાપાત્ર સાથી બનીએ અને માર્કની જેમ બીજાઓને મદદ કરવા તૈયાર રહીએ. આમ, ભાઈ-બહેનો પૂરા દિલથી યહોવાની સેવા કરી શકશે.—૧ થેસ્સા. ૩:૨, ૩. w૨૦.૦૧ ૧૨-૧૩ ¶૧૭-૧૯
મંગળવાર, જુલાઈ ૨૭
“જેઓ પોતાને પ્રેરિતો કહેવડાવે છે, તેઓની તું પરીક્ષા કરે છે.”—પ્રકટી. ૨:૨.
અભિષિક્તો કદી એવું ચાહતા નથી કે લોકો તેઓને ખાસ ગણે. (ફિલિ. ૨:૨, ૩) તેઓ જાણે છે કે યહોવાએ તેઓને અભિષિક્ત કર્યા ત્યારે, બધા લોકોને એની જાહેરાત કરી ન હતી. એટલે તેઓ અભિષિક્ત થયા છે, એ વાત બીજાઓને ગળે ન ઉતરે તો તેઓને નવાઈ લાગતી નથી. તેઓને ખબર છે કે બાઇબલમાં એ વિશે સારી સલાહ આપી છે. એમાં જણાવ્યું છે, જો કોઈ કહે કે પોતાને ઈશ્વર તરફથી ખાસ જવાબદારી મળી છે તો તરત માની લેવું નહિ. એક અભિષિક્ત વ્યક્તિ કોઈને પહેલી વાર મળે તો ઢંઢેરો નહિ પીટે કે પોતે અભિષિક્ત છે. આમ તે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચશે નહિ કે બડાઈ હાંકશે નહિ. (૧ કોરીં. ૪:૭, ૮) અભિષિક્તો બીજા અભિષિક્તોને શોધીને પોતાનો અભિષિક્ત થવાનો અનુભવ જણાવવા બેસી નહિ જાય. કે પછી તેઓ બીજા અભિષિક્તો સાથે ગ્રૂપ બનાવીને બાઇબલની ચર્ચા કરવા લાગી નહિ જાય. (ગલા. ૧:૧૫-૧૭) જો અભિષિક્તો એવું કંઈ કરે તો મંડળમાં સંપ રહેશે નહિ. એમ કરીને તો તેઓ પવિત્ર શક્તિની વિરુદ્ધ જશે. પવિત્ર શક્તિથી ઈશ્વરના લોકોને સુલેહ-શાંતિ રાખવા મદદ મળે છે.—રોમ. ૧૬:૧૭, ૧૮. w૨૦.૦૧ ૨૮ ¶૬-૭
બુધવાર, જુલાઈ ૨૮
“આ બાબતો બનવાની શરૂ થાય તેમ, માથાં ઊંચાં કરીને સીધા ઊભા રહો, કારણ કે તમારો ઉદ્ધાર નજીક આવી રહ્યો છે.”—લુક ૨૧:૨૮.
મહાન વિપત્તિ દરમિયાન જેઓના ધર્મોનો નાશ થશે, તેઓ ગુસ્સાથી લાલપીળા થઈ જશે. યહોવાના સાક્ષીઓના ધર્મનો નાશ થયો નથી, એ વાત તેઓને આંખમાં કણાની જેમ ખૂંચશે. તેઓ ઇન્ટરનેટ જેવા માધ્યમોથી પોતાનો ગુસ્સો ઠાલવશે. આપણા ધર્મનો નાશ થશે નહિ, એટલે શેતાન અને એની દુનિયા આપણો ધિક્કાર કરશે. ધરતી પરથી બધા ધર્મોનો વિનાશ કરવાનો તેઓનો હેતુ પૂરો થશે નહિ. એટલે એ બધાનું ધ્યાન આપણા પર હશે. એ સમયે દેશોનો સમૂહ માગોગનો ગોગ બનશે. તેઓ ભેગા મળીને યહોવાના લોકો પર હુમલો કરવા બધી તાકાત લગાવી દેશે. (હઝકી. ૩૮:૨, ૧૪-૧૬) મહાન વિપત્તિ દરમિયાન જે બનશે, એ વિશે આપણી પાસે બધી માહિતી નથી. એટલે કદાચ આપણે ચિંતાના વાદળોમાં ઘેરાય જઈએ. પણ એક વાતની ખાતરી છે કે યહોવા આપણને જીવન બચાવવા માર્ગદર્શન આપશે. એટલે આપણે મહાન વિપત્તિથી ડરવાની જરૂર નથી.—ગીત. ૩૪:૧૯. w૧૯.૧૦ ૧૬-૧૭ ¶૧૦-૧૧
ગુરુવાર, જુલાઈ ૨૯
‘હે યહોવા મારા ઈશ્વર, તારાં આશ્ચર્યકારક કાર્યો, તથા અમારા સંબંધી તારા વિચારો કેટલાં બધાં છે.’—ગીત. ૪૦:૫.
આપણે દિલથી યહોવાનો આભાર માનીએ એટલું જ પૂરતું નથી. આપણાં વાણી-વર્તનથી બતાવી આપીએ કે આપણે યહોવાના કેટલા આભારી છીએ. એનાથી આપણે દુનિયાના લોકોથી અલગ તરી આવીએ છીએ. આજે લોકો ઈશ્વરે કરેલાં કામોની જરાય કદર કરતા નથી. એ તો ‘છેલ્લા દિવસોની’ નિશાની છે. (૨ તિમો. ૩:૧, ૨) આપણે એવું ક્યારેય નહિ કરીએ! યહોવા ચાહે છે કે તેમનાં બાળકો એકબીજા સાથે સંપીને રહે. સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે. (યોહા. ૧૩:૩૫) આપણે પણ આ ગીતના લેખકની જેમ માનીએ છીએ: “ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!” (ગીત. ૧૩૩:૧) ભાઈ-બહેનોને પ્રેમ કરીને બતાવીએ છીએ કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ. (૧ યોહા. ૪:૨૦) આપણે એવા કુટુંબનો ભાગ છીએ, જ્યાં ભાઈ-બહેનો “એકબીજા પ્રત્યે માયાળુ અને કૃપાળુ” છે. એ જાણીને આપણને કેટલી ખુશી થાય છે!—એફે. ૪: ૩૨. w૨૦.૦૨ ૯ ¶૬-૭
શુક્રવાર, જુલાઈ ૩૦
‘યહોવાએ હાન્ના પર કૃપા કરી.’—૧ શમૂ. ૨:૨૧.
હાન્નાની મુશ્કેલીઓ કંઈ તરત જ દૂર થઈ ન હતી. તેણે પનિન્ના સાથે એક જ ઘરમાં રહેવું પડ્યું હતું. બાઇબલમાં જણાવ્યું નથી કે પનિન્નાનો સ્વભાવ બદલાઈ ગયો હતો. એટલે હાન્નાનું દિલ પનિન્નાના શબ્દોથી દુભાતું તો હશે, પણ હાન્નાનું મન શાંત થઈ ગયું હતું. બાબતોને યહોવાના હાથમાં સોંપ્યા પછી હાન્નાએ ચિંતા કરવાનું છોડી દીધું. તેણે યહોવા પાસેથી દિલાસો અને મનની શાંતિ મેળવી. થોડા સમય પછી, યહોવાએ હાન્નાની પ્રાર્થનાનો જવાબ આપ્યો, તેને બાળકો થયાં! (૧ શમૂ. ૧:૨, ૬, ૭, ૧૭-૨૦) ચિંતા હોય તોપણ મનની શાંતિ પાછી મેળવી શકાય છે. આપણે નિયમિત પ્રાર્થના કરીએ અને સભામાં જઈએ છતાં અમુક મુશ્કેલીઓ તો રહેવાની. પણ હાન્નાના દાખલા પરથી શીખવા મળે છે કે યહોવા આપણું મન શાંત રાખવા મદદ કરશે. દુનિયાની કોઈ તાકાત તેમને એમ કરતા રોકી શકશે નહિ. યહોવા આપણને ક્યારેય ભૂલશે નહિ. આજે નહિ તો કાલે તે આપણી વફાદારીનું ઇનામ ચોક્કસ આપશે.—હિબ્રૂ. ૧૧:૬. w૨૦.૦૨ ૨૨ ¶૯-૧૦
શનિવાર, જુલાઈ ૩૧
“જ્ઞાની પુરુષને શિક્ષણ આપ, એટલે તે વધારે જ્ઞાની થશે.”—નીતિ. ૯:૯.
બીજાઓને બાઇબલ સિદ્ધાંતો જણાવવામાં વડીલો ક્યારેય અચકાતા નથી. એ સિદ્ધાંતોની મદદથી વ્યક્તિ પોતાના વિચારો સુધારી શકે છે. જરૂર પડે ત્યારે વાત કરવી કેમ મહત્ત્વનું છે? ચાલો એલીનો દાખલો તપાસીએ. પ્રમુખ યાજક એલીના બે દીકરા હતા, જે તેમને ખૂબ વહાલા હતા. પણ એ દીકરાઓને યહોવા માટે આદર ન હતો. તેઓ પાસે મહત્ત્વની પદવી હતી. તેઓ મુલાકાતમંડપમાં યાજકો તરીકે સેવા આપતા હતા. પણ તેઓ પોતાના અધિકારનો ખોટો ઉપયોગ કરતા, યહોવાને ચઢાવવામાં આવતાં અર્પણોનું અપમાન કરતા અને વ્યભિચાર જેવાં ગંદાં કામો કરતા. (૧ શમૂ. ૨:૧૨-૧૭, ૨૨) મુસાના નિયમ પ્રમાણે તો એલીના દીકરાઓને મરણની સજા થવી જોઈતી હતી. પણ એલીએ તેઓને ફક્ત ધમકાવ્યા. એલીએ તેઓ પાસેથી મંડપમાં સેવા આપવાની જવાબદારી લઈ લેવી જોઈતી હતી, પણ તેમણે એમ કર્યું નહિ. (પુન. ૨૧:૧૮-૨૧) એલીએ જે કર્યું એનાથી યહોવાને કેવું લાગ્યું? તેમણે એલીને કહ્યું: “તું મારા કરતાં તારા દીકરાઓનું માન કેમ વધારે રાખે છે?” યહોવાએ એ બંને દીકરાઓને મોતની સજા આપી.—૧ શમૂ. ૨:૨૯, ૩૪. w૨૦.૦૩ ૧૯ ¶૪-૫