વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es21 પાન ૭૧-૮૪
  • જૂન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૧
  • મથાળાં
  • મંગળવાર, જૂન ૧
  • બુધવાર, જૂન ૨
  • ગુરુવાર, જૂન ૩
  • શુક્રવાર, જૂન ૪
  • શનિવાર, જૂન ૫
  • રવિવાર, જૂન ૬
  • સોમવાર, જૂન ૭
  • મંગળવાર, જૂન ૮
  • બુધવાર, જૂન ૯
  • ગુરુવાર, જૂન ૧૦
  • શુક્રવાર, જૂન ૧૧
  • શનિવાર, જૂન ૧૨
  • રવિવાર, જૂન ૧૩
  • સોમવાર, જૂન ૧૪
  • મંગળવાર, જૂન ૧૫
  • બુધવાર, જૂન ૧૬
  • ગુરુવાર, જૂન ૧૭
  • શુક્રવાર, જૂન ૧૮
  • શનિવાર, જૂન ૧૯
  • રવિવાર, જૂન ૨૦
  • સોમવાર, જૂન ૨૧
  • મંગળવાર, જૂન ૨૨
  • બુધવાર, જૂન ૨૩
  • ગુરુવાર, જૂન ૨૪
  • શુક્રવાર, જૂન ૨૫
  • શનિવાર, જૂન ૨૬
  • રવિવાર, જૂન ૨૭
  • સોમવાર, જૂન ૨૮
  • મંગળવાર, જૂન ૨૯
  • બુધવાર, જૂન ૩૦
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૧
es21 પાન ૭૧-૮૪

જૂન

મંગળવાર, જૂન ૧

“તેને ખીજવવા માટે તેની શોક્ય તેને બહુ ચીડવતી હતી.”—૧ શમૂ. ૧:૬.

શમુએલ પ્રબોધકની માતા હાન્‍નાએ અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણાં વર્ષો સુધી તેને બાળકો થતાં ન હતાં. (૧ શમૂ. ૧:૨) ઇઝરાયેલી સમાજમાં વાંઝણી સ્ત્રી માટે કહેવાતું કે ઈશ્વરે તેને શાપ આપ્યો છે. એટલે હાન્‍નાને ઘણી શરમ લાગતી. (ઉત. ૩૦:૧, ૨) અધૂરામાં પૂરું, તેના પતિની બીજી પત્ની પનિન્‍નાને બાળકો હતાં. અને હાન્‍નાને બહુ ચીડવતી હતી. હાન્‍ના એ અઘરા સંજોગોનો સામનો કરી શકતી ન હતી. તે એટલી ઉદાસ રહેતી કે “રડતી, ને ખાતી નહિ” અને ‘તેનું દિલ બહુ દુઃખી રહેતું.’ (૧ શમૂ. ૧:૭, ૧૦) હાન્‍નાને કઈ રીતે દિલાસો મળ્યો? હાન્‍નાએ પ્રાર્થનામાં યહોવા આગળ પોતાનું દિલ ઠાલવ્યું. પ્રાર્થના કર્યા પછી, તેણે પ્રમુખ યાજક એલીને પોતાના સંજોગો વિશે જણાવ્યું. એલીએ કહ્યું: ‘શાંતિએ જા, તેં ઇઝરાયેલના ઈશ્વરની આગળ જે વિનંતી કરી છે, એ તે પૂરી કરે.’ એનું કેવું પરિણામ આવ્યું? હાન્‍ના ‘ત્યાંથી ચાલી ગઈ, અને તેણે ખાધું, ને ત્યાર પછી તેનું મુખ ઉદાસ રહ્યું નહિ.’ (૧ શમૂ. ૧:૧૭, ૧૮) પ્રાર્થનાથી હાન્‍નાને મનની શાંતિ પાછી મળી. w૨૦.૦૨ ૨૧ ¶૪-૫

બુધવાર, જૂન ૨

“જેમ મીઠું ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે, તેમ સાંભળનારને પસંદ પડે એવા માયાળુ શબ્દો બોલો, જેથી દરેકને કઈ રીતે જવાબ આપવો એ તમે જાણી શકો.”—કોલો. ૪:૬.

જલદી જ યહોવા આ દુષ્ટ દુનિયાનો નાશ કરવાના છે. “હંમેશ માટેનું જીવન આપતું સત્ય સ્વીકારવા તરફ જેઓનું હૃદય ઢળેલું” હશે, એવા લોકો જ બચશે. (પ્રે.કા. ૧૩:૪૮) આપણે જેઓને ઓળખતા પણ નથી, તેઓને ખુશખબર જણાવવા સમય-શક્તિ આપીએ છીએ. તો પછી સગાઓને ખુશખબર જણાવવા આપણે ચોક્કસ મહેનત કરીશું, ખરું ને! આપણા પ્રેમાળ પિતા યહોવા ‘ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.’ (૨ પીત. ૩:૯) યાદ રાખીએ, જો ખુશખબર જણાવવાની રીત બરાબર ન હોય, તો વ્યક્તિ કદાચ નહિ સાંભળે. ખુશખબર જણાવતી વખતે અજાણી વ્યક્તિ સાથે આપણે સમજી-વિચારીને વાત કરતા હોઈએ, પણ સગાઓ સાથે એ રીતે વાત કરતા ન હોઈએ. કદાચ આપણે સીધેસીધું જણાવી દેતા હોઈએ. અમુક ભાઈ-બહેનોને અફસોસ થતો હશે કે, ‘સગાને ખુશખબર જણાવવા મેં પહેલી વાર પ્રયત્ન કર્યો ત્યારે, મારી રીત બરાબર ન હતી. મારે બીજી રીતે વાત કરવી જોઈતી હતી.’ સગાઓ સાથે વાત કરવાના હોઈએ ત્યારે, આજની કલમમાં બતાવેલી પ્રેરિત પાઊલની એ સલાહ યાદ રાખીએ. જો એવું નહિ કરીએ, તો સત્યની નજીક લાવવાને બદલે, આપણે જ તેઓને સત્યથી દૂર કરી દઈશું. w૧૯.૦૮ ૧૪-૧૫ ¶૩-૫

ગુરુવાર, જૂન ૩

‘ખ્રિસ્તે તમારા માટે નમૂનો પૂરો પાડ્યો, જેથી તમે તેમના પગલે ચાલો.’—૧ પીત. ૨:૨૧.

યહોવાના દીકરા વિશે સત્ય શીખ્યા ત્યારે તમને કેવું લાગ્યું હતું? આખા વિશ્વમાં યહોવા પછી ઈસુ સૌથી મહાન વ્યક્તિ છે. આપણા માટે તેમણે ખુશી ખુશી પોતાનો જીવ આપી દીધો. જ્યારે આપણાં કાર્યોથી બતાવીશું કે ઈસુના બલિદાન પર શ્રદ્ધા રાખીએ છીએ, ત્યારે પાપોની માફી મેળવી શકીશું. એટલું જ નહિ, ઈશ્વર સાથે ગાઢ સંબંધ કેળવી શકીશું અને હંમેશ માટેનું જીવન મેળવી શકીશું. (યોહા. ૩:૧૬) ઈસુ આપણા પ્રમુખ યાજક છે. તે ચાહે છે કે આપણે તેમના બલિદાનમાં શ્રદ્ધા મૂકીએ અને યહોવા સાથે ગાઢ સંબંધ કેળવીએ. (હિબ્રૂ. ૪:૧૫; ૭:૨૪, ૨૫) ઈશ્વરના રાજ્યના રાજા ઈસુ છે. તેમના દ્વારા યહોવા પોતાનું નામ પવિત્ર કરશે, દુષ્ટતા દૂર કરશે અને બાગ જેવી પૃથ્વી પર હંમેશ માટેના આશીર્વાદો આપશે. (માથ. ૬:૯, ૧૦; પ્રકટી. ૧૧:૧૫) ઈસુએ આપણા માટે દાખલો બેસાડ્યો છે. તેમણે જીવનમાં હંમેશા યહોવાની ઇચ્છા પૂરી કરી છે. એમ કરીને તેમણે આપણા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. (યોહા. ૪:૩૪) બાઇબલ ઈસુ વિશે જે જણાવે છે એ સ્વીકારીને આપણે ઈસુ માટે પ્રેમ કેળવી શકીએ છીએ. એ પ્રેમને લીધે તમને પણ ઈસુની જેમ યહોવાની ઇચ્છા પૂરી કરવાનું મન થશે. w૨૦.૦૩ ૧૦ ¶૧૨-૧૩

શુક્રવાર, જૂન ૪

“સતત પ્રાર્થના કરતા રહો.”—૧ થેસ્સા. ૫:૧૭.

પૃથ્વી પરના છેલ્લા દિવસે ઈસુએ ઘણી વાર પ્રાર્થના કરી હતી. પોતાના મરણને યાદ કરવા વિશે જણાવ્યું ત્યારે પણ તેમણે રોટલી અને દ્રાક્ષદારૂ પર પ્રાર્થના કરી હતી. (૧ કોરીં. ૧૧:૨૩-૨૫) ત્યાંથી નીકળતા પહેલાં ઈસુએ શિષ્યો સાથે પ્રાર્થના કરી હતી. (યોહા. ૧૭:૧-૨૬) ઈસુ પોતાના શિષ્યો સાથે એ રાતે જૈતૂન પહાડ પર ગયા ત્યારે તેમણે વારંવાર પ્રાર્થના કરી. (માથ. ૨૬:૩૬-૩૯, ૪૨, ૪૪) તેમના છેલ્લા શબ્દો પણ ઈશ્વરને કરેલી પ્રાર્થના જ હતી. (લુક ૨૩:૪૬) એ દિવસે બનેલી મોટી મોટી ઘટનાઓ વિશે ઈસુએ યહોવાને પ્રાર્થના કરી હતી. ઈસુ કસોટીઓનો સામનો કરી શક્યા એનું એક કારણ છે કે, તેમણે ઘણી વાર પ્રાર્થનામાં પિતા પાસે મદદ માંગી હતી. પણ પ્રેરિતો પ્રાર્થનામાં લાગુ રહ્યા ન હતા. એટલે કસોટી આવી ત્યારે તેઓ હિંમત હારી ગયા. (માથ. ૨૬:૪૦, ૪૧, ૪૩, ૪૫, ૫૬) કસોટીમાં આપણે ઈસુને પગલે ચાલવું જોઈએ અને ‘પ્રાર્થના કરતા રહેવું’ જોઈએ. એમ કરીશું તો આપણે વફાદાર રહી શકીશું. w૧૯.૦૪ ૯ ¶૪-૫

શનિવાર, જૂન ૫

‘હું યહોવા છું અને ક્યારેય બદલાતો નથી.’—માલા. ૩:૬, IBSI.

યહોવા મેલીવિદ્યાને ધિક્કારે છે. તેમણે ઇઝરાયેલીઓને આજ્ઞા આપી હતી: ‘તમારામાં એવો કોઈ માણસ હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્‍નિમાં ચલાવતો હોય, કે જોષ જોતો હોય, કે શુકન જોતો હોય, કે જંતરમંતર કરનાર, કે જાદુગર, કે મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, કે ઈલમી, કે ભૂવો હોય. કેમ કે જે કોઈ એવાં કામ કરે છે, તેનાથી યહોવા કંટાળે છે.’ (પુન. ૧૮:૧૦-૧૨) ઇઝરાયેલીઓને આપવામાં આવેલું નિયમશાસ્ત્ર આજે આપણને લાગુ પડતું નથી. પણ આપણે જાણીએ છીએ કે આજેય યહોવાને મેલીવિદ્યાનાં કામો જરાય પસંદ નથી. શેતાન મેલીવિદ્યાનો ઉપયોગ કરીને લોકોને નુકસાન પહોંચાડે છે. એટલે યહોવા આપણને એ વિશે ચેતવે છે. મેલીવિદ્યા દ્વારા શેતાન જૂઠાણું ફેલાવે છે. એમાંનું એક જૂઠાણું છે, મરણ પછી વ્યક્તિનો આત્મા બીજે ક્યાંક જાય છે. (સભા. ૯:૫) લોકોને ડરાવવા અને યહોવાથી દૂર રાખવા શેતાન મેલીવિદ્યાનો ઉપયોગ કરે છે. તે એવું ચાહે છે કે લોકો યહોવાને બદલે દુષ્ટ દૂતો પર ભરોસો રાખે. w૧૯.૦૪ ૨૧ ¶૫-૬

રવિવાર, જૂન ૬

“જો તું ખરાબ કરતો હોય તો ડર રાખ.”—રોમ. ૧૩:૪.

બાળકોનું શોષણ એ ગંભીર પાપ કહેવાય. જાતીય શોષણથી બાળક હચમચી જાય છે. એવું કામ કરનાર વ્યક્તિ બાળકનો ભરોસો તોડે છે. બાળકમાં ડરની લાગણી ઘર કરી જાય છે. આપણે બાળકોનું રક્ષણ કરવું જોઈએ. એનો ભોગ બનનારને દિલાસો અને મદદ આપવાં જોઈએ. (૧ થેસ્સા. ૫:૧૪) મંડળની કોઈ વ્યક્તિ બાળકનું શોષણ કરે તો એનાથી મંડળનું નામ બદનામ થાય છે. (માથ. ૫:૧૬; ૧ પીત. ૨:૧૨) પસ્તાવો ન કરનાર અને મંડળનું નામ બદનામ કરનાર વ્યક્તિ માટે મંડળમાં કોઈ જગ્યા નથી. મંડળની કોઈ વ્યક્તિ ગુનો કરે, જેમ કે બાળકનું જાતીય શોષણ કરે તો તે કાયદો તોડે છે. (પ્રેરિતોનાં કાર્યો ૨૫:૮ સરખાવો.) સરકારના કાયદા-કાનૂન અમલ કરાવવાનું કામ વડીલોનું નથી. પણ, તેઓ એવા ગુનેગારને સજામાંથી બચાવવાનો પ્રયત્ન કરતા નથી. w૧૯.૦૫ ૯ ¶૪-૭

સોમવાર, જૂન ૭

“આ દુનિયાનું ડહાપણ ઈશ્વરની નજરે મૂર્ખતા છે.”—૧ કોરીં. ૩:૧૯.

યહોવા આપણને માર્ગદર્શન આપે છે. એટલે આપણે કોઈ પણ તકલીફનો સામનો કરી શકીએ છીએ. (યશા. ૩૦:૨૦, ૨૧) “એકદમ કુશળ” બનવા અને ‘દરેક સારા કામ માટે પૂરેપૂરા તૈયાર’ થવા બાઇબલમાંથી આપણને ખૂબ મદદ મળે છે. (૨ તિમો. ૩:૧૭) આજે લોકો આપણને ‘આ દુનિયાના ડહાપણ’ પ્રમાણે ચાલવાનું ઉત્તેજન આપે છે. પણ આપણે બાઇબલના શિક્ષણ પ્રમાણે ચાલવું જોઈએ. જો એમ કરીશું તો દુનિયાના લોકો કરતાં વધારે સમજુ બનીશું. (ગીત. ૧૧૯:૯૭-૧૦૦) દુઃખની વાત છે કે દુનિયાનું જ્ઞાન સ્વાર્થી ઇચ્છાઓ પૂરી કરવા લલચાવે છે. એટલે દુનિયાના લોકો જેવાં વિચારો અને કામોથી દૂર રહેવું અઘરું હોય છે. બાઇબલ જણાવે છે: ‘સાવધ રહો, કોઈ તમને ફિલસૂફી અને છેતરામણી વાતોથી ફસાવે નહિ. એ તો માણસોની માન્યતાઓ પ્રમાણે છે.’ (કોલો. ૨:૮) બાઇબલમાં છેલ્લા દિવસો વિશે જણાવ્યું છે કે લોકો “મોજશોખને પ્રેમ કરનારા” બનશે. (૨ તિમો. ૩:૪) એઇડ્‌સ જેવી સેક્સને લગતી બીમારીઓ પણ ફેલાય છે. આનાથી સાફ જોવા મળે છે કે દુનિયા જેને સારું ગણે છે, હકીકતમાં તો એ મૂર્ખતા છે.—૨ પીત. ૨:૧૯. w૧૯.૦૫ ૨૧ ¶૧-૨; ૨૨ ¶૪-૫

મંગળવાર, જૂન ૮

“શેતાનનાં કાવતરાં સામે દૃઢ ઊભા રહી શકો.”—એફે. ૬:૧૧.

શેતાને ઇઝરાયેલીઓના મનમાં ઠસાવ્યું કે જૂઠા ધર્મની વિધિઓ પાળવી જોઈએ. યહોવા પરથી અમુક લોકોની શ્રદ્ધા ઓછી થઈ ગઈ હતી. તેઓ માનતા કે દુકાળ ન આવે એ માટે એમ કરવું જ જોઈએ. એટલે તેઓ બઆલ દેવ માટે જૂઠી વિધિઓ કરવા લાગ્યા. શેતાને ઇઝરાયેલીઓના મનમાં જાતીય ઇચ્છાઓ ભડકાવી. બીજી પ્રજાના લોકો પોતાના દેવોની ભક્તિ કરવા વ્યભિચાર જેવાં ખરાબ કામો કરતા હતા. તેઓ મંદિરમાં વેશ્યા રાખતા હતા, જેમાં સ્ત્રી અને પુરુષ બંનેનો સમાવેશ થતો. અરે, તેઓ માનતા હતા કે સજાતીય કામો કે બીજાં ખરાબ કામો કરવામાં કંઈ જ ખોટું નથી! (પુન. ૨૩:૧૭, ૧૮; ૧ રાજા. ૧૪:૨૪) તેઓ માનતા કે આ બધાં કામ કરવાથી તેઓના દેવો ખુશ થશે અને મબલખ પાક આપશે. ઘણા ઇઝરાયેલીઓ એવાં કામ કરવાની લાલચમાં ફસાઈ ગયા. છેવટે તેઓ જૂઠા દેવોને ભજવા લાગ્યા. w૧૯.૦૬ ૩ ¶૩; ૪ ¶૭-૮

બુધવાર, જૂન ૯

“ઈશ્વર અન્યાયી નથી કે તે તમારાં કામોને અને પ્રેમને ભૂલી જાય. એ પ્રેમ જે તમે તેમના નામ માટે બતાવ્યો છે.”—હિબ્રૂ. ૬:૧૦.

બેથેલ કુટુંબનાં હજારો સભ્યોને અને બીજા કેટલાકને નવી સોંપણી મળી હતી. મનગમતી સોંપણી છોડવી એ વફાદાર ભાઈ-બહેનો માટે સહેલું ન હતું. જો તમે તેઓમાંના એક હોવ તો, એ ફેરફારનો સામનો કરવા તમને ક્યાંથી મદદ મળી શકે? યહોવાની નજીક રહેવા દરરોજ બાઇબલ વાંચતા રહેવું જોઈએ અને એના પર મનન કરતા રહેવું જોઈએ. અગાઉ મિશનરી તરીકે સેવા આપનાર ભાઈ કહે છે: ‘પોતાની સોંપણી દરમિયાન કરતા હતા, એ જ રીતે કુટુંબ તરીકેની ભક્તિ અને સભાની તૈયારી નિયમિત કરતા રહો.’ નવા મંડળમાં ખુશખબર ફેલાવવાના કામમાં બનતી બધી મહેનત કરો. વફાદારીથી યહોવાની ભક્તિ કરનારને યહોવા યાદ રાખે છે, ભલેને પછી એ વ્યક્તિ અગાઉ જેટલું ન કરી શકે. જીવન સાદું રાખો. ધ્યાન રાખજો કે આ દુનિયાની ચિંતાઓ તમને “દબાવી” ન દે. એની અસર યહોવાની ભક્તિ પર થઈ શકે. (માથ. ૧૩:૨૨) યહોવાને ભજતા ન હોય, એવાં મિત્રો અને સગાઓ આપણને ઘણી સલાહ આપે છે. તેઓ કહે છે, જિંદગી સારી રીતે જીવવા તમારે વધારે પૈસા કમાવવા જઈએ. એવા લોકોની સલાહ પર ધ્યાન આપશો નહિ. (૧ યોહા. ૨:૧૫-૧૭) યહોવામાં ભરોસો રાખો. તેમણે વચન આપ્યું છે કે, તે “ખરા સમયે” આપણી જરૂરિયાતો પૂરી કરશે. તે આપણને શ્રદ્ધા દૃઢ કરવા, મન શાંત રાખવા અને આપણી જરૂરિયાતો પૂરી કરવા મદદ કરશે.—હિબ્રૂ. ૪:૧૬; ૧૩:૫, ૬. w૧૯.૦૮ ૨૦ ¶૪; ૨૧-૨૨ ¶૭-૮

ગુરુવાર, જૂન ૧૦

“તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે.”—ગીત. ૫૫:૨૨.

શું તમારી ફરતે ચિંતાના વાદળો ઘેરાયા છે? યહોવા એલિયાની લાગણીઓ સમજતા હતા. આપણને ખાતરી મળે છે કે તે આપણી પણ ચિંતાઓ સમજે છે. તે જાણે છે કે કેટલીક બાબતો આપણા હાથ બહાર છે. આપણાં વિચારો અને લાગણીઓથી તે અજાણ નથી. (ગીત. ૧૦૩:૧૪; ૧૩૯:૩, ૪) ભલે તકલીફોને લીધે આપણા પર ચિંતાઓ આવી પડે, પણ યહોવા પર ભરોસો રાખીશું તો તે મદદ કરશે. ચિંતામાં હોઈએ ત્યારે નિરાશ કરનારા વિચારો આવે છે. એનાથી આપણી હિંમત તૂટી જાય. જો તમારી સાથે એવું થાય, તો યાદ રાખો કે એનો સામનો કરવા યહોવા તમને મદદ કરશે. તે કઈ રીતે મદદ કરશે? તે ચાહે છે કે તમે પોતાની લાગણીઓ તેમની આગળ ઠાલવો. તે તમારી અરજોને કાન ધરશે અને જવાબ આપશે. (ગીત. ૫:૩; ૧ પીત. ૫:૭) એટલે તકલીફો આવે ત્યારે યહોવા આગળ દિલ ઠાલવતા અચકાશો નહિ. આજે તે આપણી સાથે એ રીતે સીધેસીધી વાત કરતા નથી. પણ, તે આપણી સાથે બાઇબલ અને પોતાના સંગઠન દ્વારા વાત કરે છે. બાઇબલના પ્રસંગો વાંચવાથી તમને દિલાસો અને આશા મળશે. ભાઈ-બહેનો પણ તમને મદદ આપી શકે છે.—રોમ. ૧૫:૪; હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫. w૧૯.૦૬ ૧૬ ¶૭-૮

શુક્રવાર, જૂન ૧૧

“મારા નામને લીધે બધી પ્રજાઓ તમારો ધિક્કાર કરશે.”—માથ. ૨૪:૯.

સતાવણી થાય ત્યારે, પ્રાર્થનામાં યહોવા આગળ ‘તમારું દિલ પાણીની જેમ રેડી દો.’ તમારા પ્રેમાળ પિતાને તમારી બધી ચિંતાઓ અને ડર વિશે જણાવો. (યિ.વિ. ૨:૧૯) પ્રાર્થના કરતા જશો તેમ પોતાને યહોવાની નજીક મહેસૂસ કરશો! (રોમ. ૮:૩૮, ૩૯) ખાતરી રાખો કે ઈશ્વરના રાજ્યમાં ચોક્કસ આશીર્વાદો મળશે. (ગણ. ૨૩:૧૯) જો તમને પાકી ખાતરી નહિ હોય, તો શેતાન અને તેના લોકો તમને સહેલાઈથી ડરાવી દેશે. (નીતિ. ૨૪:૧૦; હિબ્રૂ. ૨:૧૫) એમ કરવા અત્યારથી જ સમય કાઢો. ઈશ્વરે પોતાના રાજ્ય વિશે જે વચનો આપ્યાં છે, એનો અભ્યાસ કરો. એ વચનો ચોક્કસ પૂરાં થશે એવી ખાતરી કઈ રીતે રાખી શકો, એનાં કારણો પર વિચાર કરો. એમ કરવાથી કેવો ફાયદો થશે? ચાલો સ્ટેનલી જોન્સનો અનુભવ જોઈએ. યહોવાને ભજતા હોવાથી તેમણે સાત વર્ષની કેદ ભોગવી હતી. તેમણે પૂરી વફાદારીથી એ કસોટી સહન કરી. એ વિશે તેમણે જણાવ્યું: ‘ઈશ્વરના રાજ્ય વિશે અને એનાથી મળનાર આશીર્વાદો વિશે મને પૂરી ખાતરી હતી. એ વિશે મને ક્યારેય શંકા થઈ નહિ. એટલે મારી શ્રદ્ધા અડગ હતી. કોઈ પણ મને યહોવાથી અલગ કરી શકે એમ ન હતું.’ જો તમને પણ યહોવાનાં વચનોમાં પૂરી શ્રદ્ધા હશે, તો ડરને લીધે તમે ક્યારેય યહોવાની ભક્તિ કરવાનું છોડશો નહિ.—નીતિ. ૩:૨૫, ૨૬. w૧૯.૦૭ ૨ ¶૧; ૩ ¶૬-૭

શનિવાર, જૂન ૧૨

“તમે જે કોઈ શહેર કે ગામમાં જાઓ ત્યાં તમને અને તમારા સંદેશાને આવકારવા કોણ યોગ્ય છે, એની તપાસ કરો અને ત્યાંથી નીકળતા સુધી તેને ત્યાં રહો.”—માથ. ૧૦:૧૧.

શિષ્યો બનાવવાનું કામ કેમ મહત્ત્વનું છે? કારણ કે ખ્રિસ્તના શિષ્યો જ યહોવા સાથે સારો સંબંધ કેળવી શકે છે. જેઓ ખ્રિસ્તના પગલે ચાલે છે, તેઓ હમણાં સારું જીવન જીવી શકે છે. વધુમાં, તેઓ પાસે આવનાર નવી દુનિયામાં હંમેશ માટે જીવવાની આશા છે. (યોહા. ૧૪:૬; ૧૭:૩) ઈસુએ આપણને ખરેખર મહત્ત્વની જવાબદારી સોંપી છે. જોકે, એ કામ આપણે એકલા હાથે કરતા નથી. પ્રેરિત પાઊલે પોતાના વિશે અને સાથીઓ વિશે લખ્યું હતું: “અમે ઈશ્વરના સાથી કામદારો છીએ.” (૧ કોરીં. ૩:૯) યહોવા અને ઈસુએ આપણા જેવા મામૂલી માણસોને કેટલો સરસ લહાવો આપ્યો છે! લોકોને ખ્રિસ્તના શિષ્યો બનવા મદદ કરીએ છીએ ત્યારે, આપણી ખુશીનો પાર રહેતો નથી. શિષ્યો બનાવવાના કામમાં આપણે સૌથી પહેલા કઈ બાબત કરવાની છે? જેઓ યહોવા વિશે શીખવા માંગે છે, તેઓની ‘તપાસ કરીએ’ એટલે કે તેઓને શોધીએ. બધા લોકોને સાક્ષી આપીને આપણે ખરેખર યહોવાના સાક્ષી સાબિત થઈએ છીએ. ખ્રિસ્તે આપેલી આજ્ઞા પાળીને આપણે ખરા અર્થમાં ખ્રિસ્તી બનીએ છીએ. w૧૯.૦૭ ૧૫ ¶૩-૫

રવિવાર, જૂન ૧૩

“જેમ દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે; પણ જ્ઞાનની ઉત્તમતા એ છે, કે તે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.”—સભા. ૭:૧૨.

બાઇબલમાં આપેલા સિદ્ધાંતો રોજબરોજના જીવનમાં પણ કામ આવે છે. એવા સિદ્ધાંતો લોકોને ખૂબ ગમે છે. ન્યૂ યૉર્કમાં એક બહેન મેન્ડરીન ભાષા બોલતા લોકોને ખુશખબર ફેલાવે છે. તે કહે છે: “હું લોકોમાં રસ લઉં છું અને તેઓની વાત સાંભળું છું. જેઓ આ દેશમાં નવા નવા રહેવા આવ્યા હોય તેઓને હું પૂછું છું: ‘નવી જગ્યાએ સેટ થઈ ગયા? શું તમને કામ મળ્યું? શું લોકો તમારી સાથે સારી રીતે વર્તે છે?’” એનાથી ઘણી વાર લોકો સાથે બાઇબલ વિશે વાત કરવાનો મોકો મળે છે. યોગ્ય લાગે ત્યારે બહેન આમ કહે છે: “લોકો સાથે હળીમળીને રહેવા સૌથી સારી મદદ ક્યાંથી મળી શકે? શું હું તમને બાઇબલની એક કહેવત બતાવી શકું? એ કહે છે: ‘ઝઘડાની શરૂઆત બંધમાં પડેલી તિરાડ જેવી છે; લડાઈ ફાટી નીકળે તે પહેલાં જ વાત છોડી દો.’ શું તમને લાગે છે કે આ સલાહ બીજાઓ સાથે હળીમળીને રહેવા મદદ કરશે?” (નીતિ. ૧૭:૧૪, સંપૂર્ણ) એવી વાતચીતથી તમે એવા લોકોને ઓળખી શકશો, જેઓને સત્ય જાણવામાં રસ છે. w૧૯.૦૭ ૨૩ ¶૧૩

સોમવાર, જૂન ૧૪

“જે પડતી વેળાએ એકલો હોય, અને તેને ઉઠાડવાને તેની પાસે બીજો કોઈ ન હોય તો તેને અફસોસ છે!”—સભા. ૪:૧૦.

બીજી જગ્યાએ જેઓને નવી સોંપણી મળે છે ત્યારે, સૌથી મહત્ત્વનું તો એ કે તેઓને તમારી દયાની નહિ, પણ લાગણીની જરૂર છે. પોતાની કે કુટુંબના સભ્યની તબિયતને લીધે તેઓ હેરાન-પરેશાન થતા હોય. સગાં-વહાલાંના મરણને લીધે તેઓ દુઃખી હોય. અગાઉની સોંપણીમાં જે મિત્રો હતા, તેઓની યાદ સતાવતી હોય. એ વિશે ભલે તેઓ કંઈ કહે નહિ, પણ મનમાં દુઃખી થતા હોય. એવી લાગણીઓમાંથી બહાર આવતા તેઓને સમય લાગી શકે. તમારા સાથ-સહકાર અને દાખલાથી તેઓ ધીમે-ધીમે પોતાને ઢાળી શકશે. ચાલો એક બહેન વિશે જોઈએ. તેમણે ઘણાં વર્ષો બીજા દેશમાં સેવા આપી છે. તે કહે છે: ‘મારી જૂની સોંપણીમાં હું દરરોજ બાઇબલ અભ્યાસ ચલાવતી. પણ નવી સોંપણીમાં બાઇબલમાંથી કલમ બતાવવી કે વીડિયો બતાવવો પણ મને અઘરું લાગતું. પણ ત્યાંનાં ભાઈ-બહેનો મને તેઓની ફરી મુલાકાતો અને બાઇબલ અભ્યાસમાં લઈ જતા. એ જોઈને મને સારું વલણ રાખવા મદદ મળી. નવા પ્રચાર વિસ્તારમાં વાતચીત કઈ રીતે શરૂ કરવી, એ પણ હું શીખી. એનાથી હું યહોવાની સેવામાં ખુશી મેળવી શકી.’ w૧૯.૦૮ ૨૨ ¶૧૦; ૨૩-૨૪ ¶૧૩-૧૪

મંગળવાર, જૂન ૧૫

“યુવદિયાને હું વિનંતી કરું છું અને સુન્તુખેને પણ હું વિનંતી કરું છું કે તેઓ પ્રભુમાં એક મનની થાય.”—ફિલિ. ૪:૨.

અમુક વાર ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો બહુ અઘરું લાગી શકે. આપણે પણ કદાચ યુવદિયા અને સુન્તુખેની જેમ બીજાઓના વાંક-ગુના શોધવા લાગીએ છીએ. આપણે જાણીએ છીએ કે માણસ માત્ર ભૂલને પાત્ર. જો આપણે બીજાઓના વાંક-ગુના શોધ્યા કરીશું, તો તેઓ માટેનો પ્રેમ ઠંડો પડી જશે. દાખલા તરીકે, પ્રાર્થનાઘરની સફાઈ કરતી વખતે એક ભાઈ મદદ કરવાનું ભૂલી જાય તો, કદાચ આપણે ચિડાઈ જઈએ. જો આપણે એ ભાઈની બધી ભૂલો ગણવા બેસી જઈશું, તો આપણા મનમાં એ ભાઈ માટે કડવાશ પેદા થઈ શકે. તેમના માટેનો આપણો પ્રેમ ઓછો થઈ જશે. જો તમને પણ કોઈ ભાઈ કે બહેન વિશે એવું લાગતું હોય, તો આ હકીકત યાદ રાખો: યહોવા તમારી અને એ ભાઈ કે બહેનની બધી ભૂલો વિશે જાણે છે. તેમ છતાં યહોવા આપણને બધાને પ્રેમ કરે છે. એટલે આપણે પણ યહોવાની જેમ પ્રેમ બતાવવો જોઈએ. ભાઈ-બહેનોના સારા ગુણો પર ધ્યાન આપવું જોઈએ. તેઓને પ્રેમ બતાવવા સખત મહેનત કરીએ છીએ ત્યારે, આપણી એકતા વધુ મજબૂત થાય છે.—ફિલિ. ૨:૧, ૨. w૧૯.૦૮ ૯-૧૦ ¶૭-૮

બુધવાર, જૂન ૧૬

‘યહોવા નમ્ર લોકો પર ધ્યાન આપે છે.’—ગીત. ૧૩૮:૬.

યહોવાને નમ્ર લોકો ગમે છે. જેઓ ખરેખર નમ્ર છે, તેઓ જ યહોવા સાથે ગાઢ સંબંધ કેળવી શકે છે. પણ ‘ગર્વિષ્ઠોને તો તે દૂરથી ઓળખે છે.’ આપણે યહોવાને ખુશ કરવા માંગીએ છીએ. તેમનો પ્રેમ અનુભવવા માંગીએ છીએ. એટલે આપણે નમ્રતાનો ગુણ કેળવવો જોઈએ. નમ્રતા એટલે પોતાને ચઢિયાતા ન ગણવું અને ઘમંડ કે અભિમાન ન રાખવું. નમ્ર વ્યક્તિ સારી રીતે જાણે છે કે યહોવા ઘણા ચઢિયાતા છે. તે બીજાઓને માન આપે છે. નમ્ર વ્યક્તિને ખબર છે કે બીજાઓ તેના કરતાં એક કે બીજી રીતે ચઢિયાતા છે. (ફિલિ. ૨:૩, ૪) અમુક લોકો બહારથી નમ્ર લાગતા હોય. બની શકે કે તેઓ શરમાળ સ્વભાવના હોય. અમુક લોકો બીજાઓ સાથે માન અને નમ્રતાથી વર્તે છે, કારણ કે તેઓને નાનપણથી એવું જ શીખવવામાં આવ્યું હોય. પણ હકીકતમાં તેઓ ઘમંડી હોય. આજે નહિ તો કાલે, તેઓનો અસલી રંગ દેખાઈ આવે છે.—લુક ૬:૪૫. w૧૯.૦૯ ૨ ¶૧, ૩-૪

ગુરુવાર, જૂન ૧૭

“જેઓ ઈશ્વરને જાણતા નથી અને આપણા પ્રભુ ઈસુ વિશેની ખુશખબર માનતા નથી, તેઓ પર તે વેર વાળશે.”—૨ થેસ્સા. ૧:૮.

બાઇબલમાં “આપણા પ્રભુ ઈસુ વિશેની ખુશખબર” જોવા મળે છે. એમાં તેમણે શીખવેલી બધી વાતોનો સમાવેશ થાય છે. એ વાતોને જીવનમાં લાગુ પાડીએ છીએ ત્યારે, આપણે એ ખુશખબર પ્રમાણે ચાલીએ છીએ. એ ખુશખબર પ્રમાણે ચાલવામાં આનો સમાવેશ થાય છે: યહોવાની સેવાને જીવનમાં પ્રથમ રાખવી, તેમનાં નેક ધોરણો પ્રમાણે ચાલવું અને તેમના રાજ્યનો સંદેશો બીજાઓને જણાવવો. (માથ. ૬:૩૩; ૨૪:૧૪) ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓ મહત્ત્વની જવાબદારી ઉપાડી રહ્યા છે. આપણે તેઓને ટેકો આપીએ છીએ. એમ કરીને પણ આપણે ખુશખબર પ્રમાણે ચાલીએ છીએ. (માથ. ૨૫:૩૧-૪૦) ‘બીજાં ઘેટાંના’ લોકોએ કરેલી મદદ માટે અભિષિક્તો બહુ જલદી તેઓને ઇનામ આપશે. (યોહા. ૧૦:૧૬) કઈ રીતે? આર્માગેદનનું યુદ્ધ શરૂ થાય એ પહેલાં ૧,૪૪,૦૦૦ અભિષિક્તો સ્વર્ગમાં હશે. તેઓને સ્વર્ગદૂતો જેવું શરીર મળશે. તેઓ સ્વર્ગના સૈન્યનો ભાગ બનશે. તેઓ ગોગને કચડી નાખશે અને ઘેટાં જેવાં ‘મોટા ટોળાનું’ રક્ષણ કરશે. (પ્રકટી. ૨:૨૬, ૨૭; ૭:૯, ૧૦) પૃથ્વી પરના અભિષિક્ત સેવકોને સાથ આપવાનો મોટા ટોળાને હમણાં કેટલો સુંદર લહાવો મળ્યો છે! w૧૯.૦૯ ૧૨-૧૩ ¶૧૬-૧૮

શુક્રવાર, જૂન ૧૮

“તમને વિસામો મળશે.”—માથ. ૧૧:૨૯.

ઈસુએ સોંપેલું કામ કરવાથી શા માટે વિસામો એટલે કે તાજગી મળે છે? કારણ કે આપણી પાસે સૌથી સારી રીતે દેખરેખ રાખનારા ભાઈઓ છે. પણ દેખરેખ રાખવામાં યહોવા સૌથી ઉત્તમ છે. એક ક્રૂર માલિક પોતાના સેવકોની કદર કરતો નથી. પણ યહોવા એવા નથી, તે તો આપણા કામની કદર કરે છે. (હિબ્રૂ. ૬:૧૦) જવાબદારી પૂરી કરવા તે આપણને શક્તિ આપે છે. (૨ કોરીં. ૪:૭; ગલા. ૬:૫) બીજાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ, એ વિશે આપણા રાજા ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. (યોહા. ૧૩:૧૫) વડીલો આપણી કાળજી રાખે છે. તેઓ “મહાન ઘેટાંપાળક” ઈસુના પગલે ચાલવાનો પ્રયત્ન કરે છે. (હિબ્રૂ. ૧૩:૨૦; ૧ પીત. ૫:૨) તેઓ આપણને શીખવે છે અને આપણું રક્ષણ કરે છે. પ્રેમાળ બનવા અને બીજાઓને ઉત્તેજન તથા હિંમત આપવા તેઓ મહેનત કરે છે. આપણી પાસે સૌથી સારા મિત્રો છે. આપણી પાસે પ્રેમાળ મિત્રો છે અને ઈશ્વરે આપેલું સારું કામ છે. દુનિયાના લોકો પાસે એ બધું નથી. જરા વિચારો: આપણને એવા લોકો સાથે કામ કરવાનો લહાવો મળ્યો છે, જેઓ સારાં ધોરણો પ્રમાણે જીવે છે. પણ તેઓ એવું નથી વિચારતા કે પોતે બીજાઓ કરતાં વધારે સારા છે. તેઓ બીજાઓને પોતાના કરતાં ચઢિયાતા ગણે છે. તેઓ આપણને સાથે કામ કરનારા ગણે છે, આપણને મિત્રો માને છે. એ મિત્રતા એટલી ગાઢ છે કે તેઓ આપણા માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર હોય છે. w૧૯.૦૯ ૨૦ ¶૧; ૨૩ ¶૧૨-૧૪

શનિવાર, જૂન ૧૯

“તમે અંધારામાં નથી કે એ દિવસ અચાનક તમારા પર આવી પડે, જેમ ચોર પર અચાનક દિવસનો પ્રકાશ આવી પડે છે.”—૧ થેસ્સા. ૫:૪.

પાઊલે ‘યહોવાના દિવસ’ વિશે જણાવ્યું હતું. (૧ થેસ્સા. ૫:૧-૬) આ કલમમાં જણાવ્યા પ્રમાણે “યહોવાનો દિવસ” શાને રજૂ કરે છે? “મહાન બાબેલોન” પર હુમલો થાય ત્યારથી લઈને આર્માગેદન સુધીના સમયગાળાને. “મહાન બાબેલોન” જૂઠા ધર્મોનું સામ્રાજ્ય છે. (પ્રકટી. ૧૬:૧૪, ૧૬; ૧૭:૫) ‘યહોવાના દિવસ’ માટે તૈયાર રહેવા વિશે પાઊલે સલાહ આપી છે. આપણે ‘બાકીના લોકોની જેમ ઊંઘતા ન રહીએ.’ આપણે “જાગતા રહીએ” અને સાવચેત રહીએ. આપણે રાજકારણમાં કોઈનો પક્ષ ન લેવો જોઈએ. જો આપણે કોઈનો પક્ષ લઈશું તો કદાચ ‘દુનિયાનો’ ભાગ બની જઈશું. (યોહા. ૧૫:૧૯) આપણને ખબર છે કે ફક્ત ઈશ્વરનું રાજ્ય જ આ દુનિયામાં શાંતિ લાવી શકે છે. ભાવિમાં થનાર બાબતો વિશે બાઇબલમાં જે જણાવ્યું છે એ લોકોને શીખવવા માંગીએ છીએ. એકવાર મહાન વિપત્તિ શરૂ થશે પછી લોકો પાસે યહોવા વિશે શીખવાની તક રહેશે નહિ. એટલે ખૂબ જરૂરી છે કે આપણે હમણાં ખુશખબર ફેલાવવાનું કામ કરીએ. w૧૯.૧૦ ૯ ¶૩, ૫-૬

રવિવાર, જૂન ૨૦

‘ઈસ્રાએલ તથા યહુદાહની વિરુદ્ધ જે વચનો મેં તને કહ્યાં છે, તે સર્વ એક ઓળિયામાં લખ.’—યિર્મે. ૩૬:૨.

યિર્મેયા અને બારૂખે વીંટો લખવાનું પૂરું કર્યું. પછી બારૂખે એ વીંટાની માહિતી લોકોને જણાવવાની હતી. યિર્મેયાએ ભરોસો રાખવાનો હતો કે બારૂખ એ માહિતી લોકોને ચોક્કસ જણાવશે. (યિર્મે. ૩૬:૫, ૬) એ કામ કરવામાં ઘણું જોખમ હતું પણ બારૂખે હિંમતથી એ પૂરું કર્યું. મંદિર બહાર લોકો આગળ બારૂખે વીંટામાંથી સંદેશો વાંચી સંભળાવ્યો. જરા વિચારો, એ જાણીને યિર્મેયાને બારૂખ પર કેટલો ગર્વ થયો હશે! (યિર્મે. ૩૬:૮-૧૦) બારૂખે જે કર્યું એ વિશે યહુદાના સરદારોને જાણવા મળ્યું. એટલે તેઓએ બારૂખને હુકમ કર્યો કે તેઓને પણ વીંટામાંથી સંદેશો વાંચી સંભળાવે. (યિર્મે. ૩૬:૧૪, ૧૫) સરદારોએ યિર્મેયાના શબ્દો યહોયાકીમ રાજાને જણાવવાનું નક્કી કર્યું. યિર્મેયાના શબ્દો સાંભળીને યહોયાકીમ રાજા ગુસ્સાથી લાલપીળો થઈ ગયો. તેણે વીંટો બાળી નાખ્યો. યિર્મેયા અને બારૂખને પકડી લાવવાનો તેણે હુકમ કર્યો. યિર્મેયાએ બીજો વીંટો લીધો અને બારૂખને આપ્યો. ‘યહુદાહના રાજા યહોયાકીમે જે વીંટો અગ્‍નિમાં બાળી નાખ્યો હતો,’ એ વીંટાનો સંદેશો બારૂખે ફરીથી બીજા વીંટામાં લખ્યો.—યિર્મે. ૩૬:૨૬-૨૮, ૩૨. w૧૯.૧૧ ૩-૪ ¶૪-૬

સોમવાર, જૂન ૨૧

‘ઈશ્વર તમને શક્તિ આપે છે, જેનાથી તમને તેમનું કામ કરવાની ઇચ્છા જ નહિ, એ પૂરું કરવાનું બળ પણ મળે છે.’—ફિલિ. ૨:૧૩.

યહોવા પોતાનો હેતુ પૂરો કરવા કંઈ પણ બની શકે છે. એ માટે તે અલગ અલગ ભૂમિકા નિભાવે છે. જેમ કે, શીખવનાર, દિલાસો આપનાર અને સંદેશો આપનાર. (યશા. ૪૮:૧૭; ૨ કોરીં. ૭:૬; ગલા. ૩:૮) પોતાનો હેતુ પૂરો કરવા અમુક વાર યહોવા માણસોનો પણ ઉપયોગ કરે છે. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦; ૨ કોરીં. ૧:૩, ૪) તે પોતાની ઇચ્છા પૂરી કરવા આપણી પાસે કંઈ પણ કરાવી શકે છે. એ માટે તે આપણને બુદ્ધિ અને બળ પૂરાં પાડે છે. ઘણા વિદ્વાનો કહે છે કે એ બધું યહોવાના નામના અર્થમાં આવી જાય છે. આપણે બધા ચાહીએ છીએ કે યહોવા પોતાની ઇચ્છા પૂરી કરવા આપણો ઉપયોગ કરે. પણ અમુકને શંકા થાય કે યહોવા તેઓનો ઉપયોગ કરે છે કે કેમ. શા માટે? તેઓને લાગે છે કે વધતી ઉંમર, અઘરા સંજોગો કે ઓછી આવડતોને લીધે તેઓ ચાહે એટલું કરી શકતા નથી. બીજા અમુકને લાગે છે કે તેઓ જેટલું કરી રહ્યા છે એટલું બસ છે, વધારે કરવાની જરૂર નથી. w૧૯.૧૦ ૨૦ ¶૧-૨

મંગળવાર, જૂન ૨૨

“પૈસાનો પ્રેમ દરેક પ્રકારની દુષ્ટતાનું મૂળ છે.”—૧ તિમો. ૬:૧૦.

જો આપણે માલમિલકત ભેગી કરવા પાછળ પડી જઈએ, તો આપણી શ્રદ્ધા નબળી પડી જશે અને યહોવાની સેવામાં આપણે ધીમા પડી જઈશું. પ્રેરિત પાઊલે કહ્યું હતું: “સૈનિક પોતાને ભરતી કરનારને ખુશ કરવા ચાહતો હોવાથી, કોઈ પણ વેપાર-ધંધામાં પડતો નથી.” (૨ તિમો. ૨:૪) રોમન સૈનિકોને બીજો કોઈ કામધંધો કરવાની પરવાનગી ન હતી. સારા સૈનિકોની જેમ આપણા માટે સૌથી મહત્ત્વનું શું છે? આપણા અધિકારીઓને એટલે કે યહોવા અને ઈસુ ખ્રિસ્તને ખુશ કરીએ. એ એટલું મહત્ત્વનું છે કે, શેતાનની દુનિયાની કોઈ પણ વસ્તુ એની તોલે ન આવી શકે! ખાતરી કરીએ કે, યહોવાની સેવા માટે આપણી પાસે પૂરતાં સમય-શક્તિ હોય. તેમ જ, શ્રદ્ધાની ઢાલ અને ઈશ્વર તરફથી મળેલાં બીજાં હથિયારો સારી હાલતમાં હોય. આપણે હંમેશાં સાવચેત રહેવું જોઈએ. શા માટે? પ્રેરિત પાઊલે ચેતવણી આપી હતી: “જેઓ ધનવાન થવા માંગે છે,” તેઓ “શ્રદ્ધામાંથી ભટકી” જશે. —૧ તિમો. ૬:૯, ૧૦. w૧૯.૧૧ ૧૭ ¶૧૨, ૧૪-૧૫

બુધવાર, જૂન ૨૩

‘ત્યારે અચાનક તેઓ પર અણધાર્યો વિનાશ આવી પડશે.’—૧ થેસ્સા. ૫:૩.

“યહોવાનો દિવસ” આવતા પહેલાં ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત થશે. (૧ થેસ્સા. ૫:૧-૬) પહેલો થેસ્સાલોનિકીઓ ૫:૨માં જણાવેલો “યહોવાનો દિવસ” શાને દર્શાવે છે? ‘મહાન વિપત્તિને.’ (પ્રકટી. ૭:૧૪) એ વિપત્તિ શરૂ થશે ત્યારે આપણને કઈ રીતે ખબર પડશે? બાઇબલ આપણને એક અજોડ જાહેરાત વિશે જણાવે છે. મહાન વિપત્તિ શરૂ થવાની એ નિશાની હશે. એ જાહેરાત હશે, “શાંતિ અને સલામતી” વિશે. શું ધર્મગુરુઓ તેઓને ટેકો આપશે? કદાચ એવું બની શકે. પણ, એ જાહેરાત તો દુષ્ટ દૂતોએ ફેલાવેલું ખતરનાક જૂઠાણું હશે. શા માટે? કારણ કે, એ જાહેરાતને લીધે લોકોને લાગશે કે તેઓ સલામત છે. પણ હકીકતમાં તો માણસોએ કદી જોઈ ન હોય, એવી મોટી વિપત્તિ શરૂ થવાની તૈયારીમાં હશે. જેમ “ગર્ભવતી સ્ત્રીને અચાનક પ્રસૂતિની પીડા ઊપડે છે, તેમ અચાનક તેઓ પર અણધાર્યો વિનાશ આવી પડશે.” યહોવાના વફાદાર ભક્તોનું શું થશે? અચાનક આવી પડેલા યહોવાના દિવસ વિશે તેઓને નવાઈ તો લાગશે, પણ તેઓ એ માટે તૈયાર હશે. w૧૯.૦૯ ૯ ¶૭-૮

ગુરુવાર, જૂન ૨૪

“પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ હોય છે, . . . શોધવાનો વખત અને ખોવાનો વખત.”—સભા. ૩:૧, ૬.

નિર્ણય લઈએ ત્યારે ધ્યેય નક્કી કરીએ. અગાઉથી ધ્યેયો નક્કી કર્યા હશે તો, એ પૂરા કરવા સહેલું થઈ જશે. દાખલા તરીકે, તમે ઘણી વાર બાઇબલ વાંચવાનું નક્કી કર્યું હશે. પણ જો તમે એ માટે યોજના નહિ બનાવો, તો તમે જે ધાર્યું છે એ પૂરું નહિ કરી શકો. અથવા મંડળના વડીલોએ ઘણી વાર વિચાર્યું હશે કે, તેઓ ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા મુલાકાત લેશે. પણ થોડા સમય પછી જોવા મળે કે નક્કી કર્યા પ્રમાણે કંઈ થઈ રહ્યું નથી. તેઓ આવા સવાલો પર વિચાર કરી શકે: શું અમે એવાં ભાઈ-બહેનોનું લિસ્ટ બનાવ્યું છે, જેઓને મુલાકાતની જરૂર છે? શું અમે ભાઈ-બહેનોની મુલાકાત માટે અગાઉથી સમય બાજુ પર રાખ્યો છે? ઉપરાંત, વધુ પડતી અપેક્ષા ન રાખીએ. આપણને ઘણું બધું કરવું હોય છે. પણ એ માટે આપણી પાસે એટલાં સમય-શક્તિ કે જરૂરી સાધનો હોતાં નથી. એટલે શું કરવું જોઈએ? વાજબી બનીએ અને વધુ પડતી અપેક્ષા ન રાખીએ. આપણને લાગે કે એ નિર્ણય સુધી પહોંચવું અઘરું છે તો એ બદલવા તૈયાર રહીએ. w૧૯.૧૧ ૨૯ ¶૧૧-૧૨

શુક્રવાર, જૂન ૨૫

“તેઓ મહાન વિપત્તિમાંથી નીકળી આવેલા લોકો છે અને તેઓએ પોતાના ઝભ્ભા ઘેટાના લોહીમાં ધોઈને સફેદ કર્યા છે.”—પ્રકટી. ૭:૧૪.

ભાવિમાં પૃથ્વી પર જીવન કેવું હશે, એની ઝલક આપણને યશાયા ૬૫:૨૧-૨૩માં જોવા મળે છે. કોઈ પણ આળસુ નહિ હોય અને દરેક પાસે કામ હશે. બાઇબલ જણાવે છે કે એ સમયે ઈશ્વરભક્તો પાસે એવું કામ હશે, જેનાથી તેઓને સંતોષ મળશે. હજાર વર્ષના રાજને અંતે આપણે ખાતરી રાખી શકીએ કે ‘સૃષ્ટિ પોતે પણ વિનાશની ગુલામીમાંથી આઝાદ થશે અને ઈશ્વરનાં બાળકોની ભવ્ય આઝાદી પામશે.’ (રોમ. ૮:૨૧) યહોવાએ ઇઝરાયેલી લોકો માટે એવી ગોઠવણ કરી હતી, જેથી તેઓ કામ અને આરામ માટે યોગ્ય સમય આપી શકે. એવી જ ગોઠવણ તે હજાર વર્ષના રાજ દરમિયાન પોતાના લોકો માટે કરશે. નવી દુનિયામાં ઈશ્વરભક્તિ માટે આપણી પાસે સમય હશે, જીવનમાં સુખી થવા એ ખૂબ જરૂરી છે. આપણા બધા પાસે મનગમતું કામ હશે અને આપણે બધા ઈશ્વરની ભક્તિ પણ કરી શકીશું. એનાથી હજાર વર્ષના રાજ દરમિયાન દરેક જણ સુખી થશે. w૧૯.૧૨ ૧૨ ¶૧૫; ૧૩ ¶૧૭-૧૮

શનિવાર, જૂન ૨૬

“આ જે વચનો . . . તારા અંતઃકરણમાં ઠસી રહે; અને તે તું ખંતથી તારાં છોકરાંને શીખવ.”—પુન. ૬:૬, ૭.

પુનર્નિયમ ૬:૭માં ‘શીખવવા’ માટે જે હિબ્રૂ શબ્દનો ઉપયોગ થયો છે, એનો અર્થ થાય ‘વારંવાર શીખવીને મનમાં ઠસાવવું.’ એમ કરવા માબાપે પોતાનાં બાળકોને નિયમિત સમય આપવો જોઈએ. અમુક વખતે બાળકોને એકની એક વાત કહેવી માબાપને ગમતું નથી. માબાપે એને એક તક ગણવી જોઈએ. એનાથી તેઓ બાળકોને બાઇબલ શીખવી શકશે અને બાળકો એને જીવનમાં લાગુ પાડી શકશે. બાળકોને સારી રીતે ઓળખો. ગીતશાસ્ત્ર ૧૨૭માં બાળકોને બાણ સાથે સરખાવવામાં આવ્યાં છે. (ગીત. ૧૨૭:૪) બાણ અલગ અલગ સામગ્રીમાંથી અને જુદાં જુદાં કદનાં બનાવી શકાય છે. એવી જ રીતે, બાળકો એકસરખાં નહિ, અલગ અલગ હોય છે. એટલે દરેક બાળકને કેવી તાલીમ આપવી, એ માબાપે પોતે નક્કી કરવું જોઈએ. ઇઝરાયેલમાં રહેતા એક યુગલને બે બાળકો છે. બાળકોનો સારી રીતે ઉછેર કરવા તેઓને ક્યાંથી મદદ મળી? એ વિશે તેઓ જણાવે છે: ‘અમે દરેક બાળક સાથે અલગ અલગ બાઇબલ અભ્યાસ ચલાવતા.’ જરૂરી નથી કે બાળકોનો અલગ અલગ અભ્યાસ ચલાવવો જોઈએ. દર વખતે એમ કરવું શક્ય નથી, પણ તમે પ્રયત્ન કરી શકો. w૧૯.૧૨ ૨૬ ¶૧૮-૨૦

રવિવાર, જૂન ૨૭

“જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.”—માથ. ૭:૧૨.

અઘરા સંજોગોમાં કોઈ મદદ કરે ત્યારે, આપણે તેમના કેટલા આભારી હોઈએ છીએ! રાયનભાઈનો વિચાર કરો. તેમના પિતા એક અકસ્માતમાં ગુજરી ગયા. રાયનભાઈ જણાવે છે: ‘તકલીફમાં હોઈએ ત્યારે રોજબરોજનાં કામો કરવાં પણ અઘરું લાગે. એવા સમયે કોઈ મદદ કરે તો ઘણું સારું લાગે, પછી ભલેને એ નાનકડી મદદ કેમ ન હોય!’ નાની નાની મદદ કરીને પણ આપણે બીજાઓને દિલાસો આપી શકીએ છીએ. ચાલો પ્રથમ સદીના માર્ક વિશે ફરીથી જોઈએ. યહોવાની ભક્તિમાં તેમની પાસે ઘણી મહત્ત્વની જવાબદારીઓ હતી. માર્ક કામમાં ઘણા વ્યસ્ત રહેતા તોપણ તેમણે પાઊલને દિલાસો આપવા સમય કાઢ્યો. પાઊલે પણ અચકાયા વગર તેમની પાસે મદદ માંગી. માર્કની જેમ આજે ભાઈ-બહેનો પણ એકબીજાને દિલાસો આપે છે. ચાલો એન્જેલાબેનનો દાખલો જોઈએ. તેમના કુટુંબના એક સભ્યનું ખૂન થઈ ગયું. તેમના માથે જાણે આભ તૂટી પડ્યું. તે જણાવે છે: ‘ભાઈ-બહેનો દિલથી આપણી મદદ કરવા ચાહે છે, એ જોઈને તેઓ સાથે વાત કરવું સહેલું થઈ જાય છે. તેઓ મદદ કરવા હંમેશાં તૈયાર રહે છે.’ આપણે આ સવાલ પર વિચાર કરી શકીએ: “શું ભાઈ-બહેનોને લાગે છે કે હું બીજાઓને દિલાસો આપવા તૈયાર રહું છું?” w૨૦.૦૧ ૧૧-૧૨ ¶૧૪-૧૬

સોમવાર, જૂન ૨૮

“જે કોઈ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાય છે અને તેમના પ્યાલામાંથી પીએ છે, તે દોષિત ગણાશે.”—૧ કોરીં. ૧૧:૨૭.

કઈ રીતે એક અભિષિક્ત વ્યક્તિ સ્મરણપ્રસંગમાં રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવાને લીધે “દોષિત” ગણાય શકે? જો તે યહોવાનાં નેક ધોરણો પ્રમાણે જીવે નહિ અને સ્મરણપ્રસંગે ખાવા-પીવામાં ભાગ લે તો એવું બની શકે. (હિબ્રૂ. ૬:૪-૬; ૧૦:૨૬-૨૯) અભિષિક્તો સારી રીતે જાણે છે કે “ખ્રિસ્ત ઈસુ દ્વારા ઈશ્વર તરફથી સ્વર્ગનું આમંત્રણ” મેળવવા તેઓએ ઈશ્વરને વફાદાર રહેવું જોઈએ. (ફિલિ. ૩:૧૩-૧૬) યહોવાની પવિત્ર શક્તિ તેમના ભક્તોને ઘમંડી નહિ, પણ નમ્ર બનવા મદદ કરે છે. (એફે. ૪:૧-૩; કોલો. ૩:૧૦, ૧૨) એટલે અભિષિક્તો ક્યારેય પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણતા નથી. તેઓ જાણે છે કે યહોવા બીજા ભક્તોને જેટલી પવિત્ર શક્તિ આપે છે, એટલી જ તેઓને પણ આપે છે. તેઓ ક્યારેય એવું માનતા નથી કે બીજાઓ કરતાં તેઓને બાઇબલનાં સત્યો વિશે વધારે સમજણ છે. એક અભિષિક્ત વ્યક્તિ કોઈને કહેશે નહિ કે ‘તમે પણ અભિષિક્ત છો એટલે રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં તમારે પણ ભાગ લેવો જોઈએ.’ એને બદલે, તેઓ નમ્રતાથી સ્વીકારે છે કે સ્વર્ગના જીવનનું આમંત્રણ તો યહોવા સિવાય બીજું કોઈ ન આપી શકે. w૨૦.૦૧ ૨૭-૨૮ ¶૪-૫

મંગળવાર, જૂન ૨૯

“ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.”—યાકૂ. ૪:૮.

યહોવા ચાહે છે કે આપણે તેમની પાસે જઈએ અને તેમની સાથે વાત કરીએ. તે આપણને “પ્રાર્થનામાં લાગુ” રહેવા ઉત્તેજન આપે છે. આપણી પ્રાર્થના સાંભળવા તે હંમેશાં તૈયાર હોય છે. (રોમ. ૧૨:૧૨) તે આપણી પ્રાર્થનાથી ક્યારેય કંટાળતા નથી. આપણે પણ યહોવાની વાત સાંભળવી જોઈએ. કઈ રીતે? બાઇબલ વાંચીને અને એને સમજવા સાહિત્યનો ઉપયોગ કરીને એમ કરી શકીએ છીએ. એટલું જ નહિ, સભાઓમાં ધ્યાન આપીને આપણે તેમની વાત સાંભળી શકીએ છીએ. યહોવા સાથે દરરોજ વાત કરવાથી આપણે તેમની નજીક રહી શકીએ છીએ. યહોવા ચાહે છે કે પ્રાર્થનામાં આપણું દિલ ઠાલવીએ. (ગીત. ૬૨:૮) આપણે પોતાને આ સવાલો પૂછવા જોઈએ: ‘મારી પ્રાર્થનાઓ કેવી હોય છે? વારંવાર આવતા એક મૅસેજ જેવી કે પછી હાથથી લખેલા એક સુંદર પત્ર જેવી, જેમાં હું મારી લાગણીઓ લખું છું?’ આપણે યહોવાને પૂરા દિલથી ચાહીએ છીએ અને તેમની સાથેનો સંબંધ મજબૂત કરવા માંગીએ છીએ. પણ એ માટે તેમની સાથે દરરોજ વાત કરીએ. પોતાના દિલની લાગણીઓ જણાવીએ. આપણા સુખ-દુઃખની વાતો તેમને જણાવીએ. પૂરા ભરોસા સાથે પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગીએ. w૨૦.૦૨ ૯ ¶૪-૫

બુધવાર, જૂન ૩૦

“ઘેટાંપાળક તરીકે ઈશ્વરના ટોળાની સંભાળ રાખો, જે તમને સોંપાયેલું છે. દેખરેખ રાખનારની જેમ સેવા કરો.”—૧ પીત. ૫:૨.

યહોવાએ પોતાના લોકોની સંભાળ લેવાની મહત્ત્વની જવાબદારી વડીલોને સોંપી છે. નહેમ્યા યહોવાના લોકો સાથે જે રીતે વર્ત્યા, એમાંથી વડીલો ઘણું શીખી શકે. નહેમ્યા યહુદા પ્રદેશના રાજ્યપાલ હતા. તેમની પાસે ઘણો અધિકાર હતો. (નહે. ૧:૧૧; ૨:૭, ૮; ૫:૧૪) ચાલો જોઈએ કે નહેમ્યા સામે કેવા પડકારો આવ્યા. તેમને જાણવા મળ્યું કે લોકો યહોવાના મંદિરને અશુદ્ધ કરી રહ્યા હતા. તેમ જ, તેઓ લેવીઓને દાન આપતા ન હતા અને સાબ્બાથનો નિયમ પણ પાળતા ન હતા. અમુકે તો બીજી પ્રજાની સ્ત્રીઓ સાથે લગ્‍ન કર્યા હતા. નહેમ્યાએ એવા અઘરા સંજોગોનો સામનો કરવાનો હતો. (નહે. ૧૩:૪-૩૦) નહેમ્યાએ પોતાના વિચારો લોકો પર થોપી બેસાડવા પોતાના અધિકારનો ખોટો ઉપયોગ કર્યો નહિ. તેમણે તો પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગી. તેમણે લોકોને યહોવાના નિયમો શીખવ્યા. (નહે. ૧:૪-૧૦; ૧૩:૧-૩) યરૂશાલેમની દીવાલ બાંધવા નહેમ્યાએ લોકો સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું. નહેમ્યા પાસે અધિકાર હતો તોપણ તેમણે નમ્રતા બતાવી.—નહે. ૪:૧૫. w૧૯.૦૯ ૧૫-૧૬ ¶૯-૧૦

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો