વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es21 પાન ૫૮-૭૧
  • મે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૧
  • મથાળાં
  • શનિવાર, મે ૧
  • રવિવાર, મે ૨
  • સોમવાર, મે ૩
  • મંગળવાર, મે ૪
  • બુધવાર, મે ૫
  • ગુરુવાર, મે ૬
  • શુક્રવાર, મે ૭
  • શનિવાર, મે ૮
  • રવિવાર, મે ૯
  • સોમવાર, મે ૧૦
  • મંગળવાર, મે ૧૧
  • બુધવાર, મે ૧૨
  • ગુરુવાર, મે ૧૩
  • શુક્રવાર, મે ૧૪
  • શનિવાર, મે ૧૫
  • રવિવાર, મે ૧૬
  • સોમવાર, મે ૧૭
  • મંગળવાર, મે ૧૮
  • બુધવાર, મે ૧૯
  • ગુરુવાર, મે ૨૦
  • શુક્રવાર, મે ૨૧
  • શનિવાર, મે ૨૨
  • રવિવાર, મે ૨૩
  • સોમવાર, મે ૨૪
  • મંગળવાર, મે ૨૫
  • બુધવાર, મે ૨૬
  • ગુરુવાર, મે ૨૭
  • શુક્રવાર, મે ૨૮
  • શનિવાર, મે ૨૯
  • રવિવાર, મે ૩૦
  • સોમવાર, મે ૩૧
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૧
es21 પાન ૫૮-૭૧

મે

શનિવાર, મે ૧

‘છોકરો જનમશે તેના વિશે અમારે શું કરવું તે અમને શીખવે.’—ન્યા. ૧૩:૮.

બાળકો યહોવાને પ્રેમ કરવાનું શીખે એ માટે માતાપિતા શું કરી શકે? યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો. માનોઆહની જેમ સારો દાખલો બેસાડો અને શીખવો. તમે જે કહો એના કરતાં તમે જે કરો એની બાળક પર ઊંડી અસર પડે છે. આપણે જાણીએ છીએ કે ઈસુ અને બીજાં બાળકોને ઉછેરવામાં યુસફ અને મરિયમે સરસ દાખલો બેસાડ્યો હતો. કુટુંબનું ગુજરાન ચલાવવા યુસફ સખત મહેનત કરતા હતા. એટલું જ નહિ, કુટુંબના સભ્યો યહોવાની ભક્તિમાં લાગુ રહે માટે તે ઉત્તેજન આપતા હતા. (પુન. ૪:૯, ૧૦) યુસફ “દર વર્ષે” પોતાના કુટુંબને પાસ્ખાનો તહેવાર ઉજવવા યરૂશાલેમ લઈ જતા. (લુક ૨:૪૧, ૪૨) એ સમયના બીજા પિતાઓને એવી મુસાફરી કરવી અઘરી લાગતી. તેઓને લાગતું કે એમાં તો ઘણા પૈસા અને સમય ખર્ચાઈ જશે. પણ યુસફ ભક્તિને લગતી બાબતોની ખૂબ કદર કરતા અને પોતાનાં બાળકોને પણ એવું જ શીખવતા. મરિયમ પણ શાસ્ત્રવચનો સારી રીતે જાણતાં હતાં. તેમણે પોતાનાં વાણી-વર્તનથી બાળકોને શીખવ્યું કે શાસ્ત્રવચનોને કીમતી ગણવાં જોઈએ. w૧૯.૧૨ ૨૪-૨૫ ¶૯-૧૨

રવિવાર, મે ૨

“હું પાપી છું અને પાપને વેચાયેલો છું.”—રોમ. ૭:૧૪.

આદમે આજ્ઞા તોડી તેમ છતાં યહોવાએ આપણા માટે જે કર્યું એમાં તેમનો પ્રેમ જોવા મળે છે. આદમે આજ્ઞા ન પાળી, એટલે તે યહોવાના કુટુંબનો ભાગ રહ્યો નહિ. તે એ લહાવો ગુમાવી બેઠો. અરે, પોતાના વંશજો માટે પણ એ લહાવો ગુમાવી દીધો. (રોમ. ૫:૧૨) પણ યહોવાએ આદમના વંશજોને મદદ કરવા પગલાં ભર્યાં. યહોવાએ આદમને સજા કરી. તેમણે તેના વંશજોનો સાથ છોડ્યો નહિ, પણ તેઓને આશા આપી. તેમણે તરત જ વચન આપ્યું કે, નમ્ર લોકો ફરી એકવાર તેમના કુટુંબનો ભાગ બની શકશે. (ઉત. ૩:૧૫; રોમ. ૮:૨૦, ૨૧) એ માટે યહોવાએ પોતાના વહાલા દીકરા ઈસુનું બલિદાન આપવાની ગોઠવણ કરી. પોતાના દીકરાનું બલિદાન આપીને યહોવાએ સાબિત કર્યું કે તે આપણને કેટલો પ્રેમ કરે છે! (યોહા. ૩:૧૬) તે સૌથી સારા પિતા છે અને આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. યહોવા આપણી જરૂરિયાતો પૂરી કરે છે અને તેમની સાથેનો સંબંધ મજબૂત કરવા મદદ કરે છે. તે આપણને તાલીમ આપીને મદદ કરે છે. ભાવિમાં તે આપણને ઘણા આશીર્વાદો આપશે. આપણા પિતા આપણને પ્રેમ કરે છે અને સંભાળ રાખે છે, એનાથી આપણા દિલને ઠંડક મળે છે! w૨૦.૦૨ ૬ ¶૧૬-૧૭; ૭ ¶૨૦

સોમવાર, મે ૩

‘મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તમારા દિલાસાઓ મારા મનને શાંત કરે છે.’—ગીત. ૯૪:૧૯, NWT.

શું તમારા માથે ક્યારેય ચિંતાનાં વાદળો ઘેરાયાં છે? કદાચ કોઈનાં વાણી-વર્તનથી અથવા તમારાં પોતાનાં વાણી-વર્તનથી તમે દુઃખી થયા હશો. દાખલા તરીકે, તમારાથી કદાચ કોઈ ભૂલ થઈ ગઈ હોય અને તમને ચિંતા થાય કે યહોવા તો ક્યારેય માફ નહિ કરે. ઉપરથી આવું વિચારવા લાગો: ‘હું બહુ ચિંતા કરું છું એ બતાવે છે કે મારામાં શ્રદ્ધાની ખામી છે, હું ખરાબ વ્યક્તિ છું.’ ચાલો બાઇબલમાંથી અમુક દાખલા જોઈએ. શમુએલ પ્રબોધકની માતા હાન્‍નાને યહોવામાં ખૂબ શ્રદ્ધા હતી. પણ કુટુંબની એક વ્યક્તિ તેને ખૂબ હેરાન કરતી એટલે તે હતાશ થઈ જતી હતી. (૧ શમૂ. ૧:૭) પ્રેરિત પાઊલને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા હતી, પણ “બધાં મંડળોની ચિંતા” તેમને કોરી ખાતી હતી. (૨ કોરીં. ૧૧:૨૮) રાજા દાઊદની શ્રદ્ધા અડગ હતી એટલે યહોવા તેમને ખૂબ પ્રેમ કરતા હતા. (પ્રે.કા. ૧૩:૨૨) પણ દાઊદે ભૂલો કરી ત્યારે તેમણે ચિંતા અને નિરાશાનો સામનો કરવો પડ્યો. (ગીત. ૩૮:૪) યહોવાએ એ બધા ઈશ્વરભક્તોને દિલાસો આપ્યો અને મન શાંત રાખવા મદદ કરી. w૨૦.૦૨ ૨૦ ¶૧-૨

મંગળવાર, મે ૪

“જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે.”—માથ. ૧૬:૨૪.

સમર્પણ એક વચન છે જે તમે યહોવાને આપો છો. સમર્પણ કરતી વખતે તમે પ્રાર્થનામાં યહોવાને જણાવો છો કે તમે હંમેશાં યહોવાની સેવા કરશો. તમે યહોવાને સમર્પણ કરો છો ત્યારે “પોતાની ઇચ્છાઓનો ત્યાગ” કરો છો. હવેથી તમે યહોવાના છો, જે સૌથી મોટો લહાવો છે. (રોમ. ૧૪:૮) તમે યહોવાને વચન આપો છો કે હવેથી તમે પોતાની ઇચ્છા પ્રમાણે નહિ પણ તેમની ઇચ્છા પ્રમાણે જીવશો. એવું વચન આપવા યહોવા ક્યારેય તમને બળજબરી કરતા નથી. પણ જો આપણે તેમને વચન આપીએ તો તે ચાહે છે કે આપણે એ પાળીએ. (ગીત. ૧૧૬:૧૨, ૧૪) સમર્પણ એ તમારી અને યહોવા વચ્ચેની વાત છે. યહોવા સિવાય બીજું કોઈ એ વિશે જાણતું નથી. પણ બાપ્તિસ્મા જાહેરમાં થાય છે. સંમેલન કે મહાસંમેલનમાં બાપ્તિસ્મા આપવામાં આવે છે. બાપ્તિસ્મા લો છો ત્યારે લોકોને ખબર પડે છે કે તમે યહોવાને સમર્પણ કરી દીધું છે. એનાથી લોકો જાણી શકે છે કે તમે તમારા ઈશ્વર યહોવાને પૂરા દિલથી, પૂરા જીવથી, પૂરા મનથી અને પૂરા બળથી પ્રેમ કરો છો. તમે હંમેશાં તેમની સેવા કરવાનો નિર્ણય કર્યો છે એ પણ તેઓ જોઈ શકશે.—માર્ક ૧૨:૩૦. w૨૦.૦૩ ૯ ¶૪-૫

બુધવાર, મે ૫

“ધ્યાન રાખજો, કોઈ માણસ તમને છેતરી ન જાય.”—૨ થેસ્સા. ૨:૩.

શેતાન લોકોને યહોવાથી દૂર લઈ જાય છે. પ્રેરિતોના મરણ પછી ઢોંગી ખ્રિસ્તીઓ મંડળમાં જૂઠું શિક્ષણ ફેલાવવા લાગ્યા. (પ્રે.કા. ૨૦:૨૯, ૩૦) તેઓ લોકોને યહોવાથી દૂર લઈ જઈ રહ્યા હતા. દાખલા તરીકે, તેઓએ પોતાના બાઇબલમાંથી યહોવાનું નામ કાઢીને “પ્રભુ” જેવા ખિતાબો મૂકી દીધા. આમ, યહોવા અને બીજા “પ્રભુઓ” વચ્ચેનો ફરક પારખવો બાઇબલ વાંચનાર માટે અઘરું થઈ ગયું. (૧ કોરીં. ૮:૫) તેઓએ યહોવા અને ઈસુ માટે “પ્રભુ” શબ્દ વાપર્યો હતો. એનાથી લોકો સમજી શક્યા નહિ કે યહોવા અને ઈસુ અલગ અલગ છે. (યોહા. ૧૭:૩) એનાથી ત્રૈક્યની માન્યતા વધારે ફેલાઈ, જેને બાઇબલ જરાય ટેકો આપતું નથી. એ બધાને લીધે ઘણા લોકોને લાગે છે કે સાચા ઈશ્વર વિશે જાણવું અશક્ય છે. કેટલું મોટું જૂઠ!—પ્રે.કા. ૧૭:૨૭. w૧૯.૦૬ ૪-૫ ¶૧૧

ગુરુવાર, મે ૬

“તારું સેવાકાર્ય દરેક રીતે પૂરું કરજે.”—૨ તિમો. ૪:૫.

યહોવાની સેવામાં પૂરી મહેનત કરવાની એક રીત છે કે, પ્રચારકામમાં કુશળ બનીએ. (નીતિ. ૧:૫; ૧ તિમો. ૪:૧૩, ૧૫) યહોવાના “સાથી કામદારો” બનવાનો આપણને કેટલો મોટો લહાવો મળ્યો છે! (૧ કોરીં. ૩:૯) ‘જે વધારે મહત્ત્વનું છે એ આપણે પારખવું’ જોઈએ અને યહોવાની સેવામાં પૂરું ધ્યાન આપવું જોઈએ. એમ કરીશું તો આપણે “આનંદથી યહોવાની સેવા” કરી શકીશું. (ફિલિ. ૧:૧૦; ગીત. ૧૦૦:૨) ઈશ્વરભક્તો તરીકે આપણે યહોવાની સેવા કરી શકીએ, એ માટે યહોવા બળ આપશે. ભલે ગમે એવી તકલીફો આવે તોપણ આપણે ખુશખબર ફેલાવી શકીશું. (૨ કોરીં. ૪:૧, ૭; ૬:૪) સંજોગોને લીધે ખુશખબરના કામમાં ઓછો કે વધારે સમય આપતા હોઈએ, છતાં આપણી પાસે “આનંદ કરવાનું કારણ” છે. કેમ કે આપણે પૂરા દિલથી યહોવાની સેવા કરીએ છીએ. (ગલા. ૬:૪) યહોવાની સેવામાં આપણે બનતું બધું કરવું જોઈએ. જો એમ કરીશું તો બતાવી આપીશું કે આપણે યહોવા અને ભાઈ-બહેનોને પ્રેમ કરીએ છીએ. ‘એમ કરવાથી તમે પોતાને અને તમારા સાંભળનારાને બચાવી લેશો.’—૧ તિમો. ૪:૧૬. w૧૯.૦૪ ૬ ¶૧૫; ૭ ¶૧૭

શુક્રવાર, મે ૭

“શેતાન . . . આખી દુનિયાને ખોટે માર્ગે દોરે છે.”—પ્રકટી. ૧૨:૯.

શેતાન અને દુષ્ટ દૂતો લોકોને ભમાવવા મેલીવિદ્યાનો ઉપયોગ કરે છે. મેલીવિદ્યા કરનારા દાવો કરે છે કે તેઓ પાસે એવી શક્તિ છે, જે સામાન્ય માણસો પાસે નથી. દાખલા તરીકે, અમુક લોકો દાવો કરે છે કે જ્યોતિષવિદ્યા અથવા બીજી રીતોથી તેઓ ભવિષ્ય ભાખી શકે છે. બીજા અમુક દેખાડો કરે છે કે તેઓ મરણ પામેલા લોકો સાથે વાત કરી શકે છે. અમુક લોકો જંતરમંતર, જાદુવિદ્યા અને વશીકરણ જેવાં કામો કરે છે. લૅટિન અમેરિકા અને કૅરિબિયન ટાપુના ૧૮ દેશોમાં એક સર્વે થયો હતો. એમાં જાણવા મળ્યું કે આશરે ૩૩ ટકા લોકો જાદુવિદ્યા કે જંતરમંતરમાં માને છે. આશરે ૩૩ ટકા લોકો માને છે કે આત્માઓ સાથે વાત કરવી શક્ય છે. આફ્રિકાના ૧૮ દેશોમાં પણ એક સર્વે થયો હતો. ૫૦ ટકાથી વધારે લોકોએ જણાવ્યું કે તેઓ જંતરમંતરમાં માને છે. ભલે ગમે એ દેશમાં રહેતા હોઈએ, આપણે મેલીવિદ્યાથી પોતાનું રક્ષણ કરવું જોઈએ. w૧૯.૦૪ ૨૦-૨૧ ¶૩-૪

શનિવાર, મે ૮

“ધ્યાન રાખો કે તમારામાં કોઈ વ્યભિચારી ન હોય.”—હિબ્રૂ. ૧૨:૧૬.

યહોવા દરેક પ્રકારની દુષ્ટતા ધિક્કારે છે. (ગીત. ૫:૪-૬) બાળકોનું જાતીય શોષણ, એ તો સૌથી ખરાબ કામ ગણાય. યહોવા એને ખૂબ ધિક્કારે છે. યહોવાની જેમ આપણે પણ બાળકોના શોષણને ધિક્કારીએ છીએ. મંડળમાં એવી બાબતોને આપણે જરાય ચલાવી લેતા નથી (રોમ. ૧૨:૯) બાળકનું શોષણ તો “ખ્રિસ્તના નિયમ” વિરુદ્ધ છે. (ગલા. ૬:૨) ઈસુએ એ નિયમ શીખવ્યો હતો. એ પ્રમાણે જીવીને પણ તેમણે સારો દાખલો બેસાડ્યો હતો. ખ્રિસ્તનો નિયમ પ્રેમના આધારે રચાયેલો છે અને ન્યાયને ટેકો આપે છે. ઈશ્વરભક્તો એ નિયમ પાળે છે. એટલે પોતાનાં બાળકોની સંભાળ રાખે છે. એનાથી બાળકો પ્રેમ અને સલામતી અનુભવે છે. જ્યારે બાળકનું જાતીય શોષણ થાય છે, ત્યારે તેના મનમાં ડર પેસી જાય છે. તેને લાગે કે કોઈ તેને પ્રેમ કરતું નથી, તેનું રક્ષણ કરતું નથી. બાળકનું શોષણ કરનાર વ્યક્તિ સ્વાર્થી અને ક્રૂર છે. દુઃખની વાત છે કે, ઈશ્વરભક્તો પણ ઘણી વાર એનો ભોગ બને છે. કારણ કે “દુષ્ટ માણસો અને ધુતારાઓ” વધતા જઈ રહ્યા છે. એવા લોકો મંડળમાં પગપેસારો કરવાનો પ્રયત્ન કરે છે. (૨ તિમો. ૩:૧૩) મંડળનો ભાગ હોવાનો દાવો કરનાર કેટલાકે પોતાની વાસના સંતોષવા બાળકોનું જાતીય શોષણ કર્યું છે. w૧૯.૦૫ ૮ ¶૧-૩

રવિવાર, મે ૯

“નેક માણસની વિનંતીની જોરદાર અસર થાય છે.”—યાકૂ. ૫:૧૬.

હતાશ થયેલી વ્યક્તિને પ્રાર્થના કરવી અઘરું લાગે છે. તેને લાગે કે યહોવા પાસે જવા માટે તે લાયક નથી. દિલાસો આપવા આપણે તેમનું નામ લઈને પ્રાર્થના કરાવીએ. એ વ્યક્તિ આપણને અને મંડળને કેટલી પ્રિય છે, એ વિશે પ્રાર્થનામાં યહોવાને જણાવીએ. એ વ્યક્તિને દિલાસો અને રાહત મળે એવી યહોવાને વિનંતી કરીએ. એવી પ્રાર્થનાથી ચોક્કસ દિલાસો મળે છે. બોલતા પહેલાં વિચારો. વગર વિચાર્યે બોલવાથી કોઈના દિલને ઠેસ પહોંચી શકે, પણ પ્રેમાળ શબ્દો મલમ જેવું કામ કરે છે. (નીતિ. ૧૨:૧૮) વ્યક્તિના દિલને ઠંડક પહોંચાડે એવા શબ્દો વાપરવા યહોવા પાસે મદદ માંગો. સૌથી સારી રીતે આશ્વાસન આપવા આપણે બાઇબલનો ઉપયોગ કરવો જોઈએ. (હિબ્રૂ. ૪:૧૨) બીજાઓને આશ્વાસન આપીએ છીએ ત્યારે, તેઓને યાદ કરાવીએ છીએ કે યહોવા તેઓને ખૂબ પ્રેમ કરે છે. આપણે કદી ન ભૂલીએ કે યહોવા ન્યાયી છે. ખરાબ કામ કરનારાઓ યહોવાના હાથમાંથી છટકી નહિ શકે. યહોવા બધું જ જુએ છે. પસ્તાવો ન કરનારા ખરાબ લોકોને યહોવા જરૂર શિક્ષા કરશે.—ગણ. ૧૪:૧૮. w૧૯.૦૫ ૧૮ ¶૧૮; ૧૯ ¶૧૯, ૨૧

સોમવાર, મે ૧૦

‘સાવધ રહો, કોઈ તમને ફિલસૂફી અને છેતરામણી વાતોથી ફસાવે નહિ. એ તો માણસોની માન્યતાઓ પ્રમાણે છે.’—કોલો. ૨:૮.

શેતાન ચાહે છે કે આપણે યહોવાથી દૂર જતા રહીએ. એટલે તે આપણા વિચારો બગાડવાનો પ્રયત્ન કરે છે. તે આપણને પોતાની મુઠ્ઠીમાં રાખવાનો પ્રયત્ન કરે છે. તે ચાહે છે કે આપણે તેનું કહ્યું કરીએ. તે આપણી ઇચ્છાઓને ભડકાવે છે, જેથી આપણે તેના ફાંદામાં ફસાઈ જઈએ. (કોલો. ૨:૪) જો આપણે ધ્યાન ન રાખીએ, તો શેતાનના ફાંદામાં ફસાઈ જઈ શકીએ છીએ. એટલે જ પાઊલે કોલોસીઓ ૨:૮માં ચેતવણી આપી હતી. એ ચેતવણી યહોવાને ભજતા ન હોય એવા લોકો માટે નહિ, પણ અભિષિક્ત ઈશ્વરભક્તો માટે હતી. (કોલો. ૧:૨, ૫) તેઓએ સાવચેત રહેવાનું હતું કે શેતાનના ફાંદામાં ન ફસાય. અરે, આપણે તો એ વિશે ખાસ ધ્યાન રાખવાનું છે. (૧ કોરીં. ૧૦:૧૨) શેતાનને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે. વફાદાર ઈશ્વરભક્તોને પોતાના ફાંદામાં ફસાવવા તે પૂરું જોર લગાવી રહ્યો છે. (પ્રકટી. ૧૨:૯, ૧૨, ૧૭) આપણે એવા સમયમાં જીવીએ છીએ, જ્યાં દુષ્ટ માણસો અને ધુતારાઓ “વધારે ને વધારે ખરાબ” થતા જાય છે.—૨ તિમો. ૩:૧, ૧૩. w૧૯.૦૬ ૨ ¶૧-૨

મંગળવાર, મે ૧૧

‘હવે તો બસ થયું; હે યહોવા, મારો જીવ લઈ લે.’—૧ રાજા. ૧૯:૪.

ઇઝેબેલ રાણીએ ધમકી આપી કે, તે એલિયાને મારી નાખશે. એટલે એલિયા ડરી ગયા અને બેર-શેબાના વિસ્તારમાં ભાગી ગયા. તે એટલા નિરાશ થઈ ગયા કે તેમણે ‘મોત માંગ્યું.’ એલિયાને કેમ એવું લાગ્યું? એલિયા “આપણા જેવા જ માણસ હતા.” (યાકૂ. ૫:૧૭) ચિંતા અને થાકના બોજ તળે તે દબાઈ ગયા હતા. યહોવાની ભક્તિ કરવા તે લોકોને મદદ કરતા હતા. તેમને લાગ્યું હશે કે, ‘મારી બધી મહેનત પાણીમાં ગઈ. ઇઝરાયેલના લોકો તો હજુયે એવાને એવા જ છે, જરાય સુધર્યા નથી.’ એલિયાને થયું હશે કે તેમના સિવાય બીજું કોઈ યહોવાની ભક્તિ કરતું નથી. (૧ રાજા. ૧૮:૩, ૪, ૧૩; ૧૯:૧૦, ૧૪) યહોવા એલિયાની લાગણીઓ સમજતા હતા એટલે એલિયાને ઠપકો ન આપ્યો. પણ તેમની હિંમત બંધાવી. (૧ રાજા. ૧૯:૫-૭) સમય જતાં, તેમણે પોતાની અદ્‍ભુત શક્તિની એલિયાને ઝલક આપી. આમ, એલિયાને પોતાના વિચારો સુધારવા મદદ મળી. યહોવાએ તેમને જણાવ્યું કે ઇઝરાયેલમાં હજુ ૭,૦૦૦ લોકો છે, જેઓએ બઆલની ભક્તિ કરવાની ના પાડી હતી. (૧ રાજા. ૧૯:૧૧-૧૮) આમ, યહોવાએ એલિયાને બતાવી આપ્યું કે, તે એલિયાને પ્રેમ કરે છે. w૧૯.૦૬ ૧૫-૧૬ ¶૫-૬

બુધવાર, મે ૧૨

“મોટી ઉંમરના ભાઈઓને આધીન રહો. તમે બધા એકબીજા સાથે નમ્ર રીતે વર્તો, કેમ કે ઈશ્વર અભિમાની લોકોનો વિરોધ કરે છે.”—૧ પીત. ૫:૫.

હંમેશાં માર્ગદર્શન પ્રમાણે ચાલો. આપણે જવાબદાર ભાઈઓના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ. જો એમ કરીશું તો મુશ્કેલીઓ ટાળી શકીશું. દાખલા તરીકે, એક દેશમાં આપણા કામ પર પ્રતિબંધ છે. જવાબદાર ભાઈઓએ પ્રકાશકોને જણાવ્યું હતું કે ખુશખબર જણાવતી વખતે છાપેલું સાહિત્ય આપવું નહિ. એક પાયોનિયર ભાઈ એ માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા નહિ અને તેમણે લોકોને સાહિત્ય આપ્યું. એનું શું પરિણામ આવ્યું? બન્યું એવું કે પોલીસ સાક્ષીઓની પાછળ પાછળ આવી રહી હતી. ભાઈએ આપેલું સાહિત્ય તેઓએ જપ્ત કરી લીધું. તે ભાઈ અને બીજાં ભાઈ-બહેનોએ ખુશખબર ફેલાવવાનું પૂરું કર્યું. પણ ત્યાં પોલીસ આવી અને તેઓની પૂછપરછ કરવા લાગી. આ અનુભવથી આપણે શું શીખી શકીએ? ભલે લાગતું હોય કે આપણને વધારે ખબર છે, તોપણ સંગઠનના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ. યહોવાએ ભાઈઓને આપણી દેખરેખ રાખવાની જવાબદારી આપી છે. એ ભાઈઓના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ છીએ ત્યારે યહોવા ઘણા ખુશ થાય છે.—હિબ્રૂ. ૧૩:૭, ૧૭. w૧૯.૦૭ ૧૨ ¶૧૭

ગુરુવાર, મે ૧૩

“જેઓ ખ્રિસ્ત ઈસુના શિષ્યો બનીને ભક્તિભાવથી જીવવા ચાહે છે, તેઓ બધાની ચોક્કસ સતાવણી થશે.”—૨ તિમો. ૩:૧૨.

ઈસુ મરણ પામ્યા એની આગલી રાતે તેમણે એક વાત જણાવી હતી. તેમણે જણાવ્યું કે જેઓ તેમના શિષ્યો બનવા માંગશે, તેઓને ધિક્કારવામાં આવશે. (યોહા. ૧૭:૧૪) આજ સુધી એવું જ થતું આવ્યું છે. યહોવાને ન ભજનારા લોકો વફાદાર ભક્તોની સતાવણી કરતા આવ્યા છે. જેમ જેમ આ દુનિયાનો અંત નજીક આવતો જશે, તેમ તેમ આપણા દુશ્મનોનો વિરોધ વધતો જશે. (માથ. ૨૪:૯) સતાવણી માટે કઈ રીતે પોતાને તૈયાર કરી શકીએ? આપણી સાથે થનાર એકેએક ખરાબ બાબત વિશે વિચારવા બેસી ન જવું જોઈએ. એમ કરીશું તો ડર અને ચિંતામાં ડૂબી જઈશું. એટલી હદે કે કોઈ મુશ્કેલી આવે એ પહેલાં જ યહોવાની ભક્તિ છોડી દઈશું. (નીતિ. ૧૨:૨૫; ૧૭:૨૨) આપણો “દુશ્મન શેતાન” આપણી વિરુદ્ધ એક શક્તિશાળી હથિયાર વાપરે છે, એ છે ડર. (૧ પીત. ૫:૮, ૯) એટલે હમણાંથી જ યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવો જરૂરી છે. w૧૯.૦૭ ૨ ¶૧-૩

શુક્રવાર, મે ૧૪

“એ માટે જાઓ, સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો.”—માથ. ૨૮:૧૯.

શિષ્યો પહાડ પર ભેગા થયા ત્યારે તેઓના મનમાં તાલાવેલી થતી હતી. સજીવન થયા પછી ઈસુએ તેઓને ત્યાં મળવા બોલાવ્યા હતા. (માથ. ૨૮:૧૬) કદાચ એ પ્રસંગે “તે ૫૦૦ કરતાં વધારે ભાઈઓને એક સાથે દેખાયા.” (૧ કોરીં. ૧૫:૬) ઈસુએ શિષ્યોને શા માટે બોલાવ્યા હતા? ઈસુ તેઓને આ ખાસ આજ્ઞા આપવા માંગતા હતા: “એ માટે જાઓ, સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો.” (માથ. ૨૮:૧૮-૨૦) જે શિષ્યોએ ઈસુની આજ્ઞા પાળી, તેઓ પ્રથમ સદીના મંડળનો ભાગ બન્યા. એ મંડળની સૌથી મોટી જવાબદારી હતી, બીજા લોકોને ખ્રિસ્તના શિષ્યો બનાવવા. આજે દુનિયા ફરતે લાખો મંડળો છે. બધાં મંડળોની પણ એ જ જવાબદારી છે. w૧૯.૦૭ ૧૪ ¶૧-૨

શનિવાર, મે ૧૫

“પૃથ્વી સદા ટકી રહે છે.”—સભા. ૧:૪.

નોર્વેના એક સરકીટ નિરીક્ષક જણાવે છે કે, અમુક લોકોને ઈશ્વર વિશે વાત કરવી ગમતું નથી, પણ મોટા ભાગે તેઓ પૃથ્વીના સંજોગો વિશે વાત કરવા તૈયાર હોય છે. વ્યક્તિને કેમ છો કહ્યા પછી ભાઈ જણાવે છે: “સારા ભાવિ વિશે તમને શું લાગે છે? એ માટે કોના પર ભરોસો રાખી શકાય, નેતાઓ, વૈજ્ઞાનિકો કે બીજું કોઈ?” વ્યક્તિની વાત સાંભળ્યા પછી, તે સારા ભાવિ વિશેની કલમ વાંચે છે અથવા એ મોઢે જણાવે છે. ઘણા લોકોને બાઇબલમાં આપેલું વચન જાણીને નવાઈ લાગે છે કે, પૃથ્વી કાયમ માટે રહેશે. સારા લોકો હંમેશાં એમાં રહેશે. (ગીત. ૩૭:૨૯) લોકો સાથે વાત કરવા અલગ અલગ રીતો વાપરીએ. એનું કારણ છે કે, એક વ્યક્તિને જે બાબત ગમે, એ જરૂરી નથી કે બીજાને પણ ગમે. અમુક લોકોને ઈશ્વર કે બાઇબલ વિશે વાત કરવામાં વાંધો હોતો નથી. જ્યારે કે બીજાઓને શરૂઆતમાં બીજી બાબતો વિશે વાત કરવી હોય છે. બધા લોકો સાથે વાત કરવાની તક શોધવી જોઈએ. (રોમ. ૧:૧૪-૧૬) યહોવા નમ્ર લોકોનાં દિલમાં સત્ય માટે પ્રેમ જગાડે છે.—૧ કોરીં. ૩:૬, ૭. w૧૯.૦૭ ૨૩ ¶૧૦-૧૧

રવિવાર, મે ૧૬

“જો ઈશ્વરે આપણને આ રીતે પ્રેમ કર્યો હોય, તો આપણી પણ ફરજ છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ.”—૧ યોહા. ૪:૧૧.

ઈશ્વરે બતાવેલા પ્રેમથી આપણે ભાઈ-બહેનોને પ્રેમ કરવા પ્રેરાઈએ છીએ. (૧ યોહા. ૪:૨૦, ૨૧) આપણે કદાચ વિચારીશું, ભાઈ-બહેનોને પ્રેમ કરવો તો સહેલું છે. કેમ કે આપણે યહોવાના ભક્તો છીએ અને તેમના જેવા ગુણો કેળવવા ચાહીએ છીએ. આપણે ઈસુના દાખલાને અનુસરવા માંગીએ છીએ. ઈસુએ એટલો પ્રેમ બતાવ્યો કે આપણા માટે જીવ આપી દીધો. કેટલીક વાર એકબીજા માટે પ્રેમ બતાવવો અઘરું લાગે છે. યુવદિયા અને સુન્તુખે ઉત્સાહી બહેનો હતી. તેઓએ પ્રેરિત પાઊલ સાથે “ખભેખભા મિલાવીને” કામ કર્યું હતું. પણ કદાચ તેઓ વચ્ચે કોઈ વાતને લીધે તકરાર થઈ. એના લીધે મિત્રતા તૂટી ગઈ. પાઊલે ફિલિપીઓને પત્ર લખ્યો, જેમાં તેમણે યુવદિયા અને સુન્તુખેનું નામ લઈને સલાહ આપી કે “તેઓ પ્રભુમાં એક મનની થાય.” (ફિલિ. ૪:૨, ૩) પાઊલને લાગ્યું કે આખા મંડળને એવી સલાહની જરૂર છે. તેમણે કહ્યું: “બધાં કામ કચકચ અને દલીલ કર્યા વગર કરો.”—ફિલિ. ૨:૧૪ w૧૯.૦૮ ૯ ¶૬-૭

સોમવાર, મે ૧૭

“એકબીજાનો ભાર ઊંચકતા રહો.”—ગલા. ૬:૨.

ખુશીની વાત છે કે, ઘણાં મંડળો અને ભાઈ-બહેનો પૂરા સમયના સેવકોને મદદ કરે છે. એનાથી તેઓ પોતાની સોંપણી ચાલુ રાખી શકે છે. ભાઈ-બહેનો ઉત્તેજન આપે છે, પૈસા કે વસ્તુઓ પૂરી પાડે છે અને કુટુંબના સભ્યોની દેખભાળ રાખે છે. નવી સોંપણી મળવાને લીધે પૂરા સમયના સેવક તમારા મંડળમાં આવે ત્યારે શું? એમ ન વિચારશો કે તેમની જૂની સોંપણી તે બરાબર કરતા નહિ હોય અથવા તેમણે કંઈ ખોટું કર્યું હશે. એના બદલે, નવી સોંપણીમાં તેઓને મદદ કરો. દિલથી આવકારો. ભલે તબિયતને લીધે તેઓ વધારે કરી શકતા ન હોય, પણ યહોવાની સેવામાં તેઓએ કરેલાં કામોની પ્રશંસા કરો. તેઓના મિત્ર બનો. તેઓનાં જ્ઞાન, તાલીમ અને અનુભવમાંથી શીખો. જેઓને નવી સોંપણી મળી છે, તેઓને તમારી મદદની જરૂર પડી શકે. સૌથી પહેલાં તો ઘર અને નોકરી શોધવા, આવવા-જવા અને બીજી જીવન-જરૂરી બાબતો માટે તેઓને મદદની જરૂર પડી શકે. w૧૯.૦૮ ૨૩-૨૪ ¶૧૨-૧૩

મંગળવાર, મે ૧૮

“હે ગોગ, હું તારા વડે પવિત્ર મનાઈશ, અને ત્યારે તેઓ મને ઓળખશે.”—હઝકી. ૩૮:૧૬.

ગોગનો ભરોસો ‘માણસોની શક્તિ’ પર હશે, એટલે કે પોતાનાં મોટાં સૈન્યો પર. (૨ કાળ. ૩૨:૮) આપણે યહોવા ઈશ્વર પર ભરોસો રાખીશું. દેશોને લાગશે કે આપણે મૂર્ખામી કરી રહ્યા છીએ. કેમ કે, શક્તિશાળી ગણાતા મહાન બાબેલોનનો વિનાશ થઈ ગયો હશે. તેના દેવો તેને “જંગલી જાનવર” અને ‘દસ શિંગડાંથી’ બચાવી શક્યા નથી. તેથી, દેશોને થતું હશે કે એની સામે યહોવાના લોકોની શું વિસાત! (પ્રકટી. ૧૭:૧૬) ગોગને લાગશે કે તે યહોવાના ભક્તોને ચપટીમાં મસળી નાખશે. ‘દેશને ઢાંકી દેનાર વાદળની જેમ’ તે યહોવાના લોકો પર હુમલો કરશે. પણ, તેને ખબર પડશે કે તે તો ફસાઈ ગયો છે. તેને ફારૂનની જેમ ભાન થશે કે પોતે મોટી ભૂલ કરી છે. લાલ સમુદ્રમાં ફારૂનને ખબર પડી હતી કે, તે તો યહોવા સામે લડી રહ્યો છે. (નિર્ગ. ૧૪:૧-૪; હઝકી. ૩૮:૩, ૪, ૧૮, ૨૧-૨૩) ખ્રિસ્ત અને સ્વર્ગદૂતોનું સૈન્ય ઈશ્વરના લોકોને બચાવશે. તેઓ દેશો અને તેઓનાં સૈન્યોનો પૂરેપૂરો નાશ કરશે. (પ્રકટી. ૧૯:૧૧, ૧૪, ૧૫) જૂઠું બોલીને ઈશ્વરના લોકો પર હુમલો કરવા દેશોને ઉશ્કેરનાર શેતાનનું શું થશે? યહોવાના મુખ્ય દુશ્મન શેતાન અને તેના દુષ્ટ દૂતોને ઈસુ અનંત ઊંડાણમાં નાખી દેશે. હજાર વર્ષ સુધી તેઓને ત્યાંથી છોડવામાં આવશે નહિ.—પ્રકટી. ૨૦:૧-૩. w૧૯.૦૯ ૧૧-૧૨ ¶૧૪-૧૫

બુધવાર, મે ૧૯

“તેની વાટ જો; કેમ કે તે નક્કી આવશે.”—હબા. ૨:૩.

યહોવાએ જે સારી બાબતોનું વચન આપ્યું છે, એની આપણે આશા રાખીએ છીએ. કેટલીક વખત આપણે ધાર્યું હોય કે અમુક બાબતો થશે. પણ એમાં મોડું થાય ત્યારે આપણો ઉત્સાહ નબળો પડી શકે. આપણે સાવ ભાંગી પડીએ. (નીતિ. ૧૩:૧૨) ૧૯૧૪ની આસપાસનાં વર્ષોમાં પણ એવું જ બન્યું હતું. ઘણા અભિષિક્તોને આશા હતી કે, ૧૯૧૪માં તેઓને સ્વર્ગનું ઇનામ મળશે. ધાર્યું હતું એ પ્રમાણે ન થયું ત્યારે ઈશ્વરભક્તોએ શું કર્યું? તેઓએ જીવનની દોડમાં હાર ન માની કારણ કે તેઓનો મુખ્ય ધ્યેય સ્વર્ગનું ઇનામ મેળવવાનો નહિ, પણ ઈશ્વરની ઇચ્છા વફાદારીથી પૂરી કરવાનો હતો. આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા પોતાના નામ પર લાગેલો બટ્ટો દૂર કરશે. તે સાબિત કરશે કે ફક્ત તેમને જ રાજ કરવાનો હક છે. તે પોતાનાં બધાં વચનો પૂરાં કરશે. ખાતરી રાખો કે યહોવા પોતાના સમયે આ બધી બાબતો પૂરી કરશે. ત્યાં સુધી યહોવાની સેવામાં મંડ્યા રહીએ. ધાર્યું હોય એવું ન થાય ત્યારે નિરાશ ન થઈએ. જીવનની દોડમાં ધીમા ન પડીએ. w૧૯.૦૮ ૪-૫ ¶૯-૧૦

ગુરુવાર, મે ૨૦

“હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું.”—માથ. ૧૧:૨૯.

આ સવાલોનો વિચાર કરો: “શું બીજાઓ મને પ્રેમાળ અને નમ્ર ગણે છે? બીજાઓને મદદ કરવા શું હું ખુશીથી નાનાં નાનાં કામ કરું છું? શું હું બીજાઓ સાથે પ્રેમથી વર્તું છું?” સાથે કામ કરનારાઓ માટે ઈસુ શાંત અને હળવો માહોલ રાખતા. તેઓને તાલીમ આપવાનું ઈસુને ગમતું. (લુક ૧૦:૧, ૧૯-૨૧) ઈસુના શિષ્યો ડર્યા વગર તેમને સવાલો પૂછી શકતા અને ઈસુ તેઓની વાત સાંભળવા હંમેશાં તૈયાર રહેતા. (માથ. ૧૬:૧૩-૧૬) જો ખરાબ હવામાનથી છોડનું રક્ષણ કરવામાં આવે, તો એ ફૂલેફાલે છે. એવી જ રીતે, ઈસુની પ્રેમાળ દેખરેખને લીધે શિષ્યો પણ ખીલી ઊઠ્યા હતા. ઈસુએ શીખવેલા બોધપાઠ પર તેઓએ ધ્યાન આપ્યું અને તેઓએ ફળ આપ્યાં, એટલે કે સારાં કાર્યો કર્યાં. શું તમારી પાસે અધિકાર છે? તો આ સવાલોનો વિચાર કરો: “કામની જગ્યાએ અને ઘરે હું કેવો માહોલ રાખું છું? શું હું શાંત માહોલ રાખું છું? શું હું બીજાઓને સવાલો પૂછવાનું કહું છું? તેઓની વાત સાંભળવા શું હું તૈયાર હોઉં છું?” ફરોશીઓને સવાલો પૂછવામાં આવે તો તેઓને રીસ ચઢતી. તેઓની હામાં હા ન મિલાવનારને તેઓ હેરાન કરતા. આપણે ક્યારેય તેઓના જેવા બનવા માંગતા નથી, ખરું ને!—માર્ક ૩:૧-૬; યોહા. ૯:૨૯-૩૪. w૧૯.૦૯ ૨૦ ¶૧; ૨૩ ¶૯-૧૧

શુક્રવાર, મે ૨૧

“જ્યારે લોકો કહેતા હશે કે, “શાંતિ અને સલામતી છે!” ત્યારે અચાનક તેઓ પર અણધાર્યો વિનાશ આવી પડશે.”—૧ થેસ્સા. ૫:૩.

જ્યારે દુનિયાના નેતાઓ બધા દેશો વચ્ચેના સંબંધો સુધારવાની વાત કરે છે, ત્યારે પણ આ જ શબ્દો વાપરે છે. પણ બાઇબલમાં જે ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત વિશે જણાવ્યું છે, એ તો એનાથી અલગ છે. એ જાહેરાત કરવામાં આવશે ત્યારે, ઘણા લોકોને લાગશે કે નેતાઓ આ દુનિયામાં સલામતી લાવવામાં સફળ થયા છે. પણ હકીકતમાં “મહાન વિપત્તિ” શરૂ થયા પછી “અણધાર્યો વિનાશ” આવી પડશે. (માથ. ૨૪:૨૧) પણ આપણે અમુક બાબતો વિશે જાણતા નથી. જેમ કે, નેતાઓ કયા કારણને લીધે એ જાહેરાત કરશે? કઈ રીતે જાહેરાત કરશે? એક જ વાર મોટી જાહેરાત કરશે કે પછી એકથી વધારે વખત જાહેરાત કરશે? ભલે ગમે એ થાય, આપણે એટલું તો જાણીએ છીએ કે, નેતાઓ દુનિયામાં કદી શાંતિ લાવી શકશે નહિ. એટલે આપણે ક્યારેય એ જાહેરાતને સાચી માનીશું નહિ. એનાથી ખબર પડશે કે હવે “યહોવાનો દિવસ” જલદી જ શરૂ થવાનો છે.—૧ થેસ્સા. ૫:૨. w૧૯.૧૦ ૯ ¶૩-૪

શનિવાર, મે ૨૨

‘તે સમયે તારા લોકોનો બચાવ થશે.’—દાની. ૧૨:૧.

આર્માગેદનના યુદ્ધથી દુષ્ટ દુનિયાનો અંત આવશે. પણ આપણે ડરવાની જરૂર નથી. કારણ કે એ તો ઈશ્વરની લડાઈ હશે, આપણે લડવું નહિ પડે. (નીતિ. ૧:૩૩; હઝકી. ૩૮:૧૮-૨૦; ઝખા. ૧૪:૩) યહોવા આજ્ઞા આપશે ત્યારે ઈસુ ખ્રિસ્ત લડાઈ કરવા નીકળી પડશે. તેમની સાથે કરોડો દૂતો અને સજીવન થયેલા અભિષિક્તો હશે. એ બધા મળીને શેતાન, તેના દુષ્ટ દૂતો અને પૃથ્વી પરના તેના સૈન્ય સામે યુદ્ધ લડશે. (પ્રકટી. ૬:૨; ૧૭:૧૪) યહોવાએ ખાતરી આપી છે, ‘તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સફળ થશે નહિ.’ (યશા. ૫૪:૧૭) યહોવાના વફાદાર ભક્તોનું બનેલું ‘મોટું ટોળું મહાન વિપત્તિમાંથી નીકળી આવશે.’ તેઓ યહોવાની શુદ્ધ ભક્તિ કરવાનું ચાલુ રાખશે. (પ્રકટી. ૭:૯, ૧૩-૧૭) બાઇબલમાં ઘણાં કારણો આપેલાં છે, જેનાથી ખાતરી મળે છે કે આપણે ચોક્કસ બચી જઈશું. આપણે જાણીએ છીએ, ‘યહોવા વિશ્વાસુ લોકોનું રક્ષણ કરે છે.’ (ગીત. ૩૧:૨૩) યહોવાના નામ પર લાગેલો બટ્ટો દૂર થશે. એ જોઈને યહોવાને પ્રેમ કરનારા અને મહિમા આપનારા લોકો ઘણા ખુશ થશે.—હઝકી. ૩૮:૨૩. w૧૯.૧૦ ૧૮-૧૯ ¶૧૭-૧૮

રવિવાર, મે ૨૩

“મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે.”—નીતિ. ૧૭:૧૭.

આપણે ‘છેલ્લા દિવસોના’ અંતમાં જીવીએ છીએ. એટલે આપણા પર મુશ્કેલીઓનું મોજું આવી શકે. (૨ તિમો. ૩:૧) ચાલો પશ્ચિમ આફ્રિકાના એક દેશ વિશે જોઈએ. ચૂંટણી પછી ત્યાં ખૂબ હિંસા થઈ હતી. છએક મહિનાઓ સુધી ભાઈ-બહેનો ઘણા કપરા સંજોગોમાં હતા. કેમ કે આસપાસ બધા લોકો લડી રહ્યા હતા. ભાઈ-બહેનો કઈ રીતે એ મુશ્કેલીનો સામનો કરી શક્યાં? તેઓ એવાં ભાઈ-બહેનોને ત્યાં રહ્યાં, જેઓનું ઘર સલામત વિસ્તારમાં હતું. એક ભાઈએ કહ્યું: ‘મને ખુશી છે કે એવા સંજોગોમાં પણ મિત્રો મારી સાથે હતા. અમે એકબીજાની હિંમત બંધાવતા હતા.’ જો હમણાં આપણી પાસે પ્રેમાળ મિત્રો હશે, તો “મહાન વિપત્તિ” શરૂ થશે ત્યારે તેઓનું મહત્ત્વ સમજાશે. (પ્રકટી. ૭:૧૪) એટલે ખૂબ જરૂરી છે કે હમણાં જ મિત્રો સાથે દોસ્તી કેળવીએ. (૧ પીતર ૪:૭, ૮) શા માટે? આપણા દુશ્મનો જૂઠાણું ફેલાવીને આપણી વચ્ચે ભાગલા પાડવાની કોશિશ કરશે. આપણે એકબીજાની વિરુદ્ધ થઈ જઈએ માટે ભલે તેઓ લાખ પ્રયત્ન કરે, પણ તેઓની બધી મહેનત પાણીમાં જશે. તેઓ આપણા પ્રેમના બંધનને તોડી શકશે નહિ. w૧૯.૧૧ ૨ ¶૧-૨; ૭ ¶૧૯

સોમવાર, મે ૨૪

“દુષ્ટનાં સળગતાં બધાં તીર તમે હોલવી શકો.”—એફે. ૬:૧૬.

શેતાન “જૂઠાનો બાપ” છે. દુનિયાના લોકો તેની મુઠ્ઠીમાં છે. શેતાન તેઓનો ઉપયોગ કરીને યહોવા અને આપણાં ભાઈ-બહેનો વિશે અફવાઓ ફેલાવે છે. (યોહા. ૮:૪૪) જેમ કે, જે લોકોએ સત્ય છોડી દીધું છે, તેઓ યહોવાના સંગઠન વિશે અફવાઓ ફેલાવે છે. તેઓ યહોવાના સંગઠન વિશેની હકીકતોને મારી-મચકોડીને લોકો સામે રજૂ કરે છે. એ બધા માટે તેઓ વેબસાઇટ, ટીવી, રેડિયો, પેપર અને બીજાં માધ્યમોનો ઉપયોગ કરે છે. એ અફવાઓ તો જાણે શેતાન તરફથી આવતાં ‘સળગતાં તીર’ છે. એવી અફવાઓ વિશે કોઈ આપણી સાથે વાત કરવા લાગે તો શું કરીશું? આપણે એ સાંભળીશું નહિ. કારણ કે યહોવા અને ભાઈ-બહેનો પર આપણને પૂરો ભરોસો છે. સત્ય છોડી જનારા લોકોથી આપણે દૂર રહીશું. તેઓની વાતો જાણવાની આપણને તાલાવેલી થાય તોપણ તેઓ સાથે જરાય દલીલ કરીશું નહિ. એનાથી આપણી શ્રદ્ધા નબળી પડી શકે છે. સત્યને છોડી જનારા લોકો અફવાઓ ફેલાવે ત્યારે શું તમે એ સાંભળવાનું ટાળ્યું છે? તેઓ સાથે દલીલો કરવાનું ટાળ્યું છે? જો એમ કરો છો તો એ સારી બાબત છે. પણ આપણે સાવચેત રહેવું જોઈએ. કારણ કે શેતાનની પાસે જાતજાતનાં હથિયારો છે, જે આપણી સામે વાપરવાનો તે પ્રયત્ન કરે છે. w૧૯.૧૧ ૧૫ ¶૮; ૧૬ ¶૧૧

મંગળવાર, મે ૨૫

“યહોવા માણસના ઈરાદાઓ પારખે છે.”—નીતિ. ૧૬:૨, કોમન લેંગ્વેજ.

નિર્ણય લેતી વખતે આપણા ઇરાદાઓ તપાસીએ. આપણે બધી બાબતોમાં પ્રમાણિક રહીએ એવું યહોવા ચાહે છે. એ નિર્ણય પાછળ આપણો ઇરાદો શું છે એ વિશે પ્રમાણિક રહીએ. બીજાઓને પણ આપણા ઇરાદા વિશે પ્રમાણિકતાથી જણાવીએ. જો આપણે પૂરેપૂરી રીતે પ્રમાણિક નહિ હોઈએ, તો નિર્ણયો પ્રમાણે પગલાં ભરવાં અઘરું લાગશે. દાખલા તરીકે, એક યુવાન ભાઈ નિયમિત પાયોનિયર બનવાનું નક્કી કરે છે. થોડા સમય પછી પ્રચારના કલાકો પૂરા કરવા ભાઈને અઘરું લાગે છે. ખુશખબરના કામમાં હવે તેને પહેલાં જેટલી ખુશી મળતી નથી. તેણે વિચાર્યું હશે કે યહોવાને ખુશ કરવા તે પાયોનિયર સેવા કરી રહ્યો છે. પણ હકીકતમાં તો તે માતાપિતા કે પછી બીજા કોઈને ખુશ કરવા એમ કરતો હતો. ચાલો એક બાઇબલ વિદ્યાર્થીનો વિચાર કરીએ. તેણે નક્કી કર્યું કે સિગારેટ છોડી દેશે. શરૂઆતમાં એક-બે અઠવાડિયા અઘરું લાગ્યું તોપણ સિગારેટથી તે દૂર રહ્યો. પણ ફરીથી તે એ લતે ચઢી ગયો. આખરે સિગારેટ છોડવામાં તે સફળ થયો. તે દિલથી યહોવાને પ્રેમ કરતો હતો અને તેમને ખુશ કરવા માંગતો હતો. એટલે તે એ લત છોડી શક્યો.—કોલો. ૧: ૧૦; ૩: ૨૩. w૧૯.૧૧ ૨૭ ¶૯; ૨૯ ¶૧૦

બુધવાર, મે ૨૬

‘ખ્રિસ્ત ઈસુ વિશેની ખુશખબરને યોગ્ય હોય એવા નાગરિકોની જેમ જીવો.’—ફિલિ. ૧:૨૭, ફૂટનોટ.

પાઊલને પૂરો ભરોસો હતો કે તે દોડ પૂરી કરીને પોતાના ધ્યેયને પહોંચી વળશે. અભિષિક્ત ખ્રિસ્તી તરીકે તેમને ‘ઈશ્વર તરફથી સ્વર્ગના આમંત્રણનું ઇનામ’ મળવાનું હતું. તે જાણતા હતા કે એ ધ્યેય પૂરો કરવા ‘મંડ્યા’ રહેવું પડશે. (ફિલિ. ૩:૧૪) ફિલિપીનાં ભાઈ-બહેનો ધ્યેય પર પૂરું મન લગાવી શકે માટે પાઊલે સરસ ઉદાહરણ જણાવ્યું હતું. પાઊલે ફિલિપીનાં ભાઈ-બહેનોને યાદ અપાવ્યું કે તેઓ સ્વર્ગના નાગરિક બનવાનાં છે. (ફિલિ. ૩:૨૦) તેઓએ શા માટે એ યાદ રાખવાનું હતું? એ જમાનામાં રોમન નાગરિકોને ઘણા ફાયદા મળતા હતા. એટલે ઘણા લોકો રોમન નાગરિક બનવાનું સપનું જોતા હતા. અભિષિક્ત ખ્રિસ્તીઓને તો એનાથી પણ વધારે સારી નાગરિકતા મળવાની હતી. એનાથી તેઓને વધારે ફાયદા મળવાના હતા. સ્વર્ગની નાગરિકતાની સામે રોમન નાગરિકતા કંઈ વિસાતમાં ન હતી! સ્વર્ગમાં હંમેશાંનું જીવન મેળવવાનો અભિષિક્ત ખ્રિસ્તીઓનો ધ્યેય છે. એ ધ્યેય પૂરો કરવા તેઓ મંડ્યા રહે છે. તેઓનો દાખલો જોરદાર છે! w૧૯.૦૮ ૬ ¶૧૪-૧૫

ગુરુવાર, મે ૨૭

“જો દીકરો તમને આઝાદ કરે, તો તમે ખરેખર આઝાદ થશો.”—યોહા. ૮:૩૬.

એ આઝાદી ઇઝરાયેલીઓને જુબિલીના વર્ષે મળતી આઝાદી કરતાં અનેક ગણી સારી હતી. (લેવી. ૨૫:૮-૧૨) દાખલા તરીકે, જુબિલી વર્ષમાં આઝાદ થનાર ગુલામ કદાચ ફરી પાછો ગુલામીમાં જતો. સમય જતાં તે મરી જતો. પણ ઈસુ જે આઝાદી અપાવે છે, એ હંમેશ માટે રહેશે. સાલ ૩૩માં પચાસમાના દિવસે યહોવાએ પવિત્ર શક્તિથી પ્રેરિતોને અને બીજાં વફાદાર સ્ત્રી-પુરુષોને અભિષિક્ત કર્યા હતા. તેઓને ઈશ્વરે દત્તક લીધા, જેથી તેઓ સજીવન થઈને સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરી શકે. (રોમ. ૮:૨, ૧૫-૧૭) તેઓને સૌથી પહેલા આઝાદી મળી હતી. એ આઝાદી વિશે ઈસુએ નાઝરેથના સભાસ્થાનમાં કહ્યું હતું. (લુક ૪:૧૬-૧૯, ૨૧) તેઓ હવે યહુદી ધર્મગુરુઓનાં ખોટાં શિક્ષણ અને રીત-રિવાજોથી આઝાદ હતા. ઈશ્વરે તેઓને મરણ તરફ લઈ જતા પાપમાંથી આઝાદ થવાને પણ લાયક ગણ્યા હતા. સાલ ૩૩માં ખ્રિસ્તના શિષ્યોને અભિષિક્ત કરવામાં આવ્યા ત્યારે, યહોવાએ કરેલી આઝાદીની ગોઠવણ શરૂ થઈ. ઈસુના હજાર વર્ષના રાજને અંતે એ ગોઠવણ પૂરી થશે. w૧૯.૧૨ ૧૧ ¶૧૧-૧૨

શુક્રવાર, મે ૨૮

“ખરાબ સંગત સારા સંસ્કારને બગાડે છે.”—૧ કોરીં. ૧૫:૩૩.

માતાપિતાઓ, સારા મિત્રો પસંદ કરવા બાળકોને મદદ કરો. માતાપિતાને ખબર હોવી જોઈએ કે બાળકો શું કરી રહ્યાં છે અને તેઓના મિત્રો કોણ છે. માતાપિતા જાણતા હોવા જોઈએ કે બાળકો સોશિયલ મીડિયા અને મોબાઇલ પર કોની સાથે વાત કરી રહ્યાં છે. એવા લોકોની બાળકોનાં વિચારો અને વર્તન પર અસર થઈ શકે છે. ઘણાં માબાપ પ્રયત્ન કરે છે કે તેઓનાં બાળકો એવાં ભાઈ-બહેનો સાથે હળે-મળે, જેઓએ ઈશ્વરભક્તિમાં સારો દાખલો બેસાડ્યો છે. ચાલો એક દાખલો જોઈએ. એન્દનીભાઈ અને બોમેનબહેન કોટ ડી આઈવોરમાં રહે છે. તેઓ અવારનવાર પોતાના ઘરે સરકીટ નિરીક્ષકને રાખે છે. ભાઈ જણાવે છે: ‘એનાથી અમારા દીકરા પર ઘણી સારી અસર પડી. તેણે પાયોનિયર સેવા શરૂ કરી. હવે તે થોડા સમય માટેના સરકીટ નિરીક્ષક તરીકે કામ કરે છે.’ બને એટલું જલદી બાળકોને તાલીમ આપવાનું શરૂ કરો. માબાપ જેટલું જલદી બાળકોને તાલીમ આપવાનું શરૂ કરશે એટલું સારું રહેશે. (નીતિ. ૨૨:૬) તિમોથીનો દાખલો જોઈએ. તિમોથીના માતા યુનીકે અને નાનીમા લોઈસે તેમને “બાળપણથી” તાલીમ આપી હતી.—૨ તિમો. ૧:૫; ૩:૧૫. w૧૯.૧૨ ૨૫ ¶૧૪, ૧૬; ૨૬ ¶૧૭

શનિવાર, મે ૨૯

“એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે.”—નીતિ. ૧૮:૨૪.

તુખિકસની જેમ આપણે પણ ભાઈ-બહેનોના એવા મિત્ર બની શકીએ, જેના પર તેઓ ભરોસો મૂકી શકે. જેમ કે, આપણે ફક્ત તેમની મદદ કરવાનું વચન જ ન આપીએ, પણ સાચે તેમની મદદ કરીએ. (માથ. ૫:૩૭; લુક ૧૬:૧૦) ભાઈ-બહેનોને ખબર પડે કે તકલીફોમાં તેઓ આપણા પર ભરોસો મૂકી શકે છે ત્યારે, તેઓનાં દિલને રાહત મળે છે! એક બહેન જણાવે છે કે, ‘આપણને એવી ચિંતા થતી નથી કે જે ભાઈ કે બહેને મદદ કરવાનું વચન આપ્યું છે, તે છેલ્લી ઘડીએ ફરી જશે.’ કસોટીમાં હોઈએ કે નિરાશ હોઈએ ત્યારે, કોઈ પાકા મિત્ર સાથે વાત કરવાથી મન હળવું થાય છે, દિલાસો મળે છે. કોઈ આપણા પર ભરોસો મૂકી શકે એવા મિત્ર બનવા ધીરજની જરૂર હોય છે. ઝેનાબેનના પતિ તેમને છોડીને જતા રહ્યા. એ વખતે પાકા મિત્રોને લાગણીઓ જણાવવાથી ઝેનાબેનને ઘણો દિલાસો મળ્યો. એ મિત્રો વિશે તે જણાવે છે: ‘હું એકની એક વાત વારંવાર કહેતી તોપણ તેઓ ધીરજથી મારી વાત સાંભળતા.’ આપણે પણ સારા સાંભળનાર બનીશું તો સારા મિત્ર બની શકીશું. w૨૦.૦૧ ૧૦-૧૧ ¶૯-૧૧

રવિવાર, મે ૩૦

“તે જન્મ પહેલાંથી જ પવિત્ર શક્તિથી ભરપૂર થશે.”—લુક ૧:૧૫.

ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર ઘણા લોકોને પવિત્ર શક્તિ મળી હતી, જે વિશે બાઇબલમાં લખ્યું છે. પણ તેઓ પાસે સ્વર્ગના જીવનની આશા ન હતી. દાખલા તરીકે, દાઊદને પણ પવિત્ર શક્તિથી માર્ગદર્શન મળ્યું હતું. (૧ શમૂ. ૧૬:૧૩) પવિત્ર શક્તિની મદદથી તે યહોવા વિશેની ઊંડી વાતો સમજી શક્યા હતા. પવિત્ર શક્તિની મદદથી દાઊદે બાઇબલના અમુક ભાગ લખ્યા હતા. (માર્ક ૧૨:૩૬) પ્રેરિત પીતરે પણ કહ્યું કે દાઊદ “સ્વર્ગમાં ગયા ન હતા.” (પ્રે.કા. ૨:૩૪) યોહાન બાપ્તિસ્મા આપનાર “પવિત્ર શક્તિથી ભરપૂર” થયા હતા. (લુક ૧:૧૩-૧૬) ઈસુએ કહ્યું હતું કે યોહાનથી વધારે મહાન બીજું કોઈ થયું નથી, છતાં યોહાનને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ મળવાનો ન હતો. (માથ. ૧૧:૧૦, ૧૧) યહોવાએ એ બધા ભક્તોને અદ્‍ભુત કામો કરવા પવિત્ર શક્તિ આપી હતી. પણ પવિત્ર શક્તિથી તેઓને સ્વર્ગના રાજ્ય માટે પસંદ કર્યા ન હતા. શું એનો એવો અર્થ થાય કે એ ભક્તો ઓછા વફાદાર હતા? ના, એવું નથી. યહોવા તો તેઓને બાગ જેવી સુંદર પૃથ્વી પર સજીવન કરશે.—યોહા. ૫:૨૮, ૨૯; પ્રે.કા. ૨૪:૧૫. w૨૦.૦૧ ૨૩-૨૫ ¶૧૫

સોમવાર, મે ૩૧

“આપણે પ્રેમ કરીએ છીએ, કેમ કે ઈશ્વરે પહેલા આપણને પ્રેમ કર્યો.”—૧ યોહા. ૪:૧૯.

યહોવાએ આપણને તેમના કુટુંબનો ભાગ બનવા આમંત્રણ આપ્યું છે. એ કુટુંબના લોકોએ યહોવાને પોતાનું સમર્પણ કર્યું છે અને તેમના દીકરાના બલિદાનમાં શ્રદ્ધા રાખી છે. એ કુટુંબનો ભાગ હોવાથી આપણે કેટલા ખુશ છીએ! આપણે હમણાં સારું જીવન જીવીએ છીએ અને ભાવિમાં કાયમ માટે જીવવાની આપણને આશા છે, પછી ભલે એ આશા સ્વર્ગની હોય કે પૃથ્વીની. યહોવા આપણને પ્રેમ કરે છે, એટલે આપણને આ કુટુંબનો ભાગ બનવાની તક આપી છે. એ માટે યહોવાએ મોટી કિંમત ચૂકવી છે. (યોહા. ૩:૧૬) બાઇબલમાં જણાવ્યું છે કે આપણને ‘કિંમત ચૂકવીને ખરીદવામાં આવ્યા’ છે. (૧ કોરીં. ૬:૨૦) યહોવાએ પોતાના દીકરાનું બલિદાન આપ્યું છે, એટલે આપણે તેમની સાથે નજીકનો સંબંધ રાખી શકીએ છીએ. યહોવા આખા વિશ્વમાં સૌથી મહાન છે. તેમને પિતા કહેવાનો આપણને લહાવો મળ્યો છે. યહોવા સૌથી સારા પિતા છે. બાઇબલના એક લેખકની જેમ આપણે કદાચ કહીએ, ‘યહોવાએ મારા પર કરેલા ઉપકારોનો હું તેમને શો બદલો આપું?’ (ગીત. ૧૧૬:૧૨) યહોવાએ આપણા માટે જે કર્યું છે, એનો આપણે ક્યારેય બદલો વાળી શકતા નથી. પણ બદલામાં તેમને પ્રેમ તો કરી જ શકીએ છીએ. w૨૦.૦૨ ૮ ¶૧-૩

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો