ભાવિ
આબોહવા
આપણા વાતાવરણનું પ્રદૂષણ માનવો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી પર્યાવરણ-સંબંધી સમસ્યાઓમાંની માત્ર એક છે. અન્ય સમસ્યાઓમાં પ્રચંડ વનવિનાશ, પ્રાણી જૂથ પ્રકારનો નાશ, અને નદીઓ, સરોવરો, અને મહાસાગરોના પ્રદૂષણનો સમાવેશ થાય છે. આમાંની દરેક સમસ્યાઓ પર ધ્યાનપૂર્વક પૃથક્કરણ કરવામાં આવ્યું છે, અને એને સુધારવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યા છે. સમસ્યાઓ ગોળાવ્યાપી હોવાથી, એ ગોળાવ્યાપી ઉકેલની માંગ કરે છે. સમસ્યાઓ અને એને સુધારવા માટે શું કરવામાં આવી શકે એનો વ્યાપક સુમેળ છે. વર્ષોવર્ષ, આપણે પગલાં ભરવા વિષે સાંભળીએ છીએ. વર્ષોવર્ષ, ફક્ત થોડું જ કરવામાં આવે છે. નીતિ બનાવનારાઓ હંમેશા સમસ્યાઓને વાગોળ્યા કરે છે અને સહમત થતા હોય છે કે કંઈક કરવામાં આવવું જોઈએ પરંતુ પાછા ઉમેરે છે કે, વાસ્તવમાં, “અમે નથી કરી શકતા, હમણાં નથી કરી શકતા.”
વર્ષ ૧૯૭૦માં મૂળ પૃથ્વી દિવસે, ન્યૂયૉર્ક સિટીમાંના પ્રદર્શકોએ એક મોટું પોસ્ટર લીધું. એમાં ગ્રહ પૃથ્વીને “બચાવો!!”ની ચીસ પાડતી હૂબહુ ચીતરવામાં આવી હતી. શું કોઈ આ વિનંતીને ધ્યાન આપશે? દેવનો શબ્દ જવાબ પૂરો પાડે છે: “રાજાઓ પર ભરોસો ન રાખ, તેમજ માણસજાત પર પણ નહિ, કેમકે તેની પાસે તારણ નથી. તેનો પ્રાણ નીકળી જાય છે, તેનું શરીર ભૂમિમાં પાછું મળી જાય છે; તે જ દિવસે તેની ધારણાઓનો નાશ થાય છે.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ૪) ગીતકર્તા પછી ઉત્પન્નકર્તા તરફ ચીંધે છે, કારણ કે ફક્ત તેમની પાસે જ માનવજાત સહન કરી રહી છે એ સર્વ જટિલ સમસ્યાઓને ઉકેલવાની શક્તિ, ડહાપણ, અને ઇચ્છા છે. આપણે વાંચીએ છીએ: “જેની આશા પોતાના દેવ યહોવાહ પર છે, તેને ધન્ય છે. આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાં જે કંઇ છે તેનો ઉત્પન્નકર્તા યહોવાહ છે.”—ગીતશાસ્ત્ર ૧૪૬:૫, ૬.
ઉત્પન્નકર્તાનું પ્રેમાળ વચન
પૃથ્વી દેવ તરફથી ભેટ છે. તેમણે એની પ્રયોજના અને સર્જનની સાથોસાથ, સર્વ જટિલ અને આશ્ચર્યજનક રચના રચી જે પૃથ્વીની આબોહવાને આનંદકારક બનાવે છે. (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૫, ૧૬) બાઇબલ કહે છે: “[દેવે] પોતાના સામર્થ્યથી પૃથ્વી બનાવી છે, પોતાના જ્ઞાનથી જગતને ધરી રાખ્યું છે, ને પોતાની બુદ્ધિથી આકાશને વિસ્તાર્યું છે; તે ગર્જના કરે છે ત્યારે આકાશમાં પાણીનો ઘુંઘવાટો થાય છે, ને પૃથ્વીને છેડેથી તે વાદળાં ચઢાવે છે; તે વરસાદને સારૂ વીજળી ઉત્પન્ન કરે છે, ને પોતાના ભંડારોમાંથી વાયુ કાઢે છે.”—યિર્મેયાહ ૧૦:૧૨, ૧૩.
માનવજાત માટે ઉત્પન્નકર્તાના પ્રેમનું વર્ણન પ્રેરિત પાઊલે પ્રાચીન લુસ્ત્રાના લોકોને કર્યું. તેમણે કહ્યું: “કલ્યાણ કરતાં, અને આકાશથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપતાં, અને અન્નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરતાં [દેવ] પોતાને વિષે સાક્ષી આપ્યા વગર રહ્યો નથી.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૭.
આ ગ્રહનું ભાવિ માણસોના પ્રયાસો અને કોલકરારો પર આધારિત નથી. આબોહવા વિષે ચિંતા રાખનાર, જેની પાસે એને નિયંત્રણ કરવાની શક્તિ છે પોતાના પ્રાચીન લોકોને વચન આપ્યું: “હું તમને ઋતુએ વરસાદ આપીશ, ને ભૂમિ પોતાની ઉપજ આપશે, ને ખેતરમાંનાં વૃક્ષો પોતાનાં ફળ આપશે.” (લેવીય ૨૬:૪) જલદી જ લોકો પૃથ્વીવ્યાપી આવી પરિસ્થિતિઓનો આનંદ માણશે. આજ્ઞાધીન માનવીઓને ફરી કદી વિનાશક વાવાઝોડા, સમુદ્રી તોફાન, પૂર, અનાવૃષ્ટિ કે અન્ય કોઈ કુદરતી આફતનો ભય હશે નહિ.
લહેરાતાં મોજાં, પવન, અને હવામાન સર્વ આનંદકારી બનશે. કદાચ ત્યારે પણ લોકો હવામાન વિષે વાતો તો કરશે, પરંતુ એને સુધારવા માટે કોઈ કંઈ કરશે નહિ. દેવ જે ભાવિ લાવશે એમાં, જીવન એટલું આનંદદાયી હશે કે હવામાનને સુધારવાની કંઈ જરૂર નહિ રહે.