વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૮/૮ પાન ૨૦-૨૩
  • શા માટે હીરા આટલા કિંમતી હોય છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શા માટે હીરા આટલા કિંમતી હોય છે?
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • એન્ટવર્પની યાત્રા
  • એક ખરબચડા હીરાને લીસો બનાવવો
  • હીરાની કિંમત
  • પથ્થરમાંથી રત્ન
    સજાગ બનો!—૧૯૯૯
સજાગ બનો!—૧૯૯૭
g97 ૮/૮ પાન ૨૦-૨૩

શા માટે હીરા આટલા કિંમતી હોય છે?

સજાગ બનો!ના સ્પેનમાંના ખબરપત્રી તરફથી

કે ટલીક વખત સુંદરતા શોધી શકાય છે. અન્ય સમયે એને ઘાટ આપવો પડે છે. તેમ છતાં, એક હીરાને, શોધવો અને ઘાટ આપવો, બંને કરવું પડે છે.

નિઃશંક, ખરબચડા હીરા કુદરતનું સુંદર સર્જન છે. પૃથ્વીના પોપડાની નીચે તીવ્ર દબાણ અને ઊંચું તાપમાન ધીમે ધીમે સાદા કાર્બનને કઠણ, પારદર્શક ખનિજ પદાર્થમાં ઢાળી દે છે. પરંતુ આ દુષ્પ્રાપ્ય સ્ફટિકોને શોધી કાઢવાં હંમેશા એક પડકાર છે. આ મૂલ્યવાન સ્ફટિકોને શોધવામાં પૃથ્વી પર માણસોએ કેટલાક મોટા મોટા ખાડાઓ ખોદી કાઢ્યા છે​—⁠જે ઑસ્ટ્રેલિયા, સાઈબેરિયા, અને દક્ષિણ આફ્રિકાના ભૂમિપ્રદેશો પર જ્યાં ત્યાં છે. લગભગ ૬ ગ્રામ વજનવાળા થોડા હીરાઓને પ્રાપ્ત કરવા, સો ટન માટીને ખોદીને ચાળવી પડી શકે!

એક વખત હીરાને શોધી કાઢવામાં આવે પછી, કોઈ વીંટી કે હારમાં લગાવતા પહેલાં, કુશળ કારીગરે એના છુપાયેલા સૌંદર્યને શોધવું પડે છે.

સ્વાભાવિક રીતે, આ બધો પ્રયત્ન અને કુશળતા સસ્તા નથી. પરંતુ મોટા ભાગની સ્ત્રીઓ​—⁠અને પુરુષો​—⁠એની કિંમતને બરાબર સમજે છે, ખાસ કરીને એ હીરો જ્યારે લગ્‍ન સાથી કે સગાઈ કરેલ સાથીને પ્રેમના પ્રતીક તરીકે ભેંટ આપવામાં આવે છે. સુંદરતા અને રોમાંસે હીરાને પૃથ્વી પરનો સૌથી કિંમતી પારદર્શક ખનીજ પદાર્થ બનાવ્યો છે.a

એન્ટવર્પની યાત્રા

એન્ટવર્પ, બેલ્જિયમ, એક એવું શહેર છે કે જેની ધન-સંપત્તિ મુખ્યત્વે હીરા પર નિર્ભર છે, એની એક મુલાકાત દરમિયાન આ અજોડ સ્ફટિકોમાં મારો રસ જાગૃત થયો હતો. મને નવાઈ લાગી, ‘કઈ બાબત હીરાને આટલી આકર્ષક બનાવે છે? હીરાને બનાવવા પાછળ કયું રહસ્ય છે?’

આ પ્રશ્નોના જવાબ માટે, મેં ડર્ક લોટ્‌સ સાથે વાત કરી, જેના કુટુંબે ત્રણ પેઢીથી હીરાના વેપારમાં કામ કર્યું છે. “અમે એન્ટવર્પને હીરાનું સૌથી સારું મિત્ર કહીએ છીએ,” તેણે સમજાવ્યું, “જોકે આ શહેર જગતના હીરાના મુખ્ય કેન્દ્રમાંનું એક છે. તેથી તમે હીરા બનાવવાનું રહસ્ય જાણવા માટે એકદમ સાચી જગ્યાએ આવ્યા છો.”

સર્વ પ્રથમ, તેણે મને મુઠ્ઠીભર ખરબચડા હીરા બતાવ્યા જેને તેણે હમણાં જ ખરીદ્યા હતા. તેની કિંમત ૩,૫૦,૦૦૦ ડૉલર હતી છતાં, તે પહેલી નજરમાં એટલા આકર્ષક ન જણાયા​—⁠પરંતુ તે મુઠ્ઠીભર કાચના ટુકડાની જેમ વધારે દેખાઈ રહ્યા હતા. પરંતુ નજીકથી જોનાર નજરે એનો આંતરિક ઝળહળાટ પ્રગટ કર્યો કે જેનાથી એની સુંદરતા પ્રગટ થઈ, એ હીરા કાપનાર ખોલી શક્યો. હું તેના આકર્ષણને સમજવા લાગ્યો.

“પ્રસંગોપાત્ત હું મોટો ખરબચડો હીરો જોઉં છું ત્યારે, મને અમુક જાદુઈ આભાસ થાય છે, જાણે કે એ લાગણીમય બંધન જેવો હોય,” ડર્કએ સ્વીકાર્યું. “સહજભાવે, હું એ સ્ફટિક ખરીદવા માંગુ છું. એ મને ઈસુના દૃષ્ટાંતમાંનો માણસ યાદ કરાવે છે જેને એક મૂલ્યવાન મોતી મળ્યું, એક એવું મોતી જેને ખરીદવા માટે તે પોતાનું બધું જ વેચી નાખવા માટે તૈયાર હતો. હું એ હદ સુધી ક્યારેય ન ગયો,” તે હસ્યો, “પરંતુ મારે એ માનવું પડશે કે કેટલાંક સારાં સ્ફટિકોમાં ખાસ આકર્ષણ હોય છે, આપણામાંના એવાઓ માટે પણ જેઓ એની ખરીદી અને વેચાણમાં પોતાનું જીવન વિતાવે છે. અલબત્ત, એક સ્ફટિક પથ્થરમાંથી એક રત્ન બનાવવું, ભલે એ કેટલુંય પ્રભાવશાળી કેમ ન હોય, તેમ છતાં જોખમ વગરનું નથી.”

એક ખરબચડા હીરાને લીસો બનાવવો

મેં સાંભળ્યું હતું કે એક બેપરવા હીરા કાપનાર એક મૂલ્યવાન સ્ફટિકને ભૂકો કરી શકે છે. અને મને નવાઈ લાગી કે એવું વારંવાર થાય છે. “એ અનેક વખત બને છે,” ડર્કએ સ્વીકાર્યું. “અને એ ફક્ત સ્ફટિકના ટુકડા કરવામાં આવે છે ત્યારે જ થઈ શકે છે એવું પણ નથી. પણ હીરાને ઘસનાર ક્યારેક ગ્લેટને કે આંતરિક ત્રુટિને અડકી જાય ત્યારે પણ સ્ફટિકને નુકસાન પહોંચાડે છે. અમે હંમેશા ખરબચડા સ્ફટિકને ધ્રુવસંપન્‍ન પ્રકાશતરંગોથી કાળજીપૂર્વક તપાસીએ છીએ, જે ત્રુટિવાળા ભાગોને બતાવે છે; પરંતુ અફસોસ કે કોઈપણ રીત ભરોસાપાત્ર નથી.

“જોકે ભૂકો થયેલ સ્ફટિક અમારું દુ:સ્વપ્ન છે, પણ ફક્ત એ જ અમારી સમસ્યા નથી. ઘણી વખત પાસાઓને કાપવાં અને ઘસવામાં સ્ફટિકનો રંગ ઘાટો થઈ જાય છે, અને એનું મૂલ્ય ઘટી જાય છે. અને તમારે યાદ રાખવું જોઈએ કે ખરબચડા સ્ફટિકને એક ઉચ્ચ-કોટિનું રત્ન બનાવવા માટે અમારે એના ૬૦ ટકા કે તેથી વધુ કાપી નાખવું પડે છે.”

હીરા બનાવવામાં સમાવિષ્ટ બધી બાબતોને હું સમજ્યો નહિ ત્યાં સુધી મને એવું જ લાગ્યું કે જાણે કેટલાય પૈસા વેડફાય છે. ડર્કએ મને હૃદય-આકારનો મોટો હીરો બતાવ્યો, જેને હમણાં જ કાપીને ઘસવામાં આવ્યો હતો. “તમે જુઓ છો એ કેવો ચમકે છે?” તેણે મને પૂછ્યું. “સ્ફટિકની અંદરનો ઝળહળાટ પ્રતિબિંબિત પ્રકાશ કરતાં કંઈ વધારે નથી.

“કારીગરે એના બધાં પાસાઓને એ રીતે કાપવાના હોય છે કે પ્રકાશ સ્ફટિકની અંદર ફસાય જાય અને પછી જોનાર તરફ ફરી પ્રતિબિંબિત થાય. કેટલાક પારંપરિક આકારો, જેમ કે ગોળાકાર કાપ, એનું પ્રતિબિંબ સૌથી તેજસ્વી રીતે પાડે છે. પરંતુ કલાત્મક રચના, જેવી કે હૃદય-આકાર, એનો હેતુ પણ સૌથી વધુ માત્રામાં પ્રકાશનું પ્રતિબિંબ પાડવાનો છે. એ હીરા બનાવનારની મહત્ત્વની કળા છે. હકીકતમાં, હીરાના એક જાણીતા ઉત્પાદકે પોતાના મુદ્રાલેખ તરીકે આને પસંદ કર્યું છે, ‘જાદુ એની બનાવટમાં છે.’”

મેં ડર્કને પૂછ્યું કે “હીરાને કયા આકારમાં કાપવાનો છે, એ તમે કઈ રીતે નક્કી કરો છો?” તેણે કહ્યું, “અમે સૌથી પહેલા ખરીદેલા એ મૂળ સ્ફટિકને બહુ કાળજીપૂર્વક જોઈએ છીએ.” “મારો કહેવાનો અર્થ છે કે બહુ જ સાવધાનીથી! મને યાદ આવે છે કે એક મોટા સ્ફટિકને કેવું કાપવું જોઈએ એ નક્કી કરતા પહેલાં અમે એક મહિના સુધી તપાસ કરી હતી. કેટલીક વખત એ સહેલું હોય છે કારણ કે ખરબચડું સ્ફટિક કોઈ ખાસ આકારમાં સહેલાઈથી કપાઈ જાય છે. દરેક કિસ્સામાં હેતુ એ હોય છે કે એ ખાસ સ્ફટિક માટે સૌથી સારો આકાર નક્કી કરવો જેથી શક્ય હોય તેટલું ઓછું સ્ફટિક ગુમાવીએ. પરંતુ જે કોઈ પાસું અમે કાપીએ છીએ​—⁠અને એક લાક્ષણિક હીરામાં ૫૦થી વધુ પાસાઓ હોય છે​—⁠તે વજનમાં ઘટાડો લાવે છે.”

ત્યાર પછી ડર્કે મને અમુક સ્ફટિકોમાંથી એકને ધ્યાનથી જોવાનું કહ્યું. “શું તમને સ્ફટિકની જમણી બાજુ ઉપર ત્રુટિ દેખાય છે?” તેણે પૂછ્યું, અને મને એક લૂપ, એટલે કે ઝવેરીઓનો બિલોરી કાચ આપ્યો. મેં રત્નની અંદર એક ધાર પર, તિરાડ પડેલ અરીસામાં હોય છે એવા ખરબચડા લીસોટા જોયા. “આ પ્રકારની ત્રૃટિઓ હીરાની કિંમતમાં ઘણો ઘટાડો કરી નાખે છે. આપણે ચોક્કસ એને કાપીને કાઢી શકીએ છીએ, પરંતુ એનો અર્થ થઈ શકે સ્ફટિકનો ઘણો ભાગ ગુમાવી દેવો. ત્રુટિ પહેલી જ નજરે સ્પષ્ટ ન દેખાય તો, આ સ્ફટિક હજુ પણ અમે ઓછી કિંમતે વેચી શકીએ છીએ.”

મને એ જાણવામાં રસ હતો કે આટલા નાના સ્ફટિક આટલા મૂલ્યવાન કેમ હોય છે. સ્પષ્ટપણે, એમાં કેટલાય ઘટકો સમાયેલા છે.

“જોકે ‘હીરો હંમેશા ટકી રહે છે’ એ​—⁠જાહેરાત માટેનું આદર્શ વાક્ય છે​—⁠એ સામાન્ય રીતે સાચું છે,” ડર્કએ કહ્યું. “હીરા કદી ઘસાતા નથી, અને એની ચમક પણ જતી નથી. એઓ બહુ જૂજ છે, છતાં પણ એટલા જૂજ નથી જેટલા એ પહેલા હતા, અને એઓ સુંદર છે​—⁠એમાં કોઈ શંકા નથી! પરંતુ કદાચ એની કિંમત નક્કી કરતો સૌથી મહત્ત્વનો ઘટક હીરાની વિશ્વવ્યાપી માંગ છે. એ ખાસ કરીને જાહેરાત પર આધારિત છે.

“શા માટે સ્ત્રી હીરાની વીંટી ઇચ્છે છે?” ડર્ક વિચારવા લાગ્યો. “કદાચ તે હીરાને પ્રેમ અને રોમાંસ સાથે જોડે છે. હીરા કંઈક ખાસ છે, એવું કંઈક જે હંમેશ માટે સંગ્રહી શકાય, એ એવા પ્રેમની યાદ અપાવવા કે જેના વિષે તે આશા રાખે છે કે હીરાની જેમ લાંબા સમય સુધી ટકશે. આ વિચાર, અથવા કેટલાક કહે છે તેમ, આ રહસ્યપૂર્ણ આભાસને કુશળતાપૂર્વક જાહેર કરવામાં આવ્યો છે. ૧૯૯૫માં આ વિચારને જાહેર કરવા માટે ૧૮,૦૦,૦૦,૦૦૦ ડૉલર ખર્ચ્યા હતા, એક એવો સંદેશો, જેના કારણે જગતભરમાં લોકો હીરા ખરીદતા રહ્યા.”

હીરાની કિંમત

“મને લાગે છે કે ઘાટીલા રત્નની કિંમત એના કદ પર આધારિત છે,” મેં કહ્યું. “એ એટલું સહેલું નથી,” ડર્કએ જવાબ આપ્યો. “હીરાના વ્યાપારી એવું કહેતા હોય છે કે હીરાની કિંમત ચાર તત્ત્વો પર આધારિત છે: કાપવું, કૅરેટ, રંગ, અને સ્પષ્ટતા. દરેક બાબતની સ્ફટિકની સુંદરતા પર​—⁠અને એની કિંમત પર​—⁠અસર પડે છે.

“ચાલો કાપવાથી શરૂ કરીએ. સારી રીતે કાપવું એ કળા છે, એને તમે નાની અલ્પાકૃતિ કહી શકો. જે હૃદય-આકારના હીરાના તમે વખાણ કરી રહ્યા હતા, એને નજીકથી જુઓ. આ આકારને બનાવવો એટલું સહેલું નથી, અને એ એવો આકાર છે જેના લીધે બીજા આકારોની સરખામણીમાં એના મૂળ સ્ફટિકના વધુ ભાગનો ભોગ આપવો પડે છે. ધ્યાન આપો કે રત્નની સુંદરતા માટે અને એમાં અતિરેક કરવા માટે કઈ રીતે દરેક પાસાઓને સરખી રીતે રાખવામાં આવ્યા છે. આપણે કહીશું કે આ ખાસ હીરાનો કાપ ખૂબ સરસ છે.

“તમે શરૂઆતમાં એના કદથી પ્રભાવિત થયા હતા, અને એ સ્વાભાવિક છે, કારણ કે એ એક મોટું, ૮-કૅરેટનું સ્ફટિક છે. કદાચ તમને ખબર હશે કે એક કૅરેટ ૦.૨ ગ્રામની બરોબર છે, તેથી અમે કૅરેટની કિંમત ફક્ત તેના વજન પ્રમાણે નક્કી કરીએ છીએ. સામાન્ય રીતે કહીએ તો, વધુ કૅરેટનો અર્થ વધુ મૂલ્યવાન હીરો થાય છે, પરંતુ એની કિંમત એના રંગ અને પ્રકાર દ્વારા પણ અસર પામે છે.

“હીરા દરેક આકાર અને રંગોમાં મળે છે, જેમ તમે અમારા સ્ફટિક પથ્થરોના પડીકામાં જોયું હશે. અમારું પ્રથમ કામ એને રંગ પ્રમાણે જુદા પાડવાનું છે, સફેદ રંગવાળા વધુ મૂલ્યવાન હોય છે. છતાં, અમુક સ્ફટિકો કે જેને અમે રંગબેરંગી કહીએ છીએ, જેમ કે ગુલાબી, ભૂરો, અથવા લાલ; અને એ સફેદ સ્ફટિકોથી વધુ કિંમત પર વેચાય છે, કેમ કે એ બહુ જૂજ હોય છે.

“છેવટે, અમારે એક સ્ફટિકને એના પ્રકાર દ્વારા વર્ગીકૃત કરવું પડે છે. કોઈ સ્ફટિકને ત્રુટિહીનના વર્ગમાં ગણવામાં આવે તો, એનો અર્થ થાય કે તમે સ્ફટિક જુઓ ત્યારે​—⁠લૂપથી પણ​—⁠તમે એની ત્રુટિ જોઈ શકશો નહિ. આમ, એક સ્ફટિકને કાપવું, પ્રકાર, અને રંગ પણ એટલું જ મહત્ત્વ ધરાવી શકે છે જેટલું કૅરેટમાં એનું વજન. તમને કોઈ ઉદાહરણ આપવા માટે, ૧૯૯૫માં, ઘસવામાં આવેલ કદાચ સૌથી મોટા હીરા (૫૪૬.૬૭ કૅરેટ)ને પ્રદર્શનમાં રાખવામાં આવ્યો. પરંતુ એનું કદ​—⁠લગભગ ગોલ્ફના બોલ જેવું​—⁠મોટું હોવા છતાં એના ઊતરતા પ્રકાર અને એના પીળા-બદામી રંગને કારણે, એ જગતનો સૌથી મૂલ્યવાન હીરો નથી.”

એન્ટવર્પને છોડ્યા પહેલાં મેં હેન્સ વિન્સ સાથે વાત કરી, જે હીરાના ઉદ્યોગમાં ૫૦ વર્ષોથી જોડાયેલા છે. હું એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગતો હતો, કઈ બાબત હીરાને ખાસ બનાવે છે?

“મને નાનાં નાનાં હીરા એટલા ઉત્તેજક નથી લાગતા​—⁠એને મશીનો પર પણ તૈયાર કરી શકાય છે,” તેણે જવાબ આપ્યો. “પરંતુ મોટા હીરા મને મોહી લે છે. દરેક સ્ફટિક જુદું હોય છે​—⁠એક અજોડ રચના જે કરોડો વર્ષોથી જ્વાળામુખીય દબાણને કારણે કાર્બનથી ઉત્પન્‍ન થાય છે. તમે સ્ફટિકનો અભ્યાસ કરો ત્યારે, તમે વાસ્તવમાં એની વૃદ્ધિની રેખાઓ જોઈ શકો છો, જે કોઈક વૃક્ષના થડમાંની લીટીઓ જેવી હોય છે. એક અનુભવી વેપારી તમને એ પણ કહી શકે છે કે એ કઈ ખાણમાંથી મળી આવ્યું છે.

“હીરાનો ઉત્પાદક એને એવી રીતે જુએ છે જેમ એક શિલ્પકાર સંગેમરમરના ટુકડાને જુએ છે. તે પહેલેથી જ પોતાના મનની આંખોથી જોઈ લે છે કે તે એનું શું બનાવી શકે છે. પોતાની કલ્પનામાં, તે કાપતો હોય છે અને ઘસી રહ્યો હોય છે અને એક અતિ-સુંદર રત્ન બની રહ્યું હોય છે. મને વિચારવું ગમે છે કે હીરો કોઈપણ વીંટી કે માળામાં પોતાના આખરી મુકામે પહોંચે છે ત્યારે એ પોતાના માલિકને કેટલો આનંદ આપશે.”

બધુ કહેલું-સાંભળેલું વિચારણામાં લેતા, એ હકીકત છે કે હીરા પોતાના માલિકને આનંદ આપે છે તેથી એને બનાવવો મહત્ત્વનું છે.

[Footnotes]

a હીરાની ઊંચી કિંમતનું મુખ્ય કારણ એકાધિકાર, કેન્દ્રિય વેચાણ સંસ્થા દ્વારા નિયંત્રણ છે.

[Caption on page ૨૩]

આઠ કૅરેટનો હૃદય-આકારનો હીરો (સ્ફટિક એક માપ પ્રમાણે નથી)

[Caption on page ૨૩]

નાશપતી-આકારનો કાપ

[Caption on page ૨૩]

“કાર્ડિનલની ટોપી” કાપ

[Caption on page ૨૩]

કાપ્યા વગરનાં સ્ફટિકોના કૅરેટ વજન વિચારણામાં લેતા

[Caption on page ૨૩]

ખરબચડા હીરાઓને રંગ પ્રમાણે અલગ કરતા

[Caption on page ૨૩]

વધુ ઘસવાની જરૂરને નક્કી કરવા માટે પાસાઓને તપાસતાં

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો