શું આફ્રિકી ઢોલ ખરેખર બોલે છે?
સજાગ બનો!ના નાઇજીરિયામાંના ખબરપત્રી તરફથી
પ્ર વાસી સંશોધક હેનરી સ્ટેન્લી ૧૮૭૬-૭૭માં કૉંગો નદીના ખુલ્લા ભાગમાં પ્રવાસ દરમિયાન, તેની પાસે થોડી જ તક હતી કે સ્થાનિક વાગતા ઢોલના મહત્ત્વ પર લક્ષ આપે. પોતાના અને પોતાના સાથી પ્રવાસી સાથીઓ માટે, ઢોલનો સંદેશો સામાન્ય રીતે એક જ શબ્દમાં કહી શકાય: યુદ્ધ. એ ધીમા ઢમઢમ અવાજનો એવો અર્થ થતો હતો કે તેઓ પર ભાલાધારી હિંસક યોદ્ધાઓ હુમલો કરવાની તૈયારીમાં છે.
મોડેથી, વધુ શાંતિપૂર્ણ સમયમાં સ્ટેન્લી શીખ્યો કે ઢોલ લડાઈના અવાજો કરતાં વધુ વ્યક્ત કરી શકે. કૉંગો પાસે રહેતા એક કોમી વૃંદ વિષે જણાવતા, સ્ટેન્લીએ લખ્યું: “[તેઓએ] હજુ પણ વિદ્યુત સંકેતો અપનાવ્યા નથી, તેમ છતાં, તેમની પાસે વાતચીત સંચારની એક એવી જ અસરકારક રીત છે. તેમના મોટાં ઢોલના ભિન્ન ભાગોમાં વગાડવાથી ઢોલની ભાષા જાણનારા આપણા મોંની ભાષાની જેમ જ વાત સ્પષ્ટ રીતે સમજી શકે છે.” સ્ટેન્લી સમજી શક્યો કે ઢોલ રણશિંગા કે સાઇરન કરતાં વધારે કરી શકતું; ઢોલ વિશિષ્ટ સંદેશાઓ આપી શકે છે.
આવા સંદેશાઓ ગામે ગામ પ્રસારવામાં આવતા. ખાસ કરીને તેઓ અવારનવાર સ્થળાંતર કરીને કે પહાડીની ટોચ પરથી રાત્રે ઢોલ વગાડે તો, અમુક આઠથી દશ કિલોમીટરના અંતરે સંભળાય છે. દૂરના ઢોલી સાંભળી, સમજી, અને બીજાઓને સંદેશાઓ પહોંચાડતા હતા. અંગ્રેજ પ્રવાસી એ. બી. લૉઇડે ૧૮૯૯માં લખ્યું: “મને કહેવામાં આવ્યું કે એક ગામથી બીજા ગામે, ૧૬૦થી વધુ કિલોમિટરના અંતરે, સંદેશો બે કલાક કરતાં ઓછા સમયમાં મોકલવામાં આવી શકે, અને હું માનું છું કે એનાથી પણ ઓછા સમયમાં એમ કરવું શક્ય છે.”
વારુ ૨૦મી સદીમાં, માહિતી વહન કરવામાં ઢોલ મહત્ત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ જ રાખે છે. ૧૯૬૫માં પ્રકાશિત, આફ્રિકાનું સંગીત વાદ્ય (અંગ્રેજી) પુસ્તકે જણાવ્યું: “ટેલિફોન અને ટેલિગ્રાફની જેમ બોલતા ઢોલનો ઉપયોગ કરવામા આવે છે. સર્વ પ્રકારના સંદેશાઓ મોકલવામા આવે છે—જન્મ, મૃત્યુ, અને લગ્નની જાહેરાત; રમતગમત સ્પર્ધાઓ, નૃત્ય સમારંભ, અને દીક્ષા વિધિ; સરકારી સંદેશાઓ, અને યુદ્ધ જાહેર કરવા. અમુક વખતે ઢોલ ગપસપ કે હાસ્યવાત વહન કરતા.”
પરંતુ ઢોલ કઈ રીતે બોલી શકે? યુરોપમાં અને અન્યત્ર, સંદેશાઓ ટેલિગ્રાફ તાર પર વિદ્યુત તરંગો દ્રારા મોકલવામાં આવતા હતા. મૂળાક્ષરના દરેક અક્ષરને એનો પોતાનો કોડ આપવામાં આવતો હતો, જેથી એ શબ્દો અને વાક્યોનો એક જ સમયે એક પત્ર રચવામાં આવી શકતો. તથાપિ, મધ્ય આફ્રિકાના લોકો પાસે લેખિત ભાષા નહોતી, એથી ઢોલ શબ્દોની જોડણી નહોતા આપતા. આફ્રિકી ઢોલી એક ભિન્ન પદ્ધતિનો ઉપયોગ કરતા હતા.
ઢોલની ભાષા
ઢોલનો સંચાર સમજવા માટેની ચાવી તેઓની આફ્રિકી ભાષાઓ સમજવા પર આધારિત છે. મધ્ય અને પશ્ચિમ આફ્રિકાની અનેક ભાષાઓ ખરી રીતે દ્રિસ્વર-સંબંધી છે—પ્રત્યેક બોલવામાં આવેલ શબ્દને બે સ્વર હોય છે, ઊંચો અથવા નીચો. પદ બદલાવાથી શબ્દો બદલાય જાય છે. ઉદાહરણ તરીકે, ઝાઈરની કેલે ભાષાનો શબ્દ લીશાકા વિચારો. ત્રણેય અક્ષરો નીચા સ્વરે ઉચ્ચારવામાં આવે ત્યારે, શબ્દનો અર્થ “ખાબોચિયું અથવા કાદવકીચડ” થાય છે; અક્ષરોનો નીચો-નીચો-ઊંચો ઉચ્ચારનો અર્થ “વચન” થાય છે; નીચો-ઊંચો-ઊંચો સ્વર એટલે “ઝેર” થાય છે.
આફ્રિકી સ્લીટ-ઢોલ સંદેશાઓ પાઠવવા ઉપયોગ કરાય છે એને પણ ઊંચો અને નીચો એમ બે સ્વર હોય છે. એ જ રીતે, ચર્મ-પડીવાળું ઢોલ સંદેશો મોકલે છે ત્યારે, તેઓ બંને જોડનો ઉપયોગ કરે છે, એક ઢોલનો ઊંચો સ્વર અને બીજા ઢોલનો નીચો સ્વર હોય છે. આ રીતે, એક કુશળ ઢોલી શબ્દોના સ્વરની ભાત અનુસરીને ઊચ્ચારણની ભાષા રચી સમાચાર ફેલાવે છે. આફ્રિકાના બોલતા ઢોલ (અંગ્રેજી) પુસ્તક જણાવે છે: “આ જાણીતા ઢોલની ભાષા ખરી રીતે એ લોકજાતિની બોલીની જેમ સરખી જ છે.”
અલબત્ત, સામાન્ય રીતે દ્રિસ્વર-સંબંધી ભાષામાં સમાન સ્વરો અને પદો સાથે અનેક શબ્દો હોય છે. ઉદાહરણ તરીકે, કેલે ભાષામાં, લગભગ ૧૩૦ નામને સાંગો (પિતા) તરીકે એક જ સ્વર ભાત (ઊંચો-ઊંચો) હોય છે. ૨૦૦થી વધુ શબ્દોને ન્યાનગો (માતા) તરીકે એક જ ભાત (નીચો-ઊંચો) હોય છે. ગૂંચવણ દૂર કરવા માટે, ઢોલી અમુક શબ્દો માટે પૂર્વાપર સંબંધ પૂરો પાડે છે, એમાં સાંભળનારને જે કહેવામાં આવી રહ્યું છે એ સમજવા શક્તિમાન કરવા માટે પૂરતી ભિન્નતાવાળા જાણીતા વાક્યનો સમાવેશ કરે છે.
સ્લીટ-ઢોલથી બોલવું
‘બોલતા’ ઢોલનો એક પ્રકાર લાકડાનું બનેલુ સ્લીટ-ઢોલ છે. (પાન ૨૩ પરનું ચિત્ર જુઓ.) આવું ઢોલ ઝાડના થડમાં કાષ્ઠકામ દ્રારા વચ્ચેથી પોલું કરીને બનાવવામાં આવે છે. ઢોલના અગ્રસ્થાન કે અંતસ્થાન પર ચામડું હોતું નથી. જોકે આ ફોટોગ્રાફમાંના ઢોલને બે સ્લીટ હોય છે, અમુકને ફક્ત એક લાંબી સ્લીટ હોય છે. સ્લીટના એક છેડા પર વગાડવાથી ઊંચો સ્વર ઉત્પન્ન થાય છે; બીજા છેડા પર વગાડવાથી નીચો સ્વર ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે સ્લીટ-ઢોલ લગભગ એક મિટર લાંબુ હોય છે, તથાપિ એ નાનામાં નાનું અડધો મિટર અથવા મોટામાં મોટું બે મિટર હોય શકે છે. પહોળાઈ ૨૦ સેન્ટિમિટરથી વધુમાં વધુ એક મિટર સુધી હોય શકે છે.
સ્લીટ-ઢોલ કેવળ ગામે ગામ સંદેશાઓ મોકલવા કરતાં વધુ ઉપયોગી હતું. કેમરૂનના લેખક ફ્રાંસીસ બેબીએ મલ્લયુદ્ધ સ્પર્ધામાં આ ઢોલની ભૂમિકા વિષે સવિસ્તર વર્ણવ્યું. બે વિરોધી ટુકડીઓ ગામના પાદરે મળવાની તૈયારી કરે છે ત્યારે, ઢોલ તેમના ગુણગાન ગાતા હોય એ વખતે સ્લીટ-ઢોલના તાલ સાથે શૂરવીરો નાચે છે. એક પક્ષ કહેતો કે: “શૂરવીર, શું તને તારી સ્પર્ધા માટે કદી બરાબરીયો મળ્યો છે? તારી સામે કોણ રહી શકે, અમને કહે કોણ? આ કંગાલ લોકો . . . તે વિચારે છે કે અમુક લાચાર [જીવ]થી જેને તેઓ શૂરવીર કહે છે તેનાથી હરાવી શકે છે . . . . પરંતુ તને કોઈ પણ કદી હરાવી શકશે નહિ.” પ્રતિસ્પર્ધી છાવણીમાંના સંગીતકારો આ ભલા મહેણાં સમજે છે અને ઢોલથી ત્વરીત જાણીતી રીતે જવાબ આપે છે: “આ નાના વાંદરા . . . આ નાના વાંદરા . . . તે વૃક્ષ પર ચઢવા માંગે છે પરંતુ દરેક વ્યક્તિ વિચારે છે કે તે નીચે જ પડશે. પરંતુ નાના વાંદરા હઠીલા છે, તે ઝાડ પરથી પડશે નહિ, આ નાના વાંદરા, બરાબર ઊંચે ચઢી શકશે.” ઢોલ સમગ્ર મલ્લયુદ્ધ સ્પર્ધા દરમિયાન મનોરંજન કરાવવાનું ચાલુ રાખતા.
ઢોલ કે જે સૌથી સારું બોલે છે
દબાણ ઢોલ એક પગલું આગળ વધે છે. જમણી તરફના ચિત્રમાં તમે જુઓ છો એ ઢોલ ડુનડુન કહેવાય છે; એ નાઇજીરિયાનું પ્રખ્યાત યોરૂબા બોલતું ઢોલ છે. રેતીના ઘડિયાળ જેવો આકાર હોય છે, આ ઢોલની બંને બાજુએ, બકરાના ચામડાને કમાવી પાતળું બનાવી ચઢાવાય છે. ચામડાની પટ્ટીથી બંને ભાગને બાંધવામાં આવે છે. ચામડાની પટ્ટીને ખેંચવામાં આવે ત્યારે, ઢોલના અગ્રભાગની તાણ વધે છે એથી કરીને એ સ્વરાષ્ટક કે વધુ સ્વર ઉત્પન્ન કરી શકે છે. વાંકી ડાંડીનો ઉપયોગ કરી અને સ્વરને ઊંચોનીચો અને લયબદ્ધ કરીને, કુશળ ઢોલી માનવ અવાજનું ચઢાણ અને ઉતરાણનું અનુસરણ કરી શકે છે. આ રીતે ઢોલી બીજા ઢોલી સાથે “વાતચીત સંચાર” કરી શકે છે કે જે અર્થ સમજી અને ઢોલની ભાષા વગાડી શકે.
વર્ષ ૧૯૭૬માં યોરૂબા શાસકના દરબારી સંગીતકારો દ્રારા ઢોલનો ઉપયોગ કરી સમાચાર ફેલાવવાની ઢોલીની ખાસ ક્ષમતા બતાવી હતી. શ્રોતાઓમાંથી કોઈ કુશળ ઢોલીને સૂચનોની શૃંખલા કાનમાં કહેતા જે, વળતા જવાબમાં, ચોકથી દૂર આવેલ બીજા સંગીતકારને ઢોલથી જણાવતો. ઢોલની સૂચનાઓની પ્રતિક્રિયામાં, સંગીતકાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા અને તેને જે કંઈ કરવા માટે વિનંતી કરવામાં આવી હોય એનો અમલ કરતા.
ઢોલથી સંદેશ મોકલવાનું શીખવું એ કંઈ સહેલું નથી. લેખક આઈ. લાઓયાએ લખ્યું: “યોરૂબા ઢોલ વગાડવાની કળા જટિલ અને મુશ્કેલ છે એ ઘણાં વર્ષોનો અભ્યાસ માંગી લે છે. ઢોલી માટે ફક્ત હસ્ત-કૌશલ્યો અને લયની સમજણ જ નહિ, પરંતુ કાવ્યને સારી રીતે યાદ રાખવું અને નગરના ઇતિહાસની જાણકારી રાખવી પણ જરૂરી છે.”
તાજેતરના દાયકાઓમાં આફ્રિકી ઢોલ એની પરંપરા મુજબ બોલતું નથી, એમ છતાં એનો સંગીતમાં હજું પણ એક મહત્ત્વનો ભાગ છે. આફ્રિકાનું સંગીત વાદ્ય પુસ્તક કહે છે: “ઢોલ પર સંદેશ મોકલવાનું શીખવું અત્યંત મુશ્કેલ છે; એ કારણે, આફ્રિકામાંથી આ કળા ઝડપથી લુપ્ત થઈ રહી છે.” સમાચાર નિષ્ણાત રોબર્ટ નિકોલસ ઉમેરે છે: “ભૂતકાળના અતિ મોટા ઢોલ, જેની વાણી માઈલો સુધી પહોંચતી હતી અને જેની એકમાત્ર કામગીરી સંદેશાઓ પહોંચાડવાની હતી, એ ચોક્કસ લુપ્ત થવાના છે.” અત્યારના મોટા ભાગના લોકોને ટેલિફોનનો ઉપયોગ કરવો વધુ સહેલું લાગે છે.
[Caption on page ૧૯]
સ્લીટ-ઢોલ
[Caption on page ૧૯]
યોરૂબા બોલતું ઢોલ