કેટલાક પ્રખ્યાત બાગો પર એક નજર
પારાદેશ સાથેનો માનવ પરિચય એદન કહેવાતા વિસ્તાર, જે શક્યપણે આધુનિક તુર્કસ્તાનના વાન સરોવર પાસે છે, તેમાં આવેલા બાગમાં શરૂ થયો. ચાર નદીઓમાં ફંટાયેલી નદીએ આદમ અને હવા માટે બાગ સિંચ્યો, જેઓએ એ ‘ખેડવાનો, તથા તેનું રક્ષણ કરવાનું’ હતું. જે બાગમાં પુષ્કળ પ્રમાણમાં “સર્વ પ્રકારનાં વૃક્ષ જેનાં ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારાં” હોય, એની દેખભાળ કરવી કેવા હર્ષની વાત!—ઉત્પત્તિ ૨:૮-૧૫.
એદન એક સંપૂર્ણ ઘર હતું. આદમ અને હવા અને તેઓનાં વંશજોએ એની સરહદો વિસ્તારવાની હતી, નિઃશંક એમાં તેઓએ નમૂનારૂપે દેવની આહ્લાદક મૂળ રચનાનો ઉપયોગ કરવાનો હતો. સમય જતાં, સમગ્ર પૃથ્વી, લોકોથી યોગ્ય રીતે ભરપૂર બનેલો, પારાદેશ બનાવવામાં આવત. પરંતુ આપણા પ્રથમ માબાપની સ્વૈચ્છિક અનાજ્ઞાંકિતતાના પરિણામે તેઓને આ આશ્રયસ્થાનમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. દિલગીરીની બાબત છે કે, માનવી કુટુંબના અન્ય સર્વ એદનમાંના આ ઘર બહાર જન્મ્યાં.
તથાપિ, ઉત્પન્નકર્તાએ માણસજાતની રચના પારાદેશમાં રહેવા માટે કરી હતી. તેથી એ કુદરતી છે કે ભાવિ પેઢીઓ પોતાની ચોતરફ પારાદેશની નકલ તૈયાર કરે.
શરૂઆતના બાગો
બાબેલોનના ઝૂલતા બાગોની, પ્રાચીન જગતની અદ્ભુતતાઓમાંની એક તરીકે બોલબાલા હતી. એ ૨,૫૦૦ કરતાં વધુ વર્ષ અગાઉ, નબૂખાદનેસ્સાર રાજાએ પોતાની મિદ્યાની પત્ની માટે બનાવ્યા હતા, જે પોતાના વતનનાં જંગલો અને ડુંગરોની ઝંખના સેવતી હતી. આ ૨૨-મીટર-ઊંચા કમાનોવાળા ગુંબજોનાં પગથિયાવાળાં બાંધકામોમાં, ભરપૂરપણે વાવણી કરવામાં આવી હતી, એમાં મોટાં વૃક્ષોને પણ પોષણ મળે એટલી માટી હતી. વતનની યાદમાં ઝુરતી રાણી એદન જેવા આ વિસ્તારમાં ફરતી હશે ત્યારે તેને દિલાસો મળતો હશે.
ભૂરચનાવાળું બાગકામ મિસરની ફળદ્રુપ નાઈલ ખીણમાં આગવું હતું. ધ ઓક્ષફર્ડ કમ્પેનિયન ટુ ગાર્ડન્સ કહે છે, “મિસર, બાગોનાં સૌથી જૂનાં દૃશ્યોનો તથા બાગની . . . સવિશેષ લાંબી પ્રણાલીના મથક તરીકેનો, ઉદ્ભવ છે.” થીબીસ ખાતે એક મિસરી અધિકારીની માલિકીના બાગનો ભૂરચનામય નકશો, જે આશરે ૧૪૦૦ બી.સી.ઈ.નો હતો, તળાવો, વૃક્ષાચ્છાદિત માર્ગો, અને રમતગમતનાં મેદાનો દર્શાવે છે. શાહી બાગોના બીજા ક્રમે, મંદિરના બાગો અતિ પ્રચુર હતા, જેમાં ઘટાઓ, ફૂલો, અને લીલોતરીઓ હતી, જેને, જળપ્રાણીઓ, માછલીઓ, અને કમળોથી ભરપૂર તળાવો અને જળાશયોમાંથી નીકળતી નહેરોથી સિંચવામાં આવતા હતા.—સરખાવો નિર્ગમન ૭:૧૯.
ઈરાનીઓએ પણ બાગોની દુનિયામાં શરૂઆતથી જ પદાર્પણ કર્યું હતું. ઈરાન અને મિસરના બાગો એટલા તો આકર્ષક હતા કે ચોથી સદી બી.સી.ઈ.માં મહાન સિકંદરના વિજયી સૈન્યો ગ્રીક પાછા ફર્યા ત્યારે, તેઓ સાથે સારા એવા જથ્થામાં બિયારણ, છોડવાઓ, અને વિચારો લાવ્યા હતા. એથેન્સમાં, એરિસ્ટોટલ અને તેના વિદ્યાર્થી થીઓફ્રાસ્તસે ફૂલો અંગે નમૂનાઓ અને વિવરણોનો પુષ્કળ માત્રામાં જથ્થો ભેગો કર્યો અને વનસ્પતિનો અભ્યાસ અને એનું વર્ગીકરણ કરવા વનસ્પતિશાસ્ત્રને લગતો બાગ સ્થાપ્યો. ઘણા ધનાઢ્ય ગ્રીકો પાસે, તેઓ અગાઉ થયેલા મિસરીઓ અને ઈરાનીઓની જેમ, વિશાળ બાગો હતા.
રોમન શહેરી જનોએ શહેરના બંધિયાર સ્થળે ઘર અને બાગ ઓતપ્રોત બનાવ્યા. ધનાઢ્યોએ પોતાનાં ગ્રામનિવાસોમાં જોવા ગમે એવા બગીચાઓ બનાવ્યા. અરે જુલમી નીરોને પણ પોતાનો એદન જોઈતો હતો, તેથી તેણે નિર્દયપણે સેંકડો કુટુંબોનું સ્થળાંતર કરાવ્યું, તેઓનાં ઘરો તોડી પાડ્યાં, અને પોતાના મહેલ ફરતે ૧૨૫ કરતાં વધુ એકરમાં ખાનગી બગીચો ઊભો કર્યો. પછીથી, આશરે ૧૩૮ સી.ઈ.માં, ટિવોલી ખાતે શહેનશાહ હાડ્રિયનના ગ્રામનિવાસે, રોમન ભૂમિરચના એની પરાકાષ્ઠાએ પહોંચી. આ ગ્રામનિવાસમાં ૬૦૦ એકર વિશાળ બગીચો, તળાવો, જળાશયો, અને ફુવારાઓ હતા.
પ્રાચીન ઈસ્રાએલીઓ પાસે પણ બાગબગીચાઓ હતા. યહુદી ઇતિહાસકાર જોસેફસ, યરૂશાલેમથી કંઈક ૧૩થી ૧૬ કિલોમીટર દૂર, એટન નામના સ્થળે ઝરણાંથી ઊભરાતા હર્ષપૂર્ણ બગીચાઓ વિષે લખે છે. એટનના બગીચાઓ, બાઇબલ કહે છે તેમ, સુલેમાને ‘પોતા માટે બનાવેલા’ ‘બગીચા, ચમનબાગો, તળાવો, અને વનʼમાંના હોય શકે. (સભાશિક્ષક ૨:૫, ૬) યરૂશાલેમની બહાર જ જૈતુનના પહાડ પર ગેથસેમાનેની બાગવાડી હતી, જેને ઈસુ ખ્રિસ્તે પ્રખ્યાત બનાવી હતી. અહીં, ઈસુને આશ્રય મળ્યો જ્યાં તે પોતાના શિષ્યોને શાંતિપૂર્વક શીખવી શક્યા.—માત્થી ૨૬:૩૬; યોહાન ૧૮:૧, ૨.
અરબી બાગોથી અંગ્રેજી બાગો
અરબી સૈન્યો સાતમી સદી સી.ઈ.માં પૂર્વથી પશ્ચિમ છવાઈ ગયાં ત્યારે, તેઓ પણ, સિકંદરની જેમ, ઈરાનના બાગોના સંપર્કમાં આવ્યા. (સરખાવો એસ્તેર ૧:૫) “અરબીઓને,” હાવર્ડ લોક્ષટન લખે છે, “ઈરાની બાગો પારાદેશના જેવા જ લાગ્યા જેનું વચન કુરાનમાં વિશ્વાસુ જનોને આપવામાં આવ્યું હતું.” ઈરાની નમૂનાની જેમ, ઉદાહરણરૂપ, મૂરિશ સ્પેનથી કાશ્મીર સુધી, અરબી બાગ, ચાર ઝરણાંથી ચાર વિભાગોમાં વહેંચાયેલો હતો જે કેન્દ્રમાં એક જળાશય અથવા ફુવારામાં એકઠાં થતાં હતાં, જે એદનની ચાર નદીઓની યાદ આપતાં હતાં.
ભારતના ઉત્તરીય ભાગમાં, સુંદર કાશ્મીર ખીણમાં દાલ સરોવર પાસે, ૧૭મી સદીના મોગલ શાસકોએ પારાદેશમય ૭૦૦ કરતાં વધુ બાગ બનાવ્યા. એઓએ આંખ આંજી દેતી રંગબેરંગી તકતીઓ રચી અને વચમાં વચમાં સેંકડો ફુવારા, ભૂરચના, અને ઝરણાં મૂક્યાં. (તાજ મહેલના બાંધનાર) શાહજહાંએ દાલ સરોવરને કિનારે બાંધેલા કાળા આરસના શમિયાના હજુ પણ કોતરણી ધરાવે છે: “પૃથ્વીના પૃષ્ઠ પર સ્વર્ગ હોય તો, એ અહીં જ છે, એ અહીં જ છે, એ અહીં જ છે.”
થોડી સદીઓ અગાઉ, યુરોપ મધ્ય યુગમાંથી પસાર થઈ ૧૪મી-સદીના નવપ્રસ્થાન યુગમાં પ્રવેશ્યું. રોમની બાગબગીચાની પ્રણાલી, જે પાંચમી સદી સી.ઈ.માં મધ્ય યુગ શરૂ થયો ત્યારે કચડાઈ ગઈ હતી, ફરી—આ વખતે ચર્ચના શાસન હેઠળ—પૂરબહારમાં ખીલવા લાગી. ખ્રિસ્તીરાષ્ટ્રે બાગને ‘કામચલાઉ પારાદેશ’ તરીકે જોયો. નવમી-સદીના એક મઠનો નકશો બે બાગ પર “પેરેડાઈઝ” તકતીઓ લગાવેલી બતાવે છે. ખ્રિસ્તીરાષ્ટ્રના બાગો જલદી જ વધારે મોટા અને વધારે ભવ્ય બન્યા, પરંતુ આત્મિક વિચારોનું પ્રતિબિંબ પાડવાને બદલે, ઘણા સત્તા અને ધનની સંજ્ઞા બન્યા.
ફ્રાંસના ચાર્લ્સ ૮માએ ઇટાલીનું નેપલ્સ જીતી લીધું ત્યારે, ૧૪૯૫માં, તેણે ઘરે લખ્યું: “આ શહેરમાં મારી પાસે છે એ સુંદર બાગો વિષે સાંભળીને તમે માનશો નહિ . . . એવું લાગે છે કે એને પાર્થિવ પારાદેશ બનાવવામાં ફક્ત આદમ અને હવાની જ કમી છે.” પરંતુ ચાર્લ્સ ૧૭મી સદીમાં થયો હોત તો, તેણે ફ્રેંચ ભૂમિ પર રાજા લોઈસ ૧૪માના વિશાળ બાગો જોયા હોત. ધ ગાર્ડન પુસ્તક ભારપૂર્વક જણાવે છે કે વર્સેઈલીસના મહેલ ખાતેના બાગો “હજુ પણ દુનિયાના સૌથી મોટા અને સૌથી ભવ્ય બાગો હોવાનો દાવો કરી શકે છે.”
તેમ છતાં, નવપ્રસ્થાન યુગે પારાદેશની નવી વ્યાખ્યા આપીઃ બાગમાંથી સર્વ જંગલીપણું દૂર કરી વ્યવસ્થા સ્થાપનાર જ્ઞાનપ્રકાશિત માણસ માટે કુદરત ઊતરતી કક્ષાની બાબત છે. વૃક્ષો અને ફૂલો સર્વને ચોકસાઈભરી ભૌમિતિક આકૃતિઓમાં ગોઠવવામાં આવી હતી. આમ, શરૂઆતનું રોમન કલાકૃતિમય બાગકામ—અર્થાત્ કાપકૂપ કરીને અને યોગ્ય રીતે વાળીને વૃક્ષો તથા લીલોતરીને આકાર આપવાની કળા—અકળ અદ્ભુત પુનર્જીવન પામ્યું.
પછી, ૧૮મી અને ૧૯મી સદીઓમાં, દરિયાઇ સંશોધનો અને વેપારથી પશ્ચિમી જગતને નવી વનસ્પતિઓ તથા બાગકામના વિચારો ખબર પડ્યા. ઇંગ્લૅંડ બાગની રચનાને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું. ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા કહે છે, “૧૮મી સદીના ઇંગ્લૅંડમાં, માણસ કુદરતી જગતથી વધુને વધુ પરિચિત થયો જેનો તે પોતે એક ભાગ હતો. પોતાની માનવકૃત ભૌમિતિક વ્યવસ્થા કુદરતી જગત પર લાદવાને બદલે, તે ખુદ પોતાનું જીવન એના સુમેળમાં કઈ રીતે લાવવું એ વિચારવા લાગ્યો.” વિલ્યમ કેન્ટ અને લેન્સેલોટ બ્રાઉન જેવા માણસો ભૂમિરચનામાં પ્રવીણ બન્યા. બ્રાઉને ઇંગ્લૅંડમાં બસો કરતાં વધારે સ્થાવર મિલકતોની ભૂમિરચના કરી. યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખો બનનાર બે માણસો, થોમસ જેફરસન અને જોન એડમ્સે, ઇંગ્લીશ બાગોનો અભ્યાસ કરવા ૧૭૮૬માં ઇંગ્લૅંડનો પ્રવાસ કર્યો.
પૂર્વની ભૂમિરચના
ચીનની બાગકામ પ્રણાલીએ જેમ પૂર્વની સંસ્કૃતિને અસર કરી છે તેમ, મિસર, ગ્રીસ, અને રોમની પ્રણાલીએ પાશ્ચાત્ય જગતને અસર કરી છે. ચીનાઓ મૂળે કુદરતનો ધર્મ પાળતા હતા, જેમાં નદીઓ, ખડકો, અને પહાડોને ભૌતિકતા પ્રાપ્ત કરેલા આત્માઓ ગણવામાં આવતા હતા અને તેથી એઓને આદર આપવામાં આવતો હતો. ત્યાર પછી, ટાઓ ધર્મ, કનફ્યુસિઅન ધર્મ, અને બૌદ્ધ ધર્મ દેશ પર ફરી વળ્યા અને એઓએ બાગોનાં પોતાનાં રૂપો ઊભાં કર્યાં.
જાપાનના સમુદ્રની બીજી બાજુએ, જાપાની બાગો પોતાની ઢબે વિકસ્યા, રંગ કરતાં આકારને આગવું સ્થાન આપવામાં આવે છે અને દરેક વસ્તુને એનું ચોક્કસ સ્થાન હોય છે. મર્યાદિત જગ્યામાં કુદરતનું સૌંદર્ય અને એનું વૈવિધ્ય જકડી લેવા, માળી પોતાના પથ્થર કાળજીથી ગોઠવે છે અને પોતાનો બાગ અતિશય સાવધાનીભરી રીતે વાવે છે અને કેળવે છે. એ બોન્સાઈ (અર્થાત્ “યોજનાબદ્ધ રોપણી”)માં દેખાય આવે છે, જે ગાંઠોગાંઠોવાળા જૂના ઝાડને અથવા વૃક્ષોની ઘટાને ચોકસાઈભર્યું રૂપ અને પ્રમાણ આપવા કેળવવાની કળા છે.
ભલે એના પાશ્ચાત્ય સમોવડિયાથી એની ઢબ બદલાતી હોય, પૂર્વનો બાગ પણ પારાદેશની ઝંખના સેવે છે. દાખલા તરીકે, જાપાની બાગ ઇતિહાસકાર વેબ કુટર્ટ લખે છે, જાપાનમાં હીઆન સમયગાળા દરમિયાન (૭૯૪-૧૧૮૫), માળીઓએ “પૃથ્વી પર પારાદેશ”નું વાતાવરણ ખડું કરવા પ્રયાસ કર્યો.
વિશ્વવ્યાપી પ્રેમ
અરે “કુદરતી” બાગો—જંગલો, વનો, અને બીડપ્રદેશો—માં રહેતી શિકારી જાતિઓ સમેત, બાગનો પ્રેમ વિશ્વવ્યાપી છે. “મેક્સિકોના એઝ્ટેક અને પેરુના ઈન્કા” સંબંધી, બ્રિટાનિકા કહે છે, “આદિજાતિ વિજેતાઓએ, પશ્ચિમના સમકાલિન બાગોથી ભિન્ન નહિ એવા, ઢોળાવવાળા બાગો, ઘટાઓ, ફુવારાઓ, સુશોભનવાળા જળાશયો . . . વિષે જણાવ્યું.”
હા, નાઈલના બંને કાંઠે પાંગરેલી પ્રાચીન ઘટાથી પૂર્વની ભૂમિરચનાઓ, આધુનિક શહેરી બગીચાઓ, અને વનસ્પતિશાસ્ત્રને લગતા બાગો—આ શું પ્રગટ કરે છે? માણસજાતની પારાદેશ માટેની ઝંખના. આ ચાલુને ચાલુ “પારાદેશ ઝંખના” વિષે નોંધ લેતા, લેખક ટેરી કોમિટોએ જણાવ્યું: “બાગ એવી જગ્યાઓ છે જ્યાં માણસો ફરી ઘરે આવે છે.” એવો કયો માણસ છે જેને આમ કહેતા આનંદ નહિ થાય, ‘મારું ઘર એદન વાડી જેવું છે’? પરંતુ ગોળાવ્યાપી એદન—અને તે પણ ફક્ત ધનાઢ્યો માટે જ નહિ—શું એક સ્વપ્ન માત્ર છે? કે પછી એ ભાવિ નિશ્ચિતતા છે?
[Caption on page ૭]
બાબેલોનના ઝૂલતા બાગોની કલાકારની કલ્પના
[Caption on page ૭]
વર્સેઈલીસ, ફ્રાંસ
[Caption on page ૭]
French Government Tourist Office/Rosine Mazin
[Caption on page ૭]
જાપાનનો ઉત્કૃષ્ટ બગીચો
[Caption on page ૭]
સમસ્ત ઇતિહાસમાં, માનવીઓએ પારાદેશની ઝંખના રાખી છે