મુશ્કેલી વિનાનો પારાદેશ ફક્ત એક સ્વપ્ન?
“અહીં કેટલું શાંતિપૂર્ણ છે!” યુ.એસ.એ.ના આઈડાહો રાજ્યમાં રેડફિશ સરોવર પરથી દેવદારના જંગલની નિર્મળતાનું દૃશ્ય ખરેખર જોવા જેવું છે. એક પ્રવાસીએ કહ્યું કે, “હું આવા જ પારાદેશની કલ્પના કરું છું.”
સાયપ્રસના ભૂમધ્ય સમુદ્રના ટાપુના દક્ષિણી કિનારા પરથી સૂર્ય તેજસ્વીપણે પ્રકાશતો હતો. કિનારા પર મોજાઓનો મંદ મંદ ઘૂંઘવાટ સંભળાતો હતો. ઊંચી ટેકરી પર આવેલી રેસ્ટોરંટમાંથી આ દૃશ્ય પર નજર નાખતાં, એક મુલાકાતીએ ઉદ્ગાર કાઢ્યા: “આ પારાદેશ છે!”
આપણામાંના ઘણા પાસે આવા દૃશ્યોની યાદનો સંગ્રહ છે. પરંતુ રહેવાસીઓ જાણે છે કે પારાદેશમય પરિસ્થિતિને દૈનિક જીવનની કઠોર વાસ્તવિકતા ઘણી વાર જૂઠી પુરવાર કરે છે: ખડકાળ પહાડોની ઝાડીવાળી તળેટીનાં જંગલોમાં લાગતી આગ, સમુદ્રનું પ્રદૂષણ જે માછલીઓને અને છેવટે મનુષ્યોને અસર કરે છે—એ ઉપરાંત આંતરરાષ્ટ્રીય અને આંતરજ્ઞાતિય વિગ્રહી તો ખરા જ.
પારાદેશ—એ શું છે?
તમે પારાદેશનું કેવું વર્ણન કરો છો? ધ ન્યૂ શોર્ટર ઑક્ષફર્ડ ઇંગ્લીશ ડિક્ષનરી એની પહેલી વ્યાખ્યા આ રીતે આપે છે: “ઉત્પત્તિ ૨, ૩માં વર્ણવાયેલો એદન બાગ.” આ બાઇબલના પ્રથમ પુસ્તકમાં વર્ણવવામાં આવેલા પ્રદેશનું વર્ણન કરે છે કે જેમાં દેવે પ્રથમ માણસ, આદમને સ્થાયી કર્યો. એ મૂળ પારાદેશમાં, એવાં વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થતાં હતાં જેના “ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારાં” હતા.—ઉત્પત્તિ ૨:૯.
એ જ ડિક્ષનરી બીજી વ્યાખ્યામાં “પારાદેશ”નું જોડાણ “ખ્રિસ્તી અને મુસલમાન ધર્મવિજ્ઞાનમાં સ્વર્ગ” સાથે કરવામાં આવ્યું છે, પરંતુ પછી ઉમેરે છે: “એ હવે મુખ્યત્વે કાવ્યાત્મક છે.” તેમ છતાં, અમારા પ્રવાસી અને મુલાકાતી માટે પારાદેશ “એકદમ સુંદર અને આનંદની જગ્યા” હતી, જેમ ડિક્ષનરી ત્રીજી વ્યાખ્યા આપે છે.
સોળમી સદીના બ્રિટીશ રાજનીતિજ્ઞ સર થોમસ મોરે કલ્પનાસૃષ્ટિ (અંગ્રેજી) નામનું પુસ્તક લખ્યું, જેમાં તેમણે કાલ્પનિક દેશનું વર્ણન કર્યું જ્યાં કાયદા, સરકાર, અને સામાજિક પરિસ્થિતિ સંપૂર્ણ હતી. એ એટલું અવાસ્તવિક લાગતું હતું કે આજે વેબસ્ટર્સ ન્યૂ કૉલિજીએટ ડિક્ષનરી “કલ્પનાસૃષ્ટિ”ની એક વ્યાખ્યા “સામાજિક સુધારાની અવ્યવહારુ યોજના” તરીકે કરે છે.
પીપલ્સ ટેમ્પલ પંથના અનુયાયીઓના આગેવાન જીમ જોન્સ માટે યુટોપિયાનો અર્થ ગયાનાનાં જંગલોમાં સફાચટ જગ્યા હતો. દિલગીરીભરી રીતે, ૧૯૭૮માં આ આશાભર્યો પારાદેશ તેઓમાંના ૯૦૦ કરતાં વધારે લોકો માટે મરણનું દૃશ્ય બન્યો—ખરેખર એક દુઃખદ સ્વપ્ન! પરિણામે, ઘણી વાર લોકો પારાદેશના વિષયને વિચિત્ર પંથો સાથે સાંકળે છે જેઓનાં આચરણો આઘાત અને ખલેલ પહોંચાડનારાં હોય છે.
જ્યાં ગુના અને હિંસાનો ભય હોય, જ્યાં પુખ્ત અને બાળકોમાં સરખી જ રીતે માંદગીનો ભય હોય, અને જ્યાં ધિક્કાર તથા ધાર્મિક મતભેદો સમાજમાં ભાગલા પાડતા હોય એવા જગતમાં, આસપાસનું વાતાવરણ સુંદર હોવું ઘણી વાર બાહ્ય દેખાવ માત્ર છે. એમાં કંઈ આશ્ચર્ય નથી કે લોકો પારાદેશને એક સ્વપ્ન માત્ર ગણે છે! પરંતુ આ બાબતે કેટલાક લોકોને પોતાના માટે પારાદેશ શોધતા કે બનાવવાના પ્રયત્નથી રોક્યા નથી. તેઓ કેટલે સુધી સફળ રહ્યા છે?