અમારા વાચકો તરફથી
કૉમ્પ્યુટર રમતો હું ૧૫ વર્ષનો છું, અને હું “યુવાન લોકો પૂછે છે . . . શું મારે કૉમ્પ્યુટર કે વિડીયો રમતો રમવી જોઈએ?” (સપ્ટેમ્બર ૮, ૧૯૯૬) લેખ માટે તમારો આભાર માનવા માંગુ છું. લેખે એ રમતોની ખરેખર ખરાબ બાજુ બતાવી, અને એ ખ્રિસ્તીઓને એને રમવાના હકારાત્મક અને નકારાત્મક પાસાઓને તોળવા મદદ કરશે.
એફ. આર., ઇંડોનેશિયા
હું ૧૭ વર્ષનો છું, અને મને હિંસક કૉમ્પ્યુટર રમતો રમવાની ખૂબ ગમતી હતી. હું વિચારતો કે એઓ મને અસર કરતી નહોતી, પરંતુ હું એ રમતોનો બંધાણી બની ગયો હતો—ખાસ કરીને તમે વર્ણવેલ હિંસક પ્રકારની રમતોનો. હવે મેં મારા કૉમ્પ્યુટરની દરેક ડીસ્ક જેમાં હિંસા અને ખૂન સમાયેલા હતા એનો નાશ કર્યો છે. પરિણામ? હવે મને ઘણું સારું લાગે છે, અને મારી પાસે યહોવાહ દેવ વિષે અભ્યાસ કરવા, શીખવા, અને વાતો કરવા વધુ સમય છે.
એસ. એ., ગ્રીસ
શરણાર્થીઓની કટોકટી હું બુરૂંદીથી આવેલો શરણાર્થી છું, અને હું “શરણાર્થીઓની કટોકટી—શું એનો કદી અંત આવશે?” (સપ્ટેમ્બર ૮, ૧૯૯૬) એ શૃંખલા માટે કદર વ્યક્ત કરવા માંગુ છું. હું આ બાબત પર યહોવાહનું દૃષ્ટિબિંદુ જાણીને ખૂબ ઉત્તેજન પામ્યો હતો કે કઈ રીતે પ્રાચીન સમયમાં, તેમણે પોતાના લોકો પાસે શરણાર્થી પ્રત્યે પ્રેમાળ દયા બતાવડાવી હતી. લેખો માટે હું તમારો આભારી છું; એણે મને ખરેખર દિલાસો આપ્યો.
ડી. એમ., કેન્યા
બસ દુર્ઘટના “યહોવાહના સામર્થ્યથી દુર્ઘટનાનો સામનો કરવો” (સપ્ટેમ્બર ૮, ૧૯૯૬) લેખ વાંચતી વખતે, હું રડ્યા વગર રહી શકી નહીં, કારણ કે એ વ્યક્તિગત રીતે મને અસર કરતો હતો. હું પણ મારી નજીકની બહેનપણી સાથે, અકસ્માતમાં સામેલ હતી. ગંભીર ઇજાઓને કારણે થોડા કલાકો પછી તે મરણ પામી. હું બચી ગઈ, અને તે ન બચી એ કારણે શોક અને દોષિતપણાની ઊંડી લાગણીઓ પર કાબૂ મેળવતા મને પાંચ વર્ષ લાગ્યાં. હું યહોવાહ પર ભરોસો મૂકું છું કે તે મારી ખાસ બહેનપણીને યાદ કરશે. સ્પેનમાંની એ દુર્ઘટનામાં પોતાના સ્નેહિજનો ગુમાવ્યા હતા તેઓ બધા માટે મારા હૃદયમાં અનુભૂતિ છે.
જે. ટી., યુનાઇટેડ સ્ટેટ્સ
તોતડાપણું “બોબડાઓની જીભ સ્પષ્ટ બોલશે” (સપ્ટેમ્બર ૮, ૧૯૯૬) લેખ માટે તમારો આભાર. પીટર કુન્ટના અનુભવે મને બહુ પ્રબળ કર્યો. હું પણ તોતડો છું. બાઇબલ વાર્તાલાપ આપ્યા પહેલાં, હું સ્પષ્ટપણે પોતાને વ્યક્ત કરી શકું માટે હંમેશા હું યહોવાહ પાસે મદદ માંગુ છું.
એમ. એમ., ઇટાલી
હું ૨૦ વર્ષનો થયો ત્યારે, મને અન્યો સાથે વાત કરવાનું અને યહોવાહના સાક્ષીઓના રાજ્ય ગૃહમાં વ્યાસપીઠ પરથી બોલવાનું અઘરું લાગ્યું. સોંપણી પછી, મને પરસેવો છૂટવા માંડતો અને મને વધુ પડતો થાક લાગતો. આવી સમસ્યા હોવા છતાં, યહોવાહની સેવા કરી રહેલા સાથી ખ્રિસ્તીઓના અનુભવ વાંચવા ખરેખર મોટું ઉત્તેજન છે. એણે મને બાબતોની હકારાત્મક દૃષ્ટિ રાખવા મદદ કરી છે.
એમ. એસ., જાપાન
આ અનુભવ પ્રકાશિત કરવા માટે હું તમારો આભાર વ્યક્ત કરવા માંગુ છું. મને નાનપણથી જ એવી સમસ્યા હતી. પીટરની જેમ, હું મંડળમાં વડીલ તરીકે સેવા કરી રહ્યો છું, અને મારે મારી સોંપણી પરિપૂર્ણ કરવા, સામર્થ્ય માટે યહોવાહ પર આધારિત રહેવું પડે છે. હવે હું દેવશાહી સેવાશાળા ચલાવી રહ્યો છું જેમાં બીજાઓને તેઓના બોલવામાં મદદ કરું છું.
એન. ઓ. એન., નાઇજીરિયા
પોમ્પેઈ મેં તાજેતરમાં જ તમારો લેખ “પોમ્પેઈ—જ્યાં સમય થંભી ગયો” (ઑક્ટોબર ૮, ૧૯૯૬) લેખ વાંચ્યો અને મેં પૂરેપૂરો આનંદ માણ્યો. એ એવું લાગ્યું જાણે કે આપણે ત્યાં જ હોઈએ! પરંતુ એક મુદ્દાની સમજણ આપો તો હું એની કદર કરીશ. લેખ કહે છે કે પોમ્પેઈનો કોઈ પણ મુલાકાતી “મકાઈ દળવાની ઘંટીઓ, . . . હજુ પણ જોઈ શકે છે.” જો હું ભૂલ કરતો હોઉં તો મને સુધારો, પરંતુ શું મકાઈ અમેરિકા ખંડનું મૂળ અનાજ નથી કે જે યૂરોપવાસી ક્રિસ્ટોફર કોલંબસના દિવસો સુધી અજાણ્યું હતું?
આર. ડી., યુનાઇટેડ સ્ટેટ્સ
આ બાબતમાં કોઈ ગૂંચવણ ઊભી થઈ હોય તો અમે દિલગીર છીએ. એ કહેવું સારું થાત કે “અનાજ” દળવાની ઘંટી ત્યાં જોઈ શકાય છે. રસપ્રદપણે, “મકાઈ” માટેનો અંગ્રેજી શબ્દનો સાદો અર્થ “ધાન્યનું બીજ” થઈ શકે, જેવા કે ઘઉં અથવા જવ.—સંપાદક.
નાનપણથી જ હું પ્રાચીન ઇતિહાસથી આકર્ષાતી રહી છું. પોમ્પેઈના ઇતિહાસે મને હંમેશા મોહિત કરી છે. મેં લેખ વાંચ્યો ત્યારે, મને એવું લાગ્યું કે જાણે હું આખા શહેરની મુસાફરી કરતી હોઉં. કેવું આશ્ચર્યજનક! મેં ઘણી વિગતો જાણી કે જે મારા માટે નવી હતી. આપણા દિવસના અંતના સમય સાથે એને જે રીતે સરખાવ્યું એ પણ મને ગમ્યું. જેની હું મુલાકાત લઈ શકી નથી એવા સ્થળ વિષે જાણવા મને મદદ કરવા બદલ તમારો આભાર.
જે. એસ. એ., બ્રાઝિલ