સ્થળાંતર કરવાનો ખર્ચ ગણો! સજાગ બનો!ના દક્ષિણ આફ્રિકામાંના ખબરપત્રી તરફથી
શું તમે બીજા દેશમાં સ્થળાંતર કરવાનું વિચારો છો? શું તમે ખર્ચ ગણ્યો છે? અમે ફક્ત નાણાકીય ખર્ચ વિષે વાત કરતા નથી. છેવટે, મોટા ભાગના લોકો આર્થિક સલામતી માટે સ્થળાંતર કરવાનું વિચારે છે. અમારો અર્થ છુપાયેલો ખર્ચ છે કે જે વાસ્તવમાં સ્થળાંતર થયા પછી જ નજરે પડે છે. પણ એ સમય સુધીમાં પાછા ફરવું બહુ મોડું થઈ ગયું હોય છે. નીચેના મુદ્દાઓ તમને ચેતવણી આપવાના ઇરાદાથી નથી, પરંતુ એઓ વિચારવા લાયક છે:
“નવી ભાષા શીખવી નમ્રતા અને પ્રયત્ન માંગી લે છે. પુખ્ત વયનાઓ માટે એ જાણવું નિરાશાજનક બને છે કે નાનાં બાળકોને પણ એ વિચિત્ર લાગે છે કારણ કે તેઓ તેને સમજી શકતા નથી. હંમેશા ભૂલો કરતા રહેતા હોવાથી, સતત કોઈ હસતા રહે તો એ ઘણા લોકો માટે નમ્રતાની મોટી કસોટી બની જાય છે. પરદેશીઓ સ્થાનિક ભાષા બોલી શકતા નથી ત્યારે જીવન બહુ એકલું બની જાય છે.”—રોઝમેરી, જાપાનમાં એક મિશનરિ.
કદાચ તમે એવું અનુભવો કે તમે તમારું જીવન નીભાવી રાખવા પૂરતી ભાષા તો જાણો છો. પરંતુ શું તમને ખાતરી છે કે તમારું આખું કુટુંબ પૂરતી ભાષા જાણે છે કે જેથી સ્થળાંતરથી ખુશ રહી શકે?
કેટલાક સભ્યોને પોતાની ઇચ્છા વિરુદ્ધ પટાવીને સ્થળાંતર કરાવ્યું હતું તેની કુટુંબ પર શી અસર પડી હતી? સ્ત્રીઓનું મનોવિજ્ઞાન ત્રિમાસિક (અંગ્રેજી) સામયિક કહે છે, “[મૅક્સિકોથી] કેટલીક સ્ત્રીઓનો સ્થળાંતર કરવાના નિર્ણયમાં કોઈ ભાગ નહોતો અને સ્થળાંતર કરવા ઇચ્છતી નહોતી, તેમ જ યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર કર્યા પછી ત્યાં રહેવા પણ ઇચ્છતી નહોતી.” આવા સંજોગો હેઠળ, દબાણથી પરદેશ લઈ જવું કુટુંબની એકતા તોડી શકે. પરંતુ કમાવાવાળો પોતે એકલો સ્થળાંતર કરે તો શું?
આફ્રિકામાં વસ્તી, સ્થળાંતર, અને શહેરીકરણ (અંગ્રેજી) પુસ્તકમાં એ અંદાજ બાંધવામાં આવ્યો છે કે દક્ષિણ આફ્રિકાના એક નાનાં ગામડાંમાં, ૫૦ ટકાથી પણ વધુ “પુખ્ત માણસો કોઈ પણ ચોક્કસ સમયે ઘરે હોતા નથી.” આ ગેરહાજરી કુટુંબનો સંતોષ અને સ્થિરતા છીનવી લઈ શકે. એ લગ્ન સાથીને અનૈતિકતા તરફ લલચાવવાની શક્યતા પણ ખુલ્લી મૂકી શકે છે! એ કેટલું સારું હશે કે કુટુંબ સાથે રહી શકે ભલે તેઓ સ્થળાંતર કરે કે ના કરે. કુટુંબની એકતા એવી બાબત છે કે એને પૈસાથી ખરીદી શકાતી નથી.
પછી, પૂર્વગ્રહનો સામનો કરવો ભારે બોજ છે. “હું ઇંગ્લૅંડ આવી એ પહેલાં રંગભેદ વિષે કશું જાણતી નહોતી,” એક ભારતીય સ્થળાંતર કરનાર સ્ત્રી યાદ કરે છે. “એ [હકીકત] ડરામણી હતી. કડવો આઘાત. એ બધાથી દૂર થવા હું ઘરે, પાછી ભારત જવા માંગતી હતી.—ધ અન-મેલટીંગ પોટ.
તેથી સ્થળાંતર કરતા પહેલાં, પોતાને પૂછો: ‘કયા વિકલ્પો છે? શું આપણે ઘરે જ કંઈક ફેરગોઠવણ ન કરી શકીએ? શું બીજા દેશમાં જવું ખરેખર લાભકારક હશે?’ એ હોય કે ન હોય, પરંતુ તમે નિર્ણય કરો એ પહેલાં, ઈસુની આ સારી સલાહને વિચારો: “તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલવહેલાં બેસીને ખરચ નહિ ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ?”—લુક ૧૪:૨૮.