વૃદ્ધ ભાઈ-બહેનો, તમે મંડળ માટે ઘણાં કીમતી છો
“મને નવાઈ લાગે છે કે હું પહેલાં કેટલું બધું કરી શકતી હતી, પણ હવે ઉંમરને લીધે બહુ નથી થતું.”—૮૩ વર્ષનાં કૉનીબહેન.
તમે પણ કદાચ હવે ઉંમરને લીધે પહેલાં જેટલું નથી કરી શકતા. ખરું કે, તમે વર્ષોથી વફાદારીથી યહોવાની ભક્તિ કરી છે, પણ જ્યારે વિચારો છો કે અગાઉ તમે કેટલું બધું કરતા હતા, ત્યારે કદાચ નિરાશ થઈ જાઓ. જો એવું હોય તો પોતાની ખુશી પાછી મેળવવા શું કરી શકો?
યહોવા તમારી પાસેથી શું ચાહે છે?
તમે પોતાને પૂછી શકો: ‘યહોવા મારી પાસેથી શું ચાહે છે?’ તમને યહોશુઆ ૨૨:૫ના શબ્દોથી ઘણો દિલાસો મળી શકે છે. ત્યાં લખ્યું છે: “તમારા ઈશ્વર યહોવા પર પ્રેમ રાખજો, . . . તમારા પૂરા દિલથી અને પૂરા જીવથી તેમની ભક્તિ કરજો.”
એ કલમ પ્રમાણે યહોવા ચાહે છે કે તમે તમારા પૂરા દિલથી અને પૂરા જીવથી તેમની ભક્તિ કરો. એ વાત યાદ રાખવાથી તમને સરખામણી ન કરવા મદદ મળશે. તમે પોતાની સરખામણી બીજાઓ સાથે નહિ કરો. તેમ જ, હમણાં જે કરી શકો છો એની સરખામણી અગાઉ જે કરી શકતા હતા એની સાથે પણ નહિ કરો.
આનો વિચાર કરો: તમે યુવાન હતા ત્યારે યહોવા માટે કેટલું કરતા હતા? યહોવાના મોટા ભાગના ભક્તો કહેશે કે તેઓ અથાક મહેનત કરતા હતા. એ સમયે, તમારા સંજોગો પ્રમાણે જે કરી શકતા હતા એ બધું જ કરતા હતા, ખરું ને? પણ હમણાં શું? જોવા જઈએ તો, હાલના સંજોગો પ્રમાણે જે કરી શકો છો એ બધું જ તમે કરી રહ્યા છો, ખરું ને? જો આ રીતે વિચારશો, તો જોઈ શકશો કે તમે યહોવા માટે પહેલાં જેટલું કરતા હતા, એટલું જ આજે પણ કરી રહ્યા છો. તમે અગાઉ યહોવાને સૌથી સારું આપતા હતા અને આજે પણ સૌથી સારું આપી રહ્યા છો.
તમે યુવાનીમાં યહોવા માટે પોતાનાથી બનતું બધું કરતા હતા અને હવે ઘડપણમાં પણ એવું જ કરી રહ્યા છો
તમારા અનુભવથી બીજાઓને ઘણી મદદ મળી શકે છે
ઉંમર વધતી જાય તેમ, જે નથી કરી શકતા એના પર ધ્યાન આપવાને બદલે બીજાઓને અલગ અલગ રીતે મદદ કરવાની તક શોધો. ખબર છે, તમે યુવાન હતા ત્યારે જે નહોતા કરી શકતા, એ હવે કરી શકો છો! ચાલો એનો એક દાખલો જોઈએ.
બીજાઓને તમારા અનુભવો જણાવો. બાઇબલમાં નોંધેલા અમુક ઈશ્વરભક્તોના શબ્દો પર ધ્યાન આપો:
દાઉદ રાજા: “એક સમયે હું યુવાન હતો ને હવે ઘરડો થયો છું. પણ મેં એવું જોયું નથી કે સચ્ચાઈથી ચાલનારને ઈશ્વરે ત્યજી દીધો હોય, કે પછી તેનાં બાળકો ભીખ માંગતા હોય.”—ગીત. ૩૭:૨૫.
યહોશુઆ: “જુઓ, હું મરવાની અણીએ છું. તમે સારી રીતે જાણો છો કે યહોવા તમારા ઈશ્વરે જે જે વચનો તમને આપ્યાં હતાં, એમાંનું એકેય નિષ્ફળ ગયું નથી. એ બધાં જ પૂરાં થયાં છે, એક પણ રહી ગયું નથી.”—યહો. ૨૩:૧૪.
કદાચ તમે યુવાનીમાં બીજાઓને ઉત્તેજન આપવા દાઉદ અને યહોશુઆ જેવા શબ્દો કહ્યા હશે. પણ હવે તમારા એવા ઉત્તેજનની બીજાઓ પર વધારે અસર થશે. દાઉદ અને યહોશુઆના એ શબ્દોમાં તેઓનો અનુભવ દેખાતો હતો. તેઓએ વર્ષોથી યહોવાની વફાદારીથી ભક્તિ કરી હતી અને યહોવાનાં ઘણાં વચનો પૂરાં થતાં જોયાં હતાં. એટલે તેઓએ જે કહ્યું એની લોકો પર વધારે ઊંડી અસર થઈ.
જો તમે લાંબા સમયથી યહોવાની ભક્તિ કરી રહ્યા હો, તો તમે પણ બીજાઓને એમ કરવાથી મળતા આશીર્વાદો વિશે જણાવી શકો. શું તમને એવો કોઈ બનાવ યાદ છે જ્યારે યહોવાએ પોતાના ભક્તોને કોઈ ખાસ રીતે મદદ કરી હોય? જો હોય, તો એ વિશે બીજાઓને અચૂક જણાવો. એ અનુભવ સાંભળવાથી બીજાઓને તો ઉત્તેજન મળશે જ, તમને પણ મળશે.—રોમ. ૧:૧૧, ૧૨.
તમે બીજી એક રીતે પણ ભાઈ-બહેનોને ઉત્તેજન આપી શકો છો. તમારાથી થાય એટલું પ્રાર્થનાઘરમાં જાઓ. એનાથી તમને અને બીજાઓને અરસપરસ ઉત્તેજન મળશે. આપણે કૉનીબહેન વિશે અગાઉ જોઈ ગયા. તે કહે છે: “સભાઓમાં જવાથી મને ઘણી મદદ મળે છે. હું ઉદાસ રહેતી નથી. ત્યાં મને ભાઈ-બહેનોનો એટલો બધો પ્રેમ મળે છે કે નિરાશ થવાની વાત જ ક્યાં આવે! હું તેઓને નાની નાની ભેટો આપીને કદર બતાવું છું. હું ભાઈ-બહેનો સાથે ભક્તિનાં કામોમાં વ્યસ્ત રહું છું.”
તમારી સેવાને યહોવા અનમોલ ગણે છે
બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તોના દાખલા છે, જેઓ પોતાના સંજોગોને લીધે વધારે કરી શકતા ન હતા, તોપણ તેઓ યહોવાને ખૂબ વહાલા હતા. શિમયોનનો દાખલો લો, જે ઇઝરાયેલી હતા. ઈસુનો જન્મ થયો ત્યારે તે ઘણા વૃદ્ધ હતા. તે મંદિરમાં જતા ત્યારે જોતા હશે કે યુવાનો કેટલાં મહત્ત્વનાં કામો કરી રહ્યા છે. એ જોઈને તેમને કેવું લાગ્યું હશે? તેમને લાગ્યું હશે કે તે યહોવા માટે કંઈ કામના નથી, કેમ કે હવે તે યહોવાની સેવામાં એ યુવાનો જેટલું કરી શકતા નથી. પણ યહોવા એવું વિચારતા ન હતા. તેમણે જોયું કે એ ‘ઈશ્વરભક્ત નેક હતા.’ તેમણે શિમયોનને નાનકડા ઈસુને જોવાનો લહાવો આપ્યો. અરે, યહોવાએ શિમયોન દ્વારા ભવિષ્યવાણી પણ કરાવી કે ઈસુ જ આવનાર મસીહ છે. (લૂક ૨:૨૫-૩૫) બાઇબલમાં લખ્યું છે કે યહોવાની ‘પવિત્ર શક્તિ તેમના પર હતી.’ આપણે સાફ જોઈ શકીએ છીએ કે યહોવાએ શિમયોનના નબળા શરીર પર ધ્યાન આપવાને બદલે, તેમની અડગ શ્રદ્ધા પર ધ્યાન આપ્યું.
યહોવાએ શિમયોનને લહાવો આપ્યો કે તે નાનકડા ઈસુને જુએ. તેમણે શિમયોન દ્વારા ભવિષ્યવાણી પણ કરાવી કે ઈસુ જ મસીહ છે
તમે પણ ખાતરી રાખી શકો કે યહોવા તમને ખૂબ અનમોલ સમજે છે. ભલે તમારી ઉંમર થઈ ગઈ છે, પણ યહોવા તમારી વફાદારીની ખૂબ કદર કરે છે. યહોવા એવું ‘દાન સ્વીકારે છે જે વ્યક્તિ પાસે હોય. તેની પાસે એવી અપેક્ષા રાખવામાં નથી આવતી કે તે એવું કંઈક આપે જે તેની પાસે ન હોય.’—૨ કોરીં. ૮:૧૨.
એટલે તમે શું કરી શકો છો એના પર ધ્યાન આપો. જેમ કે, વિચારો કે તમે કઈ અલગ અલગ રીતે પ્રચાર કરી શકો, પછી ભલે એ થોડા સમય માટે પણ કેમ ન હોય. શું તમે થોડી મિનિટો ફોન પર વાત કરીને અથવા કાર્ડ લખીને કોઈ ભાઈ કે બહેનને ઉત્તેજન આપી શકો? તમે લાંબા સમયથી યહોવાની ભક્તિ કરો છો, એટલે જ્યારે તમે એવી નાની નાની રીતોએ પ્રેમ બતાવો છો, ત્યારે એની ભાઈ-બહેનો પર ઊંડી અસર થાય છે.
કદાચ તમે પહેલાં જેટલું હરી-ફરી શકતા નહિ હો, તોપણ તમે યહોવાની સેવામાં ઘણું કરી શકો છો. પૂર્વ આફ્રિકાના એક અનુભવ પર ધ્યાન આપો, જે આ લેખના બૉક્સમાં આપ્યો છે: “તેનું જીવન બચી ગયું.”
યાદ રાખો કે તમારી શ્રદ્ધા અને વફાદારીના દાખલાથી બીજાઓને ઉત્તેજન મળી શકે છે. તમે ધીરજ રાખવામાં પણ જોરદાર દાખલો બેસાડ્યો છે. તમે ખાતરી રાખી શકો કે “ઈશ્વર એવા અન્યાયી નથી કે તમારાં કામોને અને તેમના નામ માટે તમે બતાવેલા પ્રેમને ભૂલી જાય. તમે પવિત્ર જનોની જે સેવા કરી છે અને હજુ કરી રહ્યા છો એ ઈશ્વર ક્યારેય નહિ ભૂલે.”—હિબ્રૂ. ૬:૧૦.
બીજાઓને મદદ કરવા તમારાથી થાય એટલું કરો
સંશોધનથી જાણવા મળ્યું છે કે જે વૃદ્ધ સ્ત્રી-પુરુષો બીજાઓને મદદ કરે છે, તેઓની તબિયત સારી રહે છે, તેઓ સારી રીતે વિચારી શકે છે અને લાંબું જીવે છે.
પણ એવું નહિ બને કે બીજાઓ માટે સારાં કામો કરતા રહેવાથી ઘડપણની બધી અસર દૂર થઈ જશે. એવું તો ફક્ત ઈશ્વરના રાજ્યમાં જ થશે. એ રાજ્ય દ્વારા ઘડપણ અને મરણના મુખ્ય કારણને, એટલે કે વારસામાં મળેલા પાપને કાયમ માટે દૂર કરી દેવામાં આવશે.—રોમ. ૫:૧૨.
આજે તમે યહોવાની સેવામાં જે કરો છો અને બીજાઓને યહોવા વિશે શીખવવા જે મહેનત કરો છો, એનાથી શું કોઈ ફાયદો થાય છે? હા ચોક્કસ! એનાથી તમારી આશા વધારે મજબૂત થાય છે. એટલું જ નહિ, એની તમારી તબિયત પર પણ સારી અસર થઈ શકે છે. વહાલાં વૃદ્ધ ભાઈ-બહેનો, યાદ રાખો કે મંડળનાં ભાઈ-બહેનોને તમારી શ્રદ્ધાના જોરદાર દાખલામાંથી ઘણું શીખવા મળે છે અને યહોવા તમારી સેવાને ખૂબ કીમતી ગણે છે.