જીવન સફર
એક શરમાળ છોકરી મિશનરી બની!
નાનપણમાં હું બહુ શરમાળ હતી. મને લોકોથી ડર લાગતો. પણ સમય જતાં યહોવાએ મને મદદ કરી, જેથી હું લોકોને પ્રેમ કરી શકું અને મિશનરી બની શકું. તેમણે કઈ રીતે મને મદદ કરી? શરૂઆતમાં મારા પપ્પાએ આપેલા માર્ગદર્શન દ્વારા. પછી એક યુવાન બહેનના જોરદાર દાખલા દ્વારા અને છેલ્લે મારા પતિના પ્રેમાળ શબ્દો અને સારી સલાહ દ્વારા. ચાલો મારી કહાણી જણાવું.
૧૯૫૧માં ઑસ્ટ્રિયાના વિયેનામાં મારો જન્મ થયો. મારું કુટુંબ કૅથલિક ધર્મ પાળતું હતું. હું શરમાળ હતી, એટલે લોકો સાથે વાત કરતા અચકાતી. પણ હું ઈશ્વરને દિલ ખોલીને મારી લાગણીઓ જણાવી શકતી. હું નવ વર્ષની હતી ત્યારે પપ્પાએ યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. થોડા સમય પછી મમ્મી પણ શીખવા લાગી.
મારી બહેન એલિઝાબેથ સાથે, જે પાછળ બેઠી છે
બહુ જલદી અમે વિયેનામાં આવેલા ડબ્લિન મંડળમાં જવા લાગ્યાં. કુટુંબ તરીકે અમે ઘણું બધું ભેગાં મળીને કરતા. અમે સાથે બાઇબલ વાંચતાં, એનો અભ્યાસ કરતા, સભાઓમાં જતાં અને સંમેલનોમાં સ્વયંસેવકો તરીકે કામ કરતા. એ વર્ષો દરમિયાન પપ્પાએ મને યહોવા માટેનો પ્રેમ ગાઢ કરવા મદદ કરી. તે તો એવી પ્રાર્થના કરતા હતા કે હું અને મારી બહેન પાયોનિયર બનીએ. પણ હું પાયોનિયર બનવા માંગતી ન હતી.
પૂરા સમયની સેવા શરૂ કરી
૧૯૬૫માં મેં બાપ્તિસ્મા લીધું. એ વખતે હું ૧૪ વર્ષની હતી. પણ અજાણ્યા લોકો સાથે પ્રચારમાં વાત કરવી મને લોઢાના ચણા ચાવવા જેવું લાગતું. હું પોતાને બીજા યુવાનો કરતાં ઊતરતી ગણતી. હું કોઈ પણ હિસાબે તેઓમાં ભળી જવા માંગતી હતી. એટલે બાપ્તિસ્માના થોડા જ સમય પછી હું યહોવાની ભક્તિ કરતા ન હોય એવા લોકો સાથે વધારે સમય વિતાવવા લાગી. મને તેઓની દોસ્તી ગમતી હતી, પણ મારું અંતઃકરણ ડંખતું હતું, કેમ કે હું તેઓ સાથે વધારે પડતો સમય વિતાવી રહી હતી. એ દોસ્તી તોડી નાખવાની મારામાં હિંમત ન હતી. મને શાનાથી મદદ મળી?
ડોરોથી (ડાબી બાજુ) પાસેથી હું ઘણું શીખી
એ સમયગાળામાં ડોરોથી નામની છોકરી અમારા મંડળમાં આવી. તે ૧૬ વર્ષની હતી. તેને ઘર ઘરનો પ્રચાર કરવો બહુ જ ગમતું. તેનો ઉત્સાહ જોઈને હું દંગ રહી ગઈ. હું તેના કરતાં ઉંમરમાં મોટી હતી, પણ પ્રચારમાં ખાસ કંઈ કરતી ન હતી. મેં વિચાર્યું: ‘મારાં મમ્મી-પપ્પા યહોવાના સાક્ષી છે. પણ ડોરોથી એકલી સત્યમાં છે. તે પોતાની બીમાર મમ્મી સાથે રહે છે. તોપણ હું હંમેશાં તેને પ્રચારમાં જોઉં છું!’ તેના દાખલાથી મને યહોવાની સેવામાં વધારે કરવા મદદ મળી. બહુ જલદી હું અને ડોરોથી સાથે મળીને પાયોનિયરીંગ કરવા લાગ્યા. સૌથી પહેલા અમે સહાયક પાયોનિયરીંગ કર્યું, જેને એ સમયે વૅકેશન પાયોનિયરીંગ કહેવામાં આવતું. પછી અમે નિયમિત પાયોનિયરીંગ કરવા લાગ્યા. ડોરોથીનો ઉત્સાહ સાચે જ ચેપી હતી. મને પણ પ્રચારમાં મજા આવવા લાગી. તેણે મને સૌથી પહેલો બાઇબલ અભ્યાસ શરૂ કરવા મદદ કરી. સમય જતાં મારા માટે પણ ઘર ઘરના પ્રચારમાં, રસ્તા પર અને બીજા સંજોગોમાં લોકો સાથે વાત કરવી સહેલું બની ગયું.
નિયમિત પાયોનિયરીંગનું મારું પહેલું વર્ષ હતું. એ વખતે હાઇન્ઝ નામના ભાઈ અમારા મંડળમાં આવ્યા. તેમને કેનેડામાં યહોવા વિશે શીખવા મળ્યું હતું. ત્યાં તે પોતાના સાક્ષી ભાઈને મળવા ગયા હતા. હાઇન્ઝને અમારા મંડળમાં ખાસ પાયોનિયર તરીકે સોંપણી મળી હતી. તે મને પહેલી જ નજરે ગમી ગયા હતા. પણ તે મિશનરી બનવા માંગતા હતા અને મારો એવો કોઈ ઇરાદો ન હતો. એટલે શરૂઆતમાં મેં મારી લાગણીઓ દબાવી રાખી. જોકે પછીથી હું અને હાઇન્ઝ લગ્નના ઇરાદાથી એકબીજાને ઓળખવા લાગ્યાં અને અમે લગ્ન કર્યું. અમે ઑસ્ટ્રિયામાં જ સાથે મળીને પાયોનિયરીંગ કરવાનું શરૂ કર્યું.
મિશનરી બનવાનો ધ્યેય રાખ્યો
હાઇન્ઝે ઘણી વાર મને જણાવ્યું કે તે મિશનરી બનવા માંગે છે. પણ તેમણે કદી મને દબાણ ન કર્યું. એના બદલે, તે મને આવા અમુક સવાલો પૂછીને એ વિશે વિચારવા મદદ કરતા: “આપણને બાળકો નથી. તો શું આપણે યહોવાની સેવામાં વધારે કરી શકીએ?” શરમાળ સ્વભાવ હોવાને લીધે મને મિશનરી બનવાનો ડર લાગતો હતો. હું પાયોનિયરીંગ તો કરતી હતી, પણ મિશનરી બનવાના વિચારથી જ મારો પરસેવો છૂટી જતો. હાઇન્ઝે ખૂબ ધીરજ રાખી. તે મને એ વિશે વિચારવા મદદ કરતા રહ્યા. તેમણે મને ઉત્તેજન આપ્યું કે હું મારા ડર પર ધ્યાન આપવાને બદલે લોકોને મદદ કરવા પર વધારે ધ્યાન આપું. તેમની સલાહથી મને સાચે જ મદદ મળી.
૧૯૭૪માં ઑસ્ટ્રિયાના સાલ્સબર્ગ શહેરમાં સર્બો-ક્રોએશિયન ભાષાના નાના મંડળમાં હાઇન્ઝ ચોકીબુરજ અભ્યાસ ચલાવી રહ્યા છે
ધીરે ધીરે મારામાં પણ મિશનરી બનવાની ઇચ્છા જાગી. એટલે અમે ગિલયડ શાળા માટે અરજી ભરી. જોકે શાખા સેવકે મને પહેલા મારું અંગ્રેજી સુધારવા કહ્યું. મેં ત્રણ વર્ષ મારું અંગ્રેજી સુધારવા મહેનત કરી. પણ અચાનક અમને ઑસ્ટ્રિયાના સાલ્સબર્ગ મંડળમાં સોંપણી મળી, જ્યાં સર્બો-ક્રોએશિયન ભાષા બોલાતી હતી. એ સોંપણીથી અમને ખૂબ જ નવાઈ લાગી. પછીનાં સાત વર્ષ અમે એ ભાષા બોલતા લોકોને પ્રચાર કર્યો. એમાંનું એક વર્ષ અમે સરકીટ કામ પણ કર્યું. સર્બો-ક્રોએશિયન ભાષા બહુ અઘરી હતી. પણ અમારી પાસે ઘણા બાઇબલ અભ્યાસ હતા.
૧૯૭૯માં શાખાએ અમને થોડા સમય માટે બલ્ગેરિયા જવાનું કહ્યું. ત્યાં પ્રચારકામ પર પ્રતિબંધ હતો. એટલે ભાઈઓએ કહ્યું કે અમે જાણે “વૅકેશન” પર હોઈએ એ રીતે વર્તીએ. તેઓએ અમને ત્યાં પ્રચાર કરવાની ના પાડી હતી. પણ અમારે બલ્ગેરિયાની રાજધાની સોફિયામાં રહેતી પાંચ બહેનો માટે સાહિત્યની નાની નાની પ્રતો લઈ જવાની હતી. એ બધું અમારે છાનીછૂપી રીતે કરવાનું હતું. મને બહુ બીક લાગતી હતી. પણ યહોવાએ મને મદદ કરી. એ પાંચ બહેનોને પોલીસ ગમે ત્યારે પકડીને લઈ જઈ શકતી હતી. તોપણ તેઓ હિંમત બતાવતી અને ખુશ રહેતી. તેઓના દાખલાથી મને હિંમત મળી કે સંગઠન મને જે પણ કામ સોંપે એને હું પૂરું કરું.
થોડા સમય પછી અમે ગિલયડ માટે ફરી અરજી ભરી અને આ વખતે અમને શાળાનું આમંત્રણ મળ્યું. અમે વિચાર્યું કે અમને ગિલયડના અંગ્રેજી ક્લાસમાં બોલાવવામાં આવશે, જે અમેરિકામાં થાય છે. પણ અમને તો વિસ્બાડન શહેરમાં આવેલી જર્મનીની શાખા કચેરીમાં બોલાવવામાં આવ્યાં, કેમ કે નવેમ્બર ૧૯૮૧માં ત્યાં ગિલયડ ઍક્સ્ટેન્શન સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. ક્લાસ જર્મન ભાષામાં હતો, એટલે બધી માહિતી સમજવી મારા માટે સહેલું હતું. પણ અમને કઈ જગ્યાએ સોંપણી મળવાની હતી?
યુદ્ધો ચાલતાં હોય એવા દેશમાં સોંપણી
અમને કેન્યા મોકલવામાં આવ્યાં! પણ કેન્યાની શાખા કચેરીએ અમને પૂછ્યું કે અમારા માટે પડોશી દેશ યુગાન્ડામાં જઈને સેવા આપવી કેવું રહેશે. આશરે દસ વર્ષ પહેલાં ઈદી અમીન નામના લશ્કરી અધિકારીએ યુગાન્ડાની સરકાર ઊથલાવી પાડી હતી. તેના રાજમાં તેણે હજારો લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. લાખો લોકોનું જીવવું હરામ થઈ ગયું હતું. પછી ૧૯૭૯માં યુગાન્ડાની સરકારમાં ફરી ઊથલ-પાથલ મચી. તમે સમજી ગયા હશો કે મને ત્યાં જતા ડર લાગતો હતો. પણ ગિલયડની તાલીમથી અમે યહોવા પર ભરોસો રાખવાનું શીખ્યાં હતાં. એટલે અમે ત્યાં જવા “હા” પાડી.
યુગાન્ડામાં જનજીવન અસ્તવ્યસ્ત હતું. સરકાર નાગરિકોને પાણી, વીજળી કે બીજી જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી શકતી ન હતી. ફોન ચાલતા ન હતા. લોકો આડેધડ ગોળીબાર કરતા, એકબીજાને લૂંટી લેતા. ખાસ કરીને રાતે એવું વધારે બનતું. એટલે અંધારું થતા જ લોકો પોતાનાં ઘરોમાં પુરાઈ જતા અને આશા રાખતા કે કોઈ ચોરી કરવા કે હુમલો કરવા ન આવે. અમુક વાર તો એવી પ્રાર્થનાઓ પણ કરતા. એ બધી મુશ્કેલીઓ છતાં ત્યાંનાં ભાઈ-બહેનો ખુશીથી યહોવાની ભક્તિ કરી રહ્યાં હતાં.
ભાઈ સેમ વાઇસ્વાના ઘરે જમવાનું બનાવતી વખતે
૧૯૮૨માં હું અને હાઇન્ઝ યુગાન્ડાની રાજધાની કમ્પાલા શહેર આવ્યાં. શરૂઆતના પાંચ મહિના અમે ભાઈ સેમ વાઇસ્વા અને તેમની પત્ની ક્રિસ્ટીનાના ઘરે રહ્યાં. તેઓ પોતાનાં પાંચ બાળકો અને ચાર સગાં સાથે રહેતાં હતાં. ઘણી વાર એ કુટુંબ પાસે એક ટંકનું જ ખાવાનું હોતું. સાચે જ, તેઓની મહેમાનગતિ ઊડીને આંખે વળગે એવી હતી. એ કુટુંબ સાથે રહીને અમને ઘણું શીખવા મળ્યું. દાખલા તરીકે, અમે બસ થોડા લિટર પાણીથી નહાવાનું અને પછી એને શૌચાલયમાં વાપરવાનું શીખ્યાં. ૧૯૮૩માં અમને કમ્પાલામાં એક ઘર મળ્યું, જે થોડી સલામત જગ્યાએ હતું.
કમ્પાલામાં પ્રચાર કરવો અમને બહુ ગમતું. મને યાદ છે કે એક મહિનામાં અમે ૪,૦૦૦ કરતાં વધારે મૅગેઝિન આપ્યાં હતાં. પણ એનાથી જોરદાર વાત કહું, સંદેશો સાંભળીને લોકોની આંખમાં જે ચમક આવતી એ જોઈને અમે હરખાઈ ઊઠતાં. તેઓ ભગવાનમાં માનતા હતા અને તેઓને બાઇબલ વિશે વાત કરવી ગમતું હતું. અમે બંને જણ મોટા ભાગે ૧૦-૧૫ લોકોને બાઇબલમાંથી શીખવતાં. અમને અમારા વિદ્યાર્થીઓ પાસેથી પણ ઘણું શીખવા મળ્યું. દાખલા તરીકે, તેઓ દર અઠવાડિયે સભાઓમાં ચાલીને આવતા. તેઓ ક્યારે કચકચ ન કરતા અને હંમેશાં ખુશ રહેતા.
૧૯૮૫ અને ૧૯૮૬માં યુગાન્ડામાં બે યુદ્ધો ફાટી નીકળ્યાં. અમે ઘણી વાર જોતાં કે બાળકોને સૈનિકો બનાવી દેવામાં આવ્યાં હતાં. તેઓના હાથમાં મોટી મોટી બંદૂકો પકડાવી દેવામાં આવી હતી. નાકાબંધી કરવા પણ તેઓનો ઉપયોગ થતો. એ વર્ષો દરમિયાન અમે ઘણી વાર બુદ્ધિ અને શાંત મન માટે પ્રાર્થના કરી, જેથી સમજી-વિચારીને અને ડર્યા વગર પ્રચાર કરી શકીએ. યહોવાએ અમારી પ્રાર્થનાઓનો જવાબ આપ્યો. જ્યારે અમને એવી વ્યક્તિ મળતી જેને યહોવા વિશે જાણવું હોય, ત્યારે અમારો બધો ડર ગાયબ થઈ જતો.
હું, હાઇન્ઝ અને તાત્યાના (વચ્ચે)
અમને યુગાન્ડામાં રહેતા પરદેશીઓને પ્રચાર કરવામાં પણ મજા આવતી. દાખલા તરીકે, અમે મુરાત ઇબાતુલીન અને તેમની પત્ની દિલબરને મળ્યાં. અમે તેઓને બાઇબલમાંથી શીખવવા લાગ્યાં. તેઓ ટટરસ્તાનથી (મધ્ય રશિયા) હતાં. મુરાત ડૉક્ટર હતો. સમય જતાં એ પતિ-પત્ની યહોવાના સાક્ષી બન્યાં અને આજ સુધી યહોવાને વફાદાર છે. હું તાત્યાના વિલેયસ્કા નામની સ્ત્રીને પણ મળી. તે યુક્રેનથી હતી. તે એટલી નિરાશ થઈ ગઈ હતી કે આપઘાત કરવા માંગતી હતી. બાપ્તિસ્મા પછી તે યુક્રેન પાછી ગઈ. પછીથી તેણે આપણાં સાહિત્યના ભાષાંતરકામમાં પણ મદદ કરી.a
નવા પડકારો
૧૯૯૧માં હું અને હાઇન્ઝ રજાઓ ગાળવા ઑસ્ટ્રિયા ગયાં હતાં. એ વખતે ત્યાંની શાખા કચેરીએ અમને અમારી નવી સોંપણી વિશે જણાવ્યું. અમારે બલ્ગેરિયા જવાનું હતું. પૂર્વ યુરોપમાં સામ્યવાદી સત્તાનો અંત આવ્યો એ પછી યહોવાના સાક્ષીઓને બલ્ગેરિયામાં પ્રચાર કરવાની છૂટ મળી. અગાઉ જણાવ્યું તેમ, એ દેશમાં પ્રતિબંધ હતો ત્યારે હું અને હાઇન્ઝ ત્યાં ચોરીછૂપીથી સાહિત્ય લઈને ગયાં હતાં. પણ હવે અમે ત્યાં જઈને પ્રચાર કરવાનાં હતાં.
ભાઈઓએ જણાવ્યું કે યુગાન્ડા પાછાં જવાને બદલે અમે સીધાં બલ્ગેરિયા જઈએ. એટલે ઘરે પાછા જઈને પોતાનો સામાન લીધા વગર અને ભાઈ-બહેનોને આવજો કહ્યા વગર અમે જર્મનીના બેથેલ ગયાં. ત્યાં ભાઈઓએ અમને એક કાર આપી. અમે મુસાફરી કરીને બલ્ગેરિયા પહોંચ્યાં. અમને સોફિયા શહેરમાં આવેલા એક નાના ગ્રુપમાં સોંપણી મળી. ત્યાં વીસેક પ્રકાશકો હતા.
બલ્ગેરિયામાં અમે નવા નવા પડકારોનો સામનો કર્યો. સૌથી પહેલા તો, અમને ભાષા જ આવડતી ન હતી. બીજો, બલ્ગેરિયન ભાષામાં ફક્ત આ જ સાહિત્ય પ્રાપ્ય હતાં: સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે અને બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક. ત્રીજો પડકાર એ હતો કે અમને બાઇબલ અભ્યાસ શરૂ કરવો અઘરું લાગતું હતું. એ બધા પડકારો છતાં અમારું આ નાનું ગ્રુપ ઉત્સાહથી પ્રચાર કરતું હતું. પણ એનાથી બલ્ગેરિયન ઑર્થોડૉક્સ ચર્ચના પેટમાં તેલ રેડાયું અને અમારી સતાવણીની શરૂઆત થઈ.
૧૯૯૪માં સરકારે યહોવાના સાક્ષીઓની ધર્મ તરીકેની માન્યતા રદ કરી દીધી. બલ્ગેરિયાના ઘણા લોકો માનવા લાગ્યા કે યહોવાના સાક્ષીઓ એક ખતરનાક પંથ છે. અમુક ભાઈઓની ધરપકડ થઈ. છાપાં અને ટીવીમાં આપણા વિશે ખોટી ખોટી અફવાઓ ફેલાવા લાગી. તેઓ કહેતા કે યહોવાના સાક્ષીઓ પોતાનાં બાળકોને મારી નાખે છે, કેમ કે તેઓ બાળકોને લોહી લેવા દેતા નથી. એટલું જ નહિ, તેઓ બીજા સાક્ષીઓને આત્મહત્યા કરવા ઉશ્કેરે છે. અમારા બંને માટે પ્રચાર કરવો સાચે જ અઘરું હતું. પ્રચારમાં ઘણી વાર લોકો અમારા પર ગુસ્સે થઈ જતા, બૂમબરાડા પાડતા, પોલીસને બોલાવતા અને અમારા પર ચીજવસ્તુઓ ફેંકતા. દેશમાં સાહિત્ય લાવવું અને સભા માટે હૉલ ભાડે રાખવો અઘરું બની ગયું હતું. એક વખત તો પોલીસે આપણા એક મહાસંમેલનને બંધ કરાવી દીધું. અમે ક્યારેય લોકોની આવી નફરતનો અનુભવ કર્યો ન હતો. યુગાન્ડામાં આના કરતાં એકદમ અલગ જ માહોલ હતો. ત્યાં લોકો બાઇબલમાંથી શીખવા તૈયાર હતા. પણ અમને આ સોંપણીમાં ખુશી જાળવી રાખવા શાનાથી મદદ મળી?
ભાઈ-બહેનો સાથે સમય વિતાવવાથી અમને ઘણી ખુશી મળી. તેઓને બાઇબલનું શિક્ષણ ખૂબ જ વહાલું હતું. તેઓને એ વાતની પણ ખુશી હતી કે અમે તેઓની સાથે હતાં. અમે બધાએ એકબીજાની સંભાળ રાખી, એકબીજાને સાથ-સહકાર આપ્યો. એ અનુભવોમાંથી હું અને હાઇન્ઝ શીખ્યાં કે જો લોકોને દિલથી પ્રેમ બતાવતા રહીશું, તો કોઈ પણ સોંપણીમાં ખુશ રહી શકીશું.
૨૦૦૭, બલ્ગેરિયાની શાખા કચેરીમાં
જોકે થોડા સમય પછી સંજોગો સુધર્યા. ૧૯૯૮માં યહોવાના સાક્ષીઓને એક ધર્મ તરીકે ફરી મંજૂરી મળી. બહુ જલદી બલ્ગેરિયન ભાષામાં બીજું ઘણું સાહિત્ય મળ્યું. પછી ૨૦૦૪માં નવી શાખા કચેરીનું સમર્પણ થયું. આજે બલ્ગેરિયામાં ૫૭ મંડળો છે અને ૨,૯૫૩ પ્રકાશકો છે. ગયા સેવા વર્ષ દરમિયાન ૬,૪૭૫ લોકોએ સ્મરણપ્રસંગમાં હાજરી આપી. એક વખતે સોફિયા શહેરમાં ફક્ત પાંચ બહેનો હતી, પણ આજે ત્યાં નવ મંડળો છે. અમે પોતાની આંખે આ ભવિષ્યવાણી પૂરી થતા જોઈ છે: “થોડામાંથી હજાર બનશે.”—યશા. ૬૦:૨૨.
બીમારીઓનો સામનો કર્યો
મને અનેક બીમારીઓ થઈ છે. વર્ષો દરમિયાન મારા શરીરમાં ઘણી ગાંઠો ફૂટી નીકળી છે. એક વાર તો મારા મગજમાં ગાંઠ હતી. મને રેડિયોથેરાપી (કિરણો દ્વારા અપાતી સારવાર) આપવામાં આવી, જેથી એ ગાંઠ સંકોચાઈ જાય. પછી હું ભારત ગઈ. ત્યાં એક ડૉક્ટરે ઑપરેશન કરીને મગજમાંથી ગાંઠનો મોટા ભાગનો હિસ્સો કાઢી નાખ્યો. એ ઑપરેશન ૧૨ કલાક ચાલ્યું. થોડા સમય માટે અમે ભારતના બેથેલમાં રોકાયાં, જેથી મને થોડો આરામ મળે. પછી અમે બલ્ગેરિયામાં પોતાની સોંપણીમાં પાછાં ફર્યાં.
એવામાં હાઇન્ઝને એક મોટી બીમારી થઈ, જે બહુ જ ઓછા લોકોને થાય છે. તેમને બોલવા-ચાલવામાં અને શરીર પર કાબૂ રાખવામાં તકલીફ પડવા લાગી. એ બીમારી વધતી ગઈ તેમ, તેમને મારી વધારે ને વધારે જરૂર પડવા લાગી. અમુક વાર હું ખૂબ થાકી જતી. મને ચિંતા થતી કે હું તેમની સંભાળ નહિ રાખી શકું. જોકે, બોબી નામનો એક યુવાન ભાઈ નિયમિત રીતે હાઇન્ઝને પ્રચારમાં લઈ જતો. હાઇન્ઝ બરાબર બોલી શકતા ન હતા અથવા પોતાના હાથ-પગ પરનો કાબૂ ગુમાવી બેસતા. બોબીને એ વાતથી જરાય શરમ લાગતી ન હતી કે લોકો શું વિચારશે. જ્યારે હું હાઇન્ઝને મદદ ન કરી શકતી, ત્યારે બોબી તરત મદદે આવી જતો. યહોવાની સેવામાં વધારે કરવા અમે બાળકો ન કરવાનો નિર્ણય લીધો હતો, પણ યહોવાએ બોબીના રૂપમાં અમને દીકરો આપ્યો.—માર્ક ૧૦:૨૯, ૩૦.
હાઇન્ઝને પણ કેન્સર થયું. દુઃખની વાત છે કે ૨૦૧૫માં મારા વહાલા પતિનું મરણ થયું. મને હાઇન્ઝની બહુ જ યાદ આવે છે. તે હતા ત્યારે મને કશાની ચિંતા ન હતી. માનવામાં નથી આવતું કે તે નથી રહ્યા. પણ મારી યાદોમાં તે હજીયે જીવે છે. (લૂક ૨૦:૩૮) દિવસમાં કેટલીયે વાર હું હાઇન્ઝના પ્રેમાળ શબ્દો અને સારી સલાહને યાદ કરું છું. મને એ વાતની ખુશી છે કે અમે વર્ષો સુધી સાથે મળીને યહોવાની વફાદારીથી સેવા કરી શક્યાં.
યહોવાના સાથ માટે તેમનો આભાર
અલગ અલગ પડકારોમાં યહોવાએ મને નિભાવી રાખી છે. તેમની મદદથી હું મારો શરમાળ સ્વભાવ બદલી શકી, લોકોને પ્રેમ કરી શકી અને મિશનરી બની શકી. (૨ તિમો. ૧:૭) યહોવાનો આભાર કે હું અને મારી નાની બહેન હમણાં પૂરા સમયની સેવા કરી રહ્યાં છીએ. આજે તે અને તેનો પતિ યુરોપમાં આવેલાં સર્બિયન ભાષાનાં અલગ અલગ મંડળોની મુલાકાત લે છે. વર્ષો પહેલાં મારા પપ્પાએ કરેલી પ્રાર્થનાનો યહોવાએ જવાબ આપ્યો છે.
બાઇબલનો અભ્યાસ કરવાથી મને મનની શાંતિ મળે છે. અઘરા સંજોગોમાં હું ઈસુની જેમ “કાલાવાલા” કરીને પ્રાર્થના કરવાનું શીખી છું. (લૂક ૨૨:૪૪) યહોવાએ ઘણી રીતોએ મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. જેમ કે, સોફિયા શહેરમાં આવેલા મારા મંડળનાં ભાઈ-બહેનો દ્વારા. તેઓ મને અપાર પ્રેમ બતાવે છે અને મારી સાર-સંભાળ રાખે છે. તેઓ ભેગાં મળે ત્યારે મને બોલાવે છે અને ઘણી વાર મારી કદર વ્યક્ત કરે છે. એ બધાથી મને બહુ ખુશી મળે છે.
હું ઘણી વાર એ સમયનો વિચાર કરું છું, જ્યારે ગુજરી ગયેલાં સ્નેહીજનો પાછાં ઊઠશે. હું આવી કલ્પના કરું છું: મારાં મમ્મી-પપ્પા અમારા ઘર આગળ ઊભાં છે. તેઓ લગ્નના દિવસે જેટલાં સુંદર દેખાતાં હતાં, એટલાં જ સુંદર હમણાં દેખાય છે. મારી બહેન ખાવાનું બનાવી રહી છે. હાઇન્ઝ પોતાના ઘોડાની જોડે ઊભા છે. એવી કલ્પના કરવાથી મને ખુશી મળે છે, મુશ્કેલીઓ સહેવા હિંમત મળે છે અને યહોવા માટે મારું દિલ કદરથી ઊભરાઈ આવે છે.
વીતેલી કાલ પર નજર કરું છું અને ભાવિનો વિચાર કરું છું ત્યારે મને દાઉદ જેવું જ લાગે છે. ગીતશાસ્ત્ર ૨૭:૧૩, ૧૪માં તેમણે લખ્યું: “હું મારા જીવનમાં યહોવાની ભલાઈ જોઈશ, એવી શ્રદ્ધા મારામાં ન હોત તો હું ક્યાં હોત? યહોવામાં આશા રાખો. હિંમત રાખો અને મન મક્કમ કરો. હા, યહોવામાં આશા રાખો.”
a બહેન તાત્યાના વિલેયસ્કાની જીવન સફર વાંચવા ડિસેમ્બર ૨૨, ૨૦૦૦, સજાગ બનો! (અંગ્રેજી) પાન ૨૦-૨૪ જુઓ.