વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 જૂન પાન ૨૬-૩૧
  • આખું જીવન મહાન શિક્ષક પાસેથી શીખ્યાં

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આખું જીવન મહાન શિક્ષક પાસેથી શીખ્યાં
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • મારાં મમ્મી-પપ્પાનો દાખલો
  • પૂરા સમયની સેવાની શરૂઆત
  • મિશનરી તરીકે જીવન
  • યુરોપ, પછી આફ્રિકા
  • મધ્ય પૂર્વના દેશોમાં
  • પાછાં આફ્રિકા
  • મેં નક્કી કર્યું હતું કે કદી મારા હાથ ઢીલા પડવા દઈશ નહિ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • ધાર્યા પણ ન હતા એવા આશીર્વાદો યહોવાએ મને આપ્યા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • યહોવાએ મને ‘ખરો માર્ગ બતાવ્યો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • યહોવાની સેવામાં નવી નવી સોંપણીઓ મળી અને ઘણું શીખ્યા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 જૂન પાન ૨૬-૩૧
ફ્રેન્કો ડાગોસ્ટિની.

જીવન સફર

આખું જીવન મહાન શિક્ષક પાસેથી શીખ્યાં

ફ્રેન્કો ડાગોસ્ટિનીના જણાવ્યા પ્રમાણે

ઠેર ઠેર નાકાબંધી, હથિયારોથી સજ્જ સૈનિકો, બળતા બેરિકેડ્‌સ, વાવાઝોડું, દેશમાં ચાલતાં યુદ્ધો અને જીવ બચાવવા ઘર છોડીને નાસી જવું. મેં અને મારી પત્નીએ પાયોનિયરીંગ અને મિશનરી કામ કરતી વખતે એવી અમુક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એ બધામાં યહોવા અમારી પડખે રહ્યા અને અમને આશીર્વાદ આપ્યો. ભલે અમારે એ મુશ્કેલીઓ સહેવી પડી, પણ અમે અમારા નિર્ણયોથી એકદમ ખુશ છીએ. યહોવા આપણા મહાન શિક્ષક છે, એટલે તેમણે અમને ઘણું બધું શીખવ્યું છે.—અયૂ. ૩૬:૨૨; યશા. ૩૦:૨૦.

મારાં મમ્મી-પપ્પાનો દાખલો

૧૯૫૭માં મારાં મમ્મી-પપ્પા ઇટાલી છોડીને કિન્ડરસ્લી આવીને વસ્યાં. એ કેનેડાના સૅસ્કેચિવનમાં આવેલું છે. એના થોડા સમય પછી તેઓને યહોવા વિશે શીખવા મળ્યું. એ પછી યહોવાની ભક્તિ અમારાં જીવનમાં સૌથી મહત્ત્વની બની ગઈ. મને આજેય યાદ છે કે બાળપણમાં હું મારા કુટુંબ સાથે આખો દિવસ પ્રચારમાં જતો. એટલે હું અમુક વાર મજાકમાં કહેતો કે મેં તો આઠ વર્ષે “સહાયક પાયોનિયરીંગ” કર્યું હતું!

ફ્રેન્કો નાના હતા ત્યારે મમ્મી-પપ્પા અને પોતાનાં ભાઈ-બહેનો સાથે.

આશરે ૧૯૬૬, મારા કુટુંબ સાથે

મારાં મમ્મી-પપ્પા ગરીબ હતાં. તોપણ તેઓએ યહોવા માટે ઘણું જતું કર્યું. આમ તેઓએ સારો દાખલો બેસાડ્યો. જેમ કે, ૧૯૬૩માં અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં આવેલા પૅસાડીના શહેરમાં આંતરરાષ્ટ્રીય મહાસંમેલન યોજાયું હતું. એમાં જવા તેઓએ પોતાની ઘણી વસ્તુઓ વેચી દીધી હતી. ૧૯૭૨માં અમે આશરે ૧,૦૦૦ કિલોમીટર દૂર કેનેડાના બ્રિટિશ કલંબિયામાં આવેલા ટ્રાલ શહેરમાં રહેવા ગયાં, જેથી ઇટાલિયન ભાષા બોલતા લોકોને પ્રચાર કરી શકીએ. મારા પપ્પા ત્યાં એક મોટી દુકાનમાં સાફ-સફાઈનું અને સારસંભાળ રાખવાનું કામ કરતા હતા. તેમને નોકરીમાં આગળ વધવાની ઘણી તક મળી. પણ તે યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવા માંગતા હતા, એટલે તેમણે એ બધી તકો જવા દીધી.

હું મારાં મમ્મી-પપ્પાનો દિલથી આભાર માનું છું, કેમ કે તેઓએ મારા માટે અને મારાં ત્રણ ભાઈ-બહેનો માટે જોરદાર દાખલો બેસાડ્યો છે. એ યહોવાની સેવામાં મારી તાલીમની શરૂઆત હતી. તેઓએ મને આ એક મહત્ત્વની વાત શીખવી હતી, જેને મેં જીવનભર યાદ રાખી છે: જો હું ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલું રાખીશ, તો યહોવા મારી સંભાળ રાખશે.—માથ. ૬:૩૩.

પૂરા સમયની સેવાની શરૂઆત

૧૯૮૦માં મેં ડેબી નામની એક સુંદર બહેન સાથે લગ્‍ન કર્યું. તેનું પૂરું ધ્યાન યહોવાની સેવામાં હતું. અમે બંને પૂરા સમયની સેવા કરવા માંગતાં હતાં. એટલે લગ્‍નના ત્રણ મહિના પછી ડેબીએ પાયોનિયરીંગ શરૂ કર્યું. લગ્‍નના એક વર્ષ પછી અમે એક નાના મંડળમાં સેવા આપવા ગયાં. ત્યાં પ્રચારકોની વધારે જરૂર હતી. પછી હું પણ ડેબી સાથે પાયોનિયરીંગ કરવા લાગ્યો.

ફ્રેન્કો અને ડેબી, તેઓના લગ્‍નના દિવસે.

૧૯૮૦, અમારા લગ્‍નના દિવસે

જોકે, થોડા સમય પછી અમે નિરાશ થઈ ગયાં અને બીજી જગ્યાએ જવાનું વિચારવા લાગ્યાં. પણ સૌથી પહેલા અમે સરકીટ નિરીક્ષક સાથે વાત કરી. તેમણે પ્રેમથી, પણ શબ્દો ચોર્યા વગર કહ્યું: “તમે પોતે જ તમારી મુશ્કેલીમાં વધારો કરી રહ્યાં છો. તમે બસ મુશ્કેલી પર જ ધ્યાન આપો છો. એના બદલે જો સારું શોધશો તો સારું મળશે.” અમને એ જ સલાહની જરૂર હતી. (ગીત. ૧૪૧:૫) અમે તરત એ સલાહ લાગુ પાડી. અમને ખ્યાલ આવ્યો કે ત્યાં હકીકતમાં ઘણી સારી બાબતો હતી. મંડળમાં ઘણાં ભાઈ-બહેનો યહોવા માટે વધારે કરવા માંગતાં હતાં. યુવાનો અને જેઓના લગ્‍નસાથી યહોવાના સાક્ષી ન હતા તેઓ પણ યહોવાની સેવામાં વધારે કરવા માંગતા હતા. એ બનાવમાંથી જોરદાર બોધપાઠ મળ્યો. અમે દરેક સંજોગમાં કંઈક સારું જોવાનું શીખ્યાં. તેમ જ, યહોવા પર ભરોસો રાખવાનું શીખ્યાં કે તે યોગ્ય સમયે મુશ્કેલીનો હલ લાવશે. (મીખા. ૭:૭) અમને અમારી ખુશી પાછી મળી અને ધીરે ધીરે સંજોગો સારા થયા.

અમારી પહેલી પાયોનિયર શાળાના શિક્ષકોએ બીજા દેશોમાં સેવા આપી હતી. તેઓએ અમને ત્યાંના ફોટા બતાવ્યા. તેઓએ એ પણ જણાવ્યું કે બીજા દેશમાં સેવા આપતી વખતે તેઓએ કેવા પડકારોનો સામનો કર્યો અને યહોવાએ તેઓને કેવા આશીર્વાદો આપ્યા. એનાથી અમારાં મનમાં પણ મિશનરી સેવા કરવાની ઇચ્છા જાગી. એટલે અમે એને અમારો ધ્યેય બનાવ્યો.

ભારે હિમવર્ષા પછી પ્રાર્થનાઘરના પાર્કિંગમાંથી બરફ સાફ કર્યો છે.

૧૯૮૩, બ્રિટિશ કલંબિયાના એક પ્રાર્થનાઘર આગળ

એ ધ્યેય તરફ આગળ વધવા અમે એક પગલું ભર્યું. ૧૯૮૪માં અમે બ્રિટિશ કલંબિયાથી આશરે ૪,૦૦૦ કિલોમીટર દૂર ક્વિબેક રહેવા ગયાં. ત્યાં મોટા ભાગના લોકો ફ્રેન્ચ બોલતા હતા. એનો અર્થ કે અમારે નવી ભાષા શીખવાની હતી અને નવી રીતભાત અપનાવવાની હતી. બીજી મુશ્કેલી એ હતી કે ઘણી વાર અમારા પૈસા ખૂટી પડતા. થોડા સમય માટે તો અમારે બસ બટાકાથી જ કામ ચલાવવું પડ્યું. એ બટાકા અમને એક ખેડૂતે પોતાના ખેતરમાંથી વીણવા દીધા હતા. ડેબી બટાકાની અવનવી વાનગીઓ બનાવવાનું સરસ શીખી ગઈ હતી. મુશ્કેલી હોવા છતાં અમે ખુશ રહેવા બનતું બધું કર્યું. અમે એ પણ જોયું કે યહોવા અમારી સંભાળ રાખી રહ્યા હતા.—ગીત. ૬૪:૧૦.

એક દિવસે અમે ધાર્યું ન હતું એવું બન્યું. અમને એક ફોન આવ્યો. અમને કેનેડા બેથેલમાં સેવા આપવાનું આમંત્રણ મળ્યું. અગાઉ અમે ગિલયડ શાળા માટે અરજી ભરી હતી. એટલે અમને ખબર પડતી ન હતી કે ખુશ થઈએ કે દુઃખી. પણ અમે બેથેલ જવાનું નક્કી કર્યું. ત્યાં પહોંચીને અમે ભાઈ કેનેથ લિટલને મળ્યાં. તે શાખા સમિતિના સભ્ય હતા. અમે તેમને પૂછ્યું: “અમને ગિલયડ બોલાવવામાં આવશે તો શું કરીશું?” તેમણે જવાબ આપ્યો: “એવું થશે ત્યારે જોઈ લઈશું.”

એક અઠવાડિયા પછી જ એવું બન્યું. મને અને ડેબીને ગિલયડ શાળામાં જવાનું આમંત્રણ મળ્યું. હવે અમારે એક નિર્ણય લેવાનો હતો. ભાઈ લિટલે અમને કહ્યું: “તમે ભલે ગમે એ નિર્ણય લો, પણ અમુક વાર તમને થશે કે કાશ, પેલો નિર્ણય લીધો હોત! એવું નથી કે કોઈ એક નિર્ણય વધારે સારો છે. યહોવા બંનેને આશીર્વાદ આપી શકે છે.” અમે ગિલયડ શાળા જવાનું આમંત્રણ સ્વીકાર્યું. આટલાં વર્ષોમાં અમે ભાઈ લિટલના શબ્દો સાચા પડતા જોયા છે. અમે ઘણી વાર તેમના શબ્દો એવાં ભાઈ-બહેનોને કહ્યા છે, જેઓએ નક્કી કરવાનું હતું કે તેઓ કઈ સોંપણી સ્વીકારશે.

મિશનરી તરીકે જીવન

(ડાબે) યુલીસઝ ગ્લાસ

(જમણે) જેક રેડફર્ડ

ગિલયડ શાળાના ૮૩મા વર્ગમાં ૨૪ વિદ્યાર્થીઓ હતા. અમારા માટે ખુશીની વાત હતી કે અમે એ વર્ગનો ભાગ હતાં. એ શાળા એપ્રિલ ૧૯૮૭ ન્યૂ યૉર્કના બ્રુકલિનમાં યોજાઈ હતી. ભાઈ યુલીસઝ ગ્લાસ અને જેક રેડફર્ડ અમારા મુખ્ય શિક્ષકો હતા. પાંચ મહિના તો ચપટી વગાડતા નીકળી ગયા. ૬ સપ્ટેમ્બર, ૧૯૮૭ના દિવસે અમારું ગ્રેજ્યુએશન થયું. અમને ભાઈ જોન ગુડ અને તેમનાં પત્ની મેરી સાથે હૈતીમાં સોંપણી મળી.

ફ્રેન્કો અને ડેબી હૈતીના દરિયા કિનારે પ્રચાર કરે છે.

૧૯૮૮, હૈતીમાં

૧૯૬૨માં બધા મિશનરીઓને હૈતીમાંથી તગેડી મૂકવામાં આવ્યા હતા. ત્યારથી કોઈ મિશનરીને ત્યાં મોકલવામાં આવ્યા ન હતા. ગ્રેજ્યુએશનના ત્રણ અઠવાડિયા પછી અમે હૈતીમાં હતાં. ત્યાં દૂર પહાડોમાં અમે ૩૫ પ્રકાશકોથી બનેલા એક નાના મંડળમાં સેવા આપવા લાગ્યાં. અમે યુવાન હતાં અને અમારી પાસે બહુ અનુભવ ન હતો. અધૂરામાં પૂરું અમે મિશનરી ઘરમાં એકલાં રહેતાં હતાં. આજુબાજુના લોકો બહુ ગરીબ હતા અને મોટા ભાગના લોકો વાંચી શકતા ન હતા. મિશનરી સેવાના એ શરૂઆતના દિવસોમાં અમે રાજકીય કારણોને લીધે થતાં રમખાણો, સરકાર ઊથલાવી પાડવાના બનાવો, આંદોલનો અને વાવાઝોડાનો સામનો કર્યો.

અમને હૈતીનાં ભાઈ-બહેનો પાસેથી ઘણું શીખવા મળ્યું. અનેક મુશ્કેલીઓ હોવા છતાં તેઓ શ્રદ્ધામાં અડગ અને ખુશ હતાં. તેઓ યહોવાને ખૂબ પ્રેમ કરતા હતાં અને તેઓને પ્રચાર કરવો પણ બહુ ગમતું હતું. એક ઉંમરવાળાં બહેન વાંચી શકતાં ન હતાં, તોપણ તેમને ૧૫૦ જેટલી કલમો મોઢે હતી. ત્યાંની હાલત જોઈને અમને લોકોને એ જણાવવાનું વધારે મન થતું કે ઈશ્વરનું રાજ્ય જ બધી મુશ્કેલીનો હલ લાવશે. અમને ઘણી ખુશી થાય છે કે એ વિસ્તારમાં અમે જેઓને પહેલા-વહેલા બાઇબલમાંથી શીખવ્યું હતું, તેઓમાંથી અમુક આગળ જતાં નિયમિત પાયોનિયરો, ખાસ પાયોનિયરો અને વડીલો બન્યા.

હું હૈતીમાં હતો ત્યારે ટ્રેવર નામના એક યુવાન માણસને મળ્યો હતો. તે મોર્મોન પંથનો મિશનરી હતો. અમને ઘણી વાર બાઇબલમાંથી ચર્ચા કરવાની તક મળી હતી. વર્ષો પછી મને એક પત્ર મળ્યો. મેં સપનામાંય વિચાર્યું ન હતું કે ટ્રેવર મને પત્ર લખશે. તેણે લખ્યું: “હું આવનાર સંમેલનમાં બાપ્તિસ્મા લઈ રહ્યો છું! મારે હૈતી પાછા જવું છે અને જે વિસ્તારમાં હું મોર્મોન મિશનરી તરીકે સેવા આપતો હતો, ત્યાં જ મારે ખાસ પાયોનિયર તરીકે સેવા આપવી છે.” તેણે એવું જ કર્યું. વર્ષો સુધી તેણે પોતાની પત્ની સાથે એ વિસ્તારમાં સેવા આપી.

યુરોપ, પછી આફ્રિકા

ફ્રેન્કો કામ કરે છે.

૧૯૯૪, સ્લોવેનિયામાં કામ કરતી વખતે

અમને યુરોપના એ ભાગમાં સોંપણી મળી, જ્યાં ધીરે ધીરે આપણાં કામ પરથી નિયંત્રણ ઓછું થઈ રહ્યું હતું. ૧૯૯૨માં અમે સ્લોવેનિયાના લ્યૂબલ્યાના શહેર પહોંચ્યાં. એની નજીકના વિસ્તારમાં મારાં મમ્મી-પપ્પાનો ઉછેર થયો હતો. ઇટાલી ગયાં એ પહેલાં તેઓ ત્યાં રહેતાં હતાં. અગાઉના યુગોસ્લાવિયાના ઘણા વિસ્તારોમાં હજી યુદ્ધ ચાલતું હતું. ઑસ્ટ્રિયાના વિયેના, ક્રોએશિયાના ઝાગ્રેબ અને સર્બિયાના બેલગ્રેડમાં સેવા આપતા ભાઈઓ એ વિસ્તારના પ્રચારકામની દેખરેખ રાખતા હતા. હવે અગાઉના યુગોસ્લાવિયા વિસ્તારમાંથી નવા સ્વતંત્ર દેશો બન્યા, એટલે જરૂરી હતું કે દરેક દેશમાં એક બેથેલ હોય.

અમારા માટે સ્લોવેનિયા આવવાનો અર્થ હતો કે ફરી એક વાર નવી ભાષા શીખવી અને નવી રીતભાત અપનાવવી. ત્યાંના રહેવાસીઓ કહેતા, “યેઝેક યે તેઝેક.” એનો અર્થ થાય, “ભાષા અઘરી છે.” અને સાચે જ એવું હતું! અમે એ વફાદાર ભાઈ-બહેનોની ખૂબ કદર કરીએ છીએ, જેઓએ સંગઠનના ફેરફારો તરત સ્વીકાર્યા. અમે જોયું કે યહોવાએ કઈ રીતે એ ભાઈ-બહેનોને આશીર્વાદ આપ્યો. ફરી એક વાર અમે અનુભવ્યું કે યહોવા પ્રેમથી બાબતોને સુધારે છે અને એ પણ યોગ્ય સમયે. સ્લોવેનિયા આવતા પહેલાં અમે જે વાતો શીખ્યાં હતાં, એનાથી અમને મુશ્કેલીઓ સહેવા મદદ મળી. એટલું જ નહિ, સ્લોવેનિયા આવ્યા પછી અમને બીજા ઘણા નવા બોધપાઠ શીખવા મળ્યા.

પણ અમારાં જીવનમાં હજી ઘણા ફેરફારો આવવાના હતા. ૨૦૦૦ની સાલમાં અમને પશ્ચિમ આફ્રિકાના કોટ ડી આઈવોરમાં સોંપણી મળી. પણ પછી દેશમાં અંદરોઅંદર યુદ્ધ ફાટી નીકળ્યું. એટલે નવેમ્બર ૨૦૦૨માં અમારે સિયેરા લિયોન નાસી જવું પડ્યું. ત્યાં ૧૧ વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધનો હાલમાં જ અંત આવ્યો હતો. અમારા માટે અચાનક કોટ ડી આઈવોર છોડીને જવું બહુ અઘરું હતું. તોપણ અગાઉ શીખેલા બોધપાઠના લીધે અમે ખુશી જાળવી રાખી શક્યાં.

ત્યાં ઘણા લોકો ઈશ્વર વિશે શીખવા માંગતા હતા. અમે એવા લોકો પર અને ભાઈ-બહેનો પર ધ્યાન આપ્યું, જેઓએ વર્ષો સુધી યુદ્ધનો કારમો ઘા સહન કર્યો હતો. ભાઈ-બહેનો ગરીબ હતાં, પણ તેઓ પાસે જે કંઈ હતું, એ તેઓ બીજાઓ સાથે વહેંચવા તૈયાર હતા. એક બહેન ડેબીને અમુક કપડાં આપવા માંગતી હતી. પહેલા તો ડેબી એ લેતા થોડું અચકાઈ. પણ બહેને આગ્રહ કર્યો અને કહ્યું: “યુદ્ધ વખતે બીજા દેશનાં ભાઈ-બહેનોએ અમને ઘણી મદદ કરી છે. હવે મદદ કરવાનો વારો અમારો છે.” અમે એ ભાઈ-બહેનો જેવા બનવાનો પાકો નિર્ણય લીધો.

સમય જતાં, અમે કોટ ડી આઈવોર પાછાં આવ્યાં. પણ રાજકીય મુશ્કેલીઓને લીધે ત્યાં ફરીથી હિંસા ફાટી નીકળી. એટલે નવેમ્બર ૨૦૦૪માં અમને હેલિકોપ્ટર દ્વારા ત્યાંથી બહાર કાઢવામાં આવ્યાં અને ફ્રાન્સની લશ્કરી છાવણીમાં લઈ જવામાં આવ્યાં. અમે બંને ૧૦ કિલોગ્રામની એક એક બૅગ સિવાય બીજું કંઈ ન લઈ જઈ શક્યાં. આખી રાત અમે જમીન પર ઊંઘ્યાં અને બીજા દિવસે વિમાન દ્વારા સ્વિટ્‌ઝરલૅન્ડ ગયાં. લગભગ અડધી રાતે અમે શાખા કચેરી પહોંચ્યાં. ત્યાં શાખા સમિતિના ભાઈઓ, સેવકાઈ તાલીમ શાળાના શિક્ષકો અને તેઓની પત્નીઓએ અમારો દિલથી આવકાર કર્યો. તેઓ અમને ભેટી પડ્યાં. એટલું જ નહિ, તેઓએ અમને ગરમ ગરમ ખાવાનું અને સ્વિટ્‌ઝરલૅન્ડની ઢગલેબંધ ચૉકલેટો આપી. એ બધું અમારાં દિલને સ્પર્શી ગયું.

ફ્રેન્કો કોટ ડી આઈવોરના પ્રાર્થનાઘરમાં સ્ટેજ પરથી પ્રવચન આપે છે.

૨૦૦૫, કોટ ડી આઈવોરમાં શરણાર્થીઓને ઉત્તેજન આપતી વખતે

થોડા સમય માટે અમને ઘાનામાં સોંપણી મળી. કોટ ડી આઈવોરમાં રાજકીય ઊથલ-પાથલ શાંત થઈ એ પછી અમને ફરી ત્યાં મોકલવામાં આવ્યાં. અચાનક ઘર છોડીને નાસી જવું તેમજ ક્યારેક એક જગ્યાએ તો ક્યારેક બીજી જગ્યાએ સેવા આપવી અમારા માટે અઘરું હતું. પણ ભાઈ-બહેનોના પ્રેમને લીધે અમે એ બધું ખુશી ખુશી સહી શક્યાં. હું અને ડેબી ઘણી વાર વાત કરતા કે યહોવાના સંગઠનમાં ભાઈ-બહેનો હંમેશાં એકબીજાને પ્રેમ બતાવે છે અને અમે ક્યારેય એ પ્રેમને મામૂલી નહિ ગણીએ. હકીકતમાં, અમને પછીથી ખ્યાલ આવ્યો કે અમારી એ બધી મુશ્કેલી એક રીતે અમને મહત્ત્વની તાલીમ આપી રહી હતી.

મધ્ય પૂર્વના દેશોમાં

ફ્રેન્કો અને ડેબી મધ્ય પૂર્વના દેશોમાં અમુક પ્રાચીન ખંડેરની મુલાકાત લે છે.

૨૦૦૭, મધ્ય પૂર્વના દેશોમાં

૨૦૦૬માં અમને જગત મુખ્યમથકેથી એક પત્ર મળ્યો. અમને મધ્ય પૂર્વના દેશોમાં સોંપણી મળી. એનો અર્થ કે ફરી એક વાર નવા અનુભવો, નવા પડકારો, નવી ભાષાઓ અને નવી સંસ્કૃતિ. ભલે એ દેશોમાં રહેતા લોકો રાજકારણ અને ધર્મને લઈને ઘણા ચુસ્ત હતા, પણ અમને ત્યાં રહીને ઘણું શીખવા મળવાનું હતું. ત્યાં મંડળોમાં ઘણી ભાષાઓ બોલાતી હતી. એ વાત અમને બહુ ગમી. અમે જોયું કે સંગઠનનું માર્ગદર્શન પાળવાથી તેઓ વચ્ચે ગજબની એકતા હતી. મોટા ભાગનાં ભાઈ-બહેનોએ કુટુંબીજનો, સાથે ભણતા વિદ્યાર્થીઓ, સાથે કામ કરતા લોકો અને પડોશીઓનો વિરોધ સહન કર્યો હતો. તેઓની હિંમત જોઈને અમારાં દિલમાં તેઓ માટેનું માન વધી ગયું.

૨૦૧૨માં ઇઝરાયેલના તેલ અવીવમાં ખાસ મહાસંમેલન યોજાયું હતું. અમને એમાં જવાનો લહાવો મળ્યો. આ મહાસંમેલન ખરેખર યાદગાર હતું, કેમ કે સાલ ૩૩ પચાસમાના દિવસ પછી પહેલી વાર યહોવાના ભક્તો બહુ મોટી સંખ્યામાં એ વિસ્તારમાં ભેગા મળ્યા હતા.

એ વર્ષો દરમિયાન અમને એક દેશની મુલાકાતે મોકલવામાં આવ્યાં, જ્યાં આપણા કામ પર નિયંત્રણ છે. અમે અમુક સાહિત્ય લઈને ગયાં, ત્યાં પ્રચાર કર્યો અને નાનાં નાનાં સંમેલનોમાં હાજરી આપી. જ્યાં જુઓ ત્યાં નાકાબંધી અને હથિયારોથી સજ્જ સૈનિકો હતા. પણ અમે સાવચેતી રાખતાં અને જ્યાં પણ જવું હોય ત્યાં થોડા પ્રકાશકો સાથે જતાં, એટલે સલામતી અનુભવતાં.

પાછાં આફ્રિકા

ફ્રેન્કો લેપટોપમાં ટાઈપ છે.

૨૦૧૪, કૉંગોમાં પ્રવચનની તૈયારી કરતી વખતે

૨૦૧૩માં અમને એક અલગ જ સોંપણી મળી. અમને કૉંગોના કિન્શાસામાં આવેલી શાખા કચેરીમાં સોંપણી મળી. કૉંગો બહુ મોટો દેશ છે અને એટલો જ સુંદર છે! પણ ત્યાંના લોકો ખૂબ ગરીબ છે અને તેઓએ અનેક વાર યુદ્ધોનો માર સહ્યો છે. શરૂઆતમાં અમે કહેતાં, “આફ્રિકા વિશે તો અમને બધું જ ખબર છે. એટલે અમને કોઈ વાંધો નહિ આવે.” પણ અમે ખોટાં હતાં. અમારે ઘણું બધું શીખવાનું હતું. ખાસ કરીને, જ્યાં કોઈ રસ્તો કે પુલ ન હોય, એવા વિસ્તારોમાં મુસાફરી કરવા વિશે. અમે ઉત્તેજન મળે એવી વાતો પર ધ્યાન આપ્યું. જેમ કે, અમે જોયું કે પૈસેટકે ખેંચ હોવા છતાં ભાઈ-બહેનો ખુશી ખુશી પોતાની મુશ્કેલીઓ સહન કરતા. તેઓને પ્રચાર માટે ખૂબ હોંશ હતી. તેઓ સભાઓ અને સંમેલનોમાં હાજરી આપવા પોતાની જાત ઘસી નાખતાં. અમે નજરોનજર જોયું છે કે યહોવાના સાથથી અને તેમના આશીર્વાદથી કઈ રીતે રાજ્યનું કામ આગળ વધ્યું છે. કૉંગોમાં વિતાવેલાં વર્ષો દરમિયાન અમે ઘણું શીખ્યાં. ત્યાં અમે ઘણા નવા દોસ્તો બનાવ્યા, જેઓ અમારું કુટુંબ બની ગયા.

ફ્રેન્કો પ્રચારમાં છે, તે અમુક ભાઈ-બહેનો સાથે ચાલીને એક ગામમાં જઈ રહ્યા છે.

૨૦૨૩, દક્ષિણ આફ્રિકામાં પ્રચાર કરતી વખતે

૨૦૧૭ના અંતે અમને બીજી એક સોંપણી મળી, દક્ષિણ આફ્રિકામાં. અમે અત્યાર સુધી જેટલી જગ્યાઓએ સેવા આપી છે, એમાં અહીંની શાખા સૌથી મોટી છે. અમને બેથેલમાં જે કામ મળ્યું, એ પણ અમારા માટે બહુ નવું હતું. ફરી એક વાર અમારે ઘણું શીખવાનું હતું. પણ અગાઉ અમે જે શીખ્યાં હતાં, એનાથી અમને ઘણી મદદ મળી. અમે અમારાં વહાલાં ભાઈ-બહેનોને બહુ પ્રેમ કરીએ છીએ, જેઓએ દાયકાઓથી યહોવાની વફાદારીથી ભક્તિ કરી છે. અહીંના બેથેલ કુટુંબમાં અલગ અલગ સમાજ અને જાતિનાં ભાઈ-બહેનો છે. પણ તેઓ વચ્ચેની એકતા ઊડીને આંખે વળગે છે. સાફ દેખાઈ આવે છે કે યહોવાના આશીર્વાદથી તેમના લોકો વચ્ચે સાચી શાંતિ છે. કેમ કે તેઓ નવો સ્વભાવ પહેરે છે અને બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવે છે.

વર્ષો દરમિયાન મને અને ડેબીને નવી નવી સોંપણીઓ મળી છે, અમે નવી નવી રીતભાત પ્રમાણે પોતાને ઢાળ્યાં છે અને અનેક નવી નવી ભાષાઓ શીખ્યાં છીએ. એમ કરવું દર વખતે અમારા માટે સહેલું ન હતું. પણ અમે હંમેશાં અનુભવ્યું છે કે યહોવા પોતાના સંગઠન અને ભાઈ-બહેનો દ્વારા અમને પ્રેમ બતાવે છે. (ગીત. ૧૪૪:૨) અમને પાકી ખાતરી છે કે પૂરા સમયની સેવામાં અમને જે તાલીમ મળી છે, એનાથી અમે યહોવાનાં વધારે સારાં ભક્ત બન્યાં છીએ.

મારાં મમ્મી-પપ્પાએ મને ઘણું શીખવ્યું છે, મારી વહાલી પત્ની ડેબી હંમેશાં મારી પડખે રહી છે અને દુનિયાભરનાં ભાઈ-બહેનોએ અમારા માટે જોરદાર દાખલો બેસાડ્યો છે. એ બધાની હું દિલથી કદર કરું છું. મેં અને ડેબીએ પાકો નિર્ણય લીધો છે કે આગળ પણ અમે આપણા મહાન શિક્ષક પાસેથી શીખતાં રહીશું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો