અભ્યાસ લેખ ૧૩
ગીત ૨૨ “યહોવા મારો પાળક”
યહોવાનો હાથ ક્યારેય ટૂંકો પડતો નથી!
“શું યહોવાનો હાથ ટૂંકો થઈ ગયો છે?”—ગણ. ૧૧:૨૩.
આપણે શું શીખીશું?
યહોવા હંમેશાં આપણી જરૂરિયાતો પૂરી પાડશે એવો ભરોસો હજી વધારે મજબૂત કરીએ.
૧. ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવતી વખતે મૂસાએ કઈ રીતે યહોવા પર ભરોસો બતાવ્યો?
હિબ્રૂઓના પુસ્તકમાં એવા ઘણા ઈશ્વરભક્તો વિશે જણાવ્યું છે, જેઓએ જોરદાર શ્રદ્ધા બતાવી હતી. એ બધામાં મૂસાની શ્રદ્ધા નોંધવા જેવી છે. (હિબ્રૂ. ૩:૨-૫; ૧૧:૨૩-૨૫) ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવતી વખતે, તેમણે અજોડ શ્રદ્ધા બતાવી હતી. તે ઇજિપ્તના રાજા અને તેની સેનાથી જરાય ડર્યા નહિ. યહોવા પર ભરોસો રાખીને તેમણે લોકોને લાલ સમુદ્ર પાર કરાવ્યો અને પછીથી તેઓને વેરાન પ્રદેશમાં દોર્યા. (હિબ્રૂ. ૧૧:૨૭-૨૯) ઘણા ઇઝરાયેલીઓ શંકા કરવા લાગ્યા કે યહોવા જરૂરિયાતો પૂરી પાડશે કે નહિ. પણ મૂસાએ હંમેશાં પોતાના ઈશ્વર પર ભરોસો રાખ્યો. ઈશ્વરે પણ મૂસાનો એ ભરોસો તૂટવા ન દીધો. તેમણે ચમત્કાર કરીને લોકોને ઉજ્જડ વેરાન પ્રદેશમાં ખોરાક-પાણી પૂરાં પાડ્યાં.a—નિર્ગ. ૧૫:૨૨-૨૫; ગીત. ૭૮:૨૩-૨૫.
૨. યહોવાએ કેમ મૂસાને પૂછ્યું: “શું યહોવાનો હાથ ટૂંકો થઈ ગયો છે”? (ગણના ૧૧:૨૧-૨૩)
૨ ધ્યાન આપો કે એટલી જોરદાર શ્રદ્ધા હોવા છતાં મૂસા સાથે શું બન્યું. યહોવાએ ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી છોડાવ્યા એના એકાદ વર્ષ પછી, મૂસાને સવાલ થયો કે યહોવા ઇઝરાયેલીઓને માંસ પૂરું પાડી શકશે કે નહિ. જરા વિચારો, એ ઉજ્જડ વેરાન પ્રદેશમાં લાખો લોકો હતા અને ખોરાકના ફાંફાં હતા. એટલે તેમને થયું હશે, ‘યહોવા આટલા બધા લોકોને કઈ રીતે માંસ પૂરું પાડશે?’ એના જવાબમાં યહોવાએ મૂસાને પૂછ્યું: “શું યહોવાનો હાથ ટૂંકો થઈ ગયો છે?” (ગણના ૧૧:૨૧-૨૩ વાંચો.) અહીં “યહોવાનો હાથ” તેમની પવિત્ર શક્તિને અથવા તેમની ઇચ્છા પૂરી કરવા તે જે શક્તિ વાપરે છે એને રજૂ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો યહોવા જાણે મૂસાને કહી રહ્યા હતા, ‘શું તને સાચે જ એવું લાગે છે કે હું જે કહું છું એ નહિ કરી શકું?’
૩. આપણે કેમ મૂસાના અને ઇઝરાયેલીઓના દાખલા પર વિચાર કરવો જોઈએ?
૩ શું તમને કદી ચિંતા થઈ છે કે યહોવા તમારી કે તમારા કુટુંબની જરૂરિયાતો પૂરી પાડશે કે નહિ? ભલે તમને એવી ચિંતા થઈ હોય કે ન થઈ હોય, ચાલો આપણે મૂસાના અને ઇઝરાયેલીઓના દાખલા પર ધ્યાન આપીએ. યહોવા તેઓની જરૂરિયાતો પૂરી પાડશે કે નહિ, એ વાત પર તેઓની શ્રદ્ધા ડગમગી ગઈ હતી. આપણે બાઇબલના અમુક સિદ્ધાંતો પણ જોઈશું, જેનાથી ભરોસો વધશે કે યહોવાનો હાથ ક્યારેય ટૂંકો પડતો નથી.
મૂસા અને ઇઝરાયેલીઓ પાસેથી શીખો
૪. ઘણા ઇઝરાયેલીઓ કેમ યહોવા પર શંકા કરવા લાગ્યા?
૪ ઘણા ઇઝરાયેલીઓ કેમ શંકા કરવા લાગ્યા હતા? આનો વિચાર કરો: જ્યારે ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા, ત્યારે તેઓની સાથે ઇઝરાયેલી ન હોય એવા “બીજા લોકોનું મોટું ટોળું” હતું. વચનના દેશ સુધી પહોંચવા તેઓએ વેરાન પ્રદેશમાં થઈને જવાનું હતું. હવે એ વેરાન પ્રદેશમાં ચાલતાં ચાલતાં અમુક સમય વીતી ગયો હતો. (નિર્ગ. ૧૨:૩૮; પુન. ૮:૧૫) એ બીજા લોકોનું મોટું ટોળું માન્ના ખાઈ ખાઈને કંટાળી ગયું હતું અને કચકચ કરવા લાગ્યું હતું. ઘણા ઇઝરાયેલીઓ પણ તેઓની સાથે જોડાયા અને કચકચ કરવા લાગ્યા. (ગણ. ૧૧:૪-૬) લોકો ઇજિપ્તમાં મળતો ખોરાક ખાવા અધીરા બન્યા હતા. મૂસાને લાગતું હતું કે તેમણે બધાને માંસ પૂરું પાડવું પડશે, પણ કઈ રીતે એ તે જાણતા ન હતા.—ગણ. ૧૧:૧૩, ૧૪.
૫-૬. બીજા લોકોના મોટા ટોળાની ઘણા ઇઝરાયેલીઓ પર કેવી અસર પડી? એમાંથી આપણે શું શીખી શકીએ?
૫ યહોવાએ હમણાં સુધી જે પૂરું પાડ્યું હતું, એ માટે ઇઝરાયેલી ન હોય એવા લોકોને જરાય કદર ન હતી. એવું લાગે છે કે ઇઝરાયેલીઓ પણ તેઓના જેવું વિચારવા લાગ્યા હતા. આપણી સાથે પણ એવું બની શકે છે. આજે મોટા ભાગના લોકો આભાર માનતા નથી. આપણા પર તેઓની અસર થઈ શકે છે અને યહોવાએ જે આપ્યું છે એ માટે આપણાં દિલમાં કદર ઓછી થઈ શકે છે. આપણે કદાચ વિચારવા લાગીએ, ‘પહેલાં મારી પાસે કેટલું બધું હતું!’ અથવા કદાચ બીજાઓ પાસે જે છે એની ઈર્ષા કરવા લાગીએ. પણ આપણી પાસે જે છે એમાં સંતોષ માનીશું તો વધારે ખુશ રહી શકીશું.
૬ ઇઝરાયેલીઓએ યહોવાનું વચન યાદ રાખવાનું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ પોતાના નવા ઘરે પહોંચશે, ત્યારે તેઓને પુષ્કળ પ્રમાણમાં સારી સારી વસ્તુઓ મળશે. એ વચન વેરાન પ્રદેશમાં મુસાફરી કરતી વખતે પૂરું થવાનું ન હતું, પણ વચનના દેશમાં પૂરું થવાનું હતું. એવી જ રીતે, આ દુનિયામાં આપણી પાસે જે નથી એના પર ધ્યાન આપવાને બદલે, યહોવા આપણને નવી દુનિયામાં જે આપવાના છે એના પર ધ્યાન આપવું જોઈએ. આપણે એવી કલમો પર પણ વિચાર કરવો જોઈએ, જેનાથી યહોવા પરનો આપણો ભરોસો વધે.
૭. આપણે કેમ ખાતરી રાખી શકીએ કે યહોવાનો હાથ ટૂંકો નથી?
૭ તોપણ તમને કદાચ થાય કે ઈશ્વરે કેમ મૂસાને પૂછ્યું હતું: “શું યહોવાનો હાથ ટૂંકો થઈ ગયો છે?” યહોવા કદાચ ચાહતા હતા કે મૂસા આ બે બાબતોનો વિચાર કરે: (૧) તેમની શક્તિનો કોઈ પાર નથી અને (૨) તે કોઈ પણ જગ્યાએ, અરે પૃથ્વીના છેડે પણ પોતાની શક્તિનો ઉપયોગ કરી શકે છે. એટલે ભલે ઇઝરાયેલીઓ વેરાન પ્રદેશમાં હતા, પણ યહોવા તેઓને ભરપૂર પ્રમાણમાં માંસ પૂરું પાડી શકતા હતા. યહોવાએ “પોતાનો શક્તિશાળી અને બળવાન હાથ લંબાવીને” પોતાની શક્તિનો પરચો આપ્યો. (પુન. ૭:૧૯) એનાથી શીખવા મળે છે કે કસોટીઓ આવે ત્યારે શંકા ન કરીએ કે યહોવા આપણને મદદ કરી શકશે કે કેમ.—ગીત. ૧૩૮:૬, ૭.
૮. વેરાન પ્રદેશમાં ઘણા લોકોએ જે ભૂલ કરી હતી, એવી ભૂલ આપણાથી ન થાય માટે શું કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)
૮ યહોવાએ પોતાનું વચન પાળ્યું. તેમણે પોતાના લોકોને ખાવા માટે બહુ બધી લાવરીઓ આપી. જોકે એ ચમત્કાર માટે ઇઝરાયેલીઓએ યહોવાનો આભાર ન માન્યો. એને બદલે ઘણા લોકો લાલચુ બની ગયા. તેઓ રાત-દિવસ બની શકે એટલી લાવરીઓ ભેગી કરતા રહ્યા. “જેઓ ખોરાક માટે લાલચુ બન્યા હતા” તેઓ પર યહોવાને ખૂબ ગુસ્સો આવ્યો અને તેમણે તેઓને સજા કરી. (ગણ. ૧૧:૩૧-૩૪) એ દાખલામાંથી એક મહત્ત્વની વાત શીખવા મળે છે. આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણામાં લાલચ આવી ન જાય. ભલે અમીર હોઈએ કે ગરીબ, આપણું પૂરું ધ્યાન “સ્વર્ગમાં ધનદોલત” ભેગી કરવા પર હોવું જોઈએ. (માથ. ૬:૧૯, ૨૦; લૂક ૧૬:૯) એ માટે જરૂરી છે કે યહોવા અને ઈસુ સાથે પાકી મિત્રતા બાંધીએ. એમ કરીશું તો ખાતરી રાખી શકીશું કે યહોવા આપણી જરૂરિયાતો પૂરી પાડશે.
વેરાન પ્રદેશમાં યહોવાએ લાવરીઓ આપી ત્યારે ઘણાએ શું કર્યું? એ બનાવથી આપણે શું શીખી શકીએ? (ફકરો ૮ જુઓ)
૯. આપણને કઈ વાતનો પાકો ભરોસો છે?
૯ આજે પણ યહોવાનો હાથ પોતાના લોકોને માથે છે. જોકે એનો અર્થ એ નથી કે આપણને કદી પણ પૈસેટકે કે ખોરાકની તંગી પડશે નહિ.b પણ આપણને પાકો ભરોસો છે કે યહોવા ક્યારેય આપણને ત્યજી નહિ દે. અલગ અલગ કસોટીઓમાં તે આપણને નિભાવી રાખશે. આપણે કઈ રીતે યહોવામાં ભરોસો બતાવી શકીએ કે તે પોતાનો હાથ લંબાવીને આપણી જરૂરિયાતો પૂરી પાડશે? ચાલો બે સંજોગોનો વિચાર કરીએ: (૧) પૈસેટકે તકલીફો આવે ત્યારે અને (૨) ઘડપણમાં ગુજરાન કઈ રીતે ચલાવીશું એની યોજનાઓ બનાવીએ ત્યારે.
પૈસેટકે તકલીફો આવે ત્યારે
૧૦. આપણે કેવી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે?
૧૦ જેમ જેમ આ દુનિયાનો અંત નજીક આવતો જાય છે, તેમ તેમ કદાચ આપણું જીવન વધારે અઘરું બનતું જાય. આપણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. બની શકે કે રાજકીય ઊથલ-પાથલ, યુદ્ધો, કુદરતી આફતો કે નવી મહામારીઓને લીધે આપણો ખર્ચ વધી જાય, નોકરી ગુમાવવાનો વારો આવે અથવા ધનદોલત કે ઘર જતાં કરવા પડે. કદાચ કુટુંબનું ગુજરાન ચલાવવા નવી નોકરી શોધવી પડે અથવા બીજે ક્યાંક રહેવા જવું પડે. યહોવા પરનો ભરોસો સાફ દેખાઈ આવે, એવો નિર્ણય લેવા શાનાથી મદદ મળી શકે?
૧૧. પૈસેટકે તકલીફો આવે ત્યારે એનો સામનો કરવા શાનાથી મદદ મળી શકે? (લૂક ૧૨:૨૯-૩૧)
૧૧ આ મહત્ત્વનું પગલું ભરવાથી તમને ઘણી મદદ મળશે: યહોવા સાથે વાત કરો અને તેમને તમારી ચિંતાઓ જણાવો. (નીતિ. ૧૬:૩) સારા નિર્ણયો લેવા તેમની પાસે ડહાપણ માંગો. તેમને કહો કે તમારું મન શાંત રાખવા મદદ કરે, જેથી તમે પોતાના સંજોગ વિશે “વધારે પડતી ચિંતા કરવાનું” ટાળી શકો. (લૂક ૧૨:૨૯-૩૧ વાંચો.) તેમને કાલાવાલા કરો કે જીવન જીવવા જે જરૂરી છે, એટલામાં સંતોષ માનવા મદદ કરે. (૧ તિમો. ૬:૭, ૮) આપણાં સાહિત્યમાં સંશોધન કરો. એવા લેખો વાંચો, જેમાં જણાવ્યું છે કે પૈસેટકે મુશ્કેલીઓ આવે ત્યારે શું કરવું. ઘણા લોકોને jw.org/gu પર આપેલી માહિતીથી ઘણો ફાયદો થયો છે.
૧૨. કુટુંબ માટે સારો નિર્ણય લેવા કયા સવાલોથી મદદ મળી શકે?
૧૨ અમુક લોકોએ એવી નોકરી સ્વીકારી છે, જેના લીધે તેઓએ કુટુંબથી દૂર જવું પડ્યું છે. પણ ઘણા લોકોએ પછીથી સ્વીકાર્યું કે એ સારો નિર્ણય ન હતો. નવી નોકરી લેતા પહેલાં ફક્ત એટલું જ ન વિચારો કે કેટલા પૈસા મળશે, એ પણ વિચારો કે એ નોકરીને લીધે તમે અને તમારું કુટુંબ યહોવાની વધારે નજીક જશો કે દૂર. (લૂક ૧૪:૨૮) પોતાને પૂછો: ‘જો હું મારા લગ્નસાથીથી દૂર જઈશ, તો એની અમારા લગ્નજીવન પર કેવી અસર પડશે? શું હું સભાઓમાં અને પ્રચારમાં જઈ શકીશ? શું મારાં ભાઈ-બહેનો સાથે સમય વિતાવી શકીશ?’ જો તમને બાળકો હોય, તો આ મહત્ત્વના સવાલ પર પણ વિચાર કરો: ‘જો હું મારાં બાળકો સાથે નહિ હોઉં, તો “યહોવા ચાહે છે તેમ શિસ્ત અને શિખામણ આપીને” તેઓનો ઉછેર કઈ રીતે કરી શકીશ?’ (એફે. ૬:૪) નિર્ણય લેતી વખતે યહોવાના વિચારો પર ધ્યાન આપો. બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવતાં ન હોય એવાં સગાં-વહાલાં અને મિત્રોની વાતો પર ધ્યાન ન આપો.c ટોનીભાઈનો વિચાર કરો. તે પશ્ચિમ એશિયામાં રહે છે. તેમને વિદેશમાં ઊંચા પગારવાળી નોકરી કરવાની ઘણી તકો મળી હતી. જોકે એ વિશે તેમણે પ્રાર્થનામાં યહોવા સાથે વાત કરી અને પત્ની સાથે પણ ચર્ચા કરી. એ પછી તેમણે એ નોકરીઓ ન સ્વીકારવાનું અને ખર્ચા ઘટાડવાનું નક્કી કર્યું. આજે ટોનીભાઈ કહે છે: “મારા એ નિર્ણયને લીધે હું ઘણા લોકોને યહોવાની નજીક જવા મદદ કરી શક્યો છું. અમારાં બાળકો યહોવાને ખૂબ પ્રેમ કરે છે. અમારું કુટુંબ એક મહત્ત્વની વાત શીખ્યું છે: અમે જીવીએ ત્યાં સુધી માથ્થી ૬:૩૩ના શબ્દો જીવનમાં લાગુ પાડીશું તો યહોવા હંમેશાં અમારી સંભાળ રાખશે.”
ભાવિની યોજનાઓ બનાવીએ ત્યારે
૧૩. વૃદ્ધ થઈએ ત્યારે ગુજરાન ચલાવી શકીએ, એ માટે હમણાંથી કયાં પગલાં ભરી શકીએ?
૧૩ આપણે વૃદ્ધ હોઈશું ત્યારે સંજોગો કેવા હશે, એનો વિચાર કરીએ છીએ ત્યારે પણ યહોવા પરના આપણા ભરોસાની કસોટી થઈ શકે છે. બાઇબલમાં ઉત્તેજન આપ્યું છે કે આપણે સખત મહેનત કરીએ, જેથી ભાવિમાં ગુજરાન ચલાવી શકીએ. (નીતિ. ૬:૬-૧૧) જો શક્ય હોય તો ભાવિ માટે બચત કરવામાં કંઈ ખોટું નથી. બાઇબલમાં જણાવ્યું છે કે પૈસા રક્ષણ આપે છે. (સભા. ૭:૧૨) જોકે આપણે ક્યારેય પૈસા પાછળ ભાગવું ન જોઈએ, નહિ તો પૈસા આપણાં જીવનમાં સૌથી મહત્ત્વના બની જશે.
૧૪. ભાવિની યોજનાઓ બનાવીએ ત્યારે કેમ હિબ્રૂઓ ૧૩:૫નો વિચાર કરવો જોઈએ?
૧૪ ઈસુએ એક ઉદાહરણમાં જણાવ્યું હતું કે પોતાના માટે ધનદોલત ભેગી કરવી, પણ “ઈશ્વરની નજરમાં ધનવાન” ન હોવું મૂર્ખતા છે. (લૂક ૧૨:૧૬-૨૧) કાલે શું થશે એ કોઈ જાણતું નથી. (નીતિ. ૨૩:૪, ૫; યાકૂ. ૪:૧૩-૧૫) ખ્રિસ્તના શિષ્યો હોવાને લીધે આપણે એક ખાસ મુશ્કેલીનો સામનો કરીએ છીએ. ઈસુએ કહ્યું હતું કે તેમના શિષ્ય બનવા પોતાની સંપત્તિનો “ત્યાગ” કરવા તૈયાર રહેવું જોઈએ. (લૂક ૧૪:૩૩) પહેલી સદીમાં યહૂદિયાના ખ્રિસ્તીઓ જોડે એવું જ બન્યું હતું. તેઓએ રાજીખુશીથી પોતાની માલ-મિલકત લુટાવા દીધી. (હિબ્રૂ. ૧૦:૩૪) હાલના સમયમાં ઘણા ભાઈઓએ રાજકીય પક્ષોને ટેકો ન આપવાને લીધે પોતાની ધનસંપત્તિ કે નોકરી જવા દીધી છે. (પ્રકટી. ૧૩:૧૬, ૧૭) એમ કરવા તેઓને શાનાથી મદદ મળી છે? તેઓને યહોવાના આ વચનમાં એકદમ પાકો ભરોસો છે: “હું તને કદી છોડી દઈશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.” (હિબ્રૂઓ ૧૩:૫ વાંચો.) એ વાત સાચી છે કે ભાવિની યોજનાઓ બનાવવા આપણે પોતાનાથી થાય એટલું કરીએ છીએ. પણ અણધાર્યા સંજોગો આવી પડે ત્યારે આપણે યહોવામાં ભરોસો રાખીએ છીએ.
૧૫. બાળકોનો વિચાર કરતી વખતે માતા-પિતા કઈ રીતે વાજબી બની શકે? (ચિત્ર પણ જુઓ.)
૧૫ અમુક સમાજમાં લોકો બાળકોને ઘડપણનો સહારો ગણે છે અને એ કારણે બાળકો કરે છે. એક રીતે તેઓ બાળકોને “નિવૃત્તિ યોજના” ગણે છે. બાઇબલમાં લખ્યું છે કે માતા-પિતાએ બાળકોની જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ. (૨ કોરીં. ૧૨:૧૪) ખરું કે માતા-પિતા ઘરડાં થાય ત્યારે તેઓને પૈસા કે બીજી બાબતો માટે બાળકોની જરૂર પડી શકે છે અને ઘણાં બાળકો મદદ કરવા રાજી પણ છે. (૧ તિમો. ૫:૪) પણ ખ્રિસ્તી માતા-પિતા સમજે છે કે બાળકોને કમાતા-ધમાતા કરવાથી નહિ, પણ તેઓ યહોવાના સેવક બને એ માટે મદદ કરવાથી વધારે ખુશી મળે છે.—૩ યોહા. ૪.
યહોવાને વફાદાર પતિ-પત્ની ભાવિ વિશેના નિર્ણયો લેતી વખતે બાઇબલ સિદ્ધાંતોનો વિચાર કરે છે (ફકરો ૧૫ જુઓ)d
૧૬. માતા-પિતા પોતાનાં બાળકોને પગભર થવા કઈ રીતે મદદ કરી શકે? (એફેસીઓ ૪:૨૮)
૧૬ તમે બાળકોને પગભર થવા મદદ કરો ત્યારે તેઓને યહોવા પર ભરોસો રાખવાનું શીખવો. એ માટે તમે પોતે સારો દાખલો બેસાડો. બાળપણથી જ તેઓને મહેનતુ બનતા શીખવો. (નીતિ. ૨૯:૨૧; એફેસીઓ ૪:૨૮ વાંચો.) તેઓ મોટા થાય ત્યારે સ્કૂલમાં સારી રીતે ભણવા મદદ કરો. પોતે સંશોધન કરો અને બાઇબલના સિદ્ધાંતો શોધો. પછી એને ધ્યાનમાં રાખીને બાળકોને એવું ભણતર પસંદ કરવા મદદ કરો, જેથી બાળકો પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે અને સાથે સાથે યહોવાની સેવામાં વધારે કરી શકે.
૧૭. આપણે કઈ વાતનો ભરોસો રાખી શકીએ છીએ?
૧૭ યહોવાના વફાદાર સેવકો ભરોસો રાખી શકે છે કે યહોવા પાસે તેઓની જરૂરિયાતો પૂરી કરવાની ઇચ્છા અને શક્તિ છે. જેમ જેમ આ દુનિયાનો અંત નજીક આવતો જાય છે, તેમ તેમ યહોવા પરના આપણા ભરોસાની કસોટી થઈ શકે છે. પણ ચાલો પાકો નિર્ણય લઈએ કે ભલે ગમે એ થાય, હંમેશાં ભરોસો રાખીશું કે આપણી જરૂરિયાતો પૂરી પાડવા યહોવા પોતાની શક્તિનો ઉપયોગ કરશે. સો ટચના સોના જેવી આ વાત કદી ન ભૂલીએ: યહોવાનો શક્તિશાળી અને બળવાન હાથ કદી એટલો ટૂંકો નહિ પડે કે આપણને મદદ ન કરી શકે.
ગીત ૪૯ યહોવા છે સહારો
a ઑક્ટોબર ૨૦૨૩, ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”
b સપ્ટેમ્બર ૧૫, ૨૦૧૪ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”
c એપ્રિલ ૧૫, ૨૦૧૪ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ.”
d ચિત્રની સમજ: એક માતા-પિતા પોતાની દીકરી સાથે વાત કરી રહ્યાં છે, જે પોતાના પતિ સાથે પ્રાર્થનાઘરના બાંધકામમાં ભાગ લઈ રહી છે.