શું માણસો યુદ્ધ અને લડાઈઓનો અંત લાવી શકે?
લોકો ઘણા કારણોને લીધે લડાઈ કરે છે. અમુક લોકો રાજકારણમાં, સમાજમાં અથવા આર્થિક રીતે પરિવર્તન લાવવા લડાઈ કરે છે. બીજા અમુક જમીન અને કુદરતી સંપત્તિ પર કબજો મેળવવા લડાઈ કરે છે. ઘણી લડાઈઓ લાંબા સમયથી ચાલતા જાતિ અને ધર્મના મતભેદને લીધે થાય છે. લડાઈઓ બંધ કરવા અને શાંતિ લાવવા માણસો શું કરે છે? શું તેમના પ્રયત્નો સફળ થશે?
Drazen_/E+ via Getty Images
સરકાર દ્વારા પૈસાનો વપરાશ
ધ્યેય: લોકોનું જીવન સુધરશે. એના લીધે અમીરી-ગરીબીની ખાઈ ઓછી થશે અથવા દૂર થશે, જે લડાઈઓ થવાનાં મુખ્ય કારણોમાંનું એક છે.
નડતર: સરકાર જે વસ્તુઓ પાછળ ખર્ચા કરે છે, એમાં ફેરફાર કરવાની જરૂર છે. ૨૦૨૨ના એક અંદાજ પ્રમાણે દુનિયા ફરતે શાંતિ લાવવા અને એને જાળવી રાખવા ૩૪.૧ અબજ અમેરિકન ડૉલર ખર્ચવામાં આવ્યા હતા. જોકે, એ રકમ તો સેના માટે વપરાયેલી રકમની સરખામણીમાં ખૂબ જ નજીવી હતી.
“આપણે લડાઈ રોકવા અને શાંતિ જાળવવા જેટલા પૈસા વાપરીએ છીએ, એનાથી ઘણા વધારે પૈસા લડાઈની અસર થયેલા લોકોને મદદ કરવા વાપરીએ છીએ.”—એન્ટોનિયો ગુટેરસ, યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ.
પવિત્ર શાસ્ત્ર શું કહે છે?: દુનિયાની સરકારો અને સંસ્થાઓ ગરીબ લોકોને મદદ તો કરી શકે છે, પણ ક્યારેય પૂરી રીતે ગરીબી દૂર નહિ કરી શકે.–પુનર્નિયમ ૧૫:૧૧; માથ્થી ૨૬:૧૧.
શાંતિ માટેની બેઠક
ધ્યેય: દેશો વચ્ચે ઝગડા રોકવા કે એને શાંતિથી થાળે પાડવા વાતચીત કરવી અને બંને પક્ષને ફાયદો થાય એવા પગલાં ભરવા સહમત થવું.
નડતર: કોઈ એક કે એકથી વધારે પક્ષ કરાર કરવા સહમત ન થાય, નમતું જોખવા તૈયાર ન થાય કે કરાર સ્વીકાર કરવા તૈયાર ન થાય. આમ, શાંતિ માટેનો કરાર સહેલાઈથી તૂટી જાય છે.
“શાંતિ માટેની બેઠક હંમેશાં સફળ થતી નથી. ઘણી વાર એ કરારના લીધે જ બીજી લડાઈઓ થાય છે.”—રેમન્ડ એફ. સ્મિથ, અમેરિકન ડિપ્લોમસિ.
પવિત્ર શાસ્ત્ર શું કહે છે?: લોકોએ “હળી-મળીને” રહેવું જોઈએ. (ગીતશાસ્ત્ર ૩૪:૧૪) પણ આજે ઘણા લોકો ‘વિશ્વાસઘાતી, જિદ્દી, અને દગાખોર’ હોય છે. (૨ તિમોથી ૩:૧-૪) એવા લોકોને લીધે સારા નેતાઓ ચાહે તોપણ લડાઈઓ રોકી શકતા નથી.
હથિયારો ઓછા કરવા કે નાશ કરવા
ધ્યેય: હથિયારો ઓછા કરવા કે નાશ કરવા. ખાસ કરીને પરમાણુ, રાસાયણિક અને જૈવિક (બાયૉલૉજીકલ) હથિયાર.
નડતર: મોટા ભાગે દેશો હથિયારો ઓછા કરવા માંગતા નથી. કેમ કે, તેઓને ડર હોય છે કે એમ કરવાથી તેઓની તાકાત ઓછી થઈ જશે અને પોતાના દેશનું રક્ષણ નહિ કરી શકે. યુદ્ધ થવાના ઘણા કારણો છે. એટલે જો દેશો બધા હથિયારોનો નાશ કરે, તોપણ યુદ્ધો થવાના કારણો દૂર કરી શકવાના નથી.
“૧૯૯૧માં શીત યુદ્ધ પૂરું થયું એ પછી ઘણા દેશોએ વચન આપ્યું હતું કે પોતાનાં દેશનાં બધાં હથિયારો નાશ કરી દેશે. તેઓએ એ પણ વચન આપ્યું હતું કે તેઓ એવાં પગલાં ભરશે કે બે દેશો વચ્ચે તણાવ ઓછો થાય. તેમ જ તણાવ ઊભો થાય તોપણ સુલેહ કરશે. આમ, તેઓ ચાહતા હતા કે દુનિયા વધારે સલામત બને. પણ ઘણા દેશોની સરકારોએ પોતાનાં આ વચનો પાળ્યા નહિ.”—“સિક્યોરિંગ અવર કોમન ફ્યુચર: એન એજન્ડા ઓફ ડિસાર્મમેન્ટ.”
પવિત્ર શાસ્ત્ર શું કહે છે?: લોકોએ હથિયારો છોડી દેવા જોઈએ અને પોતાની “તલવારો ટીપીને હળની કોશો” બનાવવી જોઈએ. (યશાયા ૨:૪) જોકે, એટલું કરવું પૂરતું નથી, કેમ કે હિંસા કરવાનો વિચાર વ્યક્તિના દિલમાંથી આવે છે.—માથ્થી ૧૫:૧૯.
સલામતી માટે અમુક દેશોનું સંગઠન
ધ્યેય: દેશો એકબીજાને મદદ કરવાનું વચન આપે છે, જેથી તેઓને દુશ્મનોથી રક્ષણ મળે. તેઓ વિચારે છે કે એમ કરવાથી દુશ્મન દેશ તેઓ સામે યુદ્ધ કરવા નહિ આવે. કેમ કે, જો આવે તો દુશ્મન દેશે એક નહિ, પણ એ સંગઠનના બધા દેશો સામે લડવું પડશે.
નડતર: એકસાથે ઘણા દેશો સામે લડવું પડશે, એવા ડરથી દુશ્મન દેશ હુમલો નહિ કરે અને શાંતિ જળવાશે, એવી કોઈ પાકી ખાતરી નથી. દેશો એકબીજાને આપેલા વચનો હંમેશાં પાળતા નથી. અરે, દુશ્મન દેશ સામે ક્યારે અને કઈ રીતે પગલાં ભરવાં એમાં પણ તેઓ સહમત થતા નથી.
“દેશો એકબીજા સાથે મળીને સંગઠન બનાવે એ માટે લીગ ઓફ નેશન્સે અને યુનાઈટેડ નેશન્સે સખત મહેનત કરી છે. તોપણ, એવા સંગઠન બનાવવાથી તેઓ યુદ્ધો રોકી શક્યા નથી.”—“ઍન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા.”
પવિત્ર શાસ્ત્ર શું કહે છે?: મોટા ભાગે ઘણા લોકો સાથે મળીને કામ કરે છે ત્યારે, સારાં પરિણામો આવે છે. (સભાશિક્ષક ૪:૧૨) પણ એવો ભરોસો ન રાખીએ કે માણસોની સરકારો શાંતિ અને સલામતી લાવશે. બાઇબલમાં લખ્યું છે: “મદદ માટે માણસો તરફ દૃષ્ટિ ન કરશો. તેઓના શ્રેષ્ઠ આગેવાનો નિષ્ફળ જાય છે. કેમ કે દરેક માણસે મરવાનું છે. તેના શ્વાસોશ્વાસ બંધ થઈ જાય છે, જીવનનો અંત આવે છે અને તેણે કરેલી દરેક યોજના એક ક્ષણમાં ખતમ થઈ જાય છે.”—ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ૪, IBSI.
ઘણા દેશોએ શાંતિ લાવવા અથાગ પ્રયત્નો કર્યા છે, તોપણ આજે એક પછી એક યુદ્ધો ચાલુ જ રહે છે.