ઈશ્વરના રાજ્યની જાહેરાતની એક સદી!
૧. એક સદી પહેલાં યહોવાના લોકોને કયું ઉત્તેજન મળ્યું?
૧ ‘જુઓ, રાજા રાજ કરે છે! તમે તેમના પ્રચારકો છો. એટલે, રાજા અને તેમના રાજ્યને જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો!’ આશરે એક સદી પહેલાં ભાઈ રધરફર્ડે ઉત્તેજન આપતા આ શબ્દો કહ્યા હતા. એનાથી, યહોવાના લોકોને એટલું ઉત્તેજન મળ્યું કે તેઓએ દૂર દૂરના દેશોમાં રાજ્યનો સંદેશો ફેલાવ્યો. આજે, આપણે પણ એવું જ કરીએ છીએ. શરૂઆતના ખ્રિસ્તીઓની જેમ આપણે પણ રાજ્યની ‘ખુશખબર આકાશ તળેનાં સર્વ લોકોને પ્રગટ’ કરી છે. (કોલો. ૧:૨૩) ગઈ સદીનો વિચાર કરીએ તો, ઈશ્વરના રાજ્યની જાહેરાત કરવા માટે આપણે શું કર્યું છે? ૨૦૧૪ના લગભગ અંત ભાગમાં એ રાજ્યને સો વર્ષ થશે. એની જાહેરાત કરવામાં આપણે કઈ રીતે લાગુ રહી શકીએ?
૨. ઈશ્વરના રાજ્યનો સંદેશો ફેલાવવા આપણું સાહિત્ય કયો ભાગ ભજવે છે?
૨ પાછલાં વર્ષોનો વિચાર કરીએ: ઈશ્વરના રાજ્યનો સંદેશો ફેલાવવા વર્ષોથી આપણું સાહિત્ય મહત્ત્વનો ભાગ ભજવે છે. સાલ ૧૯૩૯થી આપણું મુખ્ય મૅગેઝિન છે, ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે. આ મૅગેઝિનમાં વારંવાર જણાવવામાં આવે છે કે ઈશ્વરનું રાજ્ય શું છે અને ભાવિમાં એ કેવા ફેરફાર કરશે. એની સાથે સજાગ બનો! નામનું મૅગેઝિન પણ રાજ્યને જાહેર કરે છે. એ જણાવે છે કે ઈશ્વરનું રાજ્ય જ બધી દુઃખ-તકલીફોનો અંત લાવશે. આ બંને મૅગેઝિનનું આખી દુનિયામાં સૌથી વધારે ભાષાંતર અને વિતરણ થાય છે. એ કેટલું અજોડ કહેવાય!—પ્રકટી. ૧૪:૬.
૩. ઈશ્વરના રાજ્યને જાહેર કરવા કઈ રીતો વાપરવામાં આવી છે?
૩ યહોવાના લોકોએ અનેક રીતો દ્વારા ઈશ્વરના રાજ્યને જાહેર કર્યું છે. પહેલાંના સમયમાં યહોવાના લોકોએ માઈક લગાડેલી કાર કે જીપ, તાવડી-વાજું કે ગ્રામોફોન અને રેડિયો દ્વારા પણ લોકોને સંદેશો જણાવ્યો. એ સમયે રાજ્ય પ્રચારકોની સંખ્યા ખૂબ ઓછી હતી. તેમ છતાં, આવી રીતોનો ઉપયોગ કરીને આખી દુનિયામાં રાજ્યનો સંદેશો ફેલાવવામાં આવ્યો. (ગીત. ૧૯:૪) હાલમાં આપણી વેબ સાઇટ jw.org પર ઘણી બધી માહિતી પ્રાપ્ય છે. એ દ્વારા લાખો લોકોનાં દિલ સુધી ખુશખબર પહોંચાડવામાં આવી છે. અરે, પ્રચારકાર્ય પર પ્રતિબંધ હોય એવા દેશોમાં પણ!
૪. કઈ નવી ગોઠવણ દ્વારા રાજ્યની ખુશખબર ફેલાવવામાં આવે છે?
૪ રાજ્યની ખુશખબર ફેલાવવા યહોવાના લોકોએ નવી ગોઠવણ શરૂ કરી છે. દાખલા તરીકે, ઘરઘરનું પ્રચારકાર્ય ખુશખબર ફેલાવવાની મુખ્ય રીત હતી. પરંતુ, ૧૯૯૫ની શરૂઆતમાં આવી જગ્યાઓએ પણ પ્રચાર કરવામાં આવ્યો. જેમ કે, બગીચા, પાર્કિંગની જગ્યા અને વેપાર ધંધાનો વિસ્તાર. અમુક મોટાં શહેરોમાં જાહેરમાં પ્રચાર કરવાની ગોઠવણ તાજેતરમાં કરવામાં આવી છે. ઉપરાંત, ઘણાં મંડળો જાહેરમાં પ્રચાર કરવાની ગોઠવણ કરે છે. તેઓ પોતાના પ્રચાર વિસ્તારમાં વધુ અવરજવર થતી હોય એવી જગ્યાઓએ ટ્રૉલી કે ટેબલ લઈને ઊભા રહે છે. જોકે, આજે પણ ખુશખબર જણાવવાની આપણી મુખ્ય રીત ઘરઘરનું પ્રચારકાર્ય છે.—પ્રે.કૃ. ૨૦:૨૦.
૫. નવા સેવા વર્ષથી આપણને કઈ તકો મળશે?
૫ આવનાર દિવસોનો વિચાર કરીએ: સપ્ટેમ્બરથી નવું સેવા વર્ષ શરૂ થશે. એ સમયે ઘણા લોકો નિયમિત પાયોનિયરીંગ કરવાનું શરૂ કરશે. શું તમે એમ કરી શકો? જો એ શક્ય ન હોય, તો શું તમે સમયે સમયે સહાયક પાયોનિયરીંગ કરી શકો? એ ન કરી શકો તોપણ, ખાતરી રાખજો કે રાજ્યની ખુશખબર ફેલાવવા તમે જે મહેનત કરો છો, એને યહોવા જરૂર આશીર્વાદ આપશે.—માલા. ૩:૧૦.
૬. ઑક્ટોબર ૨૦૧૪નો મહિનો શા માટે ખાસ છે?
૬ ઑક્ટોબર ૨૦૧૪માં, ઈશ્વરના રાજ્યને ૧૦૦ વર્ષ પૂરાં થશે. આવનાર દિવસોનો વિચાર કરીએ તેમ, ચાલો આપણે દરેક ‘ઈશ્વરના રાજ્ય વિશે ખુશખબર પ્રગટ કરતાં’ રહીએ.—પ્રે.કૃ. ૮:૧૨.