સાથી પ્રચારકને ઉત્તેજન આપીએ
૧. બીજાઓ સાથે પ્રચાર કરતી વખતે, આપણે કઈ રીતે પાઊલ જેવું વલણ અપનાવી શકીએ?
૧ પ્રેરિત પાઊલે ભાઈબહેનો સાથે વિતાવેલા સમયને ‘એકબીજાને ઉત્તેજન આપવાની’ તક ગણી. (રોમ. ૧:૧૨, IBSI) તમે બીજા પ્રકાશક સાથે પ્રચારમાં હો ત્યારે, તેમને ઉત્તેજન અને મદદ આપવા એ સમયનો લાભ ઉઠાવો છો? મૂંગા રહેવાને બદલે, અસરકારક પ્રચારક બનવા તમને ક્યાંથી મદદ મળી એ તેમને જણાવો.
૨. સાથે પ્રચાર કરનારની હિંમત વધારવા આપણે શું કરી શકીએ અને એ શા માટે મહત્ત્વનું છે?
૨ હિંમત વધારીએ: અમુક પ્રકાશકોમાં હિંમતનો અભાવ હોય છે, જે તેઓના ચહેરાના હાવભાવ અથવા અવાજમાં દેખાઈ આવે છે. આપણે તેઓની હિંમત વધારવા દિલથી પ્રશંસા કરી શકીએ. હિંમત વધારવાની બીજી કઈ રીતો છે? એક પ્રવાસી નિરીક્ષક, સાથે કામ કરનારને ખુલ્લા દિલે જણાવે છે કે પોતાને કેવો ડર લાગે છે. તેમ જ, એ લાગણીનો સામનો કરવા તે કેટલી વાર પ્રાર્થના કરે છે. એવી જ રીતે, બીજા એક ભાઈ જણાવે છે કે તેમને ક્યાંથી હિંમત મળે છે: “સૌથી પહેલા સ્માઈલ આપું છું. કોઈ વાર એમ કરવા મદદ માટે મારે પ્રાર્થના પણ કરવી પડે છે.” હિંમતથી પ્રચાર કરવા તમને કઈ બાબતે મદદ કરી છે? તમારી સાથે પ્રચાર કરનારને એ જણાવો.
૩. આપણી સાથે કામ કરનાર સેવાકાર્યમાં અસરકારક બને માટે કેવી બાબતો જણાવવી જોઈએ?
૩ વાતચીત કરવાની રીતો જણાવીએ: શું તમારા કિસ્સામાં અમુક સાદા શબ્દો, સવાલ અથવા સ્થાનિક બનાવોનો ઉપયોગ કરવાથી વાત શરૂ કરવી અસરકારક બની છે? શું તમે સાહિત્ય રજૂ કરવાના સૂચનોમાં જરૂરી ફેરફાર કર્યા છે, જેના સારાં પરિણામ આવ્યાં હોય? ઘરમાલિકના સંજોગો ધ્યાનમાં લઈને શું તમે રજૂઆતમાં ફેરફાર કર્યો છે? એ વિશે સાથે કામ કરનારને જણાવો. (નીતિ. ૨૭:૧૭) તમે ફરી મુલાકાત કરવા જતા હો ત્યારે, એ કેવી રીતે કરશો અને ઘરમાલિકને શું જણાવવા ચાહો છો એની વાત કરો. બાઇબલ અભ્યાસ પૂરો કર્યા પછી જણાવી શકો કે વિદ્યાર્થીની જરૂરિયાત પ્રમાણે તમે કેમ અમુક મુદ્દાઓ, કલમો અને રીતો વાપરી.
૪. આપણે સાથી પ્રચારકોને મદદ કરવામાં શા માટે રસ લેવો જોઈએ?
૪ જેઓ યહોવાને ભજતા ન હતા તેઓને મદદ કરવામાં જ પહેલી સદીના પ્રચારકોને રસ ન હતો. પરંતુ, તેઓ જાણતા હતા કે એકબીજાને ઉત્તેજન આપવું અને શ્રદ્ધા મજબૂત કરવી પણ મહત્ત્વનું છે. (પ્રે.કૃ. ૧૧:૨૩; ૧૫:૩૨) પ્રેરિત પાઊલે યુવાન તીમોથીને તાલીમ આપી અને ઉત્તેજન આપ્યું કે પોતે જે શીખે એ બીજાઓને પણ જણાવે. (૨ તીમો. ૨:૨) પ્રચારમાં આપણે સાથી ભાઈબહેનોનું ભલું કરીએ છીએ ત્યારે, તેઓનો આનંદ વધારીએ છીએ અને અસરકારક બનવા મદદ કરીએ છીએ. તેમ જ, આપણા સ્વર્ગીય પિતા યહોવાને પણ ખુશ કરીએ છીએ.—હિબ્રૂ ૧૩:૧૫, ૧૬.