પ્રબોધકોનો દાખલો લો—મીખાહ
૧. મીખાહને કયો સવાલ થયો હોય શકે, અને તેમનું પ્રચારકાર્ય કેમ વ્યર્થ ન હતું?
૧ પ્રબોધક મીખાહે ઈસ્રાએલ અને યહુદાના રાજ્ય વિરુદ્ધ યહોવાનો ન્યાયચુકાદો જાહેર કર્યો હતો. એ સમયે કદાચ તેમના મનમાં આ સવાલ થયો હશે: ‘આ દુષ્ટ દુનિયાનો અંત ક્યારે આવશે?’ તેમ છતાં, મીખાહનું પ્રચારકાર્ય વ્યર્થ ન ગયું. તેમના જીવન દરમિયાન, ઈસવીસન પૂર્વે ૭૪૦માં સમરૂન વિરુદ્ધ યહોવાની ભવિષ્યવાણી સાચી પડી. (મીખા. ૧:૬, ૭) સમય જતાં, ઈ.સ.પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો વિનાશ થયો. (મીખા. ૩:૧૨) આપણા દિવસમાં યહોવાના ન્યાયચુકાદાનો અમલ થાય એની રાહ જોઈએ તેમ, મીખાહની જેમ આપણે શું કરવું જોઈએ?
૨. યહોવાના દિવસની રાહ જોઈએ તેમ, આપણે કઈ રીતે ધીરજ રાખી શકીએ અને શા માટે?
૨ ધીરજ રાખીએ: મીખાહે લખ્યું: “હું તો યહોવા તરફ જોઈ રહીશ; હું મારું તારણ કરનાર ઈશ્વરની વાટ જોઈશ.” (મીખા. ૭:૭) જોકે, મીખાહ હાથ પર હાથ ધરીને બેસી રહ્યા ન હતા. પણ તે યહોવાના પ્રબોધક તરીકેના કામમાં વ્યસ્ત રહ્યા. આપણે પણ યહોવાના દિવસની રાહ જોઈએ તેમ, “પવિત્ર આચરણ તથા ભક્તિભાવ”માં લાગુ રહેવું જોઈએ. (૨ પીત. ૩:૧૧, ૧૨) યહોવાની ધીરજ દરેક વ્યક્તિને પસ્તાવો કરવા સમય આપે છે. (૨ પીત. ૩:૯) એટલે, પ્રબોધકોની ધીરજને અનુસરવા આપણે બાઇબલની સલાહ પાળવી જોઈએ.—યાકૂ. ૫:૧૦.
૩. આપણે શા માટે પ્રાર્થનામાં યહોવાની પવિત્ર શક્તિ માંગવી જોઈએ?
૩ યહોવાની શક્તિ પર આધાર રાખીએ: મીખાહને સોંપેલું કામ મુશ્કેલ હતું, તોપણ એને પૂરું કરવા તેમણે યહોવાની પવિત્ર શક્તિ પર આધાર રાખ્યો. (મીખા. ૩:૮) યહોવા જાણે છે કે આપણને તેમની શક્તિની જરૂર છે. એટલે, તેમણે બાઇબલમાં આપણને જણાવ્યું છે કે તેમની પાસે શક્તિ માંગતા રહીએ. તે થાકેલાઓને ઉદારતાથી બળ આપે છે, જેથી તેઓ ભક્તિમાં મળતી જવાબદારી નિભાવી શકે. (ગીત. ૮૪:૫, ૭; યશા. ૪૦:૨૮-૩૧) શું તમે યહોવાની સેવામાં એવું અનુભવ્યું છે? શું તમે નિયમિત રીતે પ્રાર્થનામાં યહોવાની પવિત્ર શક્તિની મદદ માંગો છો?—લુક ૧૧:૧૩.
૪. આપણા માટે મીખાહે કેવો સારો દાખલો બેસાડ્યો છે?
૪ મીખાહના જીવનમાં યહોવાની ઇચ્છા પૂરી કરવી સૌથી મહત્ત્વનું હતું. ભ્રષ્ટ નૈતિક સંસ્કારોથી ઘેરાયેલા હોવા છતાં, તેમણે વફાદાર રહેવાનો પાકો નિર્ણય કર્યો હતો. એવી જ રીતે, આપણી શ્રદ્ધાની પણ દરરોજ કસોટી થાય છે. તેથી, ચાલો ‘સદાસર્વકાળ ઈશ્વર યહોવાના નામ પર શ્રદ્ધા રાખીને ચાલવાનો’ દૃઢ નિર્ણય કરીએ.—મીખા. ૪:૫.