સવાલ-જવાબ
▪ આપણે કઈ કઈ રીતે પાયોનિયરને મદદ કરી શકીએ?
૨૦૦૯ના સેવા વર્ષમાં લગભગ ૮ લાખ જેટલા ભાઈ-બહેનોએ રેગ્યુલર અને સ્પેશિયલ પાયોનિયર તરીકે સેવા આપી. તેઓએ રાજ્યનો સંદેશો જણાવવાને પોતાના જીવનમાં પ્રથમ રાખ્યું છે. તેઓ પોતાનો કીમતી સમય, શક્તિ અને ધન-સંપત્તિ ખર્ચવામાં પાછા પડ્યા નથી. (નીતિ. ૩:૯) તેમની મહેનતથી યહોવાહ કેટલાં ખુશ થયા હશે! યહોવાહની જેમ આપણે પણ તેઓની કેવી રીતે કદર બતાવી શકીએ? તેઓ પાયોનિયરીંગમાં વધારે ખુશી મેળવી શકે એ માટે આપણે કઈ રીતે મદદ કરી શકીએ?
પાયોનિયરીંગ ચાલુ રાખી શકે એવી ઉત્તેજનભરી વાતચીત કરી શકીએ. (નીતિ. ૨૫:૧૧) તેમની સાથે પ્રચારમાં જોડાવા પોતાના શેડ્યૂલમાં ફેરફાર કરી શકીએ. તેમની સાથે કામ કરતા હોઈએ ત્યારે આપણા વાહનમાં તેમને લઈ જઈ શકીએ. જો આપણે તેમના વાહનમાં જઈએ તો ખર્ચ વહેંચી શકીએ. (૧ કોરીં. ૧૩:૫; ફિલિ. ૨:૪) આપણે તેઓને ચા-નાસ્તો કરાવી શકીએ. કોઈ કોઈ વખતે ઘરે જમવા માટે આમંત્રણ આપી શકીએ.—૧ પીત. ૪:૮, ૯.
બાઇબલ આપણને ખાતરી આપે છે કે જેઓ ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલું રાખશે, તેઓની જરૂરિયાતો યહોવાહ પૂરી પાડશે. (ગીત. ૩૭:૨૫; માથ. ૬:૩૩) એક રીતે જોઈએ તો ભાઈ-બહેનોનો ઉપયોગ કરીને યહોવાહ પાયોનિયરોની જરૂરિયાત પૂરી કરે છે. (૧ યોહા. ૩:૧૬-૧૮) જોકે પાયોનિયર આશા નથી રાખતા કે તેમના બધા ખર્ચા ભાઈ-બહેનો પૂરા પાડે. તેઓને મદદની જરૂર હોય તોપણ તેઓ સામે ચાલીને કદાચ કોઈને નહિ કહે. એટલે, તેઓને શાની જરૂર છે એ ધ્યાનમાં રાખીએ. જો તેઓ ‘અછતમાં’ હોય તો બનતી મદદ કરીએ.—૨ કોરીં. ૮:૧૪, ૧૫.
પહેલી સદીના કેંક્રિઆ મંડળમાં ફેબી નામના બહેન ઉત્સાહી પ્રચારક હતા. તે જ્યારે રોમમાં જવાના હતા ત્યારે પ્રેરિત પાઊલે રોમના મંડળના ભાઈ-બહેનોને કહ્યું કે ‘તેનો અંગીકાર કરો, અને જે જે બાબતમાં તેમને તમારી મદદની જરૂર પડે તેમાં તમે તેમને સહાય કરજો.’ (રૂમી ૧૬:૧, ૨) ફેબી બહેનની જેમ આપણા મંડળમાં પણ પ્રચારમાં ઉત્સાહી ભાઈ-બહેનો હોઈ શકે. તેઓ પ્રચાર કાર્ય કરવામાં લાગુ રહે છે. (પ્રે.કૃ. ૫:૪૨) ચાલો આપણે રોમના ભાઈ-બહેનોની જેમ તેઓને મદદ કરતા રહીએ.