માર્ચ
સોમવાર, માર્ચ ૧
“‘પોતાને અલગ કરો,’ યહોવા કહે છે, ‘અને અશુદ્ધ વસ્તુને અડકો નહિ’; ‘અને હું તમારો સ્વીકાર કરીશ.’”—૨ કોરીં. ૬:૧૭.
ગુજરી ગયેલા લોકો માટે વિધિઓ કરવામાં આવે છે, જેને બાઇબલ ટેકો આપતું નથી. એ વિધિઓમાં ભાગ લેવા સગાં કે મિત્રો કદાચ આપણને દબાણ કરે અથવા મનાવે. એવા સમયે ઈશ્વર માટેના પ્રેમથી અને બાઇબલથી હિંમત મળે છે અને આપણે એમાં ભાગ લેતા નથી. આમ, આપણે યહોવાને વફાદાર રહીએ છીએ. તેઓ કદાચ આપણને બધા આગળ નીચા પાડવા કહે કે ગુજરી ગયેલાને આપણે પ્રેમ કરતા નથી, તેમનો આદર કરતા નથી. તેઓ એવું પણ કહે કે આપણા વર્તનથી ગુજરી ગયેલા નારાજ થશે અને તેમનો આત્મા બધાને હેરાન કરશે. કૅરિબિયનના એક દેશમાં ઘણા લોકો માને છે કે, મર્યા પછી વ્યક્તિનું “ભૂત” ભમ્યા કરે છે અને જેઓએ તેને સતાવી હતી, તેઓને શિક્ષા કરે છે. એક અહેવાલ જણાવે છે કે, “ભૂત” ‘આખા સમાજ પર કાળો કેર વર્તાવી શકે છે.’ આફ્રિકામાં એક રિવાજ છે કે જે ઘરમાં મરણ થાય ત્યાંના અરીસા ઢાંકી દેવા. તેમ જ, વ્યક્તિના બધા ફોટા દીવાલ તરફ પલટાવી દેવા. શા માટે? અમુક લોકો માનતા કે એમ કરવાથી ગુજરી ગયેલી વ્યક્તિ પોતાને જોઈ શકશે નહિ. શેતાનનાં જૂઠાણાં સાથે જોડાયેલી ખોટી માન્યતા કે રીત-રિવાજોમાં યહોવાના ભક્તો ક્યારેય ભાગ લેશે નહિ.—૧ કોરીં. ૧૦:૨૧, ૨૨. w૧૯.૦૪ ૧૬ ¶૧૧-૧૨
મંગળવાર, માર્ચ ૨
“જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.”—માથ. ૭:૧૨.
ઈસુએ સિદ્ધાંતો આપ્યા, જેથી તેમના શિષ્યો ભેદભાવ વગર બીજાઓ સાથે યોગ્ય વર્તન રાખી શકે. એમાંનો એક સિદ્ધાંત હતો, સોનેરી નિયમ. આપણે બધા ચાહીએ છીએ કે આપણી સાથે અન્યાય ન થાય. તેથી, આપણે પણ બીજાઓ સાથે અન્યાય કરવો ન જોઈએ. એ જોઈને કદાચ તેઓ પણ આપણી સાથે યોગ્ય રીતે વર્તે. પણ આપણે અન્યાયનો ભોગ બનીએ, ત્યારે શું કરીશું? ઈસુએ પોતાના શિષ્યોને યહોવા પર ભરોસો રાખવાનું શીખવ્યું હતું. તેમણે કહ્યું હતું, ‘જેઓ રાત-દિવસ પોકાર કરે છે, તેઓને ઈશ્વર ન્યાય અપાવશે.’ (લુક ૧૮:૬, ૭) એ શબ્દોથી આપણને પાકું વચન મળે છે: છેલ્લા દિવસોમાં આપણે સહેવી પડતી મુશ્કેલીઓ વિશે આપણા ન્યાયી ઈશ્વર જાણે છે. યોગ્ય સમયે તે આપણા માટે ન્યાય કરશે. (૨ થેસ્સા. ૧:૬) ઈસુએ શીખવેલા સિદ્ધાંતો પ્રમાણે ચાલીશું તો આપણે બીજાઓ સાથે યોગ્ય રીતે વર્તીશું. શેતાનની દુનિયામાં આપણે અન્યાયનો ભોગ બનીએ તો, ખાતરી રાખીએ કે યહોવા ચોક્કસ આપણને ન્યાય અપાવશે. એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે! w૧૯.૦૫ ૫ ¶૧૮-૧૯
બુધવાર, માર્ચ ૩
“તમે જે આશા રાખો છો એ વિશે કોઈ ખુલાસો માંગે તો, તેને જવાબ આપવા હંમેશાં તૈયાર રહો. પણ, નમ્રતાથી અને પૂરા આદર સાથે જવાબ આપો.”—૧ પીત. ૩:૧૫.
શું તમે શાળામાં જાઓ છો? તમારી સાથે ભણતા લોકો કદાચ ઉત્ક્રાંતિમાં માનતા હશે. બાઇબલ શીખવે છે કે ઈશ્વરે માણસને બનાવ્યો છે. તમે કદાચ તમારા મિત્રોને એ શીખવવા માંગો છો. પણ તમને ચિંતા થતી હશે કે તમે સારી રીતે સમજાવી શકશો નહિ. હિંમત ન હારો અને એ વિશે અભ્યાસ કરો! એમ કરવાનાં તમારી પાસે બે કારણ છે: (૧) આખા વિશ્વનું સર્જન ઈશ્વરે કર્યું છે, એ માન્યતામાં પોતાનો ભરોસો પાકો કરવા (૨) બાઇબલ સત્ય સમજાવવાની પોતાની આવડત કેળવવા. (રોમ. ૧:૨૦) તમે આ સવાલનો વિચાર કરી શકો, “મારી સાથે ભણતા લોકો ઉત્ક્રાંતિ વિશે શું માને છે?” પછી આપણાં સાહિત્યમાંથી સંશોધન કરો. આમ, તમારી માન્યતા બીજાઓને સમજાવવી સહેલું બનશે. ઘણા લોકો ઉત્ક્રાંતિમાં માને છે, કારણ કે મોટાઓએ તેઓને એવું શીખવ્યું હોય છે. તમે એક કે બે મુદ્દા શોધીને તેઓને જણાવો, જે સહેલાઈથી તેઓના ગળે ઊતરી જાય.—કોલો. ૪:૬. w૧૯.૦૫ ૨૯ ¶૧૩
ગુરુવાર, માર્ચ ૪
“જેમ કોઈ માણસને તેની મા દિલાસો આપે છે, તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ.”—યશા. ૬૬:૧૩.
એક વાર પ્રબોધક એલિયાને પોતાનો જીવ બચાવવા નાસવું પડ્યું હતું. એ સમયે તે એટલા નિરાશ થઈ ગયા હતા કે, તે મરવા માંગતા હતા. તેમને ઉત્તેજન આપવા યહોવાએ એક શક્તિશાળી દૂતને મોકલ્યા. એલિયાને જરૂર હતી, એવી જ મદદ દૂતે પૂરી પાડી. તેમણે એલિયાને ગરમાગરમ ભોજન આપ્યું, એ ખાવાનો પ્રેમથી આગ્રહ કર્યો. (૧ રાજા. ૧૯:૫-૮) એ દાખલામાંથી એક સરસ વાત શીખવા મળે છે: દયાનું એક નાનું કામ, લાવે મોટું પરિણામ. નિરાશ થયેલા ભાઈ કે બહેનને નાની ભેટ, કાર્ડ કે જમવાનું આપી શકાય. એમાં આપણાં પ્રેમ અને લાગણી દેખાઈ આવશે. જો વ્યક્તિ સાથે અમુક વિષય પર વાત કરવું તમને અઘરું લાગતું હોય, તો તમે તેમને મદદ કરવા નાનું-મોટું કામ કરી શકો. યહોવાએ દૂતને મોકલી એલિયાને જરૂરી મદદ આપી, જેથી તે હોરેબ પર્વત સુધી પહોંચી શકે. તેમને મારી નાંખવા ચાહતા હતા, એવા લોકોથી તે હવે ઘણા દૂર હતા. એમાંથી શું શીખી શકીએ? શોષણનો ભોગ બનેલી વ્યક્તિને દિલાસો આપતા પહેલાં અહેસાસ કરાવવો પડશે કે તે હવે સલામત છે. અમુક કિસ્સામાં કદાચ વ્યક્તિ ઘરને બદલે પ્રાર્થનાઘરમાં વધારે સલામતી અનુભવે. w૧૯.૦૫ ૧૬ ¶૧૧; ૧૭ ¶૧૩-૧૪
શુક્રવાર, માર્ચ ૫
“યૂનાની નિશાની સિવાય બીજી કોઈ નિશાની એને આપવામાં આવશે નહિ.”—લુક ૧૧:૨૯.
ધારો કે, તમે લુકનો અગિયારમો અધ્યાય વાંચી રહ્યા છો. એમાં “યૂનાની નિશાની” વિશે જણાવ્યું છે. (લુક ૧૧:૨૯, ૩૦) માહિતી ફટાફટ વાંચી જવાને બદલે થોભો અને આ સવાલો પર વિચાર કરો: “‘યૂનાની નિશાની’ એટલે શું? એ વિશે વધારે માહિતી ક્યાંથી મળશે?” તમે કદાચ “જાસૂસની” જેમ શોધખોળ કરી શકો. વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી ખોલો અને “યૂનાની નિશાની” લખો. શોધો બટન દબાવશો ત્યારે તમને પરિણામો જોવા મળશે. એમાં માથ્થી ૧૨:૩૯, ૪૦ જોવા મળશે. હવે તમને અભ્યાસ કરવાની મજા આવશે. તમને જોવા મળશે કે ઈસુએ પહેલેથી જણાવ્યું હતું કે તે મરણ પામશે અને ત્રીજા દિવસે સજીવન થશે. એ કેટલું અદ્ભુત કહેવાય કે ઈસુએ નિશાની આપીને ભવિષ્યવાણી કરી હતી કે તે કેટલા સમય પછી સજીવન થશે! ગુજરાતી બાઇબલમાં તમને દરેક પાના પર એકદમ નીચે બીજી કલમોના સંદર્ભો જોવા મળશે. તમે એનો પણ અભ્યાસમાં ઉપયોગ કરી શકો. w૧૯.૦૫ ૩૦ ¶૧૭
શનિવાર, માર્ચ ૬
“પોતાના વિચારોમાં ફેરફાર કરો, જેથી તમે પોતે પારખી શકો કે ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ ઇચ્છા શી છે.”—રોમ. ૧૨:૨.
આપણે શું કરવાની જરૂર છે? જો આપણે નિયમિત અભ્યાસ કરીશું, તો પારખી શકીશું કે બાઇબલમાંથી શીખેલી સત્યની વાતો સો ટકા સાચી છે. એવી પણ ખાતરી મળશે કે યહોવાનાં ધોરણો એકદમ સાચાં છે. આપણે એવા ઝાડ જેવા બનીશું, જેના મૂળ મજબૂત હોય છે. આપણે ‘શ્રદ્ધામાં સ્થિર થઈશું.’ (કોલો. ૨:૬, ૭) યાદ રાખો કે આપણે પોતાની શ્રદ્ધા મજબૂત કરવી જોઈએ. બીજું કોઈ આપણા વતી એમ કરી શકે નહિ. એટલે ચાલો આપણે પોતાના મનના વિચારોમાં ફેરફાર કરતા રહીએ. વારંવાર પ્રાર્થના કરીએ અને યહોવાની પવિત્ર શક્તિ માંગીએ. મનન કરીએ અને પોતાનાં વિચારો તથા ઇચ્છાઓને તપાસતાં રહીએ. એવા મિત્રો પસંદ કરીએ, જેઓ આપણને ખોટા વિચારોથી દૂર રહેવા મદદ કરે. આવી બાબતો કરવાથી શેતાનની દુનિયાની ઝેરી અસરથી આપણે પોતાને બચાવી શકીશું. ‘ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ ઊભી થનારી દલીલોને અને દરેક ઘમંડી વાતોને આપણે તોડી પાડીશું.’—૨ કોરીં. ૧૦:૫. w૧૯.૦૬ ૧૩ ¶૧૭-૧૮
રવિવાર, માર્ચ ૭
“આપણા ઈશ્વર અને પિતાની નજરમાં શુદ્ધ અને પવિત્ર ભક્તિ આ છે: અનાથો અને વિધવાઓ પર મુશ્કેલી આવે ત્યારે, તેઓની સંભાળ રાખો.”—યાકૂ. ૧:૨૭.
રૂથે નાઓમીનો સાથ ક્યારેય છોડ્યો નહિ. એવી જ રીતે, આપણે એવા લોકોને સહારો આપતા રહેવું જોઈએ. (રૂથ ૧:૧૬, ૧૭) પૌલાબહેન કહે છે: ‘મારા પતિના મરણ પછી મને ઘણા લોકોએ સહારો આપ્યો હતો. સમય જતાં, તેઓ પાછા રોજિંદા કામોમાં પરોવાઈ ગયા. પણ મારું જીવન તો સાવ બદલાઈ ગયું હતું. શોકમાં ડૂબેલી વ્યક્તિને મહિનાઓ કે વર્ષો પછી પણ મદદની જરૂર હોય છે.’ જોકે, બધા માણસો એકસરખા હોતા નથી. અમુક જલદીથી નવા સંજોગો સ્વીકારી લે છે, બીજા અમુકને વાર લાગે છે. બીજા કેટલાક તો અમુક કામ કરતી વખતે દુઃખી દુઃખી થઈ જાય છે, કારણ કે પહેલાં એ કામ તેઓ ભેગા મળીને કરતા હતા. દરેક વ્યક્તિની શોક કરવાની રીત અલગ અલગ હોય છે. શોકમાં છે એવી વ્યક્તિની કાળજી લેવાનું કામ યહોવાએ આપણને દરેકને સોંપ્યું છે. એને આપણે એક લહાવો ગણવો જોઈએ. w૧૯.૦૬ ૨૪ ¶૧૬
સોમવાર, માર્ચ ૮
“દુષ્ટો મારી આગળ હોય ત્યાં સુધી હું મારું મુખ લગામથી કબજે રાખીશ.”—ગીત. ૩૯:૧.
પ્રતિબંધ વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે “ચૂપ રહેવાનો વખત” કયો છે. (સભા. ૩:૭) આપણે અમુક માહિતી ખાનગી રાખવી જોઈએ. જેમ કે, આપણાં ભાઈ-બહેનોનાં નામ શું છે; આપણે ક્યાં મળીએ છીએ; આપણે પ્રચારકાર્ય કેવી રીતે કરીએ છીએ; આપણને સાહિત્ય કેવી રીતે મળે છે. સરકારી અધિકારીઓને કે મિત્રોને એવી માહિતી આપવી ન જોઈએ. આપણા દેશમાં કે બીજા દેશમાં રહેતા હોય, એવાં સગાંઓને પણ માહિતી ન આપવી જોઈએ. જો એ ફાંદા વિશે ધ્યાન નહિ રાખીએ, તો આપણાં ભાઈ-બહેનો જોખમમાં આવી પડશે. નાની નાની બાબતોથી આપણામાં ભાગલા ન પડે એનું ધ્યાન રાખો. શેતાન જાણે છે કે જે ઘરમાં ભાગલા પડે, એ ટકી શકતું નથી. (માર્ક ૩:૨૪, ૨૫) આપણી વચ્ચે ભાગલા પાડવા તે ધમપછાડા કરે છે. તે ચાહે છે કે આપણે તેની સામે લડવાને બદલે અંદરોઅંદર લડવા લાગીએ. શેતાનના ફાંદામાં ન ફસાઈએ એનું આપણે દરેકે ધ્યાન રાખવાનું છે. અરે, વર્ષોથી સત્યમાં છે એવા ઈશ્વરભક્તોએ પણ ધ્યાન રાખવું જોઈએ. જો આપણે મતભેદો થાળે પાડીશું, તો આપણી વચ્ચે ભાગલા પડશે નહિ.—કોલો. ૩:૧૩, ૧૪. w૧૯.૦૭ ૧૧-૧૨ ¶૧૪-૧૬
મંગળવાર, માર્ચ ૯
“પ્રભુના દાસે લડવાની જરૂર નથી, પણ તેણે બધાની સાથે નરમાશથી વર્તવું જોઈએ, શીખવવાની આવડત કેળવવી જોઈએ.”—૨ તિમો. ૨:૨૪.
મોટા ભાગે લોકો આપણો સંદેશો સાંભળે છે. આપણે શું કહીએ છીએ એને લીધે નહિ પણ જે રીતે કહીએ છીએ, એને લીધે તેઓ સાંભળે છે. આપણે દયા બતાવીને સમજદારીથી વર્તીએ છીએ અને દિલથી તેઓમાં રસ લઈએ છીએ. એની તેઓ કદર કરે છે. આપણી વાત સાંભળવા લોકોને દબાણ કરતા નથી. એના બદલે આપણે તો ધર્મ વિશે તેઓની વાત સાંભળીએ છીએ, એ સમજવાની કોશિશ કરીએ છીએ. આ બધા સંજોગોને લીધે, આપણે લોકોની લાગણીઓ સમજવાની કોશિશ કરીએ છીએ અને સમજદારીથી વર્તીએ છીએ. એવા સંજોગોમાં આપણે પ્રેરિત પાઊલને પગલે ચાલવું જોઈએ. આપણી વાત કરવાની રીતમાં સુધારો કરવો જોઈએ. યહુદીઓ સાથે પાઊલે શાસ્ત્રમાંથી ચર્ચા કરી હતી. પણ અરિયોપગસના ગ્રીક ફિલોસોફરો સાથે વાત કરતી વખતે તેમણે શાસ્ત્રનો સીધેસીધો ઉપયોગ કર્યો ન હતો. (પ્રે.કા. ૧૭:૨, ૩, ૨૨-૩૧) આપણે કઈ રીતે એવું કરી શકીએ? જો વ્યક્તિને બાઇબલ વિશે અણગમો હોય, તો તમે બાઇબલનો સીધેસીધો ઉપયોગ નહિ કરો. બની શકે કે વ્યક્તિને ચિંતા હોય કે બીજાઓ તેને તમારી સાથે બાઇબલ વાંચતા જોઈને શું કહેશે. તમે એવી રીતે કલમો બતાવી શકો કે જેથી બીજાઓનું ધ્યાન ન ખેંચાય. કદાચ ફોન કે ટેબ્લેટનો ઉપયોગ કરી શકો. w૧૯.૦૭ ૨૧ ¶૫-૬
બુધવાર, માર્ચ ૧૦
“સાવચેત રહો, રખેને તમારું અંતઃકરણ ઠગાઈ જાય, ને તમે ભટકી જઈને બીજાં દેવદેવીઓની સેવા કરો.”—પુન. ૧૧:૧૬.
ઇઝરાયેલીઓ મૂર્તિપૂજા કરે, એ માટે શેતાને ચાલાકી વાપરી. શેતાન જાણતો હતો કે તેઓને ખોરાકની જરૂર છે. એ વાતનો તેણે ફાયદો ઉઠાવ્યો. વચનના દેશમાં આવ્યા પછી ઇઝરાયેલીઓએ ખેતીની રીતમાં ફેરફાર કરવો પડે એમ હતું. ઇજિપ્તમાં હતા ત્યારે તેઓ ખેતી કરવા નાઈલ નદીનું પાણી વાપરતા હતા. વચનના દેશમાં કોઈ મોટી નદી ન હતી, તેથી ખેતી માટે વરસાદ અને ઝાકળ પર આધાર રાખવો પડતો. (પુન. ૧૧:૧૦-૧૫; યશા. ૧૮:૪, ૫) એટલે ખેતી કરવા ઇઝરાયેલીઓએ નવી રીતો શીખવાની હતી. ખેતી વિશે જણાવતી વખતે શા માટે યહોવાએ જૂઠા દેવોથી દૂર રહેવાનું કહ્યું? યહોવા જાણતા હતા કે કદાચ ઇઝરાયેલીઓ ખેતીની નવી રીતો શીખવા બીજી પ્રજાના લોકો પાસે જશે. એ લોકોને ખેતીનો વધારે અનુભવ હતો એટલે ઇઝરાયેલીઓને તેઓ પાસેથી ઘણું શીખવા મળ્યું હોત. પણ એમાં એક જોખમ હતું. કનાનના ખેડૂતો તો બઆલની ભક્તિ કરતા હતા! તેઓ માનતા હતા કે આકાશનો માલિક અને વરસાદ આપનાર તો બઆલ છે. યહોવા ચાહતા હતા કે તેમના લોકો આવી ખોટી માન્યતાઓથી દૂર રહે. પણ ઇઝરાયેલીઓ યહોવાને છોડીને બઆલને ભજવા લાગ્યા. એવું તો તેઓએ ઘણી વાર કર્યું.—ગણ. ૨૫:૩, ૫; ન્યા. ૨:૧૩; ૧ રાજા. ૧૮:૧૮ w૧૯.૦૬ ૩-૪ ¶૪-૬
ગુરુવાર, માર્ચ ૧૧
‘હું પ્રાર્થના કરતો રહું છું કે તમારો પ્રેમ હજુ વધતો ને વધતો જાય.’—ફિલિ. ૧:૯.
ફિલિપી શહેર રોમન સત્તાના કબજામાં હતું. પ્રેરિત પાઊલ, સિલાસ, લુક અને તિમોથી ફિલિપીમાં આવ્યા. તેઓને ખબર પડી કે ઘણા લોકોને ખુશખબર જાણવામાં રસ છે. એ ચાર ભાઈઓએ મંડળ બનાવવા મદદ કરી. બધાં ભાઈ-બહેનો ભેગા મળવાં લાગ્યાં. તેઓ કદાચ લૂદિયાના ઘરે ભેગા મળતાં હતાં. લૂદિયા મહેમાનગતિ બતાવવા માટે જાણીતી હતી. (પ્રે.કા. ૧૬:૪૦) નવા મંડળ પર મુશ્કેલીઓ આવી. શેતાને અમુક લોકોને ઉશ્કેર્યા, એટલે તેઓ વફાદાર ભક્તોના સેવાકાર્યનો વિરોધ કરવા લાગ્યા. પાઊલ અને સિલાસની ધરપકડ થઈ. તેઓને લાકડીથી મારવામાં આવ્યા અને કેદખાનામાં નાખી દેવામાં આવ્યા. કેદમાંથી છૂટ્યા પછી તેઓ નવાં ભાઈ-બહેનો પાસે ગયા અને તેઓને ઉત્તેજન આપ્યું. પાઊલ, સિલાસ અને તિમોથી બીજે ગયા, લુક ત્યાં જ રહ્યા. નવાં ભાઈ-બહેનોએ શું કર્યું? યહોવાની શક્તિથી તેઓ ભક્તિમાં ઉત્સાહથી આગળ વધતાં ગયાં. (ફિલિ. ૨:૧૨) ચોક્કસ, પાઊલને તેઓ પર ગર્વ થતો હશે! w૧૯.૦૮ ૮ ¶૧-૨
શુક્રવાર, માર્ચ ૧૨
“દેણદાર લેણદારનો દાસ છે.”—નીતિ. ૨૨:૭.
શું તમે હમણાં જ બીજી જગ્યાએ રહેવા ગયા છો? નવી જગ્યાએ જવાને લીધે ઘણો ખર્ચો આવી શકે. એટલે કદાચ બીજાઓ પાસેથી ઉધાર લેવું પડી શકે. જે વસ્તુઓની જરૂર ન હોય, એને દેવું કરીને ખરીદશો નહિ. (નીતિ. ૨૨:૩) કદાચ બીમાર સગાની સંભાળ રાખતી વખતે આપણે લાગણીઓના વહેણમાં તણાઈ જઈએ. એવા સમયે કેટલું ઉધાર લેવું, એ વિશે યોગ્ય નિર્ણય લેવો અઘરું હોય છે. એવા સંજોગોમાં યાદ રાખો કે, “પ્રાર્થના અને વિનંતી” તમને યોગ્ય નિર્ણય લેવા મદદ કરશે. યહોવા તમારી પ્રાર્થનાઓનો જવાબ આપશે અને તમને શાંતિ આપશે. એ શાંતિ “તમારા હૃદયો અને મનોનું રક્ષણ કરશે.” તમે મન શાંત રાખીને નિર્ણય લઈ શકશો. (ફિલિ. ૪:૬, ૭; ૧ પીત. ૫:૭) મિત્રો અને સગાઓ સાથે સારો સંબંધ કેળવો. સારા મિત્રોને તમારી લાગણીઓ અને અનુભવ વિશે જણાવો. ખાસ તો એવા મિત્રોને, જેઓએ તમારા જેવી ખુશી અને મુશ્કેલીઓનો અનુભવ કર્યો હોય. એમ કરવાથી તમારું દિલ હળવું થશે. (સભા. ૪:૯, ૧૦) બીજી જગ્યાએ જતા પહેલાં તમે જે મિત્રો બનાવ્યા હતા, તેઓ હજુ તમારા મિત્રો છે. w૧૯.૦૮ ૨૨ ¶૯-૧૦
શનિવાર, માર્ચ ૧૩
“આર્માગેદન કહેવાય છે, ત્યાં તેઓએ રાજાઓને એકઠા કર્યા.”—પ્રકટી. ૧૬:૧૬.
છેલ્લા મોટા યુદ્ધને યહોવાએ શા માટે મગિદ્દો સાથે જોડ્યું છે? મગિદ્દો અને એની નજીકમાં આવેલી યિઝ્રએલની ખીણમાં ઘણાં યુદ્ધ થયાં હતાં. કેટલીક વાર યહોવાએ પોતાના લોકોને લડાઈમાં મદદ કરી હતી. દાખલા તરીકે, ઇઝરાયેલીઓના ન્યાયાધીશ બારાકને કનાની સૈન્યના સેનાપતિ સીસરા સામે ઈશ્વરે જીત અપાવી હતી. “મગિદ્દોના પાણી” પાસે મળેલી એ મોટી જીત માટે બારાકે અને પ્રબોધિકા દબોરાહે યહોવાનો આભાર માન્યો હતો. તેઓએ ગીત ગાયું, ‘આકાશમાંના તારાઓએ સીસરાની સામે યુદ્ધ કર્યું. . . . પણ જેઓ તમારા પર પ્રીતિ રાખે છે, તેઓ ઊગતા સૂર્ય જેવા થાઓ.’ (ન્યા. ૫:૧૯-૨૧, ૩૧) એવી જ રીતે, આર્માગેદનમાં ઈશ્વરના દુશ્મનોનો નાશ થશે અને ઈશ્વરને પ્રેમ કરનારાઓ બચી જશે. પણ, એ યુદ્ધ બારાકે લડેલા યુદ્ધથી અલગ હશે. આર્માગેદનમાં ઈશ્વરના લોકોએ લડવું નહિ પડે. અરે, તેઓ પાસે હથિયાર પણ નહિ હોય! ‘શાંત રહેવાથી’ અને યહોવા તથા તેમના સૈન્ય પર ‘ભરોસો રાખવાથી તેઓને સામર્થ્ય મળશે.’—યશા. ૩૦:૧૫; પ્રકટી. ૧૯:૧૧-૧૫. w૧૯.૦૯ ૯ ¶૪-૫
રવિવાર, માર્ચ ૧૪
“મારી પાસે આવો.”—માથ. ૧૧:૨૮.
ઈસુ ‘પાસે આવવાની’ એક રીત છે કે, તેમનાં કામો અને વાતો વિશે બને એટલું વધારે શીખવાનો પ્રયત્ન કરીએ. (લુક ૧:૧-૪) બીજું કોઈ આપણા વતી એવું કરી શકશે નહિ, એ અહેવાલોનો આપણે પોતે અભ્યાસ કરીએ. બાપ્તિસ્મા લઈને ખ્રિસ્તના શિષ્ય બનવાનો નિર્ણય કરીને પણ આપણે ઈસુની ‘પાસે આવી’ શકીએ છીએ. ઈસુ ‘પાસે આવવાની’ બીજી રીત છે કે, જરૂર હોય ત્યારે મંડળના વડીલોની મદદ લઈએ. પોતાનાં ઘેટાંની સંભાળ લેવા ઈસુએ એ “માણસો ભેટ તરીકે આપ્યા” છે. (એફે. ૪:૭, ૮, ૧૧; યોહા. ૨૧:૧૬; ૧ પીત. ૫:૧-૩) તેઓની મદદ લેવા આપણે પહેલ કરવી જોઈએ. એવું ન વિચારીએ કે વડીલો આપણા દિલની વાત અને આપણી જરૂરિયાતો આપોઆપ જાણી લેશે. એ વિશે જુલિયનભાઈ કહે છે: “મેં વડીલો સાથે વાત કરી અને તેઓએ મારી મુલાકાત લીધી. એ મુલાકાતથી મને એટલો ફાયદો થયો કે, એને હું મારા જીવનની સૌથી મોટી ભેટ ગણું છું.” જુલિયનને બે વડીલોએ મદદ કરી હતી. એવા વફાદાર વડીલો આપણને પણ “ખ્રિસ્ત ઈસુનું મન” જાણવા મદદ કરશે. એટલે કે, આપણને તેમનાં વિચારો અને કાર્યો સમજવા અને એ પ્રમાણે કરવા મદદ કરશે. (૧ કોરીં. ૨:૧૬; ૧ પીત. ૨:૨૧) એ આપણા માટે સૌથી ઉત્તમ ભેટ ગણાશે! w૧૯.૦૯ ૨૧ ¶૪-૫
સોમવાર, માર્ચ ૧૫
“મારાં બીજાં ઘેટાં પણ છે, જે આ વાડાનાં નથી.”—યોહા. ૧૦:૧૬.
બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તો વિશે લખવામાં આવ્યું છે, જેઓ પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલતા હતા. ૧,૪૪,૦૦૦ અભિષિક્તોમાં તેઓનો સમાવેશ થતો નથી. એમાંના એક યોહાન બાપ્તિસ્મા આપનાર છે. (માથ. ૧૧:૧૧) બીજા એક ઈશ્વરભક્ત દાઊદ છે. (પ્રે.કા. ૨:૩૪) તેઓ અને તેઓના જેવા અસંખ્ય લોકોને સુંદર પૃથ્વી પર સજીવન કરવામાં આવશે. સજીવન થયેલા લોકો અને મોટા ટોળાના લોકો પાસે આ અનેરી તક હશે: યહોવા અને તેમના રાજ પ્રત્યે વફાદારી બતાવવાની. ઈશ્વરે બધા દેશોમાંથી લાખો લોકોને પોતાની ભક્તિ કરવા ભેગા કર્યા છે. એવું તો પહેલાં ક્યારેય થયું નથી! આપણી આશા સ્વર્ગની હોય કે પૃથ્વીની, આપણે વધારે ને વધારે લોકોને ‘બીજાં ઘેટાંના’ મોટા ટોળાનો ભાગ બનવા મદદ કરવી જોઈએ. બહુ જલદી જ યહોવા મહાન વિપત્તિ લાવશે, જેના વિશે તેમણે અગાઉથી જણાવ્યું હતું. બધી સરકારો અને ધર્મોનો તે નાશ કરશે, તેઓએ મનુષ્યોને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. મોટા ટોળાના બધા લોકો પાસે સોનેરી તક રહેલી છે. તેઓ યુગોના યુગો સુધી પૃથ્વી પર યહોવાની ભક્તિ કરી શકશે!—પ્રકટી. ૭:૧૪. w૧૯.૦૯ ૩૧ ¶૧૮-૧૯
મંગળવાર, માર્ચ ૧૬
“જે સારું છે એની મશ્કરી કરનારા લોકો છેલ્લા દિવસોમાં ઊભા થશે.”—૨ પીત. ૩:૩.
શેતાનની દુનિયાનો અંત હાથવેંતમાં છે. એવા સમયે ઈશ્વર અને તેમના રાજ્ય માટેની આપણી વફાદારીની વધારે કસોટી થશે. લોકો આપણી મજાક ઉડાવશે. કારણ કે આપણે શેતાનની દુનિયાને ટેકો આપતા નથી. આપણી વફાદારી હમણાં મજબૂત કરવી જોઈએ, જેથી મહાન વિપત્તિ દરમિયાન આપણે વફાદાર રહી શકીએ. મહાન વિપત્તિ દરમિયાન આગેવાની લેનાર ભાઈઓ બદલાશે. એક સમયે પૃથ્વી પરના બધા અભિષિક્તોને સ્વર્ગમાં લઈ લેવામાં આવશે, જેથી તેઓ આર્માગેદનના યુદ્ધમાં ભાગ લઈ શકે. (માથ. ૨૪:૩૧; પ્રકટી. ૨:૨૬, ૨૭) એટલે પૃથ્વી પર નિયામક જૂથ નહિ હોય. છતાં, મોટું ટોળું વ્યવસ્થામાં કામ કરશે. બીજા ઘેટાંમાંથી લાયકાત ધરાવનારા અમુક ભાઈઓ આગેવાની લેશે. એ ભાઈઓને આપણે સાથ-સહકાર આપીશું. ઈશ્વર તેઓને માર્ગદર્શન આપશે, એટલે તેઓ જે કંઈ કહે એ પ્રમાણે આપણે કરીશું. એમ કરીને બતાવીશું કે આપણે યહોવાને વફાદાર છીએ. w૧૯.૧૦ ૧૭ ¶૧૩-૧૪
બુધવાર, માર્ચ ૧૭
“જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની; . . . જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ.”—રૂથ ૧:૧૬, ૧૭.
નાઓમી એક વફાદાર સ્ત્રી હતી અને યહોવાને પ્રેમ કરતી હતી. તેના પતિ અને બે દીકરા ગુજરી ગયા હતા. એટલે તે ચાહતી હતી કે તેનું નામ બદલીને “મારા” રાખવામાં આવે, જેનો અર્થ થાય “કડવી.” (રૂથ ૧:૩, ૫, ૨૦, ૨૧) તેના દીકરાની વહુ રૂથ બધી કસોટીઓમાં તેની પડખે રહી હતી. રૂથ તેની કાળજી રાખતી હતી. એટલું જ નહિ, નાઓમીને દિલાસો મળે એવી વાતો કરતી હતી. રૂથે જે શબ્દો કહ્યા ભલે એ સાદા હતા, પણ એમાં નાઓમી માટે પ્રેમ છલકાતો હતો. અરે, તેણે તો એટલે સુધી જણાવ્યું કે તે ક્યારેય નાઓમીનો સાથ છોડશે નહિ. મંડળની કોઈ વ્યક્તિ પોતાના લગ્નસાથીને મરણમાં ગુમાવે ત્યારે, તેને આપણા સહારાની જરૂર પડે છે. એ સમજવા આ દાખલાનો વિચાર કરો. બે ઝાડ છે, જે એકબીજાની બાજુમાં છે. વર્ષો વીતે તેમ એ બંને ઝાડના મૂળ એકબીજા સાથે વીંટળાઈ જાય છે. એક ઝાડ મૂળમાંથી ઊખડી જાય અને સુકાઈ જાય તો, બીજા ઝાડ પર એની ઊંડી અસર થાય છે. એવી જ રીતે, જીવનસાથી મોતની ઊંઘમાં સરી જાય ત્યારે, તેમના સાથીના દિલ પર એની અસર પડે છે. એ ઊંડા ઘા વર્ષો સુધી રૂઝાતા નથી! w૧૯.૦૬ ૨૩ ¶૧૨-૧૩
ગુરુવાર, માર્ચ ૧૮
“દરેક જણ પોતાની ઇચ્છાથી લલચાઈને કસોટીમાં ફસાય છે.”—યાકૂ. ૧:૧૪.
આપણે કેવું મનોરંજન પસંદ કરીએ છીએ, એનું ધ્યાન રાખવું જોઈએ. એટલું જ નહિ, એમાં કેટલો સમય કાઢીએ છીએ એનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો એમ નહિ કરીએ, તો આપણે યહોવાની ભક્તિ કરતાં વધારે સમય મનોરંજન પાછળ કાઢવા લાગીશું. મનોરંજન પાછળ અઠવાડિયામાં કેટલો સમય કાઢો છો એની નોંધ રાખો. ટીવી જોવામાં, ઇન્ટરનેટમાં અને મોબાઇલ પર ગેમ રમવામાં તમારા કેટલા કલાકો જાય છે, એ કેલેન્ડરમાં લખી લો. જો તમને લાગે કે એમાં વધારે પડતો સમય જતો રહે છે, તો સમયપત્રક બનાવો. પહેલા મહત્ત્વની બાબતો માટે સમય કાઢો અને પછી મનોરંજન કરો. પછી, તમે જે નક્કી કર્યું છે, એ પ્રમાણે કરી શકો માટે યહોવા પાસે મદદ માંગો. આમ, તમારી પાસે આવી બાબતો માટે પૂરતાં સમય-શક્તિ હશે: બાઇબલનો અભ્યાસ, કુટુંબ તરીકેની ભક્તિ, મંડળની સભાઓ અને પ્રચારકાર્ય. તમે યહોવાની ભક્તિને પ્રથમ રાખશો તો, મનોરંજન કરતી વખતે તમારું દિલ ડંખશે નહિ. w૧૯.૧૦ ૩૦ ¶૧૪, ૧૬; ૩૧ ¶૧૭
શુક્રવાર, માર્ચ ૧૯
“સારું કરવાની મને ઇચ્છા તો છે, પણ હું એમ કરી શકતો નથી.”—રોમ. ૭:૧૮.
આશરે સાલ ૫૫માં કોરીંથનાં ભાઈ-બહેનોએ એક મહત્ત્વનો નિર્ણય લીધો. યરૂશાલેમ અને યહુદિયાનાં ભાઈ-બહેનો ઘણી તકલીફો અને ગરીબીનો સામનો કરી રહ્યાં છે. એટલે તેઓએ યરૂશાલેમ અને યહુદિયાનાં ભાઈ-બહેનોને મદદ કરવાનું નક્કી કર્યું. (૧ કોરીં. ૧૬:૧; ૨ કોરીં. ૮:૬) અમુક મહિના પછી પ્રેરિત પાઊલને ખબર પડી કે કોરીંથીઓએ હજુ દાન આપ્યું નથી. યરૂશાલેમ મોકલવા બીજાં મંડળોનાં દાન તૈયાર હતાં. જ્યારે કે કોરીંથીઓનાં દાન તૈયાર ન હતાં. (૨ કોરીં. ૯:૪, ૫) કોરીંથનાં ભાઈ-બહેનોએ સારો નિર્ણય લીધો હતો. તેઓએ અડગ શ્રદ્ધા બતાવી અને તેઓ ઉદારતાથી દાન આપવા માંગતા હતા, એટલે પાઊલે તેઓના વખાણ કર્યા. પણ તેઓએ જે કામ શરૂ કર્યું, એ પૂરું કરવા પાઊલે તેઓને ઉત્તેજન આપવાની જરૂર પડી. (૨ કોરીં. ૮:૭, ૧૦, ૧૧) એ દાખલામાંથી શીખવા મળે છે કે નિર્ણય પ્રમાણે પગલાં ભરવાં વફાદાર ઈશ્વરભક્તો માટે પણ અઘરું હોય શકે. આપણે માટીના માણસ છીએ, એટલે લીધેલા નિર્ણયો પ્રમાણે કરવામાં ઢીલા પડીએ. કે પછી અચાનક એવું કંઈક થાય, જેના લીધે નિર્ણયો પ્રમાણે કરવું અઘરું થઈ જાય.—સભા. ૯:૧૧. w૧૯.૧૧ ૨૬-૨૭ ¶૩-૫
શનિવાર, માર્ચ ૨૦
“શ્રદ્ધાની મોટી ઢાલ હંમેશાં સાથે રાખો.”—એફે. ૬:૧૬.
મોટી ઢાલથી શરીરનાં ઘણાં અંગોનું રક્ષણ થાય છે. એવી જ રીતે, શ્રદ્ધાથી આ દુનિયાની ખરાબ બાબતોથી આપણું રક્ષણ થાય છે. જેમ કે, વ્યભિચાર જેવાં ગંદાં કામો, હિંસા અને યહોવાનાં ધોરણોની વિરુદ્ધ હોય, એવી દરેક બાબતોથી આપણું રક્ષણ થાય છે. ઈશ્વરભક્તો તરીકે આપણી લડાઈ દુષ્ટ દૂતો સામે છે. (એફે. ૬:૧૦-૧૨) કસોટીઓમાં શ્રદ્ધા મજબૂત રાખવા તમે હમણાં શું કરી શકો? સૌથી પહેલા મદદ માટે પ્રાર્થના કરો. પછી પોતાને યહોવાની નજરે જોવા બાઇબલનો ઉપયોગ કરો. (હિબ્રૂ. ૪:૧૨) બાઇબલ જણાવે છે: “તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.” (નીતિ. ૩:૫, ૬) હાલમાં તમે જે નિર્ણયો લીધા હોય એના વિશે વિચાર કરો. જેમ કે, શું તમને પૈસાની તંગી પડી છે? એ સમયે શું તમને હિબ્રૂઓ ૧૩:૫ના શબ્દો યાદ આવ્યા હતા? એમાં યહોવાએ આપણને વચન આપ્યું છે, “હું તને કદી છોડીશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.” શું એ વચનથી તમને ખાતરી થઈ હતી કે યહોવા ચોક્કસ તમને મદદ કરશે? એમ હોય તો એ બતાવે છે કે તમારી શ્રદ્ધાની ઢાલ સારી હાલતમાં છે. w૧૯.૧૧ ૧૪ ¶૧, ૪
રવિવાર, માર્ચ ૨૧
“છોકરાં તો યહોવાનું આપેલું ધન છે.”—ગીત. ૧૨૭:૩.
બાળકોનાં ઉછેર માટે માબાપે પૂરતાં સમય-શક્તિ આપવાં જોઈએ. જો યુગલને થોડા જ સમયમાં ઘણાં બાળકો થયાં હશે, તો દરેક બાળક પર ધ્યાન આપવું અઘરું થઈ જશે. ઘણાં બાળકો હોય એવાં યુગલો જવાબદારીના બોજ તળે એટલા દબાઈ જાય છે કે બીજું કંઈ સૂઝતું નથી. માતા તન-મનથી થાકી જાય છે. નિયમિત બાઇબલ અભ્યાસ, પ્રાર્થના અને પ્રચાર કરવાની તેની પાસે તાકાત રહેતી નથી. એટલે સભાઓમાં ધ્યાન આપવું અને એમાંથી ફાયદો મેળવવો તેના માટે અઘરું થઈ જાય છે. ઘર હોય કે સભા, બાળકોની કાળજી લેવામાં એક પ્રેમાળ પતિ પોતાની પત્નીને પૂરો સાથ-સહકાર આપશે. દાખલા તરીકે, તે પોતાની પત્નીને ઘરનાં કામકાજમાં મદદ કરી શકે. ઘરના દરેક સભ્યને કુટુંબ તરીકેની ભક્તિમાંથી લાભ થાય માટે પતિ મહેનત કરશે. કુટુંબ સાથે તે નિયમિત પ્રચારમાં જશે. w૧૯.૧૨ ૨૪ ¶૮
સોમવાર, માર્ચ ૨૨
“તે પચાસમું વર્ષ તમારે માટે રણશિંગડાનું થાય.”—લેવી. ૨૫:૧૧.
જુબિલીના વર્ષથી ઇઝરાયેલીઓને કેવો ફાયદો થતો હતો? દાખલા તરીકે, જો ઇઝરાયેલી વ્યક્તિના માથે દેવું વધી જાય, તો તેણે એ દેવું ચૂકવવા પોતાની જમીન વેચવી પડતી. પચાસમા વર્ષે તેને એ જમીન પાછી મળી જતી. એટલે એ વ્યક્તિ ‘પોતાના વતનમાં પાછી’ આવતી. તેના વંશજોએ વારસો ગુમાવવો પડતો નહિ. બીજો એક દાખલો જોઈએ. જો કોઈ વ્યક્તિ દેવામાં ડૂબી ગઈ હોય, તો એ ચૂકવવા તેણે ગુલામ તરીકે વેચાઈ જવું પડતું અથવા પોતાના એકાદ બાળકને ગુલામ તરીકે વેચી દેવું પડતું. જુબિલીના વર્ષે તેઓ ‘પોતપોતાનાં કુટુંબમાં પાછા આવતા.’ (લેવી. ૨૫:૧૦) એટલે કોઈ પણ વ્યક્તિએ આખી જિંદગી ગુલામ રહેવું પડતું નહિ. સાચે જ, યહોવા પોતાના લોકોનું કેટલું ધ્યાન રાખે છે! ‘તારી મધ્યે કોઈ ગરીબ નહિ હોય. કેમ કે યહોવા તારા ઈશ્વર તને જે દેશના વતનનો વારસો આપે છે, એમાં યહોવા તને ચોક્કસ આશીર્વાદ આપશે.’ (પુન. ૧૫:૪) આજના સમય કરતાં કેટલો મોટો ફરક! આજે ધનવાન લોકો વધારે ધનવાન અને ગરીબ લોકો વધારે ગરીબ થતા જાય છે. w૧૯.૧૨ ૮-૯ ¶૩-૪
મંગળવાર, માર્ચ ૨૩
“મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ.”—નીતિ. ૨૭:૧૧.
અઘરા સંજોગો આવ્યા ત્યારે, ઈસુએ “મોટેથી પોકારીને આજીજીઓ કરી અને આંસુ વહેવડાવીને વિનંતીઓ કરી.” (હિબ્રૂ. ૫:૭) દિલથી કરેલી તેમની પ્રાર્થનાથી જોવા મળ્યું કે તે યહોવાને વફાદાર હતા. તેમ જ, યહોવાની આજ્ઞા પાળવાની તેમની ઇચ્છા વધુ મજબૂત થઈ. યહોવા માટે ઈસુની પ્રાર્થના જાણે ખુશબોદાર ધૂપ જેવી હતી. આખી જિંદગી ઈસુ એ રીતે જીવ્યા, જેનાથી યહોવાને ખુશી મળે. તેમણે યહોવાના રાજ કરવાના હકને મહિમા આપ્યો. યહોવાની આજ્ઞા પાળવા અને તેમને વફાદાર રહેવા આપણે બનતું બધું કરવું જોઈએ. એમ કરીને આપણે ઈસુને પગલે ચાલીએ છીએ. કસોટી આવે ત્યારે આપણે દિલથી યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગીએ છીએ. કારણ કે આપણે તેમને ખુશ કરવા ચાહીએ છીએ. આપણે જાણીએ છીએ કે યહોવાને પસંદ નથી એવાં વાણી-વર્તન રાખીશું તો, તે ક્યારેય આપણી પ્રાર્થના સાંભળશે નહિ. યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલીશું તો કેવો ફાયદો થશે? આપણે ખાતરી રાખી શકીએ કે દિલથી કરેલી આપણી પ્રાર્થનાને યહોવા ખુશબોદાર ધૂપ જેવી ગણશે. આપણને ભરોસો છે કે આપણે વફાદાર રહીશું અને નેકીના માર્ગમાં ચાલીશું તો પિતા યહોવા ખુશ થશે. w૧૯.૧૧ ૨૧-૨૨ ¶૭-૮
સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૯) લુક ૧૯:૨૯-૪૪
બુધવાર, માર્ચ ૨૪
“વિશ્વાસુ અને સમજુ ચાકર કોણ છે.”—માથ. ૨૪:૪૫.
૧૯૧૯માં ઈસુએ અભિષિક્તોના એક નાના સમૂહને “વિશ્વાસુ અને સમજુ ચાકર” તરીકેની જવાબદારી આપી હતી. એ ચાકર ખુશખબર ફેલાવવાના કામ પર દેખરેખ રાખે છે અને ખ્રિસ્તના શિષ્યોને “યોગ્ય સમયે ખોરાક” પૂરો પાડે છે. વિશ્વાસુ ચાકરનું કામ બંધ કરાવવા શેતાન અને તેની દુનિયાએ ઘણા ધમપછાડા કર્યા છે. જો એ ચાકર પર યહોવાનો હાથ ન હોત, તો એ કામ થયું ન હોત. દુનિયામાં બે મોટા યુદ્ધ થયા અને મંદી આવી. ઈશ્વરભક્તોએ આકરી સતાવણીઓ અને અન્યાય સહેવાં પડ્યાં. તેમ છતાં, વિશ્વાસુ અને સમજુ ચાકરે ઈશ્વરભક્તોને યહોવાનું માર્ગદર્શન આપવાનું બંધ કર્યું નથી. આજે ૯૦૦ કરતાં વધુ ભાષામાં ભક્તિને લગતું સાહિત્ય મફત બહાર પાડવામાં આવે છે. એ સાફ પુરાવો આપે છે કે એની પાછળ ઈશ્વરનો હાથ છે. ખુશખબર ફેલાવવાના કામ પર ઈશ્વરનો આશીર્વાદ જોવા મળે છે. “આખી દુનિયામાં” એ ખુશખબર ફેલાવવામાં આવી રહી છે.—માથ. ૨૪:૧૪. w૧૯.૧૧ ૨૪ ¶૧૫-૧૬
સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૦) લુક ૧૯:૪૫-૪૮; માથ્થી ૨૧:૧૮, ૧૯; ૨૧:૧૨, ૧૩
ગુરુવાર, માર્ચ ૨૫
“[ઈસુ] ઈશ્વરનો ડર રાખતા હોવાથી તેમની પ્રાર્થનાઓ સાંભળવામાં આવી.”—હિબ્રૂ. ૫:૭.
પ્રાયશ્ચિતના દિવસે પ્રમુખ યાજક અર્પણ ચઢાવતા પહેલાં ધૂપ બાળતા હતા. એમ કરીને તે ખાતરી કરતા કે અર્પણ ચઢાવતી વખતે તેમના પર યહોવાની કૃપા છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, માણસોના ઉદ્ધાર માટે તે પોતાના જીવનનું બલિદાન આપવાના હતા. એનાથી પણ મહત્ત્વનું બીજું કંઈક હતું. યહોવા તેમનું બલિદાન સ્વીકારે એ માટે તેમણે પૃથ્વી પરના જીવન દરમિયાન યહોવાની આજ્ઞા વફાદારીથી પાળવાની હતી. એમ કરીને ઈસુએ બતાવવાનું હતું કે યહોવાના માર્ગે ચાલવું, એ જ જીવવાની સાચી રીત છે. ઈસુએ સાબિત કરવાનું હતું કે ફક્ત યહોવાને જ રાજ કરવાનો હક છે અને રાજ કરવાની તેમની જ રીત યોગ્ય છે. પૃથ્વી પરના જીવન દરમિયાન ઈસુ પૂરી રીતે યહોવાનાં નેક ધોરણો પ્રમાણે ચાલ્યા. તેમણે અનેક લાલચો અને તકલીફોનો સામનો કર્યો. તોપણ તેમણે મનમાં એક વાત નક્કી કરી હતી. તે સાબિત કરવા માંગતા હતા કે, યહોવાની રાજ કરવાની રીત સૌથી ઉત્તમ છે.—ફિલિ. ૨:૮. w૧૯.૧૧ ૨૧ ¶૬-૭
સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૧) લુક ૨૦:૧-૪૭
શુક્રવાર, માર્ચ ૨૬
“મારી કસોટીઓમાં જેઓ મને વળગી રહ્યા, એ તો તમે છો.”—લુક ૨૨:૨૮.
ઈસુના સેવાકાર્ય દરમિયાન પ્રેરિતોએ બતાવી આપ્યું કે તેઓ ઈસુના સાચા મિત્રો છે. (નીતિ. ૧૮:૨૪) ઈસુ એવા મિત્રોની કદર કરતા હતા. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમના ભાઈઓમાંથી કોઈએ પણ તેમના પર શ્રદ્ધા મૂકી ન હતી. (યોહા. ૭:૩-૫) અરે, તેમનાં સગાઓ પણ એવું માનતાં કે તેમનું મગજ ફરી ગયું છે. (માર્ક ૩:૨૧) પોતાના મરણની આગલી રાતે ઈસુએ પ્રેરિતોને આજની કલમના શબ્દો કહ્યા હશે. શિષ્યોનાં વાણી-વર્તનથી ઈસુ અમુક વાર નારાજ થયા હતા. તેઓની ભૂલોને બદલે તેઓએ બતાવેલી શ્રદ્ધા પર ઈસુએ ધ્યાન આપ્યું હતું. (માથ. ૨૬:૪૦; માર્ક ૧૦:૧૩, ૧૪; યોહા. ૬:૬૬-૬૯) મરણની આગલી રાતે ઈસુએ એ વફાદાર ભાઈઓને કહ્યું: “હું તમને મારા મિત્રો કહું છું, કારણ કે મેં મારા પિતા પાસેથી જે સાંભળ્યું છે એ બધું જ તમને જણાવ્યું છે.” (યોહા. ૧૫:૧૫) ઈસુના મિત્રોએ ચોક્કસ તેમને ઘણું ઉત્તેજન આપ્યું હતું. w૧૯.૦૪ ૧૧ ¶૧૧-૧૨
સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૨) લુક ૨૨:૧-૬; માર્ક ૧૪:૧, ૨, ૧૦, ૧૧
આજે સ્મરણપ્રસંગ
સૂર્ય આથમ્યા પછી છે
શનિવાર, માર્ચ ૨૭
“પવિત્ર શક્તિ પોતે આપણા હૃદયોમાં સાક્ષી પૂરે છે કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ.”—રોમ. ૮:૧૬.
વ્યક્તિને કઈ રીતે ખબર પડે કે તેને સ્વર્ગના જીવનનું આમંત્રણ મળ્યું છે? એનો જવાબ પ્રેરિત પાઊલે રોમનોને કહેલા શબ્દોમાં જોવા મળે છે. એ રોમનોને “પવિત્ર લોક થવા માટે બોલાવવામાં આવ્યા” હતા, આજની કલમના શબ્દો ઉપરાંત પાઊલે કહ્યું હતું: “પવિત્ર શક્તિ તમને ગુલામ બનાવતી નથી કે તમારામાં ડર પેદા કરતી નથી. એ શક્તિ તો આપણને ઈશ્વરના દત્તક દીકરાઓ બનાવે છે. ઈશ્વરની શક્તિને લીધે આપણે પોકારી ઊઠીએ છીએ: ‘અબ્બા, પિતા!’” (રોમ. ૧:૭; ૮:૧૫) ઈશ્વર પોતાની પવિત્ર શક્તિથી અભિષિક્તોને સાફ બતાવે છે કે તેઓને સ્વર્ગના જીવનનું આમંત્રણ છે. (૧ થેસ્સા. ૨:૧૨) જેઓને સ્વર્ગના જીવનનું આમંત્રણ મળે છે, તેઓનાં મન અને દિલમાં કોઈ શંકા ન રહે એનું યહોવા ખાસ ધ્યાન રાખે છે. (૧ યોહા. ૨:૨૦, ૨૭) તેઓ અભિષિક્તો છે એવી સાબિતી તેઓએ બીજાઓ પાસેથી લેવાની જરૂર નથી. w૨૦.૦૧ ૨૨ ¶૭-૮
સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૩) લુક ૨૨:૭-૧૩; માર્ક ૧૪:૧૨-૧૬ (સૂર્યાસ્ત પછીના બનાવો: નીસાન ૧૪) લુક ૨૨:૧૪-૬૫
રવિવાર, માર્ચ ૨૮
“મિત્રો માટે પોતાનો જીવ આપી દેવા કરતાં મોટો પ્રેમ કોઈ નથી.”—યોહા. ૧૫:૧૩.
ખ્રિસ્તનો નિયમ સૌથી મજબૂત પાયા પર રચાયેલો છે, એ છે પ્રેમ. (ગલા. ૬:૨) ઈસુના દરેક કામમાં પ્રેમ છલકાતો હતો. પ્રેમ બતાવવામાં દયા અને કરુણા પણ આવી જાય છે. દયાથી પ્રેરાઈને ઈસુએ ટોળાને શીખવ્યું, બીમારોને સાજા કર્યા, ભૂખ્યાને જમાડ્યા અને મરણ પામેલાઓને જીવતા કર્યા. (માથ. ૧૪:૧૪; ૧૫:૩૨-૩૮; માર્ક ૬:૩૪; લુક ૭:૧૧-૧૫) ઈસુએ હંમેશાં પોતાનો નહિ, બીજાઓનો વિચાર કર્યો. છેવટે બીજાઓ માટે પોતાનો જીવ પણ આપી દીધો. કેવો મહાન પ્રેમ! ઈસુની જેમ આપણે પણ પહેલા બીજાઓનો વિચાર કરવો જોઈએ. આપણા વિસ્તારમાં રહેતા લોકો માટે આપણે પણ કરુણા બતાવવી જોઈએ. એનાથી આપણને ખુશખબર જણાવવાની અને શીખવવાની પ્રેરણા મળશે. એમ કરીને આપણે ખ્રિસ્તનો નિયમ પાળી શકીશું. w૧૯.૦૫ ૪ ¶૮-૧૦
સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૪) લુક ૨૨:૬૬-૭૧
સોમવાર, માર્ચ ૨૯
“કેદીઓને મુક્તિના સમાચાર આપવા, આંધળાઓને દૃષ્ટિ આપવા અને કચડાયેલાઓને છોડાવવા તેમણે [યહોવાએ] મને મોકલ્યો છે.”—લુક ૪:૧૮.
ધર્મગુરુઓના ખોટા શિક્ષણથી આઝાદ થવા લોકોને ઈસુએ મદદ કરી. એ સમયે ખોટાં રીત-રિવાજો અને માન્યતાઓ પાળવા ઘણા યહુદીઓને દબાણ કરવામાં આવતું. (માથ. ૫:૩૧-૩૭; ૧૫:૧-૧૧) જે લોકો ઈશ્વરની ભક્તિમાં બીજાઓને મદદ કરવાનો દાવો કરતા હતા, તેઓ પોતે જ યોગ્ય રીતે ભક્તિ કરતા ન હતા. એટલે કે, ઈશ્વરભક્તિમાં આંધળા હતા. તેઓએ મસીહ અને તેમના શિક્ષણનો સ્વીકાર કર્યો નહિ. તેઓ ઈશ્વરને ઓળખતા ન હતા. એટલે તેઓનાં પાપ માફ થયાં ન હતાં. (યોહા. ૯:૧, ૧૪-૧૬, ૩૫-૪૧) ઈસુએ સત્ય શીખવ્યું અને સારો દાખલો બેસાડ્યો. તેમણે નમ્ર દિલના લોકોને બતાવ્યું કે કઈ રીતે ખોટા શિક્ષણથી આઝાદ થઈ શકાય. (માર્ક ૧:૨૨; ૨:૨૩–૩:૫) ઈસુએ માણસજાતને પાપની ગુલામીમાંથી આઝાદી અપાવી. જે કોઈ ઈસુના બલિદાનમાં શ્રદ્ધા મૂકે અને પોતાનાં કાર્યોમાં એ બતાવી આપે, તેનાં પાપ ઈશ્વર માફ કરે છે.—હિબ્રૂ. ૧૦:૧૨-૧૮. w૧૯.૧૨ ૧૦ ¶૮, ૧૦; ૧૧ ¶૧૧
સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૫) માથ્થી ૨૭:૬૨-૬૬
મંગળવાર, માર્ચ ૩૦
“વચન પ્રમાણેની પવિત્ર શક્તિથી તેમના દ્વારા તમને મહોર મારવામાં આવી; એ પવિત્ર શક્તિ આપણા વારસા માટે અગાઉથી મળેલું બાનું છે.”—એફે. ૧:૧૩, ૧૪.
યહોવા પવિત્ર શક્તિથી બધા અભિષિક્ત ઈશ્વરભક્તોને સાફ બતાવે છે કે તેઓને પસંદ કરવામાં આવ્યા છે. આમ, પવિત્ર શક્તિ “અગાઉથી મળેલું બાનું [ખાતરી અથવા વચન] છે,” જેનાથી તેઓને સાબિતી મળે છે કે ભાવિમાં તેઓ પૃથ્વી પર નહિ પણ સ્વર્ગમાં હંમેશ માટે જીવશે. (૨ કોરીં. ૧:૨૧, ૨૨) એક ઈશ્વરભક્ત અભિષિક્ત થાય તો શું એનો અર્થ એવો કે તેને ચોક્કસ સ્વર્ગનું ઇનામ મળશે જ? ના, એવું નથી. તેને ખાતરી છે કે સ્વર્ગમાં જવા તેને પસંદ કરવામાં આવ્યો છે. પણ તેણે આ સલાહ યાદ રાખવી જોઈએ: “ભાઈઓ, ઈશ્વરે બોલાવેલા અને પસંદ કરેલા લોકો તરીકે વફાદાર રહેવા તમે બનતો બધો પ્રયત્ન કરો. જો તમે આ બધું કરતા રહેશો, તો ક્યારેય ઠોકર ખાઈને પડશો નહિ.” (૨ પીત. ૧:૧૦) ભલે એક ઈશ્વરભક્તને સ્વર્ગમાં જવાનું આમંત્રણ હોય. પણ જો તે વફાદાર રહેશે તો જ તેને એ ઇનામ મળશે.—ફિલિ. ૩:૧૨-૧૪; હિબ્રૂ. ૩:૧; પ્રકટી. ૨:૧૦. w૨૦.૦૧ ૨૧-૨૨ ¶૫-૬
સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૬) લુક ૨૪:૧-૧૨
બુધવાર, માર્ચ ૩૧
“વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.”—નીતિ. ૧૨:૧૮.
અયૂબના ત્રણ મિત્રો તેમની સાથે દયાથી વર્ત્યા નહિ. એનું એક કારણ છે, તેઓએ અયૂબના સંજોગો સમજવાની કોશિશ કરી ન હતી. તેઓના વિચારો યોગ્ય ન હતા એટલે તેઓ અયૂબ સાથે ખરાબ રીતે વર્ત્યા. આપણે શા માટે એવી ભૂલ ન કરવી જોઈએ? વ્યક્તિના સંજોગો વિશે યહોવા જેટલું બીજું કોઈ જાણતું નથી. એ વ્યક્તિનું ધ્યાનથી સાંભળો. ફક્ત સાંભળશો જ નહિ, તેનું દુઃખ અનુભવો. એમ કરશો ત્યારે ભાઈ-બહેનો માટેનો સાચો પ્રેમ દેખાઈ આવશે. બીજાઓ મુશ્કેલીઓનો સામનો કરતા હોય ત્યારે આપણે દયા બતાવવી જોઈએ. તેઓ વિશે ખોટી અફવાઓ ફેલાવવી ન જોઈએ. નિંદાખોર માણસ મંડળની એકતામાં વધારો કરતો નથી, પણ મંડળમાં ભાગલા પાડે છે. (નીતિ. ૨૦:૧૯; રોમ. ૧૪:૧૯) તેના શબ્દોથી તો દુઃખી માણસના દુઃખમાં વધારો થાય છે! (એફે. ૪:૩૧, ૩૨) આપણે બીજાઓના સારા ગુણો તરફ ધ્યાન આપવું જોઈએ. તકલીફો સહેવા તેઓને કઈ રીતે મદદ કરી શકીએ, એનો વિચાર કરવો જોઈએ. w૧૯.૦૬ ૨૧-૨૨ ¶૮-૯