વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es21 પાન ૭-૨૦
  • જાન્યુઆરી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૧
  • મથાળાં
  • શુક્રવાર, જાન્યુઆરી ૧
  • શનિવાર, જાન્યુઆરી ૨
  • રવિવાર, જાન્યુઆરી ૩
  • સોમવાર, જાન્યુઆરી ૪
  • મંગળવાર, જાન્યુઆરી ૫
  • બુધવાર, જાન્યુઆરી ૬
  • ગુરુવાર, જાન્યુઆરી ૭
  • શુક્રવાર, જાન્યુઆરી ૮
  • શનિવાર, જાન્યુઆરી ૯
  • રવિવાર, જાન્યુઆરી ૧૦
  • સોમવાર, જાન્યુઆરી ૧૧
  • મંગળવાર, જાન્યુઆરી ૧૨
  • બુધવાર, જાન્યુઆરી ૧૩
  • ગુરુવાર, જાન્યુઆરી ૧૪
  • શુક્રવાર, જાન્યુઆરી ૧૫
  • શનિવાર, જાન્યુઆરી ૧૬
  • રવિવાર, જાન્યુઆરી ૧૭
  • સોમવાર, જાન્યુઆરી ૧૮
  • મંગળવાર, જાન્યુઆરી ૧૯
  • બુધવાર, જાન્યુઆરી ૨૦
  • ગુરુવાર, જાન્યુઆરી ૨૧
  • શુક્રવાર, જાન્યુઆરી ૨૨
  • શનિવાર, જાન્યુઆરી ૨૩
  • રવિવાર, જાન્યુઆરી ૨૪
  • સોમવાર, જાન્યુઆરી ૨૫
  • મંગળવાર, જાન્યુઆરી ૨૬
  • બુધવાર, જાન્યુઆરી ૨૭
  • ગુરુવાર, જાન્યુઆરી ૨૮
  • શુક્રવાર, જાન્યુઆરી ૨૯
  • શનિવાર, જાન્યુઆરી ૩૦
  • રવિવાર, જાન્યુઆરી ૩૧
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૧
es21 પાન ૭-૨૦

જાન્યુઆરી

શુક્રવાર, જાન્યુઆરી ૧

“જાઓ, સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો.”—માથ. ૨૮:૧૯.

બધા ઈશ્વરભક્તો ચાહે છે કે ઈશ્વરની સેવામાં મળેલું કામ “દરેક રીતે પૂરું” કરવાનું શીખે. (૨ તિમો. ૪:૫) બીજાં બધાં કામો કરતાં જીવનમાં આ કામ સૌથી મહત્ત્વનું અને જરૂરી છે. પણ મુશ્કેલી એ છે કે ઈશ્વરની સેવામાં આપણે ચાહીએ એટલો સમય આપી શકતા નથી. અમુક મહત્ત્વના કામ એવાં હોય છે, જેમાં આપણાં સમય-શક્તિ વપરાય છે. આપણે પોતાના માટે અને કુટુંબના ભરણપોષણ માટે નોકરી-ધંધો કરવો પડે છે. એમાં દિવસના ઘણા કલાકો જતા રહે છે. બીજી મુશ્કેલીઓ પણ આવે છે: કુટુંબની જવાબદારી, બીમારી, ડિપ્રેશન કે પછી ઘડપણની તકલીફો. સંજોગોને લીધે આપણે યહોવાની સેવામાં વધારે કરી શકતા ન હોઈએ તો નિરાશ ન થઈએ. ઈસુ જાણતા હતા કે બધા એકસરખાં ફળ નહિ આપી શકે. એટલે કે, યહોવાની સેવામાં આપણે બધા એકસરખાં સમય-શક્તિ આપી શકતા નથી. (માથ. ૧૩:૨૩) જો આપણે યહોવાની સેવામાં દિલ રેડી દઈશું, તો તે આપણી મહેનતને ભૂલશે નહિ.—હિબ્રૂ. ૬:૧૦-૧૨. w૧૯.૦૪ ૨ ¶૧-૩

શનિવાર, જાન્યુઆરી ૨

“શેતાન . . . જૂઠો અને જૂઠાનો બાપ છે.”—યોહા. ૮:૪૪.

મરણ વિશે શેતાને ફેલાવેલાં જૂઠાણાંથી યહોવાની નિંદા થાય છે. શેતાને એવું પણ જૂઠાણું ફેલાવ્યું છે કે, મરણ પછી વ્યક્તિને નરકમાં રિબાવવામાં આવે છે. એ જૂઠને લીધે લોકો ઈશ્વરનો વાંક કાઢે છે. કઈ રીતે? તેઓ એવું માને છે કે પ્રેમાળ ઈશ્વર પણ શેતાન જેવા ક્રૂર છે. (૧ યોહા. ૪:૮) એનાથી તમને કેવું લાગે છે? જરા વિચારો, યહોવાને કેવું લાગતું હશે? તે તો ક્રૂરતાને ધિક્કારે છે. (યિર્મે. ૧૯:૫) મરણ વિશેનાં શેતાનનાં જૂઠાણાંથી ખ્રિસ્તના બલિદાનનું મહત્ત્વ ઘટી જાય છે. (માથ. ૨૦:૨૮) શેતાનનું બીજું એક જૂઠાણું છે કે મનુષ્યમાં અમર આત્મા છે. જો મનુષ્યોમાં આત્મા જેવું કંઈક હોત, તો એનો અર્થ થાય કે તેઓ પાસે હંમેશ માટેનું જીવન છે. જો એમ હોત તો ખ્રિસ્તે બલિદાન આપવાની જરૂર પડી ન હોત. માણસો માટેના પ્રેમની સૌથી મોટી સાબિતી છે, ખ્રિસ્તનું બલિદાન. (યોહા. ૩:૧૬; ૧૫:૧૩) યહોવા અને ઈસુએ મનુષ્યોને કેટલી મોટી ભેટ આપી છે. શેતાનનાં જૂઠાણાંને લીધે ખ્રિસ્તના બલિદાનનું મહત્ત્વ ઘટી જાય છે. જરા વિચારો કે એનાથી યહોવા અને ઈસુને કેટલું દુઃખ થતું હશે! w૧૯.૦૪ ૧૪ ¶૧; ૧૫-૧૬ ¶૮-૯

રવિવાર, જાન્યુઆરી ૩

‘“યહોવાનું મન કોણ જાણી શક્યું છે કે કોઈ તેમને સલાહ આપે?” પણ, આપણી પાસે તો ખ્રિસ્ત ઈસુનું મન છે.’—૧ કોરીં. ૨:૧૬.

ઈસુનું શિક્ષણ ક્યાં નોંધેલું છે? ખુશખબરના ચાર પુસ્તકોમાં ઈસુની વાતો અને કાર્યો વિશે જણાવવામાં આવ્યું છે. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોના બાકીનાં પુસ્તકો આપણને ખ્રિસ્તના વિચારો સમજવા મદદ કરે છે. એ પુસ્તકો લખનાર ઈશ્વરભક્તોને પવિત્ર શક્તિએ પ્રેરણા આપી હતી અને તેઓ પાસે “ખ્રિસ્ત ઈસુનું મન” હતું. જીવનનાં દરેક પાસાં વિશે ઈસુએ શીખવ્યું હતું. તેથી, આપણે ઘરે હોઈએ કે કામ પર, સ્કૂલમાં હોઈએ કે મંડળમાં, દરેક જગ્યાએ ખ્રિસ્તનો નિયમ લાગુ પડે છે. (ગલા. ૬:૨) એ નિયમ વિશે શીખવા આપણે ગ્રીક શાસ્ત્રવચનો વાંચવા જોઈએ અને મનન કરવું જોઈએ. એમાં આપેલાં સિદ્ધાંતો, સૂચનાઓ અને આજ્ઞાઓ પ્રમાણે જીવનમાં ફેરફાર કરવા જોઈએ. એમ કરીને બતાવીએ છીએ કે, આપણે ખ્રિસ્તનો નિયમ પાળીએ છીએ. ઈસુએ શીખવેલી બધી બાબતો યહોવા તરફથી છે. આમ, આપણે ખ્રિસ્તનો નિયમ પાળીને પ્રેમાળ ઈશ્વર યહોવાની આજ્ઞા પાળીએ છીએ.—યોહા. ૮:૨૮. w૧૯.૦૫ ૩ ¶૬-૭

સોમવાર, જાન્યુઆરી ૪

‘દુષ્ટ માણસો અને ધુતારાઓ વધારે ને વધારે ખરાબ થતા જશે.’—૨ તિમો. ૩:૧૩.

દુઃખની વાત છે કે, કેટલાક માણસો એવાં કામ કરે છે જે શેતાનને ગમે છે. યહોવા શેતાનની બધી ચાલાકીઓ જાણે છે. તે આપણું દુઃખ સમજે છે અને આપણને દિલાસો આપે છે. બાઇબલ કહે છે, ‘દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર આપણી બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે, જેથી આપણે ઈશ્વર પાસેથી મળેલા દિલાસા દ્વારા બીજાઓને દિલાસો આપી શકીએ, પછી ભલે તેઓ કોઈ પણ પ્રકારની કસોટીમાં હોય.’ (૨ કોરીં. ૧:૩, ૪) કેટલી ખુશીની વાત છે કે આપણે એવા ઈશ્વરને ભજીએ છીએ! અમુક બાળકોને માબાપ તરફથી રક્ષણ ન મળ્યું હોવાથી કદાચ શોષણનો ભોગ બને છે. કેટલાંક બાળકોનું નજીકના સગાઓ શોષણ કરે છે. તેઓને હૂંફ અને દિલાસાની ખાસ જરૂર હોય છે. રાજા દાઊદને ભરોસો હતો કે યહોવા હંમેશાં દિલાસો આપશે. (ગીત. ૨૭:૧૦) દાઊદને ખાતરી હતી કે, જેઓ પર સગાઓએ જુલમ ગુજાર્યો હોય, તેઓને યહોવા પિતાની જેમ સાચવશે. કઈ રીતે? પોતાના ભક્તોનો ઉપયોગ કરીને. આપણું મંડળ એ આપણું કુટુંબ છે. ઈસુએ જણાવ્યું કે, દરેક ઈશ્વરભક્તને તે પોતાના ભાઈ, બહેન અને માતા ગણે છે.—માથ. ૧૨:૪૮-૫૦. w૧૯.૦૫ ૧૫-૧૬ ¶૮-૯

મંગળવાર, જાન્યુઆરી ૫

‘જે વધારે મહત્ત્વનું છે એ પારખી લો.’—ફિલિ. ૧:૧૦.

આપણા માટે સૌથી મહત્ત્વનું શું હોવું જોઈએ? દરરોજ બાઇબલ વાંચીએ. મંડળના અઠવાડિયાના બાઇબલ વાંચનમાં હવે ઓછા અધ્યાય રાખવામાં આવે છે. એટલે આપણે મનન કરવા અને વધારાનું સંશોધન કરવા માટે સમય કાઢી શકીએ છીએ. બાઇબલ વાંચનના અધ્યાય આપણે ફક્ત વાંચવા ખાતર વાંચી જવાના નથી. પણ બાઇબલનો સંદેશો આપણા દિલને સ્પર્શે અને યહોવાની નજીક જઈ શકીએ એ માટે મહેનત કરવાની છે. (ગીત. ૧૯:૧૪) ચોકીબુરજ અભ્યાસથી બાઇબલની સારી સમજણ મળે છે. એટલે, એમાં આપેલી કલમો પર ધ્યાન આપીએ. ખાસ તો એવી કલમો, જે વાંચવાનું કહેવામાં આવ્યું હોય. કલમોનાં મુખ્ય શબ્દો કે વાક્યો કઈ રીતે ફકરાના મુખ્ય મુદ્દાને સમજવા મદદ કરે છે, એના પર ધ્યાન આપીએ. ઉપરાંત, જે કલમો વાંચીએ એના પર મનન કરીએ. એને કઈ રીતે લાગુ પાડી શકાય એનો વિચાર કરીએ.—યહો. ૧:૮. w૧૯.૦૫ ૨૭ ¶૫; ૨૮ ¶૯

બુધવાર, જાન્યુઆરી ૬

“મને મોકલનારની ઇચ્છા પ્રમાણે કરવું અને તેમનું કામ પૂરું કરવું, એ જ મારો ખોરાક છે.”—યોહા. ૪:૩૪.

યહોવાની સેવા માટે કેવું વલણ રાખવું જોઈએ, એ વિશે ઈસુએ સુંદર દાખલો બેસાડ્યો છે. લોકોને ઈશ્વરના રાજ્ય વિશે જણાવવું એ તેમના જીવનમાં સૌથી મહત્ત્વનું હતું. બને એટલા લોકોને ખુશખબર જણાવવા તે ઘણા કિલોમીટર ચાલીને જતા. ઘર હોય કે બીજી જગ્યા, લોકો સાથે વાત કરવાની તે એકેય તક છોડતા નહિ. ઈસુએ યહોવાની સેવાને જીવનમાં પ્રથમ રાખી. ગમે ત્યાં અને ગમે તે સમયે લોકોને ખુશખબર જણાવવા આપણે તૈયાર હોઈએ છીએ. એમ કરીને આપણે ઈસુના પગલે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. ખુશખબર ફેલાવવા આપણે સુખ-સગવડો જતી કરવા પણ તૈયાર છીએ. (માર્ક ૬:૩૧-૩૪; ૧ પીત. ૨:૨૧) મંડળનાં અમુક ભાઈ-બહેનો ખાસ પાયોનિયર, નિયમિત પાયોનિયર કે સહાયક પાયોનિયર તરીકે સેવા આપે છે. અમુકે નવી ભાષા શીખી છે. બીજાં કેટલાંક ભાઈ-બહેનો વધુ જરૂર છે એવી જગ્યાએ જાય છે. ઘણા પ્રકાશકો એવી બાબતો કરી શકતા નથી. પણ મોટા ભાગનું પ્રચારકામ આવા જ પ્રકાશકોથી થાય છે. ભલે યહોવાની સેવામાં આપણે ઓછું કરીએ કે વધારે, યહોવા આપણી પાસે વધુ પડતી અપેક્ષા રાખતા નથી. તે આપણને ક્યારેય એવું કંઈ કરવાનું કહેતા નથી, જે આપણા ગજા બહાર હોય. w૧૯.૦૪ ૩-૪ ¶૭-૮

ગુરુવાર, જાન્યુઆરી ૭

‘હે યહોવા, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ.’—ગીત. ૧૯:૧૪.

પોતાને આવા સવાલો પૂછો: ‘શું કોઈના માટે હું થોડી પણ ઈર્ષા રાખું છું?’ (૧ પીત. ૨:૧) ‘શું સમાજ, શિક્ષણ કે ધનદોલતને લીધે મને એવું લાગે છે કે હું બીજાઓ કરતાં ચઢિયાતો છું?’ (નીતિ. ૧૬:૫) ‘જેઓની પાસે મારા જેટલી વસ્તુઓ નથી કે મારી જાતિના નથી, તેઓને શું હું નીચા ગણું છું?’ (યાકૂ. ૨:૨-૪) ‘શું મને શેતાનની દુનિયાની વસ્તુઓ ગમે છે?’ (૧ યોહા. ૨:૧૫-૧૭) ‘શું મને એવું મનોરંજન ગમે છે, જેમાં વ્યભિચાર જેવાં કામો કે હિંસા હોય?’ (ગીત. ૯૭:૧૦; ૧૦૧:૩; આમો. ૫:૧૫) આ સવાલો પર વિચાર કરવાથી તમને ખબર પડશે કે ક્યાં સુધારો કરવાની જરૂર છે. જાણતા-અજાણતા મિત્રોની આપણા પર અસર પડે છે. (નીતિ. ૧૩:૨૦) કામે હોઈએ કે સ્કૂલે, મોટા ભાગનો સમય યહોવાના ભક્ત ન હોય એવા લોકો સાથે આપણે હોઈએ છીએ. તેઓ આપણને યહોવાના વિચારો પ્રમાણે ચાલવા મદદ કરતા નથી. સૌથી સારા મિત્રો આપણને સભામાં જ મળી શકે છે. સભામાંથી આપણને “પ્રેમ અને સારાં કામો” કરવા ઉત્તેજન મળે છે.—હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫, ફૂટનોટ. w૧૯.૦૬ ૧૨ ¶૧૩-૧૪

શુક્રવાર, જાન્યુઆરી ૮

“અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે.”—નીતિ. ૧૯:૧૧.

યહોવાએ માણસોને તકલીફો સહેવા બનાવ્યા ન હતા! પણ આજે આપણે ચિંતા અને તકલીફો સહેવી પડે છે. (અયૂ. ૬:૨, ૩) કોઈ ઈશ્વરભક્ત ચિંતામાં હોય ત્યારે વગર વિચાર્યું બોલી જાય, એ સમજી શકાય. યહોવા વિશે કે આપણા વિશે પણ તે કદાચ યોગ્ય ન હોય એવી વાત બોલી જાય તો, આપણે ગુસ્સે ન થવું જોઈએ. તેણે જે કહ્યું એ પકડીને બેસી ન જવું જોઈએ. મુશ્કેલીઓનો સામનો કરી રહેલી વ્યક્તિને અમુક વાર સલાહ કે શિસ્તની જરૂર પડી શકે. (ગલા. ૬:૧) એવા સંજોગોમાં વડીલો શું કરી શકે? તેઓ અલીહૂના પગલે ચાલી શકે. તેમણે અયૂબની વાત દિલથી સાંભળી હતી. (અયૂ. ૩૩:૬, ૭) અયૂબની વાત સમજ્યા પછી જ તેમણે સલાહ આપી. વડીલો પણ અલીહૂની જેમ પહેલા ધ્યાનથી સાંભળશે અને વ્યક્તિના સંજોગો સમજશે. એ પછી જ તેઓ સલાહ આપશે. એમ કરવાથી સાંભળનારના દિલ સુધી એની અસર થશે. w૧૯.૦૬ ૨૨-૨૩ ¶૧૦-૧૧

શનિવાર, જાન્યુઆરી ૯

“માણસોના બદલે અમે ઈશ્વરની જ આજ્ઞા માનીશું.”—પ્રે.કા. ૫:૨૯.

પ્રતિબંધમાં પણ તમે કઈ રીતે યહોવાની ભક્તિ કરતા રહી શકો? શાખા કચેરી તમારા મંડળના વડીલોને સૂચનાઓ આપશે. શાખા કચેરીથી વડીલોનો સંપર્ક ન થઈ શકે, એવા કિસ્સામાં શું? વડીલો યહોવાની ભક્તિ કરતા રહેવા તમને અને બીજાં ભાઈ-બહેનોને મદદ કરશે. એવા સમયે તેઓ બાઇબલ અને સાહિત્યને આધારે માર્ગદર્શન આપશે. (માથ. ૨૮:૧૯, ૨૦; હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) યહોવાએ પોતાના ભક્તોને એક ખાતરી આપી છે કે, શ્રદ્ધા મજબૂત રાખવા જે પણ જરૂર પડશે એ બધું આપશે. (યશા. ૬૫:૧૩, ૧૪; લુક ૧૨:૪૨-૪૪) ખાતરી રાખો કે તમે યહોવાને વફાદાર રહી શકો માટે સંગઠન બધી મદદ પૂરી પાડશે. તમે શું કરી શકો? પ્રતિબંધ મૂકવામાં આવે ત્યારે તમારું બાઇબલ અને બીજાં સાહિત્ય યોગ્ય જગ્યાએ સંતાડી દો. છાપેલું કે ઇલેક્ટ્રોનિક સાહિત્ય એવી જગ્યાએ ન મૂકો, જ્યાં સહેલાઈથી લોકોને હાથ લાગી જાય. શ્રદ્ધા મજબૂત રાખવા આપણે દરેકે યોગ્ય પગલાં લેવાં જ જોઈએ. w૧૯.૦૭ ૧૦ ¶૧૦-૧૧

રવિવાર, જાન્યુઆરી ૧૦

“હું દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવો બન્યો છું, જેથી શક્ય હોય એવી બધી જ રીતે હું અમુકને બચાવી શકું.”—૧ કોરીં. ૯:૨૨.

હજારો વર્ષોથી મોટા ભાગના લોકો કોઈકને કોઈક ધર્મમાં માનતા આવ્યા છે. પણ, છેલ્લા કેટલાક દાયકાઓથી મોટો ફેરફાર જોવા મળે છે. એકેય ધર્મમાં માનતા ન હોય, એવા લોકોની સંખ્યા વધતી ને વધતી જઈ રહી છે. અરે, કેટલાંક દેશોમાં તો મોટા ભાગના લોકો કહે છે કે તેઓ ધર્મમાં માનતા નથી. (માથ. ૨૪:૧૨) શા માટે? એનું કારણ છે, કેટલાકને મનોરંજન વહાલું છે, તો કેટલાક ચિંતામાં ડૂબી ગયા છે. (લુક ૮:૧૪) અમુક તો અગાઉ ધર્મમાં માનતા હતા, પણ હવે નાસ્તિક થઈ ગયા છે. બીજા અમુક લોકો ઈશ્વરમાં તો માને છે, પણ તેઓને લાગે છે કે ધર્મ જૂનો થઈ ગયો છે. તેઓને લાગે છે કે ધર્મ કંઈ કામનો નથી અને વિજ્ઞાન સાથે ધર્મનો મેળ ખાતો નથી, એમાં તો તર્ક વગરની વાતો હોય છે. તેઓ મિત્રો અને શિક્ષકો પાસેથી શીખે છે કે માણસો વાંદરામાંથી આવ્યા છે. પ્રખ્યાત વ્યક્તિઓ પણ એ વાતને ટેકો આપે છે. પણ ઈશ્વરના અસ્તિત્વની વાત આવે ત્યારે, તેઓ સાચા પુરાવાઓ પર ધ્યાન આપતા નથી. બીજા કેટલાક લોકો ધર્મગુરુઓથી કંટાળી ગયા છે, કેમ કે તેઓ પૈસાના અને સત્તાના ભૂખ્યા છે. કેટલીક સરકારોએ કડક નિયમો બનાવ્યા છે, જેથી લોકો છૂટથી ઈશ્વરની ભક્તિ કરી શકતા નથી. w૧૯.૦૭ ૨૦ ¶૧-૨

સોમવાર, જાન્યુઆરી ૧૧

“દૃઢ રહો, અડગ રહો; પ્રભુની સેવામાં પુષ્કળ કામ હોવાથી, એમાં હંમેશાં મંડ્યા રહો; તમે જાણો છો કે પ્રભુની સેવામાં તમારી મહેનત નકામી નથી.”—૧ કોરીં. ૧૫:૫૮.

ભક્તિ માટે આપણું શરીર મજબૂત હોય એ જરૂરી નથી. ઘણાં ભાઈ-બહેનોની તબિયત હવે પહેલાં જેવી રહેતી નથી, તોપણ તેઓ યહોવાની સેવામાં બનતું બધું કરવા માંગે છે. (૨ કોરીં. ૪:૧૬) તમે વર્ષોથી યહોવાની સેવામાં ઘણું કર્યું હશે. પણ હવે તમારી તબિયત સારી રહેતી નથી. એટલે પહેલાં જેટલું કરી શકતા ન હો તો નિરાશ થશો નહિ. ખાતરી રાખો કે અગાઉ તમે યહોવાની સેવામાં જે કર્યું છે, એ બધું યહોવા યાદ રાખે છે. એ માટે તે તમારી કદર કરે છે. (હિબ્રૂ. ૬:૧૦) યાદ રાખો, યહોવાની સેવામાં કરેલાં કામોથી માપી શકાતું નથી કે આપણા દિલમાં યહોવા માટે કેટલો પ્રેમ છે. આપણે સારું વલણ રાખીએ અને બનતું બધું કરીએ. એનાથી દેખાઈ આવશે કે યહોવા માટે આપણને કેટલો પ્રેમ છે. (કોલો. ૩:૨૩) આપણે કેટલું કરી શકીએ છીએ એ યહોવા જાણે છે. તે આપણી પાસે વધારે પડતી અપેક્ષા રાખતા નથી.—માર્ક ૧૨:૪૩, ૪૪. w૧૯.૦૮ ૩ ¶૬; ૫ ¶૧૧-૧૨

મંગળવાર, જાન્યુઆરી ૧૨

“તમારું અજવાળું લોકો આગળ પ્રકાશવા દો, જેથી તેઓ તમારાં સારાં કાર્યો જુએ.”—માથ. ૫:૧૬.

મંડળનાં ભાઈ-બહેનોનાં ‘સારાં કાર્યોનો’ યહોવા ઉપયોગ કરે છે. એનાથી તે લોકોને પોતાની તરફ ખેંચે છે. (માથ. ૫:૧૪, ૧૫; ૧ પીત. ૨:૧૨) બની શકે કે, તમારા જીવનસાથી યહોવાના સાક્ષી ન હોય. શું તે મંડળનાં ભાઈ-બહેનોને મળ્યા છે? તેમને મંડળની સભામાં આવવાનું આમંત્રણ આપો. (૧ કોરીં. ૧૪:૨૪, ૨૫) આપણાં બધાં સગાઓ યહોવાની ભક્તિ કરે, એવી આપણે આશા રાખીએ છીએ. આપણે પૂરો પ્રયત્ન કરીએ, તોપણ તેઓ કદાચ સત્ય ન સ્વીકારે. એવું થાય તો આપણે પોતાને દોષ ન દેવો જોઈએ. આપણે પોતાની માન્યતા બીજાઓ પર થોપી બેસાડતા નથી. છતાં ભૂલશો નહિ કે, યહોવાની ભક્તિમાં તમને ખુશ જોઈને તેઓ પર સારી અસર થશે. તેઓ માટે પ્રાર્થના કરો. સમજી-વિચારીને વાત કરો. તેઓને મદદ કરવાનું છોડશો નહિ. (પ્રે.કા. ૨૦:૨૦) ભરોસો રાખો કે તમારી મહેનત પર યહોવા આશીર્વાદ આપશે. જો તમારાં સગાં તમારી વાત સાંભળે, તો તેઓનો પણ બચાવ થશે. w૧૯.૦૮ ૧૮-૧૯ ¶૧૫-૧૭

બુધવાર, જાન્યુઆરી ૧૩

“શરીરનો દીવો આંખ છે. એટલે, જો તમારી આંખ એક જ બાબત પર લાગેલી હોય, તો તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હશે.”—માથ. ૬:૨૨.

ઈસુ શું કહેવા માંગતા હતા? એ જ કે, આપણે જીવન સાદું રાખવું જોઈએ. કોઈ એક ધ્યેય કે હેતુ પર આપણું મન લગાડવું જોઈએ. એનાથી આપણું ધ્યાન ફંટાવા દેવું ન જોઈએ. ઈસુએ યહોવાની સેવામાં પૂરું મન લગાડ્યું હતું. આમ, તેમણે આપણા માટે સારો દાખલો બેસાડ્યો. તેમણે શિષ્યોને યહોવાની સેવા અને તેમના રાજ્ય પર પૂરું મન લગાડવાનું શીખવ્યું હતું. આપણે ખુશખબરના કામને જીવનમાં પ્રથમ રાખવું જોઈએ. આપણે ‘પહેલા ઈશ્વરના રાજ્યને અને તેમની નજરે જે ખરું છે એને શોધતા રહેવું જોઈએ.’ એમ કરીને આપણે ઈસુને પગલે ચાલી શકીએ છીએ. (માથ. ૬:૩૩) યહોવાની સેવામાં મન લગાડવાની એક રીત છે કે જીવન સાદું રાખીએ. એનાથી બીજાઓને યહોવા વિશે શીખવવા આપણને સમય મળશે. તેમ જ, યહોવા માટે પ્રેમ કેળવવા તેઓને મદદ કરી શકીશું. અઠવાડિયા દરમિયાન ખુશખબર ફેલાવવા શું આપણે નોકરી-ધંધાના સમયમાં ફેરફાર કરી શકીએ? શું મનોરંજનનો સમય થોડો ઓછો કરી શકીએ? w૧૯.૦૪ ૫-૬ ¶૧૨-૧૩

ગુરુવાર, જાન્યુઆરી ૧૪

‘હું ઉચ્ચસ્થાને તથા પવિત્રસ્થાને રહું છું, પણ જેઓ પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેઓની સાથે પણ હું રહું છું.’—યશા. ૫૭:૧૫.

દાયકાઓથી સેવા કરનાર ઘણાં ભાઈ-બહેનોની સોંપણી તાજેતરનાં વર્ષોમાં બદલાઈ છે. એ ભાઈ-બહેનો માટે ફેરફારો સ્વીકારવા સહેલું ન હતું. અમુકને જૂની સોંપણી ખૂબ ગમતી હતી, કારણ કે તેઓ વર્ષોથી એ કામ કરી રહ્યાં હતાં. થોડો સમય મનગમતી સોંપણી છોડવાનું દુઃખ સહ્યા પછી, તેઓ નવા સંજોગોમાં પોતાને ઢાળવા લાગ્યા. તેઓએ શા માટે એમ કર્યું? યહોવા માટેના પ્રેમને લીધે. તેઓએ એવું વચન નહોતું આપ્યું કે, કોઈ કામ, પદવી કે સોંપણી મળશે તો જ યહોવાની સેવા કરશે. (કોલો. ૩:૨૩) ભલે કોઈ પણ સોંપણી મળે, તેઓ નમ્રતાથી યહોવાની સેવા કરવા માંગે છે. ઈશ્વર તેઓની કાળજી રાખશે, એ જાણતા હોવાથી ‘તેઓ સર્વ ચિંતાઓ ઈશ્વર પર નાખી દે છે.’ (૧ પીત. ૫:૬, ૭) આપણે નમ્રતા બતાવીએ છીએ ત્યારે, આપણી સાથે સાથે બીજાઓને પણ ફાયદો થાય છે. જીવનની મુશ્કેલીઓ સહેવા મદદ મળે છે. સૌથી મહત્ત્વનું તો, સ્વર્ગના પિતા સાથેનો સંબંધ વધુ મજબૂત થાય છે. w૧૯.૦૯ ૬-૭ ¶૧૫-૧૭

શુક્રવાર, જાન્યુઆરી ૧૫

“યહોવાના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; . . . તેઓને પાળવામાં મોટો લાભ છે.”—ગીત. ૧૯:૮, ૧૧.

યહોવાએ દાઊદને કુટુંબના શિર તરીકેની જ નહિ, પણ આખા ઇઝરાયેલ રાષ્ટ્રની જવાબદારી આપી હતી. રાજા તરીકે દાઊદના હાથમાં ઘણી સત્તા હતી. પણ અમુક વાર તેમણે એનો ખોટો ઉપયોગ કર્યો અને ગંભીર ભૂલો કરી. (૨ શમૂ. ૧૧:૧૪, ૧૫) પણ શિસ્ત સ્વીકારીને તેમણે યહોવાનું કહ્યું માન્યું. તેમણે પ્રાર્થનામાં યહોવા આગળ દિલ ઠાલવી દીધું. યહોવાનાં સલાહ-સૂચનો પાળવા તેમણે બનતું બધું કર્યું. (ગીત. ૫૧:૧-૪) ફક્ત પુરુષો પાસેથી જ નહિ, સ્ત્રીઓ પાસેથી મળેલી સલાહ પણ તેમણે નમ્રતાથી સ્વીકારી. (૧ શમૂ. ૧૯:૧૧, ૧૨; ૨૫:૩૨, ૩૩) દાઊદ પોતાની ભૂલોમાંથી શીખ્યા. યહોવાની ભક્તિને તેમણે જીવનમાં પ્રથમ રાખી હતી. યહોવાનું કહ્યું માનવાથી કેવા ફાયદા થાય છે, એ દાઊદ રાજા જાણતા હતા. તેમણે લખ્યું: ‘યહોવાના નિયમો સાચા છે, એ હૃદયને આનંદ આપે છે. યહોવાની આજ્ઞા શુદ્ધ છે, એ આંખોને પ્રકાશ આપે છે. એનાથી તમારા સેવકને ચેતવણી મળે છે, એ પાળવામાં મોટો લાભ છે.’ (ગીત. ૧૯:૮, ૧૧) યહોવાનું કહ્યું માનનારા અને યહોવાની પ્રેમાળ સલાહ ન માનનારા લોકો વચ્ચેનો ફરક આપણે સાફ જોઈ શકીએ છીએ. યહોવાનું સાંભળનારા લોકો ‘નેક દિલના હોવાને લીધે આનંદ કરશે.’—યશા. ૬૫:૧૩, ૧૪. w૧૯.૦૯ ૧૭ ¶૧૫; ૧૯ ¶૨૧

શનિવાર, જાન્યુઆરી ૧૬

“મેં જોયું તો . . . મોટું ટોળું . . . રાજ્યાસન અને ઘેટા સામે ઊભું હતું.”—પ્રકટી. ૭:૯.

૧૯૩૫માં, યહોવાના સાક્ષીઓને ખબર પડી કે, “રાજ્યાસન અને ઘેટા સામે” ઊભા રહેવા મોટા ટોળાએ સ્વર્ગમાં જવાની જરૂર નથી. પણ એ તો સાંકેતિક રીતે કહેવામાં આવ્યું હતું. ‘રાજ્યાસન સામે’ ઊભા રહેવાનો આવો અર્થ થતો હતો: મોટા ટોળાના લોકો પૃથ્વી પર રહીને યહોવાને વિશ્વના માલિક તરીકે સ્વીકારે અને તેમના કહ્યા પ્રમાણે કરે. (યશા. ૬૬:૧) “ઘેટા સામે” ઊભા રહેવાનો આવો અર્થ થતો હતો: ઈસુના બલિદાનમાં શ્રદ્ધા બતાવવી. માથ્થી ૨૫:૩૧, ૩૨માં “સર્વ પ્રજાઓ” વિશે જણાવવામાં આવ્યું છે. એમાં દુષ્ટ લોકોનો પણ સમાવેશ થાય છે. એ પ્રજાઓને ઈસુના ભવ્ય રાજ્યાસન “આગળ ભેગી કરાશે.” સાફ જોવા મળે છે કે, એ બધી પ્રજાઓ સ્વર્ગમાં નહિ પણ પૃથ્વી પર છે. ૧૯૩૫માં મળેલી આ સમજણ ગળે ઊતરે એવી છે. એનાથી ખ્યાલ આવે છે કે મોટા ટોળાને સ્વર્ગમાં લઈ જવામાં આવશે, એવું બાઇબલ કેમ જણાવતું નથી. સ્વર્ગના જીવન વિશે ફક્ત એક સમૂહને વચન આપવામાં આવ્યું હતું, એ છે ૧,૪૪,૦૦૦ અભિષિક્તો. તેઓ ઈસુ સાથે “પૃથ્વી પર રાજાઓ તરીકે રાજ કરશે.”—પ્રકટી. ૫:૧૦. w૧૯.૦૯ ૨૮ ¶૯

રવિવાર, જાન્યુઆરી ૧૭

“હે યહોવાના સર્વ ભક્તો, તેના પર પ્રીતિ રાખો.”—ગીત. ૩૧:૨૩.

યહોવા ચાહે છે કે આપણે જૂઠા ધર્મોથી દૂર રહીએ. પણ એટલું જ પૂરતું નથી. યહોવાની શુદ્ધ ભક્તિ કરતા રહેવાનો આપણે પાકો નિર્ણય લેવો જોઈએ. ચાલો એની બે રીતો જોઈએ. પહેલી રીત છે, આપણે યહોવાનાં નેક ધોરણોને વળગી રહેવું જોઈએ. દુનિયાનાં ખરાબ ધોરણો અને રીતભાતને આપણા મનમાં ઘર કરવા દઈશું નહિ. દાખલા તરીકે, આપણે વ્યભિચાર જેવાં કામોને ચલાવી લેતા નથી. એમાં સજાતીય લગ્‍ન અને બીજાં સજાતીય કામો પણ આવી જાય છે. (માથ. ૧૯:૪, ૫; રોમ. ૧:૨૬, ૨૭) બીજી રીત છે, આપણે ભાઈ-બહેનો સાથે મળીને યહોવાની ભક્તિ કરતા રહેવું જોઈએ. એ માટે પ્રાર્થનાઘરમાં અથવા જરૂર પડે તો કોઈના ઘરે પણ સભામાં જવાનું ચૂકીએ નહિ. અરે, અમુક વાર છુપાઈને સભા કરવી પડે, તોપણ એ ચૂકીએ નહિ. ભલે ગમે એવા સંજોગો આવે, સભાઓમાં જવાનું પડતું ન મૂકીએ. હકીકતમાં, આપણે ‘જેમ જેમ એ દિવસ નજીક આવતો જોઈએ, તેમ તેમ એ પ્રમાણે વધારે કરતા રહેવું જોઈએ.’—હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫. w૧૯.૧૦ ૧૬ ¶૬-૭

સોમવાર, જાન્યુઆરી ૧૮

“હું યહોવા છું, ને મારું માન કોઈ બીજાને આપવા ન દઉં એવો ઈશ્વર છું.”—નિર્ગ. ૩૪:૧૪.

યહોવા ચાહે છે કે આપણે જીવનની મજા માણીએ. મનોરંજનથી આપણને મજા આવે છે. બાઇબલમાં જણાવ્યું છે કે, ‘મનુષ્ય ખાય, પીએ અને આનંદ સાથે મહેનત કરે એનાં કરતાં બીજું કશું વધારે સારું નથી.’ (સભા. ૨:૨૪, કોમન લેંગ્વેજ) આજની દુનિયામાં મોટા ભાગના મનોરંજનથી આપણને નુકસાન થઈ શકે છે. એનાથી લોકોના સંસ્કારો બગડે છે. મનોરંજનથી લોકો એવી બાબતોને ચલાવી લેવાનું શીખે છે, જેના વિશે બાઇબલમાં ના પાડવામાં આવી છે. આપણે ફક્ત યહોવાની જ ભક્તિ કરવા માંગીએ છીએ. એટલે આપણે “યહોવાની મેજ” પરથી અને “દુષ્ટ દૂતોની મેજ” પરથી એકસાથે ખાઈ શકતા નથી. (૧ કોરીં. ૧૦:૨૧, ૨૨) કોઈની સાથે હળીએ-મળીએ અને સાથે બેસીને જમીએ તો, એ મિત્રતાની નિશાની કહેવાય. જો આપણે એવું મનોરંજન પસંદ કરીએ જેમાં હિંસા, મેલીવિદ્યા, વ્યભિચાર, ખરાબ ઇચ્છાઓ અને ખોટું વલણ હોય તો શું થઈ શકે? એ તો જાણે ઈશ્વરના દુશ્મનો સાથે બેસીને જમવા જેવું છે. એનાથી આપણને નુકસાન થશે, એટલું જ નહિ યહોવા સાથેનો આપણો સંબંધ પણ જોખમમાં આવી જશે. w૧૯.૧૦ ૨૬ ¶૨; ૨૯-૩૦ ¶૧૧-૧૨

મંગળવાર, જાન્યુઆરી ૧૯

“માણસો પવિત્ર શક્તિથી પ્રેરાઈને ઈશ્વર તરફથી બોલ્યા હતા.”—૨ પીત. ૧:૨૧.

પવનથી ફાયદો મેળવવા નાવિકે બે બાબતો કરવી જોઈએ. પહેલી બાબત, જે જગ્યાએ પવન ફૂંકાતો હોય, ત્યાં તેણે પોતાની હોડી લઈ જવી જોઈએ. પણ જો નાવિક એમ નહિ કરે અને હોડીને બંદર પર મૂકી રાખશે, તો હોડી આગળ વધી શકશે નહિ. બીજી બાબત, તેણે બધા સઢ બને એટલા ખુલ્લા અને ઊંચા રાખવા જોઈએ. એ સઢમાં હવા ભરાશે તો જ હોડી આગળ વધશે. એવી જ રીતે, આપણે પણ પવિત્ર શક્તિની મદદથી જ યહોવાની સેવામાં લાગુ રહી શકીશું. એ શક્તિથી ફાયદો મળે માટે આપણે બે પગલાં ભરવાં જોઈએ. પહેલું, પવિત્ર શક્તિ ઈશ્વરભક્તોને જે કામ કરવાની પ્રેરણા આપે છે, એ બધાં કામ આપણે કરવાં જોઈએ. બીજું, ‘આપણા સઢ બને એટલા ઊંચા’ રાખવા જોઈએ. એટલે કે આપણે પૂરી તાકાતથી એ બધાં કામોમાં ભાગ લેવો જોઈએ. (ગીત. ૧૧૯:૩૨) વિરોધ અને કસોટીનાં મોજાઓ સામે આગળ વધવા પવિત્ર શક્તિ મદદ કરશે. વફાદારીથી ચાલતા રહેવા પણ પવિત્ર શક્તિ આપણને મદદ કરશે. w૧૯.૧૧ ૯ ¶૮; ૧૦ ¶૧૧

બુધવાર, જાન્યુઆરી ૨૦

“હું તમને મારી શાંતિ આપું છું.”—યોહા. ૧૪:૨૭.

પૃથ્વી પર ઈસુનો છેલ્લો દિવસ હતો ત્યારે તેમના મનમાં ઉથલપાથલ મચી હતી. થોડા જ સમયમાં દુષ્ટ માણસો તેમને મારી નાખવાના હતા. ફક્ત એ જ તેમની ચિંતાનું કારણ ન હતું. તે પોતાના પિતાને દિલથી પ્રેમ કરતા હતા અને તેમને ખુશ કરવા માંગતા હતા. ઈસુ અઘરી કસોટીમાં વફાદાર રહેવા માંગતા હતા. આમ, યહોવા વિશે ફેલાવવામાં આવેલી જૂઠી વાતોને તે ખોટી સાબિત કરવા માંગતા હતા. તે એ પણ સાબિત કરવા માંગતા હતા કે ફક્ત યહોવા જ મહિમા મેળવવાના હકદાર છે. ઈસુને લોકો માટે પ્રેમ હતો. તે જાણતા હતા કે જો તે મરણ સુધી યહોવાને વફાદાર રહેશે, તો જ આપણને ભાવિની આશા મળશે. ઈસુ ભારે તણાવમાં હતા તોપણ તેમનું મન શાંત હતું. તેમની પાસે “ઈશ્વરની શાંતિ” હતી. યહોવા સાથેના સંબંધથી એવી શાંતિ મળે છે. એ શાંતિને લીધે ઈસુ પોતાનું દિલ અને મન શાંત રાખી શક્યા. (ફિલિ. ૪:૬, ૭) ઈસુએ ઘણી તકલીફો અને ચિંતાનો સામનો કર્યો હતો. આપણે એવી તકલીફો અને ચિંતા સહેવી પડશે નહિ. પણ એક વાત ચોક્કસ છે કે, જેઓ ઈસુના પગલે ચાલે છે, તેઓએ કસોટીઓ સહેવી પડશે. (માથ. ૧૬:૨૪, ૨૫; યોહા. ૧૫:૨૦) ઈસુની જેમ અમુક વાર આપણા મનમાં પણ ઉથલપાથલ થઈ શકે. w૧૯.૦૪ ૮ ¶૧-૩

ગુરુવાર, જાન્યુઆરી ૨૧

“પવિત્ર શક્તિની આગ હોલવશો નહિ.”—૧ થેસ્સા. ૫:૧૯.

આપણે આ સવાલનો વિચાર કરવો જોઈએ: “યહોવાના સંગઠનના પૃથ્વી પરના ભાગ સાથે હું જોડાયેલો છું, એ માટે શું હું આભાર માનું છું?” યહોવાએ પુરાવો આપ્યો છે કે તેમના લોકોને તે આશીર્વાદ આપી રહ્યા છે. એટલે આપણે યહોવાનો ઘણો આભાર માનવો જોઈએ. (૧ થેસ્સા. ૫:૧૮) યહોવાના સંગઠનને ટેકો આપવા આપણે શું કરી શકીએ? સભાઓ, સંમેલનો અને સાહિત્યમાં મળતા બાઇબલ આધારિત માર્ગદર્શન પ્રમાણે ચાલીએ. ખુશખબર ફેલાવવામાં અને શીખવવાના કામમાં પૂરો ભાગ લઈએ. (૧ કોરીં. ૧૫:૫૮) આપણાં અર્પણો યહોવા સ્વીકારે એવું આપણે ચાહીએ છીએ. આપણે યહોવાના આભારી છીએ, એટલે તેમની સેવા કરીએ. યહોવાને દિલથી પ્રેમ કરીએ છીએ એટલે તેમની સેવામાં આપણાથી બનતું બધું કરીએ. યહોવા જે સંગઠનનો ઉપયોગ કરે છે, એને પૂરો ટેકો આપીએ. એમ કરીને બતાવીશું કે યહોવાના સાક્ષી બનવાનો જે લહાવો મળ્યો છે, એની આપણે કદર કરીએ છીએ. w૧૯.૧૧ ૨૫ ¶૧૭-૧૮

શુક્રવાર, જાન્યુઆરી ૨૨

“જે મારામાં શ્રદ્ધા મૂકે છે, . . . તે આના કરતાં મોટાં કામો કરશે.”—યોહા. ૧૪:૧૨.

ઈસુનો કહેવાનો અર્થ એવો નથી કે તેમના શિષ્યો ઈસુની જેમ ચમત્કારો કરશે. તેઓ તો ઘણી જગ્યાઓએ અને ઘણા લોકોને ખુશખબર જણાવશે અને શિષ્યો બનાવશે. તેઓ ઈસુ કરતાં પણ વધારે સમય સુધી એ કામ કરશે. જો તમે નોકરી કરતા હો તો આ સવાલો પર વિચાર કરો: “નોકરીની જગ્યાએ શું લોકો મને મહેનતુ ગણે છે? શું હું મારું કામ સમય પર પૂરું કરું છું? એ કામ શું હું મન લગાડીને કરું છું?” જો તમારો જવાબ હા હોય, તો તમે માલિકનો ભરોસો જીતી શકશો. સાથે કામ કરનારાઓ ખુશખબર સાંભળવા પણ તૈયાર થશે. ખુશખબર જણાવવાની અને શીખવવાની વાત આવે ત્યારે આ સવાલોનો વિચાર કરો: “શું ભાઈ-બહેનો મને મહેનતુ ગણે છે? શું હું પહેલી મુલાકાત માટે સારી તૈયારી કરું છું? શું હું રસ ધરાવનાર લોકોને તરત મળવા જાઉં છું? શું હું ખુશખબર ફેલાવવાની જુદી જુદી રીતોમાં નિયમિત ભાગ લઉં છું?” જો તમારો જવાબ હા હોય, તો તમને એ કામમાં મજા આવશે. w૧૯.૧૨ ૫ ¶૧૪-૧૫

શનિવાર, જાન્યુઆરી ૨૩

“તમારામાંનો દરેક પોતાના પર જેવો પ્રેમ રાખે છે, એવો પ્રેમ પોતાની પત્ની પર રાખે; અને પત્ની પોતાના પતિને પૂરા દિલથી માન આપે.”—એફે. ૫:૩૩.

જે યુગલો વિચારતા હોય કે તેઓને બાળકો થાય, તેઓએ બે મહત્ત્વના સવાલો પર વિચાર કરવો જોઈએ. પહેલો સવાલ, તેઓ ક્યારે બાળકો ઇચ્છે છે? બીજો સવાલ, તેઓ કેટલાં બાળકો ઇચ્છે છે? એ વિશે ચર્ચા કરવાનો યોગ્ય સમય કયો છે? શા માટે એ બંને સવાલો મહત્ત્વના છે? મોટા ભાગનાં યુગલો લગ્‍ન પહેલાં જ એ બે સવાલો પર ચર્ચા કરી લે છે. શા માટે? કારણ કે એ વિશે તેઓના વિચારો સરખા હોય એ ખૂબ મહત્ત્વનું છે. એ પણ વિચારવું જોઈએ કે તેઓ એ જવાબદારી ઉપાડવા તૈયાર છે કે કેમ. કેટલાંક યુગલોએ નક્કી કર્યું છે કે લગ્‍નના એકાદ બે વર્ષ પછી તેઓ માબાપ બનશે. કારણ કે બાળકો થયાં પછી તેઓની સંભાળ રાખવા પાછળ ઘણાં સમય-શક્તિ આપવાં પડે છે. તેઓ માને છે કે થોડો સમય રાહ જોવાથી પતિ-પત્ની તરીકે એકબીજા સાથે સમય પસાર કરી શકશે અને એકબીજાની નજીક આવી શકશે. w૧૯.૧૨ ૨૩ ¶૪-૫

રવિવાર, જાન્યુઆરી ૨૪

“મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.”—નીતિ. ૧૭:૧૭.

આખી દુનિયામાં યહોવાના ઘણા ભક્તો અઘરા સંજોગો અને દુઃખ-તકલીફોનો સામનો કરે છે. અમુક ભાઈ-બહેનો ગંભીર બીમારીનો સામનો કરે છે, જ્યારે કે બીજાં ભાઈ-બહેનો કોઈ સગાના મરણને લીધે શોકમાં છે. અમુકના કુટુંબમાંથી કે મિત્રોમાંથી કોઈએ યહોવાની ભક્તિ છોડી દીધી હોવાથી તેઓ દુઃખી છે. કેટલાંક ભાઈ-બહેનો કુદરતી આફતોનો ભોગ બન્યાં છે. એ બધાં ભાઈ-બહેનોને દિલાસાની ખૂબ જરૂર છે. આપણે કઈ રીતે તેઓને મદદ કરી શકીએ? વફાદાર મિત્રો બનીને. પાકા મિત્રો ભાઈ-બહેનોને મદદ કરવા પોતાનાં સમય-શક્તિ ખર્ચે છે. ચાલો પીટરભાઈનો દાખલો જોઈએ. તેમને ખબર પડી કે તેમને એવી બીમારી થઈ છે, જેના લીધે તેમની હાલત દિવસે ને દિવસે વધારે ખરાબ થતી જશે. તેમની પત્ની કેથરીન જણાવે છે: ‘મંડળનું એક યુગલ અમને દવાખાને લઈ ગયું, ત્યાં અમને પીટરની બીમારી વિશે જાણવા મળ્યું. તેઓએ એ જ ઘડીએ નક્કી કરી લીધું કે એ અઘરા સંજોગોમાં તેઓ અમને સાથ આપશે. અમને જ્યારે પણ તેઓની જરૂર પડી, ત્યારે તેઓએ મદદ કરી.’ સાચે જ, અઘરા સંજોગોમાં પાકા મિત્રોનો સાથ હોય તો કેટલો દિલાસો મળે! w૨૦.૦૧ ૮ ¶૧; ૯ ¶૫; ૧૦ ¶૬

સોમવાર, જાન્યુઆરી ૨૫

“તેઓ સર્વ પવિત્ર શક્તિથી ભરપૂર થયા અને એ શક્તિની મદદથી તેઓ અલગ અલગ ભાષાઓમાં બોલવા લાગ્યા.”—પ્રે.કા. ૨:૪.

સાલ ૩૩ના પચાસમાના દિવસે ઉપરના ઓરડામાં ભેગા થયેલા એ શિષ્યોમાં જો તમે હોત, તો તમને પૂરી ખાતરી થઈ ગઈ હોત કે, તમને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા છે. (પ્રે.કા. ૨:૫-૧૨) શિષ્યો સાથે પણ એવું જ થયું હતું! શું બધાને એવી જ રીતે પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવે છે? ના, એવું નથી. ચાલો જોઈએ કે એક વ્યક્તિને ક્યારે અભિષિક્ત કરવામાં આવે છે. પચાસમાના દિવસે ફક્ત ૧૨૦ ઈશ્વરભક્તોને જ પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા ન હતા. એ દિવસે પછીથી આશરે ૩,૦૦૦ લોકો પર પવિત્ર શક્તિ રેડવામાં આવી. તેઓએ બાપ્તિસ્મા લીધું ત્યારે તેઓ અભિષિક્ત થયા. (પ્રે.કા. ૨:૩૭, ૩૮, ૪૧) એ પછીનાં વર્ષોમાં બધા અભિષિક્તોને બાપ્તિસ્મા લેતી વખતે અભિષિક્ત કરવામાં આવ્યા ન હતા. સમરૂનીઓને બાપ્તિસ્માના થોડા સમય પછી અભિષિક્ત કરવામાં આવ્યા હતા. (પ્રે.કા. ૮:૧૪-૧૭) કર્નેલિયસ અને તેમના કુટુંબને અનોખી રીતે અભિષિક્ત કરવામાં આવ્યાં હતાં. તેઓ તો બાપ્તિસ્મા પામ્યા એ પહેલાં અભિષિક્ત થયાં હતાં.—પ્રે.કા. ૧૦:૪૪-૪૮. w૨૦.૦૧ ૨૦-૨૧ ¶૨-૪

મંગળવાર, જાન્યુઆરી ૨૬

“મેં તેઓને તમારું નામ જણાવ્યું છે.”—યોહા. ૧૭:૨૬.

ખુશખબરનાં ચાર પુસ્તકોમાં જોવા મળે છે કે ઈસુએ યહોવા માટે ઘણી વખત પિતા શબ્દ વાપર્યો છે. શા માટે ઈસુએ આટલી બધી વાર યહોવાનો પિતા તરીકે ઉલ્લેખ કર્યો હતો? કારણ કે એનાથી લોકોને ખબર પડે કે યહોવા એક પ્રેમાળ પિતા છે. (યોહા. ૧૭:૨૫) યહોવા તેમના દીકરા ઈસુ સાથે જે રીતે વર્ત્યા એનો વિચાર કરો. યહોવા હંમેશાં ઈસુની પ્રાર્થના સાંભળતા હતા. એટલું જ નહિ, એ પ્રાર્થનાઓનો જવાબ પણ આપતા હતા. (યોહા. ૧૧:૪૧, ૪૨) એટલે ભલે ઈસુ પર ગમે તેટલી કસોટીઓ આવી, તે હંમેશાં પોતાના પિતાનો પ્રેમ અને સાથ અનુભવી શક્યા. (લૂક ૨૨:૪૨, ૪૩) પ્રેમાળ પિતા યહોવા ચાહતા હતા કે ઈસુને પાકી ખાતરી થાય કે તે તેમની સાથે છે. (માથ. ૨૬:૫૩; યોહા. ૮:૧૬) પણ યહોવાએ ઈસુને બધી મુશ્કેલીઓમાંથી બચાવ્યા નહિ. એને બદલે એ સહન કરવાની તેમને શક્તિ આપી. ઈસુ જાણતા હતા કે પોતે જે તકલીફોનો સામનો કરી રહ્યા છે એ કાયમ માટે નથી. (હિબ્રૂ. ૧૨:૨) યહોવાએ ઈસુની પ્રાર્થનાઓ સાંભળી, જરૂરિયાતો પૂરી કરી, તાલીમ આપી અને સાથ આપ્યો. એમ કરીને યહોવાએ બતાવી આપ્યું કે તે ઈસુની કાળજી રાખે છે.—યોહા. ૫:૨૦; ૮:૨૮. w૨૦.૦૨ ૩ ¶૬-૭, ૯

બુધવાર, જાન્યુઆરી ૨૭

“બધું ઈશ્વરના મહિમા માટે કરો. તમે ઠોકરરૂપ ન બનો.”—૧ કોરીં. ૧૦:૩૧, ૩૨.

આપણે કોઈ રીત-રિવાજમાં ભાગ લઈશું કે નહિ એ નક્કી કરતી વખતે શું ધ્યાન રાખીશું? એનાથી બીજાઓને કેવું લાગશે, ખાસ તો આપણાં ભાઈ-બહેનોને. આપણે ચાહતા નથી કે કોઈને ઠોકર લાગે. (માર્ક ૯:૪૨) સાક્ષી નથી એવાં સગાઓને આપણે નારાજ કરવા માંગતા નથી. જો આપણે પ્રેમાળ હોઈશું, તો તેઓ સાથે માનથી વર્તીશું. એનાથી યહોવાને મહિમા મળશે. આપણે તેઓ સાથે ઝઘડવા કે તેઓના રિવાજોની મજાક ઉડાવવા માંગતા નથી. યાદ રાખો કે પ્રેમમાં ઘણી તાકાત છે! બીજાઓનો વિચાર કરીએ છીએ અને માનથી વર્તીએ છીએ ત્યારે, આપણા વિરોધીઓનાં દિલ પીગળી શકે છે. બીજાઓ જાણતા હોવા જોઈએ કે તમે યહોવાના સાક્ષી છો. (યશા. ૪૩:૧૦) વિચાર કરો કે તમારા કુટુંબમાં કોઈનું મરણ થાય છે અને તેઓનાં રીત-રિવાજોમાં તમે ભાગ લેતા નથી. એ વિશે જાણીને તમારાં સગાઓ અને પડોશીઓને ખોટું લાગી શકે. જો તમે પહેલેથી તમારી માન્યતાઓ વિશે જણાવ્યું હશે, તો તમે સંજોગોને સારી રીતે હાથ ધરી શકશો. મરણ વિશે બાઇબલ જે કહે છે એને આપણે વળગી રહેવું જોઈએ. બીજાઓને એ વિશે જણાવતા શરમાવું ન જોઈએ.—રોમ. ૧:૧૬. w૧૯.૦૪ ૧૭-૧૮ ¶૧૪-૧૬

ગુરુવાર, જાન્યુઆરી ૨૮

“હું તો પ્રેરિતોમાં સાવ મામૂલી છું અને પ્રેરિત ગણાવાને પણ લાયક નથી.”—૧ કોરીં. ૧૫:૯.

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે ખુશખબર ફેલાવવામાં ૧૨ શિષ્યો તેમની સાથે હતા. પણ પાઊલ ઈસુના સજીવન થયા પછી ખ્રિસ્તી બન્યા હતા. એટલે પાઊલને ૧૨ શિષ્યોમાંના એક બનવાનો લહાવો ક્યારેય મળ્યો ન હતો. એ ૧૨ શિષ્યોને ઈસુ સાથે રહેવા મળ્યું એની પાઊલે ક્યારેય ઈર્ષા કરી નહિ. સમય જતાં પાઊલ “પ્રજાઓ માટે પ્રેરિત” બન્યા હતા. (રોમ. ૧૧:૧૩; પ્રે.કા. ૧:૨૧-૨૬) પાઊલને જે લહાવો મળ્યો એનાથી તેમને સંતોષ હતો. પાઊલની જેમ જો આપણે નમ્ર અને સંતોષી હોઈશું, તો જેઓને યહોવાએ અધિકાર આપ્યો છે તેઓનો આદર કરીશું. (પ્રે.કા. ૨૧:૨૦-૨૬) યહોવાએ અમુક ભાઈઓને મંડળમાં આગેવાની લેવાનું કામ સોંપ્યું છે. તેઓથી પણ ભૂલો થાય છે, તોપણ યહોવા તેઓને માણસોમાં “ભેટ તરીકે” ગણે છે. (એફે. ૪:૮, ૧૧) આપણે તેઓને માન આપીશું અને તેઓના માર્ગદર્શન પ્રમાણે કરીશું તો, યહોવાની નજીક રહી શકીશું અને મંડળમાં શાંતિ જળવાશે. w૨૦.૦૨ ૧૭-૧૮ ¶૧૩-૧૪

શુક્રવાર, જાન્યુઆરી ૨૯

“આપણે પ્રેમ કરીએ છીએ, કેમ કે ઈશ્વરે પહેલા આપણને પ્રેમ કર્યો.” —૧ યોહા. ૪:૧૯.

યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો, એ પહેલાંથી જ તમને ઈશ્વર અને તેમનાં કામો વિશે જાણવાનું ગમતું હશે. સાક્ષીઓને મળ્યા પછી તેઓની સાથે હળવું-મળવું પણ તમને ગમતું હશે. પણ ફક્ત એટલી બાબતોને લીધે તમે યહોવાને સમર્પણ કરવા પ્રેરાતા નથી. તમારા દિલમાં યહોવા માટે પ્રેમ હશે તો જ તમે યહોવાને સમર્પણ કરશો અને બાપ્તિસ્મા લેશો. જો તમે સૌથી વધારે યહોવાને પ્રેમ કરતા હશો, તો કોઈ પણ બાબતને તેમની ભક્તિને આડે આવવા નહિ દો. અરે, કોઈ વ્યક્તિ પણ તમને એમ કરતા રોકી શકશે નહિ. યહોવા માટેનો પ્રેમ તમને બાપ્તિસ્મા લેવા મદદ કરશે. એટલું જ નહિ, બાપ્તિસ્મા લીધા પછી પણ યહોવાને વફાદાર રહેવા મદદ કરશે. ઈસુએ કહ્યું હતું તેમ, આપણે પૂરા દિલથી, પૂરા જીવથી, પૂરા મનથી અને પૂરા બળથી ઈશ્વર યહોવાને પ્રેમ કરવો જોઈએ. (માર્ક ૧૨:૩૦) તમે યહોવા માટે પ્રેમ અને માન કઈ રીતે બતાવી શકો? યહોવા તમને કેટલો પ્રેમ કરે છે, એનો વિચાર કરવાથી તેમના માટેનો પ્રેમ વધશે. w૨૦.૦૩ ૪ ¶૪-૫

શનિવાર, જાન્યુઆરી ૩૦

“તારું સેવાકાર્ય દરેક રીતે પૂરું કરજે.”—૨ તિમો. ૪:૫.

યહોવાની સેવામાં મહેનત કરવાનો શો અર્થ થાય? ખુશખબર ફેલાવવાના અને શીખવવાના કામમાં બનતું બધું કરીએ. આપણે પ્રચારમાં કેટલો સમય આપીએ છીએ એ નહિ, પણ કયા હેતુથી પ્રચાર કરીએ છીએ એ યહોવાની નજરે કીમતી છે. યહોવા અને પડોશીઓ માટે પ્રેમ હોવાથી આપણે યહોવાની સેવામાં દિલ રેડી દઈએ છીએ. (માર્ક ૧૨:૩૦, ૩૧; કોલો. ૩:૨૩) યહોવાની સેવામાં દિલ રેડી દેવાનો અર્થ થાય કે, આપણી પૂરી શક્તિ યહોવાની સેવામાં લગાડી દઈએ. ખુશખબર ફેલાવવાના કામને આપણે એક લહાવો ગણવો જોઈએ. એમ માનતા હોઈશું તો બને એટલા લોકોને ખુશખબર જણાવીશું. ખુશખબર ફેલાવવાના કામમાં આપણે જેટલો સમય આપવા માંગીએ છીએ એટલો કદાચ આપી શકતા નથી. પણ એ કામ આપણને બહુ ગમે છે. લોકોનાં દિલ સુધી ખુશખબર પહોંચાડવા પોતાની આવડત કેળવવા આપણે મહેનત કરીએ છીએ. આપણે ખુશખબર ફેલાવવાના કામને જીવનમાં પ્રથમ રાખીએ છીએ. w૧૯.૦૪ ૨-૩ ¶૩-૪; ૩ ¶૬

રવિવાર, જાન્યુઆરી ૩૧

“તેનામાં સત્ય નથી.”—યોહા. ૮:૪૪.

શેતાનનાં જૂઠાણાંથી લોકોની દુઃખ-તકલીફોમાં વધારો થાય છે. ધારો કે, કોઈ માબાપે પોતાનાં બાળકને ગુમાવ્યું છે અને તેઓ શોકમાં છે. તેઓને કહેવામાં આવે છે કે એ તો ઈશ્વરનું ગમતું ફૂલ હતું. એટલે ઈશ્વરે તેને પોતાની પાસે બોલાવી લીધું અને કદાચ તે એક દેવદૂત બની જશે. શેતાનના આ જૂઠાણાથી શું તેઓનું દુઃખ હળવું થશે કે વધશે? નરકના ખોટા શિક્ષણને લીધે લોકો એવું માને છે કે બીજાઓને રિબાવવામાં કંઈ ખોટું નથી. ચર્ચના શિક્ષણનો જેઓ વિરોધ કરે, તેઓને થાંભલા પર જીવતા સળગાવી દેવામાં પણ લોકોને કંઈ ખોટું લાગતું ન હતું. સ્પેનની એક કોર્ટ ઘણાં વર્ષોથી એવા લોકોને સતાવતી અને રિબાવતી, જેઓ કૅથલિક ચર્ચના શિક્ષણનો વિરોધ કરતા. “નરક કેવું હોય એની ઝલક” આપવા અમુક જજ તેઓને જીવતા બાળવાનો હુકમ આપતા. તેઓ માનતા કે એમ કરવાથી એવા લોકો મરતા પહેલાં પસ્તાવો કરીને નરકની સજામાંથી બચી શકે છે. અમુક દેશોમાં ગુજરી ગયેલા પૂર્વજોની ભક્તિ કરવાનું લોકોને દબાણ કરવામાં આવે છે. તેઓ માને છે કે એમ કરવાથી પૂર્વજોને આદર અને લોકોને આશીર્વાદ મળશે. બીજા અમુક લોકો પૂર્વજો હેરાન ન કરે માટે તેઓને ખુશ રાખવા માંગે છે. શેતાનનાં જૂઠાણાંને આધારે ફેલાયેલી માન્યતાઓથી સાચો દિલાસો મળતો નથી. એનાથી તો ચિંતા અને ડર આપણા દિલમાં ઘર કરી જાય છે. w૧૯.૦૪ ૧૪ ¶૧; ૧૬ ¶૧૦

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો