પાઠ ૫
નૂહનું વહાણ
સમય જતાં પૃથ્વી પર માણસોની સંખ્યા ઘણી વધી ગઈ. એમાંના મોટા ભાગના લોકો ખરાબ કામ કરતા હતા. સ્વર્ગમાંના અમુક દૂતો પણ ખરાબ કામ કરવા લાગ્યા. તેઓ સ્વર્ગ છોડીને નીચે પૃથ્વી પર આવી ગયા. તમને ખબર છે તેઓએ એવું કેમ કર્યું? એ માટે કે તેઓ માણસ બનીને સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે.
લગ્ન પછી તેઓના દીકરાઓ થયા. એ દીકરાઓ મોટા થઈને ઘણા શક્તિશાળી બન્યા અને ગુંડાગર્દી કરવા લાગ્યા. તેઓ લોકો સાથે મારામારી કરતા. યહોવા ચાહતા ન હતા કે આવાં ખરાબ કામો ચાલતાં રહે. તેમણે નક્કી કર્યું કે આખી પૃથ્વી પર જળપ્રલય, એટલે કે મોટું પૂર લાવશે અને ખરાબ લોકોનો નાશ કરશે.
પણ એક માણસ બધાથી અલગ હતા. તે યહોવાને ખૂબ પ્રેમ કરતા હતા. તેમનું નામ હતું, નૂહ. તેમને એક પત્ની અને ત્રણ દીકરા હતા. એ દીકરાઓનાં નામ હતાં: શેમ, હામ અને યાફેથ. દરેક દીકરાની એક પત્ની હતી. નૂહ અને તેમનું કુટુંબ મોટાં પૂરમાંથી બચી શકે, એટલે યહોવાએ નૂહને એક મોટું વહાણ બનાવવા કહ્યું. એ વહાણ લાકડાની એક મોટી પેટી જેવું હતું. યહોવા પ્રાણીઓને પણ બચાવવા માંગતા હતા. એટલે તેમણે ઘણાં પ્રાણીઓને પણ વહાણમાં લાવવા કહ્યું.
નૂહે તરત જ વહાણ બનાવવાનું શરૂ કર્યું. નૂહ અને તેમના કુટુંબને વહાણ બનાવતા લગભગ ૫૦ વર્ષ લાગ્યાં. યહોવાએ કહ્યું હતું એવું જ વહાણ તેઓએ બનાવ્યું. વહાણ બનાવવાની સાથે સાથે નૂહે લોકોને જણાવ્યું કે એક મોટું પૂર આવવાનું છે, પણ કોઈએ તેમનું સાંભળ્યું નહિ.
આખરે વહાણમાં અંદર જવાનો સમય આવી ગયો હતો. ચાલો જોઈએ કે પછી શું થયું.
“જેવું નૂહના દિવસોમાં થયું હતું, એવું જ માણસના દીકરાની હાજરીના સમયે થશે.”—માથ્થી ૨૪:૩૭