પ્રકરણ ૧
‘જાઓ, શિષ્યો બનાવો’
પ્રેરિતોનાં કાર્યોની ઝલક અને એની માહિતી આપણને કઈ રીતે અસર કરે છે?
૧-૬. દાખલો આપીને સમજાવો કે ભાઈ-બહેનો કેવા અલગ અલગ સંજોગોમાં પ્રચાર કરે છે.
રીબેકા ઘાનામાં રહે છે અને તે યહોવાની સાક્ષી છે. તેણે પોતાની સ્કૂલને પ્રચાર વિસ્તાર બનાવ્યો હતો. તે બેગમાં હંમેશાં બાઇબલને લગતું સાહિત્ય રાખતી હતી. તે રિસેસમાં બીજા વિદ્યાર્થીઓને સાક્ષી આપવાની તક શોધતી હતી. રીબેકાએ ઘણા વિદ્યાર્થીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો હતો.
૨ આફ્રિકાના પૂર્વ તટ નજીક માડાગાસ્કર નામનો એક ટાપુ છે. ત્યાં રહેતા બે પાયોનિયરો અવાર-નવાર ધગધગતી ગરમીમાં આશરે ૨૫ કિલોમીટર ચાલીને દૂરના એક ગામમાં જતા હતા. બાઇબલમાંથી શીખવા માંગતા ઘણા લોકોનો તેઓ અભ્યાસ ચલાવતા હતા.
૩ પૅરાગ્વે દેશમાં રહેતાં ભાઈ-બહેનોએ અને બીજા ૧૫ દેશના સ્વયંસેવકોએ ૪૫ ટનની હોડી બનાવી હતી. એ હોડી ૧૨ લોકો રહી શકે એટલી મોટી હતી. ભાઈ-બહેનો આ હોડીની મદદથી પૅરાગ્વે અને પારાના નદીની આસપાસ રહેતા લોકોને ખુશખબર જણાવી શક્યાં. તેઓ એવી જગ્યાએ પ્રચાર કરી શક્યાં જ્યાં પહોંચવું અઘરું હતું.
૪ અમેરિકાના એકદમ દૂરના વિસ્તાર, અલાસ્કામાં રહેતાં ભાઈ-બહેનોએ ખુશખબર ફેલાવવાની સરસ તક ઝડપી હતી. ઉનાળાના મહિનાઓમાં અલગ અલગ દેશોમાંથી ઘણા લોકો વહાણોમાં અલાસ્કાની મુલાકાતે આવતા હોય છે. એટલે ત્યાંનાં ભાઈ-બહેનોએ બંદર પર વહાણોની નજીક જાહેર પ્રચારની ગોઠવણ કરી. લોકો જોઈ શકે એ રીતે તેઓએ અલગ અલગ ભાષાનાં સાહિત્ય રાખ્યાં હતાં. એટલું જ નહિ, દૂરનાં ગામડાઓમાં ખુશખબર ફેલાવવા ભાઈ-બહેનોએ વિમાનનો પણ ઉપયોગ કર્યો. આમ તેઓ એલ્યુટ, એથાબાસ્કન, ચિમશિયાન અને લિંગિટ જાતિના લોકોને પ્રચાર કરી શક્યાં.
૫ લેરીભાઈ અમેરિકાના ટૅક્સસમાં રહેતા હતા. એક ઍક્સિડન્ટને લીધે તે હરી-ફરી શકતા ન હતા એટલે તેમણે વ્હિલચૅરનો સહારો લેવો પડ્યો. તેમણે એવી જગ્યાએ રહેવું પડ્યું, જ્યાં વૃદ્ધ અને બીમાર લોકોની સંભાળ રાખવામાં આવે છે. તેમણે એને જ પોતાનો પ્રચાર વિસ્તાર બનાવ્યો હતો. તે લોકોને ઈશ્વરના રાજ્યનો સંદેશો જણાવવાની એકેય તક જવા દેતા નહિ. નવી દુનિયામાં તે ફરીથી ચાલી શકશે એ આશા વિશે પણ લોકોને જણાવતા હતા.—યશા. ૩૫:૫, ૬.
૬ અમુક ભાઈ-બહેનો ઉત્તર મ્યાનમારના એક સંમેલનમાં જવા માંગતાં હતાં. એ માટે તેઓએ માંડલેથી હોડીમાં ત્રણ દિવસની મુસાફરી કરી. તેઓમાં પ્રચાર કરવાનો ખૂબ જોશ હતો. એટલે તેઓએ પોતાની સાથે સાહિત્ય રાખ્યાં હતાં. તેઓ મુસાફરી કરતા લોકોને એ સાહિત્ય આપતાં હતાં. જ્યારે હોડી કોઈ એક ગામમાં ઊભી રહેતી, ત્યારે તેઓ ફટાફટ ઊતરીને આસપાસના વિસ્તારના લોકોને મળીને સાહિત્ય આપતાં હતાં. પછી તેઓ હોડીમાં પાછા આવતાં અને નવા મુસાફરો ચઢ્યા હોય તેઓને પ્રચાર કરતા હતાં.
૭. યહોવાના ભક્તો કઈ અલગ અલગ રીતે પ્રચાર કરે છે અને દરેકની ઇચ્છા શું છે?
૭ આપણે તો અમુક જ દાખલા જોયા, પણ આખી દુનિયામાં યહોવાના ભક્તો પૂરા ઉત્સાહથી “ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી” આપી રહ્યા છે. (પ્રે.કા. ૨૮:૨૩) તેઓ ઘરે ઘરે જઈને, રસ્તા પર, પત્ર લખીને કે ફોનથી ખુશખબર જણાવે છે. તેઓ બસમાં મુસાફરી કરતી વખતે, બાગ-બગીચામાં અથવા કામની જગ્યાએ રિસેસમાં સંદેશો જણાવે છે. તેઓ ઈશ્વરના રાજ્ય વિશે જણાવવાની એકેય તક જવા દેતા નથી. ભલે બધા અલગ અલગ રીતે પ્રચાર કરે છે, પણ દરેકની ઇચ્છા એ જ છે કે જ્યાં પણ લોકો મળે ત્યાં ખુશખબર જણાવે.—માથ. ૧૦:૧૧.
૮, ૯. (ક) પ્રચારકામ આગળ વધી રહ્યું છે એ કેમ એક ચમત્કારથી ઓછું નથી? (ખ) આપણને કયો સવાલ થઈ શકે અને એનો જવાબ મેળવવા શું કરવું જોઈએ?
૮ આજે યહોવાના લાખો ભક્તો ૨૩૫ કરતાં વધારે દેશોમાં ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવી રહ્યા છે. દુનિયા ફરતે ચાલી રહેલા એ કામમાં તમે પણ ભાગ લેતા હશો. આમ તમે એ કામને આગળ વધારવા મદદ કરી રહ્યા છો. ખુશખબર ફેલાવતી વખતે આપણી સામે ઘણી નડતરો આવે છે. અરે, સરકારો આપણા કામ પર પ્રતિબંધ મૂકે છે. આપણી સખત સતાવણી થાય છે. એવામાં પણ આપણે બધા દેશના લોકોને ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી આપતા રહીએ છીએ. સાચે જ, પ્રચારકામ જે રીતે આગળ વધી રહ્યું છે, એ ચમત્કારથી ઓછું નથી!
૯ આપણી સામે આટલી નડતરો આવે છે અને શેતાન પણ વિરોધ કરે છે, તોપણ પ્રચારકામ કેમ અટક્યું નથી? એનો જવાબ મેળવવા આપણે પહેલી સદીમાં પાછા જવું પડશે. કેમ કે આજે આપણે એ જ કામ કરી રહ્યા છીએ, જે કામ એ સમયના શિષ્યોએ શરૂ કર્યું હતું.
સૌથી મહત્ત્વનું કામ
૧૦. ઈસુ માટે કયું કામ સૌથી મહત્ત્વનું હતું અને એ કામ વિશે તે શું જાણતા હતા?
૧૦ ઈસુ ખ્રિસ્તે ખ્રિસ્તી મંડળની શરૂઆત કરી હતી. તેમની માટે પ્રચારકામ સૌથી મહત્ત્વનું હતું. તેમણે એ કામમાં પોતાનો જીવ રેડી દીધો. એકવાર તેમણે કહ્યું: “ઈશ્વરના રાજ્યની ખુશખબર મારે બીજાં શહેરોમાં પણ જણાવવાની છે, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.” (લૂક ૪:૪૩) ઈસુ જાણતા હતા કે તેમણે જે કામ શરૂ કર્યું છે, એ તે એકલા હાથે પૂરું નહિ કરી શકે. તેમણે પોતાના મરણના થોડા સમય પહેલાં ભવિષ્યવાણી કરી કે “બધા દેશોમાં” સંદેશો જણાવવામાં આવશે. (માર્ક ૧૩:૧૦) પણ એ કામ કઈ રીતે પૂરું થશે અને એ કોણ કરશે?
“જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો.”—માથ્થી ૨૮:૧૯
૧૧. ઈસુએ પોતાના શિષ્યોને કયું મોટું કામ સોંપ્યું અને એ કામ પૂરું કરવા તેઓને કઈ કઈ મદદ મળવાની હતી?
૧૧ ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા પછી, તે પોતાના શિષ્યોને મળ્યા. તેમણે તેઓને બહુ મોટું કામ સોંપ્યું. તેમણે કહ્યું: “એ માટે જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો. તેઓને પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો. મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ બધી પાળવાનું તેઓને શીખવો. જુઓ! દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.” (માથ. ૨૮:૧૯, ૨૦) ઈસુએ કહ્યું: ‘હું તમારી સાથે છું.’ એ શબ્દોથી ઈસુએ ખાતરી અપાવી કે તે શિષ્યોને પ્રચારકામમાં અને શિષ્યો બનાવવાના કામમાં સાથ આપશે. શિષ્યોને તેમના સાથની ખૂબ જરૂર હતી, કેમ કે ઈસુએ શિષ્યોને કહ્યું હતું કે “બધી પ્રજાઓ તમારો ધિક્કાર કરશે.” (માથ. ૨૪:૯) શિષ્યો પાસે બીજી પણ એક મદદ હતી. સ્વર્ગમાં જતાં પહેલાં ઈસુએ જણાવ્યું હતું કે તેઓ પર પવિત્ર શક્તિ આવશે ત્યારે તેઓને બળ મળશે. એની મદદથી તેઓ “પૃથ્વીના છેડા સુધી” ઈસુ વિશે સાક્ષી આપી શકશે.—પ્રે.કા. ૧:૮.
૧૨. આપણને કેવા સવાલ થઈ શકે અને એના જવાબ જાણવા કેમ જરૂરી છે?
૧૨ આપણને સવાલ થાય: ‘શું પ્રેરિતોએ અને પહેલી સદીના શિષ્યોએ ઈસુએ સોંપેલું કામ પૂરું કરવા બનતું બધું કર્યું હતું? તેઓની સંખ્યા બહુ ઓછી હતી અને તેઓની આકરી સતાવણી થતી હતી, તોપણ શું તેઓ ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી આપી શક્યા હતા? શિષ્ય બનાવવાના કામમાં શું તેઓને યહોવાની અને તેમની પવિત્ર શક્તિની મદદ મળી હતી?’ આ અને એના જેવા બીજા સવાલોના જવાબ આપણને પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાંથી મળે છે. એ સવાલોના જવાબ જાણવા ખૂબ જરૂરી છે. કેમ કે ખુશખબર ફેલાવવાની જવાબદારી ઈશ્વરના બધા ભક્તોને સોંપવામાં આવી છે. ઈસુએ વચન આપ્યું હતું કે તેમણે સોંપેલું કામ “દુનિયાના અંત સુધી” ચાલતું રહેશે, એ કારણે ખુશખબર ફેલાવવાની જવાબદારી આપણી પણ છે. એટલે આપણે પ્રેરિતોનાં કાર્યોમાં જણાવેલા બનાવોનો ઊંડો અભ્યાસ કરવા માંગીએ છીએ.
પ્રેરિતોનાં કાર્યોની ઝલક
૧૩, ૧૪. (ક) પ્રેરિતોનાં કાર્યોનું પુસ્તક કોણે લખ્યું અને એ લેખકે કઈ રીતે માહિતી મેળવી? (ખ) પ્રેરિતોનાં કાર્યોમાં કઈ માહિતી છે?
૧૩ પ્રેરિતોનાં કાર્યોનું પુસ્તક કોણે લખ્યું? પુસ્તકમાં જણાવ્યું તો નથી કે એના લેખક કોણ છે. પણ એના શરૂઆતના શબ્દોથી ખબર પડે છે કે જેમણે લૂકનું પુસ્તક લખ્યું, તેમણે આ પુસ્તક પણ લખ્યું છે. (લૂક ૧:૧-૪; પ્રે.કા. ૧:૧, ૨) ઘણા સમયથી લોકોનું માનવું છે કે આ પુસ્તક લૂકે લખ્યું હતું. તે એક “વહાલા વૈદ” અને સારા ઇતિહાસકાર હતા. (કોલો. ૪:૧૪) આ પુસ્તકમાં આશરે ૨૮ વર્ષનો ઇતિહાસ છે. ઈસુ સાલ ૩૩માં સ્વર્ગમાં ગયા ત્યારથી લઈને આશરે ૬૧ની સાલમાં પાઉલ રોમમાં કેદ હતા, ત્યાં સુધીના સમયગાળા વિશે એમાં લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં લૂક અમુક વાર “તેઓ” શબ્દ વાપરે છે, તો અમુક વાર “અમે.” “અમે” શબ્દથી ખ્યાલ આવે છે કે એ બનાવોમાં તે પોતે પણ હાજર હતા. (પ્રે.કા. ૧૬:૮-૧૦; ૨૦:૫; ૨૭:૧) લૂક ચાહતા હતા કે તે જે કંઈ પણ લખે એ એકદમ સાચું હોય, એટલે તેમણે પાઉલ, બાર્નાબાસ, ફિલિપ અને બીજા પાસેથી માહિતી મેળવી હશે.
૧૪ પ્રેરિતોનાં કાર્યોમાં કઈ માહિતી છે? લૂકના પુસ્તકમાં લૂકે ઈસુએ કહેલી વાતો અને કામો વિશે લખ્યું છે. પણ પ્રેરિતોનાં કાર્યોના પુસ્તકમાં લૂકે ઈસુના શિષ્યોએ કહેલી વાતો અને કામો વિશે લખ્યું છે. એ પુસ્તકમાં ઈસુના શિષ્યોએ કરેલાં મોટાં મોટાં કામો વિશે લખવામાં આવ્યું છે. એ શિષ્યોમાંથી ઘણાને તો દુનિયાના લોકો “અભણ અને સામાન્ય” માણસો ગણતા હતા. (પ્રે.કા. ૪:૧૩) પવિત્ર શક્તિની મદદથી લખાયેલા આ પુસ્તકમાં જણાવ્યું છે કે ખ્રિસ્તી મંડળની શરૂઆત કઈ રીતે થઈ અને એમાં કઈ રીતે વધારો થતો ગયો. એ પણ જણાવ્યું છે કે પહેલી સદીના ખ્રિસ્તીઓએ કઈ રીતે પ્રચાર કર્યો અને તેઓએ કેવું વલણ રાખ્યું. (પ્રે.કા. ૪:૩૧; ૫:૪૨) આ પુસ્તક એ વાત પર પણ ધ્યાન દોરે છે કે ખુશખબર ફેલાવવામાં પવિત્ર શક્તિએ કઈ રીતે મદદ કરી. (પ્રે.કા. ૮:૨૯, ૩૯, ૪૦; ૧૩:૧-૩; ૧૬:૬; ૧૮:૨૪, ૨૫) બાઇબલના બાકીના પુસ્તકોની જેમ આમાં પણ બાઇબલના મુખ્ય વિષય પર ભાર મૂકવામાં આવ્યો છે. એ વિષય છે કે ઈશ્વરના રાજ્ય દ્વારા ખ્રિસ્ત કઈ રીતે યહોવાના નામને પવિત્ર મનાવે છે. વધુમાં એ પણ જણાવ્યું છે કે આકરી સતાવણી હોવા છતાં કઈ રીતે શિષ્યો ખુશખબર ફેલાવી શક્યા.—પ્રે.કા. ૮:૧૨; ૧૯:૮; ૨૮:૩૦, ૩૧.
૧૫. પ્રેરિતોનાં કાર્યોનો અભ્યાસ કરવાથી કેવા ફાયદા થશે?
૧૫ પ્રેરિતોનાં કાર્યોમાં નોંધેલા બનાવો વાંચવાથી આપણાં રુવાંટાં ઊભાં થઈ જાય છે અને એનો અભ્યાસ કરવાથી આપણી શ્રદ્ધા વધે છે. પહેલી સદીના ઉત્સાહી શિષ્યોએ હિંમતથી પ્રચાર કર્યો હતો. જો આપણે એના પર વિચાર કરીશું તો તેઓ માટે આપણી કદર વધશે. તેઓની શ્રદ્ધાને પગલે ચાલવા ઉત્તેજન મળશે. એનાથી ઈસુએ આપેલી આ આજ્ઞા પાળવા પણ મદદ મળશે: ‘જાઓ, શિષ્યો બનાવો.’ તમે હમણાં જે પુસ્તક વાંચી રહ્યા છો, એ તમને પ્રેરિતોનાં કાર્યોનો ઊંડો અભ્યાસ કરવા મદદ કરશે.
બાઇબલનો અભ્યાસ કરવા મદદ કરતું પુસ્તક
૧૬. આ પુસ્તકના કયા ત્રણ ધ્યેય છે?
૧૬ આ પુસ્તકનો ધ્યેય શું છે? એના ત્રણ ધ્યેય છે: (૧) યહોવા પોતાની પવિત્ર શક્તિથી પ્રચાર અને શિષ્યો બનાવવાના કામમાં મદદ કરે છે, એ વાત પર આપણો ભરોસો મજબૂત થાય. (૨) પહેલી સદીના શિષ્યોના દાખલા પર વિચાર કરવાથી આપણો ઉત્સાહ વધે. (૩) યહોવાના સંગઠન માટે તેમજ મંડળ અને પ્રચારની દેખરેખ રાખતા ભાઈઓ માટે આપણી કદર વધે.
૧૭, ૧૮. (ક) આ પુસ્તક કઈ રીતે તૈયાર કરવામાં આવ્યું છે? (ખ) આ પુસ્તકની કઈ ખાસિયતો આપણને બાઇબલનો અભ્યાસ કરવા મદદ કરશે?
૧૭ આ પુસ્તક કઈ રીતે તૈયાર કરવામાં આવ્યું છે? એમાં આઠ ભાગ છે. દરેક ભાગમાં પ્રેરિતોનાં કાર્યોના અમુક અધ્યાયોની માહિતી છે. આ પુસ્તકમાં એકેએક કલમ સમજાવવામાં આવી નથી. પણ એ જણાવવામાં આવ્યું છે કે પ્રેરિતોનાં કાર્યોના બનાવોમાંથી આપણે શું શીખી શકીએ અને એ કઈ રીતે લાગુ પાડી શકીએ. દરેક પ્રકરણની શરૂઆતમાં એનો મુખ્ય મુદ્દો એકાદ વાક્યમાં જણાવ્યો છે. પછી પ્રેરિતોનાં કાર્યોની અમુક કલમો આપી છે, જેના પર પ્રકરણમાં ચર્ચા કરવામાં આવશે.
૧૮ આ પુસ્તકની બીજી ઘણી ખાસિયતો છે. એ આપણને બાઇબલનો ઊંડો અભ્યાસ કરવા મદદ કરશે. એની એક ખાસિયત છે કે એમાં સુંદર ચિત્રો આપ્યાં છે. એની મદદથી આપણે પ્રેરિતોનાં કાર્યોમાં બનેલા બનાવોની કલ્પના કરી શકીએ છીએ. બીજી ખાસિયત છે, વધારે માહિતી આપતાં બૉક્સ. અમુક બૉક્સમાં એવા લોકોના જીવન વિશે માહિતી છે, જેઓની શ્રદ્ધાને પગલે આપણે ચાલવા માંગીએ છીએ. અમુક બૉક્સમાં પ્રેરિતોનાં કાર્યોમાં જણાવેલી જગ્યા, બનાવો, રીતરિવાજો અથવા બીજા લોકો વિશે વધારે માહિતી આપી છે.
થોડો જ સમય બાકી છે એટલે પ્રચાર વિસ્તાર આવરવા બનતું બધું કરીએ
૧૯. આપણે સમયે સમયે શાનો વિચાર કરવો જોઈએ?
૧૯ આ પુસ્તક આપણને દિલમાં ડોકિયું કરવા મદદ કરશે. આપણે યહોવાની સેવામાં કેવું કરી રહ્યા છીએ એ પારખવા મદદ કરશે. ભલે આપણે ઘણાં વર્ષોથી પ્રચારકામ કરતા હોઈએ, તોપણ સમયે સમયે વિચારવું જોઈએ કે આપણા માટે જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે અને પ્રચારકામ માટે આપણું વલણ કેવું છે. (૨ કોરીં. ૧૩:૫) આ સવાલોનો પણ વિચાર કરીએ: ‘શું હું હંમેશાં મનમાં રાખું છું કે પ્રચાર માટે હવે થોડો જ સમય બાકી રહ્યો છે? (૧ કોરીં. ૭:૨૯-૩૧) શું હું પાકી ખાતરી સાથે અને પૂરા ઉત્સાહથી ખુશખબર ફેલાવું છું? (૧ થેસ્સા. ૧:૫, ૬) શું હું પ્રચારમાં અને શિષ્યો બનાવવાના કામમાં પોતાનાથી બનતું બધું કરું છુ?’—કોલો. ૩:૨૩.
૨૦, ૨૧. આજે પહેલાં કરતાં પ્રચારકામ કેમ વધારે મહત્ત્વનું છે? આપણે શું નિર્ણય લેવો જોઈએ?
૨૦ હંમેશાં યાદ રાખીએ કે આપણને સૌથી મહત્ત્વનું કામ સોંપવામાં આવ્યું છે. એ છે પ્રચાર અને શિષ્યો બનાવવાનું કામ. જેમ જેમ દિવસો વીતે છે, તેમ તેમ એ કામનું મહત્ત્વ વધતું જાય છે. જલદી જ આ દુનિયાનો અંત આવશે એટલે પહેલાં કરતાં આજે વધારે લોકોનું જીવન દાવ પર લાગેલું છે. આપણને નથી ખબર કે સંદેશો સ્વીકારે એવા સારાં દિલના લોકો કેટલા છે. (પ્રે.કા. ૧૩:૪૮) પણ એ આપણી જવાબદારી છે કે મોડું થાય એ પહેલાં તેઓને મદદ કરીએ.—૧ તિમો. ૪:૧૬.
૨૧ એટલે જરૂરી છે કે આપણે પહેલી સદીના ઉત્સાહી શિષ્યોના પગલે ચાલીએ. અમે આશા રાખીએ છીએ કે આ પુસ્તકનો ઊંડો અભ્યાસ કરવાથી પ્રચાર માટે તમારો જોશ અને હિંમત વધે. અમે એ પણ ચાહીએ છીએ કે ‘ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી આપવાનો’ તમે જે નિર્ણય લીધો છે, એ દૃઢ થાય.—પ્રે.કા. ૨૮:૨૩.