પ્રકરણ ૧૧
શું મારાં કપડાં મારી ખરી ઓળખ આપે છે?
“એ બહુ ટૂંકો નથી,” પેગીએ તેના માબાપ સામે બૂમ પાડી. “તમે તો જૂનવાણી જ રહ્યાં!” પછી તે પોતાની રૂમમાં દોડી ગઈ—તે પહેરવા માગતી હતી એવા સ્કર્ટ વિષેના ઝગડાની મહાન પૂર્ણાહુતિ. અને કદાચ તમે પણ તમને ગમતા કોઈક કપડા વિષે માબાપે, શિક્ષકે, અથવા શેઠે ટીકા કરી હોય ત્યારે, એવા જ વિવાદનું કેન્દ્ર બન્યા હશો. તમે એને સામાન્ય કહ્યું; તેઓએ એને ઢંગધડા વિનાનું કહ્યું. તમે એને છટાદાર કહ્યું; તેઓએ એને ઠઠારો અથવા ઉશ્કેરાટજનક કહ્યું.
સ્વીકાર્યપણે, પસંદગી જુદી જુદી હોય છે, અને તમને પોતાનાં અભિપ્રાયો ધરાવવાનો હક્ક છે. પરંતુ શું એનો અર્થ એમ થાય કે તમે કેવાં કપડાં પહેરો છો એની બાબતે ‘બધું જ ચાલે’?
ખરો સંદેશો?
“તમે જે પહેરો છો,” પેમ નામની છોકરી કહે છે, “એ ખરેખરા તમે છો અને તમને પોતાને વિષે કેવું લાગે છે એ છે.” હા, કપડાં સંદેશો મોકલે છે, બીજાઓને તમારે વિષેનું કથન. કપડાં નિષ્ઠા, સ્થિરતા, ઉચ્ચ નૈતિક ધોરણોનો અણસાર કરી શકે. અથવા એ બળવો અને અસંતોષનો પોકાર કરી શકે. એ ઓળખ તરીકે પણ કાર્ય કરી શકે. ઘણાં યુવાનો ટ્રેડમાર્કની જેમ ફાટેલાં કાબર-ચીતરી સ્ટાઈલવાળાં કે ખર્ચાળ રીતે તૈયાર કરાયેલાં કપડાંનો ઉપયોગ કરે છે. બીજાઓ, વિરુદ્ધ જાતિની વ્યકિતને આકર્ષવા અથવા પોતે ખરેખર છે એના કરતાં વધુ મોટા દેખાવા માટે કપડાંનો ઉપયોગ કરે છે.
આમ યુવાનો માટે કપડાં આટલા બધા મહત્ત્વના શા માટે હોય છે એ જોવું સહેલું છે. તેમ છતાં, ડ્રેસ ફોર સકસેશના લેખક, જોન ટી. મોલોય ચેતવણી આપે છે: “આપણે કેવાં કપડાં પહેરીએ છીએ એની આપણને મળતાં લોકો પર નોંધપાત્ર છાપ પડે છે અને તેઓ આપણી સાથે કેવો વ્યવહાર કરે છે એના પર મોટી અસર કરે છે.”
એમાં કંઈ નવાઈ નથી કે તમારાં માબાપ તમે કેવાં કપડાં પહેરો છો એ વિષે ચિંતાતુર છે! તેઓને માટે એ વ્યકિતગત પસંદગીના વાદવિષય કરતા વધુ છે. તેઓ ઇચ્છે છે કે તમે ખરો સંદેશો પાઠવો, એવો કે જે તમારી સમતુલિત, જવાબદાર વ્યકિત તરીકેની છાપ ઉપજાવે. તેમ છતાં, તમે પહેરો છો એ કપડાં શું એ સિદ્ધ કરે છે? કપડાંની તમારી પસંદગી શાનાથી દોરવાય છે?
“મારા મિત્રો જે કરવા માગે છે એ હું કરું છું”
ઘણાં યુવાનો માટે, કપડાં તેઓની સ્વતંત્રતા અને વ્યકિતગતપણાંનું કથન છે. પરંતુ યુવાન તરીકે, તમારું વ્યકિતત્વ હજુ પણ ચલાયમાન સ્થિતિમાં છે—હજુ વિકસી રહ્યું છે, હજુ બદલાઈ રહ્યું છે. તેથી તમે પોતાને વિષે કથન કરવા માગતા હો, પરંતુ તમને શું કહેવું અથવા કઈ રીતે કહેવું એ વિષે પાકી ખાતરી ન હોય શકે. આમ કેટલાક યુવાનો પોતાને ઢંગધડા વિનાના, ભપકાદાર કપડાંથી શણગારે છે. જો કે, તેઓ પોતાનું ‘વ્યકિતગતપણું’ સ્થાપિત કરવાને બદલે, પોતાની અપરિપકવતા તરફ ધ્યાન દોરે છે—પોતાનાં માબાપને શરમિંદા કરવાની તો વાત જ બાજુએ રહી.
બીજા યુવાનોને ફકત પોતાનાં સમોવડિયા જેવા કપડાં પહેરવાનું ગમે છે; એ તેઓને સલામતીની લાગણી અને સબંધિત વૃંદની ઓળખ આપતાં જણાય છે. અલબત્ત, લોકો સાથે ભળવું ખોટું હોય એવું જરૂરી નથી. (સરખાવો ૧ કોરીંથી ૯:૨૨.) પરંતુ શું એક ખ્રિસ્તી ખરેખર પોતાને અવિશ્વાસી યુવાનો સાથે ઓળખાવવાનું ઇચ્છશે? અને શું કોઈ પણ ભોગે સમોવડિયાની સ્વીકૃતી શોધવી ડહાપણભર્યું છે? એક યુવાન છોકરીએ કબૂલ્યું: “મારા મિત્રો જે કરવા માગે છે એ હું કરું છું જેથી તેઓ કંઈ કહે નહિ.” પરંતુ જે વ્યકિત બીજાની આંગળી પકડીને દોરવાતી હોય, અને જે બીજાની પસંદગી અને તરંગો સમક્ષ નમી જતી હોય એવી વ્યકિતને તમે શું કહો? બાઈબલ જવાબ આપે છે: “શું તમે નથી જાણતા, કે જેની આજ્ઞા પાળવા સારુ તમે પોતાને દાસ તરીકે સોંપો છો, . . . તેના દાસ તમે છો.”—રૂમી ૬:૧૬.
યુવાન લોકો મધ્યે “અમલમાં મૂકવા બાબતમાં એટલો બધો ભાર મૂકવામાં આવે છે કે વૃંદના સભ્યો કેવાં કપડાં પહેરવાં, કઈ રીતે વાત કરવી, શું કરવું, અરે શું વિચારવું અને માનવું એની સલાહ માટે પણ તેઓ [પોતાનાં સમોવડિયા] પર આધાર રાખી, વૃંદના સ્વીકૃત ધોરણના લગભગ કેદી બનતા જણાય છે.”—એડોલેસન્સ: ટ્રાંસિશન ફ્રોમ ચાઈલ્ડહૂડ ટૂ મેચ્યોરિટી.
પરંતુ આવી સલાહ આપવા માટે તમારા મિત્રો કેટલી લાયકાત ધરાવે છે? (સરખાવો માત્થી ૧૫:૧૪.) અને શું તેઓ પણ તમે અનુભવો છો એવી જ લાગણીમય વૃદ્ધિની પીડા અનુભવી રહ્યાં નથી? તો પછી, શું તેઓ તમારા ધોરણો બેસાડે એ ડહાપણભર્યું છે—જે તમારી સામાન્ય બુદ્ધિથી અથવા તમારા માબાપના મૂલ્યો અને ઇચ્છાઓથી વિરુદ્ધ જતી હોય ત્યારે પણ?
આજે “પ્રચલિત”—કાલે “જૂનવાણી”
બીજા યુવાનો ફેશનના પવનથી દોરવાય છે. પરંતુ એ પવનો કેટલાં ક્ષણિક હોય છે! આપણને બાઈબલના શબ્દો યાદ દેવડાવવામાં આવે છે: “આ જગતનું દ્રશ્ય બદલાઈ જઈ રહ્યું છે.” (૧ કોરીંથી ૭:૩૧, NW) આમ આજે “પ્રચલિત” હોય એ કાલે અચાનક આશ્ચાર્યકારકપણે (ખર્ચાળપણાંની તો વાત જ બાજુએ રહી) રદ થઈ જાય છે. બ્લાઉઝનું ગળું મોટું થાય છે અને નાનું થાય છે, પેન્ટની મ્હોંરી વધે છે અને ઘટે છે, એ સર્વ ઉત્પાદકો અને કપડાંના પ્રયોજકોના લાભમાં, જેઓ સહેલાઈથી ઉપયોગ કરી શકાય એવી જનતા પાસેથી સમૃદ્ધ નફો લણે છે.
દાખલા તરીકે, થોડા વર્ષો અગાઉની જીન્સની ફેશનનો વિચાર કરો. અચાનક જીન્સ ઊંચી ફેશન બની ગઈ. લોકોએ કેલ્વિન કલાઈન અને ગ્લોરિઆ વોન્ડરબિલ્ટ જેવા નામો ધરાવતી હાલતી-ચાલતી જાહેરાતો બનવા માટે બેહદ કિંમતો ચૂકવી. “સર્જિઓ વેલેન્ટે” જીન્સનું ઉત્પાદન કરતી કંપનીના પ્રમુખ ઈલાય કેપલને સમજાવ્યું કે, “લોકોને નામ જોઈએ છે.” તો પછી, આ મિ. વેલેન્ટે કોણ છે, જેનું પ્રતિષ્ઠિત નામ જીન્સના ખીસ્સા પર આટલી બધી નોંધપાત્ર રીતે સીવેલું હોય છે? “તે અસ્તિત્વ ધરાવતા નથી,” ન્યૂઝવીકએ અહેવાલ આપ્યો. અને સમજાવવામાં કેપલને પોતે પૂછ્યું: “ઈલાય કેપલન જીન્સ કોણ ખરીદવાનું છે?”
‘પરંતુ શું પ્રચલિત સ્ટાઈલમાં હોવું ખોટું છે?’ તમે પૂછી શકો. એવું જરૂરી નથી. બાઈબલ સમયોમાં દેવના સેવકો સ્થાનિક પસંદગી પ્રમાણેના કપડાં પહેરતા. દાખલા તરીકે, બાઈબલ કહે છે કે તામાર ચટાપટાવાળો ઝભ્ભો પહેરતી હતી, કેમ કે એ દિવસોમાં “રાજાની કુંવારી દીકરીઓ એવા જામા પહેરતી હતી.”—૨ શમૂએલ ૧૩:૧૮.
પરંતુ શું વ્યકિતએ સ્ટાઈલના ગુલામ બનવું જોઈએ? એક યુવાન છોકરીએ વિલાપ કર્યો: “તમે દુકાનમાં એક સરસ પેન્ટ જુઓ છો જે દરેક જણ પહેરે છે અને તમે કહો છો, ‘મમ્મી, મારે આ પેન્ટ જોઈએ છે,’ અને તે કહે છે, ‘ના, હું એ ઘરે સીવી શકું.’ હું કહું છું, ‘પરંતુ તને સમજ નથી પડતી. મારે આ પેન્ટ જોઈએ છે.’” તેમ છતાં, તમે ફેશન પ્રયોજકોનું પ્યાદું બનો એ શું ખરેખર તમારું વ્યકિતગતપણું ખૂંચવી લેતું નથી, અને તમારી ખરી ઓળખ ઢાંકી દેતું નથી? શા માટે તમારે ભડકાવનારી જાહેરાતો, નીતિવાકયો, અને પ્રયોજક નામોથી નિયંત્રિત થવું જોઈએ?
બાઈબલ રૂમી ૧૨:૨માં કહે છે: “આ જગતનું રૂપ તમે ન ધરો: પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.” તમારાં કપડાંની બાબતે ‘દેવની માન્ય ઇચ્છા’ શી છે?
‘વિનયી અને શોભતાં’
પહેલો તીમોથી ૨:૯ ખ્રિસ્તીઓને “મર્યાદા [“વિનય,” NW] તથા ગાંભીર્ય રાખીને શોભતાં વસ્ત્રથી પોતાને શણગારવા”નું ઉત્તેજન આપે છે. સ્વાભાવિક રીતે જ “શોભતાં વસ્ત્ર” સુઘડ અને ચોખ્ખાં હશે. “વિનય” સંજોગોને વિચારણામાં લે છે. સારી રીતે સીવેલું સુટ નોકરી માટે યોગ્ય હોય શકે, પરંતુ એ દરિયાકિનારે અસ્થાને લાગશે! એથી વિરુદ્ધ, ઓફિસમાં તરવાના કપડાં હાસ્યાસ્પદ ગણાશે.
આમ યહોવાહના યુવાન સાક્ષીઓએ ચિંતાતુર હોવું જોઈએ કે તેઓ ખ્રિસ્તી સભાઓમાં અને બીજાઓને પ્રચાર કરવાના કાર્યમાં જે કપડાં પહેરે છે એ એકદમ સામાન્ય ન હોય પરંતુ તેઓને દેવના યુવાન સેવકો તરીકે ઓળખાવે એવાં હોય. પાઊલના ૨ કોરીંથી ૬:૩, ૪માંના શબ્દો યાદ કરો: “અમારી સેવાનો દોષ કાઢવામાં ન આવે, માટે અમે કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નથી; પણ સર્વ વાતે અમે દેવના સેવકોને શોભે એવી રીતે વર્તીએ છીએ.”
વિનય બીજાઓની લાગણીઓને પણ વિચારણામાં લે છે. પ્રેષિત પાઊલે કહ્યું તેમ, ખ્રિસ્તીના પગલાંએ તેનું પોતાનું અંતઃકરણ જ નહિ “પણ પેલા બીજા”ના અંતઃકરણને પણ ગણતરીમાં લેવું જોઈએ. (૧ કોરીંથી ૧૦:૨૯) શું તમારે વિશેષ કરીને તમારા માબાપના અંતઃકરણ વિષે ચિંતાતુર ન હોવું જોઈએ?
યોગ્ય કપડાં પહેરવાના લાભો
બાઈબલ એવા સમયની વાત કરે છે જ્યારે એસ્તેર રાણીએ પોતાના પતિ, રાજાની સમક્ષ હાજર થવાની જરૂર હતી. જો કે, બોલાવ્યા વગર આ રીતે હાજર થવાની શિક્ષા મોત હતી! નિઃશંક એસ્તેરે મદદ માટે દેવને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરી. પરંતુ તેણે “રાજપોશાક પહેરીને”—પ્રસંગને અનુરૂપ—પોતાના દેખાવને પણ ધ્યાન આપ્યું! અને “રાજાએ એસ્તેર રાણીને ચોકમાં ઊભી રહેલી જોઈ, ત્યારે તેની રહેમનજર તેના પર થઈ.”—એસ્તેર ૫:૧, ૨.
તમે આકર્ષક પરંતુ વિનયી કપડાં પહેર્યાં હોય તો એ તમને નોકરી માટેના ઇન્ટર્વ્યૂમાં સારી છાપ પાડવા મદદ કરી શકે. કારકિર્દી વિકાસ કેન્દ્રના ડાયરેકટર વિકિ એલ. બૌમ અવલોકે છે: “કેટલીક સ્ત્રીઓ ઇન્ટર્વ્યૂ માટે જાય છે ત્યારે ગૂંચવાઈ જાય છે. તેઓ વિચારે છે કે એ જાણે મિલનવાયદા પર જવા જેવું છે, અને તેઓ લલચાવનારી દેખાય છે.” પરિણામ? “એ તમને તમારા વ્યવસાયથી દૂર રાખે છે.” તે “ચુસ્ત અથવા સૂચક વસ્તુઓ” ન પહેરવાની સલાહ આપે છે.
યુવાન માણસોએ પણ, નોકરી શોધતાં હોય ત્યારે શોભતાં કપડાં પહેરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જોન ટી. મોલોય નોંધે છે કે વેપારીઓ “પોતાનાં વાળ ઓળેલા અને પોતાનાં જોડાં ચમકતાં રાખે છે. અને તેઓ બીજા પુરુષો પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે.”
જો કે, અવિનયી કપડાં બીજાઓ સાથેના તમારા સંબંધને નુકશાન કરી શકે. સાયકોલોજી ટૂડે તરુણોના સર્વેક્ષણનો ઉલ્લેખ કરી બતાવે છે કે પુરુષો “મોટા ગળાવાળું ટોપ, હાફ-પેન્ટ, ચુસ્ત જીન્સ, અથવા બ્રા ન હોવી” વગેરેનો અર્થ શકયપણે જાતીયતાની હા પાડવી કરે છે. એક યુવાન માણસે કબૂલ્યું: “યુવતીઓ જેવાં કપડાં પહેરે છે એ હું જોઉં છું ત્યારે તેઓ વિષે શુદ્ધ વિચારો કરવાનું મને વ્યકિતગતપણે અઘરું લાગે છે.” વિનયી કપડાં લોકોને તમારાં આંતરિક ગુણોની કદર કરવા મદદ કરે છે. અમુક કપડાં વિનયી છે કે નહિ એ વિષે તમને ખાતરી ન હોય તો, તમારાં માબાપને પૂછો.
“આંતરિક મનુષ્યત્વ”ને શણગારવું
પ્રેષિત પીતરે ખ્રિસ્તીઓને પોતાનો શણગાર “અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે દીન તથા નમ્ર આત્માનો, જે દેવની નજરમાં”—હા અને બીજાઓની નજરમાં પણ—“બહુ મૂલ્યવાન છે” એ રાખવાનું ઉત્તેજન આપ્યું! (૧ પીતર ૩:૪) ફેશનવાળાં કપડાં તમારાં સમોવડિયાને ચકિત કરી શકે. પરંતુ કપડાં હૃદયો જીતતાં નથી અને ખરા મિત્રો બનાવતાં નથી. એ “આંતરિક માણસ”ને શણગારવાથી—તમે આંતરિક રીતે જેવી વ્યકિત છો એ પર કાર્ય કરીને—સિદ્ધ થાય છે. (૨ કોરીંથી ૪:૧૬, ધ જરૂસાલેમ બાઈબલ) આંતરિક રીતે સુંદર વ્યકિત, તેણે છેલ્લામાં છેલ્લી સ્ટાઈલના અથવા મૂર્ખ પ્રયોજક લેબલોનાં “છુંદણાં”વાળાં કપડાં પહેર્યાં ન હોય તોપણ, હંમેશા બીજાઓને આકર્ષક લાગશે.
કોને ખબર છે હવે પછીની કઈ ફેશન યુવાનોને દુકાનોમાં પડાપડી કરતાં કરશે. છતાં, તમે પોતાને માટે વિચારી શકો. કપડાંના ઉચ્ચ ધોરણો રાખો. ચલિત ફેશનવાળા અને જાતીયતા પર ભાર મૂકતાં કપડાં નિવારો. ફેશનના તખતા પર કૂદવામાં પ્રથમ ન બનો—તેમ જ છેલ્લા પણ નહિ—રૂઢિચુસ્ત રહો. સારી ગુણવત્તાવાળા કપડાં પસંદ કરો જે ટકાઉ હોય—પણ ઝડપથી બદલાતી ફેશનવાળા ન હોય. ખાતરી કરો કે તમારાં કપડાં સમાચાર માધ્યમ કે સમોવડિયાએ ઊભી કરેલી કોઈ છાપ પ્રદર્શિત કરવાને બદલે તમારી ખરી ઓળખ આપતો સાચો સંદેશો મોકલતાં હોય!
માબાપ અને તેઓનાં બાળકો વચ્ચે તેઓ શું પહેરે છે એ વિષે ઘણી વાર ઘર્ષણ થાય છે. શું માબાપ ફકત જૂનવાણી હોય છે?
ઘણાં યુવાનો અવનવાં કપડાં પહેરીને પોતાનું વ્યકિતગતપણું વ્યકત કરે છે
સંજોગોને અનુરૂપ કપડાં પહેરો. કપડાં તમારે વિષે સંદેશો પાઠવે છે!
“તમે જે પહેરો છો એ ખરેખરા તમે છો અને તમને પોતાના વિષે કેવું લાગે છે એ છે”
ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૧૧
◻ કઈ રીતે કપડાં સંદેશો મોકલે છે?
◻ શા માટે કેટલાક યુવાનો કપડાંની પોતાની પસંદગીમાં ઢંગધડા વિનાના કપડાં તરફ ઢળેલાં હોય છે?
◻ કપડાંની પસંદગીની બાબતે તમે તમારાં સમોવડિયાથી કેટલી અસર પામ્યા છો?
◻ હંમેશા પ્રચલિત સ્ટાઈલને અનુસરવામાં કયા ગેરલાભો રહેલાં છે?
◻ શું નક્કી કરે છે કે કોઈક સ્ટાઈલ ‘વિનયી અને શોભતી’ છે કે નહિ?