યુવાનો પૂછે છે . . .
શા માટે મારે પરસેવો પાડવો જોઈએ?
“હું મજૂરી કરવાની કલ્પના પણ ન કરી શકું. પરંતુ મને કૉમ્પ્યુટર પર કામ કરવાની ખૂબ મઝા આવે છે.”—નૈથન.
“ પરસેવો પાડનારાઓ જાણે ઠોઠ હોય એવી રીતે કેટલાક યુવાનિયાઓ જોતા હોય છે.”—સારાહ.
ઘણા લોકોને મહેનતના નામથી જ સૂગ ચઢતી હોય છે. અર્થશાસ્ત્રના એક પ્રાધ્યાપક પરસેવો પાડવો પડે એવી નોકરી વિષે કહે છે, ‘આજકાલ લોકો પોતાના સ્ટેટસની વધારે ચિંતા કરે છે. આવા સમયે પરસેવો પાડનાર કામને હલકું ગણવામાં આવે છે.’ એટલા માટે જ મહેનત મજૂરીની વાત આવે છે ત્યારે, કેટલાક યુવાનિયાઓ પોતાના હાથ ઊંચા કરી દેતા હોય છે.
પરંતુ, બાઇબલ સખત મહેનત કરવાનું ઉત્તેજન આપે છે. રાજા સુલેમાને કહ્યું: “માણસે સંતોષથી ખાવું-પીવું અને પોતાના દૈનિક કામમાં આનંદ માણવો, તેના કરતાં સારું બીજું કશું નથી.” (ઉપદેશક [સભાશિક્ષક] ૨:૨૪, IBSI) પ્રાચીન સમયમાં, ઇસ્રાએલીઓ ખેતીવાડી કરતા હતા. ખેતર ખેડવું, કાપણી કરવી અને ધાન્ય છૂટું પાડવા જેવા કામ માટે સખત મજૂરી કરવી પડે છે. તોપણ, સુલેમાને કહ્યું કે સખત કામ કરવામાં આનંદ મળે છે.
સદીઓ પછી, પ્રેષિત પાઊલે કહ્યું: “ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવાં.” (એફેસી ૪:૨૮) અરે, પાઊલ પોતે સખત મજૂરી કરતા હતા. તે બહુ ભણેલા હતા છતાં, પોતાની રોજી રોટી મેળવવા તે તંબુ બનાવવાનું કામ કરતા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧-૩.
મહેનત-મજૂરી કરવા વિષે તમને કેવું લાગે છે? ભલે તમને એનો અહેસાસ હોય કે નહિ, પણ એનાથી તમને જ ઘણી રીતોએ લાભ થાય છે.
કામ શીખો
હથોડાથી કામ કરવાનું હોય કે પછી ઘાસ કાપવાનું હોય, શારીરિક કામ કરવાથી તબિયત સારી રહે છે. એટલું જ નહિ, એનાથી બીજા ઘણા લાભ પણ થાય છે. શું તમે સાઇકલ રીપેર કરી શકો છો? શું તમને કાર કે મોટરસાઇકલનું ઑઇલ બદલતા આવડે છે? શું તમને બારીનું કે પાણીની પાઈપનું સમારકામ કરતા આવડે છે? શું તમને રાંધતા આવડે છે? શું તમે તમારા ઘરને ચોખ્ખું રાખી શકો છો? આ કેટલીક આવડતો છે કે જેને યુવાન સ્ત્રી-પુરુષ બંનેએ શીખવી જોઈએ. એનાથી તમે સરળ રીતે જીવન જીવી શકશો.
ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે તે પણ કેટલાક હુન્નરો શીખ્યા હતા. તેમના પિતા યુસફ સુથાર હોવાથી તે પણ સુથારી કામ શીખ્યા. આથી તેમને સુથાર કહેવામાં આવતા હતા. (માત્થી ૧૩:૫૫; માર્ક ૬:૩) તમે પણ અલગ અલગ હુન્નરો શીખી શકો છો.
સારાં ગુણો કેળવવા
સખત મહેનત કરવાથી આપણા વિચારો પર પણ અસર પડે છે. યુ.એસ. નેશનલ માનસિક સ્વાસ્થ્ય અને શિક્ષણ કેન્દ્રના માટે લખતા ડૉક્ટર ફ્રેડ પ્રોવિન્ઝાનો કહે છે કે કોઈ પણ હુન્નર શીખવાથી આપણું “સ્વમાન અને આત્મ-વિશ્વાસમાં” વધારો થાય છે. એટલું જ નહિ, આપણે પોતાને “શિસ્ત આપીશું તેમ જ સારી રીતે કામ કરતા શીખી શકીશું. વળી, એનાથી આપણે વધારે સારી રીતે નોકરી પણ કરી શકીશું.” જોન નામનો એક યુવાન કહે છે: “શારીરિક કામથી ધીરજ ધરવાનું શીખવા મળે છે. મુશ્કેલીઓ હલ કરવાનું પણ શીખીએ છીએ.”
સારાહ કહે છે: “કામ કરવાથી હું મહેનતુ બની છું. તેમ જ, હું દરેક બાબતમાં ધ્યાન આપવાનું અને પોતાને શિસ્ત આપવાનું પણ શીખી છું.” શું સખત મહેનત કરવી કંટાળાજનક છે? નૈથન કહે છે: “મને કામ કરવામાં ઘણો આનંદ આવે છે. હું મારા હુન્નરમાં સુધારો થતો જોઉં છું તેમ, જોઈ શકું છું કે હું સારી રીતે કામ કરી શકું છું. એનાથી મારો આત્મ-વિશ્વાસ વધ્યો છે.”
કામ કરવાથી આપણે સંતોષ અનુભવીએ છીએ. જેમ્સ નામનો એક યુવાન કહે છે: “મને સુથારી કામ બહુ ગમે છે. ભલે અમુક સમયે હું થાકી જાવ છું પરંતુ, મારા કામનો વિચાર કરું છું ત્યારે મને સંતોષ થાય છે.” બ્રાયન પણ એવું જ કંઈ કહે છે: “હું એક વાહન મિકૅનિક છું. મને આ કામ ઘણું ગમે છે. કેમ કે હું વાહન રિપૅર કરું છું ત્યારે મને લાગે છે કે મેં કંઈક કર્યું છે. તેમ જ મારી હોંશ વધે છે.”
પવિત્ર સેવા
મંડળના મહેનતુ યુવાનો પરમેશ્વરની સેવામાં પણ ખૂબ કરી શકે છે. રાજા સુલેમાનને યહોવાહ માટે ભવ્ય મંદિર બાંધવાનું કામ સોંપવામાં આવ્યું. તે જાણતા હતા કે આ કામ માટે તેમને સખત મહેનત કરનારાઓ અને કુશળ કારીગરોની જરૂર પડશે. બાઇબલ કહે છે: “સુલેમાન રાજાએ માણસ મોકલીને તૂરમાંથી હીરામને તેડાવ્યો. તે નાફતાલી કુળની એક વિધવા સ્ત્રીનો દીકરો હતો; તેનો બાપ તૂરનો રહેવાસી હતો, તે પિત્તળનો કારીગર હતો; તે પિત્તળનાં સર્વ કામ કરવામાં જ્ઞાન, અક્કલ ને ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેનાં સર્વ કામ કર્યાં.”—૧ રાજાઓ ૭:૧૩, ૧૪.
હીરામે પોતાના હુન્નરનો ઉપયોગ યહોવાહની ઉપાસના માટે કર્યો. કેવો સરસ લહાવો! હીરામનો અનુભવ બાઇબલમાં નીતિવચન ૨૨:૨૯ના શબ્દો પર ભાર આપે છે. એ કલમ કહે છે: “પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને તું જુએ છે શું? તો તારે જાણવું કે તે તો રાજાઓની હજુરમાં ઊભો રહેશે; તે હલકા માણસોની આગળ ઊભો નહિ રહેશે.”
આજે યહોવાહના સાક્ષીના ઘણા યુવાનોને બાંધકામ વિષેની કંઈ ખાસ જાણકારી ન હતી. તેમ છતાં, તેઓએ કિંગ્ડમ હૉલ બાંધકામમાં ભાગ લીધો છે. એટલા માટે, કેટલાક લોકો વાયરીંગ, પ્લમિંગ, કડિયાકામ અને સુથારી કામ જેવા કામો શીખ્યા છે. તમે પણ તમારા મંડળના વડીલ સાથે એની ચર્ચા કરીને કિંગડમ હૉલ બાંધકામમાં ભાગ લઈ શકો છો.
જેમ્સે ઘણા કિંગ્ડમ હૉલ બાંધકામમાં ભાગ લીધો છે. તે કહે છે, “મંડળમાં ઘણા એવા ભાઈઓ હશે કે જેઓ પાસે બાંધકામની આવડત નહિ હોય. અથવા એમાં કામ કરવાનો સમય નહિ હોય. તેથી બાંધકામમાં ભાગ લેવાથી તમે આખા મંડળને મદદ કરી શકો છો.” કડિયાકામ કરનારા નૈથનને પરમેશ્વરની સેવામાં હજુ વધારે કરવાની તક મળી. તે કહે છે: “મને ઝીમ્બાવેમાં યહોવાહના સાક્ષીઓની બ્રાન્ચના બાંધકામમાં મદદ કરવાની તક મળી. મેં ત્યાં ત્રણ મહિના કામ કર્યું. એ મારા જીવનનો સૌથી મોટો અનુભવ છે.” બીજા ઘણા મહેનતુ યુવાનો પોતાના દેશની યહોવાહના સાક્ષીઓની બ્રાન્ચ ઓફિસમાં કામ કરે છે.
કોઈ પણ કામનું હુન્નર શીખીને આપણે કંઈક અંશે ‘સંતોષ’ મેળવી શકીએ છીએ. (૧ તીમોથી ૬:૬) યહોવાહના સાક્ષીઓના ઘણા યુવાનો પાયોનિયર કે પૂરા સમયના પાયોનિયર તરીકે સેવા આપે છે. કેટલાક યુવાનો પોતાનો સમય અને પૈસા વધારે શિક્ષણ લેવા પાછળ બગાડતા નથી. એના બદલે, તેઓ કંઈક શીખીને પોતાનું ભરણ પોષણ કરે છે.
મહેનતુ બનવાનું શીખવું
ભલે આપણે રોજીરોટી કમાવવા માટે કે પછી ઘરનું નાનું-મોટું કામ શીખ્યા હોય, પરંતુ એના ઘણા ફાયદા છે. તમારી શાળામાં કોઈ કોર્સ શીખવવામાં આવતા હોય શકે. અરે તમે તમારા ઘરમાં જ ઘણું શીખી શકો છો. કઈ રીતે? ઘરમાં કામ કરીને. ડૉક્ટર પ્રોવિન્ઝાનો કહે છે: “તેરથી ઓગણીસ વર્ષના બાળકો ઘરમાં પોતાનું કામ કરે એ ખૂબ મહત્ત્વનું છે. કારણ કે, બાળકો મોટા થઈને માબાપથી અલગ રહે ત્યારે, તેઓ પોતાનું કામ પોતે કરી શકે છે.” તેથી, તમને તમારા ઘરમાં જે કંઈ કામ દેખાય એ તરત જ કરવા લાગો. શું બગીચામાં ઘાસ વધી ગયું છે? શું કબાટ વગેરે સમારકામ કરવાનું છે?
પરસેવો પાડવાના કામને નીચું ગણવાને બદલે એમાંથી તમે ઘણા લાભો મેળવી શકો છો. કામચોર ન બનો! કામથી થતા ફાયદા જુઓ કેમ કે સભાશિક્ષક ૩:૧૩ કહે છે, “એ ઈશ્વરનું વરદાન છે.” (g05 3/22)
[પાન ૨૧ પર બ્લર્બ]
કામ શીખીને ઘણા યુવાનો યહોવાહની સેવામાં વધારે સારું કરી શક્યા છે
[પાન ૨૨ પર ચિત્રો]
માબાપ બાળકોને સામાન્ય નાના-નાના કામ કરવાનું શીખવી શકે