વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g05 એપ્રિલ પાન ૧૬-૧૯
  • વૅનિસ “સમુદ્રમાં એક ભવ્ય શહેર”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વૅનિસ “સમુદ્રમાં એક ભવ્ય શહેર”
  • સજાગ બનો!—૨૦૦૫
  • મથાળાં
  • કોઈ રહી ન શકે એવી જગ્યા
  • પ્રજાકસત્તાનો જન્મ અને એનો વિકાસ
  • “ભૂમધ્ય વિસ્તારની રાણી”
  • ‘સ્વપ્ન નગરી’
  • અસ્તિત્વ ટકાવી રાખવા મથવું
સજાગ બનો!—૨૦૦૫
g05 એપ્રિલ પાન ૧૬-૧૯

વૅનિસ “સમુદ્રમાં એક ભવ્ય શહેર”

ઇટાલીના સજાગ બનોના લેખક તરફથી

“સમુદ્રમાં એક ભવ્ય શહેર આવેલું છે. દરિયાના આ શહેરમાં પહોળા-સાંકળા રસ્તાઓ આવેલા છે, જેમાં ભરતી-ઓટ આવે છે; દરિયાના ખારા પાણીમાં થતી વનસ્પતિ એના મહેલોના મારબલને ચોંટેલી છે.” —સેમ્યુએલ રોઝર નામના એક અંગ્રેજી કવિએ ૧૮૨૨માં લખ્યું.

આ “ભવ્ય શહેર” વૅનિસ છે. એક સમયે પ્રજાકસત્તાનું પાઠનગર હતું. આ વૅનિસ શહેરે સદીઓ સુધી સમુદ્ર અને જમીન પર રાણીની જેમ રાજ કર્યું. પરંતુ, કેવી રીતે અને શા માટે આ શહેરને “સમુદ્રમાં” બાંધવામાં આવ્યું? આ શહેર કેવી રીતે લોકપ્રિય બન્યું? કઈ રીતે તેના સામ્રાજ્યનો અંત આવ્યો? આજે આ ભવ્ય શહેરમાંથી શું બાકી રહ્યું છે?

કોઈ રહી ન શકે એવી જગ્યા

વૅનિસ શહેર ૧૧૮ ટાપુઓનું બનેલું છે. આ ઍડ્રિયાટિક સમુદ્રના ઉત્તર-પશ્ચિમના છેડે આવેલા છીછરા સરોવરમાં (લગૂન) આવેલું છે. આ સમુદ્રને મળતી નદીઓ પોતાની સાથે રેતી અને માટીનો મોટો જથ્થો ઢસડી લાવીને પાણીના છીછરા ભાગમાં નાખે છે. દરિયાની ભરતી-ઓટ અને પાણીના પ્રવાહના લીધે રેતીના ટેકરાઓ બને છે. એના લીધે સમુદ્રથી અલગ લગૂન બને છે. આ લગૂન લગભગ ૫૧ કિલોમીટર લાંબો અને ૧૪ કિલોમીટર પહોળું હોય છે. સમુદ્રમાં મળવાની ફક્ત ત્રણ નાની નદીઓ છે. જેનાથી ફક્ત ત્રણ ફૂટ ઊંચી ભરતી-ઓટ આવે છે તેમ જ હોડકાં પણ લગૂનમાં આવ-જા કરી શકે છે. એક પુસ્તક કહે છે: “સદીઓથી આ લગૂનમાં વેપારીઓની આવ-જા કરવાનું કેન્દ્ર હોવાના લીધે ભીડ જામતી હતી. એના લીધે કેટલાક વેપારીઓ દક્ષિણના ઍડ્રિયાટિક સમુદ્ર થઈને આવતા હતા, તો વળી કેટલાક મધ્ય અથવા ઉત્તરી યુરોપની નદીઓ પાર કરીને અહીં આવીને થોભતા હતા.”

વિદ્વાનોનું માનવું છે કે આ વૅનિસ શહેરની શરૂઆત લગભગ પાંચમી સદીથી સાતમી સદીની આસપાસ થઈ. એ સમયે ઉત્તરથી આવનારા આદિવાસીઓએ એક પછી એક મહાદ્વીપોને લૂંટીને બાળી નાખ્યા. લૂંટારાઓ આવી રહ્યા છે એ જાણીને ઘણા લોકો શહેરથી ભાગી ગયા. ઘણા લોકોએ લગૂનના દ્વીપોમાં આવીને આશરો લીધો. જોકે, આ દ્વીપો સુધી પહોંચવું સહેલું ન હતું પરંતુ આ એક સલામત જગ્યા હતી.

પ્રાચીન દસ્તાવેજોમાંથી જોવા મળે છે કે શરૂઆતમાં મકાનો બાંધવાનો પાયો લાકડાંના મજબૂત થાંભલાઓને એકબીજા સાથે પાતળી ડાળીઓ કે બરુંથી બાંધવામાં આવતા હતા. પછીથી, હજારો લાકડાંના થાંભલાનો પાયો નાંખીને મકાનો પથ્થરના બનાવવામાં આવ્યા. લગૂનનો રીયાલ્ટો ટાપુ પછીથી બહુ પ્રખ્યાત બન્યો. પરંતુ, આ ટાપુ પર હંમેશા પાણી ભરાય રહેતું હતું. આથી, એની જમીન મજબૂત ન હતી. આ ટાપુ મોટો ન હતો આથી એમાં આવનારાઓ માટે રહેવાની જગ્યા પણ પૂરતી ન હતી. આ સમસ્યા હલ કરવા ટાપુ પરથી પાણી કાઢીને જમીન ફરીથી રહેવા લાયક બને એવી બનાવવી જરૂરી બની ગયું. એ માટે, રહેવાસીઓએ પોતાની હોડીઓ માટે નહેર ખોદી કાઢી અને ટાપુની જમીનને વધારે ઘરો બાંધવા માટે તૈયાર કરી. આ નહેરો તેઓના રસ્તા બન્યા. તેઓએ ચાલીને જનારાઓ માટે પુલો બાંધ્યા જેથી તેઓ સહેલાયથી એક ટાપુથી બીજા ટાપુ પર આવ-જા કરી શકે.

પ્રજાકસત્તાનો જન્મ અને એનો વિકાસ

પશ્ચિમ રોમન સામ્રાજ્ય પડી ભાંગ્યું પછી લગૂનના ટાપુઓ બાઇઝંટાઈનના તાબામાં આવ્યા. એનું પાઠનગર કોન્સ્ટેન્ટીનોપલ (હાલનું ઇસ્તંબૂલ) હતું. પરંતુ, લગૂનના રહેવાસીઓએ બળવો પોકારીને પોતાને સ્વતંત્ર કર્યા. એનું પરિણામ શું આવ્યું? “બાઇઝંટાઈનના સામ્રાજ્યથી સ્વતંત્ર થઈને . . . હવે ડ્યૂકના સામ્રાજ્યને આધીન થયું. એનો વિસ્તાર બે મોટા સામ્રાજ્યો વચ્ચે હતો.” એક સામ્રાજ્ય ફ્રેંક અને બીજું બાઇઝંટાઈન હતું. આવી અનોખી હાલતના લીધે આ શહેર વિકસવા લાગ્યું અને “વેપારનું મુખ્ય મથક” બન્યું.

સદીઓ સુધી, વૅનિસે સૈરાસન, નોરમંડ અને બાઇઝંટાઈન સહિત ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા અનેક લોકો સાથે યુદ્ધો કર્યા. આખરે વૅનિસ આ બધા કરતાં વધારે શક્તિશાળી બન્યું. પરંતુ એ માટે એણે ૧૨૦૪માં થયેલા ધાર્મિક યુદ્ધમાં લશ્કરોને તેના દુશ્મન, કોન્સ્ટેન્ટીનોપલને મોકલ્યા. બાઇઝંટાઈન સામ્રાજ્યની પડતીનો ફાયદો ઉઠાવીને વૅનિસે કોન્સ્ટેન્ટીનોપલ, તેમ જ કાળા અને ઈજિઅન સમુદ્ર અને ગ્રીસ, સિરીયા, પેલ્સ્ટાઈન, સૈપ્રસ અને ક્રિતમાં પગ પસારો કરીને કબજો જમાવી લીધો.

“ભૂમધ્ય વિસ્તારની રાણી”

વૅનિસમાં વહાણ બનાવવાના વિશાળ કારખાનાઓ હતા. બારમી સદીથી, થોડા જ કલાકોમાં હલેસા મારી ચલાવી શકાય એવી આગબોટ તૈયાર થવા માંડી. તે ઉપરાંત, સ્થાનિક કારખાનારાઓમાં ગ્લાસ અને લેસ, ઝરીવાળાં કપડાં, રેશમી અને મખમલના કપડાં તૈયાર થતા હતા. વૅનિસના તેમ જ પરદેશી વેપારીઓ, પશ્ચિમના દેશોમાંથી હથિયાર, ઘોડાઓ, એમ્બર રત્નો, રૂંવાટીવાળા ચામડાં, લાકડાં, ઊન, મધ, મીણ અને ગુલામો લાવતા હતા. બીજી તર્ફે, મુસ્લિમ દેશોમાંથી સોનું, ચાંદી, સિલ્ક કાપડ, મસાલા, રૂ, કપડાં રંગવાના રંગ, હાથીદાંત, અત્તર અને એવી બીજી ઘણી વસ્તુઓ આયાત કરવામાં આવતી હતી. શહેરના અધિકારીઓ ખાસ ધ્યાન રાખતા કે શહેરમાં અને બજારમાં આવતી દરેક વસ્તુઓ પર ટેક્સ લાગે.

પુલાડીઓ, ટિશન અને ટિનટરેટો નામના પ્રખ્યાત શિલ્પકારો અને ચિત્રકારોએ વૅનિસ શહેરનું ખૂબ સરસ વર્ણન કર્યું છે. તેમણે આ શહેરને લા સેરેનીસઈમા કહ્યું એટલે કે “એકદમ શાંત” અથવા “સુંદર શહેર.” આથી આ શહેરને “ભૂમધ્ય વિસ્તારની રાણી . . . સૌથી ધનવાન અને સૌથી બહોળા પ્રમાણમાં ફેલાયેલું વેપાર કેન્દ્ર” કહેવું એકદમ યોગ્ય હતું. સોળમી સદી દરમિયાન વેપારનો મુખ્ય માર્ગ બદલીને ઍટલૅંન્ટિક થઈને અમેરિકા લઈ જવા લાગ્યા ત્યારે ધીમે ધીમે એની ઝાકઝમાળ ઓછી થતી ગઈ.

ભૂમધ્ય વિસ્તારોમાં વૅનિસના લોકોની વસાહત ચારેબાજુ ફેલાયેલી હતી. આથી, તેઓ કદી પણ એક સરકાર નીચે એકતામાં રહી શક્યા નહિ. આમ, ધીમે ધીમે આ વસાહત લુપ્ત થતી ગઈ. આજુબાજુના રાજ્યોએ બળજબરીથી એક પછી એક કરીને વૅનિસ પર કબજો જમાવી લીધો. આખરે, નેપોલિયન પહેલાએ ૧૭૯૭માં આ લગૂનના શહેર પર વિજય મેળવીને ઑસ્ટ્રિયાના રાજાને આપી દીધું. વર્ષ ૧૮૬૬માં વૅનિસ ઇટાલીનો ભાગ બની ગયું.

‘સ્વપ્ન નગરી’

કેટલાક લોકોને વૅનિસ શહેરની મુલાકાત લેવાથી એવું લાગે છે કે તેઓ જાણે બસો કે ત્રણસો વર્ષો પાછળ જતા રહ્યા હોય! કેમ કે, આ શહેરનું વાતાવરણ જ કંઈક અલગ છે.

આ શહેરની એક ખાસિયત એ છે, નીરવતા. મોટા ભાગના ફૂટપાથો, નહેરોમાં જતી-આવતી હોડીઓના લીધે ચાલીને જનારાઓના પગલાંનો અવાજય સંભળાતો નથી. પરંતુ, નહેરો પર જ્યાં પથ્થરના ધનુષ્ય આકારમાં બનાવેલા પુલો પર જઈએ તો અવાજ સાંભળવા મળે છે. નહેરો ‘રસ્તાઓનું’ કામ કરતી હોવાના લીધે વધારે પ્રમાણમાં હોડીઓની આવ-જા થતી જોવા મળે છે. શહેરમાં એકથી એક ચઢિયાતા દૃશ્યો જોવા મળે છે. સેન્ટ માર્ક ચોકમાં એક મોટું ચર્ચ અને એક ઘંટનો ટાવર છે. ઉપરાંત, ચોકની એકદમ સામે લીલા લગૂન પર સૂર્યના કિરણો પડે. એવું દૃશ્ય જોઈને કોઈ પણ ચિત્રકારને એનું ચિત્ર દોરી લેવાની પ્રેરણા આપે.

શહેરના મુખ્ય ચોક એટલે કે સેન્ટ માર્કના ચોક પર ખુલ્લી હવામાં રેસ્ટોરન્ટ છે. અહિંયા મુલાકાતીઓ અને સ્થાનિક રહેવાસીઓની ભીડ જામેલી જ રહે છે. આ રેસ્ટોરન્ટમાં તમે ચા-કોફી અથવા સોફ્ટ આઇસક્રીમની સાથે ક્લાસિક સંગીતનો પણ આનંદ માણી શકો છો. આ સંગીત ત્યાંની નાની સંગીત ટોળી વગાડે છે. તમને ત્યાં બેસીને આવતા જતા લોકોને તથા આજુબાજુની અદ્‍ભુત ઇમારતો જોવાની મઝા આવી શકે. એક પણ કાર ન જુઓ તો તમને સાચે જ એવું લાગે કે સમય વહેણમાં પાછળ ચાલી રહ્યા છો.

આ શહેર કળામાં રસ ધરાવનારાઓનું ખાસ ધ્યાન ખેંચે છે. અહીં અસંખ્ય મહેલો, સંગ્રહસ્થાનો અને દેવળોમાં કેટલાય પ્રખ્યાત ચિત્રકારોના ચિત્રો જોવા મળે છે. પરંતુ કેટલાક મુલાકાતીઓ તો એની સાંકળી ગલીઓમાં ફરીને તેમ જ તેમની આજુબાજુના અજાણ દૃશ્યો જોઈને પણ ખુશી મેળવી લે છે. બુરાના ટાપુ પર તૈયાર કરવામાં આવેલી લેસ અને ભરતકામ બહુ પ્રખ્યાત છે. તેમ જ મુરાના ટાપુ પર તૈયાર કરવામાં આવેલા ઉત્તમ ગુણવત્તાની ક્રિસ્ટલ અને કાચની વસ્તુઓ બહુ પ્રખ્યાત છે. જે અહીં આવેલી ઢગલા બંધ દુકાનોમાં મળી આવે છે. મોટરબોટ દ્વારા તમે આ બંનેમાંથી કોઈ એક ટાપુ પર જઈને આ વસ્તુઓ કેવી રીતે બને છે એ જોઈ શકો છો. આ મોટરબોટની મુસાફરી પણ એક યાદગાર સવારી છે.

અહીં આવેલા વિશાળ મહેલો અને ધનુષ્ય આકારનું એનું શાનદાર ચણતર સાબિતી આપે છે કે એક જમાનામાં અહીં બાઇઝંટાઈના સામ્રાજ્યનું રાજ હતું. ગ્રેંડ કનાલ પર પ્રખ્યાત રીયાલ્ટો પુલ શહેરનો મુખ્ય રસ્તો છે. તેથી મુસાફરોની ભીડ આ શાનદાર પુલને તેમ જ આ પુલ નીચેથી કોઈ પણ પ્રકારના અવાજ વગર જતી પાતળી અને કાળા રંગની ગોન્ડાલા (મોટર વગરની એક ખાસ હોડી) જોવા આવે છે.

અસ્તિત્વ ટકાવી રાખવા મથવું

‘સ્વર્ગ જેવા સુંદર’ વૅનિસ ‘પ્રજાકસત્તાનું’ પતન થયાના બસો વર્ષ થઈ ગયા છે. પરંતુ એ આજે પણ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા જોરશોરથી પ્રયત્ન કરે છે. પરંતુ આ એક અલગ પ્રકારની લડત છે. વર્ષ ૧૯૫૧માં આ ઐતિહાસિક શહેરની વસ્તી ૧,૭૫,૦૦૦ની હતી. પરંતુ, જમીનની કિંમતો વધવાથી, નોકરી ન હોવાથી અને આધુનિક સુવિધાઓના અભાવને લીધે વર્ષ ૨૦૦૩માં આ વસ્તી ફક્ત ૬૪,૦૦૦ની જ રહી ગઈ છે. આ શહેરની સાથે બીજી ઘણી સામાજિક અને આર્થિક મુશ્કેલીઓ પણ છે, કે જેને હલ કરવી બહુ જરૂરી છે. જેમ કે, ધીમે ધીમે નાશ પામી રહેલા આ શહેરનું ફરીથી સમાકામ કરવું કે નહિ. અને કરે તો પણ કેવી રીતે?

વર્ષ ૧૯૨૦ના દાયકામાં વૅનિસની આર્થિક હાલતમાં સુધારો કરવાના હેતુથી ટાપુની નજીક તેલ સાફ કરવાનું એક કારખાનું નાખવામાં આવ્યું. આ કારખાનાઓ સુધી પહોંચી શકાય માટે લગૂનના નહેરોને વધારે ઊંડી કરવામાં આવી. જોકે એનાથી લોકોને નોકરીઓ તો મળી, પરંતુ પ્રદૂષણ વધવા માંડ્યું. એટલું જ નહિ પરંતુ, આક્વા આલ્ટા નામના મોટા મોજાઓ અવારનવાર આવવા લાગ્યા જેનાથી આ ઐતિહાસિક શહેર ધીમે ધીમે ડૂબવા લાગ્યું.

લગૂનના વાતાવરણ અને એના પાણીના પ્રવાહ બંને મળીને એક નાજુક અને કુદરતી તાલમેલ બનાવે છે. એના જેના પર આખા શહેરનું અસ્તિત્વ ટકી રહે છે. એ બાબતો લોકો વર્ષોથી જાણે છે. તેમ છતાં, ૧૩૨૪ની શરૂઆતથી, વૅનિસના રહેવાસીઓએ લગૂનના પાણીમાં માટી-રેતી બીજી દિશામાં લઈ જવાનો મોટો પ્રોજેક્ટ હાથમાં લીધો. અઠારમી સદીમાં, તેઓએ સમુદ્રી દિવાલ ઊભી કરી જેથી એડ્રિઆટિક સમુદ્રનું પાણી જોરથી લગૂનમાં આવીને એનો નાશ ન કરે.

પરંતુ, હવે તો પરિસ્થિતિ પહેલાં કરતાં વધારે નાજુક બની ગઈ છે. કારખાનાઓ માટે જે પાણી જમીનમાંથી કાઢવામાં આવી રહ્યું છે એના લીધે જમીન ધીમે ધીમે નીચે ઉતરી રહી છે. જોકે, હવે એને રોકવામાં આવી હોય એવું માનવામાં આવે છે. પરંતુ આખી દુનિયામાં સમુદ્રના પાણીનું સ્તર વધતું જઈ રહ્યું છે. વધુમાં, લગૂનનો વિસ્તાર પણ ઘટી ગયો છે. કેમ કે લગૂનના છીછરા વિસ્તારમાંથી પાણી કાઢીને એનો જમીન તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એનાથી જમીન અને પાણીનું સમતોલન બગડી ગયું છે. લાંબા સમયથી ઊંચા મોજાઓ જોખમરૂપ હતા પરંતુ હવે તો આ જોખમ વધી ગયું છે. વીસમી સદીની શરૂઆતમાં, સેન્ટ માર્કના ચોકમાં એક વર્ષમાં પાંચથી સાત વાર પૂર આવ્યું હતું. ફક્ત ૨૦૦૦ના વર્ષમાં ત્યાં ૮૦ વખત પૂર આવ્યું હતું.

વૅનિસ શહેર મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે. તેથી એનો અદ્‍ભુત ઇતિહાસ અને એની કળાનો અનોખો વારસો લુપ્ત ન થઈ જાય એ માટે આખી દુનિયાના લોકોમાં ચિંતા ફેલાયેલી છે. આ શહેરને ઊંચા મોજાથી બચાવવા અને વાતાવરણનું રક્ષણ કરવાના હેતુથી ખાસ કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે. પરંતુ એ જ સમયે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે એનાથી બંદર પર થતા રોજિંદા કામમાં અડચણ ઊભી ન થાય. ભલે કાનૂન બનાવવામાં આવ્યા હોય, પરંતુ એને લાગુ પાડવાનો સારો ઉપાય શું હોય શકે એ હજુ સુધી વિચારવામાં આવ્યું નથી.

નહેરોના કિનારાઓની ઊંચાઈ વધારવા ને નક્કર જમીનને વોટર-પ્રૂફ બનાવવા માટે ફરીથી કામ શરૂ કરવામાં આવ્યું છે. એમ કરવાથી, ઊંચા મોજાના સમયે પાણી જમીન પર નહિ આવે અને ગંદુ પાણી લોકોના ઘરોમાં નહિ જાય. પરંતુ, આ સમસ્યાને હલ કરવા એક ઉપાય પર ખાસી ચર્ચા-વિચારણામા થઈ રહી છે. સરકાર એવો બંધ બાંધવાનું ઇચ્છે છે કે ઊંચા મોજા આવે ત્યારે જરૂર પડે નદીના મુખ ને સમુદ્ર વચ્ચેના દરવાજાને બંધ કરી શકે.

આ શહેરને બચાવવાનો હેતુ પૂરો કરવા માટે ઘણો સમય, શક્તિ અને સાધનની જરૂર છે. ‘સમુદ્રના આ ભવ્ય શહેરનો’ ઇતિહાસ ખરેખર રસપ્રદ છે. પરંતુ અલગ અલગ લેખકોએ કહ્યું તેમ હવે ખતરો એ છે કે “મુલાકાતીઓ આ શહેરને એક મ્યુઝિયમ જેવું બનાવી દેશે. વળી, ત્યાં રહેતા લોકોની જરૂરિયાતોને ધ્યાન નહિ આપીને તેઓને પોતાના શહેરમાંથી જતા રહેવા મજબૂર કરી દેશે.” વૅનિસે લાંબા સમયથી એક મુશ્કેલ વાતારવણનો સામનો કર્યો છે. પરંતુ, “હજુ સુધી આ શહેરની સામાજિક કે આર્થિક હાલતમાં સુધારો કરવામાં આવ્યો નથી. આથી, લોકોને આબાદ કરવામાં ન આવે અને ફરીથી એક સુંદર શહેર બનાવવામાં ન આવે ત્યાં સુધી એને પાણીથી બચાવવાનો કોઈ ફાયદો નથી.” (g05 3/22)

[પાન ૧૬ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

વૅનિસ

[પાન ૧૬ પર ચિત્ર]

ગ્રેંડ કનાલ પર રીયાલ્ટો પુલ

[પાન ૧૬, ૧૭ પર ચિત્ર]

સૈન જૉરજો માજોરે

[પાન ૧૭ પર ચિત્ર]

સાંતા મારીઆ દેલ સાલૂટે

[પાન ૧૮ પર ચિત્ર]

ગ્રેંડ કનાલ પર આવેલી રેસ્ટોરન્ટ

[પાન ૧૯ પર ચિત્ર]

સેન્ટ માર્કના ચોકમાં પૂર

[ક્રેડીટ લાઈન]

Lepetit Christophe/ GAMMA

[પાન ૧૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

નકશો: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.; બેકગ્રાઉન્ડ ચિત્ર: © Medioimages

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો