વરસાદ ન પડે ત્યારે
સજાગ બનો!ના બ્રાઝિલના ખબરપત્રી તરફથી
ગયા વર્ષે, ભયંકર અનાવૃષ્ટિએ મોટા ભાગના ઈશાન બ્રાઝિલને ઉજ્જડ કરી નાખ્યું. વીજા સામયિક અનુસાર, દેશના ઈશાન ભાગમાં રહેતા કહેવામાં આવતા લાખો નોરડીસ્ટેનોસ લોકોને જોવા મળ્યું કે તેઓ પોતે “વરસાદ પર આધારિત હતા કે જે આવ્યો ન હતો.” અનાવૃષ્ટિએ ચોખા, કઠોળ અને મકાઈના પાકનો નાશ કર્યો કે જે વ્યાપક દુકાળમાં પરિણમ્યું—૧૫ વર્ષમાં સૌથી ખરાબ. કેટલીક જગ્યાઓએ પીવાના પાણીની પણ તંગી પડી.
બ્રાઝિલના રહેવાસીઓ માટે આ કોઈ નવી બાબત ન હતી. વર્ષ ૧૮૭૭માં, રાષ્ટ્રની સૌથી ખરાબ અનાવૃષ્ટિમાં કંઈક ૫,૦૦,૦૦૦ લોકો ભૂખે મરી ગયા હતા. એ સમયે બ્રાઝિલના સમ્રાટ, ડોમ પેડ્રૂ બીજાએ પ્રતિજ્ઞા કરી કે તે અનાવૃષ્ટિની સમસ્યાનો હલ શોધશે પછી એના માટે તેમને ભલે પોતાનું સર્વસ્વ વેચી દેવું પડે! એ ૧૦૦ કરતાં વધારે વર્ષ પહેલાંની બાબત છે; તોપણ, આજે સમસ્યા ચાલુ જ છે. ગયા વર્ષની અનાવૃષ્ટિ દરમિયાન, એવો અંદાજ કાઢવામાં આવ્યો હતો કે એ ઈશાન બ્રાઝિલના ૧,૨૦૯ શહેરોમાં રહેતા લગભગ એક કરોડ લોકોને ખરાબ રીતે અસર કરશે.
સાથી સાક્ષીઓનો પ્રેમાળ પ્રત્યુત્તર
બ્રાઝિલની વૉચટાવર શાખામાં અનાવૃષ્ટિનો આ અહેવાલ પહોંચ્યો ત્યારે, તરત જ પગલાં લેવામાં આવ્યા. બાહિઆ, સીઆરા, પારાઈબા, પેર્નામ્બુકા અને પ્યાઉઈ રાજ્યના ગંભીર અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રવાસી પ્રતિનિધિઓ પહોંચી ગયા જેથી સમસ્યા કેટલી હદે ગંભીર છે એનો અંદાજ બાંધવામાં આવે. પ્રવાસી નિરીક્ષકોને જોવા મળ્યું કે ૯૦૦ સાક્ષીઓ અને બાઇબલ વિદ્યાર્થીઓ અત્યંત જરૂર હતી એવા વિસ્તારોમાં રહેતા હતા. તેઓમાંના કેટલાક સૂરણ (યામ) જેવા ખોરાક પર જીવતા હતા; બીજાઓ પાસે ખોરાક માટે ફક્ત ચોખા હતા. એક કુટુંબ પાસે ખોરાક માટે કંઈ ન હતું અને તેઓ સવારના નાસ્તામાં, બપોર તથા સાંજના ભોજનમાં ફક્ત દૂધ પીતા હતા. કૅન્સરથી પીડાતી એક ખ્રિસ્તી બહેને ફક્ત થોડા ખોરાક માટે પોતાનો પલંગ પણ વેચી દીધો હતો. એક કુટુંબનાં છ સભ્યો વિચારતા હતા કે હવે આ આપણું છેલ્લું ભોજન છે તે જ સમયે તેઓએ પોતાના ખ્રિસ્તી ભાઈઓની મદદ મેળવી.
સહાય સમિતિએ તાત્કાલિક ખોરાક અને જરૂરિયાતોનું વિતરણ કરવાની ગોઠવણ કરી. રીસાઈફ અને બીજા નજીકના શહેરોના સાક્ષીઓએ જરૂરિયાતમાં હતા તેઓને ઉદારપણે પ્રદાનો આપ્યા. પરંતુ વધારે મદદની જરૂર હતી ત્યારે, રીઓ ડી જાનેરોના ભાઈઓ પોતાના ભાઈઓને મદદ કરવા માટે જોડાયા. એકદમ થોડા સમયમાં, સાક્ષીઓએ ૩૪ ટન ખોરાકનું પ્રદાન કર્યું અને રીસાઈફથી ૨,૩૦૦ કિલોમીટર દૂર પુરવઠો પૂરો પાડવા એના પરિવહનની કિંમત પણ ચૂકવી.
પ્યાઉઈ અને પારાઈબાના રાજ્યનાં પાટનગરોમાં, છ ટન ખોરાક ઝડપથી ભેગો કરવામાં આવ્યો હતો. ફોર્ટાલેઝા શહેરના એક રાજ્યગૃહનો પ્રદાન કરવામાં આવેલા ખોરાકને હંગામી ધોરણે એકઠો કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ ત્યાં પણ સમસ્યા હતી. કઈ રીતે સાક્ષીઓ ખોરાકને એની જરૂરિયાત છે ત્યાં મોકલી શકે? એક ભાઈ કે જે યહોવાહના સાક્ષી નથી તેમણે પોતાની ટ્રકનો ઉપયોગ કરવા માટે જણાવ્યું. તેમ છતાં, ખોરાક અને બીજી જરૂરિયાતની વસ્તુઓ લાવનારને અધવચ્ચે અટકાવીને લૂંટી લેવામાં આવતા હતા. શું પ્રદાન કરવામાં આવેલો માલ પોતાના સ્થાને પહોંચ્યો? સાક્ષીઓએ માલ પહોંચ્યો કે નહિ એ જોવાનું નક્કી કર્યું. યહોવાહમાં પૂરા વિશ્વાસથી, તેઓએ ટ્રકમાં ખોરાક ભર્યો અને એ વિસ્તારમાં લઈ ગયા. પુરવઠો સલામત રીતે આવી પહોંચ્યો અને તેઓએ એને કદરપૂર્વક મેળવ્યો.
મદદ આપવામાં અને
મેળવવામાં વધારે ખુશી
પોતાના ભાઈઓને મદદ કરવા મદદની ગોઠવણમાં સહભાગી થનારા સાક્ષીઓ રોમાંચ અનુભવતા હતા. સાઓ પાઊલોમાં રહેતા મંડળના એક વડીલે અવલોક્યું: “ગઈ વખતે ભૂખમરો હતો ત્યારે, અમને ખોરાકના પ્રદાન માટે જણાવવામાં આવ્યું ન હતું. આ વખતે અમને એ જણાવવામાં આવ્યું એના અમે કેવા આભારી છીએ!” ફોર્ટાલેઝાના સાક્ષીઓએ લખ્યું: “અમે અમારા ભાઈઓને મદદ કરી શક્યા એના માટે ઘણા ખુશ છીએ, ખાસ કરીને અમને ખાતરી હતી કારણ કે અમે યહોવાહના હૃદયને આનંદ પમાડ્યો છે. અમે કદી પણ યાકૂબ ૨:૧૫, ૧૬ના શબ્દો ભૂલીશું નહિ.” એ બાઇબલ કલમો બતાવે છે: “જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડાં હોય અને તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય, અને તમારામાંનો કોઈ તેઓને કહે, કે શાંતિથી જાઓ, તાપો, અને તૃપ્ત થાઓ; તો પણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો તેથી શો લાભ થાય?”
કેટલીક વખત સાક્ષીઓ પ્રદાન કરેલા ખોરાકના પેકેટમાં ઉત્તેજનવર્ધક સંદેશાઓ પણ લખતા હતા. એક સંદેશામાં લખ્યું હતું: “ગીતશાસ્ત્ર ૭૨:૧૬માં જોવા મળતા વચનને મનમાં રાખો, કે જલદી જ દેવની નવી દુનિયામાં, ભરપૂર ખોરાક હશે.” કહેવાની જરૂર નથી કે, દુકાળગ્રસ્ત સાક્ષીઓ પોતાના ભાઈઓએ બતાવેલા માયાળુપણા માટે અત્યંત આભારી હતા. વધારે મદદ મેળવનાર કુટુંબના એક સાક્ષી ભાઈએ કદર વ્યક્ત કરતાં લખ્યું: “હું અને મારું કુટુંબ એને આપણા દયાળુ દેવ અને પિતા, યહોવાહના પ્રેમના એક વક્તવ્ય અને અમારા માટે તેમના સંગઠનની પ્રેમાળ ચિંતા તરીકે જોઈએ છીએ. એ અમને તેમની અને તેમના લોકોની વધારે નજીક લાવ્યા છે.”
કાયમી ઉકેલ
કટાક્ષપૂર્ણ રીતે, ઇશાન બ્રાઝિલમાં પાણીની કોઈ અછત નથી; જમીનની સપાટી પર તાજાં પાણીનો સમુદ્ર છે, તેમ જ પાણીના સંચયસ્થાનમાં ભરપૂર પ્રમાણમાં પાણી છે. આ પાણી સર્વ માટે પ્રાપ્ય બનાવવું શક્ય થાય તો, જમીન ખેતી માટે ફળદ્રુપ બની શકે.
જલદી જ, સમ્રાટ ડોમ પેડ્રો બીજાએ સમસ્યા માટે કરેલા સંતાપને કાયમી ધોરણે હલ કરવામાં આવશે. એવો દિવસ આવશે કે જ્યારે દેવનું રાજ્ય ઈસુ ખ્રિસ્ત દ્વારા ભૂખમરાના સામનાનો સમાવેશ કરતી પૃથ્વી પરની સર્વ સમસ્યાઓને દૂર કરી નાખશે. ત્યારે દુકાળગ્રસ્ત જમીન યશાયાહની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા જોશે: “અરણ્યમાં પાણી, અને વનમાં નાળાં ફૂટી નીકળશે. મૃગજળ તે તલાવડી, ને તરસી ભૂમી તે પાણીના ઝરા થઈ જશે.”—યશાયાહ ૩૫:૧, ૨, ૬, ૭.
બધાનું સારું કરીએ
પ્રેષિત પાઊલે સાથી વિશ્વાસીઓને સલાહ આપી: “માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરીએ.” (ગલાતી ૬:૧૦) તાજેતરમાં બ્રાઝિલમાં આવેલી અનાવૃષ્ટિએ યહોવાહના સાક્ષીઓને આ સલાહ વ્યવહારું રીતે લાગુ પાડવાની તક આપી. તેઓએ ફક્ત સાથી વિશ્વાસીઓ માટે જ નહિ પરંતુ બીજાઓ માટે પણ ચિંતા બતાવી. પરિણામે, અગાઉ યહોવાહના સાક્ષીઓના કાર્યનો વિરોધ કરનારા વ્યક્તિઓએ પોતાના અભિપ્રાયમાં ફેરફારો કરવાનું શરૂ કર્યું.
એક માણસ શરૂઆતમાં એની પત્નીએ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરવાનું નક્કી કર્યું ત્યારે બહુ નારાજ હતો. સમય જતાં, પત્નીએ પોતાને મળેલા નવા વિશ્વાસની બીજાઓ સાથે સહભાગી થવાનું શરૂ કર્યું. અત્યંત ભૂખમરામાં સ્થાનિક સાક્ષીઓ આ યુગલના ઘરે ખોરાક સાથે પહોંચી ગયા ત્યારે, માણસ એટલો બધો પ્રભાવિત થયો કે તેણે કદી ન કરવાની પ્રતિજ્ઞા વિષે કંઈક કરવાનું નક્કી કર્યું— સ્થાનિક રાજ્યગૃહની સભાઓમાં હાજરી આપવી. તેને બાઇબલના પ્રેરિતપણા વિષે થોડી શંકા હોવા છતાં, આ અગાઉના વિરોધ કરનાર માણસે ગૃહ બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો.
બીજા વિસ્તારમાં સાક્ષીઓએ અહેવાલ આપ્યો: “અમને આશ્ચર્ય થયું કે રાહત પુરવઠો આટલા ઝડપથી આવી પહોંચ્યો. અમે અપેક્ષા રાખી હતી એના કરતાં વધારે પ્રમાણમાં ખોરાક પૂરો પાડવામાં આવ્યો હતો. તેથી આપણા ભાઈઓને અને તેઓના કુટુંબની જરૂરિયાતોની કાળજી રાખ્યા પછી, અમે બાઇબલ વિદ્યાર્થીઓ, સગાંઓ અને યહોવાહના સાક્ષીઓના પડોશીઓમાં પણ ખોરાક વહેંચી દીધો.”
એક ગામડાંમાં રહેતા સાક્ષીઓએ ખોરાકનાં પેકેટ પોતાના કેટલાક પડોશીઓને પણ આપ્યા. એક આભારી ઘરમાલિકે નોંધ્યું: “તમે ખ્રિસ્તે શીખવ્યું હતું એ કરો છો; તમે પાછું મેળવવાની કંઈ પણ અપેક્ષા રાખ્યા વગર આપો છો.”
UN/DPI Photo by Evan Schneide
અનાવૃષ્ટિની અસરો