“હું સાત વર્ષની છું”
નમસ્તે. મારું નામ અમાલ્યા છે અને હું કારીબિનમાં રહું છું. હું સાત વર્ષની છું. કેટલાક સમય પહેલાં મારા ગરીબ માબાપે એક ધનવાન કુટુંબ સાથે શહેરમાં રહેવા મને સોંપી દીધી.
આજે, દરરોજની જેમ, હું સવારે પાંચ વાગે ઊઠી. મેં નજીકના કૂવામાંથી પાણી કાઢ્યું. ભારે ઘડાને મારા માથા પર ઊચકી સમતોલન રાખવું એ ઘણું અઘરું હતું, પરંતુ હું એ સંભાળી શકી—નહિતર, મને ખરાબ રીતે મારવામાં આવત. ત્યાર પછી મેં સવારનો નાસ્તો તૈયાર કર્યો અને કુટુંબને આપ્યો. મને સવારનો નાસ્તો આપવામાં થોડી વાર થઈ તેથી મારા માલિકે મને ચામડાના પટ્ટાથી મારી.
ત્યાર પછી, હું કુટુંબના પાંચ વર્ષના દીકરાને શાળામાં મૂકવા ગઈ. ત્યાર બાદ, મેં કુટુંબનું બપોરનું ભોજન તૈયાર કર્યું અને પીરસવામાં મદદ કરી. એ સમય દરમિયાન, મારે વસ્તુઓ લેવા બજારમાં જવાનું, અગ્નિ માટે કોલસા આપવા, આંગણું વાળવાનું, કપડાં અને વાસણો સાફ કરીને રસોડું સાફ કરવાનું હતું. મેં મારી માલકિનના પગ પણ ધોયા. આજે તે કંઈક બાબતથી બહુ જ બેચેન હતી અને તેણે મને ગુસ્સામાં તમાચો માર્યો. મને આશા છે કે કાલે તેને સારું લાગશે.
મને બચેલો ખોરાક આપવામાં આવ્યો—એ મેં ગઈ કાલે ખાધેલા મકાઈના ભરડા કરતાં સારો હતો. મારા કપડાં ફાટેલાં છે અને મારી પાસે ચંપલ નથી. હું કુટુંબ માટે જે પાણી લાવતી એમાંથી મારા માલિક ક્યારેય નાહવાની પરવાનગી આપતા ન હતા. ગઈ કાલે રાતે હું બહાર સૂઈ ગઈ હતી; કોઈ વાર તેઓ મને અંદર જમીન પર સૂઈ જવા દેતા. કેટલી શરમની બાબત કે હું આ પત્ર મારી જાતે લખી શકતી નથી. મને શાળામાં જવાની પણ પરવાનગી આપવામાં આવી નથી.
તમારો શુભ દિવસ. અમાલ્યા.
તેનું સાચું નામ અમાલ્યા નથી છતાં, તેની સ્થિતિ વાસ્તવિક છે.a અમાલ્યા, એકદમ ખરાબ સ્થિતિમાં કામ કરતાં કરોડો બાળકોમાંની એક છે. આપણા સમયમાં બાળ મજૂરી એક મુખ્ય સમસ્યા છે. આ એક કોઈ પણ સરળ હલ વગરનો જટિલ વાદવિષય છે. વિસ્તૃત પ્રમાણમાં, એ સમાજને ધીમે ધીમે નાશ કરનાર અને એના વિનાશક પરિણામોમાં, એ બાળકો માટે ક્રૂર અને માનવ મોભાને અપમાનકારક છે.
a તેનો કિસ્સો ધ સ્ટેટ ઑફ ધ વર્લ્ડસ ચિલ્ડ્રન ૧૯૯૭માં નોંધવામાંથી લેવામાં આવ્યો છે.
બાળ મજૂરી કેટલી વિસ્તૃત છે? આ સમસ્યાના કારણો કયા છે એ કયો ઘાટ આપશે? શું ક્યારેય એવો સમય આવશે કે—માનવ કુટુંબના એકદમ નાજુક અને નિર્બળ ભાગના—જીવનને કદી દરિદ્રતા અને શોષણને આધીન કરવામાં નહિ આવે?