વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૧૧/૮ પાન ૧૯
  • ‘અમે હવે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘અમે હવે
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • એક મહત્ત્વનો નિર્ણય
  • આફ્રિકામાં અમારું સેવાકાર્ય
  • રાષ્ટ્રીયવાદ વિવાદ બન્યો
  • અમારાં જીવનો જોખમમાં
  • પોતાના વિશ્વાસ માટે કેદમાં
  • નવી કાર્યસોંપણી
  • પાછા ઘરે!
  • યહોવાએ મને માર્ગ બતાવ્યો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • યહોવાહ હંમેશાં આપણી કાળજી રાખે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • ‘સારા અને ખરાબ સંજોગોમાં’ યહોવાના આશીર્વાદો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
સજાગ બનો!—૧૯૯૮
g98 ૧૧/૮ પાન ૧૯

‘અમે હવે

અમારા માટે જીવતા નથી’

જેક યોહાનસનના જણાવ્યા પ્રમાણે

આફ્રિકન, મલાવીના એક સૈનિકે મને નદીના કિનારે લૅન્ડ રોવર [ગાડી]ના પ્રકાશમાં ઊભા રહેવાનો હુકમ આપ્યો. તેણે પોતાના ખભા પર બંદૂક ભરવી તેમ, લોઈડ લીકવેડે કિનારા તરફ ધસી આવી મને બાજુમાં ધકેલીને મારી જગ્યાએ ઊભા રહ્યા. તેમણે આજીજી કરી: “આ પરદેશીએ કંઈ ખોટું કર્યું નથી એના બદલે મને મારી નાખો! મને મારી નાખો!” શા માટે એક આફ્રિકન એક યુરોપિયન માટે પોતાનાં જીવનનું બલિદાન આપવા તૈયાર હતો? હું લગભગ ૪૦ વર્ષ પહેલાં કઈ રીતે મિશનરિ તરીકે આફ્રિકામાં આવ્યો એ મને જણાવવા દો.

વર્ષ ૧૯૪૨માં હું ફક્ત નવ વર્ષનો હતો ત્યારે, મારી માતા મારા પિતાને પાંચ બાળકો સાથે એકલા મૂકીને મરણ પામી. હું સૌથી નાનો હતો. ચાર મહિના પછી પિતા, કે જે ફિનલૅન્ડમાં પ્રથમ યહોવાહના સાક્ષી હતા, તે પાણીમાં ડૂબી મરી ગયા. મારી મોટી બહેન માયા, અમારા બાકીનાઓની કાળજી લેતી હતી અને અમે અમારી વાડી સંભાળતા હતા. માયા આત્મિક બાબતોમાં પણ આગેવાની લેતી હતી અને મારા પિતા મરણ પામ્યા એ જ વર્ષે, તેણે અને મારા એક ભાઈએ પાણીના બાપ્તિસ્માથી યહોવાહને પોતાનું સમર્પણ કર્યું. એક વર્ષ પછી હું બાપ્તિસ્મા પામ્યો, તે સમયે હું ૧૧ વર્ષનો હતો.

એક મહત્ત્વનો નિર્ણય

વર્ષ ૧૯૫૧માં મારી વાણિજ્ય વિશ્વવિદ્યાલય પૂરી કર્યા પછી, મેં ફિનલૅન્ડમાં ફોર્ડ મોટર કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. છ મહિના પછી, યહોવાહના સાક્ષીઓના એક શાણા પ્રવાસી નિરીક્ષકે મને આશ્ચર્ય પમાડ્યું. તેમણે મને પાયોનિયર કે પૂરા-સમયના સેવકોને મળતા આશીર્વાદ વિષે સંમેલનમાં વાર્તાલાપ આપવાનું આમંત્રણ આપ્યું. મને કંઈક અજુગતું લાગતું હતું, હું પૂરા-સમયનું દુન્યવી કામ કરતો હોવાથી મને લાગતું હતું કે હું કદી પણ હૃદયપૂર્વક બોલી શકીશ નહિ. મેં બાબત વિષે યહોવાહને પ્રાર્થના કરી. મને સમજણ પડી કે “પોતાને અર્થે નહિ, પણ જે તેઓને વાસ્તે મૂઓ” તેના માટે જીવવું જોઈએ, અને તેથી પાયોનિયર તરીકે સેવા કરવા મેં મારી અગ્રિમતાઓમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું.—૨ કોરીંથી ૫:૧૫.

હું એ કંપની ન છોડું તો મારા સુપરવાઈઝરે મારો પગાર બમણો કરવાનું વચન આપ્યું. ત્યાર પછી, તેમણે જોયું કે મેં પાક્કો નિર્ણય કર્યો છે ત્યારે, તેમણે કહ્યું: “તેં સાચો નિર્ણય કર્યો છે. મેં મારું આખું જીવન અહીં આ કાર્યાલયમાં પસાર કર્યું છે, અને હું લોકોને કશી મદદ કરી શક્યો નથી.” તેથી મે ૧૯૫૨માં, હું પાયોનિયર બન્યો. થોડાંક સપ્તાહો પછી, હું પાયોનિયર સેવા વિષેનો મારો વાર્તાલાપ પૂરા આત્મવિશ્વાસથી આપી શક્યો.

થોડા મહિનાઓ પાયોનિયર તરીકે સેવા કર્યા પછી, મારી ખ્રિસ્તી તટસ્થતાને કારણે મને છ મહિનાની કેદ કરવામાં આવી. એ પછી ફિનલૅન્ડની ખાળીમાં હાસ્તો-બુસોના ટાપુમાં બીજા યુવાન સાક્ષીઓ સાથે આઠ મહિનાની કેદ કરવામાં આવી. અમે આ ટાપુ પર ઘનિષ્ઠ બાઇબલ અભ્યાસ ગોઠવ્યો હતો માટે અમે આ ટાપુને નાનું ગિલયડ કહેતા હતા. તેમ છતાં, મારો ધ્યેય સાઊથ લાસિંગ ન્યૂયૉર્કમાં આવેલી વૉચટાવરની ગિલયડ શાળામાં હાજરી આપવાનો હતો.

હજુ તો હું ટાપુ પર કેદમાં હતો ત્યારે, મેં વૉચ ટાવર સંસ્થાની શાખા કચેરી તરફથી યહોવાહના સાક્ષીઓના પ્રવાસી સેવક તરીકે સેવા કરવાનું આમંત્રણ મેળવ્યું. મુક્ત થયા પછી મારે ફિનલૅન્ડમાં સ્વીડિશ-ભાષાનાં મંડળોની મુલાકાત લેવાની હતી. એ સમયે, હું ફક્ત ૨૦ વર્ષનો હતો અને હું પોતાને લાયક સમજતો ન હતો, પરંતુ મેં યહોવાહમાં મારો ભરોસો મૂક્યો. (ફિલિપી ૪: ૧૩) હું સેવા કરતો હતો એ મંડળના સાક્ષીઓ, હું ફક્ત “છોકરો” છું એવું ગણી કદી પણ અનાદરથી જોતા ન હતા.—યિર્મેયાહ ૧:૭.

બીજા વર્ષે મંડળની મુલાકાત લેવા ગયો હતો ત્યારે, હું લીન્ડાને મળ્યો કે જે યુનાઈટેડ સ્ટેટ્‌સમાંથી ફિનલૅન્ડ રજાઓ ગાળવા આવી હતી. યુનાઈટેડ સ્ટેટ્‌સમાં પાછા ફર્યાં પછી, તેણે ઝડપથી આત્મિક પ્રગતિ કરી. જલદી જ, તે બાપ્તિસ્મા પામી. અમે જૂન ૧૯૫૭માં લગ્‍ન કર્યું. પછીથી, વર્ષ ૧૯૫૮ના સપ્ટેમ્બરમાં, અમને ગિલયડ શાળાના ૩૨માં વર્ગમાં આમંત્રણ આપવામાં આવ્યું. અમારા સ્નાતક કાર્યક્રમ પછી ફેબ્રુઆરીમાં, અમને દક્ષિણ આફ્રિકામાં ન્યાશલૅન્ડ, કે જેને હવે મલાવી કહેવામાં આવે છે ત્યાં સોંપણી આપવામાં આવી.

આફ્રિકામાં અમારું સેવાકાર્ય

અમને અમારા આફ્રિકાના ભાઈઓ સાથે જાહેર સેવાકાર્યમાં જવાનું ગમતું હતું કે જેઓની સંખ્યા એ સમયે લગભગ ૧૪,૦૦૦ની આસપાસ હતી. એ સમયે અમે લૅન્ડ રોવર (ગાડી)માં અમારી જરૂરિયાતની બધી વસ્તુઓ લઈને મુસાફરી કરતા હતા. અમે ગામડામાં રહેતા હતા કે જ્યાં કદી પણ કોઈ ગોરા લોકો ગયા ન હતા, અને દર વખતે અમારો સારો આવકાર કરવામાં આવતો હતો. અમારા પહોંચતાની સાથે જ, આખું ગામ અમને જોવા બહાર આવ્યું. નમ્ર રીતે અમને આવકાર્યા પછી, તેઓ શાંતિથી જમીન પર બેસી ગયા અને અમારું નિરીક્ષણ કરતા રહ્યા.

ઘણી વાર, ગામડાના લોકો અમારા માટે ખાસ ઝૂંપડી બનાવતા, કે જે કેટલીક વાર માટી અને અમુક સમયે મોટાં મોટાં ઘાસમાંથી બનાવતા હતા અને એ ફક્ત પલંગ મૂકાય એટલી હતી. રાત્રી દરમિયાન હાઈનાસ [પ્રાણી]નો એટલો ભયંકર અવાજ આવતો હતો કે જાણે અમારા માથાની ઉપર જ હોય એવું લાગતું હતું. પરંતુ ન્યાસલૅન્ડના સાક્ષીઓને આ જંગલી જાનવર કરતાં વધારે ગંભીર બાબતોનો સામનો કરવાનો હતો.

રાષ્ટ્રીયવાદ વિવાદ બન્યો

સમગ્ર આફ્રિકામાં, સ્વતંત્રતાની ચળવળ શરૂ થઈ. એ સમયે દરેક જણ પાસે ન્યાશલૅન્ડમાં અસ્તિત્વ ધરાવતા એક રાજકીય દળમાં જોડાય એવી અપેક્ષા રાખવામાં આવતી હતી. એકાએક, અમારી તટસ્થતા સળગતો રાષ્ટ્રીય વિવાદ બની. અમારા શાખા નિરીક્ષક માલ્કમ વીગો બહાર ગયા હતા ત્યારે કાર્યાલયના કામની દેખરેખ રાખવાનું મને સોંપવામાં આવ્યું હતું. મેં ડૉ. હાસ્ટીંગ કમૂઝુ બાન્ડાને તેમની સાથે મળવા માટે વિનંતી કરી. મેં અને બીજા બે ખ્રિસ્તી વડીલોએ તેમને અમારી તટસ્થતા સમજાવી, અને સભાનો શાંતિપૂર્વક અંત આવ્યો. એમ છતાં, એક મહિના પછી, ફેબ્રુઆરી ૧૯૬૪માં, એલ્ટન મોકાન્ડે પ્રથમ સતાવણીનો ભોગ બન્યા—ક્રોધિત ટોળાએ તેમને મારી નાખ્યા. તેમના ગામના બીજા સાક્ષીઓને નાસી જવાની ફરજ પાડી.

અમે ડૉ. બાન્ડાને પોતાની સત્તાનો ઉપયોગ કરીને આ પ્રકારની હિંસા અટકાવવાની વિનંતી કરતો ટેલિગ્રામ મોકલ્યો. મેં જલદી જ વડા પ્રધાનના કાર્યાલયમાંથી હાજર થવાનો પત્ર મેળવ્યો. હારોલ્ડ ગે નામના બીજા મિશનરિ અને એલેક્ષાંડર મફામ્બા નામના સ્થાનિક ભાઈ સાથે, હું ડૉ. બાન્ડાને મળવા ગયો. બે પ્રધાનમંડળના સેવકો પણ ત્યાં હાજર હતા.

અમે જેવા બેઠાં કે તરત જ, ડૉ. બાન્ડાએ એક પણ શબ્દ બોલ્યા વગર હાથ ઊંચો કરીને ટેલિગ્રામ હલાવવાનું શરૂ કર્યું. છેવટે, તેમણે આમ કહેતા નીરવતા તોડી: “શ્રી. યોહાનસન, તમારો આ પ્રકારનો ટૅલિગ્રામ મોકલવાનો અર્થ શું છે?” ફરી એક વાર અમે અમારી રાજકીય તટસ્થતા તેમને સમજાવી, અને મેં ઉમેર્યું: “હવે એલ્ટન મોકાન્ડેની હત્યાની બાબતમાં, તમે જ એકલા એવા છો જે અમને મદદ કરી શકો છો.” એનાથી ડૉ. બાન્ડાને સંતોષ થયો હોય એવું લાગ્યું, અને તે થોડા ઠંડા પડ્યા.

તેમ છતાં, એક પ્રધાનમંડળના સેવકે દાવો કર્યો કે અમુક દૂરના ગામમાં સાક્ષીઓ સ્થાનિક સત્તાધારીઓને સહકાર આપતા નથી. ત્યાર પછી બીજા સેવકે એવું તહોમત મૂકતા બીજા એક દૂરના ગામનું નામ જણાવ્યું કે ત્યાંના સાક્ષીઓ ડૉ. બાન્ડા વિષે ગમે તેવું બોલ્યા છે. તોપણ, તેઓ જેઓ એ રીતે વર્ત્યા હતા તેમાંના કોઈનું પણ નામ આપી શક્યા નહિ. અમે સમજાવ્યું કે યહોવાહના સાક્ષીઓને સરકારી અધિકારીઓને હંમેશા માન આપવાનું શીખવવામાં આવ્યું છે. તેમ છતાં, અમે ડૉ બાન્ડા અને તેમના સેવકોનાં જૂઠાણાને દૂર કરવામાં સફળ થયા નહિ.

અમારાં જીવનો જોખમમાં

વર્ષ ૧૯૬૪માં, ન્યાશાલૅન્ડે સ્વતંત્રતા મેળવી અને પછી મલાવી પ્રજાસત્તાક બન્યું. દબાણ છતાં અમારું પ્રચારકાર્ય વધ્યું. આ સમય દરમિયાન દક્ષિણ પ્રદેશમાંથી સાક્ષીઓએ ફોન કરીને કહ્યું કે ત્યાં રાજકીય બળવો ફાટી નીકળ્યો છે. અમને ત્યાં તાત્કાલિક જઈ સાક્ષીઓની પરિસ્થિતિ સુધારવા અને તેઓને નૈતિક ટેકો પૂરો પાડવાની જરૂર જણાઈ. અગાઉના બનાવ વખતે હું એકલો જંગલોમાંથી ગયો હતો, અને લીન્ડા ખુશીથી માની ગઈ હતી. તેમ છતાં, આ વખતે, તેણે મને મારી સાથે સ્થાનિક સાક્ષી લોઈડ લીખવાઈડને લઈ જવાની વિનંતી કરી. છેવટે હું મારી જાતે એવું વિચારીને સહમત થયો કે, ‘એનાથી તેને ખુશી મળતી હોય તો હું લઈ જઈશ.’

અમને કહેવામાં આવ્યું હતું કે અમારે સાંજના છ વાગ્યેના કરફ્યૂ પહેલાં હોડીમાં બેસી નદી પાર કરવાની હતી. એ સમય પહેલાં અમે ત્યાં જવાનો અમારાથી બનતો બધો પ્રયત્ન કર્યો, પરંતુ રસ્તો ખરાબ હોવાને કારણે અમને મોડું થયું. પછીથી અમને જાણવા મળ્યું કે છ વાગ્યા પછી નદીની અમે હતા એ બાજુએ કોઈ પણ જોવા મળે તો તેને ઠાર કરવાનો હુકમ આપવામાં આવી ચૂક્યો હતો. અમે નદી સુધી પહોંચ્યા ત્યારે, અમને જોવા મળ્યું કે હોડી બીજી બાજુ નદી પાર કરી ચૂકી હતી. ભાઈ લીખાવાઈડે હોડી બોલાવીને અમને લઈ જવા કહ્યું. હોડી આવી, પરંતુ હોડીમાંના સૈનિકે પાછી બૂમ પાડી: “મારે ગોરા માણસને મારી નાખવો પડશે!”

મને લાગ્યું કે એ મને ડરાવી રહ્યો છે, પરંતુ હોડી પાસે આવતી ગઈ તેમ, સૈનિકે મને વાહનની લાઈટમાં ઊભા રહેવાનો હુકમ આપ્યો. એ સમયે મારા આફ્રિકાના મિત્રએ અમારા બંનેની વચ્ચે આવી મારા બદલે પોતાને મારી નાખવાની વિનંતી કરી. એવું લાગતું હતું કે મારા બદલે મરવાની તેની સ્વેચ્છા સૈનિકને સ્પર્શી ગઈ અને તેણે તેની બંદૂક નીચી કરી. હું ઈસુના શબ્દો પર વિચારતો હતો: “પોતાના મિત્રોને સારૂ જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી.” (યોહાન ૧૫:૧૩) હું કેટલો ખુશ હતો કે વહાલા ભાઈને મારી સાથે લઈ જવાની લીન્ડાની સલાહ માની હતી!

બીજા દિવસે પાછા ફરતા બેન્ટાયરમાં યુવાન માણસોએ રસ્તો રોક્યો હતો કેમ કે તેઓ ભાઈ લીખવાઈડ કયા દળના સભ્ય છે એનું કાર્ડ જોવા માંગતા હતા. ત્યાં ફક્ત એક જ બાબત કરવાની હતી એ—ટોળામાંથી એકદમ ઝડપથી બહાર નીકળવું! મેં ગાડી ગીયરમાં નાખી અને આગળ વધ્યો, જેથી તેઓએ ચોંકીને વચ્ચેથી નીકળવા જેટલો માર્ગ આપ્યો. ટોળાએ ભાઈ લીખવાઈડને પકડ્યા હોત તો, એ તેમના જીવનનો અંત હોત. અમે શાખા કચેરીમાંથી પાછા આવ્યા ત્યારે, અમે બંને ખૂબ જ ધ્રૂજતા હતા પરંતુ યહોવાહે રક્ષણ આપ્યું માટે આભારી હતા.

પોતાના વિશ્વાસ માટે કેદમાં

મલાવીમાં ઑક્ટોબર ૧૯૬૭માં અમારા કાર્ય પર પ્રતિબંધ મૂક્યો. દેશમાં આ સમયે લગભગ ૧૮,૦૦૦ સાક્ષીઓ હતા. બે સપ્તાહ પછી, અમને ખબર પડી કે રાજધાની લિલોંગ્વેમાં ૩,૦૦૦ સાક્ષીઓને કેદ કરવામાં આવ્યા હતા. અમે તેઓને ફક્ત નૈતિક ટેકો આપવા એ જ રાત્રે ૩૦૦ કિલોમીટર દૂર જવાનું નક્કી કર્યું,. અમે વૉચટાવરના પ્રકાશનોને લૅન્ડ રોવરમાં મૂક્યા, યહોવાહનો આભાર કે ઘણા થાણા આવ્યાં છતાં, તેઓએ તપાસ કરી નહિ. અમે રસ્તામાં આવતાં મંડળોમાં સમયસરનો આત્મિક ખોરાક આપતા ગયા.

સવારે અમે જેલના સ્થળે ગયા. કેવું જોવાલાયક દૃશ્ય! એ આખી રાત વરસાદ પડ્યો હતો, અને આપણા ખ્રિસ્તી ભાઈબહેનોને કસરતના મેદાનમાં રાખેલા હતા. તેઓ ભીના થઈ ગયા હતા અને કેટલાક પોતાના ધાબળાઓ મેદાનમાં સૂકવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અમે મેદાનમાંના થોડા સાથે વાતચીત કરી.

તેઓનો કોર્ટ કેસ બપોરે ચાલવાનો હતો, અને જૂઠા સાક્ષીઓ આવીને ઊભા હતા. અમે તેઓની સાથે આંખ મીલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓના ચહેરા પર કોઈ ભાવ ન હતો. ઊભેલા સર્વએ પોતાના વિશ્વાસનો નકાર કર્યો ત્યારે અમે હેબતાઈ ગયા! તેમ છતાં, મને ખબર પડી કે યહોવાહના સાક્ષી તરીકેનો નકાર કરનાર કોઈને પણ સ્થાનિક સાક્ષીઓ ઓળખતા ન હતા. એ દેખીતી રીતે જ, સાચા સાક્ષીઓને નિરુત્સાહ કરવાનું નાટક જ હતું.

એ દરમિયાન, અમારા માટે ત્યાંથી નીકળી જવાનો હુકમ આવ્યો. બેન્ટાયરમાં અમારી શાખા કચેરીને ખાલસા કરવામાં આવી અને મિશનરિઓને દેશ છોડવા માટે ૨૪ કલાક આપવામાં આવ્યા. અમે ઘરે પાછા ફર્યા ત્યારે પોલીસ અધિકારીએ અમારા માટે દરવાજો ખોલ્યો એ કેવું વિચિત્ર હતું! બીજા દિવસે બપોરે પોલીસ અધિકારીએ આવીને દિલગીરી સહિત અમને પકડ્યા અને હવાઈમથકે લઈ ગયા.

નવેમ્બર ૮, ૧૯૬૭માં અમે જાણ્યું કે અમારા ખ્રિસ્તી ભાઈઓ પર અગ્‍નિ કસોટી આવી છે ત્યારે, અમારાં હૃદયો વ્યથિત થયાં. ઘણાએ પોતાનાં જીવનો ગુમાવ્યાં; હજારોએ ક્રૂર સતાવણી સહન કરી; અને હજારોએ પોતાની નોકરી, ઘરો, અને મિલકત ગુમાવી. તોપણ, લગભગ બધાએ પોતાની પ્રમાણિકતા જાળવી રાખી.

નવી કાર્યસોંપણી

મુશ્કેલીઓ હોવા છતાં, અમે અમારા મિશનરિ કાર્યને છોડી દીધું નહિ. એના કરતાં, અમે કૅન્યામાં નવી સોંપણી સ્વીકારી કે જ્યાંનુ વાતાવરણ અને લોકો એકદમ ભિન્‍ન હતા. લીન્ડાને મસાઈ [જાતિ]થી ઘણું આશ્ચર્ય થયું. એ સમયે, મસાઈ જાતિમાં કોઈ યહોવાહનું સાક્ષી ન હતું. પરંતુ લીન્ડા એક મસાઈ સ્ત્રી, દરકાસને મળી, અને તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો.

દરકાસને ખબર પડી કે દેવને ખુશ કરવા તેણે પોતાનું લગ્‍ન કાયદેસરનું કરવું જ જોઈએ. તેનાં બે બાળકોના પિતાએ લગ્‍નનો નકાર કર્યો, તેથી દરકાસે પોતે જ પોતાનાં બાળકોને ઉછેરવાનાં હતાં. તે પુરુષ પોતાનાં કુટુંબથી અલગ થઈ ગયો તેથી તે દુઃખી હતો. અને એ કારણે તે યહોવાહના સાક્ષીઓ પર ગુસ્સે હતો. છેવટે, દરકાસની વિનંતીથી, તેણે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેણે પોતાનું જીવન સુધાર્યું, સાક્ષી બન્યો અને દરકાસ સાથે લગ્‍ન કર્યું. દરકાસ પાયોનિયર બની, અને હવે તેનો પતિ અને તેઓનો મોટો દીકરો મંડળમાં વડીલ છે.

અચાનક જ, વર્ષ ૧૯૭૩માં, કૅન્યામાં યહોવાહના સાક્ષીઓના કાર્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને અમારે કૅન્યા છોડવાનું હતું. ફક્ત થોડાક જ મહિનાઓ પછી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો. પરંતુ ત્યાં સુધીમાં તો અમે અમારી ત્રીજી સોંપણી કોંગો (બ્રાઝાવિલા)માં મેળવી લીધી હતી. એપ્રિલ ૧૯૭૪માં અમે ત્યાં પહોંચ્યા. લગભગ ત્રણ વર્ષ પછી, મિશનરિઓ પર ગુપ્તચર તરીકેનો ખોટો આરોપ મૂકીને અમારા કામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તે ઉપરાંત, બ્રાઝાવિલામાંના વડા પ્રધાનની હત્યા પછી લડાઈ ફાટી નીકળી. બીજા બધા મિશનરિઓને અલગ અલગ દેશોમાં સોંપણી આપવામાં આવી હતી, પરંતુ અમને શક્ય એટલું ત્યાં રોકાવાનું જણાવવામાં આવ્યું. અમે સપ્તાહો સુધી સવારે ઉઠીશું કે નહિ એની ચિંતા કર્યા વગર સૂઈ જતા. પરંતુ યહોવાહની કાળજીમાં ભરોસો રાખીને અમે સારી રીતે ઊંઘી ગયા. એ થોડા મહિનાઓ દરમિયાન શાખા કચેરીમાં અમે એકલા જ હતા. એ અમે અમારા મિશનરિ કાર્યમાં ક્યારેય અનુભવી ન હોય એવી વિશ્વાસની કસોટી અને વિશ્વાસ મજબૂત કરનાર સમય હતો.

એપ્રિલ ૧૯૭૭માં, અમારે બ્રાઝાવિલા છોડવાનું હતું. ત્યાર પછી અમને ખરેખર આશ્ચર્યજનક થયું—અમને ઈરાનમાં નવી શાખા કચેરી સ્થાપવાની સોંપણી આપવામાં આવી. અમારો પહેલો પડકાર ફારસી, પર્સિઅન ભાષા શીખવાનો હતો. નવી ભાષા શીખવાના કારણે અમે મંડળકીય સભાઓમાં ફક્ત સાદી અને સરળ, નાનાં બાળકો આપે એવી ટીકા આપતા હતા! વર્ષ ૧૯૭૮માં ઈરાનમાં લડાઈ ફાટી નીકળી. લડાઈ ભયંકર થઈ ગઈ ત્યાં સુધી અમે ત્યાં રહ્યા, પરંતુ જુલાઈ ૧૯૮૦માં, સર્વ મિશનરિઓને કાઢી મૂકવામાં આવ્યા.

અમારી પાંચમી સોંપણી અમને મધ્ય આફ્રિકા, ઝાઈર, હવે લોકશાહી પ્રજાસત્તાકના કોંગો લઈ ગઈ. વખતોવખત પ્રતિબંધ હેઠળ પણ, અમે ઝાઈરમાં ૧૫ વર્ષ સેવા કરી. અમે આવ્યા ત્યારે, એ દેશમાં લગભગ ૨૨,૦૦૦ સક્રિય પ્રકાશકો હતા—હવે લગભગ ૧,૦૦,૦૦૦થી વધારે છે!

પાછા ઘરે!

ઑગસ્ટ ૧૨, ૧૯૯૩માં મલાવીમાં યહોવાહના સાક્ષીઓ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો. બે વર્ષ પછી મેં અને લીન્ડાએ શરૂઆત કરી હતી ત્યાં જ પાછી સોંપણી આપવામાં આવી—મલાવી. એને સુંદર, મૈત્રીપૂર્ણ આફ્રિકાનું હૃદયને ઉષ્મા આપનાર દેશ તરીકે ઓળખવામાં આવે છે. જાન્યુઆરી ૧૯૯૬થી, અમે મલાવીના સુખી શાંતિપૂર્ણ લોકો મધ્યે કામ કરવાનો આનંદ માણીએ છીએ. અમને અમારા વિશ્વાસુ મલાવીના ભાઈઓ સાથે ફરી એક વાર સેવા કરવાનો અમૂલ્ય લહાવો છે, જેમાંના ઘણાએ ત્રણ દાયકા સતાવણી સહન કરી છે. અમારા આફ્રિકાના ભાઈઓ પ્રેરણાના ઉદ્‍ભવ છે અને અમે તેઓને પ્રેમ કરીએ છીએ. તેઓ સાચે જ પાઊલના શબ્દો પ્રમાણે જીવ્યા છે: “આપણને ઘણાં સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવું પડે છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૨) મલાવીમાં લગભગ ૪૧,૦૦૦ સાક્ષીઓ હવે જાહેર રીતે પ્રચાર કરવા અને મોટાં મહાસંમેલનો રાખવાં મુક્ત છે.

અમે અમારી બધી સોંપણીનો ઘણો આનંદ માણ્યો છે. હું અને લીન્ડા શીખ્યા છે કે કોઈ પણ અનુભવ, ગમે તેવો અઘરો હોય તોપણ, સારી વ્યક્તિ બનાવી શકે છે, અને આપણને “યહોવાહનો આનંદ” પૂરો પાડે છે. (નહેમ્યાહ ૮:૧૦) અમારી સોંપણી બદલાતી ત્યારે મને અનુકૂળ થવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ લીન્ડાની અનુકૂળતા—અને ખાસ કરીને યહોવાહમાં તેના દૃઢ ભરોસા—એ મદદ કરી, કે જે મારા માટે “[સારી] વહુ”નો આશીર્વાદની કદર કરવાનું કારણ બની.—નીતિવચન ૧૮:૨૨.

અમે કેવું સુખી અને ઉત્તેજિત જીવન જીવ્યા છે! અમે વારંવાર યહોવાહનો અમારું રક્ષણ કરવા માટે આભાર માનીએ છીએ. (રૂમી ૮:૩૧) મેં પૂરા-સમયના સેવાકાર્યના આશીર્વાદ વિષે વાર્તાલાપ આપ્યાને લગભગ ચાર દાયકાઓ વીતી ગયા છે. અમે ખુશ છીએ કે અમે ‘યહોવાહને પારખવા દીધા અને તેમની ભલાઈનો આનંદ માણ્યો.’ (ગીતશાસ્ત્ર ૩૪:૮; માલાખી ૩:૧૦) અમને ખાતરી થઈ છે કે ‘પોતાના માટે ન જીવવું’ એ જીવનનો ઉત્તમ માર્ગ છે.

મલાવી જતા, દક્ષિણ આફ્રિકા, કેપ ટાઉનના રસ્તે

અમારી ધરપકડ કરીને મલાવીમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે

અમે સેવાકાર્ય કરેલા દેશો

ઈરાન

પ્રજાસત્તાક કોંગો

લોકશાહી પ્રજાસત્તાકનું કોંગો

કૅન્યા

મલાવી

મસાઈ દરકાસ તેના પતિ સાથે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો