જ્યારે આશા અને પ્રેમ પાછા ફરે છે
માબાપ, શિક્ષકો, અને તરુણો સાથે કાર્ય કરનારાઓ જાણે છે કે તેઓ, તરુણો, કે પછી બીજી કોઈ વ્યક્તિઓ જગતને બદલી શકતી નથી. એવી અસરો છે કે જે ઉછળતા મોજાંનાં જેવી છે, જેને કોઈ રોકી શકતું નથી. તોપણ, આપણે બધાં યુવાનોને વધુ આનંદી, તંદુરસ્તી, અને ઠરીઠામ થવામાં મદદ કરી શકીએ છીએ.
ઇલાજ કરતાં અટકાવવું સારું છે તેથી, માબાપોએ એ વિષે વિચારવાની જરૂર છે કે તેઓની જીવન-ઢબ અને અગ્રિમતાઓ તેઓનાં બાળકોનાં વલણ અને વર્તણૂકને કઈ રીતે અસર કરી શકે. ઘરમાં પ્રેમાળ અને કાળજીભર્યું વાતાવરણ પૂરું પાડવાથી તેઓ પોતાનાં બાળકોમાં આત્મ-વિનાશક વર્તણૂકમાંથી રક્ષણ અને સલામતી પૂરી પાડી શકે. યુવાનોની વધુ પડતી જરૂરિયાત એ છે કે બીજાઓ તેઓને ધ્યાન આપીને સાંભળે. જો માબાપ તેઓનું નહિ સાંભળે તો પછી બીજા ખરાબ વ્યક્તિઓ તેઓને સાંભળશે.
માબાપો માટે આજે આનો શું અર્થ થાય? બાળકોને જરૂર હોય ત્યારે, તેઓ માટે સમય ફાળવો. ઘણાં કુટુંબો માટે એ સહેલું નથી. તેઓ રોજિંદી જરૂરિયાતો પૂરી પાડવા માટે મથતાં હોય છે, જેમાં પોતાની મરજી વિના માબાપ બંનેને કામ કરવું પડે છે. જેઓ ઇચ્છુક છે અને પોતાનાં બાળકો સાથે સમય કાઢવા ગોઠવણ કરે છે, તેઓ તેઓનાં દીકરા અને દીકરીઓના જીવનમાં સફળ થતાં જોવાનો આનંદ માણે છે. છતાં, અગાઉ દર્શાવવામાં આવ્યું તેમ, ઘણી વખત માબાપનાં સૌથી સારાં પ્રયત્નો છતાં, તેમનાં બાળકોમાં ગંભીર સમસ્યાઓ ઉભા થઈ શકે છે.
મિત્રો અને બીજા મોટેરાંઓ મદદ કરી શકે
યુદ્ધો, બળાત્કાર, અને યુવાનોની પજવણીથી નુકશાન ન થાય એવી કાળજી રાખવામાં માબાપ પાસેથી વધુ ખાસ પ્રયત્નો માગી લે છે. અમુક કડવા અનુભવોનો ભોગ બનેલાઓને મદદ કરવામાં આવે છે ત્યારે, તેઓ સારો પ્રત્યુત્તર ન પણ આપે. ઘણી વખત એને મહેનતની જરૂર પણ પડી શકે. હકીકતમાં, તેઓને નજીવા ગણવા કે નકાર કરવો પ્રેમાળ કે ડહાપણભર્યું નથી. જોખમમાં છે તેઓ માટે, શું આપણે આપણી પોતાની લાગણીઓમાં જરાક ઊંડા ઉતરીને જરૂરી માયાળુપણું અને પ્રેમ બતાવી શકીએ?
ફક્ત માબાપો જ નહિ પરંતુ મિત્રો અને ભાઈબહેનો પણ નાનેરાઓમાં દેખાઈ આવતી નાજુક અને શક્યપણે અસમતુલિત લાગણીઓની નોંધ કરીને ખાસ ધ્યાન આપનારાં બની શકે. (“યોગ્ય મદદની જરૂર” એ કોઠો, પાન ૮ પર જુઓ.) કોઈ ચિહ્નો દેખાય તો, તરત જ સાંભળનાર બનો. જો શક્ય હોય તો, તમારી મિત્રતાની ખાતરી આપવામાં, મૂંઝાયેલા યુવાનને માયાળુ પ્રશ્નો પૂછીને છૂટથી બોલવા ઉત્તેજન આપો. ભરોસાપાત્ર મિત્રો અને સગાઓ માબાપને મદદ કરી શકે; પરંતુ, ધ્યાન રાખવાની જરૂર છે કે તેઓ માબાપની ભૂમિકાની ઉપરવટ ન જાય. મોટે ભાગે યુવાનોની આપઘાત કરવાની લાગણીઓ—માબાપનું ધ્યાન ખેંચવાની આજીજી હોય છે.
યુવાનોને સૌથી સારી ભેટ જે આપી શકીએ એ તેઓને સુખી ભાવિ વિષેની દૃઢ આશા આપવી છે, જે જીવવાનું પ્રોત્સાહન છે. ઘણાં યુવાનો સારું જગત જલદી જ આવવાના બાઇબલ વચનોનું સત્ય જાણતા થયા છે.
શક્ય આપઘાતમાંથી બચાવાયા
ઘણી વાર આપઘાતનો પ્રયાસ કરનાર જાપાનમાંની એક યુવતી આમ કહે છે: “મેં ઘણી વાર એ માર્ગ અપનાવવાનું ચાહ્યું. હું નાની હતી ત્યારે, જે વ્યક્તિમાં હું ભરોસો રાખતી હતી તેણે મારા પર બળાત્કાર કર્યો. . . . અગાઉ, ‘મારે મરી જવું છે’ એવું લખાણ ઘણી વાર લખ્યું જેની ગણતરી પણ ભૂલાઈ ગઈ છે. હવે હું યહોવાહની સાક્ષી બની છું, અને પૂરેપૂરા–સમયની સુવાર્તિક તરીકે સેવા કરું છું, પરંતુ સમયોસમય આ લાગણી મને વશ કરી જાય છે. . . . પરંતુ યહોવાહે મને જીવિત રાખી છે, અને એમ લાગે છે કે તે મને ધીમેથી કહી રહ્યાં છે કે, ‘હજુ જીવતી રહે.’”
રશિયાની એક ૧૫ વર્ષની છોકરી જણાવે છે: “હું આઠ વર્ષની હતી ત્યારે, મને એવી લાગણી થતી હતી કે કોઈને મારી પડી નથી. મારા માબાપને મારી સાથે વાત કરવા સમય ન હતો, અને મેં મારી સમસ્યાઓ જાતે જ હાથ ધરવા કોશિશ કરી. હું મારા પોતાનામાં જ ખેંચાઈ ગઈ. મેં મારા સગાઓ સાથે સતતપણે ઝઘડા કર્યાં. પછી આપઘાતનો વિચાર મારા મગજમાં આવ્યો. યહોવાહના સાક્ષીઓને મળી ત્યારે હું કેટલી ખુશ થઈ હતી!”
અને ઑસ્ટ્રેલિયાથી કૅથી તરફથી આવી ઉત્તેજનાભરી ટીકા આવે છે, જે લગભગ ૩૦ વર્ષની આસપાસ છે, જે બતાવે છે કે નિરાશા ખરેખર આશામાં પરિણમી શકે છે: “મેં હંમેશા મારા જીવનને જુદી જુદી રીતે અંત લાવવાના સ્વપ્નો જોયાં અને આખરે આપઘાતનો પ્રયાસ કર્યો. મારે આ જગત જે દુઃખ, ક્રોધ, અને ખાલીપણાંથી ભરેલું છે, એમાંથી નાસી જવું હતું. હું જે ‘ચક્રવ્યુહʼમાં ફસાઈ ગઈ હતી, એમાંથી બહાર નીકળવું નિરાશાને કારણે વધુ મુશ્કેલ બન્યું. તેથી, આપઘાત એ જ એકમાત્ર માર્ગ હતો.
“મેં પૃથ્વી માટે એક શાંતિમય, સુખી જીવનના પારાદેશની શક્યતા વિષે સાંભળ્યું ત્યારે, મેં એની ખૂબ જ ઝંખના સેવી. પરંતુ એક અશક્ય સ્વપ્ન માત્ર લાગતું હતું. છતાં, મેં ધીમે ધીમે યહોવાહની જીવન વિષેની દૃષ્ટિ અને તેમની નજરમાં આપણે કેટલાં કીમતી છીએ એ વિષે સમજવા માંડી. ભાવિ વિષે આશા છે એ જાણીને મારો વિશ્વાસ દૃઢ થવા માંડ્યો. આખરે, મેં એ ‘ચક્રવ્યુહʼમાંથી નીકળવાનો માર્ગ શોધી કાઢ્યો. પરંતુ એમાંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલીભર્યું હતું. ઘણી વખત, મારા પર નિરાશા છવાઈ ગઈ, અને તેથી મને ઘણું જ ગૂંચવાડાભર્યું લાગતું. છતાં, યહોવાહને મારા જીવનમાં વધુ ધ્યાન આપવાથી, મને તેમની નજદીક ખેંચાવા અને સલામતી અનુભવવામાં મદદ મળી. યહોવાહે મારી માટે જે કંઈ કર્યું છે એ માટે હું તેમનો આભાર માનું છું.”
હવે પછી યૌવનભર્યાં મૃત્યુ નહિ
બાઇબલનો અભ્યાસ કર્યા પછી, યુવાન વ્યક્તિ એ પારખી શકે છે કે આગળ વધુ સારુ ભાવિ રહેલું છે—જેને ખ્રિસ્તી પ્રેષિત પાઊલે “ખરેખરું જીવન” તરીકે ઓળખાવ્યું. તેમણે યુવાન તીમોથીને સલાહ આપી: “આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે, કે . . . દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે દેવ આપણા ઉપભોગને સારુ ઉદારતાથી સર્વ આપે છે તેના પર આશા રાખે; તેઓ ભલું કરે, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે, . . . ભવિષ્યને માટે પોતાને વાસ્તે સારા પાયારૂપી પૂંજીનો સંગ્રહ કરે, જેથી જે ખરેખરું જીવન છે તે [જીવન] તેઓ ધારણ કરે.”—૧ તીમોથી ૬:૧૭-૧૯.
હકીકતમાં, પાઊલની સલાહનો અર્થ થાય છે કે, આપણે બીજાઓને ભાવિમાં નક્કર આશા આપવા માટે મદદ કરવા, અને બીજાઓ સાથે સામેલ થવાની જરૂર છે. યહોવાહે નવી દુનિયામાં “નવાં આકાશ અને નવી પૃથ્વી”નું વચન જે આપ્યું છે એ “ખરેખરું જીવન” છે.—૨ પીતર ૩:૧૩.
ઘણા યુવાનો એક વખત ભયમાં હતા તેઓ હવે સમજે છે કે કેફી દવાનો દુરુપયોગ અને અનૈતિક જીવન, મૃત્યુ તરફ લઈ જતો લાંબો અને ગૂંચવાડાભર્યો માર્ગ છે, અને આપઘાત ટૂંકો માર્ગ છે. તેઓ એ સમજી શક્યા છે કે આ જગત, એનાં યુદ્ધો, ઘૃણા, હાનિકારક વર્તણૂક, અને બિનપ્રેમાળ માર્ગો જલદી જતાં રહેશે. તેઓ એ શીખ્યા છે કે આ જગત વ્યવસ્થાનો કોઈ છુટકારો નથી. તેઓ દૃઢપણે માને છે કે દેવનું રાજ્ય જ એક સાચી આશા છે, કારણ કે એ તેઓને એવી નવી દુનિયામાં લઈ જશે કે જેમાં ફક્ત યુવાનોને જ નહિ, પરંતુ સર્વ આજ્ઞાધીન માનવજાતને કદી મરવું નહિ પડે—ના, વળી કદી મરવાનું ઇચ્છશે પણ નહિ.—પ્રકટીકરણ ૨૧:૧-૪.