તામસી ડ્રાઇવરો એ વિષે શું કરી શકાય?
સજાગ બનો!ના બ્રિટનમાંના ખબરપત્રી તરફથી
જ ગત પત્રકારોના અહેવાલોમાં મિજાજ ગુમાવવાથી પરિણમતી હિંસાઓ વધુને વધુ જગજાહેર થઈ રહી છે. ટ્રોલી રોષ (જેમાં સુપરમાર્કેટમાં ગ્રાહકો ટ્રોલીઓ, અથવા ખોરાક ગાડીનો ઉપયોગ કરીને એકબીજા પર પોતાનો ગુસ્સો ઉતારે છે) અને ફોન રોષની (તમે જેને ફોન કર્યો હોય એ વ્યક્તિ ટેક્નોલૉજીને આભારે તમને ફોન પર રાહ જોવાનું કહીને બીજા કોઈના ફોનકોલ મેળવે એની) સાથોસાથ, તામસી ડ્રાઇવરોએ બ્રિટનમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
ડ્રાઇવરોમાં તામસીપણું એટલું વ્યાપક છે કે ૧૯૯૬માં ડ્રાઇવરોની ટેવો પરના એક અહેવાલે દાવો કર્યો કે બ્રિટનમાં એણે “મરકીનું રૂપ લીધું છે, અને લગભગ પચાસ ટકા ચાલકોએ ગયા વર્ષ દરમિયાન કોઈને કોઈ પ્રકારનો હુમલો કે દુર્વ્યવહાર સહન કર્યો છે”! ઑટોમોબાઈલ એસોસિએશનના એક સર્વેક્ષણે એનાથી પણ વધારે અહેવાલ આપ્યો કે “દશમાંથી નવ ડ્રાઇવરો તામસીપણાનો શિકાર થયા હોવાનો દાવો કરે છે.” રસપ્રદપણે, એ જ સર્વેક્ષણે કહ્યું કે “દશ [ડ્રાઇવરો]માંથી ફક્ત છ જ સ્વીકારે છે કે વાહન ચલાવતી વખતે તેઓએ મિજાજ ગુમાવ્યો.”
કઈ બાબત તામસીપણાને પ્રોત્સાહન આપે છે? તમે શિકાર બન્યા હો તો, પોતાને રક્ષવા તમે શું કરી શકો ? બીજા કોઈની વાહન ચલાવવાની રીત તમને ગુસ્સો ચઢાવતી હોય તો, તમારે શું કરવું જોઈએ? ખરેખર, ડ્રાઇવરોનું તામસીપણું જગતવ્યાપી વધતું જાય છે તેમ, તમે એનો સામનો કઈ રીતે કરી શકો?
કારણ અને અસર
તામસી ડ્રાઇવરો કંઈ નવી બાબત નથી. શરૂઆતનો એક અપરાધી હતો અંગ્રેજી કવિ લોર્ડ બાઈરન. ૧૮૧૭માં તેણે એક પત્ર લખ્યો જેમાં તેણે માર્ગ પર થયેલા તેના એક ઝઘડાનો ઉલ્લેખ કર્યો. કહેવામાં આવે છે કે, રોડનો ઉપયોગ કરનાર બીજી વ્યક્તિએ બાઈરનના ઘોડાનો “અનાદર” કર્યો. પરિણામે, કવિએ એ વ્યક્તિના કાન પર મુક્કો મારી દીધો.
મોટા ભાગના દેશોમાં, વાહનવ્યવહાર વધતો જાય છે તેમ, ડ્રાઇવરોની પરેશાની પણ વધે છે. ૧૯૮૦ના દાયકામાં અમેરિકાના વર્તમાનપત્રોએ હિંસક ડ્રાઇવીંગ ઘટનાઓનું કારણ “તામસી ડ્રાઇવરો” તરીકે વર્ણવ્યું. મિજાજ ગુમાવવો એ અપરાધ નથી છતાં, ડ્રાઇવરોનું તામસીપણું બતાવે છે કે બીજા ડ્રાઇવરોની ચલાવવાની રીતથી ઉશ્કેરાઈ જઈને, તેઓએ આચરેલાં ઘણાં હિંસક કૃત્યોનું મૂળ લાગણીઓ છે.
પહેલો હું, એ વલણ આજે આપણા રસ્તાઓ પર રાજ કરે છે. હંકારવાની ટેવો પરના સંશોધકોએ નિષ્કર્ષ કાઢ્યો કે “હિંસા અથવા આક્રમકતાને વધારનાર લગભગ હંમેશા પોતાને બીજાના સમાજવિરોધી વ્યવહારના નિર્દોષ ભોગ બનેલા માને છે,” લંડનનું ધ ટાઈમ્સ નોંધે છે. ડ્રાઇવર પોતાનું વાહન કેટલીય ખરાબ રીતે કેમ ન ચલાવતો હોય, પણ તે પોતાને સાચો સમજે છે. પરંતુ બીજો ડ્રાઇવર જરા પણ ઊણો ઉતરે તો તામસીપણું ભડકી ઉઠે છે.
યુવાનોમાં બહુ જ વ્યાપક કેફી પદાર્થોનો દુરુપયોગ પણ તામસીપણામાં ફાળો આપે છે. એક હૉસ્પિટલ કન્સલટન્ટ અનુસાર, કોકીનનો દુરુપયોગ “દારુ પીને વાહન ચલાવવા બરાબર” છે. નશીલા પદાર્થો લેનાર ડ્રાઇવર મોટે ભાગે પોતાની ક્ષમતા પર વધુ પડતો ભરોસો મૂકે છે. પરિણામે, કેટલાક જોખમકારક ગતિએ વાહનો ચલાવે છે. અન્યો વાહન જેમ-તેમ ચલાવે છે, કારણ કે તેઓની તાગશક્તિ ઘટી ગઈ હોય છે.
ડ્રાઇવર પર તણાવની જે અસર પડે છે એનો પણ વિચાર કરો. માન્ચેસ્ટર વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક કૈરી કૂપર ડ્રાઇવરના તામસીપણા માટે ૧૯૯૦ના દાયકાના દૈનિક જીવનના તણાવો અને અનિશ્ચિતતાઓને દોષ આપે છે. “ડ્રાઇવરો વધુ તણાવમાં રહેવા લાગ્યા છે અને હિંસક હુમલાની સંખ્યા વધી રહી છે,” રોયલ ઑટોમોબાઇલ ક્લબના એક પ્રવક્તા કહે છે. એક વ્યસ્ત જનતા સંપર્ક અધિકારી જેને આજકાલ કામ પર આવવા-જવામાં કાર ચલાવવામાં લાંબો સમય વિતાવવો પડે છે, તે સ્વીકારે છે કે તે પહેલાના જેટલી સહનશીલ નથી રહી. ધ સન્ડે ટાઈમ્સ તેને આમ કહેતા ટાંકે છે: “હવે હું તરત જ ગુસ્સે થઈ જાઉં છું અને એવી નાની બાબતો વિષે પણ ચીડાઈ જાઉં છું કે જેને પહેલા જરાય ગણકારતી ન હતી.” કદાચ તમે એવું જ અનુભવતા હોય શકો. એમ હોય તો, તમે શું કરી શકો?
ડ્રાઇવરોને ઉશ્કેરવાનું ટાળો
બીજા ડ્રાઇવરો સંપૂર્ણ નથી એ સ્વીકારો. તેઓ પ્રસંગોપાત્ત નિયમો તોડશે. તમે વાહન ચલાવો ત્યારે એ ધ્યાનમાં રાખો. આગળનો વિચાર કરો. દાખલા તરીકે, તમે કદાચ એક ધોરીમાર્ગની ડાબી તરફની છેલ્લી ધીમી ગતિવાળી હરોળમાં વાહન ચલાવતા હોય શકો. પરંતુ તમે સંગમસ્થાને પહોંચો છો કે જ્યાં બીજો સાંકડો માર્ગ ધોરીમાર્ગને જોડાય છે, જ્યાંથી વાહનો ધોરીમાર્ગ પર સાથે જોડાતા હોય. આગળ જોતા, તમે જુઓ છો કે એક વાહન એ સાંકડા માર્ગ પરથી ધોરીમાર્ગ પર આવી રહ્યું છે. શું તમે વિચારદલીલ કરશો કે તમે ત્યાં પહેલેથી હતા, માટે તમને તમારી હરોળમાં જ હંકારવાનો અધિકાર છે? તમારે શા માટે સાંકડા માર્ગ પરથી આવતા વાહનોને માર્ગ આપવો જોઈએ? એ ડ્રાઇવરને ધોરીમાર્ગ પર આવવા દેવા, જગ્યા હોય તોપણ તમારે બીજા માર્ગ પર શા માટે જવું જોઈએ? પરંતુ વિચારો, તમે પોતાની હરોળમાં જ રહેવા અથવા તમારી ગતિ એટલી જ રાખવાની જિદ્દ કરશો તો શું થશે? કદાચ ધોરીમાર્ગને જોડાતો ડ્રાઇવર પણ એવું જ વિચારશે. અનિવાર્યપણે, કોઈકે તો માર્ગ આપવો જ પડશે; નહિ તો, અકસ્માત સર્જાશે.
ડહાપણભરી રીતે, જે ડ્રાઇવર તામસીપણાથી દૂર રહેવા ઇચ્છે છે તે આગળ જોઈને વિચારપૂર્વક વાહન ચલાવે છે. તે આપી શકે ત્યારે માર્ગ આપે છે, અને બીજો ડ્રાઇવર તેના પ્રત્યે બતાવેલા વિવેક માટે આભાર નથી બતાવતો ત્યારે પણ ગુસ્સે નથી થતો. બ્રિટનના ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડવાન્સ મોટરિસ્ટ્સના એક પ્રતિનિધિ અંદાજ કાઢે છે કે દર ૩ ડ્રાઇવરોમાંથી એકને જોખમી મનોવલણ સમસ્યા છે. આ ડ્રાઇવરો પોતાનાં વાહનો કુશળતાપૂર્વક ચલાવી શકે છે છતાં, તેઓમાં વિવેકની ખામી છે. તે “તેઓને કુશળ છતાં અવિવેકી ડ્રાઇવર” કહે છે.
મોટા ભાગના ડ્રાઇવરો કેટલીક વાર બીજાઓને જોયા ન જોયા કરી દે છે. પરંતુ એ તમારા વર્તનને વાજબી ઠેરવતું નથી. સંભવિત પરિણામોનો વિચાર કરો. નિશ્ચે તમે પોતાની જીદ્દને કારણે દુર્ઘટના નહિ ઇચ્છો. તમારી લાગણીઓ બેકાબૂ બનવા ન દો. એક વાહનચાલન નિષ્ણાત સલાહ આપે છે: “તમારે ક્યારેય માર્ગ પર આક્રમણને પ્રત્યુત્તર આપવો ન જોઈએ.” તામસી ડ્રાઇવર બનવાનો નકાર કરો!
તમે એનો શિકાર છો?
લગભગ દરેક ડ્રાઇવર અમુક સમયે તામસી ડ્રાઇવરનો શિકાર થયા જ હોય છે. મુઠ્ઠી બતાવવી, ગાળો બોલવી, આક્રમક રીતે ગાડી હંકારવી, આ બધી બાબતો ભય ઊભો કરી શકે છે અને કરે પણ છે. નિશ્ચે સૌથી સારું રક્ષણ ઝઘડાથી દૂર રહેવું છે. એનો શિકાર બનેલ એક ડ્રાઇવરે ધમકી અનુભવી જ્યારે એક બીજો ડ્રાઇવર તેનાથી આગળ નીકળવા માંગતો હતો. છેવટે, તે તામસી ડ્રાઇવર તેનાથી આગળ નીકળીને, ગભરાયેલા ડ્રાઇવરની આગળ જ વચ્ચે ઘૂસી જઈને, ગતિ એટલી ધીમી કરી લીધી કે પાછળના ડ્રાઇવરને ડર લાગ્યો કે તેની ગાડી સાથે અથડાઈ ન પડે. એવું થોડે સુધી ચાલતું રહ્યું, આખરે તામસી ડ્રાઇવરનો શિકાર થયેલ વ્યક્તિ બીજા માર્ગ પર વળી ગયો.
તમને લાગે કે બીજા ડ્રાઇવરો તમારી આગળ જવા માંગે છે તો, તેઓને જવા દેવા બનતું બધું કરો. તમે ઇચ્છો તેમ ચલાવવાના તમારા હક્કના આગ્રહી રહેવાનું છોડો. તમે જાણીજોઈને બીજાને ખીજ ચડાવી હોય તો માફી માંગો. અજાણતા પણ કોઈને નારાજ કર્યા હોય તો, ઇશારાથી માફી માગી લો. યાદ રાખો કે નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરે છે.
પરંતુ, કોઈ પણ કારણસર તમે તામસી ડ્રાઇવરના શિકાર બન્યા હો તો, બદલો ન લો. “જેવાને તેવું ન આપો,” ફોકસ સામયિક સલાહ આપે છે. “તમારી ગાડીમાં એવી કોઈ વસ્તુ ન રાખો કે જેનો જોખમકારક સાધન તરીકે ઉપયોગ થઈ શકે.” બીજી સૂચનાઓ: તમારી કારના દરવાજા લૉક રાખો અને બારીઓ બંધ રાખો. આક્રમણકર્તા સાથે નજર મિલાવવાનું ટાળો.
તામસી ડ્રાઇવરોનો સામનો કરવાનાં ઉપરનાં સૂચનો નવાં નથી. એ લાંબા સમય પહેલાં ઈસ્રાએલના રાજા દાઊદે આપેલી સલાહ સાથે બંધબેસે છે: “ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ,” તેણે સલાહ આપી. “અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહિ. રોષને છોડ ને કોપનો ત્યાગ કર.”—ગીતશાસ્ત્ર ૩૭:૧, ૮.
ડ્રાઇવરોમાં તામસીપણું વધી રહ્યું છે છતાં, તમારામાં એને વધવા ન દો!
તામસીપણા પર કાબૂ રાખવો ઓટૉમોબાઇલ એસોશિએશન નોંધે છે કે ડ્રાઇવરોનું તામસીપણું દૂર કરવાના સંબંધમાં, “વલણ બદલવું પણ ઉપાયો શોધવા જેટલું જ મહત્ત્વનું છે.” તામસીપણાનો સામનો કરવા વાહન હંકારવાની પોતાની અને બીજાઓની આવડતોની વાસ્તવિક દૃષ્ટિ રાખવી અત્યાવશ્યક છે. બીજાની ભૂલો તમને ચોખ્ખી નજરે પડે છતાં, તમારી ચલાવવાની રીતના દોષોને આંખ આડા કાન ન કરો. એ હકીકત સ્વીકારો કે એવા ડ્રાઇવરો છે જ, જેઓ નિયમો તોડે છે. તમે કાર ચલાવો ત્યારે, ખાતરી કરો કે તમે પૂરી રીતે સર્તક છો. થાક, તણાવમાં વધારો કરે છે. થોડી ક્ષણોની એકાગ્રતાની ખામી ભયંકર પરિણામો લાવી શકે છે. નીચે આપેલ સલાહ પણ વિચારો અને ધ્યાન આપો કે શાણા રાજા સુલેમાનના નીતિવચનો સાથે તે કેવું સુસંગત છે. • શું તમારા ઉતારુઓને તમારો ગુસ્સો દેખાય છે? કદાચ તેઓ તમને સૂચવે કે શાંત થઈ જાવ. તેઆની સલાહને ન માનીને એમ ન કહો કે ગાડી હું ચલાવું છું કે તમે. યાદ રાખો, શાંત સ્વભાવ વધુ સ્વાસ્થ્યપ્રદ હોય છે અને તે તમને શાબ્દિક રીતે વધુ લાંબો સમય જીવવામાં મદદ કરી શકે! “હૃદયની શાંતિ શરીરનું જીવન છે.”—નીતિવચન ૧૪:૩૦. • બીજા ડ્રાઇવરનો વિચાર કરો, અને સમસ્યાઓ ટાળો. “જ્ઞાની માણસ દુષ્ટતાથી બીને દૂર થાય છે; પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઇને બેદરકાર બને છે.”—નીતિવચન ૧૪:૧૬. • ક્ષમાભાવમાં ઇશારો કરીને કે બે શબ્દ કહીને ગુસ્સાને ઠંડો પાડો. “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે.”—નીતિવચન ૧૫:૧. • બીજાઓ તામસીપણું બતાવી શકે, પરંતુ તમારે તેઓનું અનુકરણ કરવાની જરૂર નથી. “ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર.”—નીતિવચન ૨૨:૨૪. • બીજાના ઝઘડાઓમાં સામેલ થવાનું ટાળો. “વઢવાઢ થયા પહેલાં તકરાર મૂકી દો.”—નીતિવચન ૧૭:૧૪.