માતાનું પોતાનાં બચ્ચાં સાથેનું બંધન
તે ,એક રખડુ, ટૂંકા વાળવાળી, પાંચ બચ્ચાં ધરાવતી અનામી બિલાડી હતી, જે પૂર્વ ન્યૂ યોર્કના અસ્તવ્યસ્ત રસ્તાઓ પર જીવવા મહેનત કરતી હતી. તેણે એક તૂટેલા ત્યજેલા ગેરેજમાં ઘર માંડ્યું હતું જે શંકાસ્પદ રીતે આગ લાગવાના મોટા જોખમ હેઠળ હતું. તે એ વિસ્તારમાંના કચરામાં ખોરાક શોધતી જે તેને પોતાનાં ઊછરી રહેલાં બચ્ચાંને પોષવાનું શક્ય બનાવતું.
એ સર્વ માર્ચ ૨૯, ૧૯૯૬ની સવારે ૬:૦૬ વાગ્યે બદલાવાનું હતું. જોખમકારક આગે જલદી જ ગેરેજને જ્વાળામાં લપેટી લીધું. બિલાડીના કુટુંબનું ઘર જ્વાળાઓમાં લપેટાયું હતું. આગ ઓલવનારી લેડર કંપની ૧૭૫એ તરત જ પગલાં લીધાં અને જલદી જ જ્વાળાઓ કાબૂમાં લીધી. ડેવિડ જિનેલી નામના એક ફાયરમેને બચ્ચાંની ચીસો સાંભળી. તેને ત્રણ બચ્ચાં મકાનની બહાર મળ્યાં, બીજું એક બચ્ચું રસ્તાના પોણા ભાગ સુધી પહોંચી ગયેલું મળ્યું, અને પાંચમું ફૂટપાથ પરથી મળ્યું. બચ્ચાં પોતાને બચાવી ન શકે એટલાં નાનાં હતાં. જિનેલીએ નોંધ કરી કે ક્રમશઃ દરેક બચ્ચું વધારે તીવ્રપણે દાઝેલું હતું, અર્થાત્ માતા વારાફરતી બચ્ચાને બહાર લાવતી ગઈ તેમ, કેટલાકે બચવા માટે વધારે રાહ જોઈ.
ન્યૂ યોર્કના એપ્રિલ ૭, ૧૯૯૬ના ડેઈલી ન્યૂઝના વૃતાંતે માતાના પ્રેમ અને કાળજી વિષે આ પ્રમાણે અહેવાલ આપ્યો: “જિનેલીએ પાસેની ખાલી જમીન પર પીડાતી પડેલી માતાને શોધી કાઢી, અને એ દૃશ્યથી તેનું હૃદય પીગળી ગયું. ધુમાડાથી બિલાડીનાં પોપચાં સુઝી જઈને ભીડાઈ ગયાં હતાં. તેના પગના પંજા ખરાબ રીતે દઝાઈ ગયા હતા. તેના ચહેરા, કાન, અને પગ પર દાઝવાનાં ભયંકર નિશાનો હતાં. જિનેલીને પૂંઠાનું એક ખોખું મળ્યું. તેણે કોમળતાથી માતા અને બચ્ચાંને અંદર મૂક્યાં. ‘તે પોતાની આંખો પણ ખોલી શકતી ન હતી,’ જિનેલીએ કહ્યું. ‘પરંતુ તેણે પોતાના પંજાથી તેઓને વારાફરતી અડકી તેઓને ગણ્યા.’”
તેઓ નોર્થ શોર એનિમલ લીગ ખાતે આવ્યાં ત્યારે તેઓની સ્થિતિ અચોક્કસ હતી. અહેવાલે કહેવાનું ચાલુ રાખ્યું: “આઘાતનો સામનો કરવા ડ્રગ્સ વાપરવામાં આવ્યાં. બહાદુર કુટુંબને એન્ટિબાયોટિક્સ ભરેલી ટ્યૂબ નસ દ્વારા જોડવામાં આવી. તેના ડામ પર એન્ટિબાયોટિક મલમ કોમળતાથી ચોપડવામાં આવ્યો. પછી એનિમલ લીગના બધા કર્મચારીઓ રાહ જોઈ રહ્યા તેમ, તેના શ્વાસોશ્વાસમાં મદદ કરવા માટે તેને ઓક્ષિજનની ટાંકીવાળા પાંજરામાં મૂકવામાં આવી. . . . હિરોઈન ૪૮ કલાકમાં બેઠી થઈ. તેની સુઝી ગયેલી આંખો ખુલી ગઈ અને ડોક્ટરોને કોઈ નુકસાન ન જણાયું.”
થોભો અને વિચારો. આગનો કુદરતી ભય ધરાવતી એ બહાદુર માતા, ધુમાડાથી ભરેલી, સળગતી ઈમારતમાં પોતાનાં રડતાં બચ્ચાંને બચાવવા જાય એ તમારા મનની આંખોથી જુઓ. પોતાનાં નાનાં અસહાય બચ્ચાંને બહાર લઈ આવવા માટે એકવાર અંદર જવું એ આશ્ચર્યચકિત કરનારું થશે; એવું પાંચ વખત કરવું, દર વખતે તેના પગ અને ચહેરા પર વધારે દાઝવાની પીડા સાથે એમ કરવું, એ અકલ્પ્ય છે! પ્રાણીનું નામ સ્કારલેટ પાડવામાં આવ્યું કેમ કે દાઝવાથી સ્કારલેટ કે લાલ રંગની અંદરની ચામડી દેખાતી હતી.
માતાના પોતાનાં શિશુ સાથેના બંધનની હૃદયસ્પર્શી વાર્તા નોર્થ શોર એનિમલ લીગમાંથી જગત ફરતે પ્રસારણ કરવામાં આવી ત્યારે, ફોન સતત રણકવા માંડ્યા. જાપાન, નેધરલેન્ડ્સ, અને સાઉથ આફ્રિકા જેટલે દૂરથી ૬,૦૦૦થી વધારે લોકોએ સ્કારલેટની સ્થિતિ વિષે પૂછપરછ કરવા ફોન કર્યા. કંઈક ૧,૫૦૦ લોકોએ સ્કારલેટ અને તેના કુટુંબને દત્તક લેવાની રજૂઆત કરી. પછીથી એક બચ્ચું મરી ગયું.
સ્કારલેટ જગત ફરતેના લોકોનાં હૃદયને સ્પર્શી ગઈ. એથી નવાઈ લાગે છે કે પોતાનાં બાળકો હજુ ગર્ભમાં હોય ત્યારે કે જન્મ પછી તરત જ અત્યાચાર દ્વારા મારી નાખતી માતાનું હૃદય, માતા અને તેનાં બચ્ચાં વચ્ચેના બંધનના સ્કારલેટના ઉદાહરણથી પરેશાન થાય છે કે કેમ.
(g96 9/22)
North Shore Animal League