બાઇબલનું દૃષ્ટિબિંદુ
શા માટે બહિષ્કૃત કરવું એક પ્રેમાળ ગોઠવણ છે
નાત બહાર મૂકવું—એ વિચાર ઘણા ધાર્મિક લોકોમાં મિશ્રિત લાગણી પેદા કરે છે.a મોટા ભાગના લોકો સહમત થાય છે કે ધર્મમાં કોઈક પ્રકારની શિસ્તની જરૂર હોય છે. પરંતુ ઘણા લોકો નાત બહાર મૂકવાને ભૂતકાળના એક અવશેષ તરીકે જુએ છે—એક કઠોર શિસ્ત જે તેઓને ડાકણની શોધ અને ધાર્મિક અદાલતો (ઇન્ક્વીઝિશન) યાદ દેવડાવે છે.
a નાત બહાર મૂકવું એ શિસ્તનું એવું પગલું છે જેને પરિણામે વ્યક્તિને કોઈક ધર્મના સભ્યપદમાંથી બાકાત રાખવામાં આવે છે.
દુન્યવી જગતની પાંગરેલી અસર કોયડામાં ઉમેરો કરે છે. આમ, ખ્રિસ્તીરાષ્ટ્રના મોટા ભાગના ધર્મોએ પાપની વધુ સહિષ્ણુતાભરી દૃષ્ટિ અપનાવી છે. તો પછી, એમાં નવાઈ નથી કે એક એપિસ્કોપેલિયન પાદરીએ કહ્યું: “નાત બહાર મૂકવું એ આપણી રૂઢિનો ભાગ છે, પરંતુ મને લાગતું નથી કે આ સદીમાં એની ભલામણ કરવામાં આવી હોય.”
તેમ છતાં, એ જાણીને ઘણા લોકોને નવાઈ લાગી શકે કે યહોવાહના સાક્ષીઓ મધ્યે બહિષ્કૃત કરવાને (જે નાત બહાર મૂકવા બરાબર છે) ગંભીર ગણવામાં આવે છે. કબૂલ કે, એ પગલું લેવું સહેલું હોતું નથી, પરંતુ એ એક પ્રેમાળ ગોઠવણ છે. કઈ રીતે?
એ દેવના નામને ટેકો આપે છે
યહોવાહ પવિત્ર દેવ છે. તે તેમની ઉપાસના કરવાનો દાવો કરનારાઓને પક્ષે જાણી જોઈને કરવામાં આવેલા પાપને સાંખી લેતા નથી. પ્રેષિત પીતરે ખ્રિસ્તીઓને લખ્યું: “તમે પણ સર્વ પ્રકારનાં આચરણમાં પવિત્ર થાઓ; કેમકે લખેલું છે, કે હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.” (૧ પીતર ૧:૧૫, ૧૬) તેથી બિનપશ્ચાતાપી પાપીઓને બહિષ્કૃત કરવા એ દેવના પવિત્ર નામને ટેકો આપે છે; એ તે નામ માટે પ્રેમ બતાવે છે.—સરખાવો હેબ્રી ૬:૧૦.
શું એનો અર્થ એવો થાય કે કોઈક ખ્રિસ્તી નબળાઈને વશ થાય અથવા ગંભીર પાપમાં પડે તો, તેને આપમેળે મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે? જરા પણ નહિ! યહોવાહ ઠંડા કલેજાવાળા સરમુખત્યાર નથી. તે દયાળુ અને સમજુ છે. તે યાદ રાખે છે કે આપણે અપૂર્ણ છીએ. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪) યહોવાહ સમજે છે કે “સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.” (રૂમી ૩:૨૩) દેવે મંડળમાં આત્મિક મદદની ગોઠવણ કરી છે જેથી કોઈક ખ્રિસ્તી “કંઈ અપરાધ” કરે અથવા ગંભીર પાપ પણ કરે તો, નમ્રભાવે તેને પ્રેમાળપણે “પાછો ઠેકાણે” લાવી શકાય. (ગલાતી ૬:૧) ન્યાયીપણાને માર્ગેથી ભટકી જનાર વ્યક્તિ દેવના શબ્દમાંની સલાહ સ્વીકારીને અને હૃદયપૂર્વકનો ખેદ તથા ખરો પસ્તાવો પ્રદર્શિત કરીને આત્મિક રીતે ‘સાજી’ થઈ શકે.—યાકૂબ ૫:૧૩-૧૬.
જોકે, બાપ્તિસ્મા પામેલો ખ્રિસ્તી ગંભીર ભૂલ કરે અને તેને પુનઃસ્થાપિત કરવાના બધા પ્રયત્નો નિષ્ફળ જાય તો શું? બીજા શબ્દોમાં, તે પોતાનો પાપી માર્ગ સુધારવાની જિદ્દીપણે ના પાડે તો શું?
એ મંડળને સુરક્ષિત રાખે છે
બાઇબલ ખ્રિસ્તીઓને આજ્ઞા આપે છે: “જેઓ આપણા ભાઈ કહેવાય છે તેમાંનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદક, છાકટો કે જુલમી હોય, તો એવાની સોબત તમારે કરવી નહિ; અને એવાની સાથે બેસીને ખાવું પણ નહિ.”—૧ કોરીંથી ૫:૧૧.
શું બાઇબલનો આ નિયમ કઠોર અને અપમાનજનક છે? આનો વિચાર કરો: કોઈક રીઢા ગુનેગારને કાયદાભંગને લીધે જેલમાં નાખવામાં આવે તો, શું એને કઠોર કે ઠંડા કલેજાની બાબત તરીકે જોવામાં આવે છે? ના, કેમ કે જનતાને સમાજની શાંતિ અને સલામતિનું રક્ષણ કરવાનો હક્ક છે. વસ્તુત:, ગુનેગારને તેની જેલની મુદત દરમ્યાન કાયદાપાલક સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે.
તેવી જ રીતે, ખ્રિસ્તી મંડળમાંથી બિનપશ્ચાતાપી અપરાધીને બરતરફ કરવામાં મંડળ ન્યાયી ઠરે છે. શા માટે? કેમ કે મંડળ અનૈતિક ભક્ષકો અને સ્વેચ્છાએ પાપ આચરનારા બીજાઓથી સુરક્ષિત જગ્યા હોવી જ જોઈએ.
“એક પાપી માણસ ઘણી ઉત્તમતાનો નાશ કરે છે” એ સમજીને પ્રેષિત પાઊલે સાથી વિશ્વાસીઓને આજ્ઞા આપી: “તમારામાંથી તે દુષ્ટને દૂર કરો.” (સભાશિક્ષક ૯:૧૮; ૧ કોરીંથી ૫:૧૩) એ પગલું પાપીને મંડળમાં ભ્રષ્ટતા ફેલાવતા અટકાવે છે, અને એ મંડળના સારા નામનું રક્ષણ કરે છે.—સરખાવો ૧ તીમોથી ૩:૧૫.
વ્યક્તિઓ માટે રક્ષણ
બહિષ્કૃત કરવું મંડળના વ્યક્તિગત સભ્યોનું પણ રક્ષણ કરે છે. ચાલો આપણે દૃષ્ટાંત આપીએ: કારના હોર્ન કે અલાર્મના મોટા અવાજને લીધે ઊંઘમાંથી જાગી ઊઠવાની કલ્પના કરો. એ કાન ફાડી નાખતા અવાજની અવગણના કરવી મુશ્કેલ હોય છે; ખરેખર, એ તમને ચોંકાવી મૂકે છે! તેવી જ રીતે, કોઈકને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે, આશા રાખવામાં આવે છે કે એ પગલું ટોળામાંના દરેક સભ્યનું ધ્યાન ખેંચશે. એ તેઓની લાગણીઓને ખલેલ પહોંચાડે છે. એની અવગણના કરી શકાતી નથી. એ કઈ રીતે એક રક્ષણ બની શકે?
“મેં રાજ્યગૃહમાં પ્રથમવાર સાંભળ્યું કે કોઈકને બહિષ્કૃત કરવામાં આવ્યું છે ત્યારે, શરૂઆતનો મારો પ્રત્યાઘાત આઘાતનો હતો,” એક સાક્ષી કહે છે. “પછી એણે મને નમ્ર બનાવી. એણે મને સમજાવ્યું કે હું પણ પડી જઈ શકું છું.” તે બહેનના શબ્દો દર્શાવે છે તેમ, બહિષ્કૃત કરવું બીજોઓને પોતાનું વર્તન તપાસવા પ્રેરે છે.—૧ કોરીંથી ૧૦:૧૨.
આપણે પોતાને પૂછીએ કે ‘શું મારા જીવનમાં એવો કોઈ વિસ્તાર છે જેમાં હું આત્મિક રીતે નબળો હોઉં?’ તો એ દ્વારા આપણને દેવ સમક્ષનું આપણું સ્થાન તપાસવા મદદ મળે છે. એ રીતે આપણે ‘ભય તથા કંપારીસહિત આપણું તારણ સાધી લેવાનું’ ચાલુ રાખી શકીએ.—ફિલિપી ૨:૧૨.
દેવ પાસે પાછા ફરો
“એ બહુ જ અઘરું હતું છતાં,” થોડોક સમય બહિષ્કૃત થયેલી એક ખ્રિસ્તી સ્ત્રીએ કહ્યું, “શિસ્ત અગત્યની અને બહુ જરૂરી હતી, અને એ જીવન બચાવનાર સાબિત થઈ.” એ બહિષ્કૃત કરવાના બીજા મહત્ત્વના પાસા પર ભાર મૂકે છે. એ અગાઉના બિનપશ્ચાતાપી પાપીઓને દેવ પાસે પાછા આવવા તરફ પ્રથમ પગલું ભરવા પ્રેરી શકે.
પ્રેષિત પાઊલે કહ્યું: “જેના પર પ્રભુ પ્રેમ રાખે છે, તેને તે શિક્ષા કરે છે.” (હેબ્રી ૧૨:૬) અને એ સાચું છે કે “કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે; પણ પાછળથી તો તે કસાએલાઓને ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.”—હેબ્રી ૧૨:૧૧.
રિચર્ડને એમ જ થયું. લગભગ બે વર્ષ બહિષ્કૃત રહ્યા પછી, તેણે પસ્તાવો કર્યો, દેવનું અપમાન કરતું પોતાનું વર્તન સુધાર્યું, અને તેને ખ્રિસ્તી મંડળમાં પાછો સ્વીકારવામાં આવ્યો. ભૂતકાળ પર નજર કરતા, તે એ અનુભવ વિષે કહે છે: “હું સમજું છું કે મને બહિષ્કૃત કરવામાં આવ્યો એ જરૂરી હતું અને હું પૂરેપૂરો એને લાયક હતો. એ ખરેખર જરૂરી હતું અને એણે મારો માર્ગ કેટલો ગંભીર હતો તથા યહોવાહ પાસે માફી માગવી કેટલી જરૂરી છે એ જોવા મને મદદ કરી.”
શિસ્ત સહન કરવી સહેલી ન પણ હોય શકે. એ સ્વીકારવી નમ્રતા માગી લે છે, પરંતુ એમાંથી શીખનારાઓ અઢળક ફળ લણે છે.
તેથી, બહિષ્કૃત કરવું એક પ્રેમાળ ગોઠવણ છે કેમ કે એ દેવના પવિત્ર નામને ટેકો આપે છે અને એ પાપની ભ્રષ્ટ કરતી અસરથી મંડળનું રક્ષણ કરે છે. વળી, તે અપરાધી પસ્તાવો કરે તથા ‘ફરે જેથી તેનાં પાપ ભૂંસી નાખવામાં આવે; અને એમ યહોવાહની હજૂરમાંથી તાજગીના સમયો આવે’ એ માટે તેને ઉત્તેજન આપીને તેને માટેનો પ્રેમ પ્રદર્શિત કરે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯.
(g96 9/8)
નવો કરાર: A Pictorial Archive
from Nineteenth-Century Sources,
by Don Rice/Dover Publications, Inc.