માની ન શકાય એવી એક મુલાકાત
“મેં મારા જીવનમાં કદી પણ કરી હોય એવી એ સૌથી વધુ ઉત્તેજક બાબત હતી!” એ રીતે ક્રિસ્ટીએ તેને થયેલી માની ન શકાય એવી એક મુલાકાતનું વર્ણન કર્યું. તમને મેક્ષિકોના અખાતમાં ડોલ્ફિન સાથે તરવા મળ્યું હોત તો શું તમને પણ એવી જ લાગણી થઈ હોત?
ડોલ્ફિનને તરતી જોઈને કે પાણીમાં દાવ કરતી જોઈને દરેક જણને રોમાંચ થાય છે, જેમ કે પૂંછડી પર ઊભા રહીને પાછળ ચાલવું, પાણીમાંથી આશ્ચર્યમુગ્ધ કરી દેતી ઊંચાઈ સુધી કૂદવું, કે માનવીઓને પોતા પર સવારી કરવા દેવી. ફક્ત એવા દૃશ્યો જોઈને જ કોઈ વ્યક્તિને પાણીમાં જવાનું અને એ ડોલ્ફિન સાથે રમવાનું મન થઈ જાય.
ક્રિસ્ટીને હંમેશા એવી જ લાગણી થતી. પછી એક દિવસ, તે મેક્ષિકોના અખાતમાં હોડીની સફર કરી રહી હતી અને તરી રહી હતી ત્યારે, તેની આગળ અચાનક જ એક માથું ઊંચું થયું. થોડા જ વખતમાં એમ જણાયું કે ત્રણ જિજ્ઞાસુ ડોલ્ફિનોને લાગ્યું કે તેઓને એક રમનાર સાથી મળી ગઈ હતી. શરૂઆતમાં તો ક્રિસ્ટી થોડીક ગભરાઈ, પરંતુ પછીથી ડોલ્ફિન સાથે સંબંધ બંધાયો તેમ, તેનો ભય ઉત્તેજનામાં ફેરવાઈ ગયો. તે સ્વસ્થ થઈ અને તેઓ હવે શું કરશે એ જોવા માટે રાહ જોવા માંડી.
ક્રિસ્ટીએ કહ્યું: “એક ડોલ્ફિન મારી સામે આવીને ઊંચી થઈ—અને અમે એકબીજા સામે જોવા લાગ્યાં. હું તેને પંપાળવા લાગી અને તેની સાથે વાતચીત કરવા લાગી—હું મારા પાળેલા કૂતરાને પંપાળુ છું એ રીતે.”
ડોલ્ફિનની સમજદારીને કારણે તેઓ પ્રખ્યાત મનોરંજનકર્તા છે, અને મોટા ભાગના તાલીમ આપનારાઓ કહે છે કે લોકો તરફના તેઓના મૈત્રીભાવને કારણે, ડોલ્ફિનને દાવ કરવા માટે હંમેશા લાંચ આપવી પડતી નથી.
યુ.એસ.એ.માંના ફ્લોરિડાના સી વર્લ્ડ ખાતેની પ્રાણી પ્રકૃતિશાસ્ત્રી, લિઝ મોરિસનને ડોલ્ફિન સાથે કામ કરવાની સૌથી આનંદપ્રદ બાબત વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું: “મને લાગે છે કે એ તેનો સ્વભાવ છે. તેઓનો સ્વભાવ ઘણો જ રમતિયાળ અને જિજ્ઞાસુ હોવાના કારણે તમે ખરેખર તેઓ સાથે સંબંધ વિકસાવી શકો છો . . . તેઓ સ્પર્શ તથા હેતનો ઘણો સારો પ્રત્યાઘાત પાડે છે.” વચન પ્રમાણેની દેવની નવી વસ્તુવ્યવસ્થામાં, ક્રિસ્ટીની જેમ આપણે બધા માની ન શકાય એવી ઘણી મુલાકાતો કરી શકીશું. (g96 9/22)