યુવાન લોકો પૂછે છે . . .
શું મારે કોમ્પ્યુટર કે વિડીયો રમતો રમવી જોઈએ?
તેઓએ તમને ઘેરી લીધા છે! પરંતુ તમે જરા પણ નિસ્સહાય નથી. તમે તમારી લેસર બંદૂક ચલાવી ઘઉંના ઊભા પાકની જેમ તમારા શત્રુઓને વાઢી નાખો છો. કોયડો એ છે કે, તમે વધુ ગોળી ચલાવો છો તેમ, વધુ શત્રુઓ નજરે પડે છે. તેથી બચવા માટે તમારી પાસે એક જ ઉપાય છે—નજરે પડતા દરેકને મારી નાખો. તમે ગોળી ચલાવો છો તેમ, શત્રુઓ લોહીના ખાબોચિયામાં નાશ પામે છે . . .
“રૂંવાડા ઊભા કરતી, જીવ મૂઠ્ઠીમાં આવી જાય એવી, માથું ફાટી જાય એવી મઝા”! એ રીતે એક સામયિકના લેખકે એક લોકપ્રિય કોમ્પ્યુટર રમતના અદ્યતન વર્શનનું વર્ણન કર્યું. ખરેખર, એ રમનારાઓને રોમાંચક તરંગો ભજવવા દે એવી કોમ્પ્યુટર અને વિડીયો રમતોની નવી પેઢીમાંની ફક્ત એક નવી રમત છે. આ લોહિયાળ, ઘણીવાર ક્રૂરતાભર્યા આનંદવાળી હિંસક રમતોની સરખામણીમાં અગાઉની રમતો શુષ્ક લાગે છે.
તથાપિ, યુવાન લોકો મધ્યે હિંસક વિડીયો અને કોમ્પ્યુટર રમતો ઘણી જ લોકપ્રિય થઈ છે. અને અંદાજ પ્રમાણે યુનાઈટેડ સ્ટેટ્સમાં ત્રીજા ભાગના ઘરોમાં કોઈક પ્રકારની ઈલેક્ટ્રોનિક રમતની વ્યવસ્થા હોવાથી, લાખો યુવાનોને એ પ્રાપ્ય છે. જે યુવાનોના ઘરે એની વ્યવસ્થા ન હોય, તેઓ મિત્રના ઘરે જઈને કે વિડીયો રમતોની સ્થાનિક દુકાને જઈને એ રમતો રમી શકે છે.
તમારે વિષે શું? શું તમને એવી કેટલીક રમતો પોતે ખરીદવાની—કે ઓછામાં ઓછું એને અજમાવી જોવાની—લાલચ થઈ છે? વારુ, બધી હકીકતો તપાસ્યા પછી, તમે એમ કરવા વિષે બે વખત વિચારશો.
બધી રમતો સરખી હોતી નથી!
પ્રથમ, એ સ્પષ્ટ કરીએ કે કંઈ બધી વિડીયો કે કોમ્પ્યુટર રમતો વાંધાજનક કે હિંસક હોતી નથી. ઘણી રમતો શૈક્ષણિક હોય છે; એ ભૂગોળ, ગણિત, અને ટાઈપીંગ જેવા વિષયો જીવંત અને મનોરંજક રીતે શીખવે છે. બીજી રમતો બાસ્કેટબોલ અને હોકી જેવી રમતગમતોનું ઉત્તેજન આપી પ્રત્યાઘાત પાડવાની ક્ષમતાને પડકાર ફેંકે છે. ઉચ્ચ ટેક્નોલોજીવાળા કૂટપ્રશ્નો પણ હોય છે જે મનમાં કુતૂહલ જગાવે છે અને એને પડકાર ફેંકે છે.
કબૂલ કે, સૌથી સારી રમતો પણ ઘણો સમય ખાઈ જઈ શકે. અને બાઇબલ ખ્રિસ્તીઓને ‘સમય ખરીદી લેવાની,’ એટલે કે, સમયનો ડહાપણભરી રીતે આત્મિક બાબતોમાં ઉપયોગ કરવાની અરજ કરે છે. (એફેસી ૫:૧૬) જોકે, બાઇબલ એવું જરૂરી બનાવતું નથી કે જાગૃત હોઈએ એવી દરેક પળ કાર્ય કે અભ્યાસ કરવામાં વિતાવવામાં આવે. એથી ભિન્ન, એ આપણને યાદ દેવડાવે છે કે “હસવાનો વખત; . . . અને નૃત્ય કરવાનો વખત” હોય છે. (સભાશિક્ષક ૩:૪) રમતની પ્રવૃત્તિને પ્રમાણસર રાખવામાં આવે તો, એ તાજગીદાયક અને હિતકર બની શકે.
તેમ છતાં, આપણે સાવધ રહેવું જોઈએ કે ઘણી રમતો એવી રીતે તૈયાર કરવામાં આવેલી હોય છે કે રમનારાઓ વધુ પડતો સમય બગાડે. એમાંની કેટલીકમાં, રમવામાં અમુક સ્તરે પહોંચવામાં કલાકો પસાર કર્યા પછી, રમનારને ખબર પડે છે કે રમત પૂરી થાય એ પહેલાં બીજાં ઘણાં સ્તર—અનિવાર્યપણે વધુ જટિલ અને વધુ ગૂંચવણભર્યાં—પ્રાપ્ત કરવાં જરૂરી છે! એવી રમતો પણ હોય છે જે ઘણા પ્રયત્નના બદલામાં કંઈ નિપજાવતી નથી. બે ખ્રિસ્તી સગા ભાઈઓ ડેન અને સેમ ઉત્સાહપૂર્વક એક રમત રમ્યા જેણે ગણિતના દાખલા ગણવામાં મદદ કરવાનું વચન આપ્યું હતું. જોકે, થોડા જ વખતમાં તેઓને સમજાયું કે સ્ક્રીન પર ગણિત ગણવાને બદલે કાગળ પર ગણવું વધુ ઝડપી હતું!
તેથી, વાજબીપણે હિતકર હોય એવી કોમ્પ્યુટર અને વિડીયો રમતો વિષે પણ પસંદગી કરવાની જરૂર છે. ડેન અને સેમ કહે છે: “તમે કાળજીપૂર્વક ખરીદી કરો તો, સામાન્ય રીતે સારી રમત મળી શકે છે.” તેમ છતાં, એ વાજબી છે કે, વ્યક્તિ એનાથી જલદી જ કંટાળી જાય એવી રમતો પાછળ પુષ્કળ પૈસા ખર્ચવાનું નિવારવું જોઈએ. એક પિતા પોતાના પુત્રોને ફક્ત એવી જ રમતો રમવાનું ઉત્તેજન આપે છે જે તેઓ શાળામાં અભ્યાસ કરી રહ્યા હોય એવા વિષયોમાં મદદ કરે.
એનું કડવું પાસું
દુઃખની વાત છે કે, બધી કોમ્પ્યુટર અને વિડીયો રમતો બિનહાનિકારક મઝા હોતી નથી—શૈક્ષણિક હોવાની તો વાત જ બાજુએ રહી. મનોરંજનની આજની ઘણી સોફ્ટવેર એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેને બાઇબલ “દેહનાં કામ” કહે છે—દેવ ધિક્કારે છે એવાં મલિન આચરણો. ધિક્કારવામાં આવતા એવાં “કામ”માં “જાદુ”નો [“પિશાચવાદનો,” NW] સમાવેશ થાય છે. (ગલાતી ૫:૧૯-૨૧) હકીકતમાં, જાદુક્રિયાથી યહોવાહ દેવ “કંટાળે” છે.—પુનર્નિયમ ૧૮:૧૦-૧૨.
જોકે, આજની ઘણી રમતો પિશાચવાદ અને જાદુમાં ખૂંપેલી હોય છે! એક રમતમાં જીતવા માટે “જાદુમંત્ર”નો ઉપયોગ કરવો જ પડે છે. રમનારાઓને સૂચના આપવામાં આવી છે: “તમે જાદુમંત્ર કરવા તૈયાર હો ત્યારે, મેન્યુના નીચેના જમણા ખૂણે વીજળીના કડાકા પર ક્લીક કરો, પછી તમે જેને મારવા માગતા હો એ પ્રાણી પર ક્લીક કરો.” શું એવી રમતો પિશાચીબળો વિષે અહિતકર જિજ્ઞાસા પેદા કરી ન શકે?
અને મોટા પ્રમાણમાં આઘાતજનક હિંસાના સંપર્કમાં આવવા વિષે શું? યુ.એસ.ન્યૂઝ એન્ડ વર્લ્ડ રીપોર્ટ બે લોકપ્રિય રમતો વિષે કહે છે જે “વિરોધીની છાતી ચીરી હૃદય કાઢવું” અને “નજીવાં કપડાં પહેરેલી તરુણીઓમાં કાણા કોતરતા રક્તશોષક ભૂત” પ્રદર્શિત કરે છે. કોમ્પ્યુટરમાં રક્ત વહેવડાવવાને કેટલાક લોકો બિનહાનિકારક તરંગ કહી હડસેલી દઈ શકે ત્યારે, બાઇબલ ગીતશાસ્ત્ર ૧૧:૫માં ચેતવણી આપે છે: “યહોવાહ ન્યાયીઓને પારખે છે; પણ દુષ્ટ તથા જુલમીથી તે કંટાળે છે.”—સરખાવો યશાયાહ ૨:૪.
કોમ્પ્યુટરની સ્ક્રીન પર હલકટ બીભત્સતા લાવવી પણ શક્ય છે. નગ્નતા અને જાતીય વિગતો એટલી બધી સામાન્ય બની છે કે યુ.એસ.માં રમતોના ઉત્પાદકોએ ખરીદનારને વાંધાજનક રમતોની ચેતવણી આપવા માટે ઉંમર પ્રમાણે વર્ગીકરણની વ્યવસ્થા પેદા કરી. જોકે, થોડા જ દુકાનદારો યુવાનિયાઓને એનું વેચાણ મર્યાદિત કરવા ઇચ્છુક હોય છે. “અમારી એકમાત્ર ફરજ ગ્રાહકોને જે જોઈએ છે એ આપવાની છે,” એક દુકાનદાર કહે છે. તોપણ પોતાને પૂછો કે, ‘શું જાતીયપણે ઉત્તેજક પ્રતિમાઓના સંપર્કમાં આવવાથી મને મારું મન “ન્યાયી, શુદ્ધ, પ્રેમપાત્ર, અને સદ્ગુણી” બાબતોમાં રાખવામાં મદદ મળશે?’—ફિલિપી ૪:૮.
વ્યસન થવું!
સાચું, કોમ્પ્યુટરની રમતો યુવાનોને કઈ રીતે અસર કરે છે એ વિષે નિષ્ણાતો વિવાદ કરે છે. ન્યૂ સાયંટિસ્ટ સામયિકમાં એક અભ્યાસના અહેવાલે આશાવાદી રીતે તારવ્યું કે એવી રમતો “ખરાબ વર્તનનું મૂળ કારણ નથી.” તથાપિ, એ અભ્યાસમાં સર્વેક્ષણ કરવામાં આવેલા ૯૭ ટકા યુવાનિયાઓએ “વિચાર્યું કે એવી રમતોના વ્યસની બનવું શક્ય છે.” યુવાનોએ કહ્યું કે દુકાનોમાંની રમતો વિશેષ હાનિકારક હોય છે કેમ કે “એ રમનારાઓને વધુ પૈસા ખર્ચવાનું ઉત્તેજન આપે છે.”
શું એ રમતો ખરેખર વ્યસન બની શકે? કેટલાક રમનારાઓ માટે એમ હોય છે એવું લાગે છે. એક યુવતીએ સજાગ બનો!ને કહ્યું: “તમે ફક્ત રમતના અંત સુધી પહોંચી જીતવા વિષે જ વિચારતા રહો છો.” એવી જ રીતે એક યુવક યાદ કરે છે: “મેં બધાને મારી નાખી રમતના આગળના સ્તરે કઈ રીતે પહોંચવું એ શોધી કાઢવા કલાકો વિતાવ્યા.”
તમને લાગી શકે કે તમે રમતમાં એટલા બધા સંડોવાશો નહિ. પરંતુ ટીવી કાર્યક્રમો અને ચલચિત્રો જે રીતે લોકોની લાગણીઓ ઉશ્કેરે છે એનો વિચાર કરો—તેઓને આંસુ સારવા, ગુસ્સે થવા, કે ઉત્તેજનાના ઉદ્ગાર કાઢવા પ્રેરે છે. પછી, એવા કાર્યક્રમની કલ્પના કરો જેમાં રસપ્રદ વાર્તા, અજોડ પાત્રો, અને ઝળહળતી વિશેષ અસરો છે એટલું જ નહિ પરંતુ એ તમને અત્યુત્તમ નાયક બનાવે છે. શું એમાં પૂરેપૂરા સંડોવાઈ જવાનો સામનો કરવો સહેલું હશે? તેથી, કેટલાક રમનારાઓને તરંગોને વાસ્તવિકતાથી જુદા તારવવા મુશ્કેલ લાગે એમાં કંઈ નવાઈ નથી. એક યુવક યાદ કરે છે: “હિંસક રમતો રમવાની અસર એટલી બધી ખરાબ હતી કે મેં એવી કલ્પના કરી કે મારો હાથ બંદૂક હતો અને મેં એ લોકો તરફ ચીંધ્યો.”
ડહાપણભરી પસંદગી કરો
કોમ્પ્યુટર કે વિડીયો રમતોના ઉપયોગ પર માબાપ મર્યાદા લાદતા ન હોય એવા સંજોગોમાં, યુવાનોએ સભાશિક્ષક ૨:૧૪ની સલાહ વિચારણામાં લેવી જોઈએ: “બુદ્ધિમાન માણસની આંખો તેના માથામાં છે.” એનો અર્થ થાય કે શાણો માણસ ક્યાં જઈ રહ્યો છે અને આગળ શું રહેલું છે એ વિષે સાવધ રહે છે. ખરેખર, કોમ્પ્યુટર મનોરંજનનું જગત એવું ઘણું ધરાવે છે જે દેવના જ્ઞાનની વિરુદ્ધ છે. (સરખાવો ૨ કોરીંથી ૧૦:૫.) અને સોફ્ટવેરના જાદુગરો હવે પછી શું બનાવશે એ કોણ જાણે છે? તેથી કોઈ પણ યુવાન રમત ખરીદે, રમે, કે ભાડે લાવે એ પહેલાં, તેણે પોતાને પૂછવું જોઈએ કે, ‘એ શાને વિષે છે? શું એનું નામ સૂચવે છે કે એ પિશાચવાદ તરફ ઢળેલી છે? શું પૂઠા પરનું ચિત્ર ઘૃણાસ્પદ હિંસા ચિત્રિત કરે છે?’
બહુ બહુ તો, ઈલેક્ટ્રોનિક રમતો કંઈક હિતકર આનંદ અને શિક્ષણ પૂરું પાડી શકે. પરંતુ શું એ તમારો ઘણો બધો સમય વેડફે એને યોગ્ય છે? અગાઉ ઉલ્લેખવામાં આવેલો ૧૪ વર્ષનો સેમ જણાવે છે: “અમારા પપ્પાએ એમ સ્પષ્ટપણે કદી કહ્યું નથી કે અમે વિડીયો રમતો રાખી ન શકીએ. પરંતુ તેમણે પૂછ્યું કે, ‘બટન દબાવતાં સ્ક્રીન ફરતે કોઈક વ્યક્તિ દોડે કે કૂદે એ જોવામાં એવું શું રસપ્રદ છે?’” “અને હવે એ અમારી વિચારસરણી બની છે,” તેનો ભાઈ ડેન ઉમેરે છે.
હા, એ ન ભૂલો કે વાંચવું, કલાઉદ્યોગ કરવાં, આરોગ્યપ્રદ રમતગમતોમાં ભાગ લેવો, ગાવું, કે સંગીતનું વાદ્ય વગાડતાં શીખવા જેવી આનંદ કરવાની બીજી—કદાચ વધારે ફળદાયી—રીતો પણ હોય છે. “ઈશ્વરપરાયણતાની કસરત”માં સમય વિતાવવો ઘણું જ વધુ લાભદાયી છે. (૧ તીમોથી ૪:૭) એમ કરવું એ કોઈ પણ ઈલેક્ટ્રોનિક રમત રમવા કરતાં વધુ મૂલ્યવાન હશે. (g96 8/22)
એક અભ્યાસમાં સર્વેક્ષણ કરવામાં આવેલા ૯૭ ટકા યુવાનિયાઓએ “વિચાર્યું કે એવી રમતોના વ્યસની બનવું શક્ય છે”
શું હિંસક વિડીયો રમતો રમવી તમને ખરેખર હાનિ કરી શકે?