વિશ્વને નિહાળતા
વિશ્વવ્યાપી સુધારો
_
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, તાજેતરની શોધોએ અવકાશને લગતા વૈજ્ઞાનિકોને અનેક તાત્વિક સિદ્ધાંતો વિષે ફરીથી વિચારતા કર્યા છે. દાખલા તરીકે, હબલ અવકાશ ટેલિસ્કોપ દ્વારા આકાશમાં દૂર સુધી નજર કરતા ખગોળવેત્તાઓ એવા નિષ્કર્ષ પર આવ્યા કે આપણા વિશ્વમાં અંદાજ પ્રમાણે ૪૦થી ૫૦ અબજ તારામંડળો છે. એ અગાઉના ૧૦૦ અબજના અંદાજથી ભિન્ન છે. એની જાહેરાત કર્યા પછી એક દિવસે, અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીના વૈજ્ઞાનિકોએ વધુ અહેવાલ આપ્યો કે તેઓએ વિશ્વમાં “ખૂટતા પદાર્થ”નો ઓછામાં ઓછો અડધો ભાગ ઓળખી કાઢ્યો છે, અર્થાત્ તારામંડળોને ભેગાં જકડી રાખતું ગુરુત્વાકર્ષણનું બળ પૂરો પાડતો અજાણ્યો જથ્થો. વૈજ્ઞાનિકો કહે છે કે ન જોયેલા એ પદાર્થનો મોટો ભાગ, શ્વેત વામન (white dwarfs) કહેવાતા, બળી ગયેલા તારાઓની વિશાળ સંખ્યાનો બનેલો છે. વધુમાં, ગેલલેયો અવકાશયાનમાંથી મળેલી માહિતીએ ગુરુના ગ્રહ વિષેના તાત્વિક સિદ્ધાંતોને પડકાર ફેંક્યો છે. “પ્રથમવાર માહિતી આવે છે ત્યારે હંમેશા નમ્રતાની લાગણી થાય છે,” યોજનાના મુખ્ય વૈજ્ઞાનિક ડો. ટોરન્સ જોનસને કહ્યું. “સામાન્ય રીતે પરિણામો અમારા તાત્વિક સિદ્ધાંતો સાથે બરાબર બંધબેસતા હોતા નથી.”
અપહરણમાં વધારો
_
જોર્નાલ ડ ટારડે અહેવાલ આપે છે કે, તાજેતરના એક વર્ષમાં, બ્રાઝિલના રિયો ડી જનૈરોમાં ગુનેગારોએ વધી રહેલા અપહરણના ઉદ્યોગમાંથી $૧.૨ અબજ (યુ.એસ.) મેળવ્યા, જે અપહરણને એ શહેરમાં સંગઠિત ગુના માટેની આવકનો મુખ્ય ઉદ્ભવ બનાવે છે. અપહરણ કરવું પણ વધુ વ્યવહારદક્ષ બન્યું છે. “વીજળીવેગી,” અથવા ટૂંકાગાળાનાં, મધ્યમવર્ગના ભોગ બનનારાઓનાં અપહરણ હોય છે, “જેઓએ ઘણીવાર હપ્તે-હપ્તે ખંડણી ભરવી પડે છે,” અને વધુ ધનવાન વ્યક્તિઓનાં જટિલ, સુયોજિત અપહરણ પણ હોય છે. બીજા દેશોમાં પણ અપહરણ વધી રહ્યાં છે. એશિયાવીક સામયિક કહે છે કે ફિલિપાઈન્સના નિષ્ણાતો ભલામણ કરે છે કે બીજી બાબતો ઉપરાંત: એકલા મુસાફરી ન કરો, ખાસ કરીને અંધારું થયા પછી. તમે ક્યાં હશો એ હંમેશા કોઈક ભરોસાપાત્ર વ્યક્તિને કહી રાખો. સારા ઉજાસવાળી અને સલામત જગ્યાએ તમારી કાર ઊભી રાખો. બાળકોને કદી પણ એકલા ન રાખો.
જીવાતઅભેદ્ય લાકડું
_
ન્યૂ સાયંટિસ્ટ સામયિક અહેવાલ આપે છે કે, જાપાનના નારામાંનો લાકડાનો એક પેગોડા, ઉંદર, ઊધઈ, કે જીવાણુંઓથી થતી હાનિ વિના ૧,૨૦૦ વર્ષથી ટકી રહ્યો છે. બે જાપાની વૈજ્ઞાનિકોસહિત કોરિયામાંની સોલ નેશનલ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ કઈ બાબત જીવાતને એ પેગોડા આટલો અરૂચિકર બનાવે છે એ જાણવા નીકળ્યા. તેઓએ એ પ્રાચીન ઇમારત બાંધવા માટે વપરાયેલા સરુના વૃક્ષના પ્રકારની ચકાસણી કરી ત્યારે, તેઓએ શોધી કાઢ્યું કે એ એવા રસાયણો ધરાવે છે જે ઉંદરોને એટલા અરૂચિકર હોય છે કે તેઓ એ લાકડાવાળી કોઈ પણ વસ્તુને કોતરી ખાતા નથી. દર વર્ષે જાપાનનો લાકડાનો ઉદ્યોગ સરુના વૃક્ષોમાંથી ૪,૦૦૦ ટન વહેર પેદા કરે છે, અને એવી આશા રાખવામાં આવે છે કે એ વહેરમાંથી કાઢવામાં આવેલા કેટલાક રસાયણો જંતુનાશક તરીકે વપરાતા કેટલાક ઝેરનું સ્થાન લેશે.
ગાફેલ માબાપ
_
ફ્રેંચ સામયિક લેક્ષપ્રેસમાં આપવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર, પોતાનાં બાળકોને શિક્ષણ આપવાની બાબત આવે છે ત્યારે, મોટા ભાગનાં માબાપ કહે છે કે “સફળતા” અને “સ્વાતંત્ર્ય” સૌથી અગ્રિમ હોય છે, અને તેઓને લાગે છે કે નૈતિક મૂલ્યોની પસંદગી બાળકો પર રહેલી છે. શિક્ષણનો ધ્યેય યોગ્ય નૈતિક મૂલ્યો શીખવવાનો છે કે નહિ એમ પૂછવામાં આવતાં, ૬થી ૧૨ વર્ષની ઉંમર વચ્ચેનાં બાળકોના ૭૦ ટકા માબાપે જવાબ આપ્યો ના. સામયિકે નોંધ્યું કે, ઇન્ટરવ્યૂ લેવામાં આવેલા ૬૦ ટકા માબાપ અને શિક્ષકોને લાગે છે કે બાળકો ભવિષ્યને માટે પૂરતા તૈયાર નથી તોપણ વિરોધાભાસી રીતે તેઓ માને છે કે બાળકો સમાજને માટે એક પૂંજી સાબિત થશે. લેક્ષપ્રેસ અવલોકે છે કે, સર્વેક્ષણ કેટલાક લોકોના ભયની પુષ્ટિ કરે છે કે “આજના માબાપ પોતાની ભૂમિકા તેમ જ જવાબદારીઓ હવે જાણતા નથી.”
“કોમ્પ્યુટરવાળી” ગળાની પીડા
_
કેનેડાનું વર્તમાનપત્ર ધ ગ્લોબ એન્ડ મેઈલ અહેવાલ આપે છે કે, પોતાનાં કાંડા અને હાથની પીડા ઓછી કરવા અવાજ પારખતી વ્યવસ્થાનો ઉપયોગ કરતા કોમ્પ્યુટર ચલાવનારાઓ એનો સામનો કરે છે જેને કેટલાક લોકો વધારે ગંભીર કોયડો ગણે છે—ઊથલો મારતો ખોખરો અવાજ અને અવાજ પૂરેપૂરો ગુમાવવો. કોમ્પ્યુટર સમજી શકે એ માટે દરેક શબ્દ સ્પષ્ટ અને સરખા જ સૂર તથા તીવ્રતાથી બોલવો જરૂરી હોવાથી, એનો ઉપયોગ કરનારાઓ સાધારણપણે શ્વાસ લેતા નથી, અને સ્વરતંતુઓ એનો તણાવ ગુમાવતા જણાય છે. યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના ડો. સાયમન મક્ગ્રેઈલે ગ્લોબને કહ્યું કે સ્વરતંતુઓ વારંવાર એકબીજા સાથે અથડાવાને લીધે એના પર ફોલ્લીઓ કે ચાંદા થઈ શકે, અથવા સ્વરતંતુઓ થાકી જઈ શકે. સ્વરતંતુઓને તંદુરસ્ત રાખવા માટે, અવાજના નિષ્ણાતો ભલામણ કરે છે કે એવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરનારાઓ એના ઉપયોગમાં વિતાવવામાં આવતો સમય મર્યાદિત કરે, વારંવાર વિરામ લે, ઘણું પાણી પીએ, અને આલ્કોહોલ, કેફીન, તથા સ્વરતંતુઓને સૂકવી નાખતી બીજી દવાઓ નિવારે.
“ગુમ થયેલી” સ્ત્રીઓ
_
“આરોગ્યની બાબતે સ્ત્રીઓ સાથે વાજબીપણે વ્યવહાર રાખતા સમાજોમાં દરેક ૧૦૦ પુરુષો દીઠ ૧૦૬ સ્ત્રીઓ હોય છે. એ જીવવિજ્ઞાનની હકીકત છે,” ધ કોરિયર જણાવે છે, જે યુરોપિયન યુનિયન દ્વારા પ્રકાશિત એક સામયિક છે. પરંતુ યુએનનો અભ્યાસ બીજી હકીકત તરફ પણ નિર્દેશ કરે છે: ચીન, ભારત, રીપબ્લિક ઓફ કોરીયા, અને પાકિસ્તાન જેવા એશિયાના દેશોમાં દર ૧૦૦ પુરુષો દીઠ સરેરાશ ફક્ત ૯૪ સ્ત્રીઓ છે. શા માટે? “વૈજ્ઞાનિક પ્રગતિએ ગર્ભની જાતિ શરૂઆતના તબક્કામાં નક્કી કરવાનું શક્ય બનાવ્યું છે,” અને “નર-નારીના જન્મના પ્રમાણમાં અસંગતતા” ઉગ્ર બનાવી છે, એમ ધ કોરિયર સમજાવે છે. દાખલા તરીકે, રીપલ્બિક ઓફ કોરીયામાં, ૧૯૮૨માં દર ૧૦૦ છોકરાઓ દીઠ ૯૪ છોકરીઓ જન્મી, પરંતુ ૧૯૮૯માં એ પ્રમાણ દર ૧૦૦ દીઠ ૮૮ સુધી ઘટ્યું. યુએનનું પ્રકાશન અવર પ્લેનેટ ઉમેરે છે: “આંકડાઓ આઘાતજનક છે: બાળકીઓની હત્યા અને નારી ગર્ભના ગર્ભપાતને લીધે એશિયામાં દસ કરોડ સ્ત્રીઓ ‘ગુમ થઈ’ છે.”
શસ્ત્રો કે વિકાસ?
_
એકસો યુ.એસ. ડોલર્સ એકે-૪૭ પ્રકારની એક બંદૂક કે એક વર્ષના ૩,૦૦૦ બાળકોમાં અંધાપો નિવારવા માટે વિટામીન-એની પૂરતી કેપસ્યુલો ખરીદી શકે. દસ કરોડ ડોલર્સ એક કરોડ સુરંગ કે છ ઘાતક બાળરોગો વિરુદ્ધ ૭૭ લાખ બાળકોને રક્ષવા માટે પૂરતી રસી ખરીદી શકે. એંસી કરોડ ડોલર્સ એફ-૧૬ પ્રકારના ૨૩ યુદ્ધવિમાનો કે દસ વર્ષ ચાલે એટલી આયોડિન પૂરું પાડતી દવા ખરીદી શકે, જે દવા મંદબુદ્ધિ જેવા આયોડિનની અછતથી થતા રોગોથી ૧.૬ અબજ લોકોને રક્ષી શકે. લગભગ ૨.૪ અબજ ડોલર્સ એક ન્યૂક્લિયર સબમરીન કે ૪.૮ કરોડ લોકો માટે પાણી અને ગટરની સુવિધા ખરીદી શકે. જગત શાને અગ્રિમતા આપે છે? ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડસ ચિલ્ડ્રન ૧૯૯૬ અનુસાર, ૧૯૯૪માં વિકસતા દેશોને વેચવામાં આવેલા શસ્ત્રોની કિંમત $૨૫.૪ અબજ થઈ, જે પૈસા વિકાસના પ્રયત્નોમાં ખર્ચી શકાયા હોત.
વાળાનો રોગ નાબૂદ થઈ રહ્યો છે
_
“શીતળા પછી, વાળો શક્યપણે બીજો એવો માનવ રોગ છે જેને નાબૂદ કરવામાં આવ્યો હશે,” ધ ઈકોનોમિસ્ટ જણાવે છે. “નોંધવામાં આવેલા કેસોની સંખ્યા, જે ૧૯૮૯ જેટલે તાજેતરમાં જગતવ્યાપી ૯,૦૦,૦૦૦ હતી તે ગયે વર્ષે ૧,૬૩,૦૦૦ થઈ અને મોટા ભાગના દેશોમાં એની સંખ્યા દર વર્ષે અડધી થઈ રહી છે.” સુદાન એમાં અપવાદ છે, “જે સાબિત કરે છે કે યુદ્ધ અને રોગો ઘનિષ્ઠપણે સંબંધિત છે.” પાણીમાં રહેતી પરોપજીવી જેની શરૂઆત અતિસૂક્ષ્મ કોસેટાથી થાય છે એવો વાળો મધ્ય એશિયા, પાકિસ્તાન, અને કેટલાક આફ્રિકી દેશોમાંથી નાબૂદ કરવામાં આવી ચૂક્યો છે. આરોગ્ય સંસ્થાઓએ પાણી શુદ્ધ કરતા રસાયણનો ઉપયોગ કરીને, લોકોને કપડાનો ઉપયોગ કરી પીવાનું પાણી ગાળતા શીખવીને, અને ચેપ લાગેલા લોકોને પીવાના પાણીના ઉદ્ભવમાં નહાતા કે ચાલીને પસાર થતા અટકાવીને એ રોગને કાબૂ હેઠળ આણ્યો છે. એકવાર શરીરમાં દાખલ થયા પછી, નર સંવનન કર્યા પછી મરણ પામે છે, અને માદા એક મીટર જેટલી વધે છે અને પછી ભોગ બનેલી વ્યક્તિના પગમાંના પીડાકારક ફોલ્લાઓમાંથી કેટલાક સપ્તાહો દરમ્યાન ધીમે ધીમે બહાર નીકળે છે, જે કેટલીકવાર સ્નાયુઓને પાંગળા બનાવે છે અને હાનિ કરે છે.
તરછોડવામાં આવેલા નવજાત શિશુ
_
ઇટાલીમાં માતા પોતાના નવજાત શિશુને સ્વીકારવાની કાયદેસર ના પાડી શકે છે, અને એમ એને દત્તક લેવા માટે યુગલ શોધવાની જવાબદારી બાળકોની સંભાળ લેતા અધિકારીઓ પર છોડી દઈ શકે છે. તોપણ, ૧૯૯૫ દરમ્યાન ૬૦૦ જેટલાં બાળકોને જન્મ વખતે તરછોડી દેવામાં આવ્યાં હતાં, “ઘણાંને કચરાપેટીમાં, બીજાઓને ચર્ચ કે આરોગ્ય સેવા કેન્દ્રો પાસે,” એમ ઇટાલીયન વર્તમાનપત્ર લા રેપબ્લીકા કહે છે. એવી ઘટના દેશના સૌથી વધુ ઔદ્યોગિકરણ પામેલા અને સમૃદ્ધ વિસ્તારોમાં તેમ જ સૌથી ગરીબ અને સૌથી ઓછા વિકસિત વિસ્તારોમાં બને છે. ઇટાલીયન સોસાયટી ઓફ સાયકોલોજીની પ્રમુખ વેરા સ્લીપોઇ અનુસાર, એ સમાજમાં પ્રવર્તતી “મોતની લાગણીની ચેતવણીનો સંકેત” છે.
તરસ પૂરતી નથી
_
“વ્યક્તિ તરસ પર આધાર રાખે તો, તે પૂરતું પાણી પીશે નહિ,” ડો. માર્ક ડેવિસ કહે છે, જે કસરતના શરીરવિજ્ઞાનના પ્રોફેસર છે. ઘણા લોકો નિર્જલ સ્થિતિમાં રહે છે, કેમ કે શરીરમાં પ્રવાહી ઓછું થઈ ગયા પછી તરસ લાગે છે. અને લોકોની ઉંમર વધે છે તેમ, તેઓનું તરસનું તંત્ર ઓછું અસરકારક બને છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, આબોહવા ગરમ હોય કે અત્યંત ઠંડી અને સૂકી હોય ત્યારે, આપણે કસરત કરીએ કે પરેજી પાળીએ ત્યારે, અને ઝાડા, તાવ, તથા ઊલટી જેવા પ્રવાહી ઓછું કરતા લક્ષણોવાળી માંદગી થઈ હોય ત્યારે, આપણને વધારે પાણીની જરૂર હોય છે. વધારે રેશાવાળો ખોરાક પણ આંતરડામાંથી રેશાઓને પસાર કરવા માટે વધારે પ્રવાહી જરૂરી બનાવે છે. ફળફળાદી અને શાકભાજી પાણીનું ઊંચું પ્રમાણ ધરાવે છે છતાં, આપણી મોટા ભાગની જરૂરિયાત પાણી પીવાથી પૂરી થાય છે. પાણી શ્રેષ્ઠ છે, કેમ કે એ ઝડપથી શરીરમાં શોષાય છે. પીણું જેટલું મીઠું હોય, તેટલું ધીમેથી એને શોષવામાં આવે છે. સોડાનું પીણું તમને ખરેખર વધારે તરસ લગાડી શકે, કેમ કે શર્કરાને પચાવવા માટે પ્રવાહીની જરૂર હોય છે. કેફીન અને આલ્કોહોલ મૂત્રવર્ધક હોવાથી, એ ધરાવતા પીણા પર આધાર રાખવો પાણી ગુમાવવામાં દોરી જઈ શકે. “પુખ્તવયની વ્યક્તિઓએ રોજના ૨૪૦ મિલિલીટરના ઓછામાં ઓછા આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ,” ટાઈમ્સ કહે છે.
(g96 7/8 & 7/22)