સ્વીકાર્ય ઉકેલની
શોધમાં
ફક્ત મોટરગાડીઓ જ પ્રદૂષણ પેદા કરતી નથી. ખાનગી ઘરો, ઔદ્યોગિક કારખાનાઓ, અને પાવર સ્ટેશનોએ પણ જવાબદારી લેવી જ જોઈએ. જોકે, ગોળાવ્યાપી પ્રદૂષણ પેદા કરવામાં મોટરગાડીઓ ભજવે છે એ ભાગ પણ નોંધપાત્ર છે.
હકીકતમાં, ૫૦૦૦ ડેઇઝ ટુ સેવ ધ પ્લેનેટ પુસ્તક કહેવાનું સાહસ કરે છે: “એ સર્વનો હિસાબ કાઢવામાં આવ્યો હોત—ખાસ કરીને આપણી આબોહવામાં કાર્બન ડાયોક્ષાઈડ છોડવાની કિંમત—તો, કદાચ કાર કદી બનાવવામાં આવી જ ન હોત.” તથાપિ, એ કબૂલ કરે છે: “પરંતુ એ એક એવો વિકલ્પ છે જેને કારના ઉત્પાદકો, કે રસ્તા બનાવનાર ઉદ્યોગ, કે સરકારી આડતો, કે આમજનતા, જેઓના જીવન વધુ ને વધુ ખાનગી પરિવહન પર નિર્ભર છે, તેઓ એ વિચારવા તૈયાર નથી.”
શું માણસને ચંદ્ર પર પહોંચાડનાર ટેકનોલોજી પ્રદૂષણમુક્ત કાર બનાવવા સક્ષમ ન હોવી જોઈએ? કરવું એ કહેવા જેટલું કદી સહેલું હોતું નથી, તેથી પ્રદૂષણમુક્ત કાર વિકસાવવાના નડતરો આંબવામાં આવે ત્યાં સુધી, બીજા સ્વીકાર્ય ઉકેલોની શોધ ચાલુ જ રહે છે.
પ્રદૂષકો ઘટાડવા
યુનાઈટેડ સ્ટેટ્સે ૧૯૬૦ના દાયકામાં એવું જરૂરી બનાવતો ખરડો પસાર કર્યો કે મોટરગાડીઓમાં એવાં સાધનો બેસાડવાં જે બહાર નીકળતા પ્રદૂષકો મર્યાદિત કરે. ત્યારથી માંડીને બીજા દેશો અને સરકારોએ પણ એમ જ કર્યું છે.
કેટલિટિક કન્વર્ટર, જે અનલેડેડ [સીસા વગરના] પેટ્રોલનો ઉપયોગ જરૂરી બનાવે છે, એનો હવે હાનિકારક તત્ત્વોને ગાળી નાખવા માટે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. વર્ષ ૧૯૭૬ અને ૧૯૮૦ની વચ્ચે, મોટી સંખ્યાના વાહનચાલકોએ અનલેડેડ પેટ્રોલ વાપરવાનું શરૂ કર્યા પછી, અમેરિકનોના લોહીમાં સીસાનું પ્રમાણ એક તૃત્યાંશ જેટલું ઘટ્યું છે. અને સારું થયું કે એમ થયું, કેમ કે સીસાનો અતિરેક જ્ઞાનતંતુ વ્યવસ્થાને અસર કરી શકે છે અને શીખવાની ક્ષમતાને હણી શકે છે. જોકે, કહેતા દુ:ખ થાય છે કે, ઘણા વિકસિત દેશોના લોકોમાં સીસાનું પ્રમાણ ઘટવા પામ્યું છે તે દરમ્યાન અલ્પવિકસિત દેશોમાં એમ બન્યું નથી.
કેટલિટિક કન્વર્ટરની સફળતા સંતોષકારક છે, પરંતુ એનો ઉપયોગ વિવાદાસ્પદ રહે છે. સીસું ન ઉમેરવાથી ઘટેલી કાર્યક્ષમતાને લીધે પેટ્રોલનું હાઈડ્રોકાર્બનનું મિશ્રણ બદલવામાં આવ્યું. એ બેન્ઝીન અને ટોલ્યુન જેવા બીજા કેન્સરકારક તત્ત્વોના વધારામાં પરિણમ્યું છે, જેના ધુમાડાનું પ્રમાણ કેટલિટિક કન્વર્ટર ઘટાડતા નથી.
બીજી તર્ફે, કેટલિટિક કન્વર્ટર્સ પ્લેટિનમનો ઉપયોગ જરૂરી બનાવે છે. બ્રિટનમાંની ઈમ્પેરિયલ કોલેજના પ્રોફેસર ઈયન થોર્નટન અનુસાર, રસ્તાની બાજુમાંની ધૂળમાં પ્લેટિનમ જમા થવામાં વધારો થવો એ એની એક આડઅસર છે. તેમણે શક્યતા વિષે ચેતવણી આપી કે “પ્લેટિનમનું દ્રાવ્ય રૂપ ખોરાકની સાંકળમાં પ્રવેશી શકે છે.”
“નોર્થ અમેરિકા, જાપાન, સાઉથ કોરીયા અને કેટલાક યુરોપીયન દેશોમાં કેટલિટિક ક્ન્વર્ટરની” સફળતા હોવા છતાં, ૫૦૦૦ ડેઇઝ ટુ સેવ ધ પ્લેનેટ યથાર્થપણે કબૂલે છે, “જગત ફરતે વધી રહેલી કારોની મોટી સંખ્યાએ હવાની ગુણવત્તાના લાભોને સંપૂર્ણપણે રદ કર્યા છે.”
મોટરગાડી ધીમે ચલાવવી
કારમાંથી નીકળતા ધુમાડા ઓછા કરવાની બીજી પદ્ધતિ કાર ધીમે ચલાવવી છે. પરંતુ યુનાઈટેડ સ્ટેટ્સમાં, કેટલાક રાજ્યોએ તાજેતરમાં જ ગતિ મર્યાદા વધારી છે. જર્મનીમાં પ્રતિબંધો લાદવા અપ્રિય છે. કારના ઉત્પાદકો જેઓમાં કલાકના ૧૫૦ કિલોમીટરની ગતિ આપી શકતી શક્તિશાળી મોટરગાડીઓ બનાવવાની ક્ષમતા હોવી એ વેચવા માટેનું આગળ પડતું પાસુ છે, તેઓ સ્વાભાવિક રીતે જ ગતિ મર્યાદા ઓછી કરવાનો વિરોધ કરે છે, તેમ જ ડ્રાઇવરોની મોટી સંખ્યા પણ વિરોધ કરે છે. જોકે, હવે એમ લાગે છે કે વધુ ને વધુ જર્મનવાસીઓ પર્યાવરણના કારણોસર નહિ પરંતુ સલામતીની ખાતર ગતિના પ્રતિબંધો સ્વીકારવા માટે ઇચ્છુક થયા છે.
કેટલાક દેશોમાં પ્રદૂષણ અસ્વીકાર્ય સ્તર સુધી પહોંચે છે ત્યારે, ડ્રાઇવરોએ ધીમે ચલાવવાની જરૂર ઊભી થાય છે—અથવા કદાચ ડ્રાઇવીંગ પૂરેપૂરું બંધ કરવાની. વર્ષ ૧૯૯૫ની મતગણતરીએ પ્રગટ કર્યું કે ૮૦ ટકા જર્મનવાસીઓ ઓઝોનનું સ્તર ઘણું ઊંચું જાય તો, ગતિ મર્યાદા માટે સહમત થશે. એથેન્સ અને રોમ સમેતના જગત ફરતેના ઘણા શહેરોએ અમુક સંજોગો હેઠળ ડ્રાઇવીંગ મર્યાદિત કરવા પગલાં લીધાં છે. બીજા દેશો એમ જ કરવાનું વિચારી રહ્યા છે.
સાયકલો વાપરવી
વાહનોની ભીડ ઓછી કરવા કેટલાક દેશોએ બસમાં મુસાફરી કરવા સસ્તી ટિકિટ રાખી છે. બીજા દેશોએ કારના ડ્રાઇવરો માટે બસમાં મફત મુસાફરી પૂરી પાડી છે જેઓ પ્રાપ્ય કાર પાર્કમાં ઓછી કિંમતે કાર પાર્ક કરી શકે છે. બીજા દેશોએ આ પ્રકારનો વાહન વ્યવહાર ઝડપી બનાવવા બસો અને ટેક્ષીઓ માટે રસ્તાનો એક હસ્સો અનામત રાખ્યો છે.
કોયડો આંબવાની એક અનોખી રીત તાજેતરમાં ધ યુરોપીયનમાં નોંધવામાં આવી: “નેધરલેન્ડ્સમાં ૧૯૬૦ના દાયકાના પાછલા ભાગમાં થયેલી ઝુંબેશથી પ્રેરણા પામીને, સક્ષમ ડેનમાર્કવાસીઓ લોકોને કારને ઠેકાણે સાયકલ વાપરવા મનાવીને હવાનું પ્રદૂષણ તથા વાહનોની ભીડ ઘટાડવાની યોજના લઈ આવ્યા.” કોપનહેગનની શેરીઓમાં વિવિધ સ્થળોએ સાયકલો મૂકવામાં આવી છે. ઉપકરણમાં પૈસાનો સિક્કો નાખવાથી સાયકલ વાપરવા માટે છૂટી થાય છે. સાયકલ અનુકૂળ સ્થળે પાછી મૂકતા જમા કરેલા પૈસા પાછા મેળવી શકાય છે. એ યોજના વ્યવહારુ અને લોકપ્રિય પુરવાર થશે કે કેમ એ તો સમય કહેશે.
કારને બદલે સાયકલનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવા કેટલાક જર્મન શહેરોએ સાયકલ સવારોને એક દિશાની શેરીઓમાં કારની સામી બાજુ સાયકલ ચલાવવાની પરવાનગી આપી છે! શહેરની ત્રીજા ભાગની સર્વ મુસાફરી તથા ગ્રામીણ વિસ્તારોની ત્રણથી વધારે ભાગની મુસાફરી ત્રણ કિલોમીટર કરતાં ઓછી હોવાથી, ઘણા નાગરિકો પગપાળા ચાલીને કે સાયકલનો ઉપયોગ કરીને સહેલાઈથી એ કરી શક્યા. એ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે; એ જ સમયે, સાયકલસવારોને જરૂરી કસરત પણ મળશે.
પુન:રચના કરવી
પ્રદૂષણમુક્ત મોટરગાડી રચવાનું કામ ચાલુ છે. બેટરી પર ચાલતી ઇલેક્ટ્રિક કારો બનાવવામાં આવી છે, પરંતુ એ ઝડપ અને એને ચલાવવાના સમયમાં મર્યાદિત છે. સૂર્ય-ઉર્જા કાર માટે પણ એમ જ છે.
બળતણ તરીકે હાઇડ્રોજન વાપરવાની બીજી શક્યતા તપાસવામાં આવી રહી છે. હાઇડ્રોજન બળે છે ત્યારે લગભગ કોઈ પ્રદૂષણ થતું નથી, પરંતુ તેની કિંમત અશક્ય બનાવનારી છે.
મોટરગાડીના પુન:સંશોધનની જરૂરને પારખતા, યુ.એસ. પ્રમુખ ક્લિન્ટને ૧૯૯૩માં જાહેર કર્યું કે સરકાર અને યુ.એસ.નો મોટરગાડીનો ઉદ્યોગ ભાવિની કાર રચવા સહકાર આપશે. તેમણે કહ્યું: “આપણે આપણા રાષ્ટ્રએ ક્યારેય કર્યું હોય એવું ટેકનોલોજિકલ સાહસ કરવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ.” જેના વિષે તે બોલ્યા એ “એકવીસમી સદી માટે સંપૂર્ણપણે કાર્યક્ષમ અને પારિસ્થિતિક સાનુકૂળ વાહનો બનાવવું” શક્ય હશે કે કેમ, એ જોવાનું બાકી રહે છે. એક દાયકામાં જ કારનું આદિરૂપ (prototype) બનાવવાની યોજના છે—જોકે, પ્રચંડ કિંમતે.
કારના કેટલાક ઉત્પાદકો એવી કારનું મોડેલ બનાવવા કામ કરી રહ્યા છે જે પેટ્રોલ અને ઇલેક્ટ્રિસિટીના સંયોજનથી ચાલે. જર્મનીમાં હવે—ઊંચી કિંમતે—ઇલેક્ટ્રિક સ્પોટ્ર્સ કાર પ્રાપ્ય છે જે નવ સેકન્ડમાં જ ઊભેલી સ્થિતિમાંથી કલાકના ૧૦૦ કિલોમીટરની ગતિ પકડી શકે છે, જે વધીને ૧૮૦ કિલોમીટરની સૌથી વધુ ગતિએ પહોંચે છે. પરંતુ ૨૦૦ કિલોમીટર પછી એની બેટરીને ઓછામાં ઓછા ત્રણ કલાક સુધી ફરીથી ચાર્જ કરવામાં આવે ત્યાં સુધી એ ઊભી રહે છે. સંશોધન ચાલુ છે, અને વધુ પ્રગતિની અપેક્ષા રાખવામાં આવે છે.
કોયડાનો માત્ર એક ભાગ
ઝેરી ધુમાડાનો કઈ રીતે નિકાલ કરવો એ કોયડાનો માત્ર એક ભાગ છે. કાર ઘોંઘાટનું પ્રદૂષણ પણ કરે છે, જે ગીચ રસ્તાઓની પાસે રહેનાર કોઈ પણ વ્યક્તિ સારી પેઠે જાણે છે. વાહનોનો સતત ઘોંઘાટ આરોગ્યને હાનિકારક અસર કરી શકતો હોવાથી, એ પણ એક કોયડાનો પ્રાથમિક ભાગ છે જેનો ઉકેલ લાવવો જરૂરી છે.
પ્રકૃતિના ચાહકો એ પણ ચીંધશે કે ગામડાંનું કુદરતી સૌંદર્ય લાંબા બેડોળ ધોરીમાર્ગથી, સાથે સાથે કદરૂપા વેપારી સ્થળો અને ધોરીમાર્ગ પર આવેલા જાહેર ખબરના પાટિયાથી કરમાય જાય છે. પરંતુ કારોની સંખ્યા વધે છે તેમ, વધુ રસ્તાઓની જરૂર પણ વધે છે.
કેટલીક મોટરગાડીઓ, પોતાના માલિકોની સેવા બજાવીને વર્ષો સુધી પ્રદૂષણ કર્યા પછી, “મરણ પછી” પણ પ્રદૂષણ કરવાનું ચાલુ રાખે છે. અણગમતી અને ત્યજી દીધેલી કારો, એટલો મોટો કોયડો બની ગઈ છે કે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બિનજરૂરીપણે ઢગલા વાળવાનું ટાળવા માટે કાયદો પણ ઠરાવવામાં આવ્યો છે. શું સરળતાથી રીસાયકલ થઈ શકે એવી સામગ્રીવાળી આદર્શ મોટરગાડી ક્યારેય બનશે? એવી મોટરગાડી ક્યાંય દૃશ્યમાન નથી.
“મોટા ભાગના જર્મનવાસીઓ પર્યાવરણ વિષે ખુબ જ ચિંતાતુર છે,” તાજેતરનું એક વર્તમાનપત્ર નોંધે છે, અને ઉમેરે છે, “પરંતુ માત્ર થોડા લોકો જ એ અનુસાર વર્તે છે.” એક સરકારી અધિકારીને આમ કહેતા ટાંકવામાં આવ્યા: “કોઈ પોતાને અપરાધી માનતો નથી, અને કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.” હા, “પોતાને ચાહનારા” અને “કોઈ રીતે સહમત ન થનારા” લોકોવાળા જગતમાં કોયડા ઉકેલવા અઘરા છે.—૨ તીમોથી ૩:૧-૩, NW.
હજુ, સ્વીકાર્ય ઉકેલની શોધ ચાલુ જ છે. શું પ્રદૂષણ અને મોટરગાડીનો આદર્શ ઉકેલ ક્યારેય મળી શકશે?
(g96 6/8)
શું જાહેર વાહનવ્યવહારનો
ઉપયોગ કરીને, બીજાઓ સાથે કારના સહભાગી થઈને, કે સાયકલ ચલાવીને પ્રદૂષણ ઘટાડી શકાય?