વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૬/૮ પાન ૩-૪
  • જાતીય પજવણી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાતીય પજવણી
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • સત્તાનો દુરુપયોગ
  • કેટલી પ્રચલિત?
  • સમયોની નિશાની
  • જાતીય પજવણી
    સજાગ બનો!—૧૯૯૬
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૭
  • જાતીય પજવણી વિશે મારે શું જાણવું જોઈએ?
    ૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે
  • વિષય
    સજાગ બનો!—૨૦૧૩
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૬
g96 ૬/૮ પાન ૩-૪

જાતીય પજવણી

એક ગોળાવ્યાપી કોયડો

રીના વીક્સ નામની એક યુવાન સેક્રેટરી માટે નોકરી એક ભીષણ સ્વપ્ન બની હતી. સાચું, તેને નોકરીએ રાખનાર કાનૂની પેઢીનું મોભાદાર નામ હતું અને બે ડઝનથી વધુ દેશોમાં એની ઓફિસો આવેલી હતી. પરંતુ તે એવા માણસ માટે કામ કરતી હતી જે, તેના દાવા અનુસાર, તેને પકડવાનું અને અડકવાનું બંધ કરતો ન હતો. હલકટ, દ્વિઅર્થી ભાષા દ્વારા અવારનવાર અપમાનના હુમલા કરવામાં આવતા.

વર્ષો અગાઉ, એવા સંજોગોમાં આવેલી સ્ત્રીઓ પાસે થોડો જ સહારો હતો—સિવાય કે નોકરી છોડી દેવી. ‘તે સ્ત્રીએ તેની વિરુદ્ધ પુરાવા વિના દાવો કર્યો છે,’ એવો મેનેજમેન્ટનો ન્યાય હોત. અરે સ્ત્રીનો પક્ષ લેવા ઢળેલાઓ પણ ‘એમાં શું મોટી વાત છે?’ કહીને કોયડાને કદાચ પડતો મૂકતે. પરંતુ સમય બદલાયો છે. રીના વીક્સે ફક્ત ગુસ્સે થવા અને નોકરી છોડવા કરતાં કંઈક વધુ કર્યું. તેણે અદાલતમાં દાવો માંડ્યો.

યુ.એસ. જૂરીએ તેને લાગણીમય સંતાપ થવા પેટે $૫૦,૦૦૦નું વળતર અપાવ્યું, સાથે તેના અગાઉના શેઠ પાસેથી શિક્ષા પેટે $૨,૨૫,૦૦૦ અપાવ્યા. પછી, પગલાં લેવા જગત ફરતેના વેપારો અને કાનૂની પેઢીઓ તરફ ધ્યાન ખેંચી જૂરીએ કાનૂની પેઢીને કોયડો ઉકેલવામાં નિષ્ફળ જવાથી શિક્ષા પેટે $૬.૯ કરોડની મોટી રકમ ભરપાય કરવા આદેશ આપ્યો!

વીક્સનો કિસ્સો કંઈ એકલદોકલ નથી. તાજેતરમાં અદાલતમાં આવેલો બીજો કિસ્સો રાષ્ટ્રવ્યાપી (યુ.એસ.) ઓછા ભાવવાળી દુકાનોનો સમાવેશ કરતો હતો. પેગી કિમ્ઝી નામની એક કામદારે દાવો કર્યો કે તેના સુપરવાઈઝરે તેને અનેકવાર જાતીયતાને લગતી તોછડાઈભરી ટીકાઓ આપી હતી. પેગી કિમ્ઝીએ ૧૯૯૩માં નોકરીમાંથી રાજીનામું આપ્યું અને અદાલતમાં દાવો માંડ્યો. તેને હલકી પાડવા બદલ અને માનસિક સંતાપ આપવા બદલ $૩૫,૦૦૦ ચૂકવવામાં આવ્યા, સાથે સંજ્ઞામય $૧ ગુમાવેલા પગાર દીઠ આપવામાં આવ્યો. જૂરીએ એ પણ નિર્ણય લીધો કે તેના અગાઉના શેઠે પજવણીને સાંખીને નોકરીના સ્થળે બિનમૈત્રીભર્યું વાતાવરણ પેદા કર્યું હતું. શિક્ષા શું હતી? નુકસાન પેટે પાંચ કરોડ ડોલર ચૂકવવા!

મેન્સ હેલ્થ સામયિક કહે છે: “જાતીય પજવણીના કિસ્સાઓ બેક્ટેરિયાની જેમ વધી રહ્યા છે. EEOC (ઈઈઓસી, Equal Employment Opportunity Commission)એ ૧૯૯૦માં, એવી ૬,૧૨૭ ફરિયાદો હાથ ધરી હતી; ગત વર્ષ [૧૯૯૩] સુધીમાં કુલ વાર્ષિક ફરિયાદો લગભગ બમણી થઈને ૧૧,૯૦૮ થઈ હતી.”

સત્તાનો દુરુપયોગ

જૂરીએ આપેલા સ્તબ્ધ કરી દેતા નિર્ણયો સમાચારપત્રમાં મથાળા તરીકે નજરે પડે છે ત્યારે, સત્ય એ છે કે માત્ર થોડાક જ કિસ્સાઓ અદાલતમાં પગલાં માંડે છે. મોટા ભાગના ભોગ બનેલાઓ પોતાનું અપમાન ચૂપચાપ સહન કરે છે—તેઓ ઓફિસોમાં, શેરીઓમાં, બસોમાં, ભોજન વિતરણ સ્થળે, અને કારખાનાઓમાં રમવામાં આવતી સત્તા અને ધાકધમકીની બેડોળ રમતમાં પ્યાદું બને છે. કેટલીક વાર, જાતીય સંબંધો માટે સીધેસીધી જબરદસ્તી કરવામાં આવે છે. જોકે, હેરાનગતિ ઘણી વાર નિર્લજ્જપણે વાંધાજનક હોય એવા લુચ્ચાઈપૂર્વકનાં કૃત્યોનો સમાવેશ કરે છે: બિનઆવકાર્ય કે અયોગ્યપણે સ્પર્શ કરવો, લંપટ ટીકા કરવી, વાસનાભરી રીતે તાકી રહેવું.

સાચું, કેટલાક લોકો એવા વર્તનને પજવણી કહેવાનો નકાર કરી દલીલ કરે કે એ તો કેટલાક માણસોના પક્ષે વિરુદ્ધ જાતિની વ્યક્તિનું ધ્યાન આકર્ષવાનો માત્ર કઢંગો પ્રયત્ન છે. પરંતુ, લેખક માર્થા લેગલનની માફક, ઘણાં એવા અપમાનજનક વર્તનની ગંભીરતા ઓછી કરવાના પ્રયત્નનો નકાર કરે છે. તે લખે છે: “એ કઢંગુ સહચર્ય, કે તોછડાઈભર્યું સહચર્ય, કે રમૂજી સહચર્ય, કે ‘ગેરસમજણ થયેલું’ સહચર્ય નથી. એ સ્ત્રીઓને આકર્ષવા કરવામાં આવતું નથી; એ એવું વર્તન છે જે સંપૂર્ણપણે બીજા જ કૃત્યનો હેતુ સારે છે. બળાત્કારની જેમ, જાતીય પજવણી સ્ત્રીઓ પર બળજબરી કરવા રચવામાં આવી હોય છે, તેઓને આકર્ષવા માટે નહિ. . . . [એ] સત્તાનું વક્તવ્ય છે.” હા, વારંવાર એવો દુર્વ્યવહાર સામાન્યપણે બીજું ક્રૂર સાધન બને છે જેના દ્વારા એક “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.”—સભાશિક્ષક ૮:૯; સરખાવો સભાશિક્ષક ૪:૧.

સામાન્યપણે સ્ત્રીઓ જાતીય પજવણીનો આનંદી નહિ, પરંતુ ઘૃણા અને ગુસ્સાથી માંડીને તણાવ અને અપમાન સુધીની વિવિધ લાગણીઓનો પ્રત્યાઘાત પાડે છે. ભોગ બનનાર એક સ્ત્રી યાદ કરે છે: “સંજોગોએ મને મારી નાખી. મેં મારો આત્મવિશ્વાસ, મારો ભરોસો, મારું સ્વમાન, અને મારી કારકિર્દીની અભિલાષા ગુમાવ્યાં. મારું વ્યક્તિત્વ સખતપણે બદલાયું. હું બેફિકર હતી. હું કઠોર, તરછોડાયેલી, અને છોભીલી બની ગઈ.” અને પજવણી કરનાર શેઠ કે કોઈ અધિકારી હોય ત્યારે, પજવણી ખાસ કરીને બેડોળ રૂપ ધારણ કરે છે.

તો પછી, અદાલતે ગુનેગારને શિક્ષા અને ભોગ બનેલી વ્યક્તિને વળતર આપવાનું શરૂ કર્યું એમાં કંઈ આશ્ચર્યની બાબત નથી. યુ.એસ. સર્વોચ્ચ અદાલતે એવા દુર્વ્યવહારનું નાગરિક હક્કના ઉલ્લંઘન તરીકે અર્થઘટન કર્યું ત્યારથી માંડીને, વધુ ને વધુ શેઠોને નોકરી પરનું વાતાવરણ “ધિક્કારપૂર્ણ કે અપમાનજનક” ન હોય એ જાળવવાની કાયદેસરની જવાબદારી ફરમાવવામાં આવી છે.

જાતીય પજવણી સાંખી લેતી કંપનીઓ કામદારોનો ઓછો ઉમંગ, વધુ ગેરહાજરી, ઓછું ઉત્પાદન, અને કામદારોની વધુ અવરજવરનો અનુભવ કરી શકે—ભોગ બનનાર અદાલતમાં દાવો માંડે ત્યારે આવતી આફતની તો વાત જ ન કરો.

કેટલી પ્રચલિત?

જાતીય પજવણી કેટલી પ્રચલિત છે? યુ.એસ.નું સર્વેક્ષણ દર્શાવે છે કે ત્યાં કામ કરતી અડધાથી વધુ સ્ત્રીઓએ એનો અનુભવ કર્યો છે. તેથી એક પુસ્તક દાવો કરે છે: “જાતીય પજવણી એક પ્રસરતો કોયડો છે. એ વેઈટરના કામથી માંડીને કોર્પોરેશનના કાર્યપાલક સુધીના દરેક વ્યવસાયમાં સ્ત્રી સાથે થાય છે. એ કોર્પોરેશનના તંત્રના દરેક સ્તરમાં અને દરેક પ્રકારના વેપારમાં તથા ઉદ્યોગમાં થાય છે.” જોકે, એ કોયડો યુનાઈટેડ સ્ટેટ્‌સ પૂરતો જ મર્યાદિત નથી. સુઝન એલ. વેબ કૃત પુસ્તક શોકવેવ્ઝ: ધ ગ્લોબલ ઈમ્પેક્ટ ઓફ સેક્સ્યુઅલ હેરસમેન્ટ નીચે મુજબનાં આંકડા ટાંકે છે:a

a સંશોધકો ભિન્‍ન સર્વેક્ષણ પદ્ધતિઓ અને જાતીય પજવણીનાં ભિન્‍ન અર્થઘટનો વાપરતા હોવાથી આંકડાઓ જુદા જુદા હોય છે.

કેનેડા: “એક સર્વેક્ષણ બતાવે છે કે નોકરી પર ૧૦માંથી ૪ સ્ત્રીઓ સાથે જાતીય પજવણી થયા હોવાનો અહેવાલ નોંધાયો છે.”

જાપાન: “ઓગષ્ટ ૧૯૯૧ના સર્વેક્ષણે જણાવ્યું કે ૭૦ ટકા સ્ત્રીઓએ” નોકરી પર પજવણીનો “અનુભવ થયા હોવાનો પ્રત્યાઘાત પાડ્યો.” “નેવું ટકા સ્ત્રીઓએ કહ્યું કે કામે આવતા-જતાં તેઓની જાતીય પજવણી કરવામાં આવી હતી.”

ઓસ્ટ્રિયા: “વર્ષ ૧૯૮૬ના સર્વેક્ષણે બતાવ્યું કે લગભગ ૩૧ ટકા સ્ત્રીઓએ ગંભીર જાતીય પજવણી થયા હોવાના બનાવો નોંધાવ્યા હતા.”

ફ્રાંસ: “વર્ષ ૧૯૯૧માં કરવામાં આવેલા એક અભ્યાસને . . . જાણવા મળ્યું કે સર્વેક્ષણ કરવામાં આવેલી ૧,૩૦૦ સ્ત્રીઓના ૨૧ ટકાએ કહ્યું કે તેઓને વ્યક્તિગતપણે જાતીય પજવણીનો અનુભવ થયો હતો.”

નેધરલેન્ડ્‌સ: એક અભ્યાસે બતાવ્યું કે “૫૮ ટકા સ્ત્રીઓએ [સર્વેક્ષણને] પ્રત્યુત્તર આપતાં કહ્યું કે તેઓને વ્યક્તિગતપણે જાતીય પજવણીનો અનુભવ થયો હતો.”

સમયોની નિશાની

અલબત્ત, કામના સ્થળોએ હેરાનગતિ અને પજવણી થવી એ કંઈ નવી બાબત નથી. અરે બાઇબલ સમયોમાં સ્ત્રીઓ—અને કેટલીક વાર પુરુષો—એવા દુર્વ્યવહારના શિકાર બન્યાં હતાં. (ઉત્પત્તિ ૩૯:૭, ૮; રૂથ ૨:૮, ૯, ૧૫) પરંતુ એવી ગેરવર્તણૂક આજે સવિશેષ પ્રચલિત હોય એમ લાગે છે. એમ શા માટે?

એક બાબત એ છે કે, તાજેતરના વર્ષોમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ વ્યવસાય બજારમાં પ્રવેશી છે. તેથી વધુ સ્ત્રીઓ એવા સંજોગોમાં આવી છે જ્યાં એ અત્યાચાર થઈ શકે. જોકે, બાઇબલે પ્રાચીન વખતથી એથીયે વધુ અર્થપૂર્ણ બાબત વિષે ભાખ્યું હતું: “આ યાદ રાખો! છેલ્લા સમયમાં મુશ્કેલીભર્યા સમયો આવશે. માણસો સ્વાર્થી, લોભી, આપવડાઈ કરનારા, અને ગર્વિષ્ઠ થશે; તેઓ અપમાન કરનારા થશે . . . ; તેઓ બિનમાયાળુ, નિર્દય, બટ્ટા મૂકનારા, હિંસક, અને ક્રૂર થશે.” (૨ તીમોથી ૩:૧-૩; ટૂડેઝ ઇંગ્લીશ વર્શન) જાતીય પજવણીનું પ્રચલિતપણું એ શબ્દો આજે પરિપૂર્ણ થઈ રહ્યા છે એની એક નાટકીય સાબિતી છે. રસપ્રદપણે, મેન્સ હેલ્થ સામયિકનો એક લેખ નોંધે છે કે “જાતીય પજવણીની ફરિયાદોમાં થયેલા વધારાની સાથે સામાન્ય શિષ્ટાચારમાં આશ્ચર્ય પમાડે એવો ઘટાડો થયો છે. અસભ્ય રીતભાત સર્વત્ર છે.”

જાતીય પજવણીનું પ્રચલિતપણું “નવી નૈતિકતાનું” પ્રતિબિંબ પણ પાડે છે, જે ૧૯૬૦ના દાયકા દરમ્યાન જગતમાં પ્રસર્યું હતું. રૂઢિગત નૈતિકતાની હદોની પડતીની સાથે બીજાના હક્કો અને લાગણીઓની આશ્ચર્ય પમાડે એવી અવગણના થઈ છે. એનું કોઈ પણ કારણ હોય, જાતીય પજવણી એ નોકરીના સ્થળની ગમગીન હકીકત છે. પુરુષો અને સ્ત્રીઓ પોતાને રક્ષવા શું કરી શકે? શું કદી એવો સમય હશે જ્યારે નોકરીનું સ્થળ હેરાનગતિથી મુક્ત હશે?

(g96 5/22)

[પાન ૪ પર બૉક્સ]

જાતીય પજવણી—દંતકથા વિરુદ્ધ હકીકત

દંતકથા: જાતીય પજવણી એકંદરે વધારે પડતી નોંધવામાં આવી છે. એ માત્ર બીજી ઘેલછા છે, અર્થાત્‌ સમાચાર માધ્યમની ઉશ્કેરણી અને ચિત્તભ્રમની એક પેદાશ છે.

હકીકત: સામાન્યપણે, એક સ્ત્રી ભોગ બને એ નોંધાવવાથી તેણે ગુમાવવાનું વધારે અને મેળવવાનું ઓછું હોય છે. ખરેખર, સ્ત્રીઓની માત્ર લઘુમતી (એક સર્વેક્ષણ અનુસાર ૨૨ ટકા) ભાગ્યે જ કોઈકને કહેતી હોય છે કે તેઓની પજવણી થઈ છે. બીક, શરમ, આત્મદોષ, ગૂંચવણ, અને તેઓના કાયદાકીય હક્કો પ્રત્યેની અજ્ઞાનતા ઘણી સ્ત્રીઓને ચૂપ રાખે છે. તેથી ઘણા નિષ્ણાતો માનતા હોય છે કે કોયડા મહદંશે અપૂરતા નોંધાવવામાં આવ્યા છે!

દંતકથા: મોટા ભાગની સ્ત્રીઓને ધ્યાન મળે એ ગમે છે. જેઓ દાવો કરે છે કે તેઓની પજવણી કરવામાં આવી છે તેઓ ફક્ત અત્યંત લાગણીશીલ હોય છે.

હકીકત: સર્વેક્ષણો સુસંગતપણે બતાવે છે કે સ્ત્રીઓ એવા ઉદ્ધત વ્યવહારથી નારાજ થાય છે. એક સર્વેક્ષણમાં, “બે પંચમાંશથી વધુ સ્ત્રીઓએ કહ્યું કે તેઓને ઘૃણાની લાગણી થઈ અને એક તૃત્યાંશ સ્ત્રીઓએ કહ્યું કે તેઓ ગુસ્સે થઈ હતી.” બીજી સ્ત્રીઓએ ચિંતા, દુ:ખ, અને ઉદાસીનતાની લાગણી અનુભવી હોવાનું જણાવ્યું.

દંતકથા: સ્ત્રીઓ જેટલા જ પુરુષો ભોગ બને છે.

હકીકત: નેશનલ એસોસિએશન ઓફ વર્કિંગ વીમેન (યુ.એસ.) અહેવાલ આપે છે કે “અંદાજ પ્રમાણે પજવણીના ૯૦ ટકા કિસ્સાઓ પુરુષોનો સમાવેશ કરે છે જેઓએ સ્ત્રીઓની પજવણી કરી હોય છે, ૯ ટકા સરખી જ જાતિની હોય છે . . . , અને માત્ર ૧ ટકો જ સ્ત્રીઓનો સમાવેશ કરે છે જેઓએ પુરુષોની પજવણી કરી હોય છે.”

જાતીય પજવણી કંઈ માત્ર જાતીયતા વિષે જ હોતી નથી

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો