જાતીય પજવણી
પોતાનું રક્ષણ કઈ રીતે કરવું
“કોઈ સ્ત્રીએ જાતીય ગર્ભિતાર્થવાળો વ્યવહાર દરરોજ સહન કરવો પડવો ન જોઈએ,” સામયિકની તંત્રી ગ્રાતકન મોરગનસન કહે છે, “પરંતુ એ પણ વાજબી નથી કે સ્ત્રીઓ નોકરી પર કઠોર વર્તનથી મુક્ત અસલ વાતાવરણની અપેક્ષા રાખે.” પ્રશંસનીયપણે, નોકરીનું સ્થળ સલામત બનાવવાના શેઠો અને અદાલતોના પ્રયત્નોએ કેટલાક સારાં પરિણામો નીપજાવ્યાં છે. દાખલા તરીકે, અદાલતમાં દાવો માંડવાના જોખમે જગત ફરતેના શેઠ અને કર્મચારીઓને નોકરી પરનું વાતાવરણ સુધારવાના પ્રયત્ન કરવા પ્રેર્યા છે. ઘણી કંપનીઓએ નોકરી સ્થળની હેરાનગતિનો સામનો કરવા આંતરિક પદ્ધતિ વિકસાવી છે. કામદારોને નોકરીના સ્થળ પરની યોગ્ય રીતભાત શીખવવા સભાઓ અને પરિષદો યોજવામાં આવ્યાં છે.
અલબત્ત, કંપનીની કાર્યનીતિ અને સ્થાનિક કાયદા જાણવા અને પાળવા અર્થસભર છે. (રૂમી ૧૩:૧; તીતસ ૨:૯) ખ્રિસ્તીઓને બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવા પણ મદદરૂપ લાગ્યા છે. તમારા સહકર્મચારી સાથેના તમારા વ્યવહારમાં એ પ્રેરિત માર્ગદર્શન અનુસરવાથી જાતીય પજવણીનો ભોગ બનવાનું—કે પજવણી કરનાર બનવાનું—ટાળવામાં તમને ઘણી મદદ મળી શકે.
પુરુષો માટે યોગ્ય વર્તણૂક
પુરુષોએ સ્ત્રીઓ સાથે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ એ બાબત વિચારો. ઘણા નિષ્ણાતો વિજાતીય વ્યક્તિને સ્પર્શ કરવા વિરુદ્ધ ચેતવણી આપે છે. તેઓ ચેતવણી આપે છે કે મૈત્રીપૂર્ણ રીતે ખભો થાબડવો સહેલાઈથી ખોટો અર્થ સૂચવી શકે! “જૂરી સ્પર્શ કરવાને ખુબ જ ગંભીર લેખે છે,” લેબરનો વકીલ ફ્રેન્ક હાર્ટિ નોંધે છે. તે કેવા સૂચનો આપે છે? “એમાં હસ્તધૂનનથી વધુનો સમાવેશ થતો હોય તો, એમ ન કરશો.” સાચું, બાઇબલ આ બાબતમાં સર્વાંગી નિયમો આપતું નથી.a પરંતુ તાજેતરના કાયદાકીય અને નૈતિક વાતાવરણની દૃષ્ટિએ ચેતવણી યોગ્ય છે—ખાસ કરીને એ લોકો માટે જેઓ વાત કરતા અજાણપણે સ્પર્શ કરવાનું વલણ ધરાવે છે.
a પાઊલ ૧ કોરીંથી ૭:૧માં ‘સ્ત્રીનો સ્પર્શ ન કરવાની’ ચેતવણી આપે છે એ દેખીતી રીતે જ જાતીય સંબંધનો અર્થ સૂચવે છે, સામાન્ય સ્પર્શનો નહિ. (સરખાવો નીતિવચન ૬:૨૯.) સંદર્ભમાં, પાઊલ એકલાપણાને ઉત્તેજન આપે છે અને જાતીય અનૈતિકતામાં ડૂબવા વિરુદ્ધ ચેતવણી આપે છે.—જાન્યુઆરી ૧, ૧૯૭૩ના ધ વોચટાવરમાં “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.
કબૂલ કે, આવી સૂચના પાળવી હંમેશા સહેલી હોતી નથી. દાખલા તરીકે, ગ્લેન સ્પેનિશ સંસ્કૃતિમાંથી આવે છે. “હું જ્યાંથી આવું છું ત્યાં,” તે કહે છે, “લોકો અહીં યુનાઈટેડ સ્ટેટ્સ કરતાં વધુ ભેટવાનું વલણ ધરાવે છે. મારા કુટુંબમાં અમે ચુંબનથી અમારા મિત્રોનું અવારનવાર અભિવાદન કરીએ છીએ, પરંતુ અહીં અમને બહુ જલદી એમ ન કરવા ચેતવવામાં આવ્યા હતા.” જોકે, બાઇબલ સિદ્ધાંતો આ બાબતમાં મદદરૂપ પુરવાર થાય છે. પ્રેષિત પાઊલે યુવાન તીમોથીને કહ્યું: “યુવાન માણસો સાથે ભાઈઓ તરીકે, વૃદ્ધ સ્ત્રીઓ સાથે માતાઓ તરીકે, અને યુવાન સ્ત્રીઓ સાથે બહેનો તરીકે, પૂર્ણ પવિત્રતાથી વ્યવહાર કર.” (૧ તીમોથી ૫:૧, ૨, ન્યૂ ઇન્ટરનેશનલ વર્શન) શું એ અવિવેકી, ભ્રષ્ટ, કે બિનઆવકાર્ય સ્પર્શને અટકાવશે નહિ?
એ જ સિદ્ધાંત વાણીને લાગુ પાડી શકાય. યોગ્યપણે જ, બાઇબલ કહે છે: “વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ, એઓનાં નામ સરખાં તમારે ન લેવાં, કેમકે સંતોને એજ શોભે છે; નિર્લજ્જ તથા મૂર્ખતાભરેલી વાત અથવા ઠઠામશ્કરી તમારામાં ન થાય, કેમકે એ ઘટિત નથી.” (એફેસી ૫:૩, ૪) જાતીય પજવણીના વકીલ કેથી ચિનોય સૂચવે છે કે બોલવા પહેલા એક પ્રશ્ન વિચારો: “શું તમે તમારા મમ્મી, બહેન, કે દીકરી એ વાણી સાંભળે એવું ઇચ્છશો?” બીભત્સ, દ્વિઅર્થી વાતો બોલનાર તથા સાંભળનાર બન્નેને હલકા પાડે છે.
પજવણી રોકવી
કોઈ વ્યક્તિ પજવણીનો ભોગ બનવાનું ટાળવાનો પ્રયત્ન કઈ રીતે કરી શકે? ઈસુએ પોતાના શિષ્યોને તેઓની પ્રથમ પ્રચારની કામગીરી માટે મોકલ્યા ત્યારે આપેલી સૂચના, કદાચ, આ સંદર્ભમાં લાગુ પડી શકે: “જુઓ, વરૂઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું; માટે તમે સાપના જેવા હોંશિયાર, તથા કબૂતરના જેવા સાલસ થાઓ.” (માત્થી ૧૦:૧૬) છતાં, એક ખ્રિસ્તી વ્યક્તિ કોઈ રીતે નિ:સહાય નથી. બાઇબલ આપણને ખાતરી આપે છે: “તારા હૃદયમાં જ્ઞાન પ્રવેશ કરશે, . . . વિવેકબુદ્ધિ તારા પર ચોકી કરશે. બુદ્ધિ તારૂં રક્ષણ કરશે.” (નીતિવચન ૨:૧૦, ૧૧) તેથી, ચાલો આપણે કેટલાક બાઇબલ સિદ્ધાંતો જોઈએ જે તમને પોતાનું રક્ષણ કરવા મદદ કરી શકે.
૧. તમે તમારા સહકર્મચારીઓ સાથે કેવી વર્તણૂક રાખો છો એ પર નજર રાખો. એનો અર્થ ઠંડાગાર રહેવું કે દુશ્મની કરવી થતો નથી, કેમ કે બાઇબલ આપણને ‘સઘળાંની સાથે શાંતિથી વર્તવા’ અરજ કરે છે. (હેબ્રી ૧૨:૧૪; રૂમી ૧૨:૧૮) પરંતુ બાઇબલ ખ્રિસ્તીઓને ‘જેઓ બહાર છે, તેઓની સાથે ડહાપણથી વર્તવા’ ચેતવણી આપતું હોવાથી, એનો અર્થ ધંધામય વ્યવહાર જાળવવો થાય છે, ખાસ કરીને જ્યારે વિજાતિય વ્યક્તિ સાથે વ્યવહાર કરતા હોઈએ ત્યારે. (કોલોસી ૪:૫) એલિઝાબેથ પાવલ કૃત ટોકિંગ બેક ટુ સેક્સ્યુઅલ પ્રેસર પુસ્તક કામદારોને અરજ કરે છે કે તેઓએ “પોતાની ભૂમિકાને યોગ્ય આનંદદાયી વલણ તથા જાતીયતા ભડકાવી શકે એવા પ્રકારની મૈત્રી વચ્ચે તફાવત રાખતા શીખવું.”
૨. વિનયી પોષાક પહેરો. તમે જે કપડાં પહેરો છો એ બીજાઓને સંદેશો મોકલે છે. પ્રાચીન બાઇબલ સમયોમાં, અમુક ભાતનાં કપડાં પહેરતી વ્યક્તિ અનૈતિક કે અવિવેકી તરીકે ઓળખાતી. (નીતિવચન ૭:૧૦) આજે પણ એ સાચું છે; ચુસ્ત, ચમકતાં, કે અપૂરતું શરીર ઢાંકતાં કપડાં ખોટા પ્રકારનું ધ્યાન આકર્ષી શકે. સાચું, કેટલાકને લાગી શકે કે તેઓ પાસે પોતાની ઇચ્છા પ્રમાણે કપડાં પહેરવાનો અધિકાર છે. પરંતુ લેખિકા એલિઝાબેથ પાવલ કહે છે તેમ, “જો તમે એવી વ્યક્તિઓ મધ્યે કામ કરતાં હો જેઓને પૈસાની ચોરી કરવી સામાન્ય બાબત લાગતી હોય, તો હું તમને તમારું પાકિટ બહાર ન રાખવાનું કહીશ. . . . તમારે સમાજના વલણની . . . બીમારી ઓળખવી જ પડશે અને તેઓ દ્વારા ભોગ બનવાથી પોતાનું રક્ષણ મેળવવા પ્રયત્ન કરવો જ પડશે.” એમ બાઇબલની સલાહ અદ્યતન છે. એ સલાહ આપે છે કે સ્ત્રીઓ “મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતાં વસ્ત્રથી પોતાને શણગારે.” (૧ તીમોથી ૨:૯) વિનયી પોષાક પહેરો, તો બીભત્સ વાણી કે કૃત્યના નિશાન બનવાની શક્યતા ઓછી થશે.
૩. તમારી સોબત પર નજર રાખો! બાઇબલ આપણને દીનાહ નામની એક યુવતી વિષે કહે છે જે જાતીય હુમલાનો શિકાર બની. તેણે દેખીતી રીતે જ તેના પર હુમલો કરનારનું ધ્યાન ખેંચ્યું હતું કેમ કે તે નિયમિતપણે કનાન ‘દેશની સ્ત્રીઓને મળવા નીકળતી’—જે સ્ત્રીઓ અવિવેકી હોવા માટે જાણીતી હતી! (ઉત્પત્તિ ૩૪:૧, ૨) એ જ રીતે, આજે, તમે સહકર્મચારીઓ સાથે નિયમિતપણે ગપાટા મારો—કે સાંભળો—જેઓ લંપટ વિષયોની ચર્ચા કરવા જાણીતા હોય તો, કેટલાક એવા નિષ્કર્ષ પર આવી શકે કે તમે પણ જાતીય અડપલાંને પ્રત્યુત્તર આપવા ઇચ્છૂક હશો.
એનો અર્થ એ થતો નથી કે તમારે તમારા સહકર્મચારીઓની ઉપેક્ષા કરવાની છે. પરંતુ વાતચીત અસભ્ય બને તો, તમે શા માટે ત્યાંથી ખસી જતા નથી? રસપ્રદપણે, ઘણા યહોવાહના સાક્ષીઓને લાગ્યું છે કે ઉચ્ચ નૈતિક ધોરણોવાળી પ્રતિષ્ઠા પજવણીથી રક્ષણ આપે છે.—૧ પીતર ૨:૧૨.
૪. તડજોડ કરતા સંજોગો ટાળો. બાઇબલ કહે છે કે કઈ રીતે આમ્નોન નામના એક યુવકે તામાર નામની યુવતી સાથે એકલા રહેવાની યુક્તિ કરી જેથી તે તેનો જાતીય રીતે ગેરલાભ ઉઠાવી શકે. (૨ શમૂએલ ૧૩:૧-૧૪) આજે પજવણી કરનારા એ જ રીતે વર્તી કદાચ પોતાથી ઊતરતા દરજ્જાની વ્યક્તિને આલ્કોહોલયુક્ત પીણા માટે આમંત્રણ આપી શકે કે કોઈ દેખીતા કારણો વગર નોકરી પછીના સમયે કામ પર રહેવાનું કહી શકે. એવા આમંત્રણોથી સાવધ રહો! બાઇબલ કહે છે: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે.”—નીતિવચન ૨૨:૩.
તમારી પજવણી કરવામાં આવી હોય તો
અલબત્ત, સ્ત્રી દોષરહિત રીતે વર્તે ત્યારે પણ કેટલાક માણસો અયોગ્ય વર્તણૂક કરશે. તમે એવી વર્તણૂકના નિશાન બન્યા હોય તો, તમારે કઈ રીતે પ્રત્યાઘાત પાડવો જોઈએ? કેટલાકે ભલામણ કરી છે કે ફક્ત વ્યાકુળ થયા વગર એનો સામનો કરવો! ‘ઓફિસમાં આચરવામાં આવતી જાતીયતા જીવનને મઝેદાર બનાવે છે!’ એક સ્ત્રી કહે છે. જોકે, એવા અયોગ્ય ધ્યાનને રમૂજ કે ખુશામત ગણવાને બદલે, સાચા ખ્રિસ્તીઓ એની નફરત કરે છે. તેઓ ‘ભૂંડું છે તેને ધિક્કારે છે’ અને સમજે છે કે એવી વર્તણૂકનો ઇરાદો સામાન્યપણે કોઈકને જાતીય અનૈતિકતામાં લલચાવવાનો હોય છે. (રૂમી ૧૨:૯; સરખાવો ૨ તીમોથી ૩:૬, ૭.) ઓછામાં ઓછું તો, હલકટ વર્તણૂક ખ્રિસ્તી પ્રતિષ્ઠાનું અપમાન છે. (સરખાવો ૧ થેસ્સાલોનીકી ૪:૭, ૮.) તમે એવા સંજોગો કઈ રીતે હાથ ધરી શકો?
૧. મક્કમ રહો! બાઇબલ આપણને કહે છે કે દેવનું ભય રાખનાર યુસફ નામના માણસે કઈ રીતે અનૈતિક પ્રસ્તાવનો પ્રત્યુત્તર વાળ્યો: “અને ત્યાર પછી એમ થયું, કે તેના ધણીની સ્ત્રીએ યુસફ પર કુદૃષ્ટિ કરી; અને તેને કહ્યું, મારી સાથે સૂ.” શું યુસફે માત્ર તેના પ્રસ્તાવને અવગણ્યો, એવી આશા રાખીને કે કોયડો આપમેળે જ જતો રહેશે? એથી તદ્દન ભિન્ન! બાઇબલ કહે છે કે તેણે આમ કહીને તેના પ્રસ્તાવનો મક્કમપણે નકાર કર્યો: “એવું મોટું કુકર્મ કરીને, હું દેવનો અપરાધી કેમ થાઉં?”—ઉત્પત્તિ ૩૯:૭-૯.
યુસફનું પગલું પુરુષો અને સ્ત્રીઓ બન્ને માટે સારું ઉદાહરણ બેસાડે છે. બીભત્સ વાણી કે આક્રમક વર્તનને અવગણવાથી—કે એથી ખરાબ, એનાથી ભયભીત થઈ જવાથી—એ ભાગ્યે જ બંધ થશે; જ્યારે કે બીક કે સંકોચ એને વધારી શકે! બળાત્કાર નિષેધના સલાહકાર માર્થા લેગલન ચેતવણી આપે છે કે બળાત્કાર કરનાર અવારનવાર જાતીય પજવણીનો ઉપયોગ “સ્ત્રી હુમલાનો પ્રતિકાર કરશે કે નહિ એની શક્યતા માપવા કરે છે; જ્યારે તેને પજવવામાં આવે અને તે શાંત રહે કે ભયભીત થઈ જાય તો, તેઓ ધારતા હોય છે કે તેના પર હુમલો થશે ત્યારે, તે શાંત અને ભયભીત બની જશે.” તેથી એ કટોકટીની બાબત છે કે તમે પજવણીના પ્રથમ ચિહ્ન વખતે જ મક્કમ રહો. એક લેખક યાદ કરાવે છે: “પજવણી કરનારને અપમાનજનક વર્તન બંધ કરવા તરત જ અને સ્પષ્ટપણે કહેવું ઘણી વાર પૂરતું હોય છે.”
૨. તમારું બોલવું નાનું ના હોય! ઈસુએ પહાડ પરના પોતાના ઉપદેશમાં એમ કહ્યું. (માત્થી ૫:૩૭) તેમનું કથન આ સંજોગો માટે યોગ્ય છે કેમ કે પજવણી કરનાર ઘણી વાર ઘણાં જ આગ્રહી હોય છે. તમારે કેટલા મક્કમ રહેવાની જરૂર છે? એ સંજોગો તથા પજવણી કરનારના પ્રત્યાઘાત પર આધારિત છે. તે તમારું સ્થાન સમજે માટે જરૂરી મક્કમતા વાપરો. કેટલાક કિસ્સાઓમાં, સ્વસ્થ અવાજમાં સાદું, સ્પષ્ટ વાક્ય પૂરતું થઈ રહેશે. આંખ મિલાવો. નિષ્ણાતો નીચે મુજબનાં સૂચન આપે છે: (અ) તમારી લાગણીઓ જણાવો. (“મને જરાયે ગમતું નથી જ્યારે તમે . . .”) (બ) અપમાનજનક વર્તનનું વિશિષ્ટપણે નામ લો. (“. . . જ્યારે તમે અણઘડ, અધમ ભાષા વાપરો છો . . .”) (ક) સ્પષ્ટ કરો કે તમે શું ઇચ્છો છો જે એ વ્યક્તિ કરે. (“હું ઇચ્છું છું કે તમે મારી સાથે એ રીતે વાત કરવાનું બંધ કરો!”)
“તેમ છતાં, કોઈ પણ સંજોગોમાં,” લેગલન ચેતવણી આપે છે, “મોઢામોઢની બોલાચાલી આક્રમણમાં ફેરવાવી ન જોઈએ. પ્રત્યાક્રમણ (અપમાન, ધમકી, અને ગાળાગાળીનો ઉપયોગ કરવો, મુક્કા મારવા, પજવણી કરનાર પર થૂંકવું) અર્થહીન છે. શાબ્દિક હિંસા ભયજનક છે, અને શારીરિક હુમલો કરવામાં આવ્યો હોય જે સ્વરક્ષણ જરૂરી બનાવે એ સિવાય શારીરિક હિંસાનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી.” એવી વ્યવહારુ સલાહ રૂમી ૧૨:૧૭ના બાઇબલના શબ્દોને મળતી આવે છે: “ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો.”
પજવણી બંધ કરવાના તમારા સખત પ્રયત્નો છતાં એ ચાલુ રહે તો શું? કેટલીક કંપનીઓએ જાતીય પજવણીનો સામનો કરવાની કાર્યવાહી ઠેરવી છે. ઘણી વાર માત્ર કંપનીની કાર્યવાહી શરૂ કરવાની ધમકીથી જ પજવણી કરનાર તમને એમ કરવાનું છોડી દેશે. તેમ છતાં, એમ ન પણ થઈ શકે. કહેતા દુ:ખ થાય છે કે, સહાનુભૂતિવાળો સુપરવાઈઝર મળવો એ કંઈ સ્ત્રીઓ કે પુરુષો માટે હંમેશા સરળ બાબત નથી. ગ્લેન કહે છે કે સ્ત્રી કર્મચારીએ તેની પજવણી કરી ત્યારે, તેણે ફરિયાદ કરવા પ્રયત્ન કર્યો. તે યાદ કરે છે: “મેં મારા શેઠને એ વિષે કહ્યું ત્યારે, મને જરા પણ મદદ ન મળી. હકીકતમાં, તેને લાગ્યું કે એ આનંદની બાબત હતી. મારે એ સ્ત્રીથી સાવધ રહેવું પડ્યું અને તેને ટાળવા ખાસ પ્રયત્ન આદર્યો.”
કેટલાકે કાયદાકીય પગલાં લીધાં છે. પરંતુ તમે સમાચાર માધ્યમોમાં વાંચો છો એ અદાલતનાં મોટાં ન્યાયકરણો સામાન્ય હોતાં નથી. બીજી તર્ફે, પુસ્તક ટોકિંગ બેક ટુ સેક્સ્યુઅલ પ્રેસર ચેતવણી આપે છે: “પજવણી વિરુદ્ધનો કાયદાકીય ઇલાજ અસાધારણ લાગણીમય શક્તિ અને સમય જરૂરી બનાવે છે; એ શારીરિક તેમ જ માનસિક દબાણમાં પરિણમે છે.” સારા કારણોસર બાઇબલ ચેતવણી આપે છે: “દાવામાં જલદી ઊતરી ન પડ.” (નીતિવચન ૨૫:૮) કાયદાકીય પગલાંનો લાગણીમય અને આત્મિક ખર્ચ ગણ્યા પછી, કેટલાકે બીજી નોકરી શોધવાનું પસંદ કર્યું છે.
પજવણીનો અંત
જાતીય પજવણી કંઈ નવી નથી. એ અપૂર્ણ, પ્રપંચી, લોભી માનવ હૃદયની જેમ જ વિશ્વવ્યાપી છે. પંચ કે અદાલતના કિસ્સાઓ કદી પણ સમાજમાંથી જાતીય પજવણીને દૂર કરવા પામશે નહિ. જાતીય પજવણી દૂર કરવા લોકોમાં પ્રાથમિકપણે હૃદયનું બદલાણ જરૂરી છે.
આજે, આખા જગત ફરતેના લોકોમાં દેવનો શબ્દ તથા તેમનો આત્મા એવા બદલાણની અસર પાડે છે. યશાયાહ પ્રબોધકે ભાખ્યું તેમ, વરૂ અને સિંહ જાણે કે ઘેટાં અને વાછરડાંની જેમ વર્તન કરવાનું શીખ્યા છે. (યશાયાહ ૧૧:૬-૯) યહોવાહના સાક્ષીઓ દર વર્ષે અગાઉના હજારો ‘વરૂઓ’ જેવા લોકો સાથે બાઇબલનો અભ્યાસ કરીને, ઘર કરી ગયેલા, કાયમી બની ચૂકેલા વ્યક્તિત્વમાં બદલાણો લાવવા મદદ કરે છે. એ લોકો “તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો” એ શાસ્ત્રીય આજ્ઞા પાળે છે અને એને “નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાએલું છે” એનાથી બદલે છે.—એફેસી ૪:૨૨-૨૪.
એક દિવસ પૃથ્વી બાઇબલ ધોરણોને વળગી રહેતા પુરુષો અને સ્ત્રીઓથી ભરાય જશે. દેવનું ભય રાખનારા લોકો એ દિવસની આતુરતાપૂર્વક રાહ જુએ છે, જ્યારે દરેક પ્રકારના દુર્વ્યવહારનો અંત આવશે. ત્યાં સુધી, તેઓ આજની કડવી હકીકતોનો બની શકે એટલી સારી રીતે સામનો કરે છે. (g96 5/22)
“શું તમે તમારા મમ્મી, બહેન, કે દીકરી એ વાણી સાંભળે એવું ઇચ્છશો?”
ધંધામય વ્યવહાર અને વિનયી પોષાક પજવણીથી રક્ષણ આપવા ઘણું કરી શકે
આજે સાચા ખ્રિસ્તીઓ એકબીજા સાથે આદરપૂર્ણ વ્યવહાર રાખવાનું શીખે છે