ઈબ્રાહીમ કોણ હતા?
દુનિયાના ધર્મો પર અમુક માણસોની બહુ મોટી અરસ થઈ છે. ઈબ્રાહીમ એમાંના એક હતા.a ખ્રિસ્તી, મુસ્લિમ અને યહુદી ધર્મમાં તેમનું ખૂબ જ માન છે. શરૂઆતથી ઈબ્રાહીમને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા હતી. એટલે જ બાઇબલ તેમને ‘વિશ્વાસીઓના પૂર્વજ’ કહે છે.—રોમનો ૪:૧૧.
લોકો કેમ ઈબ્રાહીમને માન આપે છે? એક કારણ એ છે કે બાઇબલમાં ફક્ત તેમને જ ખુદ ઈશ્વરે પોતાના મિત્ર કહ્યા છે. અરે, એક વાર નહિ પણ ત્રણ વાર!—૨ કાળવૃત્તાંત ૨૦:૭; યશાયા ૪૧:૮; યાકૂબ ૨:૨૩.
ઈબ્રાહીમ આપણા જેવા જ સામાન્ય માણસ હતા. આજે આપણે અનેક મુશ્કેલીઓ સહેવી પડે છે તેમ તેમણે પણ સહી હતી. તેમણે એ કઈ રીતે સહી હતી, એ શું તમને જાણવું છે? ચાલો જોઈએ કે બાઇબલ તેમના વિષે શું કહે છે.
તેમની ઓળખ
ઈસવીસન પૂર્વે ૨૦૧૮માં ઈબ્રાહીમનો જન્મ થયો હતો. તે ઉર શહેરમાં મોટા થયા હતા. (ઉત્પત્તિ ૧૧:૨૭-૩૧) ઉર સમૃદ્ધ શહેર હતું. ત્યાંના લોકો મૂર્તિપૂજામાં ડૂબેલા હતા. કદાચ ઈબ્રાહીમના પિતા તેરાહ પણ અનેક દેવ-દેવીઓની મૂર્તિપૂજા કરતા હોઈ શકે. (યહોશુઆ ૨૪:૨) જ્યારે કે ઈબ્રાહીમે એવી મૂર્તિઓની ભક્તિ કરવાને બદલે ફક્ત યહોવાનેb ભજવાનું પસંદ કર્યું.
ઈબ્રાહીમે શાને લીધે એવો નિર્ણય લીધો? નુહના દીકરા શેમ ગુજરી ગયા એના ૧૫૦ વર્ષ પહેલાં ઈબ્રાહીમનો જન્મ થયો હતો. જો તેઓએ એકબીજાની સંગત રાખી હોય, તો એની ઈબ્રાહીમ પર કેવી અસર થઈ હશે એનો વિચાર કરો! બની શકે કે ખુદ શેમ પાસેથી ઈબ્રાહીમે સાંભળ્યું હશે કે જળપ્રલયમાંથી બચવા તેમના કુટુંબે શું કર્યું. તેમ જ, યહોવાએ તેઓને કેવી રીતે બચાવ્યા. એટલે યહોવા ઈશ્વરને ભજવાનું મહત્ત્વ ઈબ્રાહીમ સમજી શક્યા.
ભલેને ઈબ્રાહીમ બીજી કોઈ રીતે કે શેમ પાસેથી સાચા ઈશ્વર વિષે શીખ્યા હોય. પણ એ પછી તેમણે તન-મનથી યહોવાની જ ભક્તિ કરી. બાઇબલ કહે છે કે યહોવા સર્વનાં ‘દિલ પારખે’ છે. યહોવાને ઈબ્રાહીમના દિલમાં સારી બાબતો જોવા મળી. એટલે તેમને હજુ વધારે સારા વ્યક્તિ બનવા યહોવાએ મદદ કરી.—નીતિવચનો ૧૭:૩; ૨ કાળવૃત્તાંત ૧૬:૯.
તેમનું જીવન
ઈબ્રાહીમ લાંબું જીવ્યા. તેમના જીવનમાં અનેક ચડતી-પડતી આવી હતી. એમાંનો એક પ્રસંગ તો સૌથી અઘરો હતો. તોય તે જીવનથી કંટાળ્યા નહિ. ચાલો, તેમના જીવનની ઝલક જોઈએ.
▪ ઈબ્રાહીમ ઉર શહેરમાં રહેતા હતા ત્યારે, યહોવાએ તેમને કહ્યું કે ‘પોતાની જન્મભૂમિ છોડીને જે દેશ હું તને દેખાડું એમાં જઈને રહે.’ જોકે ઈબ્રાહીમ અને સારાહ જાણતા ન હતા કે તેઓએ ક્યાં જવાનું છે અને યહોવાએ કેમ તેઓને પોતાનું શહેર છોડવાનું કહ્યું. તોપણ, તેઓએ ઈશ્વરની આજ્ઞા માની. આમ ઈબ્રાહીમ અને સારાહ કનાન દેશમાં આવીને તંબૂમાં રહેવા લાગ્યા. આખું જીવન પરદેશી તરીકે રહ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૭:૨, ૩; હિબ્રૂ ૧૧:૮, ૯, ૧૩.
▪ ઈબ્રાહીમ અને સારાહને કોઈ બાળકો ન હતાં ત્યારે, યહોવાએ તેઓને આ વચન આપ્યું: ‘તારા વંશમાંથી મોટી પ્રજા બનશે. તેમ જ તારે લીધે પૃથ્વીનાં સર્વ કુટુંબો આશીર્વાદ પામશે.’ (ઉત્પત્તિ ૧૧:૩૦; ૧૨:૧-૩) સમય જતા, યહોવાએ ફરીથી તેમને એ વચન યાદ કરાવ્યું કે ‘તારો વંશ આકાશના તારાની જેમ અગણિત થશે.’—ઉત્પત્તિ ૧૫:૫, ૬.
▪ ઈબ્રાહીમ ૯૯ વર્ષના અને સારાહ નેવુંએક વર્ષના હતા, ત્યારે યહોવાએ વચન આપ્યું કે તેઓને દીકરો થશે. જોકે, મનુષ્યની નજરે એ અશક્ય હતું. પણ, થોડા જ સમયમાં ઈબ્રાહીમ અને સારાહને સમજાય છે કે ‘યહોવા માટે કંઈ અશક્ય નથી.’ (ઉત્પત્તિ ૧૮:૧૪) એક વર્ષ પછી, ઈબ્રાહીમ સો વર્ષના હતા ત્યારે તેમના ઘરે દીકરાનો જન્મ થયો. તેઓએ તેનું નામ ઈસ્હાક પાડ્યું. (ઉત્પત્તિ ૧૭:૨૧; ૨૧:૧-૫) યહોવાએ વચન આપ્યું હતું કે ઈસ્હાક દ્વારા સર્વ મનુષ્ય પર મોટા આશીર્વાદો આવશે.
▪ અમુક વર્ષો પછી યહોવાએ ઈબ્રાહીમ પાસે અસામાન્ય અરજ કરી. તેમણે ઈબ્રાહીમને પોતાના વહાલા દીકરા ઈસ્હાકની કુરબાની આપવા કહ્યું. અરે હજી તો ઈસ્હાક પરણ્યો નʼતો. તેને કોઈ બાળક પણ નʼતું. એ જાણીને ઈબ્રાહીમને ખૂબ જ દુઃખ થયું હશે. તોપણ યહોવાના કહ્યા પ્રમાણે ઈસ્હાકની કુરબાની આપવા ઈબ્રાહીમ તૈયાર થયા. ઈબ્રાહીમને પૂરી ખાતરી હતી કે જો ઈસ્હાક મરી જાય તોપણ યહોવા તેને સજીવન કરશે. યહોવા પોતાનું વચન પૂરું કરવા ગમે તે કરી શકે છે. (હિબ્રૂ ૧૧:૧૯) ઈબ્રાહીમ પોતાના દીકરા ઈસ્હાકને કુરબાન કરવાની અણીએ જ હતા, ત્યારે યહોવાએ તેમને અટકાવ્યા. આમ ઈસ્હાકનું જીવન બચી ગયું. ઈબ્રાહીમની શ્રદ્ધાની યહોવાએ પ્રશંસા કરી. તેમને શરૂઆતમાં આપેલું વચન યહોવાએ ફરીથી યાદ અપાવ્યું.—ઉત્પત્તિ ૨૨:૧-૧૮.
▪ ઈબ્રાહીમ ૧૭૫ વર્ષની ઉંમરે ગુજરી ગયા. બાઇબલ કહે છે કે તે ‘ઘરડા તથા પાકી વયના થઈને મરણ પામ્યા.’ (ઉત્પત્તિ ૨૫:૭, ૮) આમ ઈબ્રાહીમ માટે યહોવાએ આપેલું વચન સાચું પડ્યું: તે લાંબું જીવ્યા અને શાંતિથી ગુજરી ગયા.—ઉત્પત્તિ ૧૫:૧૫.
તેમનો વારસો
ઈબ્રાહીમ એક ધાર્મિક કે ઐતિહાસિક વ્યક્તિ કરતાં પણ કંઈક વધારે હતા. આજે પણ આપણે તેમના જીવનમાંથી ઘણું શીખી શકીએ છીએ. (હિબ્રૂ ૧૧:૮-૧૦, ૧૭-૧૯) ચાલો આપણે ઈબ્રાહીમના ચાર ગુણો તપાસીએ. એમાંનો એક છે વિશ્વાસ. (w12-E 01/01)
[ફુટનોટ્સ]
a ઈબ્રાહીમનું મૂળ નામ ઈબ્રામ અને તેમની પત્નીનું સારાય હતું. સમય જતાં, ઈશ્વરે તેઓનું નામ બદલાવ્યું: ‘ઈબ્રામʼમાંથી ઈબ્રાહીમ કર્યું, જેનો અર્થ થાય “ઘણી દેશજાતિઓનો પૂર્વજ.” ‘સારાયʼમાંથી સારાહ, જેનો અર્થ થાય “રાજકુમારી.” (ઉત્પત્તિ ૧૭:૫, ૧૫) સરળતા ખાતર આ લેખોમાં ઈબ્રાહીમ અને સારાહ નામ વાપરવામાં આવ્યા છે.
b બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ “યહોવા” છે.
[પાન ૪ બોક્સ]
બાઇબલના ઇતિહાસમાં એક મહત્ત્વની વ્યક્તિ
બાઇબલનું પ્રથમ પુસ્તક ઉત્પત્તિ છે. એના પહેલા દસ અધ્યાયમાં અમુક ઈશ્વર ભક્તોના જીવન વિષે જણાવવામાં આવ્યું છે. જેમ કે હાબેલ, હનોખ અને નુહ. એ પછીના ૧૫ અધ્યાય મોટા ભાગે ઈબ્રાહીમ વિષે જ વાત કરે છે.
બાઇબલના અમુક સૌથી મહત્ત્વના વિચારો ઈબ્રાહીમની જીવન કહાની સાથે જોડાએલાં છે. દાખલા તરીકે, . . .
▪ પહેલી વાર ઉલ્લેખ થયો છે કે ઈશ્વર ઢાલ જેવા છે અને પોતાના ભક્તોનું રક્ષણ કરનારા છે.—ઉત્પત્તિ ૧૫:૧; પુનર્નિયમ ૩૩:૨૯; ગીતશાસ્ત્ર ૧૧૫:૯; નીતિવચનો ૩૦:૫.
▪ પ્રથમ વાર કહેવામાં આવે છે કે ઈશ્વરમાં વિશ્વાસ મૂકવો જોઈએ.—ઉત્પત્તિ ૧૫:૬.
▪ પહેલી વાર પ્રબોધક શબ્દનો જોવા મળે છે.—ઉત્પત્તિ ૨૦:૭.
▪ પ્રથમ વાર માબાપના પ્રેમનો ઉલ્લેખ થયો છે.—ઉત્પત્તિ ૨૨:૨.