Mary_Ukraine/stock.adobe.com
જુઓ, શું બની રહ્યું છે!
લોકોનો નેતાઓ પરથી ભરોસો ઓછો થઈ રહ્યો છે—બાઇબલ શું કહે છે?
૨૦૨૪નું વર્ષ એક રીતે અજોડ છે, કેમ કે દુનિયાના ઘણા બધા દેશોમાં આ વર્ષે ચૂંટણી છે. પણ જોવા મળ્યું છે કે મોટા ભાગના લોકોનો નેતાઓ પરથી ભરોસો ઓછો થઈ રહ્યો છે.
અમેરિકામાં એક સર્વે કરવામાં આવ્યો. એ સર્વેમાં મોટા ભાગના લોકોએ કહ્યું, ઘણા બધા નેતાઓ પ્રજાની સેવા કરવાને બદલે “ફક્ત પોતાનો જ ફાયદો જુએ છે.”a—પ્યૂ રિસર્ચ સેન્ટર, ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૩.
ઘણા યુવાનો પણ નેતાઓ પર ભરોસો નથી કરતા.
“આજના તરુણો પણ મુશ્કેલીઓને લીધે ચિંતામાં છે અને ચાહે છે કે એનો કોઈ હલ લાવે. પણ અલગ અલગ સર્વેમાં તેઓએ કહ્યું કે નેતાઓને મુશ્કેલીઓનો હલ લાવવાની કંઈ જ પડી નથી.”—ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ, ૨૯ જાન્યુઆરી, ૨૦૨૪.
“એક સર્વેમાં જણાવ્યું છે કે યુવાનો, નેતાઓને બદલે યુટ્યુબ પર વીડિયો મૂકનારાઓ પર વધારે ભરોસો કરે છે.”—ધ કોરિયા ટાઇમ્સ, ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪.
શું નેતાઓ પર એવો ભરોસો કરી શકીએ કે તેઓ આપણું ભાવિ સારું કરશે? શું એવી કોઈ વ્યક્તિ છે જેના પર આપણે ભરોસો કરી શકીએ?
સમજી-વિચારીને ભરોસો કરીએ
લોકો સાચું જ કહે છે કે કોઈના પર ભરોસો કરતાં પહેલાં બે વાર વિચારવું જોઈએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખ્યું છે, “ભોળો માણસ દરેક શબ્દ ખરો માની લે છે, પણ ચતુર માણસ દરેક પગલું સમજી-વિચારીને ભરે છે.”—નીતિવચનો ૧૪:૧૫.
કઈ માહિતી સાચી છે ને કઈ ખોટી એ કઈ રીતે નક્કી કરીએ? એ માટે આ લેખ જુઓ: “ગલત જાનકારી સે બચકર રહિએ!”
એટલું જ નહિ, અમુક નેતાઓ પ્રમાણિક છે ને તેઓનો ઇરાદો પણ સારો છે. તોપણ તેઓ જે ચાહે છે એ બધું કરી શકતા નથી. એટલે બાઇબલમાં ચેતવણી આપી છે:
“શાસકોમાં ભરોસો ન રાખ, માણસોમાં પણ નહિ, કેમ કે તેઓ ઉદ્ધાર કરી શકતા નથી,” અથવા બચાવી શકતા નથી.—ગીતશાસ્ત્ર ૧૪૬:૩.
એક એવા નેતા જેના પર તમે ભરોસો કરી શકો
બાઇબલમાં જણાવ્યું છે કે ઈશ્વરે એકદમ યોગ્ય અને ભરોસો કરી શકાય એવા નેતાને પસંદ કર્યા છે. તે ઈસુ ખ્રિસ્ત છે. (લૂક ૧:૩૨, ૩૩) ઈશ્વરે તેમને પોતાના રાજ્યના રાજા બનાવ્યા છે. ઈશ્વરનું રાજ્ય એક એવી સરકાર છે, જે સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરશે.—માથ્થી ૬:૧૦.
તમે કેમ ઈસુ પર ભરોસો મૂકી શકો છો અને તે કઈ રીતે આપણી બધી મુશ્કેલીઓનો હલ લાવશે, એ જાણવા આ લેખો જુઓ: “ઈશ્વરે કોને રાજા તરીકે પસંદ કર્યા છે?” અને “ઈશ્વરનું રાજ્ય શું કરશે?”
a પ્યૂ રિસર્ચ સેન્ટર, “અમેરિકન્સ ડિસમલ વ્યૂસ ઑફ ધ નેશન્સ પોલિટિક્સ,” સપ્ટેમ્બર, ૨૦૨૩.