Francesco Carta fotografo/Moment via Getty Images
એકલતા, એક વધતી જતી બીમારી—બાઇબલ શું કહે છે?
તાજેતરમાં દુનિયાના અલગ અલગ વિસ્તારોમાં એક સર્વે કરવામાં આવ્યો.a એ સર્વેથી જાણવા મળ્યું કે દર ચારમાંથી એક વ્યક્તિને એકલું એકલું લાગે છે.
“તમે ગમે ત્યાં રહેતા હોવ, કોઈ પણ ઉંમરના હોવ તોપણ તમને એકલતા લાગી શકે.”—વિશ્વ આરોગ્ય સંસ્થાના સામાજિક સંપર્ક આયોગના સહાયક અધ્યક્ષ, ચિડો મિપેંબા.
ઘણાને લાગે છે કે જેઓ મોટી ઉંમરના છે કે એકલા રહે છે ફક્ત તેઓને જ એકલતા સતાવે છે, પણ એ સાચું નથી. એકલતાનો શિકાર કોઈ પણ વ્યક્તિ થઈ શકે છે. ભલે તે યુવાન હોય, તંદુરસ્ત હોય, જીવનમાં સફળ થયેલી હોય કે પરણેલી હોય. જો કોઈ વ્યક્તિ લોકો સાથે હળે-મળે નહિ કે એકલી રહે તો એની ખરાબ અસર તેના શરીર અને દિલ પર થાય છે.
અમેરિકાના સર્જન જનરલ ડૉ. વિવેક મૂર્તિ જણાવે છે, “એકલતા મહેસૂસ કરવી એ એક ખરાબ લાગણી કરતાં પણ કંઈક વધારે છે. એ લાગણી વ્યક્તિ માટે એક દિવસમાં ૧૫ સિગારેટ પીવા જેટલી ખતરનાક છે.”
બાઇબલ શું કહે છે?
આપણા સરજનહાર નથી ચાહતા કે આપણે એકલા રહીએ. શરૂઆતથી જ ઈશ્વરની ઇચ્છા હતી કે માણસો એકબીજા સાથે દોસ્તી કરીને ખુશ રહે.
બાઇબલ સિદ્ધાંત: “ઈશ્વરે કહ્યું: ‘માણસ એકલો રહે એ સારું નથી.’”—ઉત્પત્તિ ૨:૧૮.
ઈશ્વર ચાહે છે કે આપણે તેમની સાથે દોસ્તી કરીએ. ઈશ્વરે વચન આપ્યું છે કે જ્યારે આપણે તેમની નજીક જવા પ્રયત્ન કરીશું, ત્યારે તે પણ આપણી નજીક આવશે.—યાકૂબ ૪:૮.
બાઇબલ સિદ્ધાંત: “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે, કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.”—માથ્થી ૫:૩.
ઈશ્વર ચાહે છે કે આપણે બીજાઓ સાથે ભેગા મળીને તેમની ભક્તિ કરીએ. જો આપણે એવું કરીશું, તો આપણને એકલું એકલું નહિ લાગે.
બાઇબલ સિદ્ધાંત: ‘પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન મળે એ માટે ચાલો આપણે એકબીજાનો દિલથી વિચાર કરીએ. ભેગા મળવાનું છોડી ન દઈએ. પણ એકબીજાને ઉત્તેજન આપતા રહીએ.’—હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫.
એકલતા સામે લડવું કેમ જરૂરી છે, એ વિશે વધારે જાણવા આ લેખ જુઓ “એકલતાનો સામનો કઈ રીતે કરવો?”
a The Global State of Social Connections, by Meta and Gallup, 2023.