અભ્યાસ લેખ ૩૫
ગીત ૫૨ દિલની સંભાળ રાખીએ
ખોટી ઇચ્છાઓ સામે જીત મેળવીએ
“પાપને તમારાં નાશવંત શરીરો પર રાજ કરવા ન દો, નહિતર તમે શરીરની ઇચ્છાના ગુલામ બની જશો.”—રોમ. ૬:૧૨.
આપણે શું શીખીશું?
ખોટી ઇચ્છાઓ જાગે ત્યારે નિરાશ ન થઈ જવા શાનાથી મદદ મળશે? આપણે કઈ રીતે લાલચ સામે લડવાનું શીખી શકીએ?
૧. આપણા બધા લોકોમાં કઈ વાત સરખી છે?
શું તમારા મનમાં કદી પણ એવું કોઈ કામ કરવાની જબરજસ્ત ઇચ્છા જાગી છે, જેને યહોવા ધિક્કારે છે? જો એમ હોય તો એવું વિચારી ન લેતા કે તમારા પર બીજાઓ કરતાં મોટી કસોટી આવી છે. બાઇબલમાં લખ્યું છે: “તમારા પર જેવી કસોટીઓ આવે છે, એવી બધા લોકો પર આવે છે.” (૧ કોરીં. ૧૦:૧૩)a એનો અર્થ થાય કે તમે જે ખોટી ઇચ્છા સામે લડી રહ્યા છો, બીજાઓ પણ એવી જ ઇચ્છા સામે લડી રહ્યા છે. તમે એકલા નથી, યહોવાની મદદથી તમે જીતી શકો છો.
૨. અમુક ભાઈ-બહેનો અને બાઇબલ વિદ્યાર્થીઓ કેવી ખોટી ઇચ્છાઓ સામે લડતા હોય શકે? (ચિત્રો પણ જુઓ.)
૨ બાઇબલમાં એમ પણ લખ્યું છે: “દરેક માણસ પોતાની ઇચ્છાઓથી લલચાય છે અને કસોટીમાં ફસાય છે.” (યાકૂ. ૧:૧૪) એક વ્યક્તિ જે ઇચ્છાથી લલચાતી હોય, એ બીજી વ્યક્તિ કરતાં અલગ હોય શકે છે. દાખલા તરીકે, અમુક ભાઈ-બહેનોને કદાચ વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથે વ્યભિચાર કરવાની લાલચ જાગે. બીજા અમુકને સજાતીય સંબંધ બાંધવાની લાલચ જાગે. જેઓએ પોર્નોગ્રાફી જોવાનું છોડી દીધું છે, તેઓને કદાચ ફરીથી એ જોવાની તીવ્ર ઇચ્છા થાય. જેઓએ ડ્રગ્સ લેવાનું કે વધારે પડતો દારૂ પીવાનું છોડી દીધું છે, તેઓને કદાચ એ જ આદત તરફ પાછા ફરવાનું મન થાય. આ એવી અમુક ખોટી ઇચ્છાઓ છે, જેની સામે અમુક ભાઈ-બહેનો અને બાઇબલ વિદ્યાર્થીઓ લડી રહ્યા છે. જીવનની કોઈક પળે આપણને બધાને પ્રેરિત પાઉલ જેવું લાગ્યું હશે. તેમણે લખ્યું હતું: “હું સારું કરવા ચાહું છું ત્યારે, મારું દિલ ખરાબ કરવા દોડી જાય છે.”—રોમ. ૭:૨૧.
લાલચ ગમે એ સમયે અને ગમે એ જગ્યાએ આવી શકે છે (ફકરો ૨ જુઓ)d
૩. જો કોઈ ખોટી ઇચ્છા વારંવાર મનમાં જાગતી હોય તો કેવું લાગી શકે?
૩ જો તમારા મનમાં કોઈ ખોટી ઇચ્છા વારંવાર જાગતી હોય, તો કદાચ થાય કે જે ખરું છે એ કરવાની શક્તિ જ બચી નથી. એવો પણ વિચાર આવી શકે કે તમારા મનમાં ખોટી ઇચ્છા જાગી, એટલે તમે યહોવાની કૃપા ગુમાવી બેઠા છો અને આશા વગરના છો. પણ બેમાંથી એકેય વિચાર સાચો નથી. એવું કેમ? એનો જવાબ જાણવા આ લેખમાં આ બે સવાલો પર ચર્ચા કરીશું: (૧) તમારા મનમાં એવા ખોટા વિચારો કેમ આવે છે? (૨) તમે કઈ રીતે ખોટી ઇચ્છાઓ સામે જીતી શકો?
‘શેતાન’ આપણાં મનમાં શું ઠસાવવા માંગે છે?
૪. (ક) શેતાન આપણાં મનમાં શું ઠસાવવા માંગે છે અને કેમ? (ખ) આપણે ખોટી ઇચ્છાઓ સામે લડી શકીએ છીએ એ વાતની કેમ ખાતરી રાખી શકીએ?
૪ શેતાન આપણાં મનમાં ઠસાવવા માંગે છે કે આપણામાં લાલચ સામે લડવાની શક્તિ નથી. ઈસુએ શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું હતું ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે શેતાન આપણને લલચાવશે. ઈસુએ કહ્યું હતું: “અમને મદદ કરો કે કસોટીમાં હાર ન માનીએ અને શેતાનથી અમને બચાવો.” (માથ. ૬:૧૩) શેતાન આપણી વફાદારી પર સવાલ ઉઠાવે છે. તે કહે છે કે લાલચ આવશે ત્યારે આપણે યહોવાનું કહ્યું નહિ કરીએ. (અયૂ. ૨:૪, ૫) પણ જરા વિચારો એવું કોણ કહી રહ્યું છે! આ એ જ શેતાન છે, જે પોતે પોતાની ઇચ્છાથી લલચાઈ ગયો હતો અને યહોવાને વફાદાર રહ્યો ન હતો. તેને કદાચ એવું લાગે છે કે આપણે પણ તેના જેવા છીએ અને લાલચ આવશે ત્યારે યહોવાને તરત છોડી દઈશું. તેણે તો એવું પણ વિચારી લીધું હતું કે તે ઈશ્વરના દીકરાને, જેમનામાં જરાય પાપ નથી તેમને લાલચમાં લપેટી શકે છે. (માથ. ૪:૮, ૯) પણ વિચારો: આપણામાં ખોટી ઇચ્છાઓ સામે લડવાની શક્તિ નથી, એ વાત શું સાચી છે? ના, એવું જરાય નથી. આપણે પ્રેરિત પાઉલના આ શબ્દો સાથે સહમત છીએ: “ઈશ્વર મને બળ આપે છે અને તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.”—ફિલિ. ૪:૧૩.
૫. શાના આધારે કહી શકીએ કે આપણે ખોટી ઇચ્છાઓ સામે લડી શકીએ છીએ એવો યહોવાને ભરોસો છે?
૫ શેતાનથી એકદમ વિરુદ્ધ, યહોવાને પૂરો ભરોસો છે કે આપણે ખોટી ઇચ્છાઓ સામે લડી શકીએ છીએ. એવું શાના આધારે કહી શકીએ? યહોવાએ ભાખ્યું હતું કે એક મોટું ટોળું તેમને વફાદાર રહેશે અને મોટી વિપત્તિમાંથી બચી જશે. એનો શું અર્થ થાય? યહોવા જે કદી જૂઠું બોલી શકતા નથી, તે કહે છે કે અસંખ્ય લોકો નવી દુનિયામાં જશે. એ લોકોએ “પોતાના ઝભ્ભા ઘેટાના લોહીમાં ધોઈને સફેદ કર્યા છે,” એટલે કે યહોવા તેઓને શુદ્ધ ગણે છે. (પ્રકટી. ૭:૯, ૧૩, ૧૪) તો સ્પષ્ટ છે કે યહોવા આપણને કમજોર નથી ગણતા. તે જાણે છે કે આપણે ખોટી ઇચ્છાઓ સામે લડી શકીએ છીએ.
૬-૭. શેતાન આપણાં મનમાં બીજું શું ઠસાવવા માંગે છે?
૬ શેતાન એવું પણ ઠસાવવા માંગે છે કે મનમાં ખોટી ઇચ્છાઓ થાય છે, એટલે આપણી પાસે કોઈ આશા નથી, આપણા પર યહોવાની કૃપા નથી. પણ ફરી એક વખત વિચારો કે કોણ એવું કહી રહ્યું છે! જોવા જઈએ તો શેતાન પાસે કોઈ આશા નથી. યહોવાએ તેનો ન્યાય કરી દીધો છે અને તે હંમેશ માટેના જીવનને લાયક નથી એવું જાહેર કરી દીધું છે. (ઉત. ૩:૧૫; પ્રકટી. ૨૦:૧૦) શેતાનને તો ઈર્ષા થાય છે કે તમારી પાસે હંમેશ માટેના જીવનની આશા છે. એટલે તે તમારા મનમાં શંકાના બી રોપી રહ્યો છે કે તેની જેમ તમે પણ આશા વગરના છો. પણ એ વાતમાં જરાય દમ નથી. બાઇબલથી ખાતરી મળે છે કે યહોવા આપણને દોષિત ગણતા નથી, તે તો આપણને મદદ કરવા માંગે છે. “તે ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.”—૨ પિત. ૩:૯.
૭ જો આપણે માનતા હોઈએ કે આપણામાં ખોટી ઇચ્છાઓ સામે લડવાની શક્તિ નથી અથવા એવી ઇચ્છાઓને લીધે આપણી પાસે આશા નથી, તો હકીકતમાં આપણે શેતાનને જીતાડી રહ્યા છીએ. એ વાત યાદ રાખવાથી શેતાનની સામા થવાનો ઇરાદો વધારે મક્કમ કરી શકીશું.—૧ પિત. ૫:૮, ૯.
પાપી હોવાને લીધે આપણને કેવું લાગી શકે?
૮. પાપમાં સમાવેશ થાય છે? (ગીતશાસ્ત્ર ૫૧:૫) (“શબ્દોની સમજ” પણ જુઓ.)
૮ શેતાન સિવાય એવું બીજું પણ કંઈક છે, જેના લીધે આપણને લાગી શકે કે ખોટી ઇચ્છાઓ સામે લડવા આપણામાં શક્તિ નથી અને આપણે આશા વગરના છીએ. એ શું છે? આપણામાં રહેલું પાપ, જે આપણને પ્રથમ માબાપ પાસેથી વારસામાં મળ્યું છે.b—અયૂ. ૧૪:૪; ગીતશાસ્ત્ર ૫૧:૫ વાંચો.
૯-૧૦. (ક) આદમ અને હવા પર પાપની કેવી અસર થઈ? (ચિત્ર પણ જુઓ.) (ખ) આપણા પર પાપની કેવી અસર થાય છે?
૯ ધ્યાન આપો કે આદમ અને હવા પર પાપની કેવી અસર થઈ. યહોવાની આજ્ઞા તોડી એ પછી તેઓ સંતાઈ ગયાં અને તેઓએ પોતાનું શરીર ઢાંકવાની કોશિશ કરી. એ વિશે ઇન્સાઈટ ઑન ધ સ્ક્રીપ્ચર્સ પુસ્તકમાં આમ લખ્યું છે: “પાપને લીધે તેઓનું અંતઃકરણ ડંખ્યું, તેઓ પરેશાન થઈ ગયાં, તેઓને ભાવિની ચિંતા સતાવવા લાગી, તેઓને શરમ આવી.” એ તો એવું હતું કે જાણે આદમ અને હવા ચાર ઓરડાવાળા એક ઘરમાં પૂરાઈ ગયાં હતાં. તેઓ એક ઓરડામાંથી બીજા ઓરડામાં જઈ શકતાં હતાં, પણ એ ઘરની બહાર નીકળી શકતાં ન હતાં. તેઓ પાપના ઘેરામાં એવાં ફસાઈ ગયાં હતાં કે એમાંથી પોતાને આઝાદ કરી શકતાં ન હતાં.
૧૦ ખરું કે આપણી હાલત આદમ અને હવા જેવી નથી. છુટકારાની કિંમતથી તેઓને કંઈ ફાયદો થવાનો નથી. પણ આપણે છુટકારાની કિંમતને લીધે પાપથી શુદ્ધ થઈ શકીએ છીએ અને સાફ અંતઃકરણ રાખી શકીએ છીએ. (૧ કોરીં. ૬:૧૧) જોકે હજી પણ આપણામાં પાપ તો છે જ. એટલે આપણું પણ અંતઃકરણ ડંખે છે, પરેશાન થઈ જઈએ છીએ, ભાવિની ચિંતા સતાવે છે અને શરમ લાગે છે. એવું થાય ત્યારે નવાઈ લાગવી ન જોઈએ. બાઇબલમાં લખ્યું છે કે પાપે આજે પણ માણસજાતને પોતાની પકડમાં રાખી છે. તેણે એવા માણસોને પણ પોતાની પકડમાં રાખ્યા છે, “જેઓએ આદમ જેવું પાપ કર્યું ન હતું.” (રોમ. ૫:૧૪) એ જાણીને કદાચ નિરાશ થઈ જઈએ. પણ એવું વિચારવું ન જોઈએ કે પાપી હોવાને લીધે આપણામાં ખોટી ઇચ્છાઓ સામે લડવાની શક્તિ નથી અને આપણે આશા વગરના છીએ. આપણે એ ખોટી ઇચ્છાઓ સામે લડી શકીએ છીએ. પણ કઈ રીતે?
પાપ કર્યા પછી આદમ-હવાનું અંતઃકરણ ડંખ્યું, તેઓ પરેશાન થયાં, તેઓને ભાવિની ચિંતા સતાવવા લાગી અને શરમ લાગી (ફકરો ૯ જુઓ)
૧૧. જો લાગતું હોય કે આપણામાં ખોટી ઇચ્છાઓ સામે લડવાની શક્તિ નથી, તો શું કરવું જોઈએ અને શા માટે? (રોમનો ૬:૧૨)
૧૧ જ્યારે લાગતું હોય કે ખોટી ઇચ્છાઓ સામે લડવાની શક્તિ નથી, ત્યારે આપણામાં રહેલું પાપ જાણે કહેતું હોય: “તું એ લાલચ સામે નહિ લડી શકે.” એવા સમયે આપણે એ અવાજને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવો જોઈએ. શા માટે? કેમ કે બાઇબલ શીખવે છે કે પાપને આપણા પર ‘રાજ ન કરવા દેવું જોઈએ.’ (રોમનો ૬:૧૨ વાંચો.) એનો અર્થ થાય કે આપણે ખોટી ઇચ્છાઓ પ્રમાણે ન કરવાનો નિર્ણય લઈ શકીએ છીએ. (ગલા. ૫:૧૬) યહોવાને પૂરી ખાતરી છે કે આપણે લાલચ સામે લડી શકીએ છીએ, નહિતર તેમણે એવું કરવાનું કહ્યું ન હોત. (પુન. ૩૦:૧૧-૧૪; રોમ. ૬:૬; ૧ થેસ્સા. ૪:૩) તો સો વાતની એક વાત: આપણામાં ખોટી ઇચ્છાઓ સામે લડવાની શક્તિ નથી, એ વાત સાવ ખોટી છે.
૧૨. જો લાગતું હોય કે આપણે આશા વગરના છીએ, તો શું કરવું જોઈએ અને શા માટે?
૧૨ એવી જ રીતે, જ્યારે લાગતું હોય કે આપણે આશા વગરના છીએ, ત્યારે આપણામાં રહેલું પાપ જાણે કહેતું હોય: “તારા મનમાં ખોટા વિચારો આવ્યા છે, એટલે યહોવા ચોક્કસ તને દોષિત ગણશે.” એવા સમયે પણ આપણે એ અવાજને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવો જોઈએ. શા માટે? કેમ કે બાઇબલ શીખવે છે કે આપણે જન્મથી પાપી છીએ, એ વાત યહોવા સારી રીતે સમજે છે. (ગીત. ૧૦૩:૧૩, ૧૪) યહોવા આપણા વિશે “બધું જાણે છે.” (૧ યોહા. ૩:૧૯, ૨૦) તે એ પણ જાણે છે કે વારસામાં મળેલા પાપની આપણા પર કેવી અસર થઈ છે. એટલે જો ખોટા વિચારો સામે લડીશું અને એ ઇચ્છા પ્રમાણે નહિ કરીએ, તો શુદ્ધ દિલ રાખીને યહોવા આગળ ઊભા રહી શકીશું. આપણે કેમ એવી ખાતરી રાખી શકીએ?
૧૩-૧૪. જો ખોટી ઇચ્છાઓ થાય તો શું એનો એવો અર્થ થાય કે આપણે હારી ગયા છીએ? સમજાવો.
૧૩ બાઇબલથી જોવા મળે છે કે ખોટા ઇચ્છા થવી અને એવી ઇચ્છા પ્રમાણે કામ કરવું, એ બંનેમાં બહુ મોટો ફરક છે. મનમાં ખોટી ઇચ્છાઓ જાગે એના પર આપણે હંમેશાં કાબૂ રાખી શકતા નથી. પણ એ ઇચ્છા પ્રમાણે કરવું કે નહિ એ આપણા કાબૂમાં છે. દાખલા તરીકે, કોરીંથ મંડળનાં અમુક ભાઈ-બહેનો ખ્રિસ્તી બન્યાં એ પહેલાં સજાતીય સંબંધો બાંધતાં હતાં. પાઉલે લખ્યું: “તમારામાંથી અમુક એવા જ હતા.” પણ શું એનો એવો અર્થ થાય કે તેઓને ફરી કદી એવા સંબંધો બાંધવાની ઇચ્છા નહિ થઈ હોય? કદાચ થઈ હશે. કેમ કે એવી ઇચ્છાઓ મનમાં એટલે ઊંડે સુધી ઘર કરી ગઈ હોય છે કે એના પર કાબૂ રાખવો મોટા ભાગે અઘરું હોય છે. પણ જે ખ્રિસ્તીઓએ સંયમ રાખ્યો અને એવી ઇચ્છાઓ પ્રમાણે કામ ન કર્યું, તેઓ પર યહોવાની કૃપા હતી. યહોવાએ તેઓને “શુદ્ધ” ગણ્યા. (૧ કોરીં. ૬:૯-૧૧) તે તમને પણ શુદ્ધ ગણી શકે છે.
૧૪ ભલે તમે કોઈ પણ ખોટી ઇચ્છા સામે લડી રહ્યા હો, તમે એની સામે જીતી શકો છો. જો તમે એને મનમાંથી પૂરેપૂરી રીતે કાઢી ન શકો, તોપણ તમે સંયમ રાખી શકો છો. તેમ જ, ‘શરીરની પાપી ઇચ્છાઓ અને વિચારો પ્રમાણે’ કામ કરવાથી પોતાને રોકી શકો છો. (એફે. ૨:૩) એ માટે કયાં પગલાં ભરી શકો?
લાલચો સામે કઈ રીતે જીતી શકીએ?
૧૫. જો ખોટી ઇચ્છાઓ સામેની લડાઈમાં જીતવું હોય, તો કેમ પૂરી ઈમાનદારીથી દિલમાં ડોકિયું કરવું જોઈએ?
૧૫ ખોટી ઇચ્છાઓ સામેની લડાઈમાં જીતવા પૂરી ઈમાનદારીથી તમારા દિલમાં ડોકિયું કરો અને તમારી કમજોરીઓ સ્વીકારો. “ખોટી દલીલોથી” પોતાને છેતરશો નહિ. (યાકૂ. ૧:૨૨) અમુક લોકો આવાં બહાનાં કાઢીને વિચારે છે કે તેઓની મુશ્કેલી એટલી મોટી નથી: ‘બીજાઓ મારા કરતાં વધારે દારૂ પીએ છે.’ તો અમુક બીજાઓ પર દોષનો ટોપલો ઢોળે છે: ‘જો મારી પત્ની વધારે પ્રેમાળ હોત, તો હું પોર્નોગ્રાફી જોવા લલચાયો ન હોત.’ પણ એવું કરવાથી તમે સહેલાઈથી લાલચમાં ફસાઈ જશો. એટલે ખોટાં કામ કરવા માટે બહાનાં ન શોધશો, મનમાં પણ નહિ. યાદ રાખજો, તમારાં કામ માટે તમે જ જવાબદાર હશો.—ગલા. ૬:૭.
૧૬. જે ખરું છે એ કરવાનો ઇરાદો મક્કમ કરવા તમે શું કરી શકો?
૧૬ પોતાની કમજોરીઓ સ્વીકારવાની સાથે સાથે એ કમજોરીઓ સામે હારી ન જવાનો ઇરાદો પણ મક્કમ કરો. (૧ કોરીં. ૯:૨૬, ૨૭; ૧ થેસ્સા. ૪:૪; ૧ પિત. ૧:૧૫, ૧૬) વિચાર કરો કે જે ખરું છે એ કરવાનો તમારો ઇરાદો ક્યારે અને કઈ વાતને લીધે નબળો પડી જાય છે. એ કદાચ અમુક પ્રકારની લાલચ હોય શકે અથવા દિવસનો કોઈ સમય હોય શકે, જ્યારે તમે સહેલાઈથી ફાંદામાં ફસાઈ શકો. દાખલા તરીકે, શું તમે થાકેલા હો ત્યારે અથવા મોડી રાતે તમારા માટે લાલચનો સામનો કરવો અઘરું છે? આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય. એટલે પહેલેથી પોતાને તૈયાર કરો અને વિચારી રાખો કે એવા સંજોગો ઊભા થશે ત્યારે શું કરશો. લાલચ આવે એના પહેલાં એવું કરવું સૌથી સારું છે.—નીતિ. ૨૨:૩.
૧૭. યૂસફ પાસેથી આપણે શું શીખી શકીએ? (ઉત્પત્તિ ૩૯:૭-૯) (ચિત્રો પણ જુઓ.)
૧૭ યૂસફનો દાખલો લો. પોટીફારની પત્નીએ તેમને લલચાવવાની કોશિશ કરી ત્યારે તેમણે શું કર્યું? તેમણે તરત જ તેને ના પાડી દીધી. (ઉત્પત્તિ ૩૯:૭-૯ વાંચો.) એનાથી શું શીખવા મળે છે? પોટીફારની પત્નીએ યૂસફને લલચાવવાની કોશિશ કરીએ એ પહેલાંથી જ યૂસફ જાણતા હતા કે બીજા માણસની પત્ની સાથે સંબંધ બાંધવો ખોટું છે. તેમણે જે ખરું છે એ કરવાનો પાકો નિર્ણય લીધો હતો. એવી જ રીતે, લાલચ આવે એ પહેલાં તમે પણ યહોવાને ખુશ કરવાનો ઇરાદો મક્કમ કરી શકો. આમ લાલચ આવશે ત્યારે જે ખરું છે એ કરવું સહેલું થઈ જશે, કારણ કે તમે પહેલેથી જ નક્કી કર્યું છે કે એવા સમયે તમે શું કરશો.
યૂસફે કર્યું તેમ લાલચથી તરત જ નાસી જાઓ! (ફકરો ૧૭ જુઓ)
“પરખ કરતા રહો”
૧૮. ખોટા વિચારો સામેની લડાઈ જીતવા તમે બીજું શું કરી શકો? (૨ કોરીંથીઓ ૧૩:૫)
૧૮ ખોટા વિચારો સામેની લડાઈ જીતવા તમારે પોતાની “પરખ” પણ કરતા રહેવું પડશે. એટલે કે નિયમિત રીતે જોતા રહેવું પડશે કે તમે કેવું કરી રહ્યા છો. (૨ કોરીંથીઓ ૧૩:૫ વાંચો.) સમયે સમયે તમારાં વિચારો અને કામોની તપાસ કરો અને જરૂર હોય ત્યાં ફેરફાર કરો. દાખલા તરીકે, ભલે તમે કોઈ લાલચનો સામનો કરવામાં સફળ થયા હો, તોપણ પોતાને પૂછો: ‘ના પાડવામાં મને કેટલી વાર લાગી?’ જો તમને લાગે કે થોડી વધારે વાર લાગી, તો પોતાને દોષ ન આપશો. એને બદલે, બીજી વાર એવું થાય ત્યારે કયાં પગલાં ભરશો એનો વિચાર કરો. તમે પોતાને આવા સવાલો પૂછી શકો: ‘શું હું ખોટા વિચારોને મનમાંથી તરત કાઢી શકું? શું હું જે વાંચું છું, જોઉં છું અને સાંભળું છું, એનાથી મારા માટે લાલચ સામે લડવું અઘરું બને છે? શું હું ગંદાં ચિત્રોથી તરત જ મારી નજર ફેરવી લઉં છું? યહોવાને વફાદાર રહેવા ભલે સંયમનો ગુણ કેળવવા મહેનત કરવી પડે, પણ શું હું સમજું છું કે યહોવાનાં ધોરણો હંમેશાં મારા ભલા માટે છે?’—ગીત. ૧૦૧:૩.
૧૯. આપણને નાના લાગતા હોય એવા ખોટા નિર્ણયોથી કઈ રીતે લાલચ સામે લડવું અઘરું બની શકે?
૧૯ તમારે બહાનાં પણ કાઢવાં ન જોઈએ. બાઇબલમાં લખ્યું છે: “દિલ સૌથી કપટી છે, એ બહુ ઉતાવળું છે.” (યર્મિ. ૧૭:૯) ઈસુએ કહ્યું હતું કે દિલમાંથી “દુષ્ટ વિચારો” નીકળે છે. (માથ. ૧૫:૧૯) ધારો કે, એક વ્યક્તિએ પોર્નોગ્રાફી જોવાનું છોડી દીધું છે. પણ થોડા સમય પછી તેને કદાચ લાગી શકે કે જાતીય ઇચ્છા ભડકાવે એવાં ચિત્રો જોવામાં “વાંધો નહિ આવે.” કેમ કે એમાં લોકોને નગ્ન બતાવવામાં નથી આવતા. અથવા તે કદાચ આવું વિચારે: ‘હું કોઈ ખોટું કામ નથી કરી રહ્યો, એટલે ખોટા વિચારો કરવામાં કોઈ વાંધો નથી.’ એક રીતે એ વ્યક્તિનું કપટી દિલ ‘પાપી ઇચ્છાઓ સંતોષવા યોજનાઓ ઘડી’ રહ્યું છે. (રોમ. ૧૩:૧૪) તમે કઈ રીતે એ જોખમથી દૂર રહી શકો? સાવધ રહો. યાદ રાખો કે નાના નાના નિર્ણયો તમને મોટા પાપ તરફ દોરી જઈ શકે છે.c એટલે પહેલેથી જ ચેતતા રહો. તમને ખોટાં કામ કરવાનું બહાનું મળી જાય એવા ‘દુષ્ટ વિચારોને’ પણ મનમાંથી કાઢી નાખો.
૨૦. આપણે કેવા ભાવિની રાહ જોઈએ છીએ? અત્યારે આપણને કઈ મદદ મળે છે?
૨૦ આ લેખમાં શીખી ગયા તેમ યહોવા આપણને લાલચ સામે લડવાની શક્તિ આપે છે. તેમ જ, છુટકારાની કિંમતને લીધે આપણાં પાપ માફ થઈ શકે છે અને આપણને નવી દુનિયામાં હંમેશ માટે જીવવાની આશા મળે છે. એ સમયે આપણે સાફ મનથી અને દિલથી તેમની ભક્તિ કરી શકીશું. શું એ જાણીને તમને રાહત નથી મળતી? પણ એ સમય આવે ત્યાં સુધી એવો વિચાર મનમાંથી કાઢી નાખીએ કે આપણામાં ખોટી ઇચ્છાઓ સામે લડવાની શક્તિ નથી અથવા આપણે આશા વગરના છીએ. યહોવા આપણી મહેનત પર આશીર્વાદ આપશે અને તેમના સાથથી આપણે આ લડાઈ જીતી જઈશું!
ગીત ૩૨ અડગ રહીએ
a કોમન લેંગ્વેજ બાઇબલમાં એ કલમનું ભાષાંતર આ રીતે થયું છે: “લોકોની સામાન્ય રીતે જે કસોટી થતી હોય છે તે કરતાં તમારી વિશેષ કસોટી નથી.”
b શબ્દોની સમજ: બાઇબલમાં ઘણી વાર “પાપ” શબ્દ ખોટાં કામને રજૂ કરે છે, જેમ કે ચોરી, વ્યભિચાર કે ખૂન. (નિર્ગ. ૨૦:૧૩-૧૫; ૧ કોરીં. ૬:૧૮) પણ અમુક કલમોમાં “પાપ” આપણને જન્મથી મળેલા પાપી સ્વભાવને રજૂ કરે છે, પછી ભલેને આપણે હમણાં સુધી કંઈ ખોટું કર્યું ન હોય.
c નીતિવચનો ૭:૭-૨૩માં જે યુવાન વિશે જણાવ્યું છે તે વ્યભિચાર કરી બેઠો. પણ ધ્યાન આપો કે એ મોટો નિર્ણય લેતા પહેલાં તેણે નાના નિર્ણયો લીધા હતા, જે એકદમ ખોટા હતા.
d ચિત્રની સમજ: ડાબી બાજુ: એક યુવાન ભાઈ કૉફી શૉપમાં છે. તે જુએ છે કે બે પુરુષો જાહેરમાં એકબીજાને પ્રેમ બતાવી રહ્યા છે. જમણી બાજુ: એક બહેન જુએ છે કે બે લોકો સિગારેટ પી રહ્યા છે.