વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૭/૧૫ પાન ૪-૭
  • ઈશ્વર પાસેથી આવતું જ્ઞાન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વર પાસેથી આવતું જ્ઞાન
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલ કેટલું જૂનું છે?
  • બાઇબલનો ઉપયોગ કેવી રીતે કરવો?
  • શું તમે બાઇબલમાં ભરોસો મૂકશો?
  • બાઇબલ શું શીખવે છે?
  • તમે શું કરશો?
  • બાઇબલ એટલે શું?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • શું ખુશખબર ખરેખર ઈશ્વર તરફથી છે?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
  • જીવનમાં સુખી થવા સાચી સલાહ ક્યાંથી મળી શકે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • બાઇબલ ઈશ્વરની વાણી છે
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૭/૧૫ પાન ૪-૭

ઈશ્વર પાસેથી આવતું જ્ઞાન

આપણે કઈ રીતે જાણી શકીએ કે કયું જ્ઞાન ઈશ્વરને પસંદ છે? એ જ્ઞાન માણસો પાસેથી નહિ પણ ઈશ્વર પાસેથી આવતું હોવું જોઈએ. એ ફક્ત અમુક જ ભાષામાં ન હોવું જોઈએ. દરેક ભાષાઓમાં હોવું જોઈએ. જો ન હોય તો માણસો કઈ રીતે જાણી શકે કે ઈશ્વરની કેવી રીતે ભક્તિ કરવી જોઈએ? શું માનવું કે ન માનવું જોઈએ? તેમના ભક્તોના વાણી-વર્તન કેવાં હોવાં જોઈએ? તો સવાલ થાય છે, ‘શું ઈશ્વરે આવી માહિતી આપી છે? આપી હોય તો કઈ રીતે આપી છે?’

આજે એવું કોઈ જ નથી જે જીવનભર આખી દુનિયા ફરીને દરેક વ્યક્તિને ઈશ્વરનો સંદેશો પહોંચાડે. માણસનું બહુ બહુ તો ૭૦-૮૦ વર્ષનું આયુષ્ય. આટલા ટૂંકા જીવનકાળમાં તે ઈશ્વરનો સંદેશો બધાને આપી શકે જ નહિ. પણ જો આપણી પાસે ઈશ્વરનો સંદેશો લખાણમાં હોય તો એ બધાને પહોંચાડી શકાય. સદીઓ પછી પણ લોકો એને વાંચી શકે. ખુશીની વાત છે કે આજે લખાણમાં તેમનો સંદેશો છે. હા, એ સૌથી જૂનું ધર્મશાસ્ત્ર છે. બાઇબલ. એ ઈશ્વર પાસેથી આવે છે. એ વિષે બાઇબલમાં એક ઈશ્વર ભક્ત લખે છે: “પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવ્યું છે. જે સત્ય છે તે શીખવવામાં, ખોટે માર્ગે જતા અટકાવવામાં, પ્રભુને જે પસંદ નથી તે જીવનમાંથી દૂર કરવામાં અને ન્યાયીપણાનું શિક્ષણ આપવામાં તે આપણને અતિ ઉપયોગી છે.” (૨ તીમોથી ૩:૧૬, IBSI) ચાલો આપણે તપાસીએ કે બાઇબલ ઈશ્વરની વાણી છે કે નહિ.

બાઇબલ કેટલું જૂનું છે?

દુનિયાના બીજા ધર્મશાસ્ત્રો કરતાં બાઇબલ સૌથી જૂનું છે. આજથી લગભગ ૩,૫૦૦ વર્ષ પહેલાં એ લખવાની શરૂઆત થઈ હતી. એ ઈશ્વરની પ્રેરણાથી લખાયું હતું. કોઈ એક માણસે જ લખ્યું ન હતું. એ લખવામાં લગભગ ૪૦ માણસોએ ભાગ લીધો હતો. ઈસવીસન ૯૮માં એનું લખાણ પૂરું થયું. એ પૂરું કરવામાં લગભગ ૧,૬૦૦ વર્ષ લાગ્યાં. આખા બાઇબલમાં ઈશ્વરના એક સરખા વિચારો જોવા મળે છે. કેમ કે એ તેમની પાસેથી આવે છે.

એ દુનિયાની લગભગ બધી જ ભાષાઓમાં મળી આવે છે. તમે પણ તમારી પોતાની ભાષામાં એ વાંચી શકો છો. દર વર્ષે, આખું બાઇબલ કે એના અમુક ભાગની લગભગ છ કરોડ પ્રતોનું વિતરણ થાય છે. આખું બાઇબલ કે એના અમુક ભાગોનું ૨,૩૦૦થી વધારે ભાષાઓ અને બોલીઓમાં ભાષાંતર થયું છે. તેથી, દુનિયાની લગભગ ૯૦ ટકા વસ્તી આખું બાઇબલ કે એના અમુક ભાગ પોતાની ભાષામાં મેળવી શકે છે. એ દરેક નાત-જાતના, અમીર કે ગરીબ બધા દેશના લોકો માટે છે.

બાઇબલનો ઉપયોગ કેવી રીતે કરવો?

તમારી પાસે બાઇબલ છે? ચાલો આપણે તપાસીએ કે એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય.a એની અનુક્રમણિકા જુઓ. મોટે ભાગે બાઇબલના આગળના ભાગમાં એ હોય છે. એમાં બાઇબલના દરેક પુસ્તકોનાં નામ અને એના પાન નંબર આપેલા છે. આના પરથી તમે જોઈ શકશો કે બાઇબલ નાનાં-નાનાં પુસ્તકોથી બનેલું છે. એ દરેક પુસ્તકના નામ છે. ઉત્પત્તિ બાઇબલનું પહેલું પુસ્તક છે. પ્રકટીકરણ કે સંદર્શન છેલ્લું પુસ્તક છે. બાઇબલ બે ભાગનું બનેલું છે. પહેલા ભાગમાં ૩૯ પુસ્તકો છે. એને હેબ્રી શાસ્ત્રવચનો કહેવામાં આવે છે. અમુક લોકો એને જૂનો કરાર કહે છે કેમ કે આ પુસ્તકો હેબ્રી ભાષામાં લખવામાં આવ્યાં હતાં. બીજા ભાગમાં ૨૭ પુસ્તકો છે. એને ગ્રીક શાસ્ત્રવચનો કહેવામાં આવે છે. અમુક લોકો એને નવો કરાર કહે છે કેમ કે એ ગ્રીક ભાષામાં લખવામાં આવ્યા હતા.

બાઇબલના પુસ્તકમાં ઘણા અધ્યાયો અને કલમો છે. આ મૅગેઝિનમાં બાઇબલના ઘણા વચનો જણાવ્યા છે. દાખલા તરીકે, “ર તીમોથી ૩:૧૬.” એનો શું અર્થ થાય? બીજો તીમોથી એ પુસ્તકનું નામ છે. પુસ્તકના નામ પછી પહેલા આંકડાને અધ્યાય કહેવાય છે. એના પછી બીજા આંકડાને કલમ કહેવામાં આવે છે. તો હવે તમે તમારા બાઇબલમાં આ કલમ શોધીને વાંચો.

બાઇબલમાં શું લખ્યું છે એ સારી રીતે જાણવું હોય તો એ દરરોજ વાંચવું જોઈએ. કેટલાક લોકો ગ્રીક શાસ્ત્રવચનોથી બાઇબલ વાંચવાની શરૂઆત કરે છે. એનું પહેલું પુસ્તક માત્થી છે. તમે જો દરરોજ ત્રણથી ચાર અધ્યાય વાંચશો તો એક વર્ષમાં આખું બાઇબલ પૂરું કરી શકશો. પરંતુ, ‘બાઇબલ ઈશ્વર પાસેથી આવે છે કે નહિ, એ આપણે કઈ રીતે જાણી શકીએ?’

શું તમે બાઇબલમાં ભરોસો મૂકશો?

બાઇબલ ઈશ્વર પાસેથી આવ્યું છે. એ લખવામાં આવ્યું ત્યારથી આજ સુધી દરેક મનુષ્યને એની સલાહ લાગુ પડે છે. એના શિક્ષણથી આપણને પણ ખૂબ જ લાભ થઈ શકે છે. ઈસુ ખ્રિસ્તે ખ્રિસ્તી ધર્મની શરૂઆત કરી હતી. તેમણે પહાડ પર આપેલું પ્રવચન આજે દુનિયાભરમાં જાણીતું છે. એ માત્થીના ૫-૭ અધ્યાયમાં તમને જોવા મળશે. એમાં જણાવ્યું છે: સાચું સુખ કઈ રીતે મળી શકે. ઝઘડો ઊભો થાય તો કઈ રીતે શાંતિથી હલ કરવો. પ્રાર્થના કઈ રીતે કરવી જોઈએ. પૈસા અને માલમિલકત જ કેમ મહત્ત્વના નથી? એમાં એવી બીજી ઘણી શિખામણ છે. આ આખું ધર્મશાસ્ત્ર સ્પષ્ટ રીતે બતાવે છે કે પરમેશ્વરની કૃપા પામવા આપણે શું કરવું જોઈએ. તેમ જ કેવી બાબતોથી દૂર રહેવું જોઈએ. એની સલાહ મુજબ ચાલવાથી આપણું પોતાનું જીવન સુધરશે.

બાઇબલ ઈશ્વર પાસેથી આવે છે એનો બીજો પુરાવો જોઈએ. એ વિજ્ઞાનની નજરે પણ સત્ય શીખવે છે. દાખલા તરીકે, એક સમયે મોટા ભાગના લોકો માનતા હતા કે પૃથ્વી સપાટ છે. પરંતુ, સદીઓ પહેલાં બાઇબલમાં લખાયું હતું કે ‘પૃથ્વી ગોળ ઘુમ્મટ’ છે.b (યશાયા ૪૦:૨૨, સંપૂર્ણ) વર્ષ ૧૬૮૭માં વૈજ્ઞાનિક સર આઈઝક ન્યૂટને શોધી કાઢ્યું કે પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળથી અધ્ધર લટકે છે. એના લગભગ ૩,૦૦૦ વર્ષો પહેલાં બાઇબલે કહ્યું હતું કે ‘પૃથ્વી અધ્ધર લટકે છે.’ (અયૂબ ૨૬:૭) આજથી લગભગ ૩,૦૦૦ વર્ષો પહેલાં આ જ શાસ્ત્રમાં જળચક્રનું વર્ણન કાવ્યમય ભાષામાં કરવામાં આવ્યું હતું: “સર્વ નદીઓ વહીને સમુદ્રમાં પડે છે, તોપણ સમુદ્ર ભરાઈ જતો નથી; જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.” (સભાશિક્ષક ૧:૭) હા, સૃષ્ટિના સરજનહારે પોતે આપણને બાઇબલ આપ્યું છે.

ઇતિહાસ પણ સાબિતી આપે છે કે બાઇબલ ઈશ્વર પાસેથી આવ્યું છે. એમાં જે બનાવો વિષે લખવામાં આવ્યું છે એ દંતકથા નથી. એ ક્યારે બન્યા એની તારીખ આપવામાં આવી છે. ક્યાં બન્યા એ જગ્યાનું નામ આપ્યું છે. ત્યારે કોણ રાજ કરતું હતું એ પણ જણાવ્યું છે. દાખલા તરીકે, લુક ૩:૧ કહે છે: “તીબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વરસે, જ્યારે પંતિયસ પીલાત યહુદાહનો અધિપતિ હતો, તથા હેરોદ ગાલીલનો રાજા હતો.”

જોકે, મોટે ભાગે પ્રાચીન ઇતિહાસકારો રાજાઓ અને તેઓએ લડાઈમાં મેળવેલી ભવ્ય જીતના જ ગુણગાન ગાતા હોય છે. પરંતુ, બાઇબલના લેખકો એકદમ પ્રામાણિક હતા. તેઓએ પોતાની ભૂલો પણ બધાની આગળ સ્વીકારી છે. દાખલા તરીકે, ઈસ્રાએલના રાજા દાઊદે ઈશ્વરની આગળ પાપ કર્યું ત્યારે તેણે આ રીતે પોતાની ભૂલ સ્વીકારી: ‘મેં જે કર્યું છે તેમાં મેં મોટું પાપ કર્યું છે; મેં ઘણી મૂર્ખાઈ કરી છે.’ આ શબ્દો બાઇબલમાં લખવામાં આવ્યા છે. (૨ શમૂએલ ૨૪:૧૦) મુસા પણ બાઇબલના એક લેખક હતા. તે એક વાર ઈશ્વરમાં ભરોસો બતાવવાનું ચૂકી ગયા હતા. એના વિષે તેમણે પોતે બાઇબલમાં લખ્યું છે.—ગણના ૨૦:૧૨.

બાઇબલના બીજા અનેક પુરાવાઓ બતાવે છે કે એ ઈશ્વર પાસેથી આવ્યું છે. જેમ કે, ભવિષ્યવાણી. એની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. એમાંની કેટલીક ઈસુ ખ્રિસ્ત વિષેની છે. દાખલા તરીકે, ઈસુ ખ્રિસ્તના જન્મના ૭૦૦ વર્ષ પહેલાં જૂના કરારમાં ભાખવામાં આવ્યું હતું કે ઈશ્વરે આપેલા વચનનું સંતાન “યહુદાહના બેથલેહેમમાં” જન્મશે.—માત્થી ૨:૧-૬; મીખાહ ૫:૨.

ચાલો બીજો એક દાખલો લઈએ. બીજો તીમોથી ૩:૧-૫માં બાઇબલ કહે છે: “અંતના સમયમાં મુશ્કેલીના દિવસો આવશે. માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, બડાશ મારનાર, અને અભિમાની બની જશે. તેઓ બીજાની નિંદા કરશે, માતાપિતાને આધીન નહિ રહે, આભાર નહીં માનનારા, નાસ્તિક હશે. તેઓ દયા વગરના, બદલો લેનારા, અફવા ફેલાવનારા, સંયમ નહિ રાખનારા, ઘાતકી, અને સત્યનો નકાર કરનારા હશે. તેઓ દગો દેનારા, અવિચારી, અભિમાનથી ફૂલાઈ ગયેલા અને ઈશ્વર પર પ્રેમ કરવાને બદલે વિલાસને ચાહનારા હશે. ધર્મના બાહ્ય રૂપને તેઓ પકડી રાખશે પણ તેના વાસ્તવિક સામર્થ્યનો નકાર કરશે. આવા પ્રકારના માણસોથી દૂર રહે.” (પ્રેમસંદેશ) શું આજે આપણને લોકોમાં આવું વલણ જોવા નથી મળતું? આ શબ્દો લગભગ ૧,૯૦૦ વર્ષ પહેલાં લખવામાં આવ્યા હતા!

બાઇબલ શું શીખવે છે?

જેમ જેમ તમે બાઇબલ વાંચશો, તેમ તેમ તમને જોવા મળશે કે એમાં માણસોના નહિ, પણ ઈશ્વરના વિચારો છે. એમાં દિલને ઠંડક આપતા આવા પ્રશ્નોના જવાબ છે: ‘ઈશ્વર કોણ છે? શું શેતાન ખરેખર છે? ઈસુ ખ્રિસ્ત કોણ છે? શા માટે આપણા પર દુઃખો આવે છે? મર્યા પછી આપણું શું થાય છે?’ ખરું કે લોકો તેઓની માન્યતા અને રિવાજ મુજબ આના જુદા જુદા જવાબ આપશે. પરંતુ, બાઇબલ આ અને આના જેવા અનેક પ્રશ્નોના સાચા જવાબ આપે છે. એ પણ જણાવે છે કે લોકો અને સરકારી અધિકારીઓ સાથે આપણે કેવી રીતે વર્તવું જોઈએ. બાઇબલના જેવી સલાહ આપણને બીજે ક્યાંય મળી શકે નહિ.c

આ ધરતી અને માણસજાત માટે ઈશ્વરનો મકસદ શું છે? એ વિષે બાઇબલ શું કહે છે? ઈશ્વરે વચન આપ્યું છે: ‘થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧) એ સમયે સર્વ માણસો પર ઈશ્વરનો આશીર્વાદ રહેશે. ‘તે સર્વની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી. તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી.’ (પ્રકટીકરણ ૨૧:૩, ૪) ‘થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે. નમ્ર લોકો આ ધરતી પર રહેશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે. તેમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

બાઇબલ કહે છે કે ત્યારે યુદ્ધો, ગુના, હિંસા અને દુષ્ટતા હશે જ નહિ. એનો બહુ જલદી જ અંત આવશે. અરે, ત્યારે માંદગી, ઘડપણ અને મરણ પણ નહિ હોય! દુષ્ટ લોકોનો નાશ થયા પછી, આ પૃથ્વી ફરીથી સ્વર્ગ જેવી સુંદર થઈ જશે. એમાં કોઈ પ્રકારનાં દુઃખ હશે જ નહિ. પછી તો બધા જ હળી-મળીને ઈશ્વરની સ્તુતિ કરશે અને સદા સુખ-ચેનમાં રહેશે! આ બધુ ઈશ્વરનો માણસજાત માટેનો પ્રેમ બતાવે છે!

તમે શું કરશો?

ઈશ્વરે આપણને બાઇબલની અદ્‍ભુત ભેટ આપી છે. એક હિંદુ માણસે કહ્યું, ‘જો કોઈ શાસ્ત્ર ઈશ્વર પાસેથી હોય તો એ સૌથી જૂનું હોવું જોઈએ. તો જ એમાંથી સર્વ લોકોને લાભ થઈ શકે.’ તેને પછી ખબર પડી કે બાઇબલના અમુક ભાગ વેદો કરતાં પણ જૂના છે. એટલે તેણે બાઇબલ વાંચવાનું નક્કી કર્યું જેથી તે જાણી શકે કે બાઇબલમાં એવું શું છે.d અમેરિકાની એક યુનિવર્સિટીના પ્રોફેસર પણ જોઈ શક્યા કે દુનિયાની મોટા ભાગની ભાષાઓમાં મળી આવતા બાઇબલ પર કોઈ પણ મંતવ્ય આપતા પહેલાં એને વાંચવું કેટલું જરૂરી છે.

બાઇબલ વાંચીને એની સલાહ જીવનમાં ઉતારવાથી ઘણા આશીર્વાદો આવે છે. બાઇબલ કહે છે: ‘જે યહોવાહના નિયમશાસ્ત્રમાં હર્ષ પામે છે તેને ધન્ય છે. રાતદિવસ તે તેના નિયમનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાએલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી; વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.’e (ગીતશાસ્ત્ર ૧:૧-૩) તમે બાઇબલ વાંચશો, એના પર મનન કરશો તો જરૂર તમારા દિલને ઠંડક વળશે. એમ કરવાથી ઈશ્વરના જ્ઞાન માટેની તમારી તરસ છિપાશે. (માત્થી ૫:૩) આ શાસ્ત્ર તમને ઈશ્વરના માર્ગે ચાલતા શીખવશે. તેમ જ મુશ્કેલીઓનો સામનો કરવા તમને મદદ કરશે. હા, બાઇબલમાં આપેલા ‘ઈશ્વરના નિયમો પાળવાથી’ આશીર્વાદો આવે છે. (ગીતશાસ્ત્ર ૧૯:૧૧) બાઇબલમાં ઈશ્વરે આપેલાં વચનોમાં શ્રદ્ધા મૂકવાથી તમને ભરપૂર આશીર્વાદો મળશે. એટલું જ નહિ, આ પૃથ્વી પર તમે સદા સુખ-શાંતિમાં રહી શકશો.

બાઇબલ આપણને આગ્રહ કરે છે: “જેમ નવું જન્મેલું બાળક દૂધ માટે ઝંખે છે તેમ તમે ઈશ્વરનાં વચન ગ્રહણ કરો.” (૧ પીતર ૨:૨, IBSI) નાનું બાળક દૂધ પર જ જીવે છે. તેને ભૂખ લાગે છે ત્યારે એની માટે રડે છે. એવી જ રીતે, આપણને પણ ઈશ્વરના જ્ઞાનની જરૂર છે. તેથી, તેમના જ્ઞાન માટે આપણે ભૂખ કેળવવી જોઈએ. બાઇબલમાં ખુદ ઈશ્વરનું સત્ય છે. એ દરરોજ વાંચો. વધારે જાણવા યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાતા લોકોને મળો. તેઓ રાજી ખુશીથી તમને બાઇબલમાંથી શીખવશે. તેઓ ન મળે તો આ મૅગેઝિનમાં આપેલા નજીકના સરનામે લખી શકો. અમારી પ્રાર્થના છે કે તમે પણ બાઇબલના ભરપૂર આશીર્વાદો મેળવો.

[ફુટનોટ્‌સ]

a તમારી પાસે બાઇબલ ન હોય તો તમે યહોવાહના સાક્ષીઓને જણાવી શકો. તેઓ તમને ખુશી ખુશી એની પ્રત લાવી આપશે.

b ઘણાં બાઇબલ યશાયાહ ૪૦:૨૨માં મૂળ હેબ્રી શબ્દ હુઘનું ભાષાંતર “મંડળ” કે “ગોળ” કરે છે.

c આ બધા વિષયોની ચર્ચા જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકમાં કરવામાં આવી છે. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

d એવું માનવામાં આવે છે કે ચાર વેદો (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ)ના શરૂઆતના શ્લોક લગભગ ૩,૦૦૦ વર્ષ અગાઉ રચવામાં આવ્યા હતા. પછી મૌખિક રીતે ગુરુથી શિષ્યોને આપવામાં આવ્યા. “ઈસવીસન ચૌદમી સદીમાં જ વેદોનું લખાણ કરવામાં આવ્યું.”—ભારતનો ઇતિહાસ (અંગ્રેજી), પી. કે. સરતકુમાર.

e બાઇબલમાં ઈશ્વરનું નામ ‘યહોવાહ’ છે. ઘણાં બાઇબલમાં ગીતશાસ્ત્ર ૮૩:૧૮માં ઈશ્વરનું નામ જોવા મળે છે.

[પાન ૭ પર ચિત્ર]

ઈશ્વરના જ્ઞાનની ભૂખ કેળવો. બાઇબલમાંથી શીખો

[પાન ૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

NASA photo

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો