હવામાન
વિષે ચર્ચાવિચારણા
તમે ગમે ત્યાં રહેતા હોવ અને તમે ગમે તેવી વ્યક્તિ હોવ છતાં, હવામાન તમારા જીવનને અસર કરે છે. સખત તાપ હોય તો, તમે એને અનુરૂપ કપડાં પહેરો છો. અને વાતાવરણ ઠંડું હોય તો, તમે એને અનુરૂપ કપડાં પહેરો છો. વરસાદ હોય તો? તમે જરૂર છત્રી લો છો.
ઘણી વખત, હવામાન આપણને આનંદિત બનાવે છે; અન્ય સમયે, આપણને નિરાશ પણ કરે છે. પ્રસંગોપાત, એ વાવાઝોડા, વંટોળિયા, અનાવૃષ્ટિ, બર્ફીલા તોફાન, અથવા ચોમાસારૂપે જીવલેણ પણ બને છે. તમને ગમે કે ન ગમે, એની નિંદા કરો કે અવગણના કરો, હવામાન તો હંમેશા રહે જ છે, આપણા જન્મથી માંડીને મરણ સુધી એ આપણા જીવનને અસર કરે છે.
કોઈકે કટાક્ષ કર્યો: “બધા જ હવામાન વિષે વાતો તો કરે છે, પરંતુ એ વિષે કોઈ કંઈ કરતું નથી.” ખરેખર, હંમેશા એમ લાગે છે કે હવામાનને કોઈ પણ રીતે બદલવું એ આપણા હાથ બહારની વાત છે. તેમ છતાં, ઘણા વૈજ્ઞાનિકો હવે એમ માનતા નથી. તેઓ કહે છે કે આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ અને અન્ય ગૅસ છોડવામાં આવતા હોવાથી આપણા હવામાન—આપણી આબોહવા—માં પરિવર્તન આવી રહ્યું છે.
નિષ્ણાતો મુજબ, આ આવનાર પરિવર્તન કેવું છે? આંતર-સરકારી આબોહવા પરિવર્તન સમિતિ (આઈપીસીસી)એ ૮૦ દેશોના ૨,૫૦૦ કરતાં વધુ આબોહવા-વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ અને જોખમ-વિશ્લેષણ નિષ્ણાતોના અભિપ્રાય લીધા અને એ શક્યપણે સૌથી સત્તાવાર જવાબ છે. પોતાના ૧૯૯૫ના અહેવાલમાં, આઈપીસીસીએ નિષ્કર્ષ કાઢ્યો કે પૃથ્વીની આબોહવા હૂંફાળી થઈ રહી છે. પરિસ્થિતિ આમ જ ચાલ્યા કરશે તો, શક્ય છે કે હવે પછીની સદી દરમિયાન તાપમાન ૩.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે.
અમુક ડીગ્રી વધવી ખાસ ચિંતાનો વિષય ન લાગી શકે, પણ જગતની આબોહવામાં થોડી પણ ગરમી વધવી વિનાશક થઈ શકે. આગામી સદી વિષે અનેક લોકોની આગાહી આ પ્રમાણે છે.
અસંતુલિત હવામાન. અમુક વિસ્તારમાં, અનાવૃષ્ટિ લાંબા સમય સુધી રહી શકે, જ્યારે કે અન્ય વિસ્તારોમાં, અતિવૃષ્ટિ થઈ શકે. તોફાન અને પૂર એકદમ ભયંકર બની શકે; વાવાઝોડું વધારે નુકસાનકારી બને. જોકે પૂર અને દુકાળને કારણે કરોડો લોકો મરે છે છતાં, ગોળાવ્યાપી ઉષ્ણતા મરણ આંક એથી પણ ઊંચો વધારી શકે.
આરોગ્યને વધતું જોખમ. ગરમી-સંબંધી માંદગી અને મરણ વધી શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, ગોળાવ્યાપી ગરમી વધવાથી જીવ-જંતુ વધી શકે, જે મેલેરિયા અને ડેંગૂ જેવા ઉષ્ણકટિબંધીય રોગ ફેલાવે છે. વધુમાં, વરસાદ અને હિમવર્ષામાં અસમતુલાને કારણે તાજા પાણીનો ઘટાડો થવાથી પાણી અને ખોરાકથી ફેલાતા રોગો તથા પરોપજીવોની સંખ્યા વધારી શકે છે.
કુદરતી સંપત્તિને ભય. આપણી હવા અને પાણીને શુદ્ધ કરનાર વન અને કળણભૂમિ, ગરમીથી અને અનિયમિત વરસાદથી જોખમમાં આવી શકે. વનમાં વારંવાર આગ લાગી શકે છે.
સમુદ્ર સપાટીનો વધારો. નીચાણવાળા સપાટ કિનારા પરના વિસ્તારોમાં રહેનારાઓએ ત્યાંથી ખસવું પડશે અથવા એવી ખર્ચાળ યોજનાઓ બનાવવી પડશે જે સમુદ્રને આગળ વધવા ન દે. કેટલાક ટાપુઓ પૂરેપૂરા ડૂબી જશે.
શું આવો ભય વાજબી છે? શું પૃથ્વીના હવામાનમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે? એમ હોય તો, શું માનવીઓનો દોષ છે? એટલું જોખમ હોવાથી, એમાં કંઈ આશ્ચર્ય નથી કે નિષ્ણાતો આ પ્રશ્નો પર ગરમાગરમ વિવાદ કરી રહ્યા છે. હવે પછીના બે લેખોમાં આની સાથે સંકળાયેલા અમુક વિવાદો તપાસવામાં આવ્યા છે, અને આપણે આપણા ગ્રહના ભાવિ વિષે ચિંતા કરવાની જરૂર છે કે નહિ એ પ્રશ્ન પર ચર્ચા કરવામાં આવી છે.