કુટુંબ માટે મદદ
પતિ-પત્નીના વિચારો એકસરખા ન હોય ત્યારે
પતિ-પત્નીની પસંદ-નાપસંદ, આદતો અને સ્વભાવ એકબીજાથી અલગ હોય છે. તેઓ માટે એ એક પડકાર બની શકે. એ સિવાય આવી મુશ્કેલીઓ પણ હોય શકે. જેમ કે,
સગાં-વહાલાં સાથે સમય પસાર કરવો
સમજી-વિચારીને પૈસા વાપરવા
બાળકો પેદા કરવા
તમે અને તમારા સાથી એકબીજા સાથે સહમત ન હો ત્યારે શું કરી શકો?
તમને શું ખબર હોવી જોઈએ?
હળી-મળીને રહેવાનો અર્થ એ નથી કે વિચારો એકસરખા હોય. હળી-મળીને રહેતા પતિ-પત્નીના વિચારો પણ એકસરખા હોતા નથી. અરે, મહત્ત્વના મુદ્દાઓ પર પણ તેઓના વિચારો સરખા હોતા નથી.
“હું એવા કુટુંબમાં જન્મી છું, જ્યાં અમે એકબીજા સાથે ઘણો સમય વિતાવતા. શનિ-રવિ અમે દાદા-દાદી, કાકા-કાકી અને ભાઈ-બહેનો સાથે હોઈએ. પણ મારા પતિના કુટુંબમાં એવું ન હતું. અમારા કુટુંબ સાથે અને દૂર રહેતા સગાં-વહાલાં સાથે કેટલો સમય વિતાવીશું, એ વિશે અમારા બંનેના વિચારો અલગ છે.”—ટેમરા.
“મારો અને મારી પત્નીનો ઉછેર અલગ-અલગ માહોલમાં થયો હતો. એટલે પૈસાને લઈને અમારા વિચારો એકબીજાથી અલગ હતા. લગ્નના શરૂઆતના મહિનાઓમાં અમારી વચ્ચે પૈસાને લઈને બોલા-ચાલી થતી. એનો હલ લાવવા અમારે ઘણી વાર વાતચીત કરવી પડી.”—ટાઇલર.
બે જણ એક જ દૃશ્ય જોઈ રહ્યા છે, પણ એના વિશે બંનેના વિચારો અલગ અલગ છે. એવી જ રીતે કોઈ બાબતમાં પતિ-પત્નીના વિચારો અલગ હોય શકે
અમુક મુશ્કેલીઓ એવી હોય છે, જેમાં નાની બાબતો જતી કરવાથી પણ ઉકેલ નથી આવતો. દાખલા તરીકે, સાસુ-સસરા બીમાર થાય અને તેઓની સંભાળ રાખવાની જરૂર પડે તો શું કરશો? અથવા પતિ-પત્નીમાંથી કોઈ એકને બાળક જોઈતું હોય અને બીજાને ન જોઈતું હોય, તો શું કરશો?a
“મારી પત્ની અને મારા વચ્ચે બાળકો પેદા કરવા વિશે ઘણી વાર લાંબી ચર્ચાઓ થઈ છે. બાળકો પેદા કરવા માટે તેની ઇચ્છા વધતી જાય છે અને અમારા વિચારો મેળ ખાતા નથી. એનો હલ લાવવાનો મને કોઈ રસ્તો સૂઝતો નથી.”—એલેક્સ.
વિચારો અલગ હોય તોપણ તમારું લગ્નજીવન સફળ થઈ શકે છે. અમુક નિષ્ણાતો કહે છે કે જો કોઈ ગંભીર મુદ્દા પર તમારા સાથી સહમત ન થાય, તો તમારી વાત મનાવવા કંઈ પણ કરવા તૈયાર રહેવું જોઈએ, પછી ભલે એવું કરવાથી તમારું લગ્નજીવન તૂટી જાય. પણ જો તમે એવું કરો છો, તો ઈશ્વર આગળ લીધેલા વચનને મહત્ત્વ આપવાને બદલે તમારી લાગણીઓને વધારે મહત્ત્વ આપી રહ્યા હશો.
તમે શું કરી શકો?
લગ્ન વખતે આપેલું વચન નિભાવો. જો તમે લગ્ન વખતે આપેલા વચન પ્રમાણે જીવવાની કોશિશ કરશો, તો તમે સાથે મળીને મુશ્કેલીઓનો હલ લાવી શકશો.
બાઇબલ સિદ્ધાંત: “ઈશ્વરે જેને જોડ્યું છે તેને કોઈ માણસે જુદું પાડવું નહિ.”—માથ્થી ૧૯:૬.
સમજી-વિચારીને નિર્ણય લો. દાખલા તરીકે, એક જીવનસાથીને બાળક જોઈએ છે અને બીજાને નહિ. એવા સમયે ઘણી બાબતો પર વિચાર કરવો જરૂરી છે. જેમ કે,
તમારો એકબીજા સાથેનો મજબૂત સંબંધ.
શું તમે લગ્નજીવન નિભાવવાની સાથે બાળકનો ઉછેર કરવાની જવાબદારી નિભાવી શકશો?
માતા-પિતાની જવાબદારી.
એમાં ખોરાક, કપડાં અને ઘર સિવાય બીજી ઘણી બાબતોનો સમાવેશ થાય છે
પૈસાની સગવડ.
શું તમે નોકરી, કુટુંબ અને બીજી જવાબદારીઓ એકસાથે સંભાળી શકશો?
બાઇબલ સિદ્ધાંત: “તમારામાંથી એવું કોણ છે જેને ઘર બાંધવું છે અને જે પહેલા બેસીને હિસાબ નહિ કરે કે તેની પાસે પૂરતા પૈસા છે કે નહિ?”—લૂક ૧૪:૨૮.
દરેક પાસા પર ધ્યાન આપો. જો કોઈ મુદ્દા પર તમારા વિચારો મેળ ન ખાતા હોય તોપણ તમે એનો હલ લાવી શકો છો. દાખલા તરીકે, જે સાથીને બાળક નથી જોઈતું, તે પોતાને આ સવાલો પૂછી શકે:
‘મને બાળક નથી જોઈતું, એનો શું એવો અર્થ છે કે મને હમણાં બાળક નથી જોઈતું કે પછી ક્યારેય નહિ?
‘શું મને ડર લાગે છે કે હું સારો પિતા અથવા સારી માતા નહિ બની શકું?’
‘શું મને ડર છે કે બાળક થયા પછી મારા જીવનસાથી મારા પર ધ્યાન નહિ આપે?’
બીજી બાજુ, જે સાથીને બાળક જોઈએ છે, તે પોતાને આ સવાલો પૂછી શકે:
‘શું આપણે માબાપ તરીકેની જવાબદારી ઉપાડવા તૈયાર છીએ?’
‘શું બાળકનો ઉછેર કરવા અમારી પાસે પૂરતા પૈસા છે?’
બાઇબલ સિદ્ધાંત: ‘જે બુદ્ધિ સ્વર્ગમાંથી છે એ વાજબી છે.’—યાકૂબ ૩:૧૭.
તમારા જીવનસાથીના વિચારોની કદર કરો. બે જણ એક જ દૃશ્ય જોઈ રહ્યા છે, પણ એના વિશે બંનેના વિચારો અલગ અલગ છે. એવી જ રીતે કોઈ બાબત પર પતિ અને પત્નીના વિચારો અલગ અલગ હોય શકે. દાખલા તરીકે, પૈસા વાપરવા વિશે બંનેના વિચારો અલગ અલગ હોય શકે. એવા સમયે તમે સહમત થતા હો એવા મુદ્દા પર વાત કરો.
તમારા કયા ધ્યેયો સરખા છે?
તમારા વિચારોથી શું ફાયદો થશે? તમારા જીવનસાથીના વિચારોથી શું ફાયદો થશે?
તમારા લગ્નજીવનને મજબૂત બનાવવા, શું તમે બંને પોતાના વિચારો બદલવા તૈયાર છો?
બાઇબલ સિદ્ધાંત: “દરેકે પોતાનો જ નહિ, બીજાના ફાયદાનો પણ વિચાર કરવો જોઈએ.”—૧ કોરીંથીઓ ૧૦:૨૪.
a મહત્ત્વની બાબતો પર લગ્ન પહેલાં જ વાતચીત કરી લેવી જોઈએ. તોપણ લગ્ન પછી સંજોગો બદલાય શકે છે અથવા સમય જતાં કોઈ એક સાથીના વિચારો બદલાઈ શકે છે.—સભાશિક્ષક ૯:૧૧.