પાદરીઓ ગુસ્સે થયા, પણ તેઓ શાંત રહ્યા
આરતુરભાઈ આર્મેનિયામાં સરકીટ નિરીક્ષક છે. તે એક મંડળની મુલાકાતે ગયા ત્યારે તેમને ખબર પડી કે એ મંડળનાં ભાઈ-બહેનોએ ટ્રૉલી દ્વારા ક્યારેય પ્રચાર નથી કર્યો. ભાઈની ઇચ્છા હતી કે એ મંડળનાં ભાઈ-બહેનો પણ ટ્રૉલી દ્વારા પ્રચાર કરે. એટલે આરતુરભાઈ અને તેમના પત્ની આનાબહેને, જિરાયરભાઈ સાથે મળીને એવી જગ્યાએ ટ્રૉલી મૂકી, જ્યાં લોકોની અવર-જવર વધારે હતી.
જોતજોતામાં તો ઘણા બધા લોકો ટ્રૉલી પાસે આવવા લાગ્યા અને સાહિત્ય લેવાં લાગ્યાં. જોકે થોડા સમય પછી, એવા લોકોની નજર ટ્રૉલી પર પડી જેઓને આપણું કામ પસંદ ન હતું. બે પાદરીઓ ટ્રૉલી પાસે આવ્યા. કોઈ પણ જાતની વાતચીત કર્યા વગર એક પાદરીએ તો ટ્રૉલીને સીધી લાત જ મારી. પછી તેણે આરતુરભાઈને એટલા જોરથી લાફો માર્યો કે તેમના ચશ્મા નીચે પડી ગયા. આરતુરભાઈ, આનાબહેન અને જિરાયરભાઈએ તેઓને શાંત પાડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તેઓ શાંત ના થયા. પાદરીઓ ટ્રૉલીને લાતો મારવા લાગ્યા અને એને તોડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એના લીધે આપણું સાહિત્ય જમીન પર વેરવિખેર થઈને પડ્યું હતું. ભાઈઓને અને આનાબહેનને પાદરીઓ ગમે તેમ ગાળો બોલવા લાગ્યા અને ધમકીઓ આપવા લાગ્યા. પછી પાદરીઓ ત્યાંથી જતા રહ્યા.
આ બધું થયા પછી આરતુરભાઈ, આનાબહેન અને જિરાયરભાઈ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયા. પોતાનાં સ્ટેટમેન્ટ આપ્યાં પછી, તેઓએ અમુક પોલીસવાળા અને ત્યાં કામ કરનારા બીજા લોકો સાથે બાઇબલ વિશે વાત કરી. પછી એ ત્રણેયને ઉપરી અધિકારી પાસે લઈ જવામાં આવ્યા. એ અધિકારીને ફક્ત એ જાણવું હતું કે તેઓ સાથે શું બન્યું હતું. તેમને એ જાણીને નવાઈ લાગી કે મજબૂત બાંધાના આરતુરભાઈને પાદરીએ લાફો માર્યો, તોપણ આરતુરભાઈએ સામો હાથ ઉઠાવ્યો નહિ. પછી તેમણે પૂછપરછ કરવાનું બંધ કરી દીધું અને યહોવાના સાક્ષીઓ શું માને છે એ વિશે પૂછવા લાગ્યા. વાતચીત એટલી લાંબી ચાલી કે ચાર કલાક વીતી ગયા! એ અધિકારીને યહોવાના સાક્ષીઓ વિશે જાણીને એટલું સારું લાગ્યું કે તેમણે કહ્યું, “તમારો ધર્મ તો જોરદાર છે! મને પણ તમારામાં જોડાવવું છે!”
આરતુર અને આના
બીજા દિવસે આરતુરભાઈએ ફરીથી એ જ જગ્યાએ ટ્રૉલી મૂકી. એક માણસે પાસે આવીને જણાવ્યું કે, તેણે ગઈ કાલની ઘટના જોઈ હતી. પછી તેણે આરતુરભાઈના વખાણ કર્યા કે આટલું બધું થવા છતાં તે શાંત રહ્યા અને બદલો ના લીધો. તેણે એમ પણ કહ્યું કે એ પાદરીઓ હવે તેની નજરમાંથી સાવ ઊતરી ગયા છે.
એ સાંજે અધિકારીએ આરતુરભાઈને ફરીથી પોલીસ સ્ટેશન બોલાવ્યા. પૂછપરછ કરવાને બદલે તે તો બાઇબલ વિશે વધારે સવાલો પૂછવા લાગ્યા. બીજા બે પોલીસવાળા પણ ત્યાં આવ્યા અને તેઓની વાતો સાંભળવા લાગ્યા.
એ પછીના દિવસે આરતુરભાઈ ફરીથી તે અધિકારીને મળવા ગયા અને આપણા વીડિયો બતાવ્યા. અધિકારીએ બીજા પોલીસવાળાને પણ એ બધા વીડિયો જોવા બોલાવ્યા.
એ પાદરીઓએ બહુ ખરાબ વ્યવહાર કર્યો, પણ એના લીધે ઘણા બધા પોલીસવાળાને યહોવા અને બાઇબલ વિશે જાણવા મળ્યું. તેઓ જોઈ શક્યા કે યહોવાના સાક્ષીઓ કેટલા સારા લોકો છે.